સોરઠને તીરે તીરે/૪. દરિયાનાં દેવદેવીઓ
એ તો હવે ગયા: એ ‘કૂકડૂ... કૂ' કરાવનારા અને કરનારા, તમામ ગયા. રહ્યાં છે ફક્ત પાંચસો-સાતસો ઉદ્યમવંત કોળી કુટુંબો. આ ખારવાઓ ‘બેટ'ને આરે બેઠાબેઠા જૂનાં વહાણો સમારે છે, નવાં બનાવે છે, કરાંચી-મુંબઈ ને કાલકોટની સફરે ચડે છે, વહાણ ચડવા અશક્ત હોય તે કુટુંબી જાફરાબાદ જઈ મચ્છી મારી ગુજારો કરે છે, બેક ગાઉની બેટ-ધરતીમાં અક્કેક-બબ્બે વીઘાંનું વાવેતર પણ અક્કેક કુટુંબને વાલ-રીંગણાં-મૂળા વગેરેની થોડી થોડી પેદાશ આપી રહે છે, જૂની વાવો એને પીવાનું જળ પૂરું પાડે છે. દરિયાનું નીર એને માછલાં આપવા ઉપરાંત, એના ખાટલાઓના માકડને પણ પોતાનાં જળચરોને મોંએથી વિણાવી દે છે. અરધા માઈલનો સમુદ્ર ઓળંગીને એની ખારવણો સામે ધરતી-કાંઠે બળતણનાં લાકડાં શોધવા જાય છે. (બેટ શિયાળમાં બળતણનો ખરો ત્રાસ છે; ઝાડી કે વન જરીકે ન મળે.) એ વિજોગણ ખારવણોનું નજીકમાં નજીક હટાણું દરિયારસ્તે પાંચ ગાઉ આઘેરા બંદર જાફરાબાદની હાટડીઓમાં: એની બીમારીની દવા કરનાર દુલા સવાઈ પીરનું નામ અને કોઈક રડ્યોખડ્યો હજામ: એનાં બાળકોની નિશાળ ફક્ત દરિયાની છાતી ઉપર: એનો ખરો ઉત્સવ એક હોળી. "અરે ભાઈ, તમે હોળી ટાણે આંઈ આવજો એટલે અમારાં લોકની ખરી મસ્તી જોઈ શકશો. આજ તો અમારા તમામ નાનામોટા જણ વહાણે ચડી ગયા છે, પણ હોળી માથે એ એકોએક આવી પોગવાનો. એક પણ જણ બા'ર નહિ રે'વાનો. પંદર દી અમે સૌ માણસું: દારૂડો પીશું, ગાંડાતૂર બનશું, ગાશું, ડાંડિયા લેશું, અમારી વાતું ને અમારાં ગીતો તે દીમાં નીકળશે. આજ તો બેટ ખાલી પડ્યું છે. અમારા ખરા જણ ક્યાં છે?" "દારૂ બહુ પીઓ છો?" "હા, તે ટાણે પીવાના. અરે, બાપડે ગોરખમઢીને બાવેજીએ લાગ્ય મહેનત કરી'તી ગામને દારૂ છોડાવવાની! કેટલાંક દી તો ટક્યું, પછી અમારા જણ ન રહી શક્યા; ને બાવોજી ગામ માથે કોચવાઈને આંઈનું પાણી હરામ કરી ચાલ્યા ગયા છે" આ દારૂની વાત ઉપર તો હું ચાલ્યો આવું છું. બાપડા ગોરખમઢીના બાવાજી નાહક ઊંડા પાણીમાં ઊ઼તર્યા. ખરું ડહાપણ તો દીઠું દુલા સવાઈ પીરમાં અને એના મુંજાવરમાં. આવી કશી લોકોદ્ધારની કડાકૂટમાં એ પડવાના જ નહિ. બેટના નિર્જન છેડાની છેલ્લામાં છેલ્લી અણી ઉપર, મોટા દરિયાની છોળો જ્યાં અથડાય છે તે ભેખડે, અખંડ એકાંતમાં બે કબરો છે: એક સવાઈ પીરની ને બીજી એનાં બહેનની. માતબર થાનક છે. શા સારું ન હોય? હિંદુ ને મુસલમાન, માછીમાર ને વાણિયા, વહાણધણી કે ખારવા તમામની માનતાઓ આ દરિયાના અધિષ્ઠાતા મનાતા દેવને અહર્નિશ ચાલી જ આવે છે. દરિયાની સાથે હંમેશાં ‘પીર'નો જ ભાવ જોડાયેલો છે. ‘દરિયાપીર' તો જૂનું નામ છે. કોણ જાણે કેમ, પણ પીરાણાનું દરિયાનું વાતાવરણ એકબીજાથી જે મેળ પામે છે, તે મેળ બીજાં દેવીદેવતા સાથે દરિયાને મળતો નથી. નહિ તો હિંદુઓએ કંઈ કમ દેવસ્થાનાં ઊભાં કર્યાં છે આ સાગરતીર ઉપર? ઠેર ઠેર મહાદેવ: ગોપનાથ, ઝાંઝનાથ, ચાંચુડા ને સોમૈયા સરીખા: ઠેર ઠેર ઈશ્વરાવતાર, વારાહરૂપ, જગત અને બેટ શંખોદ્વારના એકસામટા કૃષ્ણ-કુટુંબનું જૂથ. પણ એ બધાં કેમ દરિયાઈ વિભૂતિથી મેળ નથી લેતાં? મને લાગે છે કે પીર એટલે મૃત્યુની પ્રતિષ્ઠા. દરિયો પણ જીવન કરતાં મૃત્યુનો જ ભાસ વધુ કરાવે. એ બન્નેના વાતાવરણમાં કંઈક નિગૂઢ, ગેબી, અનંત પરલોકનું તત્વ પડ્યું છે, અવસાનનું મૌન છે, અફસોસની શાંતિ છે, કરુણાભરી નિર્જનતા છે, લોબાનના ધૂપમાંથી પથરાતી જે ગમગીન ફોરમ દરિયાના અનંત સીમાડા ઉપર ચાલી જાય છે તે ફોરમ ઘી-તેલનાં ધૂપદીપ, અગરચંદનનાં લેપતિલક, સિંદૂર-કુમકુમના સાથિયા, આંગી-રોશનીના ઝાકઝમાળ અને બીજા મંદિરિયા ઠાઠમાઠમાં નથી. દરિયો જાણે મહાકાળ છે. એનાં ઊછળતાં અથવા મૂંગાં પડેલાં પાણી હંમેશાં કોઈ શબ ઉપર ઓઢાડેલ સોડ્યની જ યાદ આપે છે. કંઈક વહાણો અને ખલાસીઓના મૃતદેહ એ કફનની નીચે પોઢેલાં છે. માટે જ મને લાગે છે કે પીર અને સાગર વચ્ચે કોઈક પ્રકારની તદ્રુપતા હશે. ને આ પીરની કલ્પનામાં ભયનું તત્ત્વ ઓછું છે. પોરબંદરને દરિયે પેલા મિયાંણીપટ્ટણનાં ખંડિયેરની નજીક, ખાડીને સામે પાર કોયલો ડુંગર છે, તેની ‘કોયલાવાળી' દેવી હર્ષદી આઈનો ઈતિહાર તો ભયાનક છે. એક વાર એ ‘કોયલાવાળી' માતાનું બેસણું એ ડુંગરની ટોચે હતું. પણ સન્મુખ પડેલા મોટા દરિયામાં જે જે વહાણો નીકળતાં ને આ દેવીની કરડી નજરમાં આવતાં તે બધાં પાણીમાં ગરક બની જતાં. પછી બાપડા કચ્છના પરગજુ શેઠ જગડૂશાએ માતાજીને વીનવ્યાં કે, ‘ભલાં થઈને કોઈ વાતે તમે ત્યાં શિખરે બેસીને વહાણો ભરખવાનું છોડીને નીચે તળેટીમાં પધારો! આઈ કહે કે, મારે પગલે પગલે અક્કેક પાડાનો ભોગ પૂરો પાડ તો હું નીચે ઊતરું, ‘એમ તો એમ!' કહીને જગડૂશાએ પાડા એકઠા કર્યાં, પગલે પગલે અક્કેક નિર્દોષ પાડો વધેરીને આઈને નીચે લીધાં, પણ છેલ્લાં ચાર પગલાં બાકી રહ્યાં ત્યાં પાડા ખૂટી પડ્યા! હવે? આઈ કહે કે આ ને આ ઘડીએ ભોગ લાવ, નહિ તો હું પાછી ચડી જઈશ! જગડૂશાને સુભાગ્યે એની સાથે પોતાનો દીકરો ને દીકરા-વહુ હાજર હતાં. ને ઘણાંખરાં કુટુંબોમાં આજ પણ છે તે મુજબ દીકરો ને દીકરાવહુ તો ઘરનાં પશુ (તે પણ પાછાં બલિદાન ચડાવવાનાં પશુ) જ તે કાળેય મનાતાં હશે. આજે એ જોડિયો બલિ સમાજના દાનવને ચડે છે, તે કાળે દેવદેવીને ચડતો. ટૂંકમાં, પછી માતાજીનાં બે પપગલાં આ પુત્ર અને પુત્રવધૂનાં શોણિતે છંટાયાં, ને દેવી તૃપ્ત બનીને તે કાળથી હવે તળેટીમાં જ બિરાજેલ છે. દરિયા આડો કોયલા ડુંગરનો પડદો દેવાઈ ગયો છે એટલે હવે ખારવાઓનો જળમાર્ગ સલામત બનેલ છે. આ હિસાબે પીરની બાપડાની રંજાડ છે કશીયે? ભેંસલાને માથે રાત રહેનારને અબુ પીર ભલે ફગાવી દ્યે છે, પણ એનું ફગાવવું એટલે માણસના ફોદેફોદા વેરી નાખવા જેવું નહિ. સવારે જાગ્રત થયેલો માણસ જુએ તો પોતે કોઈક સલામત ધરતીમાં નિરાંતે પડ્યો હોય! ગ્રીક પુરાણકથા માંહેલો જળદેવ નીરિયસ ભાભો પણ એવો જ ભદ્રિક પીર છે. શાંતિમય સાગરજળનો એ અધિષ્ઠાતા પોતાની પચાસ નાની છોકરીઓનું જૂથ લઈને દરિયે ભમ્યા કરે છે અને શ્રદ્ધાળુ નાવિકોને રક્ષા આપે છે. સવાઈ પીરને વિષેય આવી જ આસ્થા છે. પાંચેક વર્ષો પર મેં દ્વારિકાથી આરંભડાને યાત્રાપંથે થઈ બેટ શંખોદ્વારની મુસાફરી કરી હતી તે અત્યારે યાદ આવવાનું બીજું એક કારણ મળ્યું. આંહીં થોડાંક ઝાડ એવાં ઊભાં છે, કે જેની એક બાજુએથી ડાળપાંદડાંનું ઝુંડ જાણે કે સોરાઈ ગયું છે ને વધતું નથી, એટલે બીજી એક બાજુએ જ વધતી જતી ઘટા એવો ખ્યાલ કરાવે કે જાણે વૃક્ષ કોઈ અમુક દિશામાં નમી રહેલ છે. દ્વારિકાથી આરંભડા સુધીની સડક પરનાં તમામ વૃક્ષોની આ હાલત છે. બેટ શંખોદ્વારના પુરોહિતો આવા દૃશ્યનો ઉપયોગ ન કરે એ તો કેમ બને? તેઓએ યાત્રિકોને ઠસાવ્યું: દેખ્યું કે, ભાઈઓ! દ્વારિકાપુરીથી આ તમામ વૃક્ષો પણ બેટ પ્રત્યે જ અભિમુખ બની રહેલ છે, એ પણ યાત્રાળુઓ જ છે, ને જાણે કે બેટના કૃષ્ણધામને અહોરાત વંદના દઈ રહેલ છે. જુઓ તો ખરા, આ વનસ્પતિ જીવોનીય પ્રભુભક્તિ! કાનમાં કહું? સમુદ્રનો ખારો વાયુ એ દિશામાં વાઈ વાઈને એક બાજુએ ઝાડની વૃદ્ધિ થવા દેતો નથી. તે જ આ ‘વૃક્ષ-વંદના'નું વૈજ્ઞાનિક રહસ્ય છે પણ મને આશ્રર્ય જ એ થાય છે કે આ શિયાળબેટની અંદર પ્રાચીન ખંડેર. ચેલૈયાના અવશેષ, આટલી ફક્કડ પ્રતિમાઓ, આવાં વંદનશીલ વૃક્ષો, અને આવી વહેમભીરુ અજ્ઞાની વસ્તી વગેરે બધી વાતની અનુકૂળતા છતાં કેમ કોઈ પુરોહિત આંહીં યાત્રાધામ ઊભું કરવા પહોંચ્યો નથી? કોઈક દ્વારિકા, બેટ કે સોમનાથની માતબર પેઢીએ કેમ આંહીં પોતાની ‘બ્રાન્ચ' નહિ નાખી દીધી હોય? હૈયાફૂટા ગોરખમઢીવાળા સાધુએ આવું કશું કરવાને બદલે નાહક દારૂ છોડાવવાની હિલચાલ કરી! આવા, લગભગ જાતે જ આવીને આંહીં જાત્રાધામ સ્થાપવાના લલચામણા વિચારો મનમાં ચાલી રહ્યા હતા, ત્યાં તો ઘૂઘા પગીએ કહ્યું કે, "ભાઈ, ઝટ ચાલો હવે, મછવો તીયાર છે. ને જાફરાબાદ અરધી જ કલાકમાં પુગાડે તેવો વાવડો છે, માટે ઊઠો!" "ને... શેઠ!" જુવાનોએ કહ્યું: ('શેઠ' સંબોધન મને હંમેશાં ચોંકાવે છે. કેમ કે એની પછવાડે ‘કોઈક ધૂતવાલાયક ધનિક' હોવાની કલ્પના ઊભેલ હોય છે. બાપડા અમૃતલાલભાઈ [૧] ને એનો કપરો અનુભવ છે) "શેઠ, તમે કાં હોળી માથે આવો, ને કાં આવો જેઠ મહિને. જેઠ મહિને અમારો એકોએક જણ આવી જશે, અમારાં તમામ વાણુંને અમે ઘસડીને આંહીં ઊંચે ચડાવી દેશું. ને પછી અમારા વિવા'વાજમ હાલશે, તે ઠેઠ બળેવનો દરિયો પૂજીને પાછા વાણે ચડી જશે અમારા જુવાનો."
- અમૃતલાલ શેઠ