સોરઠને તીરે તીરે/૭. વસ્લની રાત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૭. વસ્લની રાત

રાતના આઠ વાગ્યે જ્યારે હું ને ઘૂઘો પગી નાસ્તો લઈને ગામમાંથી કિનારે આવ્યા ત્યારે સુકાન પર બેઠેલો સામતભાઈ રોટલો ચાવતો હતો. “અરે અરે, સામતભાઈ!” મેં કહ્યું: “હું નાસ્તો લાવું છું એમ કહીને ગયો'તો ને?” “તમ તમારે નાસ્તો જમો, ભાઈ; મારે રોટલો ઘણો છે.” "એમ હોય કાંઈ?" મેં ત્રણ જણ વચ્ચે નાસ્તો પાથરવા માંડ્યો. "ના ભાઈ, તમે નોખા જમો - અમને એમાંથી થોડુંક આપી દ્યો. તમે ઊંચ વરણ કે'વાઓ." મેં જીદ કરીને પણ ભેળા જ નાસ્તો જમી મારું સ્વભાવગત શૂદ્રપણું સાબિત કર્યું. અથવા મારા મનને એમ મનાવી લીધું કે હું શૂદ્ર જ છું. જમાનો હવે શૂદ્રોના શાસનનો આવ્યો ખરો ને, એટલે મારા જેવા અનેક સમયવર્તીઓ પોતાને ‘શ્રમજીવી'માં, ‘મજૂર'માં ને શૂદ્રમાં ખપાવવાની કોશિશ કરશે. જમાનો જો નાગરોનો હોય તો જેમ પ્રશ્નોરાને ‘કેવા છો' પૂછતાં ‘પ્રશ્નોરા નાગર છીએ' એવો જવાબ મળે, ને વાણિયો પણ ધીરે ધીરે કોઈ રીતે ‘ઊંચ વરણ'માં ઘૂસવા પ્રયત્ન કરે, લુહાણા બીજી રીતે ન ફાવવાથી જેમ છેવટે લવ-કુશની ઓલાદ બની જઈ ક્ષત્રિયમાં ઘૂસે - એટલે ઊંચ જાતિઓના આધિપત્યના યુગમાં તમામ લોકો ‘ઊંચપણા'ની પૂછડી પકડવા યત્ન કરે, તેમ અત્યારે હવે ઊલટા વા વાય છે! એનો પુરાવો હું પોતે. “ભાઈ!” સામત બોલ્યો: આજ પીરે જાનારા ઘણા જણા આવવાના છે, માટે તમે આંઈ સોખવાણ (સુકાન) પાસે મારી ભેળા આવી જાવ. આપણને બેયને ઠીક પડશે.” મેં સામતભાઈની ગોદમાં બિછાનું પાથર્યું. પૂછ્યું: “આપણે પાછા ક્યારે ઊપડશું?” “ચંદરમા આથમ્યે આર ઊતરીને વીળ્યનાં પાણી ચડશે ને ભાઈ, તયેં મછવો હંકારશું. વીળ્ય ને વાવડો બેયનો લાગ જડશે.” એમ કહી સામતે ભંડકિયામાંથી એક પુરાતન હાફ-કોટ કાઢીને ઠંડીમાં કંપતે કંપતે ધારણ કર્યો. “સામતભાઈ, મોટી મુસાફરીઓમાં માર્ગ ને દિશા કેમ સૂઝે?” “દરિયામાં કેડા તો થોડા છે, ભાઈ? પણ દિયાળે કરતાંય રાતે અમારી આંખું વધુ ભાળે: ક્યાં કાદો છે, ક્યાં ડાંડો છે, એ સંધું અમે અમારી આંખ્યુંને મહાવરેથી પાણીની હેઠ્યે માપી શકીએ. ને મોટા દરિયામાં દૃશ્ય [૧] સૂઝે અમને આભનાં ‘લાખતર' ઉપરથી.” લાખતર એટલે નક્ષત્ર. ડોલતા નાવડામાંથી નોખનોખી દિશામાં આંગળી ચીંધતો ખલાસી એનાં રોજ રાત્રિનાં આકાશી સાથીઓની ઓળખાણ આપવા લાગ્યો: “જુવો ભાઈ, ધરૂ (ધ્રુવ): એની સામે આ ચોકી: આ ઉગમણ્ય ને આ આથમણ્ય; આ ધરૂ અને ઉગમણ્યની વચ્ચે કળાય એ સુરતી લાલ: ધરૂ ને આથમણ્યની વચ્ચે ચળકે એ મકરાણી લાલ: આ મકરાણી લાલની સામો રિયો એ બખાઈ લાલ: આ ડુંગરને પડખે ટમકે હિંદવાણી લાલ. હવે આમાં બખાઈ લાલની દૃશ્યે આવ્યો અપાર મોટો દરિયો. એ દૃશ્યે ન હંકારીએ.” મને લાગ્યું કે બખાઈ લાલ એટલે આફ્રિકા અને હિંદ બન્ને વચ્ચેની સીધી દક્ષિણ દિશા હશે. નર્યું નકશાનું જ્ઞાન! “હવે ભાઈ,” સામતે સમજાવ્યું; “ગમે તેવી મેઘલી રાત હોય, મે હોય, પણ ચાર દશ્યમાંથી એક જ દશ્ય ઉઘાડી હોય ને એક જ લાખતર દેખાતું હોય, તો અમે તમામ કેડા નક્કી કરી શકીએ.” “દિશા બિલકુલ ન કળાય તો?” “તો વાણ હોદારીને બેઠા રહીએ જ્યાં હોઈએ ત્યાં. સવાઈ પીર! સવાઈ પીર! પીર કનારે પોગાડે તયેં ખરું. નીકર અમારાં મોત તો રતનાગરને ખોળે જ લખ્યાં છે ને?” આ ‘લાલ' પ્રત્યયવાળાં નામોથી શોભતાં નક્ષત્રોની પિછાન તો મને નહોતી, પણ ખલાસીઓએ પોતાના તારલ દોસ્તોને ‘લાલ' જેવું લાડલડાવણ વિશેષણ આપવામાં તો પોતાની રસિકતા જ બતાવી છે. અથવા પછી સન્મુખલાલ, મોહનલાલ વગેરેની માફક વહાણવટીઓએ તારાઓને પણ વાણિયા-બ્રાહ્મણ જેવા ઊંચા વર્ણોમાં મૂક્યા હશે! ખેર. “હેં સામતભાઈ,” ‘હડકી વારી આઈ'ની વાત મારા મનમાં તાજી હોવાથી મારો પ્રશ્ન ઊઠ્યો: “દરિયો ખેડો છો તો કદી ચળીતર-બળીતર દીઠામાં આવ્યું છે ખરું?” “તયેં નહિ, ભાઈ?” સામત શૂન્યમાં કશુંક ભાળતો હોય તેમ શરીર સંકોડી ગયો. એની પીળી આંખો પાધરા દરિયામાં તાકી રહી; એનો અવાજ ઊંડો ઊતર્યો. કોઈનો ઓછાયો પડી રહ્યો હોય તેવે ધાસ્તીને સ્વરે એણે સુકાન સાથે લપાતે લપાતે વાત કહી: “તેં દી હું મારા મામાના વા'ણમાં ચડતો. મારી જુવાની હતી. એક વાર કાલકોટની ખેપેથી અમે ચાલ્યા આવીએ. જાફરાબાદની ઓલીકોરનો દરિયો હતો. અધરાત પછીની વેળા હશે, અંધારું હતું. મામો કહે કે, ‘છોકરાઓ, તમારા ચારમાંથી બે જાગો ને બે થોડાં ઝોલાં લઈ લિયો. વારફરતી જાગો.' એ રીતે હું પે'લા વારામાં ઊંઘી ગયો. ઘસઘસાટ ઊંઘું છું ત્યાં સોખવાણે બેઠેલ મારા મામાએ બૂમ પાડી: ‘એલા છોકરાવ, જાગો, ઝટ જાગો, ને કાકડી કરો: વાંસે આગબુટ વઈ આવે છે. હમણાં આપણી ઉપર આવી પડશે; ઝટ કાકડી કરો!' “સાંભળીને હું તો આંખો ચોળતો દોડ્યો. અંધારે અંધારે લૂગડાની કાકડી પડેલી તે ઘાસલેટના ડબામાં બોળીને મેં તો દીવાસળી કરીને કાકડી ચેતાવી. હજી ચેતાવું ન ચેતાવું ત્યાં તો બા...પા! એક જબરી આગબુટ અમારા વાણને પડખે થઈને નીકળી. માલીપા ઝડ ઝડ દીવા બળે છે, અને માણસ, માણસ, ઓહો કાંઈ માણસ હુકળે! માણસોની વાતુંચીતું સંભળાય. ધમધમાટ કરતી આગબુટ વાણની પડખે થઈને ચાલી ગઈ; અમે જોઈ રિયા. પણ ત્યાં તો કેવી આગબુટ ને શી વાત! કશુંય મળે નહિ. કાંઈ દીઠામાં ન આવ્યું. એવી મોટી આગબુટ એક ઘડીમાં ક્યાંઈક ગેબ થઈ ગઈ. “અમે પાંચેય જણ તો વા'ણમાં સૂનમૂન થઈ રિયા. હેબતાઈ ગયા. કોઈ બોલે કે ચાલે! પાંચેનાં કલેજાં ઉપર કાંઈક ધરબાઈ ગયું જાણે. “પછી મારા હૈયામાં શ્વાસ આવ્યો. મેં ઊઠીને સહુને કહ્યું કે ભાઈ, આ બીજું કશું નો'તું; કોઈ આગબુટ નો'તી. નક્કી આ ‘વીજળી'નું ચળીતર હતું. આંઈં જ ‘વીજળી' બૂડી'તી. હમણાં આપણને ભરખી જાત. પણ સવાઈ પીરે આપણને ઉગાર્યા! આવું ચળીતર અમે તે દી રાતે દેખેલું, ભાઈ! ‘વીજળી'નું જ ઈ ચળીતર. પછી અમે વા'ણની મોરીને માથે તે વેળાએ લોબાનનો ધૂપ કર્યો, ને રતનાગર સાગર પાસે પાઘડી ઉતારીને સલામું કરી.”

ખાડીમાં કંઈક વહાણો લોથારી (લંગર) નાખી પડ્યાં હતાં. ચંદ્રમાનાં અંઘોળ ઝીલતું આકાશ શાંતિમય હતું. ઓટનાં પાણીને લઈને પાછો ચાલ્યો જતો દરિયો, અનેક ધોળાં ગાડરનું ટોળું હાંકીને વગડે જતા ગોવાલ જેવો, પોતાની નિગૂઢ સરજૂ લલકારતો હતો. તે વખતે વહાણ ઉપર કશીક તકરારના બોલ સાંભળીને સામતના કાન ચમક્યા. એણે લોથારી ઉપાડી લઈને પોતાના દસેક માણસે ભર્યો મછવો એ વહાણની નજીક લીધો. વહાણમાંથી અવાજ આવ્યો: "કાં સામત?" "કોણ? રૂખડમામો કે?" "હા ભાઈ! હાલ્ય રોટલો ખાવા." "મીંએ ખાધું, તમે ખાવ. પણ રીડ્યું શીની પડતી'તી, મામા?" "સાચું કે'જે, સામત!" રૂખડમામાએ ભોળી વાણી કાઢી: "મારી વઉ બેટમાંથી આંહીં કામકાજે આવી હોય, ને પાછી જાવા સારુ તારે મછવે ચડે, ને તું ઈની પાસે ગેરવાજબી માગણી કર, તો કીમ?" "અરે રામ રામ! મારો પીરનો મછવો: ઈમાં એવી નાલાયકી હોય? કુણ ઈમ બોલનારો હતો?" "આપણા બેટવાળો કરણો. મારી બાયડીને ઈણે આવું વેણ કહ્યું. ઈ બાપડી આંઈ આવેલી તયેં પૈસા આપીને ઈને મછવે ચડવા ગઈ'તી." "હશે ભાઈ, નાલાયકને શું કે'વું! વાત પડી મેલ્ય; ને હાલ્ય મામા, આવવું છે બેટ?" "હા, માલ હજી ભરાણો નથી એટલે આજની રાત છોકરાંને મળી જાવા આવવું છે." મછવો રૂખડ મામાને લઈને ઊપડ્યો. "હાલ્યો આવજે ઘેરે!" રૂખડમામાએ ખાડીમાં ચીસ નાખી: "કરણા, હાલજે ઘેરે; જો બીજે કીંયે જાતો નહિ. હું ઘેરે જ જાઉં છું. ત્યાં મળશું આપણે." મે કહ્યું: "રૂખડભાઈ, એ ખારવાએ તમારી વહુને આમ કહ્યું એ તો બહુ ગેરવાજબી! તમે હવે એને શું કરશો?" "શું કરીએં ભાઈ?" રૂખડે ખામોશભર્યો સ્વભાવ પ્રગટ કર્યો: "અમારે રોજ દરિયા ખેડવા: બાયડિયું ઘેરે એકલી: એને પાશેર મરચું જોતું હોય તોય આંઈ લેવા આવે: એમાં કોઈક નાલાયક આવું બોલે તો એને ઠપકો દઈએ, બીજું શું કરીએ, ભાઈ? કજિયા માંડવા ક્યાં બેસીએ?" કોઠો ટાઢો કરીને રૂખડ ઘસઘસાટ સૂઈ ગયો. બીજાં દસ જણાંએ પણ નીંદર ખેંચી. હું અર્ધનિદ્રિત હતો. એકલો સામત સુકાન સાચવતો, શઢને વાવડાની દિશા પ્રમાણે વારે વારે ફેરવી ફેરવી બાંધતો, સીધી તીર સરીખી નજરે સન્મુખ કેડો માપતો જાગે છે. એણે ગાંજાની સટ બે-ત્રણ વાર ચડાવી છે. ત્રણ વાર તો સહુ મુસાફરોને ચા કરીને પાઈ છે, સહુને ઉંઘાડીને પોતે એકલો જાગે છે: तस्यां जागर्ति संयमी । પેટના રોટલા સારુ એણે ત્રણ રાતથી ઝોલું નથી ખાધું. "ભાઈ, આજે ત્રીજો ઉજાગરો છે મારે." "આંહીંથી સીધા આપણે પીરે મછવો હંકારશું; ત્યાં આ સહુને ઉતારીને પછેં ‘પોટા' માથે હાંકી મેલશું, હો ભાઈ! વીળ્ય છે તાં જ પોટે પોગાડી દેશ તમને." "ફિકર નહિ, સામતભાઈ!" ચાંચ અને શિયાળબેટ વચ્ચે, જળની હેઠે છુપાઈ રહેલી દાંતી છે. વચ્ચે એક જ ઠેકાણે થઈને ‘સવાઈ પીર'ની અણી ઉપર જવાય છે. જરાક ચૂક પડે તો મછવો કે વહાણ એ દાંતીનો ભક્ષ બને. મારી કાંડાઘડિયાળના સળગતા આંકાએ અંધારામાં જ્યારે બે બજ્યાનો અમલ બતાવ્યો, ત્યારે સામત સહુને ‘પીર'ને કિનારે ઉતારી નાખી, મને અને ઘૂઘાને લઈ પાછો વિક્ટરની ખાડી તરફ મછવો વાળી રહ્યો હતો. હવે તો વિક્ટર જઈને જાગવું છે, એ વિચારે હું ભરનીંદરમાં પડ્યો.

  • દૃશ્ય = દિશા