zoom in zoom out toggle zoom 

< સોરઠી ગીતકથાઓ

સોરઠી ગીતકથાઓ/11.મારૂ — ઢોલો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
11.મારૂ — ઢોલો

એક રણવાસી અને બીજું પહાડવાસી, એવાં બે પ્રેમીઓની આ વાર્તા છે. મારવાડ દેશના જેસલમીર રાજની અને સિંધ દેશની વચ્ચે થળપારકરનું વિશાળ ગાઢું રણ પડ્યું પડ્યું સળગે છે. એક દિવસ એ મરુભૂમિના કોઈ ગામડાનો ઠાકોર પોતાની ઠકરાણી સાથે સોરઠમાં જાત્રાએ નીકળ્યો. એના ગામનું નામ એક દોહામાં પીંગળગઢ બોલાયું છે અને એ ઠાકોરને એક દુહો પીંગળરાવ કહી ઓળખાવે છે. જાત્રાનું ધામ દુહામાં નથી જડતું, પણ લોકવાણી પ્રભાસપાટણ ભાખે છે. મરુભૂમિનાં એ બે વાસીઓ સોરઠના આથમણા કિનારાની હરિયાળી ભોમમાં ઊતરે છે અને બીજાં બે જાત્રાળુઓ સાથે મેળાપ કરે છે. એ પણ પતિ–પત્ની છે. દોહામાં પતિનું નળરાજ એવું નામ અપાયું છે. એના ગઢગામડાનો ઉલ્લેખ નથી મળતો.

ચારેય જાત્રાળુઓ સોમનાથના એ તીર્થધામમાં, સાગરની પાળ્યે, કોઈ ઘટાદાર પારસ-પીપળાને છાંયડે ચોપાટ રમ્યાં. ભાઈબંધી જામી પડી. ચાર ઉપરાંત બીજા પણ બે જીવ માતાના પેટમાં સૂતાં સૂતાં એ મિત્રતાની લહેર પામી રહ્યાં હતાં. બંને ઠકરાણીઓનાં ઉદરમાં ઓધાન હતાં.

રણનાં બે વાસીઓ એ લીલુડી કંઠાળ ભોમમાં લાંબો સમય ઠહેરી ગયાં. દોસ્તીમાં જડાયેલાં જીવને વતન જવું ગમતું નહોતું. બંને ઠકરાણીઓને પ્રસવ થયો. રણકાંઠાની રહેનારીને દીકરી જન્મી; પહાડની વસનારીને પુત્ર આવ્યો. બાળકો પારણે રમતાં હતાં. જોડી બરાબર મળી જતી હતી. બંનેના વેવિશાળ કરી, બોલ બોલી, ગોળ ખાઈ, માવતર વિખૂટાં પડ્યાં. મરુભોમનાં વાસીઓ પારકર વટાવીને પોતાને ગઢગામડે ઊતરી ગયાં.

પછી તો ઘણાં વર્ષો વીત્યાં. કારમો કાળ વર્ત્યો, સોરઠમાં દીકરાનાં માબાપ મરી ગયાં. મરુદેશની કન્યાનાં માવતરના પણ દેહ પડ્યાં. છેટાંની વાટ, પારણાંના વેવિશાળની કોઈને પૂરી ખબર પણ નહીં, ટપાલ-ખેપિયાનો વ્યવહાર ન મળે; એટલે જૂનો સંબંધ ઘસાઈ-ભૂંસાઈને લુપ્ત થઈ ગયો. સોરઠી ભોમનો જુવાન બેટો ઢોલો સગાસંબંધીઓના ગોઠવેલા લગ્નફાંસલામાં પડી ગયો. એની ધણ(સ્ત્રી)નું નામ માલવણ; ઢોલાને એના બાળવિવાહ વિશે કોઈ જાતની ખબર જ નથી.

એ જ સમયે મરુભોમની માવતરવિહોણી કન્યા મારૂનેય જોબન બેઠેલ હતું, પણ એને તો પોતાનાં પારણાં-વિવાહની જાણ થઈ ચૂકી છે, એટલે એ વાટ જોતી બેઠી રહી છે. આશા છે એ કોઈક દિવસ પહાડી સ્વામી હાથ ઝાલવા આવી પહોંચશે. ઘણો કાળ વીત્યો, તોયે કોઈ ન આવ્યું. સોરઠથી થળપારકરને કાંઠે ઊતરનારાં વટેમાર્ગુઓની જીભેથી એ સાંભળે છે કે ઢોલો હયાત છે, પરણ્યો છે, પણ જીવતરમાં સુખ નથી પામ્યો. સાચી જોડી નથી જડી.

મરુભોમની બેટી અધીર બની ગઈ. મુસાફરોની સાથે સંદેશા કહાવ્યા. પ્રવાસીઓએ સોરઠના બાળ આગળ જઈને મેંણાં દીધાં કે આવી આવી રૂપગુણભરી મારૂને તેં કેમ વિસારી! પહાડનો બાળ આ સહુ વાતો સાંભળીને જાગી ઊઠ્યો. એણે સામા કાંઠાના પુકાર સાંભળ્યા. પવનવેગી ઊંટ હોકાર્યો. મરુદેશમાં પહોંચીને જે પોતાની હતી, તેનું પાણિગ્રહણ કર્યું.

1. વિવાહના બોલ-કોલ

ચાર જણાં ચોપડ રમે, પારસ પીંપળ હેઠ;

નળ પીંગળ સંગી હુવા, (જે દિ’) મારૂ ઢોલા પેટ. [1]

[ચારે જણાં — નળ અને એની સ્ત્રી તથા પીંગળ અને એની પત્ની — પારસ-પીપળાનાં ઝાડ નીચે ચોપાટ રમતાં હતાં. તે ટાણે મારૂ અને ઢોલો, બંને પોતપોતાની માતાના ગર્ભમાં હતાં. આવે રૂડે સમયે નળ અને પીંગળ વચ્ચે ભાઈબંધી બંધાઈ.]

પીંપળરાવરી પદમણી, નળરાજારો ઢોલ;

જબહીં પોઢ્યાં પારણે તબહીં બોલાબોલ. [2]

[પદ્મિની મારૂ પીંગળરાજની પત્નીને પેટ જન્મી; અને ઢોલો નળરાજાની સ્ત્રીને અવતર્યો. આ બંને બાળકો પારણે પોઢતાં હતાં, ત્યારથી જ માબાપોએ બચ્ચાંના વેવિશાળના કોલ આપ્યા હતા.]

2. વિજોગણના સંદેશા

આટલી જન્મકથા અને વિવાહના બોલ-કોલની વાત પછી, ઘણાં વર્ષો સુધી શાં શાં વીતકો વીત્યાં, તે દર્શાવતો એક પણ દોહો નથી. વીસેક વર્ષનો ગાળો વહી જાય છે. ઢોલાનો ઘરસંસાર તો માલવણની સાથે લીલોસૂકો ચાલી રહ્યો છે; ત્યારે બીજી બાજુ દૂર દૂરના મરુદેશમાં ભરજોબનિયે ઝોલાં ખાતી મારૂ ઢોલાને માટે જ ઝંખે છે. એને તો જાણ થઈ ગઈ છે કે પારણે પોઢ્યાં હતાં તે દિવસથી જ ઢોલાને વરી છે. એને બીજે પરણવું નથી. કોઈક દિવસ ઢોલો આવશે, એવી એને આશા છે. પણ જોબન તો હવે છોળે ચડ્યું છે! ધીરજ ઘણી તવાઈ રહી છે. આકાશે વહેતાં પંખીની સાથે, અથવા કદાચ માર્ગેથી નીકળતા મુસાફરોની જોડે મારૂ ઢોલાને સંદેશો મોકલે છે :

પંથી! એક સંદેસડો, ઢોલાને પહુંચાય;

જોબન-કળિયું મોરિયું, ભમર ન બેઠો આય. [3]

[ઓ મુસાફર! મારા ઢોલાને એક સંદેશો પહોંચાડ જે કે જોબન-ફૂલની કળી હવે તો ખીલી છે, છતાં યે તું ભમરો આવીને એના ઉપર કાં નથી બેસતો!]

પંથી! એક સંદેસડો, ઢોલાને કહી જાવ,

જોબન-હસતી જાગિયો, અંકુશ લઈ ઘર આવ. [4]

[ઓ પંથી! એક સંદેશો કહેજો, કે જોબનરૂપી હાથી મદોન્મત્ત બની ગયો છે, માટે હે માવત! હવે તો તું અંકુશ લઈને ઘર આવ.]

પંથી! એક સંદેસડો, ઢોલા લગ લે જાવ;

જોબન-ચંપો મોરિયો, કળી ચૂટનકું આવ. [5]

[ઓ પંથી! એક સંદેશો ઢોલાની પાસે લઈ જા, કે જોબનરૂપી ચંપા-છોડ મ્હોરી ઊઠ્યો છે, માટે તું માળી બની કળીઓ ચૂંટવા આવ.]

પંથી! એક સંદેસડો, ઢોલાને સમજાવ;

જોબન-આંબો ફાલિયો, શાખ ન ચાખે આવ! [6]

[હે ઢોલા! જોબનનો આંબો ફાલ્યો છે, છતાં તું એની સાખો ચાખવા કાં ન આવે?]

લોભી ઢોલા આવ ઘર, કાંય ફિરે વદેશ,

દિન દિન જોબન જાય તન, લાભ કે દિને લેશ? [7]

ઢોલા તુંથી ઢોર ભલ, (જે) ચરે જંગલરો ઘાસ;

દન ઊગી દન આથમે, કરે ઘરાંરી આશ. [8]

[ઓ ઢોલા! તારાથી તો પશુઓ પણ સારાં; જંગલમાં જઈને તેઓ ફક્ત ઘાસ જ ચરે છે, છતાં દિવસ ઊગીને સાંજ પડે, તે વેળા તો એ ઘાસ ચરનારાં પશુઓને પણ ઘેર આવવાની, પોતાનાં વાછરું-પાડરુંને મળવાની ઉમેદ થાય છે.]

પીળી પાંખરા પોપટા! જઈ ઢોલાને કેહ;

મારૂ મન ઊંચું કિયું, છાંયા કાંઉ ને દેહ! [9]

[ઓ પીળી પાંખના પોપટ! તું ઢોલાને જઈને કહેજે, કે તેં મારૂનું મન અધીરું કરી મૂક્યું છે. તું મને તારી છાંયડી કાં નથી દેતો?]

મત તું બોલે મોરલા! ઊડી મ બેસ ખજૂર;

થાને જળથળ ઢૂકડો, માને વાલ્યમ દૂર. [10]

[ખજૂરીના ઝાડ પર બેસીને ટહુકાર કરતાં મોરને મારૂ કહે છે : ‘ઓ મોર! તું ખજૂર પર બેસીને બોલ નહીં. તું શીદ પુકાર કરે છે? તારે તો જળનુ ંસ્થાન નજીક છે; પણ મારે મારો પ્રિયતમ ઘણો દૂર છે. તારા ટહુકાર થકી તું મને એ પ્રિયની યાદ વધુ વેદના-ભરી કરી મૂકે છે.]

3. ઢોલાને મારૂ વિશે જાણ

ચારણ, ભાટો, કૈં કૈં મુસાફરો મારૂના દેશમાંથી ફરતા ફરતા ઢોલાને ગામ આવે છે. મારૂ અને ઢોલા વચ્ચેના વિસરાયેલા બાળવિવાહની જાણ કરાવે છે. મારૂનાં શીલ, તપ અને તલખાટ કેવાં તીવ્ર છે, તેનું ભાન આપે છે. ઢોલાના અંતરમાં પ્રીતિનો ઉદય થાય છે, એ પ્રીતિમાં વધુ રસ પૂરવા માટે પ્રવાસીઓ મારૂનાં રૂપની સ્તુતિ કરે છે :

મારૂ એસી પાતળી, જેસી રાણ ખજૂર;

થોડાબોલી ઘણચવી, (તેને) કેમ વિસારી દૂર! [11]

[મારૂ શરીરે કેવી પાતળી છે! ખજૂરી અને રાયણના ઝાડ જેવી એવી સુડોળ, થોડું બોલનારી અને ઘણું ચાવનારી (ઊંડો વિચાર કરનારી) ગુણિયલ સ્ત્રીને તેં શા માટે વિસારી છે, ઓ ઢોલા!]

મારૂ એસી પાતળી, ખોબો ધાન ન ખાય;

ઉછાળી આભે ચડે, સંકેલી નખમાં સમાય! [12]

[મારૂ એવી તો પાતળી છે, કે એક ખોબા જેટલું પણ અન્ન એને નથી જોઈતું. એનું અંગ એટલું હળવું છે કે ઉછાળીએ તો આકાશમાં ચડે; અને સંકેલીએ તો નખમાં સમાઈ જાય!]

મારૂ એસી પાતળી, જેસી ખાંડારી ધાર;

ચાલન્તાં પગ લડથડે, (તો) કટકા થાય દો-ચાર. [13]

[જેવી પાતળી તલવારની ધાર હોય છે, તેવી પાતળી મારૂ છે. જો ચાલતાં ચાલતાં એનો પગ લથડવાથી એ પડી જાય, તો એના શરીરના બે-ચાર ટુકડા થઈ જાય, એવી તો એ નાજુક છે.]

ચંદનરી, મારૂ ઘડી (તેનો) છોડો રહિયો પાસ;

(તે) છોડારો ચાંદો ઘડ્યો, ચોડ્યો લઈ આકાશ. [14]

[સર્જનહારે પ્રથમ તો મારૂને ચંદનના લાકડામાંથી ઘડી કાઢી. એને ઘડ્યા પછી ચંદનનું જે છોડું (ટુકડો) બાકી રહ્યું, તેમાંથી સર્જનહારે ચંદ્રમા બનાવ્યો. બનાવીને આકાશે ચોડ્યો!]

4. મારૂને મળવા માટેની મુસાફરી

આવી ગુણિયલ મારૂ જે આટલાં વર્ષોથી મારી જ વાટ જોઈ જોઈ, પોતાનાં જોબન સળગાવતી બેઠી રહી છે — તેને મેં કેમ વિસારી! ઢોલાનું અંતર દહવા લાગ્યું. એ અધીરો બન્યો. હવે તો આજે ને આજે, દીવે વાટ્યો ચડે તે પહેલાં જ મારૂને દેશ પહોંચ્યે રહું. વચ્ચે વિશાળ રણ પડ્યું છે, તેને વળોટી જાઉં. મારે આંગણે અનેક પવનવેગી સાંઢિયા બાંધ્યા છે, તેનું આજ પારખું થશે.

ઢોલો ચિત્ત વિચારિયો, મારૂ દેશ અલગ;

આપણ જાઈ જોઈએ, કરલા હુંદો વગ. [15]

[ઢોલાએ ચિત્તમાં વિચાર્યું કે મારૂનો મરુદેશ તો ઘણો દૂર છે, માટે હું જઈને મારા ઊંટની મદદ મેળવું.]

બધા ઊંટો બાંધ્યા છે, તે સ્થાને જઈને ઢોલો પૂછે છે…

કુણ ગળ બાંધું ઘૂઘરા, કુણ શિર સાજું સાજ,

કિયો ઢોલારો ક્રેહેલિયો, (જે) મારૂ મેળે આજ? [16]

[આજ હું કોને ગળે ઘૂઘરા બાંધું? તમો સહુમાંથી હું કોને મસ્તકે રૂડા સાજ સજાવું? ઢોલાના ઊંટોમાંથી એવો કયો એક ઊંટ છે, કે જે મને આજ ને આજ મારૂ સાથે મેળાપ કરાવે?]

જાણે કે એક વેગીલો ઊંટ ઢોલાનો બોલ ઝીલે છે :

મુંજ ગળ બાંધો ઘૂઘરા, મુજ શિર સાજો સાજ,

મેં ઢોલારો ક્રેહેલિયો, (થાને) મારૂ મેળાં આજ. [17]

[મારે કંઠે ઘૂઘરા બાંધો. મારા પર સુંદર સાજ સજો. હું ઢોલાનો ઊંટ, તેનો આજે ને આજે મારૂ સાથે મેળાપ થાય એવી ઝડપે હું મજલ કાપીશ.]

ઊંટ ઉપર સાજ સજાયા છે. ઢોલો ક્યાં જવાનો છે, તેની કોઈને જાણ નથી, પણ એની સ્ત્રી માલવણ આ બધો ભેદ પામી ગઈ છે. એ ઢોલાને રોકી રાખે છે :

ઢોલો હાલું હાલું હાલું કરે, ધણ હાલણ નવ દેહ;

ઝબ ઝબ ઝુંબે પાગડે, ટપ ટપ નીર ભરેહ. [18]

[ઢોલો વારંવાર ઊપડવાનું કહે છે, પણ એની ધણિયાળી એને ચાલવા દેતી નથી. ઢોલો ઊંટ પર ચડે છે કે તુર્ત જ દોડીને માલવણ ઊંટનું પાગડું પકડી ટીંગાઈ રહે છે અને આંખોમાંથી ટપક ટપક આંસુ પાડે છે.]

ઢોલો અંતરની વાત કહી શકતો નથી. મૂંઝાઈને ઊભો રહે છે. ઊભો ઊભો નખ વડે ભીંત ખોતરે છે. માલવણ એને પંપાળીને પૂછે છે :

ઢોલા! કેમ દયામણા, નખસું ખોદો ભીંત,

અમથી તે કુણ આગલી, ચડી તમારે ચિત? [19]

[હે ઢોલા! આમ દયામણું મોં કરી ઊભા ઊભા નખ વતી દીવાલ શા માટે ખોતરી રહ્યા છો? કોનું ચિંતન કરો છો? મારાથી અધિક પ્રિય એવી કોણ સ્ત્રી તમારા ચિત્તમાં ચડી છે?]

ઢોલો બાંધે ધોતિયાં, માલવણ ધાન ન ખાય,

ખોડો થાને ક્રેહેલિયા! ઢોલો ગામ ન જાય. [20]

[મુસાફરીને ઊપડવા માટે ઢોલો માથા પર ધોતિયું (પાઘડી) બાંધી રહ્યો છે, એ દેખીને માલવણ અન્ન ખાતી નથી. ઊંટની પાસે જઈને માલવણ કહે છે કે ‘ઓ ભાઈ ઊંટ! તું પગે લંગડો બની જવાનો ડોળ કરને! તો મારો ઢોલો મુસાફરીએ ન જાય.’]

ઊંટ જાણે કે ઉત્તર આપે છે :

ખોડો થાં તો ડાંભ ખાં, બાંધો ભૂખ મરાં,

જાઉં ઢોલારે સાસરે, (તો)હરિયાં મુંડ ચરાં. [21]

[ના, ના હું લંગડો બન્યાનો ડોળ કરું તો તો મારે ડામ ખાવા પડે. અને પછી ચલાય નહીં એટલે ખીલે બંધાયા બંધાયા મારે ભૂખે મરવું પડે. તે કરતાં તો હું જો ઢોલાને સાસરે — મારૂને ઘેર — જાઉં તો ત્યાં મને લીલી મગની શીંગોનો ચારો ચરવા મળશે.]

માલવણ જાણે કે ફોસલાવે છે :

ડાંભુ ઝીણે ડાભડે, તાતાં સીંચું તેલ,

બાંધું ઊંડે ભોંયરે, નીરું નાગરવેલ. [22]

[ઓ ભાઈ ઊંટ! તને જો ડામ દેવાનું કહેશે, તો હું પોતે જ એ ડામ આપીશ : બહુ જ ઝીણા સળિયા વતી તને ડામ દઈશ (વધારે ઇજા નહીં કરું), પછી એ ઠેકાણે તેલ ગરમ કરીને સીંચીશ (તેથી તમને આરામ રહેશે) એ કોઈ ન દેખી જાય તેમ ઊંડા ભોંયરામાં તને બાંધીને હું નાગરવેલનો ચારો ખવરાવીશ. મારૂને ઘેર તને મળે તે કરતાં યે અધિક સુખ-વૈભવ હું આપીશ. માટે હરકોઈ ઇલાજે તું લંગડાપણાનો ડોળ કરીને ઢોલાને મારુ-ઘેર જતો અટકાવ.]

કરલો ન રિયો વારિયો, હલફુલ લગ્ગી કાય,

ઊના ડામ દેવારતાં, ડાંભુ તો સર જાય. [23]

[પણ ઊંટ તો વાર્યો ન રહ્યો. એની કાયા મુસાફરીએ ચડવા માટે તલપી રહી. માલવણ એને ઊના ડામ દેવા ગઈ, પણ ડામ દેવાના સળિયા સરી પડ્યા!]

સાંઢિયો જાણે કે અસવારનું અંતર ઓળખે છે. વિજોગી જનોને ભેળા કરવા માટે તનતોડ વેગ કરે છે. પણ એના પગમાં માલવણે ડામ દીધો છે, ત્યાં કાંકરી ભરાઈ જઈને ખટકે છે. ઊંટ મજલ કાપી શકતો નથી. થળપારકરના રણની વચ્ચે જ સૂર્ય આથમવા લાગે છે. નિરાશ ઢોલો ઊંટને ઠપકો આપે છે :

દેવ પહોંચ્યો ડુંગરે, હરણ્યું પહોંચી હલાર,

ફટ્ય લાખેણા ક્રેહેલિયા! (મને) રાખ્યો રણ મોઝાર. [24]

[સૂર્યદેવ તો ડુંગરે (અસ્તાચળે) પહોંચ્યા, અને હરિણી નક્ષત્ર હાલાર દેશ ઉપર ઊતરી ગયું. ધિક છે તને ઓ મારા મૂલ્યવંતા ઊંટ! આજે તેં મને રણની અંદર જ રાત રાખી દીધો. મારૂને આજની રાતે જ મળવાની મારી પ્રતિજ્ઞા જૂઠી પડશે.]

ઊંટ ઉત્તર આપે છે :

ભીડી લેને ગાતરી, તાણી લેને તંગ,

કાઢ તું પગની કાંકરી, પોગાડું મારૂ-પલંગ. [25]

[ઓ ઢોલા! તું તારી પિછોડીની મજબૂત ભેટ તારી કમ્મર પર બાંધી લે, મારા ઉપર માંડેલા જીનનો તંગ કસકસાવીને ખેંચી લે. અને મારા ડાબા પગમાં જે કાંકરી ખૂંચે છે તેને કાઢી નાખ; પછી જોઈ લે મારો વેગ; હું તને આજે જ રાતે મારૂના પલંગ પાસે પહોંચાડી દઈશ.]

માર્ગે વરસાદ તૂટી પડે છે. ઊંટ અને અસવાર અંધારી રાતે કીચડમાં ગોથાં ખાય છે. મનની ધારણા મુજબ પહોંચાયું નહીં.

નદિયું નાળાં જળ ઝરણ, પાણી ચઢિયાં પૂર,

કરેલો કાદવ કળમળે, પંથલ પુંગલ દૂર. [26]

[નદી, નાળાં અને ઝરણાંઓમાં વરસાદના પાણીનાં પૂર ચડી ગયાં છે. ઊંટ કાદવ ખૂંદી રહેલ છે. પુંગલગઢનો પંથ હજુ લાંબો રહ્યો છે.]

રણ વચ્ચે ઢોલાની આ દશા છે, અને એ જ વિરહ-દશા વરસાદે મારૂની કરી છે :

ઊંડો ગાજે દૂર ખિવે, વરસે દેશ વદેશ,

ગોરી ભીંજે ગોખમાં, પિયુ ભીંજે પરદેશ. [27]

માર્ગે કોઈ મુસાફર મળે છે, ઢોલો એને પૂછે છે હે ભાઈ, કેવાંક છે મારૂનાં રૂપ? મુસાફર એને ખોટો જવાબ દઈને ટીખળ કરે છે :

મારૂરો ચમકો ગિયો, ગિયો બાલપણ વેશ,

નેણાંરી વાંકપ ગઈ, પંજર હૂવા કેશ. [28]

[મારૂના રૂપનો ચમકારો તો ચાલ્યો ગયો, એનું બાળ જોબન તો ગયું, એનાં નયનોની ભમરોની બંકી છટા પણ ગઈ, એના માથાના કેશ પણ ધોળા બની ગયા, એવી મારૂને મળવા તું શું મૂર્ખ બનીને દોડી રહ્યો છે?]

સાંભળીને ઢોલો થંભી રહે છે :

ઊભો થળવટ એકલો, એવડ માંહ અસન્ન,

મારૂને મળવા તણું, લાગું પલ પલ મન્ન. [29]

[થળ (પારકર)ના રણમાં અસવાર એકલવાયો ઊભો થઈ રહે છે, મારૂને મળવા માટે એનું મન પલેપલ આતુર છે.]

બીજો વટેમાર્ગુ મળે છે. ઢોલો પૂછે છે : ઓ ભાઈ! મારૂ કેવી દીઠી? મુસાફર કહે છે :

ઊંચે ટીંબે અજવાસડો, જાણે વીજળિયાંહ;

મારૂ ઘનરી દામની, ઝળકી પાંસળિયાંહ. [30]

[ઊંચા ટેકરા ઉપર (એક ઊંચા ગઢને ગોખે) મેં અજવાળાના ઝબકારા દીઠા. મેં જાણ્યું કે એ આકાશની વીજળી હશે, પણ એ વીજળી તો મારૂ હતી. ને એ તો એનાં અંગની પાંસળીઓ ઝબકારા કરી રહી હતી.]

સાંભળીને ઢોલો પંથે પડે છે. સાંજને પહોરે રણને સામે પાર ઊતરે છે. મારૂનાં ધામ એની નજીક આવી રહ્યાં છે, તે વખતે રણને પાછલે કાંઠે શું થઈ રહ્યું છે?

5. માલવણ શોધે ચડે છે

છાનામાના નાસી છૂટેલા ઢોલાના સગડ જોતી જોતી માલવણ પોતાની વેલડી હંકારતી પતિનો પીછો લે છે. સૂકા રણમાં, એક જાળના ઝાડને લીલુંછમ દેખીને માલવણ એને પૂછે છે :

ઊંડો થળ જળ વેગળો, તું કિમ લીલી જાળ!

કાં તો સીંચી સજ્જણે, (કાં) મે વૂઠો અણગાળ. [31]

[ઓ જાળ! આ થળનું તળ તો ઘણું ઊંડું છે. પાણી તો તારાથી અતિ દૂર છે. છતાં તું લીલીછમ ક્યાંથી થઈ ગઈ? કાં તો કોઈ સજ્જને તને આંહીં પોતાની મશકમાંથી પાણી સીંચ્યું હશે અથવા તો આંહીં ઓચિંતો વરસાદ વરસ્યો હશે.]

લીલુડી જાળ ઉત્તર આપે છે :

ના તો સીંચી સજ્જણે, મે ન વૂઠો અણગાળ;

આંહીંથી ઢોલો પરવર્યો, કર લે ઝાલી ડાળ. [32]

[નથી મને કોઈ સજ્જન પુરુષે પાણી રેડ્યું, કે નથી મારા પર વરસાદ વરસ્યો. પણ હું સૂકાયેલી હતી તેમાંથી લીલી તો એ કારણ બની ગઈ છું કે, આંહીંથી ઢોલા નામનો પ્રેમીજન નીકળ્યો હતો, તેના ઊંટે મારી ડાળીને મોંમાં લીધી હતી. એના સ્પર્શથી હું નવપલ્લવિત બની ગઈ.]

માલવણ આગળ વધે છે પણ તો સૂકી કઠણ ધરતી પૂરી થઈને કાદવવાળો પ્રદેશ આવે છે, પોતે હતાશ બને છે :

મેં તાં વાઈ ઉતાવળી, ટાકરડી તળિયાંહ;

કરેલ કાદવ લંઘિયા, થલવટરી થળિયાંહ. [33]

[ટાકરડી (કઠણ) જમીન ઉપર તો હું ઉતાવળી ચાલી શકી. પણ અત્યાર સુધીમાં ઢોલાના ઊંટે તો આ થળ પ્રદેશનો કાદવ ઓળંગી નાખ્યો છે. હવે હું એને નહીં પહોંચી શકું.]

માલવણ પાછી વળે છે. ગામ એને વેરાન સમ લાગે છે :

ઢોલો વળાઈ હું વળી, આવી નગર મુઝાર;

માણસરે નગરી હુઈ, મારે મન્ન ઉજાડ. [34]

[ઢોલાને વળાવીને હું પાછી વળી, નગરની અંદર આવી, બીજાં મનુષ્યોને એ ભરવસતીનું નગર છે, પણ મારે મન તો ઉજ્જડ વેરાન થઈ પડ્યું.]

6. મિલન અને લગ્નરાત્રિ

વળતે દિવસ સાંજરે પુંગળગઢના પાદરમાં ઊંડા ઊંડા કૂવાને કાંઠે પનિયારી પાણી ભરે છે. ઊંટનો અસવાર પણ ત્યાં આવીને ઊભો રહે છે. અસવારે એ જળ ભરનારીને ઓળખી છે. એ મરૂભોમની પુત્રી મારૂ છે. તરસ્યો ઊંટ મારૂના ભર્યા બેડામાં મોં નાખે છે. મારૂ એને કાંબડીની સોટી મારે છે. ઊંટ જાણે કે બોલે છે :

મારૂઈ મારૂઈ મન ઝંખું મારૂઈ ઘેલડિયાં,

પાણી પીતો ક્રેહેલિયો, (તેને) મારલ કાંબડિયાં. [35]

[હું તો મારૂ! મારૂ! ઝંખતો આવું છું. પણ મારૂ કેવી ઘેલી! હું ઢોલાનો ઊંટ એના જળબેડામાંથી પાણી પીતો હતો, તેમાં તો મારૂએ મને સોટીઓ મારી.]

હું ઢોલારો ક્રેહેલિયો, તું ઢોલારી નાર,

મુજ મ મારે કામડી, ફેર ન આવાં દાર. [36]

[ઓ મારૂ! હું ઢોલાનો ઊંટ છું, ને તું ઢોલાની નારી છે. મને કાંબડી ન માર, નહીં તો હું ફરીને તારે દ્વારે નહીં આવું.]

મારૂ ઓળખે છે ઊંટને પંપાળે છે

જાણ્યો રબારી રાયકો, કાં ચારણ કાં ભાટ,

જાણત ઢોલાનો ક્રેહેલિયો, (તો) પહલે પાણી પાત. [37]

[મેં તો તારા અસવારને કોઈ રબારી ખેપિયો અથવા ચારણભાટ માન્યો હતો. જો મેં જાણ્યું હોત કે તું ઢોલાનો ઊંટ છે, તો તો હું તને મારા ખોબામાં જ પાણી પીવરાવતને!]

માંડવ છાપો મોતીએં, તારે છાઈ ભાત;

ઢોલો મારૂ પરણિયાં, ધન આજૂરી રાત [38]

[લગ્નનો માંડવો મોતીએ શણગારાયો, તારલાની ભાત આકાશમાં છવરાઈ ગઈ. ઢોલો અને મારૂ પરણી ઊતર્યાં; આજની રાત ધન્ય બની.]

કેડ્ય કટારાં વંકડાં, માથે મશરૂ મોડ,

ઢોલો રાતે લૂગડે, મારૂ નેણાં ચોર. [39]

[ઢોલાની કમ્મરે વાંકડી કટારો શોભે છે, માથા પર મશરૂની પાઘડી બાંધી છે, ઢોલો લાલ વસ્ત્રે દીપે છે અને મારૂ પણ નયનોને ચોરે તેવી સુંદર બની છે.]

મારૂ નાહી ગંગજળ, ઊભી વેણ સુકાય,

ચંદન કેરે રૂખડે, (જાણે) નાગ ઝપેટા ખાય. [40]

[પછી તો મારૂ ગંગાજળે નહાઈને ઊભી ઊભી એના વાળને સુકાવી રહી છે. એના દેહ પર ઝૂલી રહેલો એ ચોટલો, ચંદન-વૃક્ષ પર નાગ લટકતો હોય તેવો દેખાય છે!]

મારૂ ચાલી મો’લ પર, છૂટા મેલી કેશ;

જાણે છત્રપત હાલિયો, કો’ક નમાવા દેશ. [41]

[કેશ છૂટા મૂકીને મારૂ મહેલ પર ચડી રહી છે. જાણે કોઈ છત્રપતિ રાજા કોઈ બીજા દેશને નમાવવા ચાલ્યો હોય એવો ગૌરવભર્યો મારૂનો દેખાવ થયો છે.]

મારૂ ચાલી મો’લ પર, દીપક જગાડ્યે,

જાણે હનવો હાલિયો, લંકા લગાડ્યે. [42]

[હાથમાં દીવો પ્રગટાવીને મારૂ મહેલ પર ચડે છે. હનુમાન જાણે લંકા સળગાવીને ચાલ્યા જાય છે!]

મારૂ સૂતી અટારીએ, રતડો પલંગ બિછાય;

તારા તરવરિયું કરે, ચંદરિયો લલચાય. [43]

[અટારી ઉપર લાલરંગી ઢોલિયો બિછાવીને મારૂ સૂતી છે. એને દેખીને જાણે આકાશેથી તારા ઝબૂકી ઝબૂકી એને મળવા માટે તરવરાટ કરી રહ્યા છે, ચંદ્ર પણ જાણે લોભાય છે.]

નવા મો’લ ને ધણ નવી, નવી જવાની નેહ;

ઠાકર ઘેર પધારિયા, મોતી વરસ્યા મેહ. [44]

[નવા મહેલ, નવી સ્ત્રી, નવી જુવાની ને નવો સ્નેહ : પતિ ઘેર પધાર્યા. મોતીના જાણે મેહુલા વરસ્યા!]

કોરી ગાગર મદભરી, હેમ કટોરો હાથ;

રાણી ભરે રાજા પીંયે, ધન આજૂરી રાત. [45]

[મદિરાથી ભરેલી નવ ગાગર છે, સ્ત્રીના હાથમાં સોનાનો કટોરો છે. ભરી ભરીને સ્ત્રી આપે છે ને પુરુષ પોતે પીયે છે. આજની વાત ધન્ય છે.]

કડ્ય લળકે, કોહાં ઢળે, લળકે લાલ કમાન,

ઢોલા, ચડ્યની ઢોલીએ, મારૂ નાની મ જાણ. [46]

[પૂછે છે: મરુભોમની પુત્રીના મુખ સામે નિહાળતો નિહાળતો સોરઠ-બાળ અચંબો પામે છે : ને અથાગ ઊંડાં પાણી છે, છતાં તારું આવડું મોટું રૂપ ક્યાથી?]

ખીજડ ઝાડ ને ભુરટ ખડ, ઊંડો નીર અથાહ;

ઢોલો પૂછે મારૂને, (થારો) એવડો રૂપ કથાહ . [47]

[ઓ મારૂ! તારી જન્મભોમમાં તો ભૂંડાં ખીજડાનાં ઝાડ છે, ભૂરાં ઘાસ છે ને અથાગ ઊંડાં પાણી છે. છતાં તારું આવડું મોટું રૂપ ક્યાંથી?]

મેં મથુરામાં મ્હાલતી, ગોકળરી ગલિયાંહ; 

કાન કુંવરથી વછુડઈ, થાક રહી થલિયાંહ. [48]

[મારૂ પરિહાસ કરીને ઉત્તર આપે છે : ‘હું તો ગોપી હતી. કૃષ્ણાવતારમાં હું ગોકુળ–મથુરાની ગલીઓમાં મહાલતી હતી. કૃષ્ણના હાથમાંથી વછૂટીને હું નાસતી હતી, નાસીને દૂર નીકળી ગઈ; પછી તો થાકીને આ થળની મરુભૂમિમાં રહી ગઈ.’]

એ મિલન-સુખની વચ્ચે ઢોલો અને મારૂ પોતાના ખરા ઉપકારક મિત્ર ઊંટને તો છેક જ ભૂલી ગયાં. એને તો પગમાં ડામણ નાખીને બાંધી જ રાખ્યો છે. ભાનભૂલ્યાં પ્રેમીજનોને ઊંટ મેણું આપે છે :

કાળે માથે માનવી, ભગરે માથે ઊંટ,

નગુણા નરને ગુણ કિયા, (તેણે) બાંધી કરિયા ટૂંટ. [49]

[હું ઊંટ બિચારો ભૂરા રંગના માથાવાળો, કાળા રંગના માથાવાળાં (કૂડાં) મનુષ્યોની કૃતઘ્નતા શું સમજી શકું! આવાં નગુણાં માણસ ઉપર મેં ઉપકાર કર્યો, તો એણે તો મારા પગ બાંધીને મને ટૂંટિયો જ કરી મૂક્યો.]

અને મારૂ! તેં તો મને કાંટાનો ચારો નાખ્યો; પણ…

કરલો કાંટા નહ ચરે, ચરે જ દૂજા ઊંટ,

લલેરો લાંઘણ કરે, (જેણે) ચાખેલ ચંદણ રૂખ. [50]

[હું ક્રેહેલિયા જાતનો ઊંટ : હું કાંટાનો ચારો ન ચરું. એ તો બીજા હલકા સાંઢિયા ચરે. હું તો ચંદનનાં ઝાડ ચાખનારો — ઊંચો ચારો ન મળે તો ભૂખ્યો રહું.]

[સોરઠી ગીતકથાઓમાં સુખી અંતવાળી આ એક જ છે. એનો અંત શૃંગાર તરફ ઢળે છે. અંદરનું કાવ્ય પણ મારવાડી ઢબના દોહાઓનું છે, સોરઠી સોરઠાઓનું નથી. કથાનું વાતાવરણ તદ્દન સોરઠી નથી. આખી જ રચના કોઈ એક જ હાથની, ને તે પણ કોઈ રાજઆશ્રિત મારવાડી ચારણની હોવા સંભવ છે. લોકસમૂહના હાર્દમાંથી પ્રગટ થયેલી આ કૃતિ નથી. — સંપાદક.]