સોરઠી ગીતકથાઓ/5.કમો — વીકોઈ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
5.કમો — વીકોઈ

આહીર જાતિનું આ જોડલું ક્યાંનું રહેવાસી હતું તે દોહામાંથી નીકળતું નથી. કથા માત્ર આટલી જ પ્રચલિત છે: કમો બહારગામ ગયેલો પાછળથી એનો પરગામવાસી મિત્ર કાળો ઝાલ મહેમાન બનીને આવ્યો. કમાની વાટ જોઈ એક-બે દિવસ રોકાયો. પછી ચાલ્યો ગયો. કમો ઘેર આવે છે. વીકોઈ એને મિત્ર આવી ગયાના સમાચાર આપે છે. નિર્દોષ ભાવે એ સ્ત્રી પતિની પાસે પતિના મિત્રનાં વખાણ કરે છે. રાત પડી. દંપતી સૂતાં. ઓચિંતો કમો જાગી ગયો. એને અંદેશો પડ્યો કે સૂતેલી સ્ત્રી નીંદરમાં પણ ‘વાહ કાળો ઝાલ! વાહ કાળો ઝાલ!’ એવું ઝંખી રહી છે. સ્ત્રીના શિયળ પર પોતે વહેમાયો. જગાડી. કહ્યું કે, ‘ચાલી જા, કાળા ઝાલ પાસે. તું તો એને જ ઝંખી રહી છે.’ વીકોઈનું અંતઃકરણ પવિત્ર હતું. એણે શુદ્ધ ભાવે કાળા ઝાલને વખાણેલો. કાળો તો એને મન ભાઈ સમાન હતો. ધણીના મનનો મેલ ધોવા એણે ઘણા કાલાવાલા કર્યા — ઘણું રડી. પણ કમાનો સંશય ટળ્યો જ નહીં. એણે વીકોઈને જોરાવરીથી ઘર બહાર કાઢી રઝળતી મૂકી દીધી. વીકોઈ કાળા ઝાલને ઘેર ગઈ. પોતાનાં વીતકો વર્ણવ્યાં. કાળાએ એને ધર્મની બહેન ગણી આશરો આપ્યો. કાળાને આશા હતી કે કમો પસ્તાઈને કોઈક દિવસ તેડવા આવશે. આખરે એક દિવસે કમાને હૈયે પશ્ચાત્તાપ ઊપડ્યો. વીકોઈનું નિર્દોષ સ્વરૂપ એની નજર સામે ખડું થયું. પોતે બેહાલ થઈ ગયો. તલખતો, સળગતો, શરમિંદો, અહંકાર મૂકીને વીકોઈ પાસે માફી માગવા નીકળ્યો. કાળો ઝાલને ગામડે ગયો. સંધ્યાસમે વીકોઈ નદીમાં છેલ્લું લૂગડું ધોતી હતી તેની પીઠ દીઠી. વીકોઈ ગામ ભણી ચાલી નીકળી, પણ કમાએ નદીકાંઠે જઈ, જે છીપર પર વીકોઈએ ન્હાયું–ધોયું તે છીપર પર પ્રેમ ઠાલવ્યો. પછી કમો લપતો-છપતો કાળા ઝાલ પાસે આવી પગમાં પડ્યો. કમભાગ્યે કાળા ઝાલને એક વિનોદ સૂઝ્યો: કમો ને વીકોઈ એકબીજાને અદ્ભુત હર્ષથી ભેટે, એવી સ્થિતિ કરવા માટે કાળા ઝાલે જઈ વીકોઈને કહ્યું કે ‘વીકીબહેન! કમો તો ગુજરી ગયો’. ભાઈને તો વીકોઈના જીવતરમાં પૂરેપૂરું અંધારું કરીને સૂરજ પ્રગટાવવો હતો, પણ વીકોઈનું હૈયું કમાનું મોત ખમી શક્યું નહીં. ફાળ ખાઈને એનું હૃદય બંધ પડી ગયું. દોહાઓ માત્ર આટલા જ છે. બીજા ક્ષેપક હશે ખરા. પણ સાંગોપાંગ સાચી વાત ઉતારી આપે એવા સંપૂર્ણ દોહાની સંકલના જડતી નથી. 

1. નિર્દોષ વીકોઈના કાલાવાલા

કીધી હોત કમા! (તો) ધોખો મન ધરત નહિ, સ્વપનામાંય સગા! ઝંખી હઈશ કાળા ઝાલ સું. [1] [હે કમા! મારે ને કાળા ઝાલને જીવનમાં તો કશો સંબંધ છે જ નહીં, પણ હું સ્વપ્ને ય જો એને ઝંખતી હોત ને તું કાઢી મૂકતો હોત. તો મને માઠું ન લાગત.] એવા કાલાવાલા કરતી વીકોઈ ઘરના આંગણામાં છાપરાંની વળી ઝાલીને ખસિયાણી પડી ગયેલી ઊભી રહે છે.

વીકોઈ! વળા મ ઝાલ્ય, વળે વાસીંગણું નહિ, જઈ કાળો જુવાર! કમા મન કોળ્યું નહિ. [2] [કમો એનો હાથ વળા પરથી ખસેડીને કહે છે : હે વીકોઈ! ઘરના વળા ન પકડ. વળા પકડીને તું આંહીં વાસ નહીં કરી શકે. હવે તો તું જઈને કાળા ઝાલને મારા જુવાર કહેજે. કમાનું મન હવે તારા તરફ નથી આકર્ષાતું; નથી ખીલતું.]

વીકોઈ, આવડાં વધાન, હેત વિના હુવે? દલડે બેઠેલ દાગ, ટાળું તોય ટળે? [3]

સારું સારડીએ પાંજર મારું પીંગલાં ફરતું ફુદડીએ ન જાઉં કાળા ઝાલસું. [4] [તું કહે તો હું શારડી વતી મારા હૃદય-પીંજરને ફરતાં છેદ પાડી નાખું, પણ હું કાળા ઝાલને ઘેર એની સ્ત્રી બનીને તો નહીં જાઉં.]

કમા! કાઢી મન, મેલ્ય, કાઢ્યે કાઢેડું કેવાઈં પાલી અમણું પેટ, અધવાલીએ ઉકેલશું. [5] [વીકોઈ વિનવે છે : હે કમા, તું મને કાઢી ન મૂક. કાઢી મૂકવાથી હું ‘કાઢેલું’ ગણાઈશ. એ કરતાં તો તું મને તારી દાસી થઈને આંહીં રહેવા દે. મારું પેટ એક પાલી જેટલું અનાજ માગે છે, પણ તું અરધી પાલી આપીશ તો તેટલેથી હું પેટગુજારો કરીશ.]

સગા! લેને સાચ, કડામાં તેલ ઊનાં કરી, પંડ્યમાં હશે જો પાપ, ઝાળું અંગડે લાગશે. [6] [હે સ્વજન! તું કડાઈમાં તેલ ગરમ કરીને મારું સત્ય લઈ જો! એ ઊના તેલમાં હું બેસું. જો મારા દેહમાં પાપ હશે, તો અંગે જ્વાળાઓ લાગશે, નહીં તો મને એ તેલનો શીતળ સ્પર્શ થશે.]

પાલરને પણગે નવખંડ નીલો થાય, વીકોઈની વિનતિએ કમા મન કોળ્યું નહિ. [7] [વરસાદનાં થોડાં છાંટા વરસે તો તેથી નય ખંડ પૃથ્વી લીલી થઈ જાય — આખી પૃથ્વી પર વનસ્પતિ ઊગી જાય; પરંતુ કમાનું મન તો એ પૃથ્વીથીયે કઠોર, એટલે વીકોઈની આટલી બધી આજીજી વરસવા છતાંયે લગારે લીલું ન થયું.]

સગતળિયું સગા! (કે’તો) ઈડરગઢથી આણીએં, (એથી) કૂણેરિયું કામા! (કે’તો) કાળજથી કઢાવીએ. [8] [હે સગા! તું કહે તો હું તારા પગના જોડાની સગતલીઓ છેક ઈડરગઢથી મંગાવી લઉં, ને એથી પણ વધુ સુકોમળ જોઈતી હોય તો મારા કલેજામાંથી ચામડી કાઢીને તારા પગની સગતળીઓ બનાવી આપું.]

2. પસ્તાયેલા કમાનો વીકોઈની પાછળ રઝળપાટ

વીકોઈ વહે ઉતાવળી, નદીએ બોળાં નીર; ચાળો લગાડ્યો છીપરે, વીકોઈ ધોઈ ગઈ ચીર. [9] [કમો મિત્રને ગામ નદીકિનારે આવ્યો. જોયું તો વીકોઈ દોટાદોટ ગામ તરફ ચાલી જતી હતી. નદીમાં ભરપૂર નીર વહેતાં હતાં. જે છીપર ઉપર વીકોઈ કપડાં ધોઈ ગઈ. તે છીપર ઉપર જઈને કમો ઊભો રહ્યો. એનું દિલ છીપર (શિલા) પર લાગી ગયું. કેમ કે વીકોઈએ એના ઉપર લૂગડાં ધોયેલાં.]

નહીં સાબુનો સંઘરો ! નહીં નીર તમારે નેસ, કમા! મેલે લૂગડે વળી નીકળ્યો વદેશ 8! [10] [પાદરની પનિયારીઓ કૂવાકાંઠે ઊભી ઊભી મશ્કરી કરવા લાગી કે શું તારે ઘેર સાબુ નથી ને ગામડે પાણી નથી? એટલે જ, ઓ કમા, તું ગંદે કપડે વિદેશ ચાલી નીકળ્યો જણાય છે.] સાબુનો સંઘરો ઘણો, નીર ઘણાં એમ નેસ, ઊજળાં કેને દેખાડીએ (મારી) વીકોઈ ગઈ વદેશ. [11] [કમો જવાબ આપે છે : સાબુ તો મારે ઘેર ઘણો છે, મારે ગામડે પાણી પણ બહોળું છે. પરંતુ મારાં કપડાં ઊજળાં કરીને કોને બતાવું? મારી વીકોઈ તો વિદેશ ચાલી ગઈ છે. એના વિના મને સારાં વસ્ત્રો કેમ ગમે?]

વીકોઈ વગે રોય મોકળિયું મેલે કરે, કમા જેહડો કોય (હવે) સગો સાંપડશે નહિ. [12] [હે વીકોઈ! હવે તું ઊર્મિઓ છૂટી મૂકીને રોઈ લે, કેમ કે હવે કમા જેવો સગો તને કોઈ નહીં સાંપડે.]