સોરઠી ગીતકથાઓ/9.સૂરનો હેમિયો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
9.સૂરનો હેમિયો

સાચી વાર્તા લોક-સ્મૃતિની અંદરથી લુપ્ત થઈ જણાય છે. દોહાઓ હજુ જીવતા છે, લોકો લાડથી ગાય છે, પણ ઘટનાના અંકોડા મળતા નથી. કોઈ ગાનારાઓ કહે છે કે હેમિયો નામનો આહીર કુળનો જુવાન પોતાની સાચી પ્રિયતમાને ત્યજી એનાં માબાપની આજ્ઞા મુજબ બીજે પરણી ગયો તેથી ઊપજેલું આ પ્રિયતમાનું આક્રંદ છે. કોઈ કહે છે કે હેમિયો સાતગાલોળ નામે ગામના આહીર સૂર ભેડાનો દીકરો હતો. એનું સગપણ પોતાની સુમદે નામની ફુઈની દીકરી કલાંની વેરે થયેલું; પણ એનો પ્રેમ તડભીંગરોડ ગામે નામના આહીર દેવાત પોપટની પુત્રી સોમલ ઉપર ઢળેલો હતો. હેમિયો ફુઈની દીકરી સાથે પરણવાની ના પાડી બેઠો હતો. તેથી છેવટે ફુઈએ ઈર્ષ્યાને વશ બની ભત્રીજાને જમવા બોલાવી ઝેર દીધું હતું. અને મરતાં મરતાં હેમિયાએ પોતાની પ્રિયતમા સોમલને જોવાની ઝંખના કરી, તેથી સોમલને તેડવા દૂત ગયો હતો, પણ સોમલ આવી પહોંચે તે પહેલાં હેમિયો મરણ પામ્યો હતો : એવી વાતને આધાર આપતા બે-ત્રણ દોહા આમ બોલાય છે : દૂત જઈને દરવાનને કહે છે :

દરવાણી, દર ખોલ! દરવાજા કાં દઈ વળ્યો, સૂતી સોમલને જગાડ! હાલકલોળે હેમિયો.

સાતગાલોળેથી સાબદો, પંડ્યો આવ્યો પરદેશ, સામો મળ્યો સવારમાં, વીરા વધામણી દૈશ.

અબુધ ને અજાણ, પાડોશીને પૂછ્યું નહિ ફુઈએ દીધું ફરાળ, હાલકલોળે હેમિયો.

સોમલ કે’ સંસારમાં, ફેરા નવ ફરી કલેજે ઘા કરી, હાથુંથી ગ્યો હેમિયો.

આવા ત્રણ-ચાર દોહાઓ મળે છે, પણ તે કથાની કે કવિતાની દૃષ્ટિએ નિરર્થક છે. કોઈ કહે છે કે પ્રેમિકા જાતની કણબણ હતી માટે સંબંધ તૂટ્યો; કોઈ કહે છે કે એ જાતે બ્રાહ્મણી હતી ને નામ લખમાદે હતું. આંહીં સંગ્રહેલા દોહાઓ ફક્ત આટલું જ સૂચવે છે : કોઈ પણ કારણે ત્યાગ કરી જતા પિયુને પ્રેમિકા લગ્ન માટે વિનવે છે, પોતે ઝંખી ઝંખીને બીમાર પડે છે, છતાં લોકલાજનો માર્યો પ્રેમી પાસે આવતો નથી. છેવટે પ્રેમી ચાહે લોકાપવાદનો કે ચાહે પિતા-માતાના દબાણને વશ બની બીજે લગ્ન કરી બેસે છે. રઝળી પડેલી પ્રેમિકા એકલ જીવન સ્વીકારી લઈ હૈયામાં તો હેમિયાને જ પધરાવે છે. દુહાઓ તો બંને વચ્ચે વિયોગ પડ્યા પછીનો જ પ્રસંગ ગાવાનું શરૂ કરે છે. 

1. વિરહ અને ચિંતા થકી પ્રેમિકાની બીમારી

ઘર પાછળ ઘમકાર, પગ વાગે પ્રીતાળનો, ઉફડકીને ઊભી થાય, હૈયે વાગ્યો હેમિયો. [1] [બીમાર પ્રેયસીને પલે પલે શંકા પડે છે કે આ ઘરની પછવાડે રસ્તા પર જાણે પિયુનાં પગલાં સંભળાય છે. પથારીમાંથી વારે વારે ફાળ ખાઈને ઊભી થાય છે, કેમ કે હૈયામાં હેમિયાની ઝંખના વેદના કરી રહી છે.]

આવ્યો હશે, પણ પાદરથી જ ખબર પુછાવીને પાછો વળી ગયો હશે.

ઉંબર લગ આવે, દુઃખ નો પૂછેલ દેઈનાં, કાંઉ નગણ સગે, હેતમઠાં થ્યાં, હેમિયા! [2] [હે હેમિયા! તું મારા ઘરનાં ઉંબર સુધી આવી ગયો, છતાં મારા દેહનાં દુઃખની ખબર પૂછવા પણ તું ન આવ્યો? આવા નગુણા સ્વજન પર હું શા માટે પ્રીતિ ધરાવી રહી છું?]

લોકુંની લાજે, આંયાં લગ આવેલ નૈ; પરસું પુછાવેલ દુઃખ અમારી દેઈનાં. [3] [હે હેમિયા! તું ગામમાં આવ્યો, છતાં કેવળ લોકોની લજ્જાથી ડરીને મારી સન્મુખ ન આવ્યો, ને પરાયા લોકોની મારફત જ મારા શરીરના સમાચાર પુછાવી ચાલ્યો ગયો!] 2. પ્રેમીજન આવતો અટક્યો તે કદાચ બીજાના દબાણથી, શિખવણીથી, પ્રેમિકાની પરજ્ઞાતિને કારણે અથવા કોઈએ એને વિશે ઊભા કરેલા કશા વહેમને લીધે હશે. આમ માનીને સંદેશા કહાવે છે, પ્રેમનું તત્ત્વ ચર્ચે છે

ભારે ઝીલે ભાર, હળવાં વાયેથી હલે, દોખી બોલે દાવ, સાંભળીએં નૈ સૂરના! [4] [હે સૂર ભેડા આહીરના દીકરા! જે ઝાડ (આંબા જેવાં) પોતે જ ભારવાળાં ને તોલદાર હોય છે, તે જ બીજાનો બોજો સહન કરી શકે છે; ને જે ઝાડ પોતે જ હલકાં હોય છે, તે તો થોડા પવનના ઝપાટાથી પણ હલી જાય છે; એટલે કે ગંભીર અને સમર્થ મનુષ્યો જ નિંદા-તિરસ્કારના બોજા ઉઠાવી શકે છે. માટે, હે સમર્થ પુરુષ! આપણા દુશ્મનો આપણી બદનામી કરે છે, તેને તું કાન દેતો નહિ.]

ઘેરા મળે ઘણા, રણવગડે રોઝાં તણા; (પણ) મરગાંસું મેળા, સરજેલા નૈ સૂરના! [5] [હે સૂરના પુત્ર! કમઅક્કલ રોઝડાં પશુઓનાં તો ટોળેટોળાં જંગલમાં મળે છે, પણ સાચાં મૃગલાંનો મેળાપ તો ભાગ્યમાં સર્જાયો હોય તો જ થઈ શકે છે. તારા સરીખા ગુણિયલ માનવીની પ્રાપ્તિ પણ એવી વિરલ છે.]

કડ્ય લગ પે’રી કાછ, મેરામણ જોયો મથી, લાધે સંખલા લાખ, છીપે રિયો તું સૂરના! [6] [હે સૂરના પુત્ર! કેડ્ય સુધીનો કછોટો ભીડીને હું સંસારરૂપી સમુદ્રની અંદર શોધી વળી, મારા હાથમાં લાખો માનવ-શંખલા આવ્યા, પણ તુજ સમ સાચું માનવ-મોતી તો છીપમાં સંતાઈ રહ્યું! એ છીપ મારા હાથમાં આવી નહીં.]

ખાડે ને ખાબોચિયે, પોકાર્યો પીવે નૈ, ઘેર્યને લઈ ઘૂને, સેંજળ પીવે, સૂરના. [7] [હે સૂરના! તારો જાતવંત આતમ-ઘોડલો, તું એને ચાહે તેટલો પોકારીશ, ‘બાપો! બાપો!’ કરીશ, તો પણ એ ખાડાખાબોચિયાનાં છીછરાં નીર નહીં પીવે. એને તો ઊંડા પાણીના ઘૂનામાં લઈ જઈને ઊભો રાખીશ, તો જ એ છલોછલ પીશે, તૃપ્તિ પામશે. ભાવ એ છે કે ખાડાખાબોચિયા સમાં છીછરાં ને મલિન પ્રેમપાત્રોમાં નહીં, પણ ઘૂના જેવાં ઊંડા ગંભીર માનવીની પ્રીતિમાં જ આત્માની તરસ છીપી શકે.]

ભીંસાનાં ભાંગેલ , ભાંભળ જળ ભાવે નહિ, ધૈર્યને લઈને ઘૂને, સેંજળ પીંયે, સૂરના! [8] [હે સૂરના! ભેંસોએ અંદર પડીને ડોળી નાખેલું અને પોતાનાં મળમૂત્રથી ફિક્કું કરી નાખેલું પાણી મારા પ્રેમ-ઘોડલાને ભાવતું નથી. માટે તું જો ઊંડા પાણીના જળાશયમાં પીવડાવ, તો સંતોષથી છલોછલ પી શકાય. ભાવ એ છે કે કોૈઈ હલકા પુરુષનો સ્નેહ મારે નથી જોઈતો.]

કાંઉ કુઘર કરાં, કુઘરે મન કોળે નહિ; એથી તો ઉંઘરા, (અમે) સોના સરખાં, સૂરના! [9] [શા માટે હું કુડા માણસની સાથે ઘર કરું? સંસાર જોડું? શા માટે પરણવાને ખાતર જ ગમે ત્યાં પરણી લઉં? મારું દિલ મારા ખરા જોડીદાર વિના ખીલતું નથી. એ કરતાં તો ઘરસંસાર વિનાનું જીવન જ મારે મન સોના સરખું છે.]

ઊંચું આભ ચડી, કરલાય મન કુંજાં જેમ, ભોં મંડળ ભમી, હંસ ન ભાળું, હેમિયો! [10] [મારું મન કુંજ પક્ષીની માફક આકાશે ચડીને આક્રંદ કરે છે. આખા ભૂમિ-મંડળ પર મારી આંખ ભમી વળી, પણ મારો હેમિયા રૂપી હંસ નથી દેખાતો.]

3. વિવાહ સદાને માટે તૂટ્યાની જાણ થયા પછીની હતાશા

કેસરિયા કરેલ, વાઘા વેત્રાવેલ રિયા, પીઠીઆળે પંડ્યે, હાથુંથી ગિયો હેમિયો. [11] [લગ્નને માટે સીવડાવીને કેસરી રંગમાં રંગાવેલા પોશાક પણ પડ્યા રહ્યા, કેમ કે એ પહેરીને પરણવાનો હતો તે હેમિયો તો પીળા પીઠી-લેપ વડે મર્દેલે શરીરે જ છટકી ગયો; એટલે કે બરાબર વિવાહની ઘડીએ જ ચાલ્યો ગયો.]

ગર પાકી ગુંદીએ, વનફળ વેડ્યાં નૈ , આટકતે આંબે, સાધ્રાળુ રિયાં, સૂરના! [12] [ગિર-જંગલની વનરાઈ લાલ લાલ ગૂંદા વડે લૂંબીઝૂંબી રહી, પણ આ પાકેલ ફળ ઉતારીને ઉપયોગ ન કરી શકાયો. પાકી કેરીઓથી આંબો લચી રહ્યો હતો, પણ હે સૂરના! હું તો લાલચમાં ને લાલચમાં ટાંપી રહી. ફળો ખવાયાં નહીં. આંહીં પોતાના અણમાણ્યા યૌવનનો ભાવ છે.]

ખાધી તું વિણ ખાંડ, હેમિયા! હૈયારણ થઈ; 

(હવે) વછૂટશે વધ જાણ! (જે દિ’) ખાશું ઘા ખોરણ તણા. [13] [પ્રેમીજનથી તરછોડાયેલી સ્ત્રી કહે છે : “ઓ હેમિયા! તારા વિના તો મેં કદી ઉપભોગ માણ્યા નથી. એક વાર તારા વિના ખાંડ ખાધી હતી, તેનો પણ હૈયામાં, છાતીમાં ભાર રહ્યો હતો. ને એ છાતીમાં રહેલો ડૂચો તો હવે જે દિવસ સ્મશાનમાં મારું મુરદું સળગતું હશે ને વાંસડાના પ્રહારો ખાઈ રહ્યું હશે, તે દિવસ જ છાતીએથી છૂટશે. મારો જે આવો સ્નેહ, તેની સામે તેં કેવી બેવફાઈ બતાવી છે!]

હીરાગળ ફાટ્યું હોય, (એને) તાણો લઈને તૂંણીએં, (પણ) કાળજ ફાટ્યું કોય, (એનો) સાંધો ન મળે સૂરના! [14] [હીરાગળ નામનું કપડું ફાટી ગયું હોય, તો તો એને દોરા વતી તુંનીને (સીવીને) એનું છિદ્ર પૂરી દઈ શકાય, પણ કલેજામાં પડેલી ચિરાડને તો સાંધી શકાતી જ નથી, હે સૂરના પુત્ર!]

ભાણું ભાંગ્યું હોય, (એને) રેણ દઈને રાખીએ, (પણ) કરમ ફૂટ્યું કોય, એનો સાંધો ન મળે સૂરના! [15] [એ જ રીતે ધાતુનું વાસણ ભાંગી જાય તો રેણ કરીને એને સમારી શકાય છે. પણ કિસ્મત ફૂટે તો તેને માટે કોઈ રેણકામનો ઇલાજ નથી, હે સૂરના પુત્ર!]

લાગી હત જો લા, (તો) આડાં ફરી ઓલવત, (પણ) દલડે લાગેલ દા, ડુંગર હડેડ્યો, હેમિયા! [16] [હે હેમિયા! જો બહારના જગતમાં આગ લાગી હોત તો આડાં પડીને બુઝાવી શકાત, પરંતુ આ તો અંતઃકરણની અંદરનો ડુંગર સળગી ઊઠ્યો છે!]

રાતુંને રૂંગે, ભમતી હું કૂવા ભરું, નેણાંને નીરે, સાયર છલિયા સૂરના! [17] [હે સૂરના પુત્ર! રાત્રીએ રડી રડીને હું આંસુના કૂવા ભરી રહી છું, મારાં નયનોનાં નીર થકી હવે તો સાગર છલકાય છે! અતિશય રુદનનો ભાવ વ્યક્ત થયો છે.]

4. આત્મ-સમર્પણ

ભગવા પે’રેને ભેખ, દુનિયાને કાંઉ દેખાડીયેં, આતમ અમણું એક, સંન્યાસી થ્યું સૂરના! [18] [હવે ભગવાં કપડાં પહેરીને હું દુનિયાને શું દેખાડું? અંદરનો મારો આત્મા પોતે જ સંન્યાસી થઈ ચૂક્યો છે. મેં તારી આશા ત્યજી છે.]

રૂપાની રેણે, માદળડી મઢાવીએં; સોના સાંકળીએ, હાથે બાંધું હેમિયો! [19] [હવે હેમિયો સદેહે તો મને મળવો દુર્લભ છે. એટલે હું રૂપાની એક માદળી (તાવીજ) કરાવી તેની અંદર મારા હેમિયાની કલ્પનામૂર્તિને પધરાવી, તે અંદરથી નીકળવા ન પામે માટે ઉપર રેણ-કામ કરાવી, એક સોનાની સાંકળીમાં પરોવી મારા હાથ સાથે બાંધી રાખીશ. એ રીતે હેમિયો મારો સદાનો કેદી બની રહેશે.]

ના, ના, એ રીતે તો કદાચ મારો હેમિયો ફરીને પાછો ખોવાઈ જાય. માદળડી ક્યાંય પડી જાય. માટે —

ગર બાંધી ગોતેં, બોળાવશું બીયાં, (એનાં) ત્રોફાવું ત્રાજવડાં, (મારા) હૈયાવચાળે, હેમિયો! [20] [આપણો સંયોગ તો હવે આ રીતે દુર્લભ છે, હું તો તને સદેહે તો નહીં પ્રાપ્ત કરી શકું, છતાં હું ગિરના જંગલમાં શોધ કરીને ત્રાજવાં (છૂંદણાં) પડાવવાના રંગ માટેનું ઝાડ શોધીશ, એને પલાળીને લીલો રંગ તૈયાર કરીશ, અને બરાબર મારી છાતીના મધ્ય ભાગ ઉપર હેમિયાની આકૃતિ ચીતરીને એનું છૂંદણું પડાવીશ. પછી એ મારા શરીર ઉપર ચામડી હશે, ત્યાં સુધી છપાયેલી જ રહેશે. ]