સોરઠી બહારવટિયા ભાગ-2/આભપરાને આશરે
બેટ અને દ્વારકા ખાલી કરીને જોધો પોતાની ફોજ સાથે ભાગી છૂટ્યો છે. સાંઢિયા ઉપર નાનાં બચ્ચાંને ખડક્યાં છે, અને ઓરતો પોતાનાં ધાવણાં છોકરાંનાં ખોયાં માથા ઉપર લટકાવીને મરદોની સાથે રાતોરાત ઊપડતે પગલે નાસી છૂટી છે. થોડેક જાય ત્યાં સામા વાવડ આવે છે કે “ભાઈ પાછા વળો. એ રસ્તે સોજીરોની ચોકી લાગી ગઈ છે.” એ માર્ગ મેલીને બીજે માર્ગે જાય, તો ત્યાંથી પણ નાકાબંધી થઈ ગયાના સમાચાર મળે છે. એમ થાતાં થાતાં આખી રાતના રઝળપાટને અંતે પ્રભાતે વાઘેરોનું દળ પોશીત્રાની સીમમાં નીકળ્યું. પાછળ સરકારી વારના પણ ડાબા બોલતા આવે છે. જોધા માણેકે સલાહ દીધી કે “ભાઈ, સામે ડાભાળા ખડામાં દાખલ થઈ જાયેં તો જ ઉગારો છે. માટે હડી કાઢો.” ડાભાળો ખડો નામની ગીચ ઝાડી છે અને ત્યાં દરિયામાંથી એક સરણું વહ્યું આવે છે, તેમાં ધુણા માતાની સ્થાપના છે. એ ઝાડીમાં પહોંચતાં તો બહારવટિયા પ્રભુને ખોળે બેસી જાય એવી વંકી એ જગ્યા હતી. ડાભાળો ખડો એક ખેતરવા રહ્યો એટલે સાથે માતાનો ભૂવો હતો તે બોલ્યો : “જોધા બાપુ! હવે ભો નથી. માતાજી ફોજને ખમ્મા વાંછે છે.” “કેમ જાણ્યું, ભાઈ?” “આ જુઓ. માતાજીની ધજા સામે પવને ઊડે છે. હવે વારના ભાર નથી કે આપણને આંબે. માતાજીએ વગડામાં આંધળા ભીંત કરી મેલ્યા હશે.” ડાભાળા ખડામાં જઈને બહારવટિયાઓએ પડાવ નાખી દીધો, ચોફરતી ચોકીઓ ગોઠવાઈ ગઈ. ભેળી ઘંટીઓ લીધેલી તે માંડીને વાઘેર ગરાસણીઓ દાણા દળવા બેસી ગઈ. જોધા માણેકનો ડાયરો પણ રાજાની કચારી જેવો દિવસ બધો ભરાયલો જ રહેવા લાગ્યો. સહુ આગેવાનો આ ઓચિંતી ઊથલપાથલને યાદ કરી કરી, શું થઈ ગયું તેના વિચારમાં ડૂબી ગયા. જાણે સ્વપ્નું આવીને ઊડી ગયું. જોધાજીએ માણસોને પૂછ્યું : “દ્વારકાના કાંઈ વાવડ?” “વાવડ તો બહુ વસમા છે. બાપુ! સોજીરોએ દેરાં માથે અકેકાર ગુજારવા માંડ્યો છે.” “શું થયું, ભાઈ?” “દખણામૂર્તિની પ્રતિમાજીના જમણા હાથની આંગળીયું અને નાસકા ખંડિત કરી. બીજી મૂર્તિયુંની પણ ભાંગફોડ કરી.” “હા! હા!” કહી જોધાએ આંખ મીંચી. “બીજું, બેટમાં તો આપણે કિલ્લો ખાલી કર્યાની રાતે જ સોજીરો દાખલ થઈ ગયા. વળતે દી સવારમાં ડોનવેલ સા’બે સોજીરુંને લૂંટ કરવાનો હુકમ દીધો.” “લૂંટ કરવાનો હુકમ?” “હા, બાપુ, લૂંટ કરવાનો હુકમ દીધો, એટલે પે’લાં પરથમ તો કરાંચીનાં વહાણોમાં દારૂ સંઘરેલો હતો ઈ હાથ લાગ્યો એટલે સોજીરો પી પીને ચકચૂર થિયા. પછી ઉઘાડી તરવારે કૂતરાની, મીંદડાંની, ઢોરઢાંખર જે મળ્યું એની, રૈયતનાં નિર્દોષ માણસુંની વિના કારણ કતલ કરવા લાગ્યા.” “હં!” કહીને જોધા માણેકે નિસાસો મેલ્યો. બીજા બેઠેલા, તેઓના પંજા પટોપટ પોતાની તરવાર માથે ગયા. આ જોઈને જોધાજી બોલ્યો, “ધીરા થાવ, ભાઈ! હજી વાત અધૂરી છે. પછી કેમ થિયું ભાઈ?” “મંદિરની દીવાલ તૂટી હતી તેમાંથી એક સોનાની પાટ જડી. ગોરાને લાગ્યું કે દીવાલોમાં રોગી પાટો જ ભરી હશે! એટલે વળતે દી સોજીરોની પલટન કિલ્લાને સુરંગ દઈને ફૂંકી નાખવા માટે આવી. વસ્તીએ કાલાવાલા કર્યા કે ‘આમાં અમારાં દેરાં છે ને દેરામાં મૂર્તિઓ છે માટે જાળવી જાવ!’ પલટનનો સાહેબ બોલ્યો કે ‘બે કલાકમાં તમારી મૂર્તિઓ ઉઠાવી જાઓ, નહિ તો ટુકડોય નહિ રહે.’ મૂર્તિઓ ઉપાડીને રાધાજીને ગૌશાળામાં પધરાવી, અને ચાર પડખેથી સુરંગ ભરીને, ફોજવાળાઓએ આખો કિલ્લો અને ભેળાં તમામ દેરાંને ફૂંકી દીધાં. અટાણે તો ત્યાં દિવસેય ખંડેરો ખાવા ધાય છે. રાતે તો ઊભા રે’વાતું નથી.” “અને હવે?” “હવે તો હાંઉ, લૂંટ આદરી છે. દેરાંમાંથી નાણાં મળતાં જાય છે, તેમ તેમ લૂંટારાઓને ઉમંગ ચડતો જાય છે. ભગવાનને પે’રાવવાના અઢળક દાગીના, રોકડ…” “અને વસ્તીનાં પોતાનાં ઘરાણાં-નાણાં દેરામાં સાચવવા મેલ્યાં છે તે?” “તે પણ ભેળાં જ જાશે, બાપુ! કોણ ભાવ પૂછશે?” “રણછોડરાય! રણછોડરાય! અમારાં પાપ આંબી ગિયાં. સૂકાં ભેળાં લીલાંય બળી જશે! સત્યનાશ વહોર્યું, મૂરુભા!” એમ બોલતો બુઢ્ઢો અંતરીક્ષમાં નેત્રો તાકી રહ્યો. આમ વાત થાય છે ત્યાં ખેભર્યો સાંઢિયો ઝાડીમાં દોડ્યો આવે છે, અને માર્ગે બેઠેલ અસવાર, સાંઢિયો ઝૂક્યો-ન ઝૂક્યો ત્યાં તો ઉપરથી કૂદકો મારીને દાયરામાં શ્વાસ લીધા વિના વાવડ આપે છે : “આપણી ગોતમાં ફોજું દસેય દશ્યે ભટકે છે. એક પલટન વશી ગઈ’તી, ત્યાં કોઈ બહારવટિયો તો હાથ લાગ્યો નહિ, એટલે ફોજવાળાએ ગામને આગ લગાડી અને ધરમશાળાને સુરંગ નાખી ફૂંકી દીધી.” “વશી બાળી નાખ્યું? વસ્તીનું શું થયું?” “કોક ભાગી નીકળ્યાં, ને કોક સળગી મર્યાં. ઢોરઢાંખર તો ખીલે બાંધેલાં સસડી મૂવાં હશે.” “પછી ફોજ કેણી કોર ઊતરી?” “સગડ લિયે છે. પોશીતરા, શામશાસર અને રાજપરા સુધી પગેરું છે. ને હમણાં અહીં આવ્યા સમજો, બાપુ!” “હવે આપણને કોણ સંઘરશે? દોઢ હજાર માણસને સંતાવા જેવી વંકી જગ્યા હવે ફક્ત એક જ રહી છે. હાલો ભાઈ, આભપરો આપણને આશરો દેશે.” પોરબંદર અને નગર રાજ્યના સીમાડા ઉપર પંદરેક ગાઉમાં બરડો ડુંગર પથરાયો છે, અને એના જામનગર તાબાના ઊંચેરા ભાગને આભપરો નામે ઓળખવામાં આવે છે. આભપરો આભની સાથે જ વાતો કરી રહ્યો છે. જેઠવા રાજાઓ કાજે ભૂતના હાથે બંધાયેલ હલામણ જેઠવાનું ઘૂમલી નગર, કે જ્યાં હલામણની વિજોગણ સુંદરી સોનનાં આંસુડાં ટપક્યાં હતાં, જ્યાં રાખાયત નામનો ફૂટતી મૂછોવાળો બાબરિયો જુવાન ગાયોનાં ધણ દુશ્મનોના હાથમાંથી વાળવા જતાં મીંઢોળ સોતો મૉતની સેજમાં સૂતો હતો અને એની વાંસે વિલાપ કરતી વિજોગણ સોન કંસારીએ જેઠવા રાજાની કૂડી નજરમાંથી ઊગરવા બરડાઈ બ્રાહ્મણોનો ઓથ લઈ, રાજાની કતલમાં સવા શેર જનોઈ ઊતરે તેટલા અટંકી બ્રાહ્મણો વઢાવ્યા હતા, જ્યાં વેણુ નદીને કાંઠે રાણા મેહ જેઠવાએ, ઊજળાવરણી ને ઊજળાંલક્ષણી ઊજળી નામની ચારણ કન્યાની પ્રીતિના કાલાવાલા નકારી, એના શાપથી ગળત કોઢમાં ગળવાનું કબૂલી લીધું હતું — એવા આભપરા ડુંગર ઉપર શૈલકુમાર જેઠવાએ ભૂતને હાથે બંધાવેલાં કાળુભા, કચોળિયું ને સાકુંદો નામનાં ત્રણ પુરાતની તળાવ છે. એ તળાવની પાળે ઝાડવાંમાં ને પોલા પા’ણાઓની બખોલમાં વાઘેરોના કબીલાએ ઘંટીઓ માંડીને ગામ વસાવ્યું. નીચેના બરડા મુલકમાંથી અને નગરનાં પરગણાંમાંથી ખેડૂતોની ખળાવાડોમાંથી ખોરાકી પૂરતા દાણા પાડા ઉપર લાદી લાદીને લાવવા લાગ્યા. અને જોધાની મુખમુદ્રા ઉપર મરણિયાપણાના રંગ તરવરી ઊઠ્યા : જોધો પોતાના ખરા રૂપમાં આવ્યો. એણે અંગ્રેજોની સાથે મહા વેર જગાડ્યું. એનું દિલ પ્રભુની સાથે લાગી ગયું :
મનડો મોલાસેં લગાયો
જોધો માણેક રૂપમેં આયો!
કમરું કસીને માણેક બંધિયું અલા!
ગાયકવાડકે નમાયો. — જોધો.
કેસર કપડાં અલાલા! માણેકે રંગિયાં ને
તરવારેસેં રમાયો. — જોધો.
જોધા માણેકજી ચડી અસવારી અલા!
સતીયેંકે સીસ નમાયો. — જોધો.
ઊંચો ટેકરો આભપરેજો અલા!
તે પર દંગો રચાયો.— જોધો.
શેખ ઇસાક ચયે, સુણો મુંજા સાજન!
દાતાર મદતેમેં આયો. — જોધો.
[જોધો માણેક સાચા રૂપમાં આવ્યો, એણે પોતાનું દિલ પ્રભુ સાથે લગાડી દીધું. માણેકે કસીકસીને કમર બાંધી. દુનિયામાં ડંકો બજાવ્યો. કેસરિયાં કપડાં રંગીને માણેક તરવારે રમ્યા. જોધા માણેકની સવારી ચડી. પાદરમાં સતીઓના પાળિયા હતા તેને જોધાજીએ માથું નમાવી પ્રણામ કર્યા. આભપરાના ઊંચા ટેકરા ઉપર ધીંગાણું મચાવ્યું. કવિ શેખ ઈસાક કહે છે કે ઓ મારા સ્વજનો! સાંભળો! એની મદદમાં દાતાર આવ્યા.]