સોરઠી બહારવટિયા ભાગ-2/કાદરબક્ષ બહારવટે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કાદરબક્ષ બહારવટે

ઇણાજ રોળાઈ ગયું. મરવાના હતા તે, માર્યા ગયા. જીવતા હતા તે, જખ્મી તેમ જ બિનજખ્મી, તમામ કેદમાં પુરાયા, પણ કાદરબક્ષ, અબાબકર, અલાદાદ, દીનમહમદ અને ગુલમહમદ તો હાથમાંથી છટકી ગયા છે. ત્યાં સુધી રાજને જંપ નથી. નાના નોકરો એ પાંચેયનો ઘડો લાડવો કરી નાખવાના લાગ ગોતી રહ્યા છે. દીવાન હરિદાસ પ્રભાસપાટણ આવ્યા. પાંચ મકરાણીઓને ઝાલવા વિષે પોલીસ અમલદારનો મત પૂછ્યો. પરદેશી અમલદારે ભૂલ ખાઈને રસ્તો બતાવ્યો કે “એનાં ઓરત-બચ્ચાંને પકડી લઈએ, એટલે એને રોટલા મળતા અટકશે ને આપોઆપ શરણે આવશે.” આખી કચેરી બેઠી હતી તેની વચ્ચે આ વાત છેડાઈ ગઈ. હોંશીલા દીવાને હુકમ છોડ્યો કે “રસાલાના બે સવાર અમરાપર મોકલો. તે એ લોકોને ગાડે નાખી વેરાવળની જેલમાં લઈ આવે.” સાંભળીને કચેરીમાં બેઠેલા ખાનદાન વર્ગના તેમ જ કાંટિયા વર્ણના માણસોના મોંમાંથી અરેરાટી નીકળી ગઈ. દીવાનને પડખે પ્રભાસપાટણવાળા ખાનબહાદુર સૈયદ અલવી અલ એદ્રુસ, જેણે વાઘેરોના બહારવટામાં ભારી ત્રાસ ફેલાવેલો, બેઠેલા. એણે ઉઘાડા ઊઠીને કહ્યું, “રાવસાહેબ, આ આપ વિપરીત વાત કરો છો હો! આ છોકરાઓ કોઈની રંજાડ કરતા નથી. થવાનું હતું તે થઈ ગયું. તેમનું સત્યાનાશ વળ્યું. સિપાહીના દીકરા છે, પણ ચુપ બેઠા છે. અને ઇન્શાલ્લાહ, થોડા રોજમાં તેમને વતન ચાલ્યા જશે. માટે, રાવસાહેબ, એના જનાના સામે લડાઈ ન હોય.” “ના ના, ખાનબહાદુર!” દીવાને ટાઢોબોળ જવાબ દીધો, “એમ કર્યા વગર છુટકારો નથી.” આટલી વાત થાય છે ત્યાં રસાલાના બે જુવાન સવારો રવાના થવા માટે સલામ કરવા આવી ઊભા રહ્યા. એની સામે આંગળી ચીંધીને ખાનબહાદુર અલવીએ દર્દભર્યે અવાજે દીવાનને કહ્યું કે “રાવસાહેબ, તો પછી આ બે છોકરાઓની મૈયતની પણ તૈયારી રાખજો અને ગિસ્તોની ભરતી પણ કરવા માંડજો! કેમ કે હવે આપ સૂતા સાપ જગાડો છો.” દીવાન હરિદાસ સહેજ હસ્યા. સવારો સલામ કરી ચાલતા થયા. કચેરી સૂમસામ બેઠી રહી.

*

અમરાપર ગામની નજીક બીજ અને અજોઠા ગામની પડખે એક કાદાની અંદર કાદરબક્ષ બેઠો છે. બપોરનો સૂરજ સળગે છે. કાદુ પોતાના તકદીર પર વિચાર ચલાવે છે. ગઈકાલનો એ શાહુકાર આજે ચોર બન્યો હતો. કાદરબક્ષ તો અમરાપરનો ખેડુ હતો, પસાયતો હતો. એ બહાદુરે સાવજનાં બે જીવતાં બચ્ચાં ઝાલીને નવાબને ભેટ કરેલાં, તેના બદલામાં નવાબે એને અમરાપરમાં બે સાંતી (ચાલીસ એકર) જમીન એનાયત કરેલી તે પોતે ખેડાવી ખાતો. એ અભણ જમાનામાં પોતે ભણેલો : મોતીના દાણા જેવા અક્ષરો પાડી જાણે : એની બેઠક પણ સારા મુસદ્દીઓ ભેળી. એની અદબમરજાદ એક અમીરજાદાને શોભે તેવી : નીતિ અને નિમકહલાલીને રંગે પૂરેપૂરો રંગાયેલો : અને ઇણાજવાળા સગાઓને હમેશાં ખામોશના બોલ કહેનારો : એવો સુલેહસંપીને ચાલનારો કાદરબક્ષ, વાઘેર દાયરામાં જોધા માણેકની માફક, આ ઇણાજના મકરાણી દાયરામાં અળખામણો થઈ પડેલો. એના ભાઈઓ એને કમજોર કહીને ટોણાં દેતા. એ જ કાદુએ પોતાની મતલબ નહોતી છતાં આજ ભાઈઓના દુઃખમાં ભાગ લઈ પોતાનું સત્યાનાશ વહોરી લીધું હતું. એકલો બેસીને શાણો આદમી વિચાર કરતો હતો કે હવે શું કરવું? નિમકહરામ થઈને જૂનાગઢ સામે લડી મરવું કે મકરાણમાં ઊતરી જવું? મરીને શું કમાવું છે? નામોશી! અને ચાલ્યા જવાથી પણ નામોશી સિવાય બીજું શું મળવાનું છે? બરાબર તે વખતે અબાબકરની નાની દીકરી ભાત લઈને આવી. ભાત પીરસીને એણે કાદુને કહ્યું, “કાકાબાપુ, આ છેલ્લી વારની રોટી ખાઈ લ્યો.” “કેમ, બચ્ચા?” કાદુના હાથમાં હજુ પહેલું જ બટકું હતું. “નવાબ સાહેબની ફોજ આવી છે, અને અમને બધાંને લઈ જાય છે.” “તમને બધાંને એટલે કોને?” કાદુ ટાંપી રહ્યો. “મોટી અમ્માને, મારી માને, મારી કાકીને, ભાઈને, તમામને.” “ઓરતોને? બચ્ચાંને? ગુનો તો અમે કર્યો છે, તો પછી તમને બેગુનાહોને શા માટે લઈ જાય છે?” કાદુ ભૂલી ગયો કે એ વાતનો જવાબ એ નાની ભત્રીજી ન આપી શકે! છોકરી કાકાબાપુના ક્રૂર બનેલા ચહેરા પર મીટ માંડી રહી. અમરાપરાની બે સાંતી જમીન ખેડનાર ખેડુ એ સળગતા બપોરની માફક ભીતરમાં સળગી ઊઠી ખૂની બનતો હતો. “બેટી! ભાત પાછું લઈ જા!” એમ કહીને કાદુએ એઠો હાથ ધોઈ નાખ્યો, ખાધું નહીં. પ્રભાસપાટણની આ બાજુ ભાલપરું ગામ છે. એ ભાલપરાની નદીના ભેકડામાં બંદૂક ભરીને બેસી ગયો. બરાબર નમતી સાંજરે એણે અમરાપરને કેડેથી એક ગાડું જતું જોયું. ગાડાના ધોળિયા બળદની જોડ પણ ઓળખી. પાછળ બે રસાલા-સવારો પણ ચોકી કરતા જાય છે. ખાતરી થઈ ચૂકી : એ તો એ જ. નાળ્ય નોંધીને કાદુએ પાછળથી તાશીરો કર્યો. એક ગોળી ને એક સવાર ઊપડ્યો. બીજી ગોળી ને બીજો પટકાયો. અસવારને પડતા દેખીને કાદુએ હડી કાઢી. બેમાંથી પહેલાના શરીર માથે જઈને જુએ ત્યાં જુવાન ઓળખાયો : એ હતો બડામિયાં સૈયદ : હજુ જીવતો હતો. કાદુ એના શરીર પાસે બેઠો, એના હાથ વાંદ્યા અને આજીજી કરી કહ્યું, “બડામિયાં, તું સૈયદ. મેં તારો જાન લીધો. પણ હું શું કરું? મારાં બાલબચ્ચાંને આમ બેગુના કેદી બનતાં મારાથી ન જોઈ શકાણાં. હવે ભાઈ, તું મને માફ કરી શકીશ?” છેલ્લા દમ ખેંચતો બડામિયાં બોલ્યો, “ભાઈ કાદરબક્ષ, તમને માફી છે. તમે મને ક્યાં અંગત ઝેરથી માર્યો છે? એ તો મુકદ્દર!” એટલું કહીને સૈયદે શ્વાસ છોડ્યા. પછી કાદુ બીજા સવારના શરીર પાસે ગયો. એને પણ ઓળખ્યો. પોતાના નાતાવાળો જુવાન કબીરખાં! પણ માફામાફીની ઘડી તો ચાલી ગઈ હતી. કબીરખાંનો જીવ ક્યારનોયે નીકળી ગયો હતો. રૂપાળી નીલુડી નાઘેર : એથીયે રૂપાળો સરસ્વતી નદીનો એ કાંઠો : મહારાજ મેર બેસવાની રૂપાળી વેળા : સરસ્વતીનાં નીર ઉપર ચંપાવરણી તડકી રમી રહી છે : એવે ટાણે, દોસ્તોને જ્યાફત દેવા જેવી એ જગ્યાએ, એક સૈયદને અને એક ભાઈબંધને ઢાળી દઈ એની લાશો ઉપર કાદુ ઊભો છે. રૂપાળી કુદરત જાણે રોઈ રહી છે. આપદા અને શરમને ભારે કાદુનો ચહેરો નીચે ઢળે છે. જાણે કે એની શરમને ઢાંકી દેવા માટે જ રાત પોતાનો કાળો પછેડો દુનિયા પર લપેટી દે છે. બાલબચ્ચાંને તેડી બહારવટિયો અમરાપરમાં આવ્યો. ત્યાંથી બધાંને ઘોડા પર બેસારી બરડામાં ઉતાર્યાં. તે પછી, કહેવાય છે કે કોડીનાર પાસે મૂળદ્વારકાથી મછવામાં બેસારી બચ્ચાંને મકરાણ ભેગાં કરી દીધાં એના દિલનું ઊંડામાં ઊંડું ખુન્નસ ઊછળી આવ્યું હતું. ભેળા પાંચ ભાઈ-ભત્રીજાનો સાથ હતો. વેર લેવા જતાં એણે વિવેકને વિસારી દીધો.

*

“એક દિવસમાં એક ગામ ભાંગે તો સમજજો કે સાધુએ ભાંગ્યું! અને ત્રણ ગામ ભાંગે તો કાદુએ ભાંગ્યાં સમજજો!” એટલી જાહેરાત રાજસત્તાને પહોંચાડીને કાદુ ગીરની રૈયતને રંજાડવા નીકળી પડ્યો. પોતાની ભેગો પોતાનો મોટેરો ભાઈ અબાબકર છે; અલાદાદ, ફકીરમામદ અને દીનમામદ છે; સનવાવવાળા જમાદાર સાહેબદાદનો બાર-ચૌદ વરસનો દીકરો ગુલમામદ છે, બે સીદી છે ને બાકી ખાટસવાદિયા ભળ્યા છે. સાદાં લૂગડાં પહેરે છે, બીજા બહારવટિયાની માફક વરરાજાનો વેશ નથી ધર્યો. ભેળો નેજો પણ નથી રાખ્યો. ખંભે બંદૂક લઈને પગપાળો જ ચાલે છે. ઊંટ, ઘોડું કાંઈ રાખતા નથી. રોજ પાંચ વખત કાદુ નમાઝ પઢે છે. અને સાથોસાથ ગામ ભાંગી જુલમ વર્તાવે છે. રોજ ત્રણ-ત્રણ ગામડાં ઉપર પડતો ત્રીસ-ત્રીસ ગાઉની મજલ ખેંચે છે. આસપાસના ગામેતીઓ, તાલુકદારો, મકરાણીઓ વગેરે એને ઉતારા આપે છે. એની પાછળ જૂનાગઢે અને એજન્સીએ પોતાની બધી શક્તિ રોકી દીધી છે. બહારવટિયાનાં માથાંનાં ઇનામ જાહેર થયાં છે : કાદુ અને અબાબકરના એક્કેક હજાર રૂપિયા : દીનમામદ અને અલાદાદના પાંચસો-પાંચસો : બે સીદીઓના પણ પાંચસો-પાંચસો, એમ પણ કહેવાય છે કે કાદુના માથા સાટે વીસ સાંતી જમીનનું ઇનામ નીકળેલું. રાતના દસ બજ્યાની વેળા થઈ હશે. ગામડિયા લોકોની અંદર સોપો પડી ગયો હતો. ગીરના માતબર મહાલ ઉના મહાલનું તડ નામે અંધારિયું ગામ : ઝાઝા ચોકિયાત ન મળે કે ન મળે પૂરાં હથિયાર. એમાં કાદુ પડ્યો. એ તો હતો નાણાંની ભીડમાં. એટલે પહોંચ્યો વાણિયાના ઘર ઉપર. મૂછાળા તો ક્યારનાયે પાછલી વાડ્ય ઠેકીને ભાગી ગયા હતા. ઘરમાં ફક્ત એક પરણેલી દીકરી હતી, ને દીવાને ઝાંખે અજવાળે એનાં અંગ ઉપર પીળું ધમરખ સોનું ચળકતું હતું. કાદરબક્ષ ઓસરીએ ઊભો રહ્યો. બીજા અંદર ગયા છે. ઘર લૂંટાય છે. એમાં એકાએક બાઈએ ચીસ પાડી ને કાદુની નજર ખેંચાણી. તુર્ત એણે ભયંકર અવાજ દીધો “હો વલાતી! ખબરદાર!” એક સંગાથીએ એ એકલવાયી વણિક-કન્યાનો હાથ ઝાલ્યો હતો. બહારવટિયે એને ‘હો વલાતી!’ એટલે કે ‘ઓ મકરાણી!’ કહી બોલાવ્યો કેમ કે એની ટોળીમાં મકરાણી સિવાયના કોણ કોણ હતા તેનો ભેદ બહાર ન પડી જવો જોઈએ. કાદુ ઘરના બારણા પર ધસ્યો ને એણે સોબતીને હુકમ કર્યો કે “બહાર આવ!” ભોંઠો પડેલો સાથી બહાર નીકળ્યો. બહારવટિયાની સામે ઊભો રહ્યો. “બેટા, ડરીશ ના! તારું ઘર નહિ લૂંટીએ. તું તારે ચાલી જા!” એટલો દિલાસો એ એકલ ઓરતને આપીને કાદુ ગુનેગાર તરફ કરડો થયો. એની નજર અપરાધીના હૈયા સોંસરી જાણે ઊતરતી હતી. “ચાલો ગામ બહાર!” કહીને એણે સાથીને મોઢા આગળ કર્યો, પોતે ફરી વાર ઓરડામાં જોયું. દીવો બળતો હતો ને દીવાની જ્યોત જેવી જ થડકતી એ ઓરત ઊભી હતી. એ ઘર લૂંટ્યા વિના બહાર નીકળી ગયા. ગામ બહાર જઈને એણે એ અપરાધી ખાટસવાદિયા સામે કરડી આંખો કાઢી કહ્યું, “બહારવટાની અંદર કાદરબક્ષ નાની એટલીને દીકરી, બરોબરની એટલીને બહેન, અને મોટેરી એટલીને મા ગણી ચાલે છે. કાદરબક્ષ એક પાક મુસલમાન છે. એની સાથે તારા જેવા હેવાન ન ચાલી શકે. હું તને ઠાર કરત. એક પલ પણ વાર ન લગાડત. પણ તારી લાશ આંહીં પડી ન રખાય, અમારે ઉપાડવી પડે, માટે જ હું તને નથી મારી શકતો એટલો અફસોસ કરું છું. ચાલ્યો જા! લે તારી ખરચીના પૈસા!” પૈસા આપીને તે જ પળે એને રવાના કર્યો.

*

દિવસ આથમવા ટાણે કાદુ ગીરના માતબર ગામ ગઢડા ઉપર આવ્યો. ચંદ્રનું ગ્રહણ હતું. થાણાનો પુરબિયા જાતનો દફેદાર હાથમાં હાંડલું લઈને નાહવા જાય અને કાદુને થાણામાં દાખલ થવું. દફેદારે બહારવટિયાને પડકાર્યા કે “કોન તુમ?” કાદુએ જવાબ આપ્યો, “હમ ગિસ્તવાલા. જલદી બંદોબસ્ત કરો.” એમ ખોટું બોલી, શત્રુને ભૂલમાં નાખીને કાદુએ માર્યો. સંત્રી વાલમસિંહને પણ ઠાર કર્યો. ત્રણ વાણિયા ને એક ખોજો, ચારેયને લૂંટી ચાલ્યો ગયો. ઉબા ઉપર પડ્યા. ત્યાંનો પટેલ ગિસ્તની સાથે બહુ હળતોભળતો રહી કાદુની બાતમી દેતો. એનું નાક કાપ્યું. હસનાપુર ભાંગ્યું. ત્યાંના સંધી તૈયબને પકડીને હાજર કર્યો : કહ્યું, “તૈયબડા, તું સીમાડાની તકરારો કરવા બહુ આવતો. તને સીમાડા દોરવા વહાલા હતા. લે, આ સીમાડા દોરવાનો તારો શોખ અમે પૂરો કરીએ.” એમ કહીને તૈયબના પેટ ઉપર તરવારની પીંછીથી ચરકા કરી, સીમાડાની લીટીઓ દોરી. સવની, ઈસવરિયું ને મોરાજ, ત્રણ ગામ ભાંગીને લૂંટ કરી. પસનાવડા ભાંગ્યુ. એક બ્રાહ્મણ ભાગ્યો, તેને ઠાર માર્યો ને પછી ગયા લોઢવા ઉપર. લોઢવાનો આયર પટેલ એવું બોલેલો કે “કાદુ બીજે બોડકિયુંમાં ફરે છે, પણ આંહીં શીંગાળિયુંમાં નથી આવ્યો. આવે તો ભાયડાની ખબરું પડે.” આ વાત કોઈએ કાદુને ગીરમાં કહી. “ઓહો! પટેલ સામે ચાલીને તેડાં મોકલે છે, ત્યારે તો ચાલો, ભાઈ!” એટલું કહીને કાદર ચડ્યો. પટેલનું ઘર લૂંટ્યું. પટેલને બાન પકડ્યો. પકડીને કહ્યું કે “ભાગેગા તો હમ ગોલીસે ઠાર કરેગા. રહેગા તો મોજસે રખેગા.” પટેલ શાણો, એટલે સમય વર્તી ગયો. ન ભાગ્યો. એને બહારવટિયો છૂટથી રાખતો અને બરાબર રોટલા ખાવા દેતો. લોઢવા ભાંગ્યું ત્યારે કાદુ એક કારડિયા રજપૂતને ખોરડે પેઠો. મરદ લોકો પોબારા ગણી ગયેલ. બહારવટિયાનો ગોકીરો સાંભળીને ઘરની બાઈ ઊંઘમાંથી બેબાકળી ઊઠી. એના અંગ ઉપર લૂગડાંનું ભાન ન રહ્યું. ભાળતાં જ કાદુ પીઠ કરીને ઊભો રહ્યો. ઊભીને પાછળ થરથર ધ્રૂજતી અરધ નગ્ન ઓરતને કહ્યું, “બોન, તારાં લૂગડાંનું સાચવી લે. હું તારી અદબ કરીને ઊભો છું. બ્હીશ મા, બેટી!” પણ બાઈ તો હેબતાઈ ગઈ હતી. એ હલી કે ચલી ન જ શકી. અલ્લાની આંખ જેવો દીવો જલતો હતો. કાદુ બહાર નીકળ્યો; કહેતો ગયો કે “બટી, તારા ખોરડાનું કમાડ વાસી દે.” સાથીઓને કહ્યું કે “આ ઘર નથી લૂંટવું, ચાલો.” એક ગામમાં પડીને કોઈ તાલેવર વેપારીનું ઘર ઘેર્યું. અધરાતને પહોર અંદરનાં માણસો ઊંઘતાં હતાં. બારીબારણાં ખેડવી શકાય તેવાં સહેલાં નહોતાં. કાદરબક્ષ પોતે ખોરડા પર ચડી ગયો. એણે ખપેડાં ફાડીને અંદર નજર કરી. ઘસઘસાટ નીંદરમાં સ્ત્રી-પુરુષને એક સેજની અંદર સૂતેલાં દેખ્યાં. જોતાં જ પાછો ફરી ગયો. બિયાલ થોરડી ભાંગ્યું. હવાલદારો વાડ ઠેકી ઠેકીને ભાગી ગયા. લુંબા ભાંગ્યું ને આંબલાસનાં બાન પકડ્યાં. દંડ લઈ લઈને છોડ્યાં. સણોસરી ને નગડિયાની લૂંટ કરી લોકોને દાંડિયારાસ રમાડ્યાં. ખજૂર વહેંચ્યાં. ગીરાસિયાઓનો પોતે આશરો પામતો હોવાથી ગીરાસિયાના ગામ પર નહોતો જતો. પણ એક મકરાણીનો ભૂલવ્યો બિનવાકેફ કાદુ જેઠસૂર વાળાની બોરડી ઉપર પડ્યો. એમાં એક તરવારધારી કાઠી જુવાનને ઊભેલો જોયો. અવાજ દીધો કે — “અય જુવાન! હથિયાર છોડી દે.” પણ જુવાન હેબતાઈ ગયો હતો. કાદુએ ત્રણ વાર કહ્યું કે “જુવાન, હથિયાર છોડી દે.” પણ જુવાન જડ પથ્થર જેવો ભાન ભૂલી ઊભો થઈ રહ્યો. એને કાદુએ બંદૂકે ઠાર કર્યો. પછી માંડી લૂંટ. એ ટાણે વસ્તીમાંથી કોઈએ કહ્યું કે “વસ્તીને સંતાપો છો જમાદાર, ત્યારે દરબારને કેમ કાંઈ કહેતા નથી?” “અરર! આ દરબારનું ગામ? ભૂલ થઈ,” કહીને અફસોસ કરતો કાદુ બહાર નીકળી ગયો. ચોકલી ગામ તોડ્યું. પટેલને કાકડાથી બોલ્યો. કેર વર્તાવ્યો. ભાલપરા ભાંગ્યું. ખાન-બહાદુર અલવીના ભાઈની ગિસ્ત પર તાશીરો કરી તેને ભગાડી. ગામલોકોનાં નાકકાન કાપ્યાં. ઘાતકીપણાએ એની મતિને ઘેરી લીધી. ડાહ્યાડમરા અને ખાનદાન કાદરબક્ષે માઝા મેલી! પોતાની ફતેહમાં મદછક બની, અને કિન્નો લેવાના નેક માર્ગો મૂકી દઈ રૈયતનાં નાક-કાન કાપવાં શરૂ કર્યા ;[1] એટલાં બધાં કાપ્યાં કે એના દુહા જોડાણા :

કરમરનો કાંટો કરી, હેતે માંડેલ હાટ,
એક પૈસાનાં આઠ, કાદુએ નાક જ કર્યાં.

પોતે પોતાના હાથે તો એટલો હેવાન બની શક્યો નહીં, પણ એના ખૂની અને રાક્ષસી ભાણેજ અલાદાદને હાથે આ અત્યાચાર થવા દીધો.

*

બાનને બહારવટિયો કેવી રૂડી રીતે રાખતો! એક દિવસ કાદુ નદીકાંઠે નમાજ પઢે છે. ટૂંકા અને મોરૂકા વચાળે સરસ્વતી નદી ચાલી જાય છે. નમાજ પઢતો પઢતો કાદુ પોતાની રોજની રીત પ્રમાણે હોઠ ફફડાવી બોલે છે કે “હે ખુદા! અમે જાણીએ છીએ કે અમે હરામનું ખાઈએ છીએ. અમે ત્રાસ વર્તાવીએ છીએ. અમે દોજખમાં જ જવાના. પણ શું કરીએ? દુનિયા માનતી નથી. અમારી ઇજ્જત જાય છે…” ત્યાં એણે ભડાકો સાંભળ્યો. નમાજ સંકેલીને જ્યાં જાય ત્યાં તો સાસણ ગામનો દફતરી લુવાણો પુરુષોત્તમ, કે જેને બાન પકડેલો તેને ઠાર કરેલો દીઠો. સાત દિવસથી પુરુષોત્તમ સાથે જ હતો. એને કાદુએ કવેણ પણ કહ્યું નહોતું. આજ એને ઢળેલો દેખીને કાદુની આંખમાંથી દડ દડ પાણી છૂટી ગયાં! પૂછ્યું, “આ કોણ શયતાને કર્યું?” અલાદાદને ચહેરે મશ વળી ગઈ. “અલાદાદ, તેં આ કર્યું? બાનને માર્યો?” એટલું કહી અલાદાદના શિર પર બંદૂકનો કંદો માર્યો, માથું ફોડ્યું અને કહ્યું કે “ચાલ્યો જા! તું ને તારા બે સીદીઓ પણ.” સાત દિવસ સુધી ત્રણેય સોબતીઓને જુદા રાખેલા. પછી તેઓ ઘણું રગરગ્યા ત્યારે જ પાછા સાથે લીધેલા.[2] કહે છે કે પોતે ભૂખ્યા રહીને પણ બાનને ખવરાવતો.

*

વૈશાખ મહિનો હતો. વેરાવળના હવામહેલોમાં દરિયાની લહરીઓ હિલોળાઈ હિલોળાઈને હાલી આવતી હતી. ગોરા અમલદારોની છાવણીઓ નખાઈ ગઈ હતી. મહેલો ઉપર અંગ્રેજોના વાવટા ફડાકા મારી રહ્યા હતા. સાહેબ-મડમોની આંખોમાં સુખનાં ઘેન ઘેરાતાં હતાં. બારીએ બારીએ સુગંધી વાળાની ટટ્ટીઓ, મેજ ઉપર ફૂલોના હારગજરા, મીઠાં શરબત અને મીઠા શરાબ એ સહુ મળીને સાહેબ લોકોને નવાબની મહેમાનદારીની મીઠપમાં ઝબકોળતાં હતાં. અંગ્રેજોની સરભરા માટે જૂનાગઢનું રજવાડું વખણાય છે. એક દિવસ સાંજ નમતી હતી. બે ઘોડાગાડીઓ ગોધૂલિનાં અંધારાં-અજવાળાં વીંધીને પ્રભાસપાટણથી વેરાવળ પાછી આવતી હતી. ગાડીઓને બન્ને પડખે રાતા દીવા અંગ્રેજોની રાતી આંખો જેવા ઝગતા હતા. બરાબર હાજી માંગરોળીશા પીરની જગ્યા પાસેથી પહેલી ગાડી ચાલી ગઈ. અંદર એક ગોરો ને એક મડમ બેઠાં હોય તેવું દેખાતું હતું. એ ગાડી ગઈ એની પાછળ બીજી ગાડી નીકળી. નીકળતાં જ હાજી માંગરોળીશાની જગ્યાની આથમણી દિશા ભાઠોડમાંથી એક આદમી ઊઠ્યો. “ખડા રખો!” એક કારમી ત્રાડ દીધી તરાપ મારીને એ પડછંદ આદમી, કબરમાંથી ઊઠેલા પ્રેત જેવો, ગાડીની પગથી પર ચડી આવ્યો. બંદૂક તાકી; ઘોડો દબાવે એટલી વાર હતી. ત્રાડ દીધી કે “લેતો જા, શયતાન ઇસ્કાટ સાબ! ઇણાજ પર તોપ ચલાનેવાલા! હમ જમાદાર કાદરબક્ષ.” દરમિયાન ગાડીના ભડકેલા ઘોડાઓની લગામો પર પાંચ બુકાનીદારો ચોંટી પડ્યા હતા. “હમ ઇસ્કાટ નહિ, હમ —” ગાડીમાં એક મડમની જોડાજોડ બેઠેલો ગોરો પુકારી ઊઠ્યો. “તુમ કોન?” બહારવટિયાએ પૂછ્યું. “જેક્સન સાબ — ધારી પલ્ટનવાલા.” “ઇસ્કાટ સાબ કિધર ગયા?” “પહેલી ગાડીમેં નિકલ ગયા.” “હાય! યા અલ્લા! હમ ગાડી ભૂલ ગયા. યે ઓરત કોન?” હેબતાઈને થંભેલી મડમ તરફ આંગળી કરી પૂછ્યું. “ઇસ્કાટ સા’બકી જોરુ.” “ઓરત! ઓરતકો હમ નહિ મારેગા. જાઓ.” એટલું કહીને બહારવટિયો નીચે ઊતર્યો. બહાદુર અંગ્રેજ જૅક્સને એને સાદ પાડ્યો, “જમાદાર કાદરબક્ષ! થોડીક વાત કહેવી છે, સાંભળશો?” “બોલો સા’બ.” “શા માટે આ ખૂનામરકી? કોઈ રીતે સમજો!” “જૅક્સન સા’બ, કાદરબક્ષ લોહીનો તરસ્યો નથી. મારા ગરાસ-ચાસનું પાર પડે તો હું અત્યારે બંદૂક છોડી દઉં. નહિ તો હું ઈસ્કાટને ગોતી કાઢીને જાનથી મારીશ અને નવાબની સોના જેવી સોરઠને સળગાવી મૂકીશ.” “બહાદુર આદમી! તારી ખાનદાની પર હું આફરીન છું. હું પોતે જઈને નવાબ સાથે વિષ્ટિ ચલાવું છું. બોલ, કાલે ક્યાં જવાબ દેવા આવું? ઠેકાણું આપ.” “તું — તું ગોરો મને જવાબ દેવા આવશે?” કાદુએ કરડાઈભર્યો તિરસ્કાર બતાવ્યો. “હા, હું અંગ્રેજ બચ્ચો છું, માટે જ આવીશ…” બહારવટિયો જૅક્સનના સાવજ સરખા ચહેરા સામે જોઈ રહ્યો ફરી પૂછ્યું : “એકલો?” “એકલો.” “બિનહથિયારે?” “બિનહથિયારે.” “આંહીંથી દોઢ ગાઉ ઉપર : હિરણ્ય નદીમાં : ચાંદ ખતાલની જગ્યા પાસે.” એટલું કહીને બહારવટિયો અંધારી રાતની સોડ્યમાં સમાઈ ગયો. ગેબમાંથી પણ એનાં પગલાં બોલતાં હોય તેમ સ્કૉટની ભયભીત મડમ ચમકતી હતી. થોડી વારે એના જીવમાં જીવ આવ્યો. છાતીવાળો જુવાન જૅક્સન જાણે કે બહારવટિયાના મેળાપથી બેવડો હિમ્મતબાજ બન્યો. એની છાતી પહોળાતી હતી. એણે જઈ સ્કૉટને વાત સંભળાવી. પાંચ જ પગલે સ્કૉટ બચી ગયો. બીજા દિવસની રાત : અંધારું ઘોર : અને ગીરની ખપ્પર જોગણી-શી હિરણ્ય નદીનો ભેંકાર કિનારો : બરાબર ઠરાવેલ ઘડીએ ધારી પલટનનો ઉપરી અંગ્રેજ જૅક્સન બિનહથિયારે, પોતાના રોજના ભેરુ એક તમંચાને પણ તજીને, એકલો આવ્યો. આવીને ઊભો રહ્યો. અંધારે અંધારે એની પાણીદાર આંખો, હીરા જેવી ચમકતી ચમકતી ઓરી ને આઘી કાદુને ગોતતી હતી — થોડી વાર આમ, તો થોડી વાર તેમ. કોઈ બેઠું બેઠું બીડી પીતું હોય તેમ તિખારા ઝગતા હતા. હવામાં ખૂણે ખૂણેથી ઝીણી સિસોટી વાગતી હતી, પણ કોઈ માનવી નહોતું. થોડી વારે ખંભે ગોબો નાખીને એક આદમી આવ્યો. જૅક્સને પડકાર્યો, “કોન હૈ?” “રબારી છું, બાપા!” સામેથી જવાબ મળ્યો. “આંહીં કોઈ સિપાઈ દેખ્યો?” “હા. હું એને ખબર દઉં છું. તમે આંહીં બેસો.” રબારી ગયો. થોડી વારે રબારીનો વેશ ઉતારીને કાદરબક્ષ હાજર થયો. અવાજ દીધો કે “સલામ, જૅક્સન સા’બ!” “સલામ તમને, કાદરબક્ષ! હું આવ્યો તો છું, પણ માઠા ખબર લઈને. મારી બધી મહેનત ધૂળમાં મળી છે. નવાબને ઘણું સમજાવ્યા, મુંબઈ સરકારની મારફત સમજાવ્યા, પણ નવાબ કહે છે કે મારી રિયાસતમાં પાંચ કોમો પડી છે : મકરાણી, મહિયા, કાઠી, આહીર અને હાટી. હું પોચો થાઉં તો મને જૂનાગઢનો ગરાસ એ પાંચેય કોમો ખાવા જ ન આપે. માટે હું તો કાદુને જેર કરવાનો.” “જૅક્સન સા’બ! આવો જવાબ આપવા આવવાની તમે હિંમત કરી?” “કેમ નહિ! મેં તને કોલ આપ્યો હતો.” “એકલા આવવાની હિંમત કરી?” “એમાં શું? તું સાચો મર્દ છે તે ઓળખાણ તે દિવસની સાંજે જ થઈ ચૂકી હતી. તારા પર મને ઇતબાર હતો.” “હજાર આફરીન છે તમને, સાહેબ. પણ બોલો, હવે મારે શું કરવું?” “તારી ખુશી હોય તે કરજે. મારું દિલ તો એટલું દુખાયું છે કે મારા ધારી પરગણામાં તો તારી પાછળ ફરવા આવનારી નવાબી ગિસ્તને કોઈ શેર આટો પણ વેચાતો નહીં આપે એટલું હું તને કહી દઉં છું. મારા છેલ્લા સલામ, કાદરબક્ષ!” “સલામ, જૅક્સન સા’બ!”

*

રમજાનના દિવસો ચાલતા હતા. કડાયા ગામમાં જે નવું થાણું બેઠેલું તેના પહેરાવાળા આરબો પાછલી રાતે, શીતળ પવનની લહેરોમાં, તરવાર-બંદૂકો ખીલીએ ટિંગાડીને બેઠા બેઠા કાવો પીતા હતા. ઓચિંતી એક જણાએ ચીસ પાડી કે “ઓ અબ્દુલ કાદર!” સાંભળતાં જ જેવા સહુ પોતપોતાનાં હથિયાર સંભાળવા ઊભા થવા જાય છે ત્યાં ભરી બંદૂકની નાળ્ય નોંધીને વિકરાળ કાદુડાએ હાકલ દીધી, “બસ જમાદારો! મત ઉઠના!” પહેરાવાળા જેમ હતા તેમ ઠરી રહ્યા. કાદુના સોબતીઓ લૂંટ કરવા ગામમાં ચાલ્યા ગયા અને કાદુ એકલો જ એક બંદૂકભર ત્યાં પચીસ માણસના પહેરા ઉપર છાતી કાઢીને ઊભો રહ્યો. કોણ જાણે શાથી પણ ગિસ્તના આરબોનાં હૈયામાંથી અલ્લા ઊઠી ગયો. ધીરે ધીરે તેઓએ કાદુને આજીજી કરવા માંડી, “કાદરબક્ષ! આજ તું અમારાં હથિયાર લઈ જઈશ તો અમારી ઇજ્જત નથી. ભલો થઈ અમને બંદૂકો પાછી દે. અમે સિપાહી છીએ. જગત જાણશે તો અમને કોઈ સંઘરશે નહિ.” તમામની બંદૂકો ખાલી કરીને કાદુએ પાછી સોંપી દીધી અને જતાં જતાં કહ્યું, “ફિટકાર છે તમને, સિપાહીઓ! પચીસ જણા કાદુની સામે કાલાવાલા કરો છો એમાં તમારી સિપાહીગીરી ક્યાં રહી? પણ તમને સિપાહીગીરીની ઇજ્જત કરતાં જાન અને ઓરત વધુ વહાલાં છે. જાઓ, લઈ જાઓ હથિયારો!” સોનારિયા ગામમાં ગિસ્ત પર તાશીરો કરી લૂંટફાટ વર્તાવી. બાદલપર લૂંટ્યું. મેઘપર લૂંટ્યું. વાંસાવડ લૂંટ્યું. સોલાજ લૂંટીને પટેલને શરીરે ડામ દીધા. ભરોલામાં દિવસ આથમતે પડ્યા. ત્યાં રબારીઓનું થાણું હતું. પહેરાવાળાઓને પકડી, હથિયારો આંચકી લઈ, ઘરમાં પૂર્યા. ગામ લૂંટ્યું. પછી તરવારો પાછી આપી ચાલી નીકળ્યા. ભીમદેવળ, ઝીલાલ ને તરસૂયા લૂંટ્યાં. ઝૂંથલ ગામમાં હાટી લોકોની વસ્તી હતી. ત્યાં પડીને કાગડા સાખના હાટી રામા પટેલને પકડ્યો. હાટીઓને ખબર પડતાં જ તેઓ ઢાલ-તરવાર લઈને નીકળ્યા. કાદુએ એમને આવતા દેખીને ચેતવ્યા કે “જુવાનો! શીદ મરો છો? તમે ભલા થઈને ચાલ્યા જાઓ. અમે તમારી બાથમાં નહિ સામીએ.” હાટી જુવાનો હેબતાઈ ઊભા રહ્યા. પણ પાછળ હટતા નથી, તેમ આગળ ડગલું દેતા નથી. કાદુએ થોડી વાટ જોઈ આખરે જ્યારે હાટીઓએ ચોખવટ ન જ કરી ત્યારે પછી કાદુએ એમને ગોળીએ દીધા. હાટીઓએ એ ઘા સામી છાતીએ ઝીલ્યા.

*

માંડણપુરાના મકરાણીની એક દીકરી હતી. ફાતમા એનું નામ હતું. જુવાનીના રંગો એને ચડી રહ્યા હતા. પાણીદાર મોતી જેવું એનું રૂપ હતું. એણે કાદુને આખી સોરઠ હલમલાવતો જોયો. કાદુની વીરતા ઉપર જીવતર ઓવારી નાખવાનું નીમ લઈને એ બેઠી હતી. બહારવટિયો એના બાપને ઘેર કોઈ કોઈ વાર આશરો લેવા આવતો હતો. ફાતમાએ એને કમાડની તિરાડમાંથી વારે વારે નીરખ્યો હતો. આખરે એક વાર તો એણે હામ ભીડી કાદુની મોઢામોઢ થવાનો મોકો દીધો. બાપ બહાર ગયો હતો. મા આઘીપાછી થઈ હતી. કાદુના સાથીદાર પણ ઓરડામાં ઊંઘતા હતા. તે વખતે ફાતમા પોતાની ભાતીગળ ઇજારમાંથી જાણે ગળી પડતી હોય તેવી કંકુવરણી પાનીઓ માંડતી, ઘેરદાર કુડતાનાં હૂલણ-ઝૂલણને સંકોડતી, પીળી ઓઢણીના પાલવ લપેટીને હૈયું છુપાવતી આવી ઊભી રહી. બહારવટિયાના સરવા કાને એનો હળવો, હવાની લહેરખી જેવો સંચળ પણ સાંભળ્યો. કાંધરોટો દઈને એણે એ આવનાર તરફ નજર કરી. ઓરત દેખીને પાછો નેણ નીચાં નમાવી ગયો. તરવારની મૂઠ ઉપરની કોંટી થોડી વાર બાંધવા ને થોડી વાર છોડવા લાગ્યો. જ્યારે કાદુએ બીજી વાર પણ સામેય ન જોયું ત્યારે ફાતમાથી છેવટે ન રહેવાયું. એણે જોર કરીને કમાડ ઝાલ્યું. પછી બોલી : “જમાદાર! એક વાર ઊંચે જોશો?” “શું છે?” કાદુએ ત્રાંસી આંખે નજર ઠેરવી. “મારે તમારી ચાકરી કરવી છે. મને તેડી નહિ જાઓ?” “ક્યાં તેડી જાઉં? દોજખમાં? હું તો મૉતને માર્ગે છું. તું બેવકૂફ ઓરત, આંહીં કાં આવી?” “દોજખમાંય તમારી સાથે આવીશ, કાદરબક્ષ! હું જાણું છું કે તમે તમારો જાન હાથમાં લઈ ફરો છો. હું પણ મારો જાન તમારા હાથમાં આપીશ.” “બાઈ, તું આંહીંથી ચાલી જા. મારાં બાલબચ્ચાં મકરાણમાં જીવતાં છે ને હું આજ બહારવટે છું. મારું એ કામ નથી. મારાથી નેકીનો રાહ ન ચુકાય. અમે તારા બાપનો આશરો લઈએ છીએ, એટલે તું તો મારી બેન થા.” ફાતમાએ પોતાના પાલવમાં એક તરવાર સંતાડી હતી. તે કાઢીને કાદુ તરફ લંબાવી કહ્યું, “જમાદાર કાદરબક્ષ! આ તરવાર મારા તરફથી સોગાદ સમજીને લેશો? હું એ રીતે મન વાળીશ. તમારી ગોદમાં આ તરવાર રમશે, તેથી હું દિલાસો લઈશ.” “ના, ના; અમારે તરવારો ઘણી છે, બાઈ! તું અહીંથી ચાલી જા!” એવો ઠંડો જવાબ આપીને કાદુ ઘરની બહાર નીકળી ગયો.

*

ગામ ભાંગવામાં સહુથી પહેલો ઝાંપો ભાંગનાર જોરાવર મોટેરા ભાઈ અબાબકરનું મૉત થયું. સરસ્વતી નદીને કાંઠે કરમડીના ઢૂવા પાસે બહારવટિયા બેઠા બેઠા લૂંટનું રૂપું દાટતા હતા. તેવામાં ગિસ્ત આવી પહોંચી. ઝપાઝપી બોલી. આખરે બે હાથમાં બે બંદૂક લઈને કાદરબક્ષ ભાગ્યો. પાછળ અબાબકર ભાગ્યો. એની પાછળ ગિસ્તના જોરાવર મકરાણી જુવાન વલીમામદે દોટ દીધી. એ જુવાને પાછળથી બહારવટિયાને પડકારો કર્યો કે “ઓ કાદરબક્ષ, બલોચનો દીકરો બલોચની મોર્ય ભાગે તો તો એબ છે.” સાંજનાં અંધારાં ઘેરાતાં હતાં. તેમાં અવાજ પરથી બહારવટિયે પોતાના જાતભાઈને ઓળખ્યો. “કોણ, વલીમામદ વીસાવદરવાળો? જેની ડોશી અમારી સામે બંદૂક લઈને ઊઠતી’તી એ જ તું ભાઈ?” “એ જ હું. એ જ ડોશીનું દૂધ ધાવેલો હું. હવે હુશિયાર થા, કાદરબક્ષ!” અબાબકર પાછો ફર્યો. હથિયાર તો નહોતું. પછી પથ્થર ઉપાડ્યો. ત્યાં તો જુવાન વલીમામદે પણ પોતાના ગુરુના કહેવા મુજબ સાત કદમ પાછા જઈ બંદૂક છાતીએ ચડાવી. આંહીંથી બંદૂકની ગોળી છૂટી ને ત્યાંથી પથ્થર છૂટ્યો. ગોળી અબાબકરના સાથળમાં વાગી ને બંદૂક પથ્થરના ઘાયે તૂટી. પછી વલીમામદ તરવાર લઈને ઠેક્યો. અબાબકર પડ્યો. તરવારના પણ બે કટકા થઈ ગયા. પડેલા દુશ્મનની પાસે વલીમામદ ઊભો થઈ રહ્યો. મરતો દુશ્મન બોલ્યો : “રંગ છે, વલીમામદ!” “રંગ છે, તને પણ, ભાઈ! તું કુરાને શરીફ છો. તને પાણી દઉં?” “ના, ના, હવે પાણી ન જોઈએ.” કાદુ તો નાસી ગયો હતો. ગિસ્ત અબાબકરના શબને ઉપાડી જૂનાગઢ લઈ ગઈ. નવાબે પૂછ્યું, “વલીમામદ, ઇસ્કુ કિને મારા?” “મૈંને નહિ, આપકા નિમકને.” “ઇસ્કુ ક્યા કરના?” “નામવર, દફન કરના.” કાદરબક્ષે જ્યારે આ વાત સાંભળી ત્યારે એ બોલ્યો હતો કે “મારું મૉત પણ મારા આવા જાતભાઈને હાથે જ થાજો કે જેથી મને મૂઆ પછી મુસલમાનની રીતે અવલમંજલ પહોંચાડે!”

*

ભેંસાણ ગામને ઝાંપે એક દિવસ એક ચિઠ્ઠી બાંધેલી છે. સવારને પહોર લોકો નીકળે છે અને ચિઠ્ઠી ભાળી એ સાપની ફેણ હોય તેમ બીને ચાલ્યા જાય છે. ગામના મુછાળા મરદ ફોજદાર માણેકલાલને જાણ થઈ કે કોઈક જાસાચિઠ્ઠી બાંધી ગયું છે. પાદર જઈ ફોજદારે જાસાચિઠ્ઠી છોડી. વાંચી. અંદર લખ્યું હતું કે “માણેકલાલ ફોજદાર! કચેરીમાં બેસી કાદુ સામે ભારે મૂછો આમળો છો, માટે ભેંસાણ ભાંગવા અને તમારું નાક કાપવા આવું છું : મરદ હો તો બંદૂકો ભરીને બેસજો!” ફોજદાર સાહેબ વાંચતા જાય છે તેમ તેમ છ મહિનાનો મંદવાડ હોય તેવા પીળા પડતા જાય છે. પડખે ઊભેલા નાના અમલદાર સામસામા મિચકારા કરીને મૂછમાં હસી રહ્યા છે. “ફિકર નહિ. ભલે આવતો કાદુ — આવશે તો ભરી પીશું,” એવા એવા બોલબોલવા છતાં માણેકલાલભાઈના પેટમાં શું હતું તે અછતું ન રહ્યું. પણ રુઆબમાં ને રુઆબમાં સાહેબ બેસી રહ્યા. બે-ચાર દિવસ નીકળી ગયા. એમાં એક રાતે ગામમાં હુલકું પડ્યું કે “મકરાણી આવી પહોંચ્યા છે!” ભડાભડ બજારો દેવાઈ ગઈ, વેપારીઓ કાછડીના છેડા ખોસતા ખોસતા ચાવીના ઝૂડા લઈને ઘર ભેગા થઈ ગયા અને ગામની કાઠી લોકોની વસ્તી જાડી હોવાથી કાઠીઓ મોરચા પકડવા મંડ્યા. એક ઉતાવળિયા જણે તો બંદૂકનો અવાજ પણ કરી નાખ્યો એટલે સરકારી લાઈનમાં ઝાલર વાગી અને ગોકીરો વધ્યો. ફોજદાર સાહેબ માણેકલાલભાઈ દીવાલ ઠેકીને ભાગ્યા. વાંસે એક ભરવાડનું ઘર હતું તેમાં ભરાયા, અને ભરવાડણને કરગર્યા કે “તારે પગે લાગું. મને તારાં લૂગડાં દે!” ભરવાડણે પોતાનું પેરણું અને ધાબળી દીધાં. માણેકલાલભાઈ એ પહેરીને ઘંટીએ બેઠા. આખી રાત ઘૂમટો તાણીને દળ્યા કર્યું. આંહીં ગામમાં તો એની બડાઈ ઉતારવા માટે બધું મશ્કરીનું તોફાન જ હતું, એટલે થોડી વારે તો જળ જંપી ગયાં, પણ માણેકલાલભાઈ ભળકડા સુધી ઘંટીએથી ઊઠ્યા નહિ. ભરવાડણને આઠ દિવસનો પોરો મળી ગયો.

*

કેશોદ અને વેરાવળ વચ્ચેના માર્ગે સવારના ટાણે એક ઘોડાનો ટાંગો વેગબંધ ચાલ્યો જાય છે. અંદર એક હથિયારબંધ અંગ્રેજ પોતાની મડમ અને પોતાના નાના સુંવાળા એક બાળક સહિત બેઠો છે. એ અંગ્રેજ તે જૂનાગઢ રાજના નવા નિમાયેલા પોલીસ-ઉપરી મેજર હંફ્રી છે. કાદુની ટોળીને જેર કરવાનું બીડું ઝડપીને એ બાહોશ ગોરાએ બંદોબસ્ત માંડ્યો છે. પોતાની ચકોર નજરને ચારેય દિશામાં ફેરવતો હંફ્રી સાહેબ બંદૂકના ઘોડા પરથી આંગળી ખસેડ્યા વિના રસ્તો કાપે છે. થોડીક વારે આડેધડ ખેતરો સોંસરવો એક ઘોડેસવાર મારતે ઘોડે ટાંગા તરફ આવતો દેખાણો. આવનાર અસવારના હાથની નિશાની દેખીને હંફ્રીએ ગાડી ઊભી રખાવી. પરસેવે રેબઝેબ, મોંએ ફસફસતો અને હમણાં છાતી ફાટી પડશે એવો હાંફતો એ ઘોડો આવીને ઊભો રહ્યો કે તુરત તેની પીઠ પરથી ઊતરીને એક પોલીસ અમલદારે સલામ કરી. ઉતાવળે સાદે કહ્યું, “સાહેબ, આપ ઊતરી પડો. આ લ્યો આ ઘોડો, જલદી પાછા ફરી જાઓ!” “કેમ?” “બહારવટિયાએ નજીકમાં જ ઓડા બાંધ્યા છે. પલેપલ આપના જાનની વાટ જોવાય છે. જલદી કરો!” શૂરો હંફ્રી વિચારમાં પડે છે. અમલદાર અધીરો બને છે : “વિચાર કરવાનો વખત નથી, સાહેબ બહાદુર! જેની સામે આપે ગામડે ગામડે ચાર ચાર રાઇફલો ગોઠવી છે એ આજ આપને નહિ છોડે.” “મારાં બાલબચ્ચાંનું શું થાય?” સાહેબનાં ભવાં ચડે છે. “એને ઊની આંચ નહિ આવે. એ તો કાદરબક્ષ છે. નિરપરાધી ઓરત-બચ્ચાંને એ ન બોલાવે. આપ ઝટ ભાગી છૂટો.” ભયભીત મડમ બોલી ઊઠી, “વહાલા! ખુદાને ખાતર, અમારે ખાતર, ભાગી છૂટો.” હંફ્રી ટાંગામાંથી ઊતરી ઘોડે ચડ્યો. ચાલી નીકળ્યો. છેક જાતો બરડામાં ઊતરી ગયો. ને આંહીં ટાંગો આગળ વધ્યો. જેમ જેમ ટાંગો ઢૂકડો આવે છે તેમ તેમ બહારવટિયાનાં ડોકાં ઓડાની પાછળથી ઊંચાં થતાં જાય છે. આખરે લગોલગ થતાં જ બહારવટિયા આખેઆખા ઊભા થઈ ગયા. બંદૂકો ઊંચી ઉઠાવી. જ્યાં નોંધવા જાય છે ત્યાં કાદરબક્ષે કહ્યું, “ખામોશ! હંફ્રી ગાડીમાં નથી. અંદર ઓરત ને બચ્ચું જ છે.” “ભાઈ કાદરબક્ષ!” ખૂની અલાદાદ બોલી ઊઠ્યો, “એની મડમ ને બચ્ચાને ઠાર કરી નાખીએ. હંફ્રીનું કલેજું ચિરાઈ જશે અને એ આપણો કાળ જલદી વિલાયત ભેગો થશે.” “નહિ, નહિ, અલાદાદ! શત્રુની ઓરત તો બહારવટિયાની માબહેન. એને હાથ અડકાડશું તો તો આપણી રિન્દ-બલોચ મા-બહેનો આપણા નામ પર થૂંકશે. ઓરત અને બચ્ચાં તો દુનિયાની પાકમાં પાક પેદાશ છે.” બીજા બધા બોલ્યા, “કાદરબક્ષ! ભૂલી ગયા? રાજ્યે કેમ આપણાં બાલબચ્ચાંને પકડ્યાં હતાં?” “એ નાપાક પગલું હતું. હું રાજ્યની નકલ નહિ કરું.” “ભાઈ કાદરબક્ષ! ભૂલો છો. પસ્તાશો. હવે ખોટી દયા ખાવાનું ટાણું નથી રહ્યું. કાંઈ નહિ તો જીવતાં ઉઠાવી જઈએ.” “એ પણ નહિ બને. કાદરબક્ષ જલ્લાદ ભલે હોય, શયતાન તો હરગિજ નથી. આપણી રિન્દ-બલોચ ઓરતો આપણા નામ પર જૂતાં મારશે. બસ! ખામોશ!” એટલું કહીને કાદુ બીજી દિશામાં ઊતરી ગયો. પાછળ એના સાથીઓ મનમાં સમસમતા અને બબડતા ચાલ્યા. તેઓની ખૂની નજર વારેવારે પાછળ ફરીને દૂર દૂર ત્યાં જોઈ રહી હતી, જ્યાં એક ટાંગો નિર્દોષ મા-દીકરાને લઈ ચાલ્યો જતો હતો.

*

બહારવટિયાને ઝાલવાનું ઇનામ જાહેર થયેલું તેનાથી લોભાઈને જોગી બહારવટિયા જોગીદાસનો પૌત્ર જેઠસૂર ખુમાણ આંબરડીથી નીકળ્યો. જૂનાગઢ જઈને બીડું ઝીલ્યું. ભેળી એક ગિસ્ત લીધી. “કાદુ બચારો કોણ છે! હમણાં ગરમાંથી સાંસલો ઝાલે એમ ઝાલી લઉં!” આવા બોલ બોલીને જેઠસૂર નીકળી પડ્યો. ભમતાં ભમતાં ગીરમાં એક નદીને કાંઠે પડાવ નાખ્યો. પ્રભાતને પહોર બગલમાં તરવાર લઈ કળશિયે જવા નીકળ્યો. થોડો આઘેરો નીકળી ગયો. પાછો આવીને નદીમાં હાથ ધોવે છે, ત્યાં એક ફકીર પણ પાણીમાં મોં ધોઈને કાંઠે બેઠો છે. ફકીરે પૂછ્યું કે “દરબાર, ક્યાં રે’વું?” “રે’વું જોગીદાસની આંબરડી.” “આવો આવો કસુંબો પીવા.” “આગ્રહ કરીને ફકીરે જેઠસૂરને બેસાડ્યો. પોતે ખરલમાં કસુંબો ઘોળવા લાગ્યો. ઘોળતાં ઘોળતાં પૂછ્યું કે “શું નીકળ્યા છો?” “આ કાદુડો ફાટ્યો છે, તે એને ઝાલવા. મલકમાં કોઈ માટી નથી રહ્યો ખરો ને, તે કાદુ સહુને ડરાવે છે.” હસીને ફકીરે પૂછ્યું, “કાદુ મળે તો શું કરો? છાતી થર રહે કે?” “કેમ ન રહે? હું ખુમાણ છું. પકડી લઉં, ને કાં ઠાર મારું.” “ત્યારે જોઈ લો, જેઠસૂર ખુમાણ!” એટલું કહીને કાદુએ કફની ઉતારી. અંદર મકરાણીના વેશે, પૂરાં હથિયાર સોતો જુવાન જોયો. દાઢી ઊતરી. કરડું મોં દેખ્યું. જેઠસૂરના મુખ ઉપરથી વિભૂતિ ઊંડી ગઈ. “જેઠસૂર ખુમાણ! લે, ઝાલી લે મને. હું જ જમાદાર કાદરબક્ષ.” જેઠસૂર શું બોલી શકે? ફાટી આંખે જોઈ રહ્યો. સામે ઘડી-બે ઘડીમાં જ મૉત હતું. કાદુએ તમંચો તોળીને કહ્યું : “જેઠસૂર ખુમાણ! મારું તો આટલી વાર લાગે. પણ તને જોગીદાસના પોતરાને હું કાદુ તો ન મારું; માટે ઝટ આંબરડી ભેળો થઈ જાજે. અને એક વાત વીસરીશ મા કે તારો દાદો જોગીદાસ જે દી ભાવનગર સામે બહારવટે હતા તે દી કાદુનો બાપ આવીને બીડું ઝડપી એને ઝાલવા ચડ્યો હોત તો તને કેવું લાગત? સહુ પોતપોતાના ગરાસ સાટુ મરવા નીકળે છે એ ન ભૂલતો, કાઠી! જા, ઝટ ગીરમાંથી નીકળી જા!” જેઠસૂર ખુમાણ તે દિવસથી ખો ભૂલી ગયો.

*

સવારનું ટાણું હતું. ઉનાળાનો દિવસ હતો. સૂરજનો તાપ વધતો જતો હતો. એવે ચડતા દિવસને વખતે ગામમાં એક ફકીર દાખલ થયો. એક વેપારીની હાટડી ઉપર જઈને ફકીરે સવાલ કર્યો કે “શેઠ, એક ચપટી સૂકો આપો ને! ચલમ ભરવી છે,” “સૂકો નહિ મળે. પૈસા બેસે છે,” વેપારીએ ચોપડામાંથી ઊંચું માથું કરીને કહ્યું. “શેઠ, હું દમડી વિનાનો અભ્યાગત છું. ચપટી સૂકાની ખેરાત નહીં કરો?” ફકીર રગરગવા માંડ્યો. “નહિ મળે,” શેઠે વેણ ટૂંકાવ્યાં. “અરે શેઠ, અભ્યાગતને ના પાડો છો, પણ કાદુ આવ્યો હોય તો કેમ આપો?” પડખે લોઢાની દસશેરી પડી હતી તે બતાવીને લુહાણો બોલ્યો, “કાદુ આવે અને અડપ ચડે તો એનું માથુંય આ દસશેરીથી ભાંગી નાખીએ, સમજ્યો? રસ્તે પડી જા અટાણમાં.” ફકીર ચાલ્યો. એક મોચીની દુકાન આવી. તૈયાર જોડાની જોડીઓ પડેલી જોઈને ફકીરે મોચીને પૂછ્યું, “ભાઈ, એક જોડ્ય પગરખાંનું શું લઈશ?” “દોઢ રૂપિયો.” મોચી બેપરવાથી બોલીને પાછો સીવવા લાગ્યો. “હું અભ્યાગત છું. પગે બળું છું, પાસે વધુ પૈસા નથી, માટે સવા રૂપિયે આપ ને, ભાઈ!” “બહુ બોલીશ તો પોણા બે બેસશે.” મોચી ઊલટો ભાવ ચડાવવા માંડ્યો. “અરે ભાઈ, વધછ?” “તો બે પડશે.” “એમ છે? કાદુ આવ્યો હોય તો કેમ મફત આપી દ્યો?” હાથમાં વીંગડો હતો તે ઉપાડીને મોચીએ કહ્યું, “કાદુ આવે ને, તો કાદુનેય આ વીંગડા ભેળો ટીપી નાખીએ. સમજ્યો ને? જા, રસ્તે પડ.” ફકીર બબડતો બબડતો ચાલ્યો ગયો. બજારે બોલતો જાય છે કે “ઓહોહો ખુદા! આ ગામમાં મને ચપટી સૂકો ન મળે, તો રોટલો તો મળે જ શેનો!” “કેમ, સાંઈ?” એક કણબણ પાણી ભરીને આવતી હતી તેણે પૂછ્યું, “કેમ, બાપા? ગામ જેવું ગામ છે ને કોઈને રોટલાની ના હોય? હાલો મારે ઘેરે.” કણબણે ઘેર જઈને ફકીરને રોટલો પીરસ્યો. ફકીરે ખાઈ લીધું. પછી એણે બાઈ સામે જોઈને મોં મલકાવી કહ્યું કે “બેન! વાત પેટમાં રે’શે?” “હા બાપા, શા સારુ નહિ?” “તું બ્હીશ તો નહિ ને?” “ના…ના…,” બાઈ જરાક ખચકાણી. “હું કાદુ છું.” “તમે કાદુ!!!” બાઈની છાતી બેસી ગઈ. “પણ તું બ્હી મા! તું મારી બેન છો. સાંભળ. આજ રાતે અમે આ ગામ માથે પડવાના છીએ. ગામ લૂંટશું, પણ તારું ઘર નહિ લૂંટીએ. હું એકલો નહિ નીકળું. હું ચોકમાં બેસીશ, એટલે મારા જણ તારું ઘર શી રીતે ઓળખશે એનો વિચાર કરું છું.” થોડીક વાર વિચારીને પછી કાદુ બોલ્યો, “જો બેન, તું તારા ઘરને ટોડલે બે દીવા પ્રગટાવીને મૂકજે. એ દીવાની એંધાણીએ મારા જણ તારું ઘર ઓળખશે. દીવા બરાબર મેલજે, ભૂલતી નહિ. લે હવે હું જાઉં છું. મારા જણ ભૂખ્યા બેઠા છે.” “એને ખાવાનું કેમ થાશે, બાપુ?” બાઈએ સમયસૂચક બનીને પૂછ્યું. “હવે જે થાય તે ખરી.” “ના, એમ નહિ. તમે ઓતરાદી દશ્યને મોટે મારગે ખીજડીવાળી વાવને ઓલે થડ ઊભા રે’જો. હું હમણાં ભાત લઈને આવું છું.” કાદુ ગયો. બાઈએ દસ જણની રસોઈ કરી. ભાત બાંધ્યું. રોજ ખેતરે પોતાના ધણીને ભાત દેવા જતી હતી તે રીતે તે દિવસ પણ ચાલી. કોઈને વહેમ પડ્યો નહિ. નક્કી કરેલી જગ્યાએ બહારવટિયાને ભાત પહોંચાડ્યું. રાત પડી અને બહારવટિયો ગામ પર ચડ્યો. પોતે ચોકમાં ખાટલો ઢળાવીને ભરીબંદૂકે બેઠો, અને સાથીઓને કહ્યું કે “ગામના વેપારીઓને લાવો. ભેળા એના ચોપડા પણ ઉપડાવતા આવો. અને એક મીઠા તેલનો ડબો, એક બકડિયું ને એક સાવરણી આણજો.” વેપારીઓને હારબંધ બેસાર્યા. મંગાળો કરી, તે પર બકડિયું મૂકી અંદર તેલ રેડ્યું અને પછી કહ્યું કે “આ વેપારીઓના ચોપડાનું બળતું કરો, એટલે રાંક ગરીબને સંતાપ મટે.” ચૂલામાં ચોપડા સળગાવીને બકડિયામાં તેલ કકડાવ્યું. એક પછી એક વેપારીને પૂછ્યું કે “કહો, લાવો, ઘરાણાં ને નાણાં હાજર કરો.” “ભાઈસા’બ, અમારી પાસે નથી.” આવો જવાબ મળતાં કાદુ કહેતો કે “શેઠને જરા છાંટણાં નાખો.” કડકડતા તેલમાં સાવરણી બોળીને બહારવટિયાના માણસો વેપારીના શરીર પર છાંટતા અને ત્રાસ આપીને મનાવતા. વેપારી માની જતો કે “બાપા, ચાલો બતાવું.” પોતાને ઘેર લઈ જતો. ઘરની જમીનમાં ધનદોલત દાટ્યાં હોય ત્યાં સંભારી સંભારીને ખોદાવતો. પણ ફડકામાં વેપારી ભાન ભૂલી જઈ પોતાને જે જગ્યા છુપાવવી હતી તે જ ખોદાવી બેસતો ને તેમાંથી બહારવટિયાને પોતે કહેલા તે ઉપરાંતના બીજા દાગીના નીકળી પડતા ત્યારે બહારવટિયો નિર્દય બનીને કહેતો કે “એ તો મારા તકદીરના નીકળી પડ્યા. હવે તો તેં કહેલા એ કાઢી દે!” એવો સિતમ વર્તાવી કાદુ પેલી રોટલા દેનાર બહેનને બોલાવતો ને કહેતો કે “બેન, તારે જોઈએ તે આમાંથી ઉપાડી લે.” “અરે ભાઈ, મને મારી જ નાખે ને!” “તારું કોઈ નામ લ્યે તો મને કહેજે. હું પાછો આઠ દિવસે આંહીં નીકળું છું.” એમ ખેરાત અને ચોરાશીઓ જમાડી, બાઈઓ પાસે રાસડા રમાડી, સહુને આપતો આપતો કાદુ નીકળી જતો એવું કહેવાય છે.

*

“ભાઈ અલાદાદ! હવે આપણા દિવસ પૂરા થયા. આપણાં પાપનો ઘડો ભરાઈ રહ્યો. હવે નહિ ટકાય.” “કાં?” “દેશભરમાં ત્રાસ છૂટી ગયો છે. મુંબઈનાં છાપાંમાં પણ ગોકીરો ઊઠ્યો છે. જૂનાગઢના ગોરા પોલીસ-ઉપરી હંફ્રી સા’બે પોલીસમાં નવા લાયક આદમીઓની નવી ભરતી કરીને નવી જાતની બંદૂકો આપી છે. ગામેગામ ચચ્ચાર બંદૂકદારોનાં થાણાં બેસી ગયાં છે. અને રાવસાહેબ પ્રાણશંકર આપણને રોટલા દેવાના શક ઉપરથી વસ્તીનાં નિર્દોષોને એટલા એટલા ફટકાની સજા કરી પીટે છે કે મારાથી હવે આ પાપની ગઠડી સહેવાતી નથી.” “ત્યારે શું કરશું, ભાઈ કાદરબક્ષ?” “મકરાણ તરફ ઊપડી જઈએ.” “ભલે.” બહારવટિયા ન ટકી શકવાથી બહાર નીકળી ગયા. થોડા દિવસ તો આ શાંતિનો ભેદ કોઈથી કળાયો નહિ. પછી તો વહેમ આવ્યો કે બહારવટિયા નાસી છૂટ્યા. ચારેય તરફ તારો છૂટ્યા અને નાકાબંધી થઈ ગઈ. કાદુની બહેન દમણ જઈને મુસલમાન છોકરીઓ માટે મદરેસો માંડી પેટગુજારો કરવા માંડી. દીનમહમદ પણ તેની સાથે જ હતો. કાદુ પોતે અલાદાદની સાથે અમદાવાદ થઈને રેલવે માર્ગે સિંધ તરફ રવાના થઈ ગયો. બધે શાંતિ છવાઈ ગઈ. થોડાક મહિના આ રીતે નીકળી જાત તો આ લોકો જરૂર મકરાણ પહોંચી જાત. પણ ભાવિના લેખ બીજા હતા. કરાંચીની બજારમાં કાદુ ઊંટ ભાડે કરવા નીકળ્યો ત્યારે એ આ રીતે ઝલાઈ ગયો : “ભાઈ ઊંટવાળા! સોન મિયાણીનું શું ભાડું લઈશ?” “દસ રૂપિયા.” “દસ નહિ પણ વીસ આપીશ, પણ જલદી ચાલ. મારે હિંગળાજ પરસવા વહેલું પોગવું છે.” ઊંટવાળો ચલમના ધુમાડા કાઢતો કાઢતો આ ભાડૂતને પગથી માથા સુધી નિહાળવા લાગ્યો. બાવાના વેશમાં તો કચાશ નહોતી, પણ આવું જાજરમાન શરીર ને આવું કરડું મોં બાવાને ન હોય. કરાંચીના એ દુત્તા ઊંટવાળાએ પોતાનું અંતર કળાવા દીધા સિવાય કહ્યું, “હાલો, આમ આગળ; હું મારા ભાઈને મોઢે થઈ લઉં, પછી ઊંટ હાંકી મૂકીએ.” ઊંટ દોરીને આગળ ચાલ્યા. થોડેક આઘે પોલીસચોકી પર જઈને ઊંટવાળાએ પોતાની ઓળખાણવાળા નાયકને છાની વાત કહી, ત્રાંસી આંખે બાવો દેખાડ્યો. કહ્યું, “આ કાદુ જૂનાગઢવાળો. ઇનામ લેવું હોય તો એને ઝાલો ઝટ.” બાવાવેશધારી કાદુ ચેત્યો. ઝપ દઈને છરી ખેંચી દોડીને ઊંટવાળાને હુલાવી ઠાર કર્યો. નાયક સામો થયો એને માર્યો ને પછી મરણિયો થઈ કરાંચીની ભરબજારમાં જે સામો થાય તેને છરી મારી પાડવા લાગ્યો. આખરે સામેથી મજૂરનું એક ટોળું છૂટીને ચાલ્યું આવતું હતું. તેણે પથ્થરો મારીને ગુનેગારનું માથું ફોડી બેભાન બનાવ્યો. એ હાલતમાં કાદુ પકડાયો. એને પૂછવા લાગ્યા, “તારા સાથીઓ ક્યાં છે?” જવાબ મળ્યો, “મરણિયા ભાગ્યા તે ભેળા રહેતા હશે, ભાઈ?” બહુ દબાણ કર્યું પણ કાદુ ન માન્યો. કરાંચીની બજારમાં કરેલાં ત્રણ ખૂનો બદલ એના પર મુકદ્દમો ચાલ્યો. એને ફાંસીની સજા થઈ.

*

આ વખતે અલાદાદ ક્યાં હતો? કાદુ ઊંટ કરીને હમણાં તેડવા આવશે એ વાટ જોઈને કરાંચીમાં એક છૂપે સ્થળે એ બેઠો હતો. મોડું થયું એટલે એ ફિકરમાં પડ્યો. બાવાવેશે બજારમાં ગયો ત્યાં આખી વાત સાંભળી. સાંભળીને મકરાણને માર્ગે ચડ્યો. બાવાનો વેશ, નાઘેરનાં ગામડાંમાં જીવતર ગાળેલું, અને મીઠી હલક : એટલે માર્ગી બાવાઓના ભજનિયાં ભારી સરસ આવડે. એની ઓડે ઓડે હિંગળાજના સંઘ ભેળો ભળીને ઠેઠ હિંગળાજને થાનક પહોંચી ગયો. જો એમ ને એમ ચાલ્યો જાત તો કદાપિ હાથ આવત નહિ. પણ મનમાં કાદુની માયા ઘણી, એટલે ખબર જાણવા ત્યાં જ પડ્યો રહ્યો. તેમાં જાણભેદુના મનમાં શક ઊઠ્યો. પોલીસે આવીને એને પકડ્યો ને કરાંચી લઈ ચાલ્યા. આખે માર્ગે અલાદાદ ગુજરાતીમાં જ વાત કરે અને ભજનિયાં બોલે, એટલે પોલીસને શક પણ ટળી ગયો. તેઓ બેદરકાર બની ગયા. એક દિવસ સાંજે એક ગામને પાદર પોલીસો ને એના અમલદાર ઊંટ ઝોકારી ગામની મસીદમાં નમાજ પઢવા ગયા. અલાદાદને બેડી પહેરાવી ઊંટ સાથે એકલો બાંધી ગયા. અલાદાદ એકલો પડ્યો. એને સમજ પડી ગઈ હતી કે ફાંસી તૈયાર હશે. એ ભાગ્યો. પોલીસોએ પાછા આવી ઊંટ દોડાવ્યાં, પણ તે વખતે અલાદાદ રણમાં ઝાંખરાં વાંસે છુપાઈ રહ્યો. અંધારું થતાં એ દોડવા મંડ્યો. સીધો ગયો હોત તો પચીસ ગાઉ નીકળી જાત, પણ તકદીર ઊંધાં હતાં એટલે સવારે ચકરાવો ફરી, જ્યાંથી નાઠો હતો તે જ ગામની સામે આવી ઊભો રહ્યો. ત્યાંથી પાછો ચાલી નીકળ્યો. દરમ્યાન જ્યાં જ્યાં પાણીની કૂઈઓ હતી ત્યાં ત્યાં પોલીસે ચોકીઓ મૂકી દીધી હતી એટલે સિંધના ભયંકર રણમાં દોડતો અલાદાદ ત્રાહિ! ત્રાહિ! પોકારી રહ્યો હતો. તોપણ ચાલ્યો. આખરે મકરાણનો સીમાડો સાવ પાસે આવી ગયો. પણ તરસ ન ખમાયાથી અલાદાદ એક કૂઈ ઉપર પાણી પીવા ગયો. ત્યાં પહેરો નહોતો. પાણી પીધું બે જ ગાઉ ઉપર મકરાણનો સીમાડો છે, પણ એનાથી ચાલી ન શકાયું. બેહોશ થઈને ઢળી પડ્યો. થોડી વારે એની આંખો ઊઘડી. જોયું તો ઊંટવાળા પોલીસ-સવારો એના શરીરને જકડતા હતા. કપાળ સામે આંગળી ચીંધીને અલાદાદ ચુપચાપ બંધાઈ ગયો. જૂનાગઢ રાજને જાણ થઈ. એણે પોતાના ગુનેગારો પાછા માગ્યા. સરકારે કહાવ્યું કે આંહીં તો કેદીઓ એકબીજાને ઓળખાવવાનું કોઈ રીતે માનતા નથી. માટે એવો કોઈ આદમી મોકલો કે જેને આ કેદીઓ પોતે જ ઓળખી લ્યે. અને કદાચ ઓળખવા ના પાડે તો એ માણસ કેદીઓને ખાતરીબંધ ઓળખાવે. હંફ્રી સાહેબે પેલા જુવાન નાગર વીર હરભાઈ દેસાઈને કેદીઓ ઓળખવા તેમ જ આસિસ્ટન્ટ પોલીસઉપરી અંબારામ છાયાને જો કેદીઓ સોંપાય તો લઈ આવવા એક પોલીસની ટુકડી સાથે કરાંચી મોકલ્યા. કાદુ જેને સામેથી ઓળખાવે એવા સરકારી આદમી તો પ્રભાસપાટણના દેસાઈપુત્ર હરભાઈ એક જ હતા. આટલેથી તો એ બાકીનો ઇતિહાસ આ હરભાઈના મુખમાંથી જ દાયરે દાયરે જે શબ્દોમાં વર્ણવાયેલો, એ શબ્દોમાં જ આપણે સાંભળીએ. અનેક બેઠકોમાં હરભાઈએ કહેલી આ શબ્દેશબ્દ સાચી કથાઓ છે :

*

બીજે જ દિવસે મને અને અંબારામભાઈને કરાંચીની જેલમાં લઈ જવામાં આવ્યા. સાથે આવ્યા હતા કરાંચીના ગોરા પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ અને એક સિંધી મુસલમાન પોલીસ અમલદાર. મને કહેવામાં આવ્યું કે ‘અંદરના ચોકમાં ખૂનીઓની કોટડીઓ છે ત્યાં બેક આંટા મારો!’ મેં બે-ચાર આંટા માર્યા હશે ત્યાં તો કોટડીમાંથી અવાજ આવ્યો : “હરભાઈ!” હું એ અવાજ તરફ વળ્યો. કોટડીમાં જોયું તો કાદરબક્ષ બેઠેલો. મેં અગાઉ તો એને લીલો, પીળો, તરવાર, બંદૂક ને પૂરા સાજવાળો જોયેલો. પણ આજે જોયો કેદીના વેશમાં. પાંજરે સાવજ પડ્યો હોય તેવો લાગ્યો. મને જોઈને એ ઊભો થયો. મેં કહ્યું, “કાદરબક્ષ, સલામ આલેકુમ!” એણે કહ્યું, “વાલેકુમ સલામ.” મારાથી બીજું કાંઈ બોલી શકાયું નહિ. દિલ ભરાઈ આવ્યું. તકદીરે આને ક્યાં જાતો પટક્યો હતો! વહેલાંનો એક દિવસ મને યાદ આવી ગયો. હું એને ગામ અમરાપર ગયેલો. અમે ચોરે બેઠા હતા. વાતો ચાલતી હતી. ચા મુકાયો હતો ને કાદરબક્ષ મીઠી જબાનમાંથી મોતી પડતાં મૂકતો હોય તેવી વાતો કરતો હતો. તેટલામાં એક બુઢ્ઢો ખખડી ગયેલ કારડિયો કાદુને હલકી ગાળો દેતો દેતો ચાલ્યો આવે છે. કાદુએ ઝટ સામી દોટ મૂકી કારડિયાને ચુપ થવા વિનવણી કરવા માંડી, તેમ તેમ તો કારડિયો છાપરે ચડ્યો. આ ગાળોની ત્રમઝટ ને વિનવણી જ્યારે પા કલાક ચાલ્યાં ત્યારે પછી મારી સાથેના પાટણના પટાવાળા અબ્બાસે દોડીને કારડિયાને દમદાટી દીધી કે ‘એલા આંધળો છો! આ જમાદાર થપ્પડ મારશે તો મોંમાં દાંત તો નથી પણ માથું જ ફાટી જશે. જેમ જેમ એ નમે છે, તેમ તેમ તું ફાટતો જાછ શેનો?’ બેવકૂફ કારડિયો કહે કે ‘તઇં એના બળદને કેમ રેઢા મેલે છે? અમારાં ખેતર શીદ ચારી દ્યે છે? કાદરબક્ષે કહ્યું, ‘પટેલ, કોરે કાગળે આંકડો માંડ. હું તારી નુકસાની ભરી દઉં. પણ આવાં રૂડાં માણસ ગામમાં મહેમાન આવ્યાં હોય ત્યારે આમ ફજેતા ન શોભે.’ માંડ માંડ પટેલ ટાઢો પડ્યો. પછી ચા પિવાતી વખતે પટાવાળા અબ્બાસે પૂછ્યું, ‘કાદરબક્ષ! તમને તો આખી દુનિયા શું ને શું સમજે છે! કહે છે કે અમરાપરની હદમાં તો સાવજ પણ ઊતરી શકતો નથી, અને છતાં આ ગંડુની ગાળો સાંખી લીધી?’ કાદુએ હસીને જવાબ દીધેલો કે ‘ભાઈ! એમાં જ મર્દાઈ છે. કૂતરા તો માણસને કરડે, પણ માણસો કૂતરાને કરડ્યાં સાંભળ્યાં છે? એને તો થપ્પડ મારું ત્યાં એ મરી જાય. પણ એવાં નમાલાં કામ માટે શીદ મારો જીવ જોખમમાં નાખું! વખત આવશે તો કોઈક દિવસ જોવાશે કે કાદુમાં શું ભર્યું છે!’ આવી તો મારી સગી આંખે જોયેલી એની ખામોશી! તે દિવસ ખબર નહોતી કે આનો આ કાદુ આખી સોરઠને હલાવશે! એ સમય સાંભરી આવતાં મારું હૈયું ભરાઈ ગયું. કાદુ સમજી ગયો. એ બોલ્યો, “હરભાઈ! એમાં ગમ ખાવો શું કામ આવે? એ તો અલ્લાહનો અમલ [હુકમ]! મુકદ્દર તે એનું નામ!” પછી એણે દેશના બધાના ખબરઅંતર પૂછ્યા. પ્રભાસવાળા અમારા બન્નેના ઉસ્તાદ મૌલાના મહમદ બિન ઇસ્માઇલ ગજનવી તગાવી સાહેબ મોટા પરહેજગાર આલિમ હતા તેને સલામ કહેવરાવી. એટલામાં તો અંબારામભાઈ અને સિંધના બેય અમલદારો આવી પહોંચ્યા. ગોરા સાહેબે મને કહ્યું કે “તમે તો હરામખોરની સાથે બહુ બહુ વાતો કરવા લાગ્યા!” મેં જવાબ દીધો કે “સાહેબ, અત્યારે તો એ ગુનેગાર છે અને એને એની સજા મળી ગઈ છે; પણ માત્ર બે-અઢી વરસ ઉપર તો એ નવાબનો નિમકહલાલ નોકર હતો ને ગાયકવાડની સરહદ પર નવાબનો મુલક સાચવતો. માટે આજ અમે દિલ દિલની થોડી વાતો કરીએ છીએ.” પછી અંબારામભાઈએ કહ્યું, “શાબાશ કાદરબક્ષ! શાબાશ જુવાન! દુનિયામાં સિપાહીગીરી દેખાડી. નામ રાખી દીધું.” કાદુએ જવાબ આપ્યો, “અંબારામભાઈ! અમે તો આપના અહેસાનમંદ છીએ કે ઇણાજ પર ચડીને આવ્યા છતાં તમે અમારો મલાજો કાયમ રાખ્યો. બાકી આપ તો ચિઠ્ઠીના ચાકર. આપને ક્યાં અમારી જોડે વેર હતું! પણ, મારું દિલ અત્યારે ચિરાય છે, કેમ કે જે ધણીનું નિમક આ રૂંવે રૂંવે ભર્યું છે તેની સામે અમારે હથિયાર ઉપાડવાં પડ્યાં. એની રૈયતને બેહાલ કરી અમે એનાં ઢગલાબંધ માણસો માર્યાં. અને જે દેશમાં અમે જન્મી મોટા થયા તેને જ અમે ધૂળ મેળવી દીધો. એમાં અમારો વાંક હશે. પણ, સાહેબ! અમને એક પણ તક મળી નહિ. અમને મરાવવા હતા તો નવાબ સાહેબના કોઈ દુશ્મનની સામે લડાવી મરાવવા’તા. અમારું મૉત તો સુધરત! હવે તો ખેર! હરભાઈ, અંબારામભાઈ, તમે બેય અમારા વતી સહુની પાસે છેલ્લી માફામાફી કરજો, હો!” એ એટલું બોલી ગયો, પણ એના અવાજમાં ફરક નહોતો પડ્યો. અસલ દીઠી હતી તે જ ખામોશી આજે એનું મૉત સુધારવા માટે જાણે એના અંતરમાં ખીલી ઊઠી હતી. એના બોલ સાંભળીને અંબારામભાઈની વૃદ્ધ આંખો પલળી ગઈ. એણે તો ફરી ફરી કહ્યા જ કર્યું કે ‘રંગ કાદરબક્ષ! રંગ છે તારી હિમ્મતને અને રંગ તારી સમજને!’ અંગ્રેજ સુપરિન્ટેન્ડેન્ટ અને સિંધી અમલદાર તો આ દેખાવ જોઈ જ રહ્યા. સોરઠની મર્દાઈની ને માણસાઈની તેઓને ગમ નહોતી. જે લોકો હથિયારો બાંધી કાદુની સામે લડે તે જ લોકો આજ જૂના દિલજાન દોસ્તોની માફક આ ખૂનીની સાથે વાતો કરે એ બીના અજાણ્યા લોકોને ભયંકર લાગી. તેઓની ભ્રૂકુટીઓ ચડી ગઈ હતી. છેવટે સિંધી ફોજદારથી ન રહેવાયું. એણે ટોણો માર્યો કે ‘ઇસ બદમાશકો હમને ઇધર ચપટીમેં પકડ લિયા. આપ લોગ કુચ્છ નહીં કર સકે!’ આ વેણ મારાથી ન સહેવાયું. મારી અડતાલીસ તસુના ઘેરાવાવાળી જુવાન છાતી જાણે ઘવાણી. મારી છ ફૂટ ઊંચી કાયાનાં રૂંવાડાં સળગવા લાગ્યાં. હું ઝપાટામાં ઊભો થઈ ગયો. સિંધી ફોજદાર મારો સીનો દેખી ખચકાણો. પણ ત્યાં તો વચ્ચેથી કાદુ બોલી ઊઠ્યો કે ‘ફોજદાર સાહેબ, ફખર [શેખી] મત ખાઓ! આપને કરાંચીકે બાઝારમેં જો શખ્સકો પકડા વો કાદુ નહીં થા જિસકે સામને ઇન સાહેબોકો લડના હોતા થા. આપને તો એક બેચારા સાધુ વેરાગીકો પકડા થા. અગર મેરી કમર પર તરવાર ઔર કંધે પર બંદૂક હોતી તો આપ ન તો મુઝે ઝિન્દા હાથ તક લગા સકતે, ન કરાંચીકે બાઝારમેં બાજરી કે ખેત સિવાય દૂસરા નઝારા હોતા!’ [ફોજદાર સાહેબ, બડાઈ ન મારો! આપે કરાંચીની બજારમાં જે કાદુને પકડ્યો એ પેલો કાદુ નહોતો કે જે આ સાહેબોની સામે લડતો હતો. આપે તો એક બિચારા વેરાગી સાધુને પકડ્યો છે. બાકી જો મારી કમર પર તરવાર ને ખભા પર બંદૂક હોત, તો ન તો આપ મને જીવતો હાથ પણ અડકાડી શકત કે ન તો કરાંચીની બજારમાં બાજરાનું ખેતર લણવા સિવાયનો બીજો તાશેરો બન્યો હોત.] પછી કાદુ અમારા તરફ ફરીને ગુજરાતીમાં કહે, “આ બિચારા શું જાણે! મારા હાથમાંનો એક ચાકુ પણ એટલો ભારી થઈ પડ્યો તો પછી બીજાં હથિયાર હોત તો મને સિપાહીનું મૉત તો જરૂર મળત. ખેર, આટલું પણ ગનીમત છે.” વખત ભરાઈ ગયો હતો. અમે પરસ્પર ‘ખુદા હાફિઝ’ કહી જુદા પડ્યા. કાદરબક્ષે એટલું જ કહ્યું કે “હરભાઈ, બને તો જતાં પહેલાં એક વાર મળજો.” ત્યાંથી ચાલીને અમે અલાદાદની કોટડી પર ગયા. કાદુથી ઊલટી પ્રકૃતિનો એ આદમી પ્રથમ તો બહુ ગરમ થઈ ગયો. પણ પછી ઠંડે કલેજે વાતો કરી. એને જૂનાગઢ લઈ જવો હતો એટલે વધુ વાત ન કરી. કાદરબક્ષને એક વાર છેલ્લી નજરે જોઈ લેવા એનું દિલ પારાવાર તલખતું હતું. ત્રીજે દિવસે સાંજે ઘણી જ મુસીબતે ફરીથી મુલાકાત કરવાની અરધા કલાક માટે રજા મળી. જેલનો દરોગો અને સિંધી ફોજદાર હાજર રહ્યા. અસરની (સાંજના ચારથી પાંચ બજ્યા સુધીની) નમાજ થઈ રહી એટલો વખત હતો. કાદુએ ફરીથી આગલી સાંજ જેવી જ મીઠી વાતો કરી. એક પછી એક નામ યાદ કરી કરીને માફામાફી અને સલામ કહેવરાવ્યા. પા કલાક તો એમાં જ વીતી ગયો. મેં પૂછ્યું, “ભાઈ! હવે બીજું કાંઈ કહેવું છે?” એણે કહ્યું, “હા, તમે હિન્દુ છો પણ મુસલમાની ઇલમમાં પૂરા છો. એટલે મારે તમારે મોઢેથી યાસીન શરીફ સાંભળવાનો વિચાર થયો છે. હું પોતે તો છેલ્લાં બે વરસના રઝળપાટમાં મારું ઇલમ ભૂલી ગયો છું, હરભાઈ! અને આંહીં સહુને વીનવું છું છતાં આટલા આટલા મુસલમાનોમાંથી મને કોઈ એ સંભળાવતું નથી. તમે જો પઢો તો હું મારું મોટું ભાગ્ય સમજીશ.” મેં તો મુસલમાની વિદ્યા બરાબર હાથ કરી હતી. કુરાને શરીફના મુખ્ય મુખ્ય સૂરા (અધ્યાય) મને કંઠસ્થ હતા. હું યાસીન શરીફ સંભળાવવા લાગ્યો. મુસલમાન અમલદારો પણ તુર્ત પોતાની ખુરશી પરથી ઊભા થઈ અદબ કરી ગયા અને એ પ્રિય કલામ (જેમાં આત્માને મરતી વેળા થતી પીડા દફે કરવાની તાકાત છે તે) કાદુએ એકધ્યાન દઈને સાંભળી. પાઠ પૂરો થયો, પણ ચુપકીદી છવાઈ ગઈ. કોઈથી કાંઈ ન બોલી શકાય એવી મૉતની મીઠી છાંયડી સમી અસર પથરાઈ ગઈ. આખરે મેં કાદુને કહ્યું, “ભાઈ, અલ્લાહુ મુહાફિઝ!” [ઈશ્વર બચાવવાવાળો છે.] સામે જવાબ મળ્યો, “ખુદા હાફિઝ!” છેલ્લે છેલ્લે મારું પગલું ઊપડે તે પહેલાં મારા ભરાઈ આવેલા હૈયામાંથી શેખ સાદીની બેત નીકળી પડી : ચુ રદ્દ ન ગર્દદ ખર્દન્ગે કઝા, સપહરનીસ્ત મર બન્દા રાજુઝ રઝા! [જ્યારે કઝાનાં તીર કદી ખાલી જતાં નથી, ત્યારે માણસ માટે રઝા સિવાય બીજી એકેય ઢાલ નથી.] એટલું બોલી, માથું નીચું ઢાળી, કાદરબક્ષના ચહેરા સામે જોવાની હિંમ્મત વિનાનો હું ચાલી નીકળ્યો હતો. તેને બીજે જ દિવસે કાદુને ફાંસી દેવામાં આવનાર હતી.

*

કાદુને ફાંસી દેવાની સવારે જ અલાદાદને લઈ અમારી જૂનાગઢની પોલીસ ઊપડવાની હતી. કાદુ તો પહેલેથી શાંત અને ધીર હતો. એણે કદી અલાદાદને મળવા માટે માગણી ન કરી કે ન મુખમુદ્રા બદલી. એ જાણે મૉતને નિહાળી દુનિયાની ગાંઠો છેદી રહ્યો હતો; ત્યારે પહેલેથી જ ક્રોધી, ખૂની અને ઉતાવળિયા સ્વભાવનો અલાદાદ પછાડા મારતો હતો કે ‘મને એક વાર કાદુની મુલાકાત કરી લેવા દ્યો.’ છેવટ સુધી એણે એ માગણી ચાલુ જ રાખી, પણ એ વ્યર્થ હતું. ‘હું દરિયામાં પડીશ! જીભ કરડી મરીશ!’ એવી એ ધમકી દેતો હોવાથી આગબોટમાં ખૂબ જાપ્તાથી એને પગે ભારી ભારી બેડીઓ પહેરાવી, છેક ઊંચે લાકડામાં સાંકળો નાખી જડી દીધો હતો. આગબોટ ચાલી. અંબારામભાઈ અલાદાદને જોવા ગયા. એનાથી આ ભયંકર બેડીઓનો દેખાવ જોઈ ન શકાયો; બીજી બાજુ, એવા ભયંકર ખૂનીનો જાપ્તો નરમ પણ કેમ રખાય એ મૂંઝવણ હતી. અંબારામભાઈ મારી પાસે આવ્યા. કંઈક તોડ કાઢવા માટે કહ્યું. હું અલાદાદની પાસે ગયો. ધીમે ધીમે ફોસલાવી વાતો કરવા લાગ્યો : ‘ભાઈ અલાદાદ! આપણે તો ગીરમાં ભેળો દીપડાનો શિકાર કરેલો, પ્રાચીના મેળામાં નિશાન પાડવાની હરીફાઈ કરેલી, બ્રહ્મકુંડના હવનમાં પટ્ટણીઓ સાથે કુસ્તી ખેલેલા : એ જૂની વાતો યાદ આવે છે તને?” સાંભળી સાંભળીને અલાદાદ નરમ પડ્યો. એણે મને પૂછ્યું, “હરભાઈ! કાલે તમને કાદરબક્ષે શી શી વાતો કરી હતી? મને કહો, મને એનાં સખૂનો સંભળાવો.” મેં કહ્યું, “ભાઈ! એણે તો બહુ સમજની વાતો કરી હતી. એની વાત ઉપરથી તો અંબારામભાઈ આજ તારા પર નરમ થયા છે. તારા જેવો ખાનદાન સિપાહી માણસ આમ ગાળો કાઢે ને ઉત્પાત કરે તો કાંટિયા વરણનાં તમામ લોકો એમ જ માને કે અલાદાદ મૉતથી બીને વલખાં મારે છે. માટે તારે ગંભીર બનવું જોઈએ. થવાનું હશે તે તો થાશે પણ તું હાથે કરીને છેલ્લી ઘડીએ તારી મરદાઈ ડુબાડવાની વાતો કરે છે એથી અમને સિપાહીગીરીના ખ્યાલવાળાને તો બહુ ખોટું લાગે છે.” અલાદાદ આવું સાંભળીને પીગળ્યો. એ કહે કે “હરભાઈ! મારાથી રહેવાતું નથી. મને આમ જકડી લીધો છે તેથી શ્વાસ પણ લેવાતો નથી. બાકી મારે તો ઘણી ઘણી વાતો કરવાની છે હો!” મેં કહ્યું, “અલાદાદ! તેં ડરીને આપઘાત કરવાની નમાલી વાતો કાઢી તેનું જ આ પરિણામ છે. હવે જો તું અલ્લાહના કસમ ખા કે મને દગો નહિ આપ, તો હમણાં એ બધું કઢાવી નાખું.” “હરભાઈ! આ તો મને કડાયા ગામના પટેલની બદદુવા લાગી છે. તે દી એને આમ બાંધ્યો હતો. તે વખત પીડા ન સહાતાં એણે પણ મને એમ જ કહેલું કે તને પણ તારા દુશ્મન આમ જ બાંધશે. વાહ મુકદ્દર! આજ એ કદુવા ફળી. ખેર! હવે તો ફક્ત મારા ઉપલા બંધ કાઢો ને, તો મારાથી હરાયફરાય! વધુ કાંઈ હું નથી માગતો.” છેવટે મારી પોતાની જવાબદારી ઉપર અંબારામભાઈએ અલાદાદના શરીર પરથી પગની બેડી સિવાયનાં બંધનો ખસેડી લીધાં અને ફક્ત એક ડાબા હાથમાં હાથકડી નાખી તેની જોડીની બીજી કડી મારા ડાબા હાથમાં જડી. ઉપર બેવડો પહેરો ગોઠવ્યો. હું અને અલાદાદ સાથી બનીને બેઠા. ધીરે ધીરે એણે દિલનો તાપ ઉતારી નાખી, મારા ભાતામાંથી મગજના લાડુ વગેરે ખાધું, પાણી પીધું ને પેટમાં ઠારક વળતાં એ વાતોએ ચડ્યો. એણે શરૂ કર્યું : “હરભાઈ! આજકાલમાં જ કાદરબક્ષને ફાંસીએ ચડાવશે. મારે તો આ દુનિયામાં એનાથી વધુ વહાલું કોઈ નહોતું. મારાં પાપ એને ખાઈ ગયાં. શું એની માયા! મને એક વાર ગીરમાં વાંસાઢોળ ડુંગર પાસે બંદૂક વાગેલી : મારાથી ચલાય નહિ : પગમાંથી લોહીનો ધોધ ચાલ્યો. હું બેસી ગયો. મેં કહ્યું, મામુ, ખુદા હાફિઝ! મામુ કહે કે આમીન! પણ તને મૂકીને નહિ ભાગું. એમ કહી પોતાના હાથમાં જેમ એક બાળકને ઉપાડી લે તેમ મને ઉપાડી લઈને કાદરબક્ષે દોટ મૂકી, આડેઅવળે થઈ વાંસાઢોળ માથે ચડી ગયા, અને ત્રણ-ચાર મહિને મારો જખમ મટ્યો ત્યાં સુધી એમ ને એમ મને તેડીને ફેરવ્યો. હરભાઈ! આજ દરોગા જ્યારે એને ખબર દેશે કે મને લઈ ગયા ત્યારે એ મારો પ્યારો મામુ બહુ દિલગીર થશે!’ બિચારો અલાદાદ! એને શી ખબર! પણ હું જાણતો હતો કે કાદરબક્ષ તો ક્યારનો કબરમાં સૂઈ ગયો હશે. પણ હું શી રીતે ઉચ્ચાર કરું! હું બેઠો રહ્યો. એનું પણ હૈયુ ભરાઈ આવેલું. અમે બન્ને થોડી વાર ચુપ રહ્યા. વળી પાછું અલાદાદે ચલાવ્યું : “હરભાઈ! તમે તો સમજતા હશો કે બા’રવટિયા મરદાઈનો આંટો છે, પણ જીવ તો તમામને બહુ વહાલો છે હો! જ્યાં જરીક બેઠા હોઈએ, ને એક પાંદડું ખડખડે ત્યાં દસ ગાઉ દોડ્યા જઈએ. અમારે તો ટાઢ, તડકો, વરસાદ બધું સરખું હતું. તમે માનશો, ભાઈ! એક દિવસ વરસાદમાં હું ટોળીથી છૂટો પડી ગયો તે ઝીલાળાના ભોંયરામાં સૂઈ રહ્યો. ઠેઠ બીજે દિવસે બપોરે હું ઊઠ્યો. તો બાજુમાં એક સાવજ ઘોરે અને આમ હું પડેલો! છતાં સાવજેય મને સૂંઘેલ નહિ. આમ મરણિયાથી તો મરણ પણ આઘું ભાગે છે!” ફરી વાર બહારવટિયો ચુપ થયો. અમે બેય થોડી વાર બેઠા રહ્યા. કોઈ કાંઈ બોલે નહીં. આગબોટ ચાલી જાય, સંત્રીઓ આંટા મારે, સાંજનું ટાણું, આખો દિવસ તપેલા આભના અંતરમાંથી આપદા જાણે દરિયાનાં પાણીમાં નીતરતી હતી; તેમ ખૂની અલાદાદના અંતરમાંથી પણ આતશ ટપકીને જતી હતી. એની યાદદાસ્ત ઉપરથી જાણે પાપની શિલા ઊપડતી હતી. એણે ચલાવ્યું : “હરભાઈ! એક દી બહારવટામાં હમ્ફ્રી સાહેબનો ત્રાસ ભારી લાગ્યો. જે ગામ જાઓ તે તે ગામે ચચ્ચાર રાઇફલો તૈયાર. એના માથે કેમ પડાય? અમે ભૂખ્યા હતા. ખાવાનું મળતું નહોતું. તમે માનશો? ચાલીસ રૂપિયે એક શેર લોટ લીધો ને પાણીકોઠા ઉપર ગાયકવાડી હદ પાસે વિકમશીની ધાર તમે તો જોઈ છે ને, ત્યાં અમે રાંધવા બેઠા. જ્યાં રોટલા તૈયાર થયા ત્યાં કાઈક ખડખડાટ થયો. ચાડિયો કહે કે ગિસ્તના પગી જેવું કંઈક દેખાણું. અમે ભાગ્યા, સાંઢડીધાર ગામ તો જમણું રહી ગયું ને અમે ઠેઠ જામવાળાની પેલી કોર ચાલ્યા ગયા. ભાગતે ભાગતે નક્કી કરેલ ઠેકાણે પહોંચ્યા ત્યારે સહુને ખાતરી થઈ કે કાંઈ જ ન હતું! પછી તકદીરને આફરીન કહી, પાણી પી, આખી રાત અમે પડ્યા રહ્યા. અને છતાં તમારા ભાઈબંધો, પોલીસ અમલદારો, રૈયતને કહે છે કે તમે રોટલા ખવરાવી બા’રવટિયા નભાવો છો!” મધરાત થઈ ગઈ. વાતો સાંભળતા મને ઝોકાં આવવા લાગ્યાં હતાં. એટલે અલાદાદે મને કહ્યું, “હરભાઈ! મેં તો બા’રવટું કર્યું છે એટલે મને હાથકડી ભલે પડી પણ તમારે આમ બેસવું પડે તો તો મને બહુ શરમ લાગે. તે તમે તમારે સૂઈ જાઓ!” મને તો હુકમ હતો કે અલાદાદની પાસેથી હટવું નહિ એટલે એક-બે કલાક બાદ કરતાં ઠેઠ વેરાવળ સુધી હું એ જ હાલતમાં બેઠો રહ્યો. વચ્ચે દ્વારકા, પોરબંદર, માંગરોળ વગેરે બંદરો પર આગબોટ ઊભી રહી ત્યારે ઘણા માણસો અલાદાદને જોવા આવેલા. તેઓએ માનેલું કે કાદુ પણ ભેગો હશે. વેરાવળ બંદરે કર્નલ હમ્ફ્રી આગબોટ પર આવી દૂરથી બધું જોઈ ગયા. બહુ જ સમજદાર અને ખાનદાન આદમી; નૈતિક બળથી કામ થાય તો બીજું બળ ન અજમાવવું એ એનું સૂત્ર હતું. એણે અલાદાદને મારી સાથે જ એક મછવામાં ચાર જણ ભેળા રાખીને તારવાની આજ્ઞા કરી. કાંઠા પર કર્નલે અલાદાદનો કબજો સંભાળ્યો. ‘હરભાઈ! અલ્લાબેલી!’ કહીને બહારવટિયો છૂટો પડ્યો.

*

મુંબઈને કિનારેથી બે જણાં વહાણમાં ચડતાં હતાં : એક ઓરત ને બીજો જુવાન. ઓરતના માથા પર માટલું હતું. થોડી વારમાં જ વહાણ પર ચડી જાત. “આ માટલામાં શું છે, બાઈ?” પોલીસે શકભરી રીતે પૂછ્યું. “ગોળ છે.” “ગોળ? ગોળ ક્યાં લઈ જાઓ છો?” એમ કહીને પોલીસે માટલા પર લાકડી લગાવી. વહેમ વધ્યો. માટલું ઉતરાવ્યું. ગોળના થરની નીચે તપાસતાં માટલું ઘરાણાંથી ભરેલું નીકળ્યું. તપાસ થઈ : બાઈ હતી કાદુની બહેન ઝુલેખાં અને જુવાન હતો દીનમહમદ : કાદુનો સંગાથી બહારવટિયો. મકરાણમાં ભાગી જવા નીકળેલાં. એ મુંબઈમાં પકડાણાં. આવી રીતે તમામને પકડ્યા. એને ઓળખવા માટે શકદાર લોકોને તેડાવ્યા. કેટલાક ભરવાડ, રબારી, આહીર, ચારણ, કણબી વગેરે રૈયતના લોકો ઉપર રાજના અમલદારો કાદુના કરતાં બેવડો કેર વર્તાવી રહ્યા હતા. લોકોને પૂછતા હતા કે “આ હરામખોરોને રોટલા તમે દેતા હતા કે?” તે વખતે દીનમામદ બોલતો હતો કે “એના ઉપર શા માટે સિતમ ગુજારો છો? રોટલા અમને એણે નથી દીધા, પણ અમારી આ તરવારો-બંદૂકોએ દીધા છે. અને એ રબારી-ચારણોનાં બટકાં ઉપર અમે અક્કેક દિવસમાં ચાલીસ ગાઉ નહોતા ખેંચતા, સાહેબ! અમે તો માલ માલ ખાતા. માટે એ બાપડા નિર્દોષોને શીદ મારો છો?” અલાદાદ, દીનમામદ, ગુલમામદ વગેરે તમામ પકડાઈ જનારાઓને હિંદી પીનલ કોડની કલમ 121-અ ને મળતી સૌરાષ્ટ્ર ધારાની કલમ મુજબ ખૂન, હથિયારબંધ ડાકાઈટી વગેરે તહોમત મૂકી ફાંસીની સજા ફરમાવી. હજુ ફાંસીએ નહોતા લટકાવ્યા. દરમિયાન, નવાબ બહાદુરખાનજી જૂનાગઢની જેલ જોવા આવ્યા. ત્યાં એમણે તમામ ખૂનીઓની વચ્ચે ગુલમામદને દીઠો. ચૌદ વરસનો નાજુક બેટો : નમણી મુખમુદ્રા : ગુલાબના ગોટા જેવું લાલી નીતરતું બદન : નવાબ નીરખી રહ્યા. “આને ફાંસીની સજા! ના, ના, એને જન્મકેદ રાખો. એનો જાન લેશો મા.” ગુલમામદ જીવતો રહ્યો. કાદુની સાથે ગામડાં ભાંગવામાં ભેળો રહેનાર અને બહારવટિયાના સિતમોનો સાક્ષી બાલક ગુલમામદ જાગી ગયો. ખુદાના રાહ પર ઊતરી ગયો. જેલમાં કેદીઓ પાસે કુરાને શરીફ પઢે, નમાજ પઢાવે અને અનેક ફાંસીએ ચડનારા ગુનેગારની આખરી ઘડી ઊજળી બનાવે. મરતાંને હિંમત આપે ને જીવતાંને નેકી શીખવે. એમ કરતાં કરતાં તો ખુદ નવાબ પણ પોતાની નમાજ વખતે ગુલમામદને પઢવા તેડાવવા લાગ્યા. આખરે ગુલમામદ માફી પામ્યો. છૂટો થયો. નવાબે એને પોતાની જ પાસે રાખ્યો. નોકરી આપી, પરણાવ્યો. આજ એ નેક પાક આદમી ગુલમામદ જંગલ ખાતાનો આસિસ્ટંટ ઉપરી છે, ખુદાની બંદગી કરે છે, અને પોતાને ઇન્સાનિયતને માર્ગે ચડાવનાર નવાબની દુવા ગુજારે છે. કાદુનાં પ્રશસ્તિ-કાવ્યો પૈકી રાસડો — ડુંગરે ડુંગરે કાદુડાના ડાયરા, દારૂગોળાની વાગે ઠારમઠોર રે મકરાણી કાદુ! જૂની વસતી જમાદાર માર્ય મા, એવડાં તે દુઃખ ન દઈએ લોકને. બબ્બે બંધૂકું કાદુડો બાંધતો, ત્રીજી બાંધ્યાની રે ગઈ તારે ખાંત રે મકરાણી કાદુ! — જૂની. બબ્બે ઘોડાં કાદુડો રાખતો; ત્રીજા ઘોડાની રે ગઈ તારે ખાંત રે મકરાણી કાદુ! — જૂની. બબ્બે હાથીડા કાદુડો રાખતો; મકના હાથીની રૈ ગઈ તારે ખાંત રે મકરાણી કાદુ! — જૂની. બબ્બે રાણીઉં કાદુડો રાખતો; કાઠિયાણીની રૈ ગઈ તારે ખાંત રે મકરાણી કાદુ! — જૂની. ડુંગરે ડુંગરે કાદુડાના ડાયરા; ડુંગરેથી તારો લપટ્યો ડાબો પગ રે મકરાણી કાદુ! — જૂની. રાવણહથ્થાવાળા તથા સ્ત્રીઓ ગાય છે. તે સિવાય એના દુહા પાલીતાણાવાળા ચારણ માણસૂરે કહેલ છે. તેમાંના બે આ રહ્યા : કાદરનું બાદર કને, જાણ જૂનેગઢ જાય, દી રોંઢે દેવાય, કમાડ હાટે, કાદરા! કાં માર્યાં કે મારશે, જોદ્ધા ઘરના જે, બીબડિયું બંગલે, કૂટે છાતી, કાદરા

*

એક ઘણા જ વિશ્વાસપાત્ર અને તટસ્થ જાણકાર તરફથી મળેલું આ ટિપ્પણ ઇણાજની આખી ઘટના ઉપર સરસ અજવાળું પાડે છે : “આશરે સને 1840-50ના સમયમાં માંગરોળના શેખની ખાસી બેરખના વિલાયતી આરબોએ બંડ કરી માંગરોળ લૂટ્યું અને તેનાં નાણાં લઈ નાઠા. વાંસે ચડવાની કોઈની છાતી નહોતી ચાલતી. એટલે જૂનાગઢ નવાબ સાહેબની દેવડીએ રહેનારા બે વિલાયતી મકરાણીઓએ બીડું ઝડપ્યું, આરબોનો પીછો લીધો. ગીરના નીકળ્યા વાળાકમાં, વાળાકથી ગોહિલવાડ ને ત્યાંના ભાલમાં, અને ત્યાંથી પેટલાદમાં આવ્યા. પેટલાદની બજારમાં ધિંગાણું થયું. આરબોએ મકરાણીઓને લૂંટનો અડધો ભાગ આપવાનું કહ્યું પણ તેઓ ન ખૂટ્યા. એવી તો ખૂનખાર લડાઈ થઈ કે મકરાણી ચાઊસો પોતાના પેટના દીકરાઓની લોથોની આડશ લઈને લડ્યા. આરબોને પકડી, લૂંટના માલ સહિત જૂનાગઢ લાવી નવાબ સન્મુખ હાજર કર્યા. એ વીરત્વ બદલ મકરાણી ચાઊસોને નવાબે ઇણાજ ગામ એનાયત કર્યું. આમ સુખ સાંપડવાથી આ જમાદારોએ મકરાણમાંથી પોતાનાં સગાં-સાંઈઓને તેડાવીને રાખ્યાં. નવા આવનારમાંથી જમાદાર અલીમહમદ ને વલીમહમદ નામે બે ભાઈઓ બહુ જોરદાર નીકળ્યા. મકરાણમાં એ રાજ કરનારી કોમ — એટલે કે ત્યાંના કાંટિયા વરણ — રિન્દ-બલોચ કહેવાય છે. ખાનદાન, સ્વમાની, સોડસોડાં મરદ અને એકવચની કોમ રિન્દ-બલોચ. એ એના સદ્ગુણો. પણ અજડ અવિચારી, ક્રૂર અને કેટલેક અંશે ‘અન્સ્કૂપ્યુલસ’ ખરા, એ એમના અવગુણ. ધીમે ધીમે આ નવા આવનારા સગાઓ બહુ બળિયા નીવડ્યા. એવે અસલવાળા પક્ષનો મઝિયાન નામનો મકરાણી બહારવટે નીકળ્યો. તેને તેઓ વશ ન કરી શક્યા, પણ જમાદાર અલીમહમદે કબ્જે કર્યો. તેથી સામાવાળાના ભાગમાંથી નવાબે પચાસ સાંતી જમીન અલીમહમદને અપાવી અને બાકીની ધીરે ધીરે ગરીબીને કારણે તેઓએ આ બળિયા પક્ષને માંડી દીધી. બન્ને પક્ષ વચ્ચે અણબનાવ વધ્યો હતો અને એક વખત તો સામા પક્ષવાળા જમાદાર અબ્દલાએ જૂનાગઢ જઈને ફરિયાદ પણ કરેલી કે અમને ગામમાંથી સતામણી કરીને કાઢી મૂકે છે. એમ નવા આવનારાઓ ગામમાં લગભગ ધરાર ધણી થઈ બેઠા હતા. જમાદાર અલીમહમદ અને વલીમહમદ વિદ્વાન, વિચારશીલ અને દીર્ધદૃષ્ટા પુરુષો હતા ખરા, પરંતુ પાંચેય આંગળીઓ સરખી ન હોય એટલે જુવાનિયા વર્ગમાં કોઈ ઉદ્દંડ માણસો પણ હશે અને તેમના તરફથી આળવીતરા વર્તનની સાધારણ ફરિયાદ કોઈ કોઈ વાર બહાર પડતી. બીજી બાજુ, રાજના અમલદારોને પણ ઈણાજ ગામ આંખના કણાની માફક ખટકતું હતું. એ અરસામાં આવી વસ્તી-ગણતરી : સને 1881નું વર્ષ : ગામનાં માથાં ગણાય, બાઈ-બે’ન, વહુ-દીકરી, બધાનાં માથાં ગણાય! નક્કી એમાં ફિરંગી સરકારની કાંઈક’ છૂપી કરામત હોવી જોઈએ! આવી આવી શંકાને વશ થઈ ત્રણ કાળમાંય તેમ ન થવા દેવાનો તેઓએ (ઇણાજવાળાઓએ) પાકો નિશ્ચય કર્યો. મામલો તો આ વખતે જ વીફર્યો હતો. પણ ડાહ્યા માણસોએ વચ્ચેથી તોડ કાઢ્યો કે પ્રભાસપાટણના, બાદશાહ અકબરના કરતાં પણ જૂનેરા કાળના જમીનદાર નાગર દેસાઈ કુટુંબના એક ખાનદાન હરપ્રસાદ ઉદયશંકર, જે હરભાઈ નામથી આખી ગીરમાં ને નાઘેરમાં અત્યંત લોકપ્રિય અને શૂરવીર તરીકે પ્રસિદ્ધ છે, તેને ઇણાજની વસ્તી ગમવા માટે મોકલવા. દેસાઈ કુળ પર વિશ્વાસ અને સન્માનની દૃષ્ટિ રાખનાર મકરાણીઓએ આ વાતને વધાવી લીધી. વીસ-એકવીસ વર્ષના હરભાઈએ ઈણાજમાં આવીને ગણતરી કરી. વળી થોડે દહાડે ઇણાજવાળાઓને માંહોમાંહે મારામારી થઈ. એની રાવ ગઈ, પણ તપાસ કરવા જનાર પોલીસને તેઓએ ગામમાં પેસવા દીધા નહિ. પ્રભાસપાટણના માજિસ્ટ્રેટને પણ ભગાડી મૂક્યા અને મનસ્વી વર્તન ચલાવ્યે રાખ્યું. બીજી તરફથી આવી ખમીરવાળી જાતિઓની વિરોધી નોકરશાહી ‘કાગળો કરવા માંડી.’ આમ વાત મમતે ચડી. તેવામાં લાલ ડગલાનો એક બ્રિટિશ સવાર ઈણાજ ગામે મોકલવામાં આવ્યો. તેનેય ગામેતીઓએ, કોણ જાણે શી કુમતિ સૂઝી તે, બંદૂકો બતાવી નસાડી મૂક્યો. આ વખતે જૂનાગઢને દીવાનપદે નડિયાદવાળા સુપ્રસિદ્ધ દેસાઈ ખાનદાનના દેસાઈ હરિદાસ વિહારીદાસ વિરાજે, સ્વભાવે જેવા ઉદાર ઉચ્ચ આશયોવાળા અને દયાળુ, તેવા જ આગ્રહી એને ઇણાજ ગામ પર ક્રોધ આવ્યો. કોઈ અભાગણી પળે એણે હુકમ છોડ્યો કે “ઇણાજવાળાઓનાં હથિયાર છોડાવી લ્યો.” (મરહૂમ નવાબ રસૂલખાનજીને આવા જ એક કિસ્સામાં જ્યારે કોઈએ આવી ભલામણ કરેલી ત્યારે નવાબે જવાબ આપેલો કે “વોહ હજામ કહાંસે પેદા હુએ, જો સાવઝડુંકે નખ ઊતારે?” ઇણાજને દુર્ભાગ્યે આવો વિચાર કોઈને થયો નહિ) નોટિસો પણ નીકળી. તેનો વાજબી જવાબ મળ્યો નહિ. ગામ મૂળ માલિકોને સોંપી બહાર જવા હુકમ થયો. તનો પણ વાજબી જવાબ મળ્યો નહીં. સિપાહી, અમલદાર જે કોઈ ગયા તેને ઇણાજવાળાઓએ તગડી મૂક્યા. આ બધી વાતોને અત્યંત વિકૃત સ્વરૂપે રજૂ કરવામાં આવી. જે લોકોની પાછળ “શિરામણી કરતા જાવ!” એવો આગ્રહ કરવા ઇણાજના ગામેતીઓ પોતાના પાદરમાં દોડેલા તે લોકોએ પણ એવી જુબાની આપેલી કે તેઓ તો અમને મારી નાખવા દોડ્યા હતા. આ સંજોગો હતા એટલે લશ્કરી બળથી ગામ ખાલી કરાવવા જૂનાગઢ રાજ્યે એજન્સીની રજા માગી. રજા આપવામાં આવી. પરંતુ કનડા ડુંગર પર મહિયાની કતલ જેવો કિસ્સો ન બને તેટલા માટે માણેકવાડાના પોલિટિકલ એજન્ટ મેજર સ્કૉટને જૂનાગઢના લશ્કર પર ધ્યાન રાખવા માટે અને હદ બહાર ન જવા દેવા માટે રહેવાનો હુકમ થયો.



  1. કાદુએ કરેલી નાકકાનની આ કાપાકાપીને અંગે જ જૂનાગઢના સ્વ. દાક્તર ત્રિભોવનદાસે કપાળની ચામડી ઉતારી નવાં નાક સાંધવાની કરામત શોધી હતી.
  2. એક જાણકાર આ વાત બીજી રીતે બની હોવાનું કહે છે : પુરુષોત્તમ દફતરી નહીં, પણ જંગલ વહીવટદાર હેમાભાઈ અમીચંદ મોરૂકાથી સાસણ જતા હતા તેવામાં માર્ગે એને બહારવટિયાએ રોક્યા; પછી પૂછપરછ કરીને અલાદાદે એને ચાલ્યા જવા દીધા. હેમાભાઈ થોડેક ગયા હશે ત્યાં તો જાંબૂરના સીદી બાવન બોથાએ, કે જે બહારવટિયાઓ માટે ભાતું લઈને આવેલ, અલાદાદને કહ્યું કે “તમે તો એને જાવા દીધો. પણ એ તો અમારો વહીવટદાર છે. એ અમને લીલી તાપણીમાં બાળશે.” આ પરથી અલાદાદે પાછળથી બંદૂક મારી હેમાભાઈને ઠાર કર્યાર્યા. આ જાણ થતાં કાદુએ અલાદાદને ફિટકારી કાઢી મૂકેલો. કાદુ એમ કહેતો કે આવી અકારણ હિંસા તેમની નેકીને ખાઈ ગઈ.