સોરઠી બહારવટિયા ભાગ-2/ગંગદાસ દાદા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ગંગદાસ દાદા

ગીર વીંધીને રાવલ પડી છે. આભે અડવાની હોડ રમતી હોય તેવી એની ઊંચી ઊંચી ભેખડો ચડી છે. ઊંચેરી ભેખડોને માથે પણ ક્યાંઈક ક્યાંઈક ડુંગરા ઊભા છે. ભેખડોના પેટાળમાં પાળો આદમી પણ ન વીંધી શકે એવી ઘોર ઝાડી ઊભી છે. એ ઝાડીને ઝાળે ઝાળે સાવજ હૂંકે છે. જેવા ડુંગરા, જેવી વનરાઈ, જેવા સાવજ, તેવા જ ત્યાં વસે છે નેસવાસી રબારીઓ ને ચારણો આયરો : તેવી જ ચરે છે સાવજશૂરી ભેંસો : આમ રાવલની ગોદમાં તો બધાં બળિયાં પાકે છે. શાદુળાની માતા જાણે કોઈ પૂર્વ જુગમાં શાપ લાગ્યાથી નદી બની ગઈ છે. ઉનાળે-શિયાળે અબોલ ચાલી જતી રાવલ આજ ચોમાસે ભાદરવાના ભરપૂર વરસાદમાં હાથીનાય ભુક્કા બોલાવે એવી મસ્તીમાં બેપૂર ચાલી જાય છે. પાણીની થપાટો ખાઈને જાણે રાવલની ભેખડો રીડિયા કરે છે. દયા-માયા એને સંસારમાં કોઈની રહી નથી. પ્રવાહમાંથી અવાજ ઊઠે છે કે માર માર! માર માર માર! બીજી વાત નહિ. શક્તિએ સમર્પેલ રોઝડાં સાંકડો ગાળો ગોતીને ટપી ગયાં. સામે કાંઠે ઊતર્યા પછી પાછા ફરીને બેય ભાઈ જૂનાગઢી સેનાની સન્મુખ ઊભા રહ્યા. રાવલે ફોજને સામે કાંઠે જ રૂંધી રાખી હતી. સંધ્યાની લાલપમાં રંગાતી આ બે મરણિયા ક્ષત્રિયોની મુખકાન્તિ નિહાળીને પઠાણો પાછા ફર્યા. આંખે તમ્મર આવે એવો ઊંડો વાંકડો સૂવરનળો અને એવી જ ઝેરકોશલી નદી; એને કાંઠે કાંઠે નાનકડી કેડી છે. જાણભેદુ વિના બીજું કોઈ એને જાણતું જ નહિ. કેડીએ રોઝડાં હાંકીને બેય ભાઈ ટોચે પહોંચે છે ને ત્યાં ડેલીબંધ દરવાજે થોભાળા રજપૂતોની ચોકી વળોટી અંદર વેજલકોઠામાં જાય છે. અંદર પહોળી જગ્યામાં દરબારગઢ બાંધેલો છે. સૂવરનળો, રાવલ અને ઝેરકોશલી : ત્રણેય નદીઓએ જાણે કે ચોપાસ આંકડા ભીડીને વેજલકોઠાને વચમાં લઈ લીધો છે. ક્યાંયથી શત્રુઓ ચડી શકે તેમ નથી. ભેખડો ઊંચી આભ અડતી અને સીધી દીવાલ સરખી છે. પછવાડે પાણીની મોટી પાટ છે. એમાંથી બહારવટિયા પાવરે પાવરે પાણી ખેંચતા તે પરથી એનું નામ પાવરાવાટ પડ્યું છે. વાંદરાં પણ ન ટપી શકે એવી સીધી એ કરાડ છે. ગીર માતાએ બહારવટિયાને ગોદમાં લેવા સારુ આવી વંકી જગ્યા સરજી હશે. એક બુઢ્ઢા રજપૂત સામે આંગળી ચીંધીને જેસોજી બોલ્યા, “ભાઈ વેજા! જોયા દાદાને?” “હા, ત્રીજી પેઢી સુધી એને માથેય આ વીતક લખ્યાં હશે!” “ઉઘાડે ડિલે બેસીને નીચેથી કાંઈક વીણે છે.” “અને વીણી વીણી ખભા ઉપર શું નાખે છે?” બેય પાત્રો દાદાને પડખે ગયા. ઉઘાડી પીઠ ઉપર માંસમાં મોટો ખાડો દીઠો, ને ખાડામાં કીડા ખદબદે છે. “કાં દાદા! પાઠાને કેમ છે?” “બાપ, જીવાત્ય પડી ગઈ છે. ઉઘાડું છું ત્યાં તો ઊછળી ઊછળીને બહાર પડે છે.” “તે પાછા વીણો કાં?” “બાપ! એને મરવા ન દેવાય; પાછો પાઠામાં મેલું છું. એને એનું ગર છંડાવાય કાંઈ?” “અરે દાદા, જીવાત્યને આમ જિવાડવી? ફોલીને ખાઈ ન જાય?” “પણ બેટા, બહારવટાનો ધરમ તો જતિધરમ છે, જીવાત્યને મરવા ન દેવાય. એના જતન કરાય.” “તો તો ડિલને ફોલી ખાશે.” “તે સાટુ તો આપણે રોજ પાઠામાં શેર લોટનો પિંડો કરીને ભરીએ; જીવડાં લોટ ખાય ને કાયા બચી જાય : બેય વાતે સગવડ.” દુખિયો ડોસો લહેરથી દાંત કાઢવા લાગ્યો. ધોળી ફરકતી દાઢીના કાતરાવાળો દાદો ગંગદાસ સંત સરખો દેખાતો હતો. બહારવટિયાના બાપનો એ સગો કાકો હતો. જુવાનીથી માંડીને આજ એંશી વર્ષ સુધી એ જૂનાગઢ-અમદાવાદની સામે ઝૂઝતો હતો. હવે ભત્રીજાના બે દીકરાને તૈયાર કર્યા પછી પોતે થોડો થોડો વિસામો લેતો હતો. બહારવટાના ઊંચા ધર્મોની તાલીમ એણે બેય ભાઈઓને પહેલેથી જ દીધી હતી. “દાદા!” જેસાએ કહ્યું, “હવે તો સાવ વિસામો જ લ્યો. આ પાઠા સોતા અમારી સાથે કેટલાક આંબી શકશો? ક્યાંય લોટ મળ્યો-ન મળ્યો!” “ભાઈ, વિસામો તો આ શરીર શી રીતે માણે? મન અમદાવાદ-જૂનાગઢના કોટકાંગરા માથે ઠેક દઈ રહ્યું છે. પણ શરીર મનના ઘોડામાં આંબતું નથી તેથી આંહીં બેઠું બેઠું, જાણે રૂંવે રૂંવે શૂળા પરોવતા હોય એવું, આકળું બને છે.” “દાદા! હવે પ્રભુભજન!” “બાપા, એક વાર અમદાવાદ શે’રની બજારમાંથી સાચાં મોતીની માળા ઉપાડી આવું, છેલ્લી વાર પાદશાહને જાસો દઈ આવું, પછી હાંઉં! કાયમનો વિસામો. બીજે અવતાર ક્યાં બા’રવટું ખેડવા આવવું છે?” રાખમાં ભારેલા અગ્નિની માફક અંદરથી સળગતો ડોસો, ઉપરથી આવાં નિરાંતનાં વેણ બોલતો બોલતો પાઠામાં લોટનો પિંડો ભરતો જાય છે ને હેઠાં ઝરી જતાં જીવડાંને પાછાં ઉપાડી ખભા નીચેના એ મોટા જખમમાં મૂકતો જાય છે. જીવડાં સુંવાળા સુંવાળા માંસના લોચામાં બટકાં ભરી રહ્યાં છે, પણ દાદાના મોંમાં તો સિસકારોય નથી. આ દેખાવ જોઈને બહારવટિયાના કલેજામાં જાણે શારડી ફરે છે.