સોરઠી બહારવટિયા ભાગ-2/જેલ તોડી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
જેલ તોડી

વગડામાં એક ઘોડેસવાર ચાલ્યો જાય છે. ટારડું ઘોડું ગણી ગણીને ડગલાં માંડે છે, બેસુમાર બગાં કરડી રહી છે, એટલે ઘોડાના પૂંછડાને તો જંપ જ નથી : શરીરની બન્ને બાજુ મોઢું નાખી નાખીને ઘોડું બગાંને વડચકાં ભરતું જાય છે અને પીઠ પર બેઠેલો લાંબી ધોળી દાઢીવાળો બંધાણી અસવાર એક હાથે ઘોડાનું ચોકડું ડોંચે છે, બીજે હાથે સરકનું દોરડું ફેરવી ફેરવી મારે છે, બે પગે ઘોડાના પેટાળમાં એડીઓ મારે છે, પોતે આખું શરીર હચમચાવે છે ને જીભના ડચકારા કરે છે. એમ છ-છ જાતની કરામતો કરવા છતાં ઘોડું તો સરખી ચાલે જ ચાલ્યું જાય છે. અસવાર ઘોડાને ફોસલાવે છે : “હાલ, મારા બાપ, હાલ. ઝટ પગ ઉપાડ. મોડું થાશે તો શીખ નહિ મળે.” એક અલમસ્ત આદમી ઉઘાડે શરીરે ખેતરમાં ઘાસ વાઢતો હતો, એણે આ શબ્દો સાંભળીને પૂછ્યું, “એ બારોટજી, ક્યાં ઝટ પોગવું છે?” “પોગવું છે, ભાઈ, પોગવું તો છે દુલા રાજાની પાસે. ઝટ જઈને દુવા કે’વા છે! અહાહા મૂળવો, કરાફતનો વાઘેર મૂળવો!

કેસરિયા વાઘા કરી, કાંકણ બાંધ્યું કોય,
જગત ઊભી જોય, માણેક પરણે મૂળવો.
અને મૂળવા, તારી શી વાત?
તું ટોડા ગોપાળતણ, જો મેલીને જાત,
(તો તો) સવખંડ ચેરો થાત, માણેક તાહળો, મૂળવા!

બારોટે દુહા લલકાર્યા ત્યાં વગડો આખો જાણે સજીવન થઈ ગયો. મજૂર, મૂલી, ખેડૂતો, પશુઓ, સહુ ઊંચાં માથાં કરી સાંભળી રહ્યાં. તેમ તો બારોટની ગળી ગયેલ ભુજાઓમાં બેવડું જોર આવ્યું. હાથ લાંબા કરીને લલકારવા લાગ્યો :

મૂળુ મૂછે હાથ, તરવારે બીજો તવા,
હત જો ત્રીજો હાથ, (તો) નર અંગરેજ આગળ નમત!

“રંગ મૂળવા, રંગ! બેય હાથ તો રોકાઈ ગયા, એક હાથ મૂછને તાલ દે છે, ને બીજો હાથ તરવારની મૂઠ ઉપર જાય છે. ત્રીજો હાથ કાઢે ક્યાંથી! અમરેલીવાળા ભૂરિયાઓએ ઘણુંય કહ્યું કે મૂળુ માણેક, સલામ કર. પણ ત્રીજા હાથ વગર સલામ શેની કરે?” “અરે પણ બારોટ! ફટકી કાં ગયું? મૂળુ માણેક તો વડોદરે રેવાકાંઠાની જેલમાં સડે છે. ખોટાં ખોટાં બોકાસાં કાં પાડો? ગળું દુખવા આવશે.” “એ ભૂત છો કે પલીત? જાણતોય નથી, ઝોડ જેવા? મૂળવો સાવજ પાંજરે સામે કદી? ઈ તો એ આવ્યો છૂટીને.” “હેં? શી રીતે છૂટ્યો? માફી માગીને?” “તારી જીભમાં ગોખરુ વાગે, માળા કાળમુખા! મૂળવો માફી માગે? એ જેલ તોડી જેલ!” “જેલ તોડી! વજ્જર જેવી જેલ તોડી?” “હા હા! ઈ તો સંધાય ભેરુડા મત બાંધીને સામટા દરવાજે ધોડ્યા. જોવે ત્યાં તો બારીમાં સામાં પચીસ સંગીન ધરીને પલટનિયા ઊભેલા. પણ રંગ છે ગોરવિયાળીવાળા દેવા છબાણીને. સવા શેર સૂંઠ એની જણનારીએ ખાધી ખરી, બાપ! તે ઈ દેવે પડકારો કર્યો કે હાં મારા ભાઈયું! મારી દયા કોઈ આણશો મા, હું સંગીન આડું મારું ડિલ દઈ દઉં છું, તમે જોરથી મારા શરીર સામો ધસારો દઈને નીકળી જાજો. એમ કરીને દેવો ડેલીની બારી આડો ડિલ દઈને ઊભો રહ્યો. બીજા સહુ પલટનિયાઓની બંદૂક દેવાના દિલમાં સલવાઈ રહી એટલે લાગ ભાળી નીકળી ગયા.” “અને દેવો?” “દેવોય આંતરડાં લબડતાં’તાં તે ડોકમાં નાખીને હાલ્યો.” “તે શું મૂરુભા નીકળી આવ્યા છે?” “હા, હા, ને વાઘેરુંને કરે છે ભેળા. મોટી ફોજ બાંધીને ફરી બા’રવટું માંડે છે. જાઉં છું મોજ લેવા. આ જ છે માધવપરના વાવડ. આજ તો ખોબે ખોબે કોરિયું ને સોનામો’રું વેંચશે મારો વા’લીડો!”

દળ આવ્યાં દખણી તણાં, ભાલાળા ભોપાળ,
સામા પાગ શીંગાળ, માણેક ભરતો મૂળવો.

[દક્ષિણીઓનાં ભાલાવાળાં સૈન્ય આવ્યાં, પણ સિંહ સમાન મૂળુ માણેક તો એની સામે પગલાં ભરીને ચાલ્યો.] અને એ મલકનાં માનવી! મૂળવે અંગરેજ મારિયા, (એના) કાગળ જાય ક્રાંચી, અંતરમાં મઢમ ઊચરે, સૈરું વાત સાચી! [મૂળુ માણેકે અંગ્રેજોને માર્યા. તેના કાગળો કરાંચી પહોંચ્યા. હૃદયમાં ફાળ પામતી મડમો પોતાની સહિયરોને પૂછવા લાગી કે “હેં બે’ન, મારા ધણીને મૂળુએ માર્યા એ સાચી વાત?”] એવા એવા દુહા લલકારતો ને પોતાના બુલંદ અવાજથી વગડા ગજાવતો બારોટ ટારડી ઘોડીને સપરટાં મારતો મારતો ચાલી નીકળ્યો. સાંતીડાં થોભાવીને વાઘેરો વિચાર કરવા માંડ્યા. એકે કહ્યું : “માળે બારોટે દુહા સારા બનાવ્યા!” બીજો સાંતીડાને ઘીંહરું નાખીને મંડ્યો ગામ તરફ હાલવા. પહેલાએ પૂછ્યું, “કાં?” “હવે સાંતી શીદ હાંકીએં? મૂરુભાને ભેળા ભળી જાયેં. ભળીને ફરી વાર વાઘેરોનું જૂથ બાંધીએ.” “હાલો તઈં આપણેય.” બેઉ ખેડૂતો ચાલી નીકળ્યા. ઘાસનો ભારો વાઢીને પોતાના માથા પર ચડાવવા મથી રહેલ એક કોળી પણ થંભીને ઊભો થઈ રહ્યો. બે ઘડી વિચાર કરીને એણે પણ ભારો ફગાવી દીધો, દાતરડાનો ઘા કરી દીધો અને હાલ્યો. બીજાએ પૂછ્યું, “કાં ભાઈ, કેમ ફટક્યું?” “જાશું મૂરુભા ભેરા.” “કાં?” “ભારા વેચીવેચીને દમ નીકળી ગિયો!”