સોરઠી બહારવટિયા ભાગ-2/જોધાનો ન્યાય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
જોધાનો ન્યાય

બેટ શંખોદ્ધાર ઉપર જોધાનો વાવટો ચડ્યો છે. જોધો દારૂગોળો તપાસે છે. પૂછે છે : “ભાઈ દેવા! શો શો સરંજામ હાથમાં આવ્યો?” “ઓગણીસ તોપો.” “રંગ! બીજું?” “ફતેમારીઓ, સૂરોખાર ને ગંધકથી ભરેલી.” “વાહ રણછોડ! જેવું લીધું છે તેવું જ સાચવજે, દેવા! હજી મરદુંના મામલા વાંસે છે.” “જેવી રણછોડરાયની મરજી, જોધાભા!” દારૂગોળો તપાસીને જોધો માણેક પાછો વળ્યો. પણ બેટની બજારમાં નીકળે ત્યાં તો મંદિરોના દરવાજા ઉપર ચોકી કરવા બેઠેલા પીંડારા વાઘેરોને પૂજારીઓ ઉપર ત્રાસ ગુજારતા જોઈને જોધાની આંખ ફાટી ગઈ. પીંડારિયાઓ જાત્રાળુઓ પાસેથી પૈસા છોડાવી રહ્યા છે અને પૂજારીઓ ને જાત્રાળુઓ કુંજોનાં ટોળાંની માફક કળેળાટ કરે છે. ચુપાચુપ જોધો ઊભો જોઈ રહ્યો છે. માણસોએ ચીસ પાડી, “જોધાભા, અમને બચાવો. આથી તો મરાઠા શું ભૂંડા હતા?” પીંડારિયા જોધાને ભાળીને નીચું ઘાલી ગયા. જોધાએ કહ્યું : “તમારાં મોઢાં કાળા કરો. માનું દૂધ લજાવ્યું, ભા! તમે રજપૂતના ફરજંદ છો?” એકેએક પીંડારિયાને ચોકી પરથી બરતરફ કરી બેટનો કિનારો છોડવા હુકમ દઈ દીધો. અને જોધાએ ન્યાયની અદાલત ભરી. પૂછવામાં આવ્યું, “કોના ઉપર જુલમ થયો છે, ભાઈ?” “મંદિરવાળા ભંડારી હરિમલ ઉપર.” “શું થયું?” “એને ઝાલીને અભડાવ્યા.” “કોણે પાપીએ?” “રણમલ પીંડારે.” “શા સારુ?” “દંડ લેવા સારુ.” “બોલાવો રણમલને. ન આવે તો રસીથી બાંધીને લાવજો.” રણમલને તેડી હાજર કરવામાં આવ્યો. જોધા માણેકે રણમલ તરફ પીઠ ફેરવી અને વચનો કહ્યાં : “આટલા સારુ હું પીંડારિયાઓને તેડી લાવ્યો’તો ખરું ને, રણમલ! જા, તુંને તો ગોળીએ દેવો જોઈએ, પણ હવે ભાગી છૂટ. ભંડારીજી ક્યાં છે, ભાઈઓ?” “જાંબુવતીજીનાં મંદિરમાં સંતાણા છે.” “હાલો મંદિરે.” મંદિરે જઈને જોધા માણેકે ભંડારીની માફી માગી અને એવો ઠરાવ કર્યો કે દર મહિને અક્કેક મંદિરવાળાએ વાઘેરોની ચોકીનો ખરચ ચૂકવવો. બેટમાં બંદોબસ્ત કરીને જોધો દ્વારકા પાછો વળ્યો. જઈને જોવે તો દ્વારકામાં પણ દેકારો બોલે છે. બંદૂકો તાકીને વાઘેરો વેપારીઓ પાસેથી મોંમાગ્યા દંડ ઉઘરાવે છે. છકેલા વાઘેરો સ્ત્રીઓને અને છોકરાંને પોતાનાં ઘોડાંની હડફેટે ચડાવે છે, પોતાને રહેવા માટે હરકોઈનાં ઘર ખાલી કરાવે છે. જોધાએ સંતાઈને નજરોનજર એક દુકાન ઉપરનો બનાવ જોયો. આંખમાં સુરમો આંજીને ઓળેલી દાઢીમૂછવાળો એક વાઘેર સાત હથિયાર સોતો એક વેપારીની દુકાને બેઠો છે. ઉઘાડો જમૈયો એના હાથમાં ચકચકે છે. સામે શેઠિયો થર! થર! ધ્રૂજે છે અને વાઘેર ડોળા ફાડીને કહે છે કે “મારા લેણાનું ખત ફાડી નાખ, નીકર હમણાં આ છાતીમાં હુલાવું છું.” એ વખતે જોધાનું ગળું રણક્યું : “તે પહેલાં તો ભા! તારી છાતીનું દળ આ જમૈયો નહિ માપી લ્યે? રંગ છે વાઘેરાણીની કૂખને!” એકેએક વાઘેર જેની શેહમાં દબાતો, તે જોધાજીને જોઈને જમૈયાવાળો આદમી ખસિયાણો પડી ગયો. ગામનું મહાજન ટપોટપ દુકાનો પરથી ઊતરીને જોધાને પગે લાગ્યું. અને સહુએ પોકાર કર્યો : “જોધા બાપુ! આટલું તો તમે દીઠું, પણ અદીઠું અમારે માથે શું શું થઈ રહ્યું છે તે જાણો છો? કહો તો અમે ઉચાળા ભરીએ, કહો તો માલમિલકત મેલીને હાથેપગે ઓખાના સીમાડા છાંડી જઈએ, પણ આવડો માર તો હવે નથી સહેવાતો.” જોધાએ મહાજન ભેળું કર્યું. એક પડખે મહાજન બેઠું છે, બીજે પડખે વાઘેરો બેઠા છે. વચ્ચે જોધો પોતે બેઠો છે. મૂળુ અને દેવો, બેય ભત્રીજા પણ હાજર છે. જોધાએ વાત શરૂ કરી : “ભાઈ દેવા! બેટા મૂળુ!” “બોલો, કાકા!” “આપણે ચોર-લૂંટારા નથી. રાજા છીએ. આપણે મરાઠાની જેમ પરદેશથી પેટ અને પેટિયું ભરવા નથી આવ્યા. પણ આપણા બાપડાડાનું રાજ પાછું હાથ કરી રજપૂતના ધરમ પાળવા આવ્યા છીએ.” “સાચી વાત.” “અને આ વસ્તી આપણાં બેટા-બેટી છે.” “કબૂલ.” “આપણે માથે રણછોડરાય ધણી છે.” “ખમ્મા, રણછોડ!” “ત્યારે રજપૂતના દીકરા બિરદ વગર રાજ કરે નહિ. સાંભળો આપણાં બિરદ : “પહેલું : વસ્તીની વાલની વાળી પણ ન લૂંટવી. “બીજું : ઓરતોને બહેન-દીકરી લેખવી. “ત્રીજું : જાત્રાળુને લૂંટવા તો નહિ, પણ ચાલતા આવેલા ધારા પ્રમાણે કર વસૂલ લઈને ઠેઠ રણના કાંઠા સુધી ચોકીપહેરામાં મેલી આવવાં. “બોલો ભાઈ, આ બિરદ ઉથાપે તેને?” “તેને તોપે ઉડાવવો…” મૂળુ બોલ્યો. પછી જોધો વેપારીઓ તરફ ફરીને બોલ્યો : “કહો, ઇંદરજી શેઠ, હીરા શેઠ, હવે તમે સવા મણની તળાઈમાં સૂજો. મારો સગો ભત્રીજો મૂળુ પણ જો ક્યાંય કોઈને ટુંકારો કરે, તો વાવડ દેજો. સજા કરીશ.” “ધન્ય છે, બાપુ!” મહાજન શાંત પડ્યું. “ઊભા રહો. ધન્યવાદ પછી દેજો. તમારી જવાબદારી પણ સમજી લ્યો. તમારે અમને ખાવાનું તો આપવું જ પડશે. ઘરદીઠ ખાવાનું લેવાનો ઠરાવ કરીને જ તમારે ઊઠવાનું છે. આ તો લડાઈ છે, ઘોલકી નથી માંડી. અને જાંગલાઓને તમે કેમ કર ભરતા’તા?” “કબૂલ છે, બાપુ!” કહીને મહાજને ઠરાવ ઘડ્યો. જે રણછોડ! જે રણછોડ! એવા નાદ થયા ને ડાયરો વીંખાણો.