સોરઠી બહારવટિયા ભાગ-2/દ્વારકા પર હલ્લો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
દ્વારકા પર હલ્લો

દિવસ આથમે ને જેમ ટપોટપ આભમાં એક પછી એક તારલા ઊગતા આવે, તેમ અમરાપરના પાદરમાં પણ શ્રાવણ સુદ એકમની સાંજે દિવસ આથમવાની સાથે જ ગામડે ગામડેથી વાઘેરો આવવા લાગ્યા. દોઢસો વાઘેરોનો સંઘ, કેડીએ આવીને અમરાપરને પાદર મૂળુ માણેકના નેજા નીચે ખડો થયો. સામસામા ‘જે રણછોડ!’ ‘જે રણછોડ!’ના સૂર બંધાઈ ગયા અને બધા બથો ભરી ભરી ભેટ્યા. આખું દળકટક અમરાપરથી ઊપડ્યું અને જ્યાં સીમાડે પગ માંડ્યો ત્યાં ડાબી કોર ગધેડો ભૂંક્યો. “મુરુભા! તારી ફતેહના ડંકા જાણજે. ડાબો ગધેડો ભૂંક્યો. લાખ રૂપિયાનાં શુકન થાય છે.” બારાના ઠાકોર જેઠજીએ શુકન પારખીને મુબારકબાદી દીધી. “સવારને પહોર દ્વારકા આપણું સમજજે, મૂરુભા!” વસઈવાળાએ મૂળુને ચડાવ્યો. “દ્વારકા મળે કે ન મળે, આપણું કામ તો હવે આ પાર કાં પેલે પાર મરી મટવાનું છે, ભા!” મૂળુભા પોરસ ખાઈને બોલ્યો. પ્રાગડના દોરા ફૂટ્યા અને દ્વારકાના ગઢે અગ્નિકોણથી મૂળુ માણેકે “જે રણછોડ!” કહી નિસરણી ઊભી કરાવી. પણ નિસરણી એક હાથ ટૂંકી પડી. ગઢ એટલો છેટો રહી ગયો. મૂળુએ હાકલ પાડી કે “ભાઈ! કયો વાઘેરનો બચ્ચો માનું ધાવણ ધરાઈ ધરાઈને ધાવ્યો છે! છે કોઈ ઠેકનારો!” “હું!” કહીને પતરામલ માંયાણી નામનો જુવાન ચડ્યો. મોંમાં તરવાર પકડીને એણે ઠેક મારી. “જે રણછોડ!” કરતો ગઢ માથે ગયો. ત્યાંથી ફાળિયું નાખીને બીજા સહુને ચડાવ્યા. અત્યાર સુધી છાનુંમાનું કામ ચાલ્યું. પણ જેમ ગઢને માથે બસો દાઢીમુછાળા ચડી ગયા તે છતાં આખો કિલ્લો અડદના દાણા છાંટ્યા હોય તેવા ઘારણમાં ઘોંટાઈ રહ્યો છે એવું જોયું, તેમ તો ઓખામંડળ આખોય ઊમટ્યો : વાઘેરનું એકેએક ખોરડું હલક્યું. ‘જે રણછોડ! જે રણછોડ!’ના લલકાર મચ્યા. હૈયેહૈયું દળાણું. દીવાલો સાથે આફળતા દરિયા ઉપર સૂરજ મહારાજે મોં કાઢ્યું, સમુદ્રે શંખનાદ ગજાવ્યા અને મૂળુએ ચસ્કો કર્યો : “જોધો કાકો અચેતો! પાંજો પે અચેતો! હણેં ફતે હુઈ વઈ!” જોધો માણેક ચાલ્યો આવે છે. ઓચિંતો આ વિજયટંકાર દેખીને એના મોં પર વાદળી છવાઈ ગઈ છે. વાઘેરોને ઉન્માદે ચડ્યા દેખી, દારૂડિયા જાદવોના સરદાર કૃષ્ણની માફક એને વિમાસણ ઊપડી. પણ જોધો સમય વરતી ગયો. “જે રણછોડ! મુંજા પેટ! રંગ રાખી ડીનો, ડીકરા!” કહેતો જોધો નિસરણીએ ચડ્યો. આડસરની નિસરણી કડાકા લેવા માંડી. ભૈરવની ફોજ જેવા વાઘેરોએ બજારમાં ઓડા બાંધી દીધા. “નારાયણરાવ ક્યાં છે? એની મેડીમાં કોક પહોંચો. ઈ જુલમના કરનારને પગે ઝાલીને બે ફાડિયાં કરી નાખીએ. ઝાલો ઈ મહેતાને!” મૂળુ માણેકે હુકમ દીધો. “નારાયણરાવને સજા મળી ગઈ, મૂરુભા!” મેડીએથી માણસે આવીને કહ્યું. “કાં?” “પાયખાનામાં થઈને ભૂંડે હાલે ભાગી છૂટ્યો.” “ક્યાં ગયો?” “જામપરામાં.” “જીવતો જાશે બેટો?” “જાવા દે, મૂરુભા બાપ, ભાગતલને માથે ઘા ન હોય.” જોધાએ ધીરેથી શિખામણ દીધી. ત્યાં સામેથી ધડ! ધડ! ધડ! બંદૂકોના ચંભા થાતા આવે છે. રીડિયા થાય છે અને ભેરી ફૂંકતો ફૂંકતો ગાયકવાડી સૂબો બાપુ સખારામ ફોજ લઈ હાલ્યો આવે છે. “આ કોણ?” “બાપુ સખારામ. બીજો જાલીમ. જિવાઈને બદલે ગાળો દેનારો. એની તો જીવતી ચામડી ઉતરડી નાખીએ.” પાંચ-દસ લડવૈયા લઈને બાપુ સખારામ વાઘેરોના વાદળ સામે ધસ્યો આવે છે અને મૂળુ માણેક બંદૂક લઈ એને ટૂંકો કરવા દોડે છે. “ખમ્મા! ભાઈ, જાળવી જા!” કહીને જોધાએ મૂળુનું બાવડું ઝાલ્યું. “એને મરાય? આટલી ફોજ સામે નિમકની રમત ખેલવા એકલો હાલ્યો આવે છે. છોડી દે એને.” મૂળુ થંભી ગયો. છેટેથી અવાજ દીધો, “હાલ્યો જા, ગાયકવાડના કૂતરા, તને શું મારું!” પછી હુકમો દેવાયા : “ભીમા! તું વરવાળુ માથે પહોંચ. ન જિતાય તો મોં દેખાડતો મા. દરિયામાં ડૂબી મરજે.” ભીમો માણેક ફોજ લઈને વરવાળુ ગામ પર ઊપડ્યો. “અને દેવા છબાણી! તું બેટનો કબજો લેજે. તોપને મોઢે ઊડી જાજે. પણ હાર્યાના વાવડ દેવા પાછો મ વળજે.” “જે રણછોડ!” કહીને દેવો છબાણી શંખોદ્વાર બેટ પર છૂટ્યો. “પણ આ દ્વારકા ખાલી ક્યારે થઈ ગયું? સરકારી માણસો બધાં ક્યાં સમાણાં?” દૂતોએ દોડતા આવીને ખબર દીધા, “જોધા ભા, જામપરામાં ચારસો સરકારી જણ બેઠા છે.” “લડવાની તૈયારી કરે છે? કે ઓખો છોડીને ભાગવા રાજી છે?” “ભાગવા.” “અરે ભાગી રિયા. માંડો જામપરાને માથે તોપો! ફૂંકી દ્યો! વડોદરા વાવડ દેવા એક છોકરુંય જીવતું ન નીકળે.” આવા રીડિયા થયા અને જોધો ઝાંખો પડી ગયો. ગરવી વાણીમાં એ બોલ્યો: “ન ઘટે, મુંજા પે! એવી વાતું વાઘેરુંના મોંમાં ન સમાય. એ બચાડા તો ચિઠ્ઠીયુંના ચાકર! અને વળી પીઠ દેખાડીને ભાગે છે. એની ઓરતું, બાલબચ્ચાં, ઘરડાં-બુઢ્ઢાં રઝળી પડે. જાવા દો, મારા દીકરાઓ!” ચારસો ગાયકવાડી ચાકરો, દ્વારકા દુશ્મનોના હાથમાં સુખ-શાંતિથી સોંપીને સીમાડા બહાર નીકળી ગયા. નગર રાજ્યના મહાલ જામખંભાળિયામાં જઈને ચારસો જણાએ પડાવ કર્યો અને આંહીં દ્વારકામાં તો — ખભે ખંભાતી ધોતિયાં, ધધકે લોહીની ધાર, ગોમતી લાલ ગુલાલ, માણેક રંગી મૂળવા! ગોમતી નદી સોલ્જરોનાં લોહીથી લાલ ગુલાલ બની ગઈ.