સોરઠી બહારવટિયા ભાગ-2/પઠાણ હામી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પઠાણ હામી

પાંચસો ઘોડાનો ઉપરી પઠાણ : લાલ ચટક મોઢું : મુખમુદ્રામાંથી ખાનદાની ટપકતી આવે છે : હાવભાવ કે હાથજોડ જાણતો નથી. માથા પર સોનેરી પટાની કાળી લુંગી બાંધી છે. પાંચ જ અસવારે ઝાડીમાં ઊતર્યો. બહારવટિયાની પાસે જઈને જરાય નમ્યા વિના, વધુઘટુ બોલ્યા વિના, જાણ કરી કે “હમ તુમારા જામીન!” “જમાદાર! પાદશાહ તમારા પાલણહાર છે. નિમકનો દેનાર છે, અમ સાથે દગો કરશે તો તમે શું કરશો?’ “મારેગા ઔર મરેગા.” “બસ, ભાઈ વેજા! આનું પાણી મરે નહિ, એની આંખ્યું કહી આપે છે. લોહી જો, એનું લોહી! સતીની આંગળીએથી ઝરતા કંકુડા સરખું.” “ચાલો, જમાદાર!” ઘોડે ચડીને પૂરે હથિયારે, ઘૂઘરમાળ ગજવતા બહારવટિયા પઠાણની ફોજ વચ્ચે વીંટાઈને ચાલ્યા. જૂનાગઢની બજારમાં તે દિવસ બહારવટિયાને નીરખવા માણસ ક્યાં માતું હતું? બહારવટિયા મહેલના ચોકમાં જ ઊભા રહ્યા. પાદશાહને કહેવરાવ્યું કે “ઝરૂખામાં આવીને તમે વષ્ટિ ચલાવો. અમે ઘોડે બેઠા બેઠા આંહીંથી જ વાટાઘાટ કરશું. કચારીમાં નહિ આવીએ.” રજપૂતોને વીંટીને પાંચસેં ઘોડાવાળો પઠાણ ઊભો રહ્યો. બહારવટિયાને ભોળવીને કચારીમાં ગારદ કરવાની બાજીમાં પાદશાહ ન ફાવ્યો. ઝરૂખે બેસીને રજપૂતોના ઘોડાની હમચી જોતો જોતો, મોં મલકાવતો પાદશાહ જોઈ રહ્યો. બહારવટિયાને ગરાસ પાછો સોંપાણો.

*

બન્ને ભાઈઓના જીવનનો અતિ દારુણ અને કરુણ રીતે વહેલો વહેલો અંત આવી ગયો. શાંતિ મળ્યા પછી બન્ને ભાઈઓ ઉદ્યમે ચડ્યા હતા. જેસાજીએ જેસર અને વેજાજીએ વેજળકા બાંધ્યાં. પણ પછી જેસોજી હાથસણી જઈને અને વેજોજી જેસર જઈને જુદા જુદા રહ્યા. સ્ત્રીઓના કંકાસ હશે એમ લાગે છે. દૈવયોગે વેજાજીનો કુંવર સંગજી જેસાજીને ઘેર મૃત્યુ પામ્યો. એની માતાને સંદેહ રહી ગયો કે કુંવર દગાથી મરાયો. એ વાત તો વિસારે પડી. જેસાજીના કુંવર રણમલનાં લગ્ન મંડાયાં, પણ કાકા જેસરથી આવ્યા નહિ. કુંવર પોતે જ કાકાને તેડવા ગયો. ત્યાં રાતે કાકાએ એનું ફુલેકું ચડાવ્યું. મોડી રાતે થાકેલા રણમલ કાકાને ખોળે માથું નાખી સૂઈ ગયો. તે વખતે કાકીને દીકરાનું વેર સાંભર્યું. કંઈક બહાને વેજાજીને બહાર મોકલી પોતે એ પોઢેલા રણમલની હત્યા કરી : રોયું રણમલિયા, માથે કર મેલે કરે, સરઠું સરવૈયા, તું જોખમતે જેસાઉત! [હે જેસાના પુત્ર રણમલ! તું મરતે બધીયે સોરઠ માથા પર હાથ મૂકીને રડી.] વેજાજીને જાણ થઈ. ઘણા વિલાપ કર્યા. સ્ત્રીને ફિટકાર દઈ પોતે વેજળકાંઠે રહેવા ચાલ્યો ગયો, પણ રણમલના મામા મોસાળું લઈને આવેલા તેઓ પોતાના ભાણેજના ઘાતકનો જાન લેવા ચાલી નીકળ્યા. તેઓને પાછા વાળવા પ્રયત્ન કરતો, ઘણું ઘણું મનાવતો, કરગરતો, ક્ષમાવીર જેસોજી પણ સાથે ચાલ્યો. વેજલકોઠા પાસે પહોંચ્યો ત્યારે જેસાજીએ પોતાનાં ઝનૂની સગાંઓને કહ્યું કે “ઘડીક થોભો, હું છેલ્લી વાર મારા ભાઈને મળી આવું.” એટલો સમય માગીને એ વેજલકોઠે ચાલ્યો. જોયું તો જેસાધાર પાસે વેજોજી ભાલો લઈને એક સૂવરની પાછળ શિકારે નીકળેલ છે. સૂવર ઝપાટામાં આવતો નથી. “હાંઉ, ભાઈ!” જેસો આડો પડીને ઊભો રહ્યો, “તું હવે એને ન માર. એ રણમલનો જીવ હશે, અને રણમલ અટાણે તારે ભાલે ચડી બેઠો છે.” વેજોજી નીચે ઊતર્યો, પોતાના ક્ષમાવંત ભાઈને ભેટી પડ્યો. જેસો બોલ્યો, “ભાઈ વેજા! લાખ વાતેય તને રણમલના મામાઓ જીવવા નહિ દે અને તું મૂવા પછી જીવીને શું કરવું છે? માટે પરાયે હાથે કપાવા કરતાં બેય જણા આંહીં જ અરસપરસ મરીને એક જ સાથરે સજાઈ કરીએ. જીવ્યા ત્યાં સુધી ભાઈઓ જ હતા, મૉત વખતે પણ માડીજાયા જ રહીએ.” વેજો માથું નમાવીને બોલ્યો, “ભલે ભાઈ, પહેલો મને જ મારી નાખીને તમારા હાથ ઠારો.” “ના વેજા! એમ નહિ, પ્રથમ તું મને ઘા કર. પછી હું મરતો મરતો પણ તુંને મારીશ.” “ના, તમે મારું માથું ઉડાવો. હું પછી તમને મારીશ.” “ભાઈ વેજા, તારે માથે બે ખતા છે : મોટા બાપુની અને રણમલની૰; એટલે તારું માથું વઢાણા પછી તું મને નહિ મારી શકે. માટે પ્રથમ તારો ઘા.” ભોંય પર પછેડી પાથરી બન્ને ભાઈ બેઠા, કસુંબા લીધા. હેત-પ્રીતથી ભેટ્યા. પછી વેજાએ જેસાની ગરદન પર ઘા કર્યો. ઘા કરીને પોતે માથું ઝુકાવી બેસી ગયો. જેસાએ એક હાથે પોતાનું કપાયેલું મસ્તક ધડ ઉપર ટેકવી રાખ્યું અને બીજે હાથે વેજા ઉપર ઘા કર્યો. બન્ને ભાઈઓ આવી શાંતિથી વેજલકોઠા પાસે કામ આવ્યા. બન્નેના સગલા (પાળિયા) જેસાધાર ઉપર રોપાયા. તે પછી જેસાજીનાં બહેન ભાઈની ખાંભી માથે નાળિયેર ચડાવવા આવ્યાં. જુએ તો બેયનાં મોં ઉગમણાં હતાં. કોની કઈ ખાંભી એ બહેનથી ન વરતાયું. હાથ જોડીને બહેન બોલી : “હે વીરા! હું તમને કેમ ઓળખું! મારાં હેત સાચાં હોય તો હું માગું છું કે જેસોજી ઉગમણો જ રહે અને વેજોજી ગોત્રહત્યારો હોવાથી આથમણે મોઢે થઈ જાય!” બહેનની વાણી સાંભળીને બેમાંથી એક ખાંભી આથમણી ફરી ગઈ હતી એમ કહેવાય છે