સોરઠી બહારવટિયા ભાગ-2/પતાવટ
સામસામા બે શત્રુઓ બેઠેલા : વચ્ચે કસુંબાની કટોરી ઝલકે છે; પચીસ વરસનાં વેર એ બેય શત્રુઓની આંખમાંથી અત્યારે નીતરી ગયાં છે. વજેસંગ ઠાકોર અને જોગીદાસ ખુમાણ સમાધાન કરવા ભેળા થયા છે.
“લ્યો, આપા! માગી લ્યો!” અંજલિમાં કસુંબો લઈ ઠાકોરે હાથ લંબાવ્યો.
“માગી લેવાનું ટાણું તો ગિયું, મહારાજ! આજ તો તમે આપો તે લઈ લેવું છે, માટે બોલી નાખો,” એમ કહીને બહારવટિયાએ ઠાકોરની અંજલિ પોતાના હાથે પકડી પોતાનું મોં નમાવ્યું.
“ત્યારે આપા! એક તો કુંડલા.”
“કુંડલા ન ખપે, મહારાજ!” બહારવટિયાએ હાથ ઊંચો કર્યો.
ઠાકોર ચમક્યા. “આ શું બોલો છો, આપા? કુંડલા સાટુ તો આ જંગ મચાવ્યો, અને હવે કુંડલા ન ખપે?”
“ન ખપે. મહારાજ બોલ્યા એટલે હું માની લઉં છું કે કુંડલા મને પોગ્યું. પણ હવે મારું અંતર કુંડલા માથેથી ઊતરી ગયું છે. મારો બાપ મૂવો તે દી મહારાજે મોટેરો દીકરો બનીને મૂંડાવેલું. એટલે નાવલી-કાંઠો ભલે મોટેરાને જ રિયો. વળી બીજી વાત એમ છે કે કુંડલા વિષે મને વહેમ પડ્યો છે. ચારણનો દુહો છે કે —
કીં થે તારા કુંડલા, ભડ વખતાને ભોગ્ય,
આલણકા આરોગ્ય, હોય નૈ કસળે હાદાઉત!
“આ દુહે મને વહેમમાં નાખ્યો છે. અરથ તો સવળો છે કે ‘હે હાદાના પુત્ર! તારું કુંડલા વખતસિંહજી શી રીતે ભોગવશે? હે આલણકા! એનાથી હેમખેમ કુંડલા નહિ ખવાય!’ પણ એથી ઊલટો અરથ પણ નીકળે છે. માટે કુંડલાને ટીંબે અમે નહિ ચડીએ. કુંડલા તો ભલે મહારાજને રિયું.”
“ત્યારે એક આંબરડી, કબૂલ છે?”
“હા, બાપા! અભરેભર્યું ગામ.”
“બીજું બગોયું.”
“એ પણ કબૂલ : સોના સરખું.”
“એ બે તમને : વીરડી ને રબારીકું આપા ગેલાનાં છોરુંને.”
“બરાબર.”
“આગરિયા ને ભોકરવું આપા ભાણને.”
“વાજબી.”
“ઠવી ને જેજાદ ભાઈ હીપા-જસાનાં મજમું. થયા રાજી?”
“રાજી.”
“કાંઈ કોચવણ તો નથી રહી જાતી ને, આપાભાઈ? જોજો હો! જગત અમારી સો પેઢીએ પણ ભાવનગરને અધરમી ન ભાખે.”
“ન ભાખે, બાપા. ભાખે એની જીભમાં કાંટા પરોવાય.”
“ત્યારે આપાભાઈ! મને લાગે છે કે તમારા દીકરા તમારું ગઢપણ નહિ પાળે તો?” ઠાકોર હસ્યા.
“તો આંહીં આવીને રહીશ, બાપા!”
“ના, ના આંહીંયે કદીક આ મારાં પેટ — અભુભા, નારુભા — પલટી જાય. આજ કોઈનો ભરોસો નહિ, કોઈની ઓશિયાળ નહિ. રાજ તમને જીરા ખડિયાખરચી દાખલ આપે છે. જીવો ત્યાં સુધી ખાવ-પીઓ.”
બહારવટિયો આભો બન્યો. જીરા! ત્રીસ હજારની ઊપજ આપનારું જીરા ગામ ઠાકોરે ખડિયાખરચીમાં નવાજ્યું!
જોગીદાસે ઠાકોરના હાથમાંથી કસુંબો પીધો. સામી અંજલિ પિવરાવી. વસ્તીને વધામણી સંભળાવવા સહુ કચેરીમાં આવ્યા.
બહારવટિયાને શરણાગત નહિ પણ સમોવડિયો કરીને ઠાકોરે પોતાની સાથે અરધોઅરધ ગાદી પર બેસાર્યો અને બંદીજનોએ બેયને ત્રોવડ (સરખી તાકાતવાળા) તરીકે બિરદાવ્યા :
વજો અવરંગશા વદાં, દરંગો જોગીદાસ;
તણહાદલ અને વખતાતણ, આખડિયા ઓનાડ.
[બેમાંથી કોને વત્તો-ઓછો કહું! વજો મહારાજ ઔરંગઝેબ જેવો વીર ને સામો જોગીદાસ પણ દુર્ગાદાસ જેવો : એક વીર વખત સિંહનો તનય, ને બીજો વીર હાદા ખુમાણનો તનય : બન્ને બહાદુરોએ સામસામાં યુદ્ધ ખેલી જાણ્યાં.]
એ બિરદાવળી સાંભળતાં વજેસંગજી ‘વાહ કવિરાજ!’ કહી મલકાય છે. જોગીદાસની સમોવડ ગણાવાનો એને શોચ નથી. મોટા મનનો ભૂપતિ રાજી થાય છે, ને જોગીદાસનાં ગુણગાન વધુ રૂડાં બને છે :
તું પાદર જૂના તણે, ફેસળીઓ ફોજે,
(તે દિ) બીબડિયું બંગલે, (તુંને) જોવે જોગીદાસિયા!
[હે જોગીદાસ! તું જે દિવસે જૂનાગઢને પાદર ફોજ લઈને ચાલ્યો હતો, તે દિવસે તને બીબીઓ મોટા બંગલાની બારીઓના ચકમાં નયનો ભરી ભરી નીરખતી હતી.]
“સાંભળો, આપાભાઈ! તમારાં શૌર્ય અને સ્વરૂપ કેવાં!” એમ કહીને સાગરપેટો ઠાકોર બહારવટિયાને હસે છે. પણ બહારવટિયાના કાન જાણે ફૂટી ગયા છે. માથું નમાવીને એ તો કચેરીમાંયે બેરખો જ ફેરવે છે. એટલું જ બોલે છે કે “સાચું, બાપા! ચારણો છે, તે ફાવે તેમ બિરદાવે.”
પણ બંદીજનો તો તે દિવસ ગાંડાતૂર બનેલા હતા. કવિતાનાં નીરમાં બહારવટિયાને તરબોળ બનાવવો હતો : દુહા રેલાવા લાગ્યા :
દત સુરત ટેકો દઈ, રાખીતલ પ્રજરાણ!
ખળભળતી ખુમાણ, જમીં જોગીદાસિયા!
[હે પરજોના રાજા! કાઠીઓની પૃથ્વી ખળીભળીને નીચે પટકાઈ જવાની હતી, તેને દાન તથા શૌર્યનો ટેકો દઈને તું જ રાખતલ બન્યો.]
જોગો જોડ કમાડ, માણો મીતળપર ધણી,
ન થડક્યો થોભાળ, હુકળ મચીએ હાદાઉત.
[જોટાદાર કમાડ જેવો જોગીદાસ! મીતિયાળાનો ધણી : યુદ્ધ મચતી વેળા જરાય ન થડક્યો!]
કરડ્યો કાંઉ થિયે, પરડોતરાં પ્રજરાણ!
ડસતલ તું દહીવાણ, ઝાંઝડ જોગીદાસિયા!
[બીજાં નાનાં સાપોલિયાં ડસે તેનાથી શું થવાનું હતું? પણ ભાવેણાના નાથને તારા જેવો મોટો ફણીધર ડસ્યો ત્યારે જ એનું ઝેર ચડ્યું.]
જોગા! જલમ ન થાત, ઘણમૂલા હાદલ ધરે,
(તો તો) કાઠી કીં કે’વાત, સામી વડ્ય સૂબા તણી.
[હે જોગીદાસ! મહામૂલા હાદા ખુમાણને ઘેર જો તારો જન્મ ન થયો હોત, તો કાઠી મોટા સૂબા મહારાજાનો સમોવડિયો ક્યાંથી લખાયો હોત?] અને ચારણોએ છેલ્લી શગ ચડાવી :
ધ્રુવ ચળે, મેરુ ડગે, મહદધ મેલે માણ,
(પણ) જોગો કીં જાતી કરે, ખત્રીવટ ખુમાણ!
[ધ્રુવ તારો ચલાયમાન થાય, મેરુનાં શિખર ડગે, મહોદધિ પોતાની મરજાદ મેલે તોપણ જોગો ખુમાણ પોતાની ક્ષત્રીવટ કેમ જાતી કરે?]
બહારવટિયાની બિરદાવળ સાંભળી સાંભળી મહારાજ જાણે ધરાતા જ નથી. ચારણોને સામા હોંકારા પણ પોતે જ આપી રહેલ છે. શબ્દે શબ્દે પોતે બહારવટિયાની સામે મીટ માંડી રહે છે. જોગીદાસ એની નજરમાં જાણે સમાતો નથી. બહારવટિયાના ગુણવિસ્તારની સરખામણીમાં ગોહિલનો રાજવિસ્તાર નાનકડો લાગ્યો.
જ્યારે મહારાજનું દિલ આટલું ડોલી રહ્યું છે, ત્યારે બહારવટિયાના સૂના અંતરમાંથી તો આ બધી બિરદાવળ, પોયણને પાંદડેથી પાણી દડે તેમ દડી પડી. એના મુખડાની ગરવાઈ જરાય ઓછી ન થઈ. એ તો સૂરજના જાપમાં તલ્લીન છે. ને એને તો પોતાનાં પાતક સાંભરે છે. પોતાના મનવાને મારી મારીને એ પ્રાયશ્ચિત કરે છે.
મહારાજે ઇશારત કરી એટલે સભામાં રંગરાગ મંડાયા. સારંગીને માથે સુંવાળી કામઠીઓ અડીને અંદરથી કૂણા કૂણા સૂર ઊઠ્યા. સાથે સ્ત્રીઓનાં ગળાં ગળવા લાગ્યાં. નરઘાં ઉપર ઉસ્તાદની થાપી પડતાં તો રણણ ઝણણ ઘૂઘરા બોલ્યા અને કિન્નરકંઠી રાજરમણીઓનો મુજરો મંડાણો.
વજો મહારાજ : કનૈયોલાલ : રસરાજનો જાણે અવતાર : અને મારુ વંશનો મોજીલો બેટડો : જેવો સંગ્રામમાં તેવો જ રસભોગમાં : વીણી વીણીને અમૂલખ વારાંગના તેડાવી હતી : કેમ કે આજ તો અનુપમ ઊજવણું હતું : જોગીદાસનું બહારવટું પાર પડ્યું હતું. વારાંગનાનાં ગળાં ગહેકવા લાગ્યાં.
અને જોગીદાસે પીઠ દીધી, આંખો અધમીંચી હતી, તે પૂરેપૂરી બીડી દીધી. બેરખો તો હાથમાં ચાલી જ રહ્યો છે.
વજો મહારાજ કાંઈ સમજ્યા નહિ. એણે જાણ્યું કે બહારવટિયો દિશા બદલવાની કાંઈક વિધિ કરતો હશે. નાચ-સંગીત ખીલવા લાગ્યાં. કચારી જાણે ગણિકાઓના સૂરસરોવરમાં તરવા ને પીગળવા લાગી.
ઓચિંતા જોગીદાસે ઊઠીને ચાલવા માંડ્યું. વજેસંગજીએ વિસ્મય પામીને પૂછ્યું : “આપાભાઈ! આ શું?”
“કાંઈ નહિ, બાપા! રજા લઉં છું.”
“કાં?”
“એટલે તમે સહુ નાચમુજરા નિરાંતે ચલાવો.”
“કાંઈ સમજાતું નથી, આપાભાઈ!”
“મારુવા રાવ! તમે મારવાડ થકી આવો છો, તમારે પરવડે, પણ હું કાઠી છું. મારી મા-બોન્યું નાચે, ને ઈ હું બેઠો બેઠો જોઉં, એમ ન બને.”
“અરે, આપા! આ મા-બોન્યું ન કે’વાય. આ તો નાયકાઉં. એનો ધંધો જ આ. ગણિકાઉં ગાય-નાચે એનો વાંધો?”
“ગણિકાઉં તોયે અસ્ત્રીનાં ખોળિયાં : જનેતાના અવતાર : જેના ઓદરમાં આપણે સહુ નવ મહિના ઊઝરીએ એ જ માતાજીનાં કુળ : બધું એકનું એક, બાપા! તમે રજપૂત ઝટ નહિ સમજી શકો. પણ મને કાઠીને તો દીવા જેવું કળાય છે.”
નાચમુજરા બંધ કરવામાં આવ્યા.
મહારાજાએ બહારવટિયાના જોગ પૂરેપૂરા નીરખ્યા. અંતર ઓળઘોળ થઈ જવા લાગ્યું. જોગીદાસ જીવ્યા ત્યાં સુધી એને ઠાકોરે પોતાના ભાઈ કરી પાળ્યા.
અન્ય સંભળાતા પ્રસંગો :
કવિ શ્રી ન્હાનાલાલ એક પ્રસંગ એમ સંભળાવે છે કે ગાયકવાડ તથા ભાવનગર રાજની વચ્ચે સીમાડાની મોટી તકરાર હતી. કેમેય ગૂંચ નીકળે નહિ. બન્ને રાજ્યોને એમ સૂઊ્યું કે જોગીદાસ બહારવટિયો સતવાદી છે, સીમાડાનો અજોડ માહેતગાર છે. એ ખરો ન્યાય તોળશે. માટે એને જ આ તકરારનો ફડચો સોંપાયો હતો. સતવાદી બહારવટિયાએ ભાવનગરની સામે કારમું વેર ચાલુ હતું છતાં સત્ય ભાખ્યું : ફડચો ભાવનગરનાં લાભમાં ગયો. એ પ્રસંગના ગુલતાનમાં બહારવટિયાને તેડાવવામાં આવ્યો હતો, અને તે વખતે આ ઘટના બની હતી. કવિશ્રી એમ કહે છે કે જોગીદાસે તે વખતે જમૈયો ખેંચી પોતાની આંખો ફોડી નાખવા તૈયારી કરી હતી. આગલી આવૃત્તિઓમાં એ વર્ણવ્યું હતું, પણ વધુ વિચાર કરતાં એવું વર્તન અત્યુક્તિભર્યું લાગતાં કાઢી નાખ્યું છે.
શ્રી ધીરસિંહજી ગોહિલ લખી જણાવે છે :
જ્યારે ઠાકોર અને જોગીદાસ કસુંબો લેવા ભેળા થઈને તંબૂ બહાર બેઠા હતા, ત્યારે ઓચિંતો એક સાપ નીકળ્યો. બધા એ સાપને દેખી ભાગ્યા. ફક્ત જોગીદાસ બેઠા રહ્યા. સાપ જોગીદાસ તરફ ચાલ્યો.
ઠાકોર કહે, “જોગીદાસ, ભાગો!”
બહારવટિયો કહે, “ના, મહારાજ! આપ દેખો તેમ મારે સાપોલિયાથી ડરીને તગ! તગ! ભાગવું ન પરવડે!”
પલોંઠી ઠાંસીને બહારવટિયો બેસી રહ્યો. સાપ એના શરીર પર ચડ્યો. માથા ઉપર ફેણ લઈ ગયો. પછી ઊતરીને ચાલ્યો ગયો. જોગીદાસ જેમ-ના તેમ બેઠા રહ્યા.