zoom in zoom out toggle zoom 

< સોરઠી બહારવટિયા ભાગ-2

સોરઠી બહારવટિયા ભાગ-2/બાદશાહની ચોકી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
બાદશાહની ચોકી

ભાદરવા મહિનાની મેઘલી રાતે અમદાવાદના મહેલને ઝરૂખે પાદશાહ અને હુરમ જાગતાં બેઠાં છે, નદીમાં પૂર ઘૂઘવે છે, આસમાનમાં ગાજવીજ અને કડાકા થાય છે. વીજળીએ એવી તો ઘૂમાઘૂમ માંડી છે કે જાણે આકાશની જગ્યા એને ઓછી પડે છે. ધીરે રહીને હુરમ બોલી : “ઓહોહોહો, કેવી કાળી ઘોર રાત છે!”

પાદશાહે કહ્યું, “આવી રાતે કોણ ઘરની બહાર ભમતું હશે?”

“બીજું તે કોણ ભમતું હોય? બિચારા મારા ભાઈઓ જેને માથે તમ સરખા સૂબાનું વેર તોળાઈ રહ્યું છે!”

“જેસોજી-વેજોજી ને?”

“હા ખાવંદ! તમારા તો બા’રવટિયા, પણ મારા તો જીભના માનેલા સાચા ભાઈઓ.”

“બેગમ, અટાણે મને એનું શૂરાતન સમજાય છે. આવી ભયંકર રાતે શું એ વગડો વીંધતા હશે? બખોલોમાં સૂતા હશે?”

“બીજું શું કરે, ખાવંદ! તમે એને સૂવાનું બીજું ઠેકાણું ક્યાં રહેવા દીધું છે?”

“હુરમ, અટાણે એ બેય ભાઈ હાજર થાય તો માફી આપું! ગામડાં પાછાં સોંપીને બહારવટું પાર પાડું, એવું મન થઈ જાય છે.”

“અરેરે! અટાણે એ આંહીં ક્યાંથી હોય?”

“સાદ તો કરો!”

“અરે ખાવંદ, મશ્કરી?”

“ના, ના. મારા સમ, સાદ તો કરો!”

ઝરૂખાની બારીએ જઈને રાણીએ અંધારામાં સાદ દીધો : “જેસાજી ભાઈ, વેજાજી ભાઈ!”

નીચેથી જવાબ આવ્યો, “બોલો બોન! હાજર છીએ.”

“ઓહોહો! ભાઈ, અટાણે તમે અહીં ક્યાંથી?”

“પાદશાહની રખેવાળી કરવા, બોન!”

“પાદશાહની — તમારા શત્રુની — રખેવાળી?”

“હા, બોન?”

“કેમ?”

“અમારે માથે આળ ચડે તે બીકે.”

“શેનું આળ!”

“તે દી બોનને પાદશા કાપડામાં દીધેલો છે. બીજો કોઈ દુશ્મન આવીને માથું વાઢે, તો અમારાં નામ લેવાય! અમે રહ્યા બહારવટિયા! અમારી મથરાવટી જ મેલી, બોન! અમારા માથે જ કાળી ટીલી આવે. અમારું ખોટું નામ લેવાય એ કેમ સંખાય?”

“વીરાઓ! રોજ ચોકી કરો છો?”

“ના, બોન! આવી કોઈ ભયંકર રાત હોય તે ટાણે જ.”

પાદશાહ બોલ્યા, “જેસાજી-વેજાજી! સવારે કચેરીએ આવજો. આપણે કસુંબા પીવા છે.”

“પાદશાહ સલામત! તમારો પરદેશીનો ભરોસો નહિ. રાજમાંથી કોઈને હામી થાવા મોકલજો : કાલે, બોરિયાને ગાળે.”

એટલું કહીને બહારવટિયા ચાલી નીકળ્યા. [1]



  1. કોઈ કહે છે કે જવાબ આપનાર બહારવટિયા નહોતા. પણ માંગડા વાળાનું પ્રેત હતું. (જુઓ ‘ભૂત રૂવે ભેંકાર’ : સૌરાષ્ટ્રની રસધાર’.