સોરઠી બહારવટિયા ભાગ-2/મહાપાપ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
મહાપાપ

એક દિવસે જોગી લપસ્યો હતો : આજે બહારવટિયો ખરચીખૂટ થઈ ગયો છે. સાથીઓને ખાવા દેવા માટે દાણા નથી. અર્ધો વાલ પણ સોનું મળે તો તે લઈ લેવા માટે એ સનાળીના કાઠી રાઠોડ ધાધલને સાથે લઈને સીમમાં ભટકે છે. એના ત્રાસનો માર્યો કોઈ કણબી સાંતી જોડી શકતો નથી. સીમ ઉજ્જડ પડી છે. ઉનાળો ધખે છે. ત્યાં વીજપડી નામના ગામની સીમમાં ચાલતાં ચાલતાં એના ચકોર ભેરુબંધે નજર નોંધીને જોયું. “શું જોછ, રાઠોડ ધાધલ?” “પણે એક કણબી સાંઠીયું સૂડે છે, જોગીદાસ, એને જીવતો જાવા ન દેવાય, હો!” ઘડીક જોગીદાસનું દિલ પાછું હઠ્યું. “રાઠોડ ધાધલ, ઘણીયું હત્યાયું કરી, હવે તો કાયર થઈ ગયો છું. એને ખેડવા દે હવે.” “અરે પણ એના કાનમાં કાંઈક સોનું હશે. લઈ લઈએ!” “હા, ઈ ઠીક સંભાર્યું, હાલો.” બન્ને અસવારોએ મારગને કાંઠે ઘોડીઓ ચડાવી અને પાધરી ખેતરમાં હાંકી. ઘોડીઓ ઢૂકડી આવી ને જેવા એ ખેડૂતે આઠ ડાબલાની પડઘી સાંભળી, તેવો એ કોદાળી ખભે નાખીને ભાગ્યો. ભાગતાંની વાર તો રાઠોડ ધાધલે બરછી ઉગામી, ઘોડી દોટાવીને પડકારો કર્યો કે “યાં ને યાં ઊભો રહી જાજે, જુવાન! નીકર હમણાં પરોવી લીધો જાણજે!” ભયભીત કણબીએ પાછું વળીને જોયું. બરછી ચમકતી દીઠી. બહારવટિયાઓની નિશાનબાજીને એ જાણતો હતો. ભાગે તો જીવનો ઉગારો નથી એમ સમજી થંભી ગયો. હાથમાંથી કોદાળી પડી ગઈ. એણે હાથ જોડ્યા, બૂમ પાડી કે “એ બાપા! તમારી ગૌ! મને મારશો મા!” “એલા કેમ અમારાં ખેતર ખેડછ? અમારા રોટલા આંચકીને શું તારો ઠાકોર પોતાની કોઠીયું ભરશે? બોલ, નીકર વીંધી નાખું છું,” જોગીદાસે ધમકી દીધી. “ભૂલ થઈ, બાપા! અટાણ લગી મને કોઈએ કનડ્યો નો’તો તે ભૂલ થઈ. હવે મને મેલી દ્યો. ફરી વાર તમારું બા’રવટું પાર પડ્યા મોર્ય હું આ દશ્યમાં ડગલું જ નહિ દઉં.” “ખા ઠાકરના સમ!” “ઠાકરના સમ!” “ઠીક, અને આ કાનમાં કોકરવાં ને ફૂલિયાં ક્યાંથી પે’ર્યાં છે? અમે રોટલા વિના રઝળીએ ને તમે સંધા અમારી જમીનુંના કસ કાઢીને સોને મઢ્યા ફરશો? કાઢી દે ઝટ, અમારે બે-ત્રણ દીની રાબ થાશે, કાઢ્ય.” “કાઢ્ય સટ, નીકર હમણાં આ કાકી છૂટી જાણજે,” એવો રાઠોડ ધાધલનો અવાજ આવ્યો. કણબી જુવાન એ અવાજ દેનારની સામે જુએ તો રાઠોડ ધાધલના હાથની આંગળીઓ પર ચકર ચકર ફરતી બરછી ભાળી. ફડકીને બીજી બાજુ જુએ તો જોગીદાસને ડોળા તાણતો ઊભેલ દીઠો. જાણે કાળનાં બે જડબાં ફાટેલાં હતાં, વચ્ચોવચ પોતે ઊભો હતો. જરાયે આનાકાની કરે તો જીવ નીકળી જવાની વાર નહોતી. “એ બાપા!” આડા હાથ દઈને એ બોલ્યો : “મને મારશો મા! હું કાઢી દઉં.” અઢાર વર્ષનો દૂધમલિયો કણબી : મહેનતુ, ભોળુડો અને ભગવાનથી ડરીને ચાલનારો ખેડૂત : જેના અરીસા જેવા પારદર્શક મોઢા ઉપર ચોખ્ખું લાલ ચણોઠી જેવું લોહી ઉછાળા મારી રહ્યું છે. જેને અર્ધ માથે કપાળ ઝગારા મારે છે : એવો આભકપાળો જુવાન : કડિયા ને ચોરણીની કોરી નકોર જોડી : કડિયાને છાતીએ કરચલિયાળી ઝાલર અને કસોનાં ઝૂમખાં : પકતી ચોરણીની નાડીએ એક દોથો પચરંગી ઊનનાં ઝૂમખાં ઝૂલે છે : પગમાં નવી મોજડીઓ પહેરી છે : માથાની લાંબી ચોટલીમાંથી બે ઘાટી લટો બેય ખભા ઉપર ઢળી છે : એવો, કાળી ભમ્મર ને સાફ બે આંખોવાળો રૂપાળો કણબી જુવાન ‘એ બાપા મારશો મા!’ કહીને પોતાના કાનમાં પહેરેલ પીળા હળદર જેવા રંગના સાચા સોળવલા સોનાની ચાર ચીજો કાઢવા લાગ્યો; ફક્ત ચાર જ ચીજો : બે કોકરવાં ને બે ફૂલિયાં કાઢતો જાય છે, રાઠોડ ધાધલની બરછી માથા ઉપર તોળાઈ રહી હોવાથી હાંફળોફાંફળો થાય છે. કોકરવાં ઝટ ઝટ નીકળી શકતાં નથી. કાઢી કાઢીને જોગીદાસે પાથરેલી પછેડીની ખોઈમાં નાખતો જાય છે. બહારવટિયા કોઈ આવી જવાની બીકમાં ‘કાઢ્ય ઝટ!’ એવો ડારો દે છે, જવાબમાં ‘મારશો મા, બાપા કાઢું છું!’ કહી કણબી કોકરવાં કાઢે છે. એમ છેલ્લું કોકરવું નીકળી રહેવા આવ્યું છે, છૂટા પડવાની હવે વાર નથી. તે વખતે “મારશો મા! એને મારશો મા! એ બાપા, મારશો મા!” એવી આઘેરી રાડ સંભળાણી. બહારવટિયાના કાન ચમક્યા, આંખો એ અવાજની દિશામાં મંડાણી. જોયું તો એક ભતવારી ચાલી આવે છે. માથા પર કાંસાની તાંસળી, રોટલાની પોટકી ને છાસની નાની દોણી માંડી છે. તાંસળી અને દોણી ચમકતાં આવે છે. પાસે આવી. પંદર વર્ષની જુવાનડી પૂરેપૂરી વરતાણી. માથે ભાતિયાળ ચૂંદડી : ભરતમાં ઢંકાઈ ગયેલ કાપડનાં અને પે’રણનાં આભલાં ઝગમગીને જાણે પ્રકાશની જાળી પાથરે છે : ડોકમાં દાણિયું ને ઝરમર : હાથમાં ચાર ચાર તસુની હેમની ચીપો મઢેલ બલોયાં, ગુજરી ને ઠૈયા : પગમાં કડલાં ને કાંબી : આંગળીએ અણવટ ને વીંછિયા : કપાળે દામણી : આંખડીમાં કાજળ : સેંથે હીંગળો પૂરેલો : એવી ફૂલગુલાબી મોંવાળી, ચાર ભેંસોની છાસ ફેરવનાર, ધીંગા હાથવાળી રૂપાળી કણબણ આવી. આવનારીના હૈયામાં શ્વાસ માતો નથી. “એ બાપુ! મારશો મા! એને મારશો મા.” “કોણ છે ઈ!” બહારવટિયાએ હાકલ દીધી. “બાપા! આ મારો વર થાય છે. હજી હમણાં જ હું આણું વળીને આવું છું. એને મારશો મા! અમારી જોડલી ખંડશો મા! કહો તો આ મારો એકોએક દાગીનો ઉતારી દઉં.” “કાઢ્ય, સટ કાઢ્ય!”કહીને જોગીદાસ બાઈ તરફ ફર્યો. એની સામે ખોઈ ધરી. બહારવટિયો પોતાનું બિરદ ચૂકી ગયો. સ્ત્રીને શરીરેથી કાંઈ ન ઉતરાવાય એ વાતનું ઓસાણ આ સૂંડલો-એક દાગીના દેખીને જોગીદાસને ન રહ્યું. એનું દિલ ચળી ગયું. એને ભાન જ ન રહ્યું કે પોતાને જોગી થઈને રહેવું છે. કણબણ પોતાની કાયાને અડવી કરવા લાગી. ટપોટપ ટપોટપ દાગીના જોગીદાસની ખોઈમાં પડવા લાગ્યા. ને છતાંય રાઠોડ ધાધલની ચકર ચકર ફરતી બરછી જુવાનની છાતી સામે તોળાઈ રહી છે. જુવાનની આંખો ઘડીક પોતાની સ્ત્રી તરફ ડોળા ફેરવતી જાય છે ને ઘડીક પેલી બરછી તરફ જોતી જાય છે. ઘરેણાં કાઢતી કાઢતી કણબણ ફોસલાવી રહી છે કે “બાપુ એને હવે મારશો મા, હો! હું તમને આ તમામ દાગીના ઉતારી દઈશ. અને, બાપુ! તમારે વધુ જોતા હશે તો ઘેર જઈને મારા પટારામાંથી કાઢી લાવીશ. મારા પિયરમાં બહુ સારું છે, ને મને ઘણોય મોટો કરિયાવર કર્યો છે, અને ઈ બધાને મારે શું કરવું છે, બાપુ! મારા…” એટલું વેણ અધૂરું રહ્યું, અને રાઠોડ ધાધલના હાથમાંથી બરછી છૂટી. કેમ કરતાં છૂટી? રાઠોડ ધાધલને પણ એ વાતની સરત ન રહી. બરછી છૂટી જુવાનની પહોળી, લોહીછલકતી છાતીમાં પડી. આરપાર નીકળી. જુવાન ધરતી પર પટકાઈ ગયો, બેય બાજુએ લોહીની ધારો મંડાણી. તરફડ! તરફડ! કણબી તરફડવા લાગ્યો. “અરરર!” જોગીદાસના મોંમાંથી અરેરાટી નીકળી ગઈ. એની ખોઈ હાથમાંથી વછૂટી પડી. જમીન પર દાગીનાનો ઢગલો થયો. ફાટી આંખે બેય જણા જોઈ રહ્યા. કણબણની બે કાળી કાળી આંખો તાકી રહી. જાણે હમણાં ડોળા નીકળી પડશે! એનું આખું અંગ કંપી ઊઠ્યું, મરતો જુવાન એની સામે મીટ માંડી રહ્યો છે. બાઈએ ધણીની કોદાળી ઉપાડી ધડૂસ ધડૂસ પોતાના માથા પર ઝીંકવા માંડ્યું. માથામાંથી લોહીના રેગાડા છૂટ્યા. મોવાળાની લટો ભીંજાણી. મોઢું રંગાઈ ગયું. “કેર કર્યો! કાળો ગજબ કર્યો! રાઠોડ! કમતિયા! કાળમુખા! કેર કર્યો!” જોગીદાસ પોકારી ઊઠ્યો. “કેર કર્યો! અરરર!” રાઠોડના મોંમાંથી પડઘો નીકળ્યો. “રાઠોડ! તારું આવું જ મૉત થાજો! તુંને ટીપું પાણી ન મળજો!” જોગીદાસે શાપ ઉચ્ચાર્યો. ને આંહીં ધડૂસકારા વધ્યા. ન જોઈ શકાય તેવો દેખાવ થઈ રહ્યો. બન્ને બહારવટિયા ભાગી છૂટ્યા. નોખા પડીને નાસી ગયા. ઊભા ન રહેવાયું. રાઠોડ ધાધલનું ભારી બૂરું મૉત થયું . અને જોગીદાસના વંશનું સત્યાનાશ નીકળી ગયું.