સોરઠી બહારવટિયા ભાગ-2/વણારશી શેઠ
જેસાના મારેલ જોય, હોદા કેક ખાલી હુવા,
રેઢિયું બીબીયું રોય, કેક હુંદી કવટાઉત!
[કેટલાયે અમીરોને જેસાએ મારી નાખ્યા. તેથી કેટલીયે હાથીની અંબાડીઓ ખાલી પડી. કેટલાયે મુસલમાનોની બીબીઓ રોતી રહી.]
જેસાના જખમેલ, જ્યાં ત્યાં ખબરું જાય,
(ત્યાં તો) મામદના હૈયામાંય, કૂદે હરણાં કવટાઉત!
[જેસાજીને હાથે અમુક માણસો જખ્મી થયા, એવી ચોમેરથી ખબરો આવે છે. એ સાંભળીને મામદશા પાદશાહના હૈયામાં હરણાં કૂદી રહ્યાં હોય એવી વ્યાકુળતા ચાલે છે.] ફર બગતર નર ફાડ્ય, પાખર અસ વીંધી પ્રથી, નડિયું સેંસ લલાટ, કૂંટ તાહળું કવટાઉત! [ઓ કવાટજીના કુંવર! તારાં ભાલાં કેવાં જોરથી ભોંકાયાં? યવન યોદ્ધાઓનાં મસ્તક પર ઝીંકાતા એ ભાલાએ માથાના ટોપ વીંધ્યા, બખ્તર વીધ્યાં, પુરુષ વીંધ્યો, ઘોડાનું પલાણ વીધ્યું ને જાણે કે ધરતી વીંધીને એ ભાલો શેષનાગના લલાટ પર અટક્યો.] મારી દળ મામદ તણા, ખુટવીઆ ખાગે, જેસા લોબાન જે, કીધો મોંઘો કવટાઉત! [ઓ જેસાજી! તેં પાદશાહના સૈન્યમાંથી એટલા બધા મુસલમાનો મારી નાખ્યા છે કે એ બધાંની કબર પર રોજ ધૂપ કરવાના લોબાનની માંગ વધી પડવાથી લોબાન મોંઘો થઈ પડ્યો છે.] “વણારશી શેઠ! થોડીક વાર આ ડગલો પહેરી લ્યો. આજ તમે અમારા મેમાન છો. તમને ટાઢ્યું નો વાય, માટે આ ડગલો પેરી લ્યો.” જંગલમાં બાન પકડાયેલા, જૂનાગઢવાળા વણારશી શેઠે કડકડતી ટાઢમાં બહારવટિયાનો ડગલો પહેર્યો; થોડી વાર થઈ ત્યાં શેઠનું સુંવાળું શરીર સળવળવા લાગ્યું. ગુલાબી ચામડી ઉપર ચાઠાં ઊઠ્યાં. શેઠ ડગલો કાઢવા લાગ્યા. પણ તુર્ત જ બહારવટિયાએ એને અટકાવ્યા : “ના શેઠ, ડગલો એમ ન કઢાય. એ તો હવે જ્યારે તમારી ચિઠ્ઠી જૂનેગઢ શેઠાણી પાસે સીકરાઈને આવશે ને, ત્યારે ડગલો તમારા ડિલ માથેથી ઊતરશે.” “ભાઈ સાહેબ! પણ આમાં મારું શરીર વીંધાઈ જાય છે. રૂંવે રૂંવે આગ હાલી છે.” “શેઠ, અમે ડગલામાં કાંઈ એરુ-વીંછી થોડા ભર્યા હશે!” “પણ બાપુ! એ જેસાજી બાપુ! મને વેદના બહુ થાય છે.” “અરે વાણિયા! એમાં બીજું કાંઈ નથી, અમારા ટોલા છે, અમારા ચાંચડ-માંકડ છે, ભાઈ! અમે તો રોજ આ ડગલા પેરીએં છીએ. પણ ટોલા બાપડા હવે તો અમારા ડિલમાં લોહી વિના શું પીવે? આજ ટોલાને ઠીક તમારું મીઠું લોહી મળ્યું! શેઠિયા માણસનું ગળ્યું લોહી બાપડા આ બહારવટિયાના ટોલાને ક્યાંથી મળે?” “એ બાપા! આ તો ગઝબ! નથી રે’વાતું.” “ફકર રાખો મા, શેઠ! શેર-અધશેર લોહીમાં કાંઈ મરી નહિ જાવ. તમને અમારે બરછીએ નથી વીંધવા. તમને વાણિયાને અમે વાઢીએ-કાપીએ નહિ. નાહક લોહી ભાળીને તમને ઉનત્ય આવે. ઈ કરતાં આ ટોલા ભલા. તમનેય પુણ્ય થાય ને મારેય એક દી પાશેર લોહીનો બચાવ થાય.” “પણ મારાથી આ નથી સહેવાતું. મને મોકળો રહેવા દ્યો. તમે રાખશો એટલા દી આંહીં રહીશ.” “ભાઈ વેજા!” જેસો બોલ્યો, “શેઠને હવે સંતાપ મા. ઉતારી લે ડગલો.” ડગલો ઉતારતાં જ વાણિયાએ ‘હાશ’ ઉચ્ચાર્યું. શરીર પર જિવાત્યના ચટકાનું ચિતરામણ થઈ ગયું છે. “વણારશી શેઠ,” બહારવટિયો બોલ્યો, “આ ડગલો અમે રોજ પહેરીએ છીએ. અમારા દુઃખનો કાંઈ ખ્યાલ આવે છે?” “શા સારુ ટોલા સાચવો છો, બાપુ!” “તમારા ઓલા ધોળાં પીળાં લૂગડાંવાળા સાધુ શા સારુ ટોલા સાચવે છે, જાણતા નથી?” “એનાથી તો જીવ ન મરાય. એ તો સાધુ કહેવાય. જીવદયા પાળવાનાં એનાં વ્રત લેખાય.” “ત્યારે, શેઠ, અમારેય બહારવટાનાં વ્રત હોય છે. અમે બહારવટિયા પણ અરધા જતિ. અમારાથી અંગ માથેથી જીવાત્ય ન મરાય. નીચી પડી જાયને, તોય ઉપાડીને પાછી લૂગડામાં મેલવી જોવે. નવાય નહિ, ધોવાય નહિ, આજ અઢાર-વીસ વરસથી અમારા આવા હાલ છે.” ડાહ્યો વણિક વિચારે ચડી ગયો. થોડી વાર રહીને મોં મલકાવી બોલ્યો, “બાપુ, જૂ-લીખને જાળવો છો ત્યારે વેપારી-વાણિયાને બાન પકડી નાણાં કાં છોડાવો? આટલી બધી હત્યા કાં કરો! ખેડુનાં ખેતર કાં ઉજ્જડ કરો? એમાં દયા કેમ નહિ?” “ના, તમ પર દયા ન હોય. શેની હોય? તમારાં તો માથાં વાઢીને ગીરને ગાળે ગાળે એનાં તોરણ બાંધવાં જોવે.” “કાં બાપુ!” શેઠની રોમરાઈ થથરી ઊઠી. “કાં પૂછો છો? લાજતા નથી? જે પાદશાહ અમારે માથે માછલાં ધોવે, એને તમે સલામું કરો? એને કરવેરો ભરો? એ અધરમીને ખેડૂતો કામી કામીને ખોરાકી પૂરે! એનું રાજ તમે આંહીં નભાવો! એક તો પરદેશી ને વળી અધરમી! તમે એના કૂતરા બનીને પગ ચાટો, અમારા માથે જુલમ ગુજારવાની બધી જોગવાઈ કરી આપો, તોય અમારે તમને જાવા દેવા એમ ને?” બહારવટિયાને બોલે બોલે જાણે ગીરના ડુંગર સાદ પુરાવી રહ્યા છે. પંખીડાં ઝાડવાં ઉપર બેઠાં બેઠાં અંગ સંકોડીને લપાઈ ગયાં. બહારવટિયો ફરી બોલ્યો : “તમથી તો આ ટોલા ને ચાંચડ-માંકડ ભલા! પાદશાહને પૈસાય નથી દેતા ને સલામુંય નથી ભરતા. અમારાં ડિલ ઉપર એને ઈશ્વરે અવતાર દીધો, એટલે બાપડાં ક્યાં જાય? પાશેર લોહી પીને પડ્યાં રહે છે. એને અમે કેમ મારીએ? મારીએ તો તમને જ.” વાતો થાય છે ત્યાં ઓચિંતો રથ ગાજ્યો. રાતોચોળ માફો દેખાણો. ભાલો ઉપાડીને ઠેક દેતો પંચકેશવાળો સાવજ વેજોજી ડુંગરાની ટોચે ગયો. “મોટાભાઈ!” વેજાએ કહ્યું, “એક બાઈ માણસ ઊતર્યું દેખાય છે. હારે પાંચ આદમી દેખાય છે.” “હથિયારબંધ?” “ના, માથા ઉપર અક્કેક કોથળી મેલી છે. મજૂર જેવા હાલ્યા આવે છે.” “વેજા! બાપ સામો જા. જે કોઈ બોન હોય એને આંહીં સાચવીને તેડી લાવ. વગડામાં જનાવરનો ભો છે.” થોડી વારે વેજોજી એક બાઈને અને પાંચય કોથળીવાળા મજૂરોને તેડી ભોંયરે આવ્યો. બાઈને જોતાં જ વણારશી શેઠની મુખમુદ્રા, દિવેલ પૂરતાં જેમ ઠાકરની આરતી ઝળેળી ઊઠે તેમ, ચમકી ઊઠી. આવનાર સ્ત્રીએ નીચું નિહાળીને સાડલાનો છેડો સરખો કર્યો. બહારવટિયા સમજી ગયા. પાંચેય થેલી બહારવટિયાની સન્મુખ મુકાવીને એ સ્ત્રી આગળ વધી. ગરવી, ગોરી, પેટે અવતાર લેવાનું મન થાય તેવી એ બાઈએ જાજરમાન અવાજે પૂછ્યું, “ભાઈ, તમે જ જેસાજી-વેજાજી?” “હા બાઈ! અમે પોતે જ.” “લ્યો, તમારાં દુખણાં લઉં.” આગળ વધીને બેય બહારવટિયાનાં નીચાં નમેલ માથાંને વાણિયણે વારણાં લીધાં. “તમે કોણ છો, બા?” બહારવટિયાએ પૂછ્યું. “હું તમારી બોન છું, વીરા. ને તમે આ તમારા કેદીને જે દંડ કર્યો છે, એ દંડની કોરીઓ લઈને ચૂકવવા આવી છું.” બહારવટિયા અજાયબ બન્યા. “આ શેઠ તમારે શું થાય, બોન?” “મારા માથાના મુગટ. તમે એને જીવતા રાખ્યા એથી હું તમારાં ઘરવાળાને આશિષ દઉં છું કે ઈશ્વર એના ચૂડા અખંડ રાખે.” “અખંડ ચૂડા!” બહારવટિયા હસી પડ્યા, “બાર વરસથી તો બોન, રજપૂતાણીયુંના ચૂડા વગર ખંડેય ખંડેલા જ છે. હવે આ અખંડ ચૂડાના કોડ રજપૂતાણીયુંને નહિ રહ્યા હોય.” સાંભળીને સહુ અબોલ બની ગયા. જેસોજી બોલ્યો, “બોન! હવે તમે આ ડુંગરામાંથી પધારો. વણારશી શેઠ! હવે તમે છૂટા છો. આ થેલિયું પણ પાછી લઈ જાઓ.” “કેમ બાપુ?” “અમારી બોનને કાપડામાં પાછી આપીએ છીએ.” બાઈ બોલી, “ના બાપુ! તમે રાખો. તમારે જોવે.” “અમારે નહિ જોવે, બોન! અમારે રૂપાના ખૂમચામાં નથી જમવું પડતું. અમારે પાદશાહને પકવાન પીરસીને ક્યાં જમાડવો છે? તમે પાછું લઈ જાવ. અમારે તો તારી એક કોરી અગરાજ છે, બોન!” વણારશીએ બહારવટિયાના પગની રજ લીધી. હાથ જોડીને કહ્યું, “બાપુ! છું તો વાણિયો. સ્વાર્થમાં બૂડંબૂડાં છું. પણ તમારા બહારવટાનો અંત આણવા માટે મારાથી બનશે એટલું કરીશ.” “ભાઈ! વીરા!” શેઠાણી બોલી, “જૂનેગઢ આવો ત્યારે બોનની સાર લેજો, હો! અને સાત પાદશાની પાદશાહી વચ્ચે પણ મારું ખોરડું માના પેટ સમું માનજો. તમે મને નવો અવતાર દીધો છે. કયે ભવ ઈ કરજ ઉતારીશ?” “રંગ છે તુંને, બોન!