સોરઠી બહારવટિયા ભાગ-2/સ્મશાનમાં
લોળાગળ લાંકાળ, ગૃંજછ તું મોદળને ગઢે,
(ત્યાં તો) સિંગળદીપ સોંઢાળ, કંપવા લાગે કવટાઉત!
[હે પાતળી કમરવાળા, માંસના લોચા ગળનારા સાવજ! કવાટજીના પુત્ર જેસાજી! તું જ્યારે જૂનાગઢને કિલ્લે જઈને ગર્જના કરે છે, ત્યારે પાદશાહરૂપી સૂંઢાળો ગજરાજ કંપવા લાગે છે.]
“કોઈ અન્નપાણીનું ક્ષુધાર્થી! કોઈ ભૂખ્યું હોય તો આવી જાજો, ભાઈ! પે’લો ભાગ તમારો.”
મધરાતે મસાણમાં બેઠેલા માણસે આ પ્રમાણે સાદ પાડ્યો અને એ નિર્જન ભૂમિ એના ઘેરા અવાજથી કાંપી ઊઠી. નવરાતના દિવસો ચાલે છે.
અવાજ દેનાર આદમી રજપૂત છે. પડખે ઢાલ, તરવાર ને ભાલો પડ્યાં છે. સામે એક તાજું મડદું બળ્યું હોય તેવી ચિતા સળગે છે. ચિતામાં ભડકા નથી રહ્યા, પણ લાકડાનાં મોટાં ખોડસાંનો દેવતા ચારેય બાજુ લાલ ચટક ઝાંય પાડતો, તા ન ઝિલાય તેવો આકરો, કોઈ અગ્નિકુંડ જેવો, સળગી રહ્યો છે. રજપૂતનાં ત્રણેય હથિયાર એ તેજમાં ચમકે છે. અને મસાણમાં પ્રેત બેઠું હોય તેવો દેખાતો એ ગરાસિયો આગમાં એક ધીંગો ઘેટો શેકે છે.
શેકીને એણે હાથમાં જમૈયો લીધો, ઘેટાના ભડથામાંથી કટકો કાપ્યો અને ઊંચે જોઈ હાકલ દીધી કે “કોઈ અન્નપાણીનું ક્ષુધાર્થી! કોઈ ઉપવાસી!”
હાકલ પૂરી થાતાં જ પાછળથી રજપૂતના ખંભા ઉપર થઈને એક હાથ નીકળ્યો. પંજો પહોળો કરીને એ હાથ જાણે કે જમવાનું માગે છે. કોઈ બોલતું નથી. રજપૂત ચિતા સામે મોં રાખીને બોલ્યો, “આ લ્યો ભા! તમારે તો મોઢું દેખાડવામાંય લાજ આવતી હશે! ઠીક! મારે મોઢું જોઈને કરવું છે ય શું!”
રજપૂતને પાછળ નજર ન કરવાની તો પ્રતિજ્ઞા છે. વાંસેથી આવીને કોણ હાથ લંબાવે છે એ જાણવાની એને જરૂર નથી. કોઈ ક્ષુધાર્થી હશે એટલું જ જાણવું બસ હતું. માંસનો પહેલો ટુકડો એણે એ ગેબી હાથની હથેળીમાં મૂકી દીધો, એ લઈને હાથ પાછો ચાલ્યો ગયો.
બીજું બટકું કાપીને જ્યાં રજપૂત પોતાના મોંમાં મેલવા જાય છે, ત્યાં ફરી વાર એ જ હાથ ફરી લાંબો થયો ને હથેળી ધરી.
“વળી પાછો લોભ લાગ્યો? ઠીક! લ્યો! ભાગો!”
બીજો ટુકડો પણ રજપૂતે એ હથેળીમાં ધર્યો. લઈને હાથ પાછો ખેંચાઈ ગયો. ત્રીજો ટુકડો : ચોથો ટુકડો : પાંચમો : છઠ્ઠો.
વારંવાર હાથ લાંબો થતો જ ગયો, ને રજપૂત એને બટકાં આપતો ગયો. એમ કરતાં આખો ઘેટો ખલાસ થયો તોયે હાથ તો ફરી વાર નીકળ્યો.
“રંગ છે તમને, ભા! પત્ય લેવી છે? લ્યો ત્યારે!”
રજપૂત કળી ગયો. જમૈયો પોતાના શરીર પર મેલ્યો, ઝરડ દઈને એણે પિંડી કાપી. કાપીને લોહીનીતરતી એ હાથમાં મેલી; ને જ્યાં બીજી પિંડી વધેરવા જાય છે ત્યાં ‘મા! મા!’ એવો માકાર થયો. કોણી સુધી હેમની ચૂડીઓ ખળકાવતો કંકુવરણો હાથ બહાર નીકળ્યો અને રજપૂતનું જમણું કાડું ઝાલી લીધું. રજપૂતે હાકલ કરી : “કોણ છો તું?”
“બાપ! હું શક્તિ!” એમ કહેતાં દેવી સન્મુખ પધાર્યાં.
“કાં માડી! કાંડું કાં ઝાલો?”
“બાપ! હવે હાઉં! ધરાઈ રહી.”
“રજપૂતનું પણ લેવું’તું, મા?”
“પણ નો’તું લેવું, કસોટી લેવી’તી. લે બોલ, તું કોણ છો, બાપ?”
“માડી, હું બહારવટિયો છું. સારું માણસ તો આંહીં ક્યાંથી બેઠું હોય?”
“નામ?”
“જેસો.”
“સાખે?”
“સરવૈયો.”
“એકલે પંડ્યે છો?”
“ના, કાકાનો દીકરો વેજો જોડ્યમાં છે. અને દાદા ગંગદાસ ગુરુપદે બેઠા છે.”
“કોની સામે ખેડો છો?”
“બાદશાહ સામે. જૂનાગઢ ને અમદાવાદ, બેયની સામે.”
“શી બાબત?”
“અમારાં 450 ગામ જૂનાગઢે આંચકી લીધાં છે.”
“બાળબચ્ચાં?”
“જગદમ્બા જાણે. એની સામું જોવામાં અમારો ધર્મ નથી. સાંભળ્યું છે કે નટના પંખામાં છૂપે વેશે રઝળે છે. જાણ થાય તો પાદશાહ છોકરાઉંની હત્યા કરે.”
“કેટલુંક થયાં નીકળ્યા છો?”
“કાંઈ સાંભરતું નથી. દાદાને કાળા મોવાળા હતા તે ધોળા થઈ ગયા છે.”
“બા’રવટે પાદશાહને પોગાશે, બચ્ચા?”
“સારાં ઘોડાં મળે તો પોગાય, માડી! અમદાવાદ સુધીનો મુલક ધમરોળી નાખીએ.”
“જેસાજી! ઘોડાં કાર નહિ કરે. આ ગરના ડુંગરા અને ઊંડી નદીયુંમાં ઘોડાં ભાંગી જાશે. જાવ, બાપ! સોમત નદીને કાંઠે તમને બે રોઝડાં મળશે : માથે પલાણીને હાંક્યા કરજો. નદીયું આવશે ત્યાં ઠેકી જાશે ને ડુંગરાના ગાળા ટપી જાશે. પહાડોમાં હડિયાપાટી કરશે. જેસાજી! તેં મને તારું અંગ અર્પણ કર્યું, તો મારું વરદાન સમજજે કે સતધરમ નહિ ચૂકો ત્યાં સુધી તમારો ધજાગરો હેમખેમ રે’શે.”
એમ કહીને શક્તિ અલોપ થઈ ગયાં.