સોરઠી બહારવટિયા ભાગ-3/3. રામ વાળો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
3. રામ વાળો

અન્યાય થતો હોય તો ત્યાં આડો પડતો. પારકા કજિયા ઉછીના લેતો. ઝાઝું બોલ્યા વિના છાનોમાનો સળગ્યા કરતો. ત્રણેક ચોપડી માંડ ભણ્યો હશે, ત્યાં એક દિવસ બીજા નિશાળિયા ઉપર અન્યાય થયો ભાળીને ન સહેવાયાથી રામ માસ્તરને સ્લેટ મારી ઘેર ચાલ્યો આવ્યો. એકના એક દીકરાને આવો રઝળુ, ઓટી વાળેલ નીવડ્યો જોઈ બાપ લમણાં કૂટતો. બાપનું નામ કાળો વાળો. લલાટે હાથ દઈને બાપ બોલતો કે “રામ દીકરા! આ ગરાસ ગાયકવાડ સરકારે અટકાયતમાં લીધો. આપણી વીઘેવીઘો જમીન વહી ગઈ. પટેલ આપણો ઓલ્યા ભવનો વેરી જાગ્યો, તે એકેય વાત સરેડે ચડવા દેતો જ નથી. એમાં તને કોણ રોટલો ખાવા દેશે?” રામ બાપના બળાપા સાંભળતો, પણ બોલતો નહિ. એકલો પડે ત્યારે કોઈ ચોપડીમાં વાંચેલી થોડીક કવિતાની લીટીઓનું રટણ કર્યા કરતો. એક તો હતો આ દોહરો :

જનની, જણ તો ભક્ત જન, કાં દાતા કાં શૂર,
નહિ તો રે’જે વાંઝણી, મત ગુમાવીશ નૂર.

એ લીટીઓ એને મંત્ર જેવી હતી. એ લીટી બોલતો કે તુર્ત એની મા રાઠોડબાઈ એની નજર સામે તરવરી રહેતાં. પોતે જાણે કે એ દોહાની સાથે પોતાની માના ગુણની રેખાઓ મીંડવ્યા કરતો અને પછી પોતાના જીવતર ઉપર આંખ ફેરવી જતો. બીજી રટતો એક ગઝલની ત્રણ ટૂક :

બનીને મર્દ જે પૂરો, ધસીને સન્મુખે શૂરો,
હઠાવ્યા દુશ્મનોને ના, જીવ્યું ધિક્કાર તેનું છે.
કંઈ ના નામના કીધી, પ્રદેશે કીર્તિ ના લીધી,
નહિ ક્યાંયે તું વખણાણો, જીવ્યું ધિક્કાર તેનું છે.
બને તે સહાય આપીને, પરાયાં કષ્ટ કાપીને,
કરી ના અન્યની સેવા, જીવ્યું ધિક્કાર તેનું છે.

આ એની એક વહાલી કવિતા હતી. હાલતાં ને ચાલતાં એ રટ કરતો અને અબોલ રહ્યો રહ્યો અંદરથી ઊકળ્યા કરતો.

*

“કાઠિયાણી! આપણે માથે માછલાં ધોવાય છે.” કાળો વાળો પોતાનાં દુઃખ ઘરની ડાહી ઘરનાર પાસે ગાવા બેસતો અને જોગમાયાના અવતાર જેવી આ રાઠોડબાઈ અડીખમ બનીને પોતાના પહોળા હૈયામાં એ આપદા સંઘરતી હતી. “કાઠિયાણી! રૂપિયા ચૌદસો રોકડા ફાંટમાં બાંધીને કરેણ વાળા પાસેથી આપણી જમીન છોડાવવા ગયો, પણ એને તો હજી ચોમાસાની નીપજ ખાવી’તી. પાડાના કાંધ જેવી મારી જમીન પાછી દેવાની એની દાનત ક્યાં હતી? ત્યાં જઈ અમે ધીંગાણે આવ્યા, કોરટમાં લેવાણા, ફાંટમાં હતા તે ચૌદસોય રૂપિયા વકીલ-અમલદારુમાં ચવાઈ ગયા. ફેંસલો ઘણોય મારા લાભમાં ઊતર્યો, પણ જમીન છોડાવું કેમ કરીને? વળી, બીજી જમીન હતી તે ગરમલીવાળાને માંડીને બાવીસસો રૂપિયા ઉપાડી કરેણ વાળા પાસેથી છોડાવી. પણ મને શી ખબર કે પરહદ વાળા પાસેથી જમીન પાછી લઈ લેવાનો કાયદો ગાયકવાડ સરકારે ઓચિંતો વાંસેથી ઘડ્યો હશે!” “તમને પટેલે નો’તું કહ્યું?” “મને પોગાડવા સારુ ધારીથી પટેલ માથે નોટિસ તો આવેલી, પણ એણે એ કાગળિયો દબાવી રાખ્યો. દસ વરસ સુધી બોલ્યાચાલ્યા વિના દંડ ચડાવ્યે રાખ્યો. આજ એ દંડની રકમ એક હજાર રૂપિયા ઉપર પોગી ત્યારે હવે એ કાળમુખો મોંમાંથી ફાટ્યો. હું દંડ શી રીતે ભરું? ગરમલી વાળાની બાવીસસો રૂપિયા ચૂકવ્યા વગર જમીન શી રીતે પાછી લઉં? ને ન પાછી લઉં ત્યાં સુધી સરકારી દંડ તો ચડ્યે જ જાય છે!” “તે હવે ડોસા પટેલનું ધ્યાન શું પડે છે?” કાઠિયાણી રાતીચોળ બની રહી હતી. “ધ્યાન શું પડવું’તું? એણે તો મને કહી દીધું છે કે એક વીઘોય જો ખાવા દઉં તો હું ડોસો કુંભાર નહિ.” “કારણ? આપણે એનું શું બગાડ્યું છે?” “કાઠિયાણી, તમે ઇ દુરજનને નથી ઓળખતાં. ગાયકવાડનો ગામપટેલ એટલે જ કાળો નાગ. શું કરું…” કાળા વાળાની આંખો ફાટી રહી. આટલી વાત થાય છે ત્યાં સરકારી પસાયતો આવીને ઊભો રહ્યો. અવાજ દીધો, “આપા કાળા વાળા! હાલો ઉતારે. પટેલ બોલાવે છે.” “કાંઈ કાગળિયો છે ધારીથી?” ધ્રૂજતે પગે કાળા વાળાએ પૂછ્યું. “હા, આપા, તમારો તમામ ગરાસ સરકારે પોતાની જપ્તીમાં લઈ લીધો છે. હવે તમે જ્યારે રૂ. બાવીસસો અને દંડના રૂ. એક હજાર ચૂકવશો ત્યારે ગરાસ છૂટશે.” “બધો ગરાસ જપ્તીમાં?” “હા, બધો.” કાળો વાળો કાઠી ઉતારે ચાલ્યો ગયો અને ઘરના બીજા ઓરડામાંથી રામ ગાતો ગાતો બહાર નીકળ્યો કે —

બનીને મર્દ જે પૂરો, ધસીને સન્મુખે શૂરો,
હઠાવ્યા દુશ્મનોને ના, જીવ્યું ધિક્કાર તેનું છે.

“સાચી વાત, રામ!” મા રાઠોડબાઈએ ટોણો માર્યો, “જીવ્યું ધિક્કાર તેનું છે. સાંભળીને તારા બાપની વાત, બાપ રામ!” “સાંભળી, મા.” “ને આ બધું તું બેઠ્યે કે?” રામ ગાવા લાગ્યો : “જીવ્યું ધિક્કાર તેનું છે!”

*

કાળા વાળાનો દેહ છૂટી ગયાને વરસ વળોટ થઈ ગયું છે. રાઠોડબાઈ હવે એકલાં પડી ગયાં. પેટગુજારાની મૂંઝવણ ધીરે ધીરે કળાવા લાગી. ગરાસ જપ્તીમાં ગયો. રામ રઝળુ થયો. અને ગામનો ડોસો પટેલ સરકારમાં હજુયે શાં શાં કાગળિયાં નહિ કરતો હોય એ કોને ખબર! રામના ઉધામાં માને સમજાતા નથી. કોઈ કોઈ વાર રાત પડી જાય, રામ ઘેર આવ્યો ન હોય, હાથમાં લાકડી લઈને આઈ પાદરમાં રામને ગોતે, સીમમાં જઈ “એ બાપ રામ! માડી રામ! ઘેર હાલ્ય! એવા સાદ પાડે. રામ ક્યાંક ઊંડા મનસૂબા ઘડતો ઘડતો પડ્યો હોય, ત્યાંથી ઊઠીને મા ભેળો ઘેર જાય. વાળુ કરાવતાં આઈ પૂછે કે “બેટા! તું મને કહે તો ખરો! તારા મનમાં શું છે? તેં આ શું ધાર્યું છે? આ મારાં લૂગડાંલત્તાં સામું તો જો! હું કાઠીની દીકરી ઊઠીને કેવી રીતે મજૂરીએ જાઉં?” આઈની મોટી મોટી બે આંખોમાં છલકાતાં આંસુડાં રામ જોઈ રહેતો અને પછી જાણે કાંઈ ખબર જ ન હોય તેમ ગાવા માંડતો કે — …જીવ્યું ધિક્કાર તેનું છે! આઈએ થાકીને વાઘણિયા ગામે પોતાના ભાઈ રામ સ્વામીને સંદેશો પહોંચાડ્યો કે ‘સ્વામીને કહેજો, એક આંટો આવીને બહેનની સંભાળ લઈ જાય.’ થોડે દિવસે રામના મામા આવીને હાજર થયા. અસલ નામ તો રામ ધાધલ, પણ સંસાર છોડીને પરમહંસ દશામાં રહેતા હોવાથી રામસ્વામી નામે ઓળખાતા. અવસ્થા વરસ પચાસેકની હશે. બહેન-ભાઈ બેય એક જ ખમીરનાં હતાં. આઈ પણ જીવતરમાં આકરાં વ્રત-નીમ કરનારાં : એક નીમ તો રોજ સૂરજનાં દર્શન કર્યા પછી જ આહાર-પાણી લેવાનું. એમાં એક વાર ચોમાસાની હેલી બેઠી. ઘનઘોર વાદળમાં સૂરજ દેખાય નહિ, ને દેખ્યા વગર રાઠોડબાઈને અન્ન નામ ખપે નહિ. એક દિવસ, બે દિવસ, એમ એકવીસ દિવસ સૂરજ દેખાણો નહોતો ને આઈએ એકવીસ અપવાસ ખેંચ્યા હતા. એવી બહેનના સંસારત્યાગી ભાઈ રામ સ્વામી પણ જ્ઞાનની લહેરમાં ઊતરી ગયા હતા. સંસારની ગાંઠો એને રહી નહોતી. પણ એણે બહેનનાં કલ્પાંત સાંભળ્યાં ને ભાણેજનાં ઉધામાં દીઠાં. આઈએ ભાઈને છાનામાનાં કહ્યું કે “આ છોકરો ક્યાંઈક કટકા થઈને ઊડી જશે. એનું દલ દનિયામાં જંપતું નથી.” રામ સ્વામીએ ભાણેજને પોતાના હાથમાં લીધો. આખો દિવસ મામો-ભાણેજ બેય ખેતરમાં જઈ હાથોહાથ ખેડનું કામ સંભાળે અને રાતે મામા રામાયણ, ગીતા વગેરેના ઉપદેશ સંભળાવે. રામ છેટો બેસીને સાંભળ્યા કરે. મામા એને એકધ્યાન થઈને બેઠેલો દેખી સમજે કે રામ ગળે છે અને સંસારના ઉદ્યમમાં એનું ચિત્ત ચોંટતું આવે છે. પણ મામા ભૂલતા હતા : રામ તો એ ધર્મના ચોપડામાંથી પણ ઊલટો જ ઉપદેશ તારવતો હતો : રામાયણ અને ગીતામાંથી એના કાન તો વીરતાના, વેરાગના, મરવા-મારવાના જ સૂર સાંભળી રહ્યા હતાં.

*

ડોસો પટેલ એટલે વાવડીનો ગાયકવાડ. જાતનો કુંભાર, પણ ઘેર જમીનનો બહોળો વહીવટ રાખે. ગાયકવાડનો મુખી પટેલ એટલે તો ઘેર દોમદોમ સાયબી અને અપરંપાર સત્તા. એ સત્તાએ વાવડીના પટેલ ડોસાને બહેકાવી નાખ્યો હતો. સરકારમાં એની હજાર જાતની ખટપટો ચાલતી જ હોય. અમલદારોને ડોસો કુલકુલાં કરાવતો, એટલે ડોસાનો બોલ ધર્મરાજાના બોલ જેવો લેખાતો અને કેટકેટલાના નિસાસા આ ડોસાના માથા ઉપર ભેળા થયા હતા! ડોસો ગરીબ દાડિયાને દાડી ન ચૂકવે ને પરહદમાં મજૂરી કરવા જવા માટે પોતાની રજાચિઠ્ઠી લેવા આવનારાં પાસેથી પાવલું-પાવલું લાંચ પડાવે. અરે, ડોસાએ તો કુટુંબીઓનેય ક્યાં છોડ્યાં હતાં? સગાની જમીનોની ફારમ ડોસો પોતે જ છાનોમાનો ભર્યે જતો અને એમ પાંચ-સાત વરસની ફારમ ચડાવીને પછી સગાં જ્યારે સામટી ફારમ ભરી ન શકે ત્યારે જમીન પોતાની કરી સગાંને બાવા બનાવતો. કેવો હૈયાવિહોણો! પોતાના સગા દીકરા શવજીએ અફીણ ખાધું. પોતાને ને દીકરાને મનમેળ નહોતો તેટલા સાટુ એણે અફીણ ઉતારવા જ કોઈને નહોતું આપ્યું. દીકરા શવજીનું એણે એ રીતે કમૉત કરાવ્યું હતું. એ શવજી રામનો ભેરુબંધ હતો. એક દિવસ સવારને ટાણે ડોસા પટેલના આવા ધમરોળ ચાલી રહ્યા છે. કેટલાં કેટલાં દાદ લેવા આવનારાં ગરીબોને ડોસો ગાળો આપે છે, ન કહેવાનાં વેણ કહે છે. એમાં એક બાઈ ઉપર ડોસો તૂટી પડ્યો. ફાટતે મોંએ એણે એ બાઈને ધમકાવી કે “રાંડ! ડાકણ! ગામ આખાનાં છોકરાંના મંતરજંતર કરવા જા અને મારું છોકરું ભરાઈ ગયું ત્યારે કેમ ન આવી?” ધોળાં લૂગડાં પહેરીને ગરીબડે મોઢે એક જોગણ જેવી લાગતી બાઈ ઊભી હતી. એણે જવાબ દીધો, “ડોસાભાઈ! મને ભેખને આવાં વેણ? વિચાર કરો, બાપ! હું નથુરામજી જેવા સાધુપુરુષનું છોરું. હું રાધાબાઈ. મારે માથે આ વીજળી કાં પડે?” “ત્યારે કેમ નહોતી મરી?” “બાપુ, મારું મન નહોતું વધ્યું, મને ભવિષ્ય માઠું કળાતું’તું આવરદાની દોરી સાંધવાની મારી સત્તા થોડી હતી, ભાઈ?” “તું — ડાકણ! તું જ મારા બાળકને ભરખી ગઈ.” એટલું બોલી ડોસો ઊઠ્યો. થાંભલીઓની વચ્ચે રાધાબાઈ સાધ્વીને એણે પરોણે મારી. મીણ જેવા દેહવાળી રાધાબાઈ માર ન સહેવાયાથી ઢગલો થઈને નીચે ઢળી પડી. ડોસાની સામે દૃષ્ટિ ઠેરવીને એણે કહ્યું : “ડોસા પટેલ, એ બે થાંભલી વચાળે જ તારું કમૉત થાશે. તે દિવસ સંભારજે.” એમ કહીને એણે ચારેય કોર નજર ફેરવી. આઘે ઊભેલા એક જુવાન ઉપર એની મીટ ઠરી. એ જુવાન રામ હતો. રામના મનમાં રટણ ચાલવા લાગ્યું કે ‘જીવ્યું ધિક્કાર તેનું છે’. રામ જાણે કે પોતાની નોંધપોથીમાં હિસાબ લખ્યે જતો હતો. ડોસો રામ તરફ વળ્યો, “કેમ આવવું થયું છે, આપા રામ?” “ડોસા કાકા! મારું આખુંય ખળું જપ્તીમાં શીદ જમા કરો છો? મારે ખાવું શું?” “તમારા બાપના એ પરતાપ છે, આપા રામ!” પટેલ બોલ્યો. “ડોસાકાકા, મારા બાપને હવે શીદ સંભારો છો? મને જ જવાબ આપો ને કે મારું આખું ખળું શીદ જપ્તી ખાતે જમા કરો છો? મારે ખાવું શું?” “ખાઓ ચોરીલૂંટીને! બાપદાદાનો ધંધો છે. તમારે શી લાજશરમ?” “ચોરી? લૂંટ? પરસેવો પાડીને નહિ ખાવા દ્યો તો પછી ચોરીલૂંટે જ મન ચડશે ને, ડોસા પટેલ!” “હા, ઝટ કરો, એટલે સરકારની તુરંગના સોનાંસાંકળાં તૈયાર છે તમારા સારુ, આપા રામ! જાઓ, કરો કંકુના.” ડોસાની ઓસરીએથી ઊતરીને રામ પાછો વળ્યો અને ઘેર પહોંચ્યો તેટલી વારમાં એને કંઈક વિચારો આવી ગયા : આ મારો બાપુકો મૂળ ગરાસ : એના ઉપર જપ્તી બેઠી : હું લોહીપાણી એક કરીને પામ્યો : તોય ખળામાંથી ખાવા પૂરતું ન રહેવા દીધું : હું ગરાસિયો, બીજી મજૂરી કરવા ક્યાં જાઉં? મારી રંડવાળ માને શું ખવરાવું? આ બધું કરનાર કોણ? વાવડીનો પટેલ : વાવડીનો રણીધણી : વાવડીનો ગાયકવાડ : ગામેગામના પટેલો ગાયકવાડીનાં જ જૂજવાં રૂપ. આવાં અસત અને કૂડ ઉપર ચાલતા અમલમાં પિલાવા કરતાં તરવાર ધબેડીને ચોડેધાડે ખાવાનો જૂનો સમો શું ખોટો? સાચાખોટા કંઈક વિચારો રામને હૈયે રમી ગયા. ડોસો એની નજરમાં જડાઈ ગયો. ખેડ મેલીને રામ પાછો રઝળવા માંડ્યો. એક ડોસાને પાપે એને અનોખી ગાયકવાડી ખટકી. એનું માથું ફરી ગયું. એમાં એણે દાઝે ભરાઈને ગામના એક સરધારા કુંભારને માર્યો. મુકદ્દમો ચાલ્યો ને રામને ત્રણ મહિનાની ટીપ પડી. ધારીની તુરંગમાં રામને પૂરવામાં આવ્યો. ત્યાં પલટનના સિપાહીઓમાંથી એક પહેરેગીર સાથે એને હેત બંધાણું. એ પહેરેગીર રામની છૂપી ખાતરબરદાસ કરતો હતો. રાતે કે દિવસે જ્યારે બેય ભેગા થાય ત્યારે બેય છૂપી વાતો કરતા હતા. રામે તો ત્યાંથી જ પોતાની વેતરણ આદરી દીધી હતી. આ પહેરેગીર કોણ હતો? ગોંડળ તાબે અમરાપર ગામનો કાઠી. નામ ગોલણ વાળો. ગોંડળની હદમાં એક ખૂન કરીને ગોલણ આંહીં નોકરીમાં પેસી ગયો હતો. રામને એણે કહી દીધું કે “મારે બા’રા નીકળી જાવાનું મન છે, જરૂર પડે તો તેડાવજો!” ત્રણ મહિને છૂટીને રામ બેવડો દાઝભર્યો બહાર આવ્યો.

*

“રામને કે’જો, હું થોડા દીની મે’માન છું. એક વાર આવીને મને મળી જાય.” આઈ રાઠોડબાઈનો આ સંદેશો રામને જૂનાગઢમાં મળ્યો. ગોલણે ધારીથી રાજીનામું દઈને જૂનાગઢમાં ઉપરકોટની નોકરી લીધેલી. ત્યાં એનો તેડાવ્યો રામ સંતલસ કરવા ગયો હતો. આઈનો મંદવાડ સાંભળીને અંતરના ઊંડાણમાં કંઈક હરખાતો અને કંઈક દુનિયાની હેતપ્રીતને લીધે દુઃખ પામતો રામ, ગોલણને ભેળો લઈ વાવડી આવ્યો. આઈની પથારી પાસે બેસીને દીકરો દિવસરાત ચાકરી કરવા લાગ્યો. આઈ રાઠોડબાઈનું જાજરમાન શરીર હવે ફરી વાર ઊભું થાય તેમ નહોતું રહ્યું. દીવો ધીમે ધીમે ઝાંખો પડતો હતો. અસલી જુગની કાઠિયાણીનો સાચો ચિતાર આપતાં રાઠોડબાઈ સંસારનાં અનેક વિષ વલોવી વલોવી પી જઈ, પચાવી, અબોલ જીભે, ગામતરે જાતાં હોય તેમ ચાલ્યાં ગયાં. માતાના પિંજરને ભસ્મ કરી રામ વાળો પણ મનમાં મોકળાશ અનુભવવા લાગ્યો. એની બે બહેનો બાબરિયાવાડમાં પરણાવેલી તે પણ આવી પહોંચી. અને સંસારનું છેલ્લું એક કરજ ચુકાવવાનું — આઈનું કારજ કરવાનું — બાકી રહ્યું. તેની વેતરણ કરવામાં રામ લાગી પડ્યો. “ભાઈ ગોલણ!” રામ ચાર-પાંચ દિવસે તપાસ કરીને બોલ્યો, “તારી જરૂર પડશે. ઘરમાં વાલની વાળીયે ડોસા પટેલને પ્રતાપે રહી નથી. પણ આપણે કોઈ બચારાં બાપડાંને નથી કનડવાં. મારવો તો મીર મારવો છે.” “છે કોઈ?” “હા, આખી ગીરની વસ્તીને ઠોલી ખાનારો તાંતણિયાવાળો મકનજી ઠક્કર : ઘીના ડબા ભરીને અમરેલી વેચવા જાય છે. આજ સાંજે આંબીએ.” તે દિવસે સાંજે ચલાળાની સીમમાં ધોળાકૂવા પાસે બેય જણાએ મકનજી ઠક્કરનું ગાડું રોક્યું. ગીરનાં અજ્ઞાન ભોળાં માલધારીઓનું ચૂસેલું લોહી મકનજીના અંગ ઉપર છલકી રહ્યું હતું. મકનજીની પાંચ મણની કાયામાંથી પરસેવાના રેગાડા ચાલ્યા. રામ વાળો ઝાઝી પંચાતમાં ન પડ્યો. તરવાર ખેંચીને એટલું જ કહ્યું કે “જીવતા જાવું હોય તો દોઢસો રૂપિયા રોકડા અને એક ઘીનો ડબ્બો કાઢી દે. મારી આઈનું કારજ કરવું છે.” મકનજી ઠક્કરે આ હુકમ ઉઠાવવામાં બહુ જ થોડી વાર લગાડી. એને તો હૈયે હામ હતી કે જીવતા હશું તો દોઢસો રૂપિયા આઠ દીમાં જ ગીરમાંથી દોહી લેવાશે. ગીર દૂઝે છે ત્યાં સુધી લુવાણા ખોજાને વાંધો નથી. ગાડું હાંકીને મકનજી અમરેલીને માર્ગે પડ્યો ને રામ ગોલણે વાવડીનો કેડો લીધો. બેય પક્ષ પોતપોતાના મનમાં ખાટ્યા હતા.

*

“બેન માકબાઈ! આંહીં આવ.” “કેમ, રામભાઈ?” “લાખુબાઈ બેન ક્યાં? એને બોલાવીને બેય જણિયું આંહીં આવો. મારે કામ છે.” બેય બહેનો ઓરડામાં આવી. મા જેવી માના વિજોગનાં આંસુ હજુ બેય બહેનોની આંખમાંથી સુકાણાં નહોતાં. ભાઈના મનસૂબાના ભણકારા પણ બેયને હૈયે બોલી ગયા હતા. ભાઈ શું કરી રહ્યો છે તેની ગમ પડતી નથી. ત્યાં તો આજ બેય બહેનોએ ઓરડામાં શું જોયું? ઘરની તમામ ઘરવખરીના બે સરખા ઢગલા ખડકીને વચ્ચે ભાઈ ઉઘાડે માથે બેઠો છે. ઘરની ભીંતો ઉપરથી ચાકળા-ચંદરવા, ઘરનાં ગોદડાં-ગાભા, ખૂણે ખૂણે પડેલી નાનીમોટી જણસો, જે કાંઈ હતું તે તમામ ઉસરડીને ભાઈએ ઢગલા કરેલા છે : બેય ઢગલાને સરખા વહેંચવાનું ધ્યાન એટલે સુધી પહોંચાડ્યું છે કે એકમાં તાવીથો, તો બીજામાં કડછી મૂક્યાં છે. ભીંતમાંથી ખીંટીઓ પણ ઉતારીને ઢગલામાં ભાગે પડતી વહેંચી નાખી છે. એની વચ્ચે વિખરાયાં ઓડિયાંવાળો કરડો, કુમળો, કેરીની ફાડ જેવી મોટી રૂપાળી, પણ રાતીચોળ આંખોવાળો, સાત ખોટનો એક જ ભાઈ બેઠો છે. એકબીજી સાથે સંકોડાઈને ઊભેલી બેય બહેનોને ભાઈએ કહ્યું, “બેય જણિયું અક્કેક ઢગલો ઉપાડીને ભરી લ્યો ગાંસડિયું.” બહેનોથી બોલી ન શકાયું. થંભીને બેય જણીઓ ઊભી થઈ રહી. “ઝટ ઉપાડી લ્યો,” રામે ફરી વાર કહ્યું. જાણે કે ગળાની અંદર સંસારની તમામ મીઠપને ભરડી નાખવા રામ મહેનત કરી રહ્યો છે. નાનેરી બહેન લાખુબાઈનો સાદ તો નીકળી જ ન શક્યો. મોટેરી માકબાઈએ નીતરતે આંસુડે આટલું જ કહ્યું કે “ભાઈ! બાપા! આમ શીદ કરી રહ્યો છો? અમારી દશ્ય જ સંચોડી દેવાઈ જાય છે, રામભાઈ!” “તમારે અટાણે રોવાનું નથી. આ લઈ લ્યો છો કે ગામમાંથી બામણોને બોલાવું?” ટાઢોબોળ રહીને રામ બોલ્યો. મલીરના પાલવ આડે આંસુડાંની ધારો છુપાવતી બહેનોએ ભાઈની બીકે છાનું છાનું રોતાં રોતાં બેય ઢગલાની ગાંસડીઓ બાંધી લીધી. ઘરમાં કાંઈ જ ન રહ્યું. જે ઘરને આંગણે ત્રણ ભાંડરડાં બાળાપણની રમતો રમ્યાં હતાં, તે ઘર આજે મુસાફરખાનું બની ગયું. ખાલી ઘરમાં રામ આનંદથી આંટા દેવા લાગ્યો. સીમમાં જેટલી જમીન બાકી હતી તે શેલ નદી વચ્ચે આવેલા બુઢ્ઢાનાથ મહાદેવની જગ્યામાં અર્પણ કરી દીધી. પછી એણે ગાડું જોડ્યું. બેય બહેનોને ગાડે બેસારી બાબરિયાવાડમાં એને સાસરે મૂકી આવ્યો : માકબાઈને કાતરે પહોંચાડી અને લાખુબાઈને સોખડે. બહેનોના સાસરિયાવાળા વરૂ દાયરાને છેલ્લા રામ રામ કરીને પાછો વળી આવ્યો. છેલ્લી ગાંઠો છૂટી ગઈ. ઘરમાં આવીને એકલો ઘોર આનંદથી બોલી ઊઠ્યો કે “આમાં કાંઈ મારું નથી. આ તો સમશાન છે.”

*

“આ કાતરિયુંવાળા ભણ્યું કમણ છે?” ધારગણી ગામના કાઠી દેશા વાળાના કારજમાં લૌકિકે આવનાર કાઠીનો દાયરો મોટા ફળિયામાં લીમડાને છાંયે બેઠો છે. કસુંબા લેવાય છે. ભરદાયરાની વચ્ચોવચ્ચ બેઠેલા એક અડીખમ બુઢ્ઢા બાબરિયાએ એક પડખે વીરાસન વાળીને વાંકોટડા થઈ અંબાઈ રંગને લૂગડે બેઠેલા બે જુવાનો સામે જોયું અને આંખે નેજવું કરી (આંખો ઉપર હાથની છાજલી કરી), જાણ્યા છતાં અજાણ્યા થઈને અસલી ભાષામાં પૂછ્યું, “આ કાતરિયુંવાળા ભણ્યું કમણ છે?” [“આ કાતરા રાખનારા બહાદુરો કોણ છે?”] “આપા સાવજ ધાંખડા! ઈ બેમાં આ નાનેરા વાવડીવાળા રામભાઈ છે, ને મોટેરા અમરાપરના ગોલણ વાળા છે.” કોઈકે ઓળખાણ કરાવી. “ઠીક! ભણ્યું કાતરિયું રૂડિયું લાગે છે, હો ભાઈ! જુવાનો શૂરવીર કળાતા છે, હો ભાઈ!” દીપડિયા ગામના બાબરિયા સાવજ ધાંખડાનાં આ મર્મવેણ સાંભળીને રામ ને ગોલણ એકબીજા સામે ખસિયાણે મોઢે જોઈ રહ્યા છે, પોતાની ઝીણી ઝીણી ઊગેલી દાઢીને કાતરી કહેવાતી સાંભળીને બેય મનમાં સમસમે છે. રામની આંખમાં લાલપ તરવરવા લાગી. એણે એ બાબરિયા સામે નજર નોંધીને પૂછ્યું : “આપા, વાવડી તો હર વખત આવો છો, છતાં મને ન ઓળખી શક્યા?” “ગઢપણ છે ને, ભા! એટલે ભૂલી ગયો.” “કાંઈ વાંધો નહિ, આપા! કોક દી અમારે વળી કાતરિયુંમાંથી કાતરા થાશે. નકર કાતરિયું તો ખરિયું જ ના?” દાયરો ઊઠ્યો. રામ અને ગોલણ વાવડી તરફ વળ્યા. રસ્તે રામ ફક્ત એટલું જ બોલ્યો કે “ગોલણભાઈ! હવે તો કાતરીના કાતરા કરીને સાવજ ધાંખડાને ફેર મળીએ ત્યારે જ આ મેણાની કળતર ઊતરશે.” “કાતરા થવાની વેળા હાલી આવે છે, રામભાઈ!” ગોલણે ધીરજ દીધી. આ ‘કાતરા-કાતરી’નો મર્મ એ હતો કે અસલના કાળમાં દાઢીના કાતરા તો એ જ જુવાન રખાવી શકતો કે જે અણવાણે પગે ન ચાલે, પગપાળો ગામતરું ન કરે, સાથે આટો ને આવરદા એટલે અફીણ વગેરે અને એકાદ માણસ રાખે, ઘેર રોટલા આપે, દુશ્મનને કદી પીઠ ન બતાવે, પોતાનું નામ અમર કરવા જેવી વીરતા બતાવે. આ લક્ષણો વિનાની દાઢી તે કાતરી કહેવાય. આ રીતે રામને આપા સાવજનો ટોણો ખટકવા લાગ્યો. મૂંગો મૂંગો એ ઘર ભેળો થયો. પછી ગોલણને, કારજે આવેલા કૂબડાવાળા ગોદડ ને નાગ નામના બે ભાઈઓને, તથા ટીંબલાવાળા વીસામણને ભેળા કરી રામ ઘરની અંદર છેલ્લી વારની મસલત કરવા બેઠો. રામે વાત ઉચ્ચારી, “કહો, ભાઈ નાગ, ગોદડ! હું તો ગળોગળ આવી ગયો છું. તમને પણ કૂબડામાં ભૂરો પટેલ સખે બેસવા દ્યે એમ નથી; તો હવે શો સ્વાદ લેવો બાકી રહ્યો છે?” “જેવો તમારો ને ગોલણભાઈનો વિચાર.” ગોલણે કહ્યું, “મેં તો ક્યારની રાખ નાખી છે. રામભાઈએ પણ હવે ભૂંસી લીધી. તમારું મન કહો.” “અમે તૈયાર છીએ. ને વીસામણ, તું?” “હુંય ભેળો.” “ત્યારે ઉપાડો માળા.” દરેકે સંગાથે બહારવટે નીકળી વફાદાર રહેવાના સોગંદ ખાઈ સૂરજની માળા ઉપાડી. અમુક દિવસે અમુક ઠેકાણે મળવાનો સંતલસ કરી સહુ નોખા પડ્યા. સહુ પોતપોતાની તૈયારી કરવા ઘેર ગયા. ઠરાવેલે દિવસે રામ વાવડીથી નીકળ્યો. પ્રથમ ગયો ટીંબલે. વીસામણને કહ્યું, “કાં ભેરુ, હાલો ઊઠો.” “હેં… હેં રામભાઈ!” વીસામણ ગેં ગેં ફેં ફેં થઈ ગયો. ‘આવા કોડણને ભેળો લઈ શું કરવું છે?’ એમ વિચારી રામ ચાલી નીકળ્યો. કૂબડે ગયો. જઈને હાકલ કરી, “નાગ, ગોદડ, ઊઠો. જે બોલો સૂરજદેવળની. પ્રથમ હિંગળાજ પરસી આવીએ.” “પણ ખરચી જોશે ને!” “તો કૂબડા ભાંગીએ.” “આજ ફાગણ સુદ પૂનમ છે. હોળીનાં શુકન લઈ લેશું?” “ક્યાં જાશું? આંહીં તો ઓળખાઈ જાશું.” “રાવણી જાયેં. ત્યાંની હોળી વખાણમાં છે. ઠઠ જામશે. એમાં કોઈ ઓળખશે નહિ. બોકાનિયું ભીડી લેશું.” એજન્સીની હકૂમતના રાવણી ગામને પાદર પૂનમની સાંજે જબ્બર હોળી પ્રગટાઈ છે. કૂંડાળું વળીને માણસની મેદની ઊભી છે. ગામલોકો પોતાનાં નાનાં છોકરાંને તેડી હોળી માતાની ફરતા આંટા મારે છે. પાણીની ધારાવાડી દઈને કંઈક માણસો અંદર નાળિયેર હોમે છે. એમ થોડી વાર થઈ. ભડકા છૂટી ગયા. છાણાંનો આડ લાલચટક પકડી ગયો, અને ઘૂઘરી લેવાનો વખત થયો. ‘ભાઈ, ઘૂઘરી!’ એવા હાકલા કરતા લોકો એકબીજાને ધકેલી આગનો ઢગલો ફોળવા ધસે છે. ત્યાં તો ત્રણ બુકાનીદાર જુવાનો લોકોની ભીડ સોંસરવા ધક્કા મારીને મોખરે નીકળી આવ્યા અને અગ્નિની આકારી ઝાળોને ગણકાર્યા વિના લાકડીએથી ઢગલો ફોળી અંદર ઊંડો ભારેલો ભાલિયો હાથ કર્યો. ભાલિયામાંથી પહેલવહેલી ઘૂઘરી એ ત્રણેને ચાખી. પછી પાછા નીકળી ગયા. સૌ જોઈ રહ્યા, પણ કોઈ ઓળખી શક્યું નહિ. ‘ઇ જણ ક્યાંના? માળા ભારી લોંઠકા!’ એમ થોડીક વાત થઈને ઠરી ગઈ. દુહાગીરો દુહા ફેંકવા લાગ્યા. લોકો દુહાની હલક ઉપર જામી પડ્યા.

*

હુતાશણીના પડવાની રાતે કોઈ હરામખોરો રાવણી ગામના એક લુહાણાને માર મારી એક હજાર રૂપિયા લૂંટી ગયાની વાત ગામોગામ ફૂટી છે અને વાવડીનો ડોસો પટેલ વહેમાઈ ગયો છે કે આ રામ-ગોલણ ક્યાં જઈ આવીને ઘરમાં બેસી ગયા હશે? બિલાડી ઉંદરને ગોતે તેમ ડોસો રામ-ગોલણની ગંધ લેતો રહ્યો. પણ રાવણીની લૂંટ પછી આઠમે દિવસે રામ, ગોલણ, ગોદડ અને નાગ કુંડલેથી ગાડીએ બેઠા. થાન પાસે સૂરજદેવળના થાનક પર પહોંચ્યા. સૂરજદેવળના થાનકે અક્કેક ચોરાસી જમાડી. આઠ દિવસ સુધી કસુંબા કાઢ્યા અને પછી ગાડીએ બેસી કરાંચી ઊતર્યા. ત્યાંની પોલીસે શક ઉપરથી ચારેને અટકાયતમાં લીધા. ધારી ગામના ફોજદારનું ખૂન કરનારા કરણ હાજા અને લખમણ નામે તહોમતદારો હોવાનો પોલીસને વહેમ પડ્યો. એની પાસેના રૂ. સાતસો અટકાયતમાં રાખ્યા. આ ચોરોએ કહ્યું કે “ભાઈ, અમે કરણ હાજા ને લખમણ નથી. અમે તો વાવડીનો રામ, અમરાપરનો ગોલણ, વગેરે કાઠીઓ છીએ ને હિંગળાજ પરસવા જઈએ છીએ.” પોલીસ કહે, “તો તમારો જામીન લાવો.” ‘અહીં પરદેશમાં અમારો કોણ જામીન થાય!’ એમ વિચાર કરતાં રામને પોતાનો ઓળખીતો કાઠી દાનો કાળિયો સાંભર્યો. એને ગોતી પોતાનો જામીન કર્યો. ઉપરાંત, રામે પોલીસને પોતાના વિશેની ખાતરી માટે વાવડી ગામના શેઠિયા પર કાગળ લખવા સરનામું આપ્યું. એમ કરી તેઓ છૂટ્યા. ચારેયને દાના કાળિયાએ જમાડ્યા-જુઠાડ્યા. ચારેય ભગવાં લૂગડાં રંગીને હિંગળાજની જાત્રાએ ચાલી નીકળ્યા. જઈને જાત્રા જુવારી લીધી. ગોલણે કહ્યું, “રામભાઈ, પોલીસે વાવડીમાં પુછાણ કરાવ્યું હશે અને આપણે જાણીએ છીએ કે જવાબમાં આપણાં કેવાં ગીત ગવાણાં હશે. માટે હવે આપણે આંહીંથી જ ભાગી નીકળીએ.” “પણ ભાઈ,” રામે સંભાર્યું, “ઓલ્યો કાળિયો આપણો જામીન થયો છે. એ બિચારો નવાણિયો વચ્ચે કુટાઈ જાય ને! આપણાથી એને દગો કેમ દેવાય?” ચારેય પાછા કરાંચી આવ્યા. કાળિયા કાઠીને મળ્યા. પોતાનું પેટ દઈ દીધું. કાળિયો કહે કે, “ભાઈ, ભાગવું હોય તો ભાગી નીકળો. મારું તો વળી જે થાય તે ખરું.” “ના, ના, ના, ભાઈ!” રામ મક્કમ બન્યો, “ચાલો, આપણે પોલીસમાં જઈ તને જામીનખતમાંથી મોકળો કરી દઈએ.” પાછા પોલીસમાં રજૂ થયા. કાઠિયાવાડથી કશા ખબર ન આવવાથી તેમ જ બીજા કોઈ ગુનાની જાણ નહિ હોવાથી પોલીસે આ ચારેય જાત્રાળુઓને રજા દીધી. રૂપિયા થોડી વાર પછી લઈ જવાનું કહ્યું. ઘેર આવીને રામ કહે, “ભાઈ, રૂપિયા ઘોળ્યા ગયા. હવે આપણે ઝટ આ દાના કાળિયાની ઉપરથી આપણો ઓછાયો આઘો કરીએ.” ઊપડ્યા. કરાંચીથી પાંચમે સ્ટેશને જઈને ગાડીમાં લાગુ થયા. ગાડી ચાલી જાય છે. જોખમ ઊતર્યું જણાય છે. ત્યાં તો આગલે સ્ટેશને પોલીસ આવી પહોંચી. ચારેયને અટકાયતમાં લીધા કારણ કે વાવડીથી ડોસા પટેલનો તાર કરાંચી પોલીસ ઉપર આવ્યો હતો. તારમાં લખ્યું હતું કે “એ ચારેય જણા રાવણી ભાંગ્યાના તહોમતદાર છે. માટે ઝાલજો.” બીજો તાર એજન્સી પોલીસનો હતો : “અમારી ટુકડી કબજો લેવા આવે છે. તહોમતદારોને સોંપી દેજો.” ચારેયને કરાંચી લઈ ગયા. ત્યાંથી તેઓ એજન્સીના બગસરા થાણાવાળી પોલીસ ટુકડીને સુપરત થયા. ફરી ગાડીમાં બેઠા. આખે રસ્તે રામ વાળાએ પોલીસો સાથે એટલી બધી સારાસારી રાખી કે પોલીસ ગાફેલ બન્યા. છેલ્લા દિવસને પરોઢિયે સહુને ઊતરવાનું સ્ટેશન કુંકાવાવ ઢૂકડું આવ્યું. ગાડી ધીરી પડી. રામે પોલીસને ઝોલે ગયેલા દીઠા, એટલે પોલીસની બંદૂક લઈને રામ ગાડી બહાર ઠેક્યો, પાછળ ગોલણ ઠેક્યો. નાગ પણ ઊતર્યો એક ગોદડ રહી ગયો. ખસિયાણી પડેલી પોલીસ ટુકડી ગોદડને લઈ બગસરે ચાલી ગઈ. કાઠિયાવાડમાં દસેય દિશાએ તાર છૂટ્યા.

*

સંવત 1970ના વૈશાખ મહિનાની અજવાળી દશમ હતી. મંગળવાર હતો. ઊજળો, અંગે લઠ્ઠ અને ઊંચા કાઠાનો ડોસો પટેલ તે દિવસ બપોરે વાવડીના થડમાં કણેર ગામે ડેલીનો આગળિયો ઘડાવવા જતો હતો. એના હાથમાં બાવળનો કટકો હતો. બજારે માણસો બેઠેલા. તેમણે સહજ પૂછ્યું કે “ડોસાભાઈ, અટાણે બળબળતે બપોરે શીદ ઊપડ્યા?” “અરે ભાઈ, ઓલ્યા કેસરિયા ઊતર્યા છે ને, તે એની સાટુ માણેકથંભ ઘડાવવા જાઉં છું.” ડોસાએ બાવળનો કટકો ઊંચો કરી બતાવ્યો. ડોસા પટેલની જીભમાંથી ધગધગતો મર્મબોલ વરસ્યો અને બજારે બેઠેલા લોકો મર્મ પામી ગયા. કરાંચીથી રામ-ગોલણની ટોળી પકડાઈને ગાડીમાંથી ભાગી છૂટી હતી અને વાવડી ઉપર ક્યાંઈક તૂટી પડશે એવા ભણકારા ડોસાને બોલતા હતા. તેથી ડેલીના મજબૂત બંદોબસ્ત માટે એ આગળિયો કરાવવા જતો હતો. ડોસાનું વેણ લોકોને તે દિવસ બહુ વહરું લાગ્યું. ડોસો નહોતો જાણતો કે આ મશ્કરીને સાચી પાડનાર કાળ પોતાનાથી ઝાઝો છેટો નહોતો. આગળિયો ઘડાવીને ડોસો પટેલ આવી ગયો. સાંજ પડી. સીમાડેથી ગૌધણ ગામ ભણી વળ્યાં. હજુ ગોધૂલીને વાર હતી. તે વખતે શેલ નદીની ભેખડમાંથી ત્રણ જુવાનો તરવારભર નીકળી પડ્યા. સડેડાટ વાવડી ગામમાં દાખલ થયા. જેમ બજારને નાકે જાય તેમ તો પોતાના દુશ્મન ડોસાના દીકરા માધાને ઊભેલો દીઠો. જુવાન માધો ખોજાની દુકાનેથી નાસ્તો તોળાવતો હતો. એણે ખુલ્લી તરવારે રામને ભાળ્યો. ભાળતાં જ ‘ઓ બાપ!’ કહેતો એ હડી દઈને ભાગ્યો. “ઊભો રે’જે ટપલા!” એવી ત્રાડ પાડીને રામે ઉઘાડી તરવારે વાંસે દોટ દીધી. બરાબર ડેલીમાં રામ આંબી ગયો. માધાને ઠાર મારવાનો તો ઇરાદો નહોતો, પણ ઝનૂને ચડેલા બહારવટિયાએ માધાના અંગ પર તરવારના ટોચા કર્યા. રીડારીડ થઈ અને ડોસો પટેલ બેબાકળો બહાર નીકળ્યો. એણે પોતાનો કાળ દીઠો. ચીસ નાખીને એ ભાગ્યો. રામ એના ફળિયામાં પહોંચ્યો. એક જ પલક — અને ડોસો નાઠાબારીએથી નીકળી જાત. પણ પાછળથી એના ચોરણાનો નેફો ઝાલીને રામે પછાડ્યો. ઝાટકા ઝીંક્યા. પ્રાણ કાઢી નાખ્યા. બરાબર એ જ ઠેકાણે : બરાબર એ જ બે થાંભલીઓની વચ્ચે — જ્યાં ખંભાળિયાની જગ્યાવાળા સંત નથુરામની દીકરી સાધ્વી રાધાબાઈએ ડોસાના પરોણાની પ્રાછટો ખાઈને ડોસાનું કમૉત વાંછેલું. મારીને જુવાન બહારવટિયો કાળભૈરવ-શો ઊભો રહ્યો. દુશ્મનની અલમસ્ત કાયાએ લોહીનાં પાટોડાં ભરી દીધાં હતાં. તેમાંથી એણે લોહીનું તિલક કર્યું. ‘જે સૂરજની!’ બોલતો નીકળી પડ્યો. પાછળ ગોલણ ને નાગ ચાલ્યા. નીકળે એ પહેલાં તો એ બનાવ આખા ગામમાં ફૂટી ગયો હતો. નીકળતાં રસ્તે ફુઇનું ખોરડું આવ્યું. તાજા દોહેલા દૂધનું બોઘરું ઝાલીને ફુઈ ઊભાં થઈ રહ્યાં હતાં. ત્યાં સાદ સંભળાણો, “ફુઈ, નારણ!” “નારણ, બાપ! મારા વિસામા! બહુ ખોટું કર્યું. ગજબ કર્યો, રામ!” રામ કાંઈ ન બોલ્યો. ચાલવા માંડ્યો. ત્યાં ફુઈએ કહ્યું, “થઈ તે તો થઈ, બાપ! પણ હવે છેલ્લી વારનું મારા હાથનું દૂધ પીતો જાઈશ?” “લાવો, ફુઈ!” આખું બોઘરું ઉપાડી લીધું. ઘટક! ઘટક! ઘટક! આખું બોઘરું રામ ને ગોલણ બેય ગટગટાવી ગયા. ફરી વાર ‘ફુઈ, નારણ’ કહ્યું. ફુઈએ દુખણાં લીધાં અને પચીસ વરસનો રામ પોતાના મનોરથને માર્ગે ચાલી નીકળ્યો. તે વેળાએ વાવડીના સીમાડા ઉપર વૈશાખ સુદ દશમનો મંગળવાર ચારેય છેડે આથમતો હતો, વાવડીમાં ગૌધણ પેસતું હતું, અને ભાઈવિહોણી બહેનના જેવો રાગ કાઢીને ઘેટાંનાં બાળ ભરવાડોની ઝોકમાં રોતાં હતાં. “હવે, ગોલણ?” “હવે કૂબડે. ડોસાને ગૂડ્યો તેમ ભૂરાને ગૂડવા.” “બરાબર. હાલો.” ઊપડ્યા. કૂબડે આવ્યા. રાતે ભૂરા પટેલને ગોત્યો, પણ ભૂરો પટેલ ઘેર નહોતો. ભૂરો પટેલ માતબર ખેડુ હતો. પાકો મુસદ્દી હતો, અને ગાયકવાડી મહાલ પંચાયતનો ઉપાધ્યક્ષ હતો. એ બહાદુર નર બંદૂક પણ બાંધી જાણતો. એ વસ્તીને પીડનાર નહોતો. લાગે છે કે ફક્ત નાગ-ગોદડની સાથે એને લેણદેણની તકરારો ચાલતી હશે. તેથી જ આજ નાગ-ગોદડરામને એને માથે લઈ આવેલા. પાછા ચાલ્યા. બહારવટિયા બાવા વાળાનું રહેઠાણ જમીનો ધડો નામે ઓળખાય છે ત્યાં આવ્યા. ત્યાંથી ગીર-જેતલસર બાવા વાળા બહારવટિયાને નેખમે, ત્યાંથી ચાલીને કનડે ડુંગરે : કનડા ઉપર અઠવાડિયું રહ્યા. ગીરમાં આવ્યા. ટોળી બાંધી : રામ, ગોલણ, ગોદડ, નાગ, હરસૂર, તગમડિયો, વાલેરો મકવાણો, રામ ભીંસરિયો ને મવાલીખાં પઠાણ : એમ નવ જણનું જૂથ બંધાણું. બીલખા ગામે જઈ, ત્યાંના એક કાઠી દરબારનો આશરો લઈ, હિંગળાજની જાત્રાનો ભગવો ભેખ ઉતાર્યો. ચોરાસી જમાડી અને કેસરિયાં પહેર્યા. રામ તે દિવસ કાંડે મીંઢળ બાંધી વરરાજા બન્યો અને નવ જણાની જાન જોડી મૉતને માંડવે તોરણ છબવા ચાલી નીકળ્યો. તે દિવસ એની અવસ્થા વરસ પચીસ જેટલી જ હતી.

*

અષાઢ સુદ અગિયારશ હતી અને વાર શુક્રવાર હતો. ગાયકવાડ તાબાના ગોવિંદપરા ગામમાં દીવે વાટ્યો ચડી હતી. ગૌધણ ગામમાં પેસી ગયું હતું. છેલ્લી પાણિયારી પણ બેડું ભરીને વહેતી થઈ હતી. પાણીશેરડે કોઈ રડ્યુંખડ્યું ઢોર અવેડા ઉપર ઊભું હતું. એ વખતે આઠ જણની ફોજ ભેળો રામ ગોવિંદપરાને પાદર આવી ઊભો રહ્યો. ગામમાં પેસતાં પહેલાં રામે કહ્યું, “એલા ભાઈ, ઊભા રહો હારબંધ, હું ગણતરી કરી લઉં.” એમ કહી રામ માણસો ગણવા લાગ્યો : એક બે, ત્રણ… નવ ને દસની સંખ્યા થતાં રામ ચમક્યો, “એલા, આપણે તો નવ છીએ ને?” “રામભાઈ, ફેર ગણો તો?” “એક, બે, ત્રણ, ચાર… નવ ને દસ.” “આમ કેમ?” “ઠીક ઠીક! કાંઈ નહિ. કાંઈ નહિ. હાલો છાનામાના. દસમો સૂરજ. સૂરજ આપણી ભેરે છે.” એમ સમજી-સમજાવીને રામે શ્રીફળ કાઢ્યું. પાદરના હનુમાનની દેરીને ઓટે શ્રીફળ વધેર્યું. ધોળો ફૂલ જેવો ગોટો નીકળ્યો. “હાંઉં! બસ. શુકન પાક્યાં. હાલો હવે.” ગામમાં જઈ રામ એકલો સૂરજના પંજાવાળો લીલો નેજો ઝાલીને ગામની બજારમાં ટહેલવા લાગ્યો અને આઠેય જણાને કહ્યું કે “તમે લૂંટ કરો. પણ આટલી ગાંઠ વાળજો! લૂંટ કરવામાં કોઈ બાઈ બેન દીકરીને અંગે અડશો મા. એના ડિલને માથે હજારુંનો દાગીનો પડ્યો હોય તોય જીવ બગાડશો મા. નીકર રામ ગોળીએ દેશે. બાકી, વિના કારણ કોઈનો જીવ લેશો મા. મારકૂટ કરવામાં મરજાદા ન છાંડજો. નીકર ગાયકવાડીને ડોલાવી શકાશે નહિ અને સૂરજ આપણી ભેળો હાલશે નહિ.” એ બધાં નીમો પળાવવા માટે રામ ચોકી ભરતો ઊભો. ભેરુ લૂંટે ચડ્યા. બે પટેલોને મારી ઘાયલ કર્યા. ચાર હજાર રૂપિયા લઈ ચાલ્યા ગયાનું બોલાય છે. ગામમાંથી નીકળતી વખત સૂરજની જે બોલાવી. તે દિવસ તા. 3-7-1914 હતી. એ જ રાતે ખોડપરું ભાંગ્યું. પછી તો ગામને પાદર પોતાના જણની સંખ્યા ગણી શુકન જોવાની રીત થઈ પડી. દસ ગણાય તો જ હનુમાનને શ્રીફળ વધેરી ગામમાં પેસે, નહિ તો સૂરજની ના સમજી ચાલ્યા જાય. જતાં જતાં ગાયકવાડના મોટા મથક ધારી ગામમાં કે જ્યાં પેદલ પલટન રહે છે ત્યાં એક ચિઠ્ઠી નાખતા ગયા. દિવસ ઊગ્યે ચિઠ્ઠી વંચાણી. અંદર આવી મતલબનું લખ્યું હતું. કે “અમુક અમુક ગામો મેં રામ વાળે જ ભાંગ્યાં છે. બીજા નવાણિયાને નાહક કૂટશો નહિ. ગરાસિયા ઉપર ‘એક આની’ વગેરે નવા નવા કર નાખ્યા છે તે કાઢી નાખજો. નહિ તો રાજબદલો થવો તો કઠણ છે, પણ ધોળે દિવસે ધારીને ચૂંથી નાખીશ. લિ. રામ વાળો.” ગાયકવાડી પોલીસ અને આજુબાજુની એજન્સી પોલીસ ટોળે વળીને રામને ઝાલવા ફરવા લાગી. પણ બહારવટિયો તો રોજેરોજ ગામડાં ભાંગતો ગયો. ધારી અને અમરેલી જેવાં પોલીસ તેમ જ પલટનનાં માતબર મથકો પણ બહારવટિયાથી બી ગયાં. ગામના ગઢના દરવાજા વહેલા વહેલા બંધ થવા લાગ્યા. તેના દુહા જોડાણા :

ધારી અમરેલી ધ્રૂજે, ખાંભા થરથર થાય,
દરવાજા દેવાય, રોંઢે દીએ રામડા!

[હે રામ વાળા! તારા ભયથી ધારી, અમરેલી અને ખાંભા જેવાં મોટાં ગામ થરથરે છે. સાંજ પડતાં પહેલાં તો ગામોના દરવાજા બિડાઈ જાય છે.]

*

ખોડાવડ ગામમાં છગન મા’રાજ નામે એક વટલેલ બ્રાહ્મણ હતો. બહેકી ગયો હતો. ઘરમાં ત્રણ તો કોળણો બેસારી હતી. પૂરાં હથિયાર બાંધીને હરતોફરતો, અને બોલતો કે “રામ વાળો મારા શા હિસાબમાં? આવે તો ફૂંકી દઉં.” એક રાતે છગન ખાટલો ઢાળી ફળિયામાં પડ્યો છે. પડખે જ ભરેલી બંદૂક પડી છે. એમાં ઓચિંતો રામ વાળો આવ્યો. એકલો આવીને ખાટલા પાસે ઊભો રહ્યો. હાકલ કરી કે “ઊઠ, એ વટલેલ! માટી થા!” છગન ઊઠ્યો, બાઘોલા જેવો બની જોવા લાગ્યો. રામે ફરી ત્રાડ દીધી, “લે બંદૂક, હું રામ વાળો!” છગનની જીભ ખિલાઈ ગઈ હતી. એ તો ઠરી જ ગયો. ઝોંટ મારીને રામે તેની બંદૂક આંચકી લીધી. બીજી બાજુ છગનની રખાત કોળણો ઊભી થઈ રહી હતી : તેને રામે કહ્યું, “પગમાંથી કડલાં કાઢી નાખો ઝટ.” કડલાં કઢાવ્યાં. પછી રામે છગનને પૂછ્યું, “બોલ, તુંથી શું બનવાનું છે?” “કાંઈ જ નહિ. હું ભૂલ્યો છું.” “આ લે તારી બંદૂક ને આ તારી કોળણોનાં કડલાં. તું ઊતરી ગયેલ તોય ઓતમ ખોળિયે અવતરેલ છો એમ સમજીને જાવા દઉં છું.” છગનના થરથરતા હાથમાં બંદૂક આપીને બહારવટિયો ચાલ્યો ગયો. જળજીવડી ગામે આવ્યા. પોલીસપટેલને ખોરડે ગયા. ત્યાંનો પોલીસપટેલ ભૂરો ભાગી નીકળ્યો હતો. ઓસરીમાં ઘરની બાઈઓ બેઠી હતી. ઘર લૂંટવું હોય તો તૈયાર હતું. પણ રામ ન રોકાણો. ઓચિંતી ઓસરીની ખીંટીએ એની નજર પડી. એણે કહ્યું, “ભાઈ નાગ, પટલની ઓલી બંદૂક ઉપાડી લે.” ફક્ત બંદૂક લઈને ત્યાંથી નીકળી ગયો.

*

ચકોહરને ડુંગરે, અષાઢ મહિનાને ટાઢે બપોરે, આવો સંતલસ થાય છે : “સો વાતેય મારે તમને ઇંગોરાળાનું ગામતરું કરાવવું, રામભાઈ!” “ઇંગોરાળે તો મારાથી કેમ જવાય, આપા હમીર વાળા? તમારા જ ભાંડુ આલા વાળાને ત્યાંના જૂઠા ઠક્કરે ચાકરીમાં રાખી ચોકી કરવા બેસાર્યો છે. આપણે ઊઠીને એની — કાઠીની — ચોકી ચૂંથશું?” “રામભાઈ! આલા વાળો ત્યાં નથી. અને હું તમને સહુને ધરવી દઉં. એવું ગામ છે ઇંગોરાળા.” “સોનું-રૂપું નથી જોતું, આપા હમીર,” રામ ચળ્યો નહિ. “ખેર, ભાઈ, સોના-રૂપા સાટુ નહિ, પણ જુલમના કરવાવાળા એ જૂઠા ઠક્કર અને મૂળજી ઠક્કરનો અકેકાર રામ ઊઠીને તું નહિ અટકાવ્ય તો બીજું કોણ અટકાવશે? તપાસ્ય તપાસ્ય, ભાઈ! ઇંગોરાળાના એ ઠક્કરોના ચોપડામાં એક વાર આવેલો એકેય કાઠી કે કણબી આ જન્મે કે’દી બા’રો નીકળી શક્યો છે?” રામનો ચહેરો બદલ્યો. ચકોહરને ડુંગરે બેઠે બેઠે રામની આંખ આગળ વ્યાજખાઉ વેપારી તરવર્યો. હમીર વાળાએ લાગ જોઈ આગળ ચલાવ્યું : “અને, ભાઈ, અમારી નાની ધારીના હવાલ તો નિહાળ્ય! જૂઠો અમારો કાળ નીવડ્યો. નાની ધારીને ફોલી ખાધું. એના કૂડ, એના દગા, એની મેલી કળવકળ…” “બસ, આપા હમીર!” રામ વચ્ચે બોલ્યો, “હાલો, ઇંગોરાળું ભાંગવું છે; માયા સાટુ નહિ, વ્યાજખાઉનાં રગત પીવા સાટુ. હાલો, ભાઈઓ.” ચકોહરને ડુંગરેથી આખી ટોળી ઊતરવા લાગી. સાંજ પડતી આવે છે. ભેંસો ઊભાં ખડ ચરે છે. તે વખતે એક જોરાવર જુવાન આડો ફર્યો. રામે પૂછ્યું, “કાં ભાઈ મેરુ, શું ધાર્યું?” “આ ડાંગ ફગાવીને તમારે હાથે તરવાર બાંધી લેવાનું.” “પછી બરડો મલક સાંભરશે નહિ કે? રબારી છો એટલે ગાયુંની માયા લાગશે નહિ કે? આ તો બા’રવટું છે, હો ભાઈ!” “પારખું કરી જોવો. નીકર બંધૂકે દેજો ને!” મેરુ રબારીએ જવાબ દીધો. “ઠીક, હાલો ત્યારે ભેળા.” જે મેરુ રબારીએ આખરે બહારવટિયાની બાતમી દઈ દીધી હતી તે આ ચકોહરને ડુંગરે ભળ્યો. નવ હતા તેના દસ થયા. નાની ધારી ગામનો હમીર વાળો ટોળીને લઈ ઇંગોરાળા ઉપર ચાલ્યો. સાંજની રૂંઊ્યો રડી ગઈ છે. આઘાં આઘાં ગામડાં વચ્ચેની ઉજ્જડ, નેરાં-ખાતરાથી ભરેલી, ‘ખાઉ! ખાઉ!’ કરતી એકાન્તમાં એક ભરજુવાન અને દેખાવડી કુંભારણ ગધેડું હાંકીને હાલી આવે છે. ઓચિંતું એને અસૂર થઈ ગયું છે. કાઠીના મુલકમાં જુવાન બાઈમાણસ કવેળાનું હાલી ન શકે એ પોતે જાણે છે. ગધેડાને ડચકારો કરતાં પણ વગડો વહરે અવાજે ચાંદુડિયાં પાડી રહ્યો છે. એમાં એ કુંભારણે હાદાવાવ ગામને સીમાડે આઠ-દસ લાંબા કાળા પડછાયા દીઠા. થડકી. થોડીક વારે વાતોના સૂર સંભળાણા. બાઈ ગધેડાથી અળગી હાલી રહી હતી, તેને બદલે હવે એને માથે હાથ મેલી હાલવા લાગી. ઘડી થઈ ત્યાં પગલાં બોલ્યાં. આથમતી સાંજનાં અંધારાં-અજવાળાં વચ્ચે અગિયાર અંબાઈ રંગના, બોકાનીદાર, બંધૂકિયા, દાઢિયાળા આદમી દીઠા. ગધેડી ભડકી. બાઈ પણ ગભરાઈને અંગ સંકોડી કેડાને બીજે કાંઠે ઊતરવા લાગી. તે વખતે રામ વાળાએ ટૌકો કર્યો. “બી મા, બી મા. ભાગ્ય મા, બોન! ઇ તો હું રામભાઈ છું. ઊભી રે’, બાપા! હું બેઠે તુંને કોઈની ભૅ નોય.” કુંભારણ અટકી ગઈ. આઘેરું એનું ગધેડુંય કાન માંડીને ઊભું રહ્યું. રામે પૂછ્યું : “ક્યાંની છો, બેન?” “ગઢિયાની.” “જાતે કેવી છો?” “કુંભાર.” “ડોસા પટલની નાતની? ફકર નહિ. તમે બેન્યું તો મારે પૂજવા ઠેકાણું છો. આ લે, બેટા, આ રામનું કાપડું.” ખીસામાં હાથ નાખી મૂઠી ભરી. કુંભારણ બહેનને બહારવટિયાએ કાપડું દીધું. “હાલી જા તું તારે. કોઈ તારું નામ ન લ્યે. કોઈ કનડે તો કહેજે કે રામભાઈની બેન છું.” જુવાનડી અને ગધેડું ગઢિયે ચાલ્યાં ગયાં ને રામની ટોળી બરાબર રાતના દસ ને અગિયાર વચ્ચેની વેળાએ દેદમલ નદીને કાંઠે ઊતરી. અષાઢ સુદ અગિયારસની એ રાત હતી. વાદળાંની ઘટામાં ચાંદો દટાઈ ગયો હતો. દેદમલ નદીને ઊભે કાંઠે ઇંગોરાળા ગામ પાઘડીપને પથરાઈ ગયું છે. નદીને કાંઠે જ ગામના ઝાંપા બહાર સરકારી ઉતારો છે. અંદર દીવો બળે છે. નિયમ મુજબ બહારવટિયામાંથી ચાર જણ ઉતારા ઉપર દોડ્યાં. ઓરડાનાં બીડેલાં કમાડ ઉપર પાટુ મારી સાદ પાડ્યો કે “ઉઘાડો.” “કોણ છે એ બેવકૂફ?” અંદર બેઠેલા એક અમલદારે કંટાળીને પૂછ્યું. “આ ગિસ્તવાળાને તો કાંઈ અક્કલ જ નથી. ત્રાસ કરે છે. પટેલ, કાલે તુમાર કરીને લખો પોલીસખાતા ઉપર.” બોલનાર અમલદાર પોતાના બળાપા પોલીસખાતા ઉપર કાઢતો હતો. આજકાલમાં જ હંગામી ગિસ્ત આવવાની હતી એ ઓસાણ પર જઈ બિચારો મરાઠો તજવીજદાર (વસૂલાતી ખાતાનો અધિકારી) આવું બોલતો હતો. પણ બારણે ઊભેલા બહારવટિયા એ ગાળો પોતાને દેવાતી માની ખિજાયા. જોરથી પાટુ મારી બારણાં તોડ્યાં. અંદર ગયાં. અમલદારની પાસે બેઠેલા પટેલ પસાયતા પાછલી બારીએથી ઠેકીને દેદમલ નદીમાં ઊતરી ગયા. નિર્દોષ શંકરરાવ એકલો રહી ગયો. એને ઝાટકા દઈને બહારવટિયાએ પસાયતાની એક બંદૂક ઉપાડી. બહાર નીકળી ઝાંપે હનુમાનને શ્રીફળ વધેરી ગામમાં ગયા. એક આદમી મળ્યો. માથે ગોદડાંનો ભારો છે. બહારવટિયે પડકાર્યો : “ઊભો રે’, એલા કોણ છો?” “ઈ તો નાનજી કોટવાળ, આ જુઓ ને, ભાઈ, તમારા પાપમાં ઘેર ઘેર જઈ, બાયુંની ગાળ્યું ને છોકરાંના નિસાપા વહોરી તમારા સારુ પાગરણ વેઠે ભેળું કરું છું. તમે તો ગામડાંનો દાટ વાળી નાખ્યો, ભાઈ!” કંટાળેલા કોટવાળે માન્યું કે એ પોલીસ પાર્ટી છે, બહારવટિયા જાણે કે એ અમને ગાળો દે છે. એને થપાટ મારી ચુપ રાખી કહ્યું : “હાલ અમારી ભેળો.” સડેડાટ બહારવટિયા એક શેરીમાં એક મોટી ડેલી ઉપર જઈ ઊભા રહ્યા. એક લાંબો સાદ પાડ્યો, “ઉઘાડજો!” ડેલીના ઊંડાણમાં આઘે આઘે મોટું ફળીયું હતું. બે-ત્રણ નોખનોખી ઓસરીએ ઓરડા હતા, અને ઓસરીમાં જૂઠો ને મૂળજી નામના પચાસ વર્ષ ઉપરની અવસ્થાના બે ઠક્કર ભાઈઓ બેઠા હતા. દુકાન વધાવીને ઘેર આવ્યા પછી રોજની રીત પ્રમાણે જૂઠો ને મૂળજી મસલત કરતા હતા કે કયા કયા કળને કેમ ફાંસલામાં લેવું : કોને ગળે વ્યાજની, દાવાની, જપ્તીની વગેરે જુદી જુદી છરીઓ ફેરવવી : કોનાં ખોરડાં નવાં ચણાય છે અને એમાંથી કયું ખોરડું કેટલે વરસે આપણા થાલમાં આવી શકે તેમ છે! આવું આવું એ લોકોનું રટણ હતું. ડોસાનાં કાવતરાં ઉપર ઉદાસ થતો ભલો દીકરો ચત્રભુજ પણ બેઠો હતો. ફરી વાર અવાજ આવ્યો, “ઉઘાડો!” ચત્રભુજ ઊઠ્યો. ત્યાં તો જૂઠા ડોસા કહે કે “ના, તું નહિ. બા’રવટાંનો સમય છે. ડેલીએ કોણ હોય, કોણ નહિ. હું જાઉં છું.” જૂઠાએ ડેલી ઉઘાડી. પાણીના પૂર શી ટોળી અંદર ઘૂસી. દોડીને ત્રણેય મરદોને દાબી દીધા. તરવારો કાઢીને કહ્યું, “બહુ લોહી પીધાં છે. લાવો, હવે કાઢી આપો.” “ભાઈસા’બ, અમારી પાસે કાંઈ નથી.” વાત સાચી હતી. બધું નગદનાણું કુંડલા ભેળું કરી નાખેલું. પણ બહારવટિયા કેમ માને? મંડ્યા તરવારના ચરકા કરવા : પેટ ઉપર, હાથ ઉપર, મોં ઉપર, પીઠ ઉપર, તોય લોહાણા ન માન્યા. ઘરમાંથી જૂઠાની બે જુવાન આણાત દીકરીઓ, જૂઠા અને મૂળજીની ઘરવાળીઓ તથા દીકરાની વહુવારુઓ દોડી આવી અને પુરુષોની આડે અંગ દઈ, પાલવડા પાથરી વીનવવા લાગી કે “એ ભાઈ! એને કોઈને મારો મા. આ લ્યો આ અમારાં ઘરાણાં. એને મારો મા.” ત્યાં તો ઉઘાડી ડેલીની બહાર ઊભેલા નેજાળા આદમીની હાકલ પડી કે “જોજો ભાઈઓ! સંભાળજો! બાઈયું-બેન્યુંને સંભાળજો. જોજો હો, એનો છેડોય ન અડે. ખબરદાર, બાઈયુંનું કાંઈ લેતા નહિ.” સાંભળીને બહારવટિયા આડી પડેલી એ બાઈઓને કહે કે “ખસી જાવ, બાપ! તમારું અમારે ન ખપે. તમે અમારી બોનું-દીકરિયું. છેટી રો’. ખસી જાવ.” એમ કહી વળી પુરુષોને મારવા લાગે છે ત્યાં વળી પાછી ડેલીએથી બૂમ આવે છે, “સાચવજો, કોઈને જાનથી મારશો મા. વધુ પડતા પીડશો મા. હવે ચોંપ રાખો! ઘણું ટાણું થયું.” જૂઠાને, મૂળજીને અને ચત્રભુજને તરવારના ત્રીસ-ત્રીસ ચરકા થયા. આખાં શરીર ચિતરાઈ ગયાં. ચત્રભુજને તો પેટમાં એક ઊંડો ઘા પણ પડી ગયો, છતાં એ ન માન્યા. અને બાઈઓ હાથમાં પોતાના અંગના દાગીના ધરી આપવા આવી તે બહારવટિયાએ ન રાખ્યા. થોડુંઘણું જે કાંઈ ઘરમાંથી મળ્યું તે લઈ બહાર નીકળીને ‘રામભાઈની જે!’ ‘સૂરજની જે!’ બોલાવી. રામે પડકાર કર્યો કે “જૂઠા મૂળજી, આટલેથી ચેતજો. ગરીબોનાં રગત ઓછાં પીજો!” એટલું બોલી પાછા વળ્યા. પડખે જ જૂઠા કુનડિયા નામના પટેલનું અભરેભર્યું ઘર ઊભું હતું. ગામમાં બીજાં બે ઘર હતાં : લવજી શેઠ તથા ભવાન પટેલનાં. જાણભેદુ ભોમિયો હમીર વાળો તેમ જ રામ પોતે પણ આ વાત જાણતા હતા. છતાં એને ઇંગોરાળામાંથી ધન નહોતું ઉપાડવું, ફક્ત દાઝ ઉતારવી હતી, એમ લાગે છે. ચોરે આવ્યા. ત્યાં રામ વાળો હાથમાં નેજો ધરી ઊભો રહ્યો. બાકીના દસ જણા કૂંડાળું વળીને તરવાર-બંદૂકો ઉછાળતા, ચોકારો લેતા લેતા ઘડીક ઠેક્યા. પછી ‘જે’ બોલાવતા નીકળી ગયા. પડખે જ નિશાળ હતી. બામણ માસ્તર હતો. માસ્તરના ખાટલા હેઠે છુપાઈને જૂઠા મૂળજીના ઘરના છોકરા બેસી ગયા હતા. તેની અંદર જૂઠા ઠક્કરનો એકનો એક દીકરો વનરાવન પણ બચી ગયો.

*

કોડીનાર પરગણાનું હડમડિયા ગામ છે. ત્યાંના વેપારી કૂરજી ખોજાને ઘેર ગીરના ગરીબોનાં લોહી ખૂબાખૂબ ઠલવાય છે : જૂઠો ને મૂળજી એના હિસાબમાં નહિ : એવું સાંભળીને રામે નેજો ઉપાડ્યો. હડમડિયે ઊતર્યો. રોળ્યકોળ્ય દિવસ હતો. ધણ વેળા હતી. પાદર જઈને નેજો ખોડ્યો. જણ ગણીને શુકન લીધાં. ખબર હતી કે પોલીસની ગિસ્ત પડી છે, એટલે સરકારી ઉતારામાં પેસી ગયા. લીંબડાને ચોય ફરતો ઊંચો ઓટો હતો તેની ઓથે બેસી ગયા. ઓસરીમાં મોટો ફોજદાર જીવોભાઈ બેઠો બેઠો ગિસ્તને પગાર વહેંચે છે. નાયબ ફોજદાર એકલી સરકારી ટોપી ઓઢીને બેઠો છે. પોલીસોની બંદૂકો ખીંટીઓ પર ટીંગાય છે. એમાં બરાબર ઓચિંતો ગોળીબાર થયો. હાકલ પડી. પોલીસો ભાગ્યા. બહારવટિયાએ આવીને જોયું તો પાટીદાર જીવોભાઈ મરેલો પડ્યો છે. નાયબ ફોજદારની આવરદા લાંબી હશે એટલે એણે પોતાની ટોપી ઉતારીને ગોઠણ હેઠે દબાવી દીધી. બહારવટિયાએ પૂછ્યું, “કોણ છો?” “બામણ છું. પગારપત્રકમાં સહીઓ કરવા આવ્યો છું.” હથિયારોનો કબજો લઈ બહારવટિયા ગામ માથે ચાલ્યા. સામો હાજરીનો ઢોલ બજાવનાર ઢોલી મળ્યો. બહારવટિયા કહે, “એલા સમાયેં ઢોલ વગાડ.” ઢોલ બજે છે. તેના તાલમાં ‘એલી! એલી!’ કરતા બહારવટિયા ચાલ્યા. કૂરજીનું ઘર પૂછતા ગયા. લોકોએ દેખાડ્યું તે ઘરમાં ગયા. ત્યાં તો ફળીમાં ગાય, તુલસી વગેરે બ્રાહ્મણના ખોરડાના દેદાર લાગ્યા. પૂછ્યું, “આ કોનું ઘર?” જવાબ મળ્યો, “કૂરજી ગોરનું.” ભોંઠો પડીને લૂંટારો પાછો વળ્યો. પછી કૂરજી ખોજાને ઘેર ગયા. ખૂબ ગીનીઓ લૂંટી. ત્રણ-ચાર જુવાનોએ બજારમાં કાપડની દુકાનો તોડી લોહીચૂસ વેપારી અને ગામડિયા ગરીબ ઘરાકનું કટાક્ષભર્યું નાટક ભજવ્યું. પછી ધર્માદો કરીને નીકળી ગયા. પોલીસ સૂબા બાજીરાવ ઘાડગેનો પડાવ દલખાણિયે હતો, ત્યાં એને જાણ થઈ. હડમડિયા જેવું પાકા બંદોબસ્ત વાળું ગામ તૂટ્યું સાંભળીને બાજીરાવે હાથ કરડ્યા. એ છેલ્લામાં છેલ્લું ગરગામડું ભાંગીને ત્યાંથી રામ વાળો પાછો વળ્યો. વળતાં બાબરિયાવાડ સોંસરવો સહુ જાતભાઈને મળતો હળતો હાલ્યો આવે છે. તે વેળા કોઈ ભેરુએ સંભારી દીધું કે “રામભાઈ, આંહીં થડમાં જ સોખડા અને કાતરા ગામ રહી જાય છે. બોન લાખબાઈ ને માકબાઈ બાપડી ઝંખતી હશે. એને મળતા જાયેં તો?” “ના, ના,” રામે નિસાસો નાખીને કહ્યું, “હવે વળી બોનું કેવી ને કેવો ભાઈ? બહારવટિયો તો જીવતું મડું. એ ગાંઠ તો મેં કાપી જ નાખી છે, માટે, ભાઈ, હવે એ વાત ન સંભારો!” બહેનોનાં બેય ગામડાંની દિશામાંથી નજર સંકેલી લઈને સન્મુખ આંખો ફાડતો રામ વાળો વધુ ચોંપથી પગ ઉપાડવા લાગ્યો. એમ થાતાં ભાખસી અને વાવેરા ગામની સીમમાં રોંઢડિયા વખત થઈ ગયો. પોતે કહ્યું કે “આ ધાંતરવડી નદીનાં ઊંડાં નેરાં ઠીક છે. આંહીં ઊતરીને નાસ્તા ખાઈ થોડી વાર વીસમીએ.” એવી વંકી જગ્યા ગોતે છે ત્યાં રામની નજર ધાંતરવડીના કોતરના ગીચ કંટાળા ને બાંટવાની અંદર ગઈ. એણે કહ્યું, “ઓલ્યો અસવાર કોણ હશે, ત્યાં કોતરમાં?” એ કોણ છે તે નક્કી કરવા બધા નીચાણમાં સંતાઈને બેસી ગયા. નીરખીને જોયું, ઘોડી ઉપર કોઈક એંશીક વરસનો બુઢ્ઢો આદમી છે : ખભામાં લાંબી નાળવાળી, રૂપાના ચાપડે જડેલી, ચારેક હાથની લંબાઈની બંદૂક છે. કેડે લાંસવાળી તરવાર છે. ભેટમાં જમૈયો છે. બીજા હાથમાં ઊંડળમાં રૂપાના ચાપડા જડેલું ભાલું છે. ને ધોળી દાઢી દેખાય છે. “ઓળખ્યો,” રામે કહ્યું, “આ તો દીપડિયાનો આપો સાવજ. આપણને ધારગણીમાં ‘કાતરીવાળા’ કહેનાર. યાદ છે, ગોલણ?” “યાદ છે. કહો તો આજ કાતરા-કાતરીનું પારખું કરાવીએ, રામભાઈ!” “સાચું, પણ આપાને ઓળખો છો કે, ભાઈઓ? એણે બા’રવટાં ખેડ્યાં છે. આદસિંગ ગામની વંકી ભોમમાં એકલે હાથે દીપડા હારે બથોબથ આવીને જેણે દીપો ગૂડ્યો’તો અને દીપડે આખું ડિલ ચૂંથ્યું છતાં જે નર હાલીને આદસિંગ પહોંચ્યો’તો એ મૂર્તિ આ છે. ને વળી અટાણે શિકારે ચડ્યો છે. હાથમાં ભરી બંદૂક છે.” એટલી વાત થાય છે ત્યાં એ બુઢ્ઢા શિકારીની બંદૂક વછૂટી. ધાંતરવડીની ભેખડોમાં ધ મ મ મ પડઘો પડ્યો, ને કોતરે કોતરે મોરલા ગહેક્યા. “ડોસે તો ઘોડીએ બેસીને બંદૂક મારી. નક્કી નિશાન ખાલી ગ્યું હશે,” રામ બબડ્યો. ત્યાં તો શિકારી ઘોડીએથી ઊતર્યો, ઘોડીને દોરી લીધી. થોડે છેટે ગયો. શિકાર પડેલો તે ઉપાડ્યો. પાવરામાં નાખ્યો. ઉપર થોડી આવળ કાપીને ભરાવી. ઘોડીને દોરી પાછો ચાલ્યો. “હાં રામભાઈ, રોકીએ આપાને. એની બંદૂક અને ભારો એક હથિયાર આંચકી લઈએ.” ગોલણ અધીરો થયો. “ગોલણ, અથર્યો થા મા! એમ એ આપો બે તસુની છરીયે નહિ છોડે, ને ઊલટો આપણા બે જણને રાત રાખી દેશે.” “તો થોડી ગમ્મત કરી લઈએ.” ગોલણ ને બીજો એક આદમી, બે જણ આગળ વધ્યા. આડા પડ્યા. શિકારીએ દીઠા : પૂછ્યું, “કાં ભા, ક્યાં રો’છો? આમ આડે વગડે કેમ? મારગ ભૂલ્યા લાગો છો.” એમ કહી આંખો ઉપર નેજવું કરીને બુઢ્ઢો નિહાળવા લાગ્યો. “ના આપા, મારગ નથી ભૂલ્યા. તમારી પાસે જ આવ્યા છીએ.” “મારું શું કામ પડ્યું, ભા? તમે કોણ છો?” “અમે છીએ બા’રવટિયા. આપા, ઈ બંદૂક મેલી દ્યો. અમારે જોવે છે.” “મારી બંદૂક જોવે છે? તે તમે માનતા હશો કે બંદૂક ખાલી છે, કાં?” એમ કહી આપાએ ગજ કાઢી બંદૂકની નાળ્યમાં નાખ્યો. ગજનો જેટલો ભાગ ઉપર રહ્યો તેનું તસુથી માપ બતાવી આપા બોલ્યા, “જુઓ, આટલો દારૂ ધરબેલ છે, માટે જરાક છેટા રે’જો, નહિ તો આ કાકી નહિ થાય.” એટલામાં રામ વાળો આવી પહોંચ્યો, વચ્ચે પડી ગોલણને અળગો કર્યો. પછી આપા તરફ ફર્યો, “આપા, રામ! રામ! ઓળખાણ પડે છે?” “ના ભા!” આપાએ રામ સામે આંખો ઉપર નેજવું કર્યું. “આપા, ઓલ્યો કાતરિયુંવાળો રામવાળો — વાવડી.” રામે દાઢી પર હાથ નાખ્યો. ધારગણીવાળો પ્રસંગ વહેમચૂક થઈ ગયેલ. ડોસા ભોળા ભાવે બોલ્યા, “કાતરી કેવા સારુ, ભા! ભાયડાને તો કાતરા હોય. બાઈડિયું બાડકી હોય.” “પણ મારા દેસા બાપુના કારજ સુધી તો મારે કાતરિયું ગણાતી ને?” “ઓ હો હો હો!” આપાને ઓસાણ આવ્યું : “સાંભર્યું, હવે સાંભર્યું ભા, રામ! તુંનેય ખબર પડીને કે કાતરાનું ઊજવણું કેટલું આકરું છે? તારે કેટલી ઊંડી ખેડ કરવી પડી, ભા! શાબાશ ભડ! હવે કાતરા સાચા. જવામરદ કાતરા!” “બસ આપા, લ્યો રામ રામ!” “દીપડિયે આવશો, ભા? રબારીકેથી દેવાત ખુમાણ વગેરે દાયરો મે’માન છે. મારે ગોરડકે આંટો હતો તે જઈ આવ્યો. હવે માર્ગેથી આ શિકાર લેતો જાઉં છું. આવો તો ભલા, ગોઠ્ય કરીએ.” “ના ના, આપા, માફ કરો. હવે તો ગોઠ્ય જમવાનું ગમતું નથી. જીવ જંપતો નથી. દી ને રાત દલ તલખી રહ્યું છે કે ક્યારે કોક ભારે ગિસ્ત હારે ભેટંભેટા થાય ને કોક વડિયાથી પેટ ભરીને ધીંગાણું ખેલી બટકાં થઈ જાઉં! હવે તો જીવવું ઝેર સમાન લાગે છે, આપા સાવજ.” “રંગ તુંને, ભા!” “રામ રામ.” “રામ!” આપાને અને બહારવટિયાને ધાંતરવડી નદીએ નોખી નોખી દિશામાં સંઘરી લીધા.

*

ખીજડિયા ગામ પર પડ્યા. મોટામાં મોટા વ્યાજખાઉ વાણિયા વેપારીના ઘર પર ગયા. પ્રથમ તો કહ્યું કે “લાવો, શેઠ, તમારા તમામ ચોપડા. એટલે ગરીબોની પીડા તો ટળે!” ચોપડાઓનો ઢગલો કરીને આગ લગાડી. પછી ઘરની અંદર પટારો તોડવા લાગ્યા. ઝાઝી વાર થઈ. તેથી રામ વાળાએ બહાર ઊભાં ઊભાં ત્રાડ નાખી કે “એલા શું કરો છો? આટલી બધી વાર?” “પટારો તૂટતો નથી,” અંદરથી જવાબ મળ્યો. “બચારો પટારો તૂટતો નથી?” એમ બોલતો રામ અંદર ગયો. “ખસી જાવ!” કહીને એણે જોરથી પોતાના પગની પાટુ મારી. પટારો તૂટી ગયો. પણ મારવા જતાં પોતાના પગની લાંકમાં પટારાની એક ચૂંક પેસી ગઈ. રામને તો એનું ભાન નહોતું. એણે તો ઊલટું પોતાના કઠણ બની ગયેલ જોડા વાણિયાની એક તેલભરી કોઠીમાં બોળીને પહેર્યા. ચૂંક વાગેલી તે લાંકમાં તેલ ભરાયું. એ નાનકડી ચૂંકે રામનું મૉત આલેખ્યું. પણ કંઈ જ ઓસાણ વગર રામ ચોરે આવ્યો. બે જ ગાઉ ઉપર બગસરા ગામમાં એજન્સીનું પચાસ હથિયારબંધ માણસોનું થાણું છે. બીજા દરબારી તાલુકા છે. છતાં કશી બીક વગર ટોળી દાયરો કરીને બેઠી. આખા ગામમાં કહેવરાવ્યું કે “સહુ ભાઈયું કસુંબો લેવા આવો. રામભાઈ તરફનો કસુંબો છે.” બીજું તો કોઈ નહિ, પણ એક વૃદ્ધ કાઠિયાણી આવ્યાં. આવીને આઈએ રામનાં મીઠડાં લીધાં. કહ્યું કે “ધન્ય છે, બાપ! કાઠીની સવાઈ કરી. કાળા વાળાને ઉજાળ્યો.” ત્યાંથી ટોળી ગુજરિયા ગામે કાળુ ખુમાણને આશરે ગઈ. ત્યાં રામનો પગ વકરી ચૂક્યો હતો. તાવ ચડવા લાગ્યો હતો. ચલાય તેવું રહ્યું નહિ. છુપાઈને રામ ત્યાં રહ્યો. થોડી મુદત થઈ ત્યાં બહારવટિયા ખરચીખૂટ થઈ ગયા. દસ જણના પેટના ખાડા પૂરવા શી રીતે? પથારીએ પડ્યાં પડ્યાં રામે કહ્યું, “ભાઈ ગોલણ! તમે સૌ જઈ ગાયકવાડનું ભલગામ ભાંગો.” ગામ ભાંગીને ટોળી પાછી આવી ત્યારે પૂછપરછ કરતાં રામને જાણ થઈ કે ટોળી તો ભલગામ નહિ, પણ ગોંડળ તાબાનું વાવડી ભાંગી આવી છે. પથારીવશ રામે બહુ અફસોસ ગુજાર્યો. “અરે હાય હાય, ભાઈ ગોલણ! આપણે ખોટ્ય ખાધી. ગોંડળ હારે ક્યાં મારે વેર હતું?” ગોલણ કહે, “અમને તો કાળુ ખુમાણે લલચાવ્યા.” “પણ ગોલણ, તેં શું મને નહોતો ઓળખ્યો? તેં ઊઠીને આવી ભૂલ કરી? મારો મનખો બગાડ્યો?” ગોલણને દુઃખ લાગ્યું. એના મનનો ઊંડો મેલ ઊખળ્યો, “રામભાઈ, કામ અમે કરીએ અને નામચા તારી ગવાય. અમને જશ જ ક્યાં જડે છે?” “મારી નામચા ગાવાનું હું ક્યાં કોઈને કહું છું? લોકો આફરડા બોલે એમાં હું શું કરું? તમને જો એમ જ થતું હોય તો ખુશીથી તમારા નામનું બા’રવટું ચલાવો. તમે જશ લ્યો. હું તો જશ લેવા નહિ, પણ મૉતને ભેટવા નીકળ્યો છું.” ગોલણ સમજી ગયો હતો કે હવે રામભાઈને ભાંગતી વાર છે. એણે ગોદડને પોતાની ભેળો લીધો. નાગને પૂછતાં નાગે ખાનદાન જવાબ દીધો કે “ના, ના, હવે તે હું રામભાઈને મૂકું કદી?” ગોલણ ને ગોદડ નોખા પડી હરદ્વાર તરફ ચાલ્યા ગયા. રામ વાળો મેરુ રબારીને ખભે ચઢીને બીલખાના એક કાઠી દરબારને આશરે ગયો. ત્યાં રહ્યો રહ્યો એના પગની વેદના પૂરા જોરમાં સળગી ઊઠી. આરામની આશા ન રહી ત્યારે રામે કહ્યું કે “ભાઈ, મારો દેહ પડી જાય તેમ છે. મને હવે ગરનાર ભેળો કરો; ત્યાં ચોરાસી સિદ્ધનું બેસણું છે, એટલે મારો મોક્ષ થાશે.” “રામભાઈ!” એ દરબારે હિમ્મત કરી કહ્યું, “તું સુખેથી આંહીં રહે. હું તને મલકછતરાયો સમશાને લઈ જઈશ.” “ના, ના, દરબાર! મારે ખાતર તમારો ગરાસ જાય.” ડાહ્યો બહારવટિયો ન માન્યો એટલે રાતે એને રામેસર લઈ ગયા. ત્યાંથી એને ગાડામાં નાખી રાતોરાત ગિરનારના બોરિયાગાળા નામના ભયંકર સ્થળ ઉપર મૂકી આવ્યા. બોરિયાગાળાના એક ભોંયરામાં બે ભેરુ રામની સારવાર કરી રહ્યા છે : એક નાગવાળો ને બીજો મેરુ રબારી. બાકીના તમામ ચાલ્યા ગયા છે.

*

ભોંયરાનું પોલાણ ધીરે અવાજે ગાજતું હતું. પથ્થરો જાણે કે એ ખાનગી વાત સાંભળીને કોઈને કહી દેતા હતા. નાગ અને રામની વચ્ચે કાળી વાત ચાલતી હતી : “રામભાઈ! મારી નાખીએ.” “કોને?” “મેરુને.” “કાં?” “જાત્યનો ભરૂ છે. ક્યાંક ખૂટશે. આપણને કમૉતે મરાવશે.” “ના, ના, ના, ભાઈ નાગ!” પગની કાળી વેદનાના લપકારા ખમતો રામ આ અધર્મની વાત ન ખમી શક્યો. “મેરુ તો મારા પ્રાણ સમો. મેરુ વિના મને અપંગને કોણ સાચવે? મેરુ બચારો મારો સાંઢિયો બની, મને એક નેખમેથી બીજે નેખમે ઉપાડે છે, દી ને રાત દોડાદોડી કરે છે, અરરર! નાગ, મેરુ જેવા અમૂલખ સાથીની હત્યા?” નાગની સામે રામ દયામણી આંખે તાકી રહ્યો. ‘હત્યા!’ પથ્થરે પથ્થરે ઝિલાતો એ બોલ બહાર ગયો. લપાઈને બહાર ઊભેલા એક આદમીને કાને પડ્યો. એ આદમી હતો મેરુ પોતે. મેરુને શરીરે થરેરાટી ચાલી ગઈ. સ્વેદ વળી ગયાં. આંખો ફાટી ગઈ. ભોંયરા પાસે ક્યાંઈક પોતાનો પડછાયો પડી જાશે તોપણ નાગ હત્યા કરશે, એમ સમજી મેરુ સરી ગયો. વાતને પી ગયો. બીજા દિવસની તડકી ચડી. મેરુએ વાત ઉચ્ચારી, “નાગભાઈ! હવે આંહીં માલધારીઓનો અવરજવર વધતો જાય છે. આપણે નેખમ બદલીએ. ભેળા આવો તો ક્યાંઈક ગોતી આવીએ.” બેય જણા ચાલ્યા. નવી જગ્યા ગોતીને પાછા વળ્યા. માહ મહિનાનો બપોર તપ્યો. એક નેરાને કાંઠે બેય જણા બેઠા. વિસામો લેવા સૂતા. બેયનાં નાખોરાં બોલવા લાગ્યાં. ઓચિંતાં મેરુનાં નાખોરાં ચૂપ થયાં. ફાળિયું ખસેડીને મેરુ ઊઠ્યો. નાગના પડખામાંથી બંદૂક ઉપાડી. બહારવટિયાની બંદૂક એટલે તો દારૂગોળી ને કેપ ચડાવેલી તૈયાર : મેરુએ નાગના કપાળમાં નોંધી. વછોડી. નાગના માથાની તાંસળી નીકળી પડી. ઊંઘતો ઊંઘતો જ નાગ ફેંસલ થયો. બંદૂક ઉઠાવીને મેરુએ જંગલ સોંસરવી હડી દીધી. સીધો આવ્યો જૂનાગઢ શહેરમાં. પોલીસના ઉપરી પાસે જઈ બંદૂક ધરી દીધી. શ્વાસ હેઠો મેલ્યા વગર બોલ્યો, “હું મેરુ બહારવટિયો. નાગને મારી આવું છું. એકલો રામ વાળો જ રહ્યો છે. એની પાસે એક જ ભડાકાનો દારૂગોળો છે. પગ પાકવાથી અપંગ પડ્યો છે. હાલો દેખાડું.” જૂનાગઢની ગિસ્ત બોરિયેગાળે ચડી. પછવાડેથી ભોંયરાના ઉપલા ભાગ પર ચડીને બંદૂકદારો ઊભા રહ્યા, ઉપરથી હાકલા કરવા મંડ્યા કે “રામ વાળા! હવે બા’ર નીકળ.” અંદર બેઠો બેઠો રામ રોટલાનો લોટ મસળી રહ્યા છે. પગ સૂજીને થાંભલો થયો છે. પડખે એક જ ભડાકાના સાધનવાળી બંદૂક પડી છે. બંદૂક સામે કરુણ નજરે નીરખી લીધું. પોતાના અંતરમાં વાત પામી ગયો. એણે અવાજ દીધો, “મેરુ! લીંડીચૂસ! આખરે ખૂટ્યો કે?’ “બા’ર નીકળ, રામ વાળા!”, ફરીને ફોજનો પડકાર આવ્યો૰. “ગિસ્તવાળાઓ!” રામે જવાબ દીધો, “આજ હું લાચાર થઈ પડ્યો છું. મારે પગ નથી. સાધન નથી. નહિ તો હું રામ આવું જશનું મૉત જાતું ન કરું. રામ ભોંયરે ન ગરી રહે. પણ મેં જૂનાગઢનું શું બગાડ્યું છે? તમે શીદ મને મારવા ચડ્યા છો?” “અરે બહાર નીકળ, મોટા શૂરવીર!” ઉપર ઊભી ઊભી ગિસ્ત ગાજે છે. “ભાઈ પકડનારાઓ! ત્યાં ઉપર ઊભા ઊભા કાં જોર દેખાડો? આવો આવો, ઊતરીને સન્મુખ આવો. રામ એકલો છે, એક જ ભડાકો કરી શકે એમ છે, અપંગ છે, તોય કહે છે કે સામા આવો. જરાક રામનું ધીંગાણું જોઈ લ્યો.” સામસામી આવી બોલાચાલી થતી રહી, પણ રામ વાળો નીકળતો નથી, કે નથી ગિસ્ત પડમાં આવતી. આખરે ગિસ્તે કાંટાના મોટા મોટા ગળિયા આણ્યા. ઉપરથી ગળિયા નીચે ઉતારીને ભોંયરાના મોઢા આડા દઈ દીધા. પછી આગ લગાડી. તાપે અને ધુંવાડે એ ચોમેરથી બિડાયેલા ભોંયરાને ભરી દીધું. બહારવટિયો નિરુપાય બનીને જીવતો બફાવા લાગ્યો. છેવટે ન રહેવાયું. જીવ ટૂંકાવા લાગ્યો. તરવાર ખેંચીને એક પગે ખોડંગતો રામ ‘હૂત!’ કરતો બહાર ઠેક્યો. થોડુંક કામ બાકી રહેલું તે ગિસ્તની પચાસ સામટી બંદૂકે પૂરું કર્યું. રામ વાળો ક્યાં રોકાણો?

રામ વાળાનાં લગન આવ્યાં,
લગનિયાંનો ઠાઠ, ગોઝારો બોરિયોગાળો,
ક્યાં રોકાણો રામ વાળો?
ખરે બપોરે જાનું ઉઘલિયું,
જાનૈયાનો ઠાઠ, ગોઝારો બોરિયોગાળો,
ક્યાં રોકાણો રામ વાળો?
બીજો રાસડો આ છે :
ડુંગરડા દોયલા થિયા! પગ તારો વેરી થિયો!
રામ વાળા ગલઢેરા! ડુંગરડા દોયલા થિયા.

આ બન્ને રાસડાઓની પછીની ટૂકો મળતી નથી. તે સિવાય રામ વાળાના અરધા અત્યુક્તિભરેલા ને અરધા પ્રાસંગિક દોહાઓ કોઈક રાણિંગ રાવળ નામના વહીવંચાએ આ મુજબ રચેલા છે :

ધાનાણીએ ધીબિયા, બાપ ને બેટો બે,
તુંને નડતા તે, રાખ્યા તળમાં રામડા!

[હે રામ ધાનાણી! તને સંતાપનાર બાપ અને દીકરા બન્નેને, એટલે કે ડોસા પટેલને તથા એના પુત્રને તેં તરવારે ધબેડી નાખ્યા.]

ધારી અમરેલી ધ્રૂજે, થર થર ખાંભા થાય,
(એના) દરવાજા દેવાય, રોંઢે દીએ રામડા!

[હે રામ વાળા! તારા ભયથી તો ધારી, અમરેલી અને ખાંભા જેવડાં ગાયકવાડનાં શહેરો ધ્રૂજે છે, અને એ શહેરોના કોટના દરવાજા સાંજ પડ્યા પહેલાં તો તારી બીકે બંધ થઈ જાય છે.]

ચાચઈને ડુંગર ચડી, હાકલ દેછ હિન્દવાણ,
(ત્યાં તો) ખેપટ જાય ખુરસાણ, કાળપૂછાં બીયાં કાળાઉત!

[હે હિન્દુ! હે કાળા વાળાના સુત! ચાચઈ નામના ગીરના ડુંગર પર ચડીને તું જ્યાં ત્રાડ પાડે છે, ત્યાં તો કાળી દાઢીઓવાળા ખોરાસાનીઓ (મુસલમાનો) વંટોળિયે ઊડતી ધૂળની માફક નાસી જાય છે.]

પત્રક જે પવાડા તણા, વડોદરે વંચાય,
(ત્યાં) મરેઠિયું મોલુંમાંય, રુદન માંડે રામડા!

[તારી લડાઈના પત્રો વડોદરામાં પહોંચીને જ્યાં વંચાય છે, ત્યાં તો તેં મારી નાખેલા મરાઠા નોકરિયાતોની સ્ત્રીઓ રુદન આદરે છે.]

કાબા કોડીનારથી, માણેક લઈ ગયા માલ,
(એવા) હડમડિયાના હાલ, કરિયા રામા કાળાઉત!

[જેવી રીતે માણેક શાખાના વાઘેર (કાબા) બહારવટિયા કોડીનાર ભાંગીને માલ લઈ ગયેલા તેવી જ રીતે તેં હડમડિયાને બેહાલ કર્યું.]

વાટકી જેવડી વાવડી, રાવણ જેવો રામ,
ગાયકવાડનાં ગામ, રફલે ધબેડે રામડો.

[વાવડી ગામ એક વાટકી જેવડું નાનું, પણ એનો નિવાસી રામ તો રાવણ જેવો મોટો. એ રાઇફલો વતી ગાયકવાડનાં ગામ ભાંગે છે.]

શક્તિ સૂતી’તી શોચમાં, આપેલ નો’તો આહાર,
તૃપત કરી તરવાર, રોડ પિવાડ્યું રામડા!

[તરવાર સ્વરૂપી શક્તિદેવી અફસોસમાં સૂતેલા. એને કોઈ આહાર નહોતું આપતું. પણ, હે રામ! તેં એને રક્ત પિવરાવીને તૃપ્ત કરી.]

ખત્રિયાવટ ખલક તણી, જાતી હેમાળે જોય,
વાવડીએ વાળા! કોય રાખી અમર તેં રામડા!

[દુનિયાના ક્ષત્રિવટ હિમાલયમાં ગળવા જતી હતી તેને, હે વાળા રામ! તેં વાવડીમાં અમર કરીને રોકી રાખી.]

કોપ્યો’તો અંજનીનો કુંવર, રોળાણું રાવણરાજ,
(એમ) અમરેલી ઉપર આજ, ધાનાણી રામો ધખ્યો.

[જેમ અંજનીના કુમાર હનુમાને કોપાયમાન થઈને રાવણનું રાજ રોળ્યું, તેમ, હે રામ ધાનાણી! તું આજ અમરેલી પર કોપ્યો.]

કણબી આવ્યો’તો કાઠમાં, એ લેવા ઇનામ,
હડમડીએ હિંદવાણ, રફલે ધબ્યો રામડા!

[ગુજરાતનો પાટીદાર કણબી ફોજદાર બનીને કાઠિયાવાડમાં ઇનામની આશાએ બહારવટિયા-અમલદાર તરીકે આવેલો. તેને, હે હિંદુ રામ! તેં હડમડિયામાં ઠાર કર્યો.]

ગઢ જૂનો ગરનાર, ખેંગારનો સરાપેલ ખરો,
સંઘર્યો નહિ સરદાર, (નકર) રમત દેખાડત રામડો.

[જૂનાગઢનો ગિરનાર પહાડ રા’ ખેંગારના સમયનો શાપિત બન્યો છે. એ રામવાળાને રક્ષી ન શક્યો, નહિ તો રામ રમત બતાવત.]

અંગરેજ ને જરમર આફળે, બળિયા જોદ્ધા બે,
(એવું) ત્રીજું ગરમાં તેં, રણ જગાવ્યું રામડા!

[યુરોપમાં અંગ્રેજ અને જર્મન જેવા બે બળવાન યોદ્ધા લડતા હતા, અને ત્રીજું યુદ્ધ રામ વાળાએ ગીરમાં જગાવ્યું.] (આ દોહામાં ફક્ત એટલું જ ઉપયોગી સૂચન છે, કે રામ વાળાનું બહારવટું પ્રથમ મહાયુદ્ધને વખતે થયેલું.)