સોરઠી બહારવટીયા/ચાંપરાજ વાળો
ચલાળા ગામમાં એક કાઠીને ઘેર કારજનો અવસર છે. ભેળા થયેલા મહેમાનોમાં ચરખેથી ચાંપરાજ વાળો આવેલ છે, અને ટીંબલેથી હાથીઓ વાળો ને જેઠસૂર વાળો નામે બે ય ભાઈ હાજર થયા છે. ચારસો પાંચસો બીજા કાઠીઓ પણ વાળાકમાંથી, પાંચાળમાંથી ને ખુમાણ પંથકમાંથી આવ્યા છે. એવો અડાબીડ ડાયરો ડેલીએ બેઠો છે, તે વખતે જુવાન ચાંપરાજ વાળાએ વાત કાઢી:– “આપા હાથીઆ વાળા! ઠીક થયું, તમે આંહી જ મળી ગયા. મારે ટીંબલાનો આંટો મટ્યો.” “ભલેં, ભલેં, બા ચાંપરાજ, બોલ્ય, શું કહેવું છે?" “કહેવું તો એટલું જ, કે અમારી રૂપદેબાઈ બે'નને રોટલા પાણીનું દુઃખ શીદ દ્યો છે? એની જીવાઈ કાં ચૂકવતા નથી? બેનડી બિચારી ચરખે આવીને રાતે પાણીએ રોતી'તી!” આટલા બધા નાતીલાઓની વચ્ચે ચાંપરાજ વાળાએ પોતાની ફુઈની દીકરીને ટીંબલાના પિત્રાઈઓ તરફથી મળતાં દુઃખની વાત ઉચ્ચારતાં, ટીંબલાના બન્ને ગલઢેરાને પોતાની ફજેતી થઈ લાગી. જેઠસૂરે અરણા પાડા જેવો કાંધરોટો દઈને જવાબ દીધો. “આપા ચાંપરાજ વાળા, તું તે આંહી તારી ફુઈની દીકરીને જીવાઈ અપાવા આવ્યો છે, કે કારજે આવ્યો છે?” “બેય કરવા, આપા જેઠસૂર! એના ચોરાસી ગામના વારસદાર ધણી માત્રા વાળાને મોજડીયુંમાં ઉંટીયું ઝેર દઈને એક તો મારી નાખવો, અને પછી આ રંડવાળ કાઠીઆણીને રોટલાનું બટકુ ય ખાવા ન દેવું, એ કાંઈ કાઠીની રીત કહેવાય! જીવાઈ તો કાઢી આપવી જોશે બા!” ચાંપરાજ ટાઢે કોઠે બોલતો ગયો. “તારે કહ્યેથી જ કાંઈ જીવાઈ નીકળી જાય છે, ચાંપા?” “તો પછી મારે ચાઈને ટીંબલાનો આંટો ખાવો જોશે.” “તો ભલે બા! ખુશીથી આવવું.” “તો આજથી સાતમે જમણ તમે સાબદાઈમાં રે'જો.” એમ સામસામી વચનની બરછીઓ વછૂટતાં જ સહુને ફાળ પડી કે મામલો હાથ બહાર વહ્યો જાશે, એટલે ઘરનો ધણી ઉઠીને પાઘડી ઉતારી બેય પક્ષ વચ્ચે ઉભો રહ્યો. બેયને ઠાર્યા. પણ પછી કારજમાં ચાંપરાજ વાળાને કાંઈ સ્વાદ ન રહ્યો. રોંઢો થયો ને તડકા નમ્યા, એટલે ઘોડે ખડીયા નાંખી ચાંપરાજ વાળાએ રાંગ વાળી. રવાના થતાં થતાં કહ્યું કે “આપા હાથીઆ વાળા ને જેઠસૂર વાળા! સાબદાઈમાં રે'જો હો, સાત જમણે અમે નક્કી આવશું.” પોતાના કુટુંબની એક નિરાધાર કાઠીઆણીનો પક્ષ લેવા માટે એટલા ચકમક ઝેરવીને ચાંપરાજ વાળો ચરખે આવ્યો. બે દિવસ વીતી ગયા પછી એના ચિત્તમાં વિચાર ઉપડ્યો કે “બોલતાં બોલાઈ તો ગયું, પણ હવે ચડવું શી રીતે? ટીંબલાના જણ છે જાડા, એને કેમ કરીને પહોંચાશે?” “બાપુ, વિચારમાં કેમ પડી ગયા છે?” ચાંપરાજના મકરાણી જમાદારે વાત પૂછી. “જમાદાર, ટીંબલા માથે ચડવાની જીભ કચરાઈ ગઈ છે.” “તે એમાં શું બાપુ? આંટો ખાઈ આવશું. કયે જમણે?” “દિતવારે” “ઠીક. પણ મને લાગે છે બાપુ, કે કદાચ ટીંબલાવાળાએ માન્યું હશે કે ચાંપરાજ વાળો થુંક ઉડાડી ગયો. બોલ્યું પળશે નહિ. એમ સમજીને હાંસીમાં કાઢી નાખશે. અને તૈયારીમાં નહિ રહે. માટે પ્રથમથી ખબર દઈ મોકલીએ.” એ રીતે પ્રથમથી સમાચાર મોકલાવ્યા કે “દિતવારે આવીએ છીએ.” પણ ટીંબલાના દાયરામાં સામતવાળા નામે એક ગલઢેરો હતો. ચાંપરાજ વાળાને અને સામત વાળાને જળ–મીન જેવી પ્રીત. આની તરવાર આ બાંધે અને આની આ બાંધે, એવા મીઠા મનમેળ: ચાંપરાજે એ ભાઈબંધને કહેવરાવ્યું કે “સામતભાઈ, તું ભલો થઈને દિતવારે ઘરે રહીશ મા.” માંડવડેથી કાંધો વાળો, વરસડેથી બીજો કાંધો વાળો, વગેરે પોતાના વળના જે મોટામોટા કાઠી હતા તેને ટીંબલાવાળાએ શનિવારે સાંજથી જ બોલાવીને ભેળા કર્યા. રવિવારે સવારે આખા દાયરાએ હથીઆર ૫ડીઆર બાંધીને ચોરે બેઠક કરી, બરાબર આ બાજુ કસુંબાની ખરલો છલોછલ ભરાઈને પ્યાલીઓમાં રેડી પીવાની તૈયારી થઈ, ગઢમાં ઉના રોટલા, ગોરસ અને ખાંડેલી સાકરના ત્રાંસ ભાતલાં પીરસવા સારૂ તૈયાર ટપકે થઈ ગયાં, અને બીજી બાજુ ગામને પાદર ચાંપરાજ વાળાના મકરાણીઓની બંદૂકોના ભડાકા સંભળાયા. સબોસબ! કંસુબા પડતા મેલીને કાઠીઓ ચોરેથી નીચે કુદ્યા. તરવારોની તાળી પડી અને ધાણી છુટે તેમ બંદૂકોમાંથી ગોળીઓ વછૂટી. માંડવડાનો કાંધો વાળો અને વરસડાનો બીજો કાંધો વાળો ટીંબલાની બજારમાં ઠામ રહ્યા, અને બાકીના કૈક કાઠીઓ પાછલી બારીએથી પલાયન થઈ ગયા. ચાંપરાજ વાળાનો દાયરો ચોરા માથે ચડે ત્યાં તો કસુંબલ અમૃતની છલોછલ ખરલો ભરેલી દીઠી. માણસોએ પૂછ્યું “બાપુ, લેશું , કંસુબો?” “હા બા, એમાં શું? બાપના દીકરાનો કસુંબો છે ને?” સહુ શત્રુના ઘરનો કસુંબો લઈને પછી દરબારગઢ ઉપર ગયા. “ખબરદાર!” ચાંપરાજે પોતાના સંગાથીઓને ચેતાવ્યા. “આપણે ગામ લૂટવા નથી આવ્યા. બહેનને જીવાઈ કઢાવી દેવા આવ્યા છીએ, એટલું ભૂલશો મા કોઈ.” એટલું બોલીને ચાંપરાજ ડેલીએ દાખલ થાય ત્યાં બે બુઢ્ઢીઆ કાઠી ચોકીદારોને ઉઘાડી તરવારે ઉભેલા દીઠા. “ડોસલ્યો! ખસી જાવ.” ચાંપરાજે શીખામણ દીધી. રૂપાનાં પતરાં જેવી ધોળી દાઢી, મૂછ ને પાંપણોવાળા કાઠીઓ બોલ્યા “ખસી ગયે તો સાત જન્મારાની ખોટ બેસે આપા ચાંપરાજ વાળા! અને ચાંપરાજ વાળો ઉઠીને આ ટાણે અમને ખસવાનું કહે છે.” “અરે ડોસલ! આંહી દીકરાના વીવા નથી, તે તાણ્ય કરવા બેસીએ? માટે ખસો. નીકર ધોળામાં ધૂળ ભરાણી સમજજો!” ધોળાં ધોળાં નેણ ઉચાં ચડાવી, ધોળી પાંપણો ને અરધીક ઉધાડી, પાણીદાર અને પલળેલી આંખો તગમગાવી, બને બુઢ્ઢાએ બુઢ્ઢાપાની ધ્રૂજતી ગરદનો ટટ્ટાર કરતાં કરતાં જવાબ વાળ્યો કે “ચાંપરાજ! ધોળામાં ધૂળ તો આજ ખસી ગયેથી ભરાઈ જાય, ને ડોકાં ધરતી માથે રડ્યે તો અટાણે અમારે સરગાપરની વાટ ઉઘડી જાય. માટે તું તારે જે કરતો હો ઈ કર, ને અમને ય અમારૂં મનધાર્યું કરવા દે. અમારા ઘડપણની ઠાલી દયા ખાઈશ મા, મલકના ચોલટા!” એમ કહીને બેય બુઢ્ઢા ઘાએ આવ્યા. બેય સોનાનાં ઢીમ સરીખા નોકરોને ઢાળી દઈને ચાંપરાજ વાળો દરબાગઢની અંદર ચાલ્યો. એારડે જાય ત્યાં ઉંચી ઉંચી ઓસરીને કાંઠે રૂપબાઈ ઉભેલાં. રૂપબાઈએ વીરનાં વારણાં લીધાં. ચાંપરાજ બોલ્યો કે “બ્હેન, તમારે જે કાંઈ લૂગડાંલતાં, દરદાગીનો અને ઘરવખરી લેવી હોય તે નોખી તારવી લ્યો." ગાડાં આવીને હાજર થયાં એમાં રૂપદેબાઈનો માલ ભરાયો. અને એક માફામાં રૂપબાઈને બેસાર્યા. ત્રણ કાઠી અસવારોને ચાંપરાજ વાળે હુકમ કર્યો કે “બેનની સાથે જાવ. જો રસ્તે ક્યાંય ટીંબલાવાળા આડા ફરે તો ત્યાં ને ત્યાં કટકા થઈ જજો. વાવડ દેવા ય પાછા વળશો મા.” “બાઈયું, બેન્યું!” ગઢની કાઠીઆણીઓને ચાંપરાજે હાથ જોડીને કહ્યું, “તમે કોરે ખસી જાવ. અને તમારા દાગીના કાઢી દ્યો. રૂપદેબાઈની ચડત જીવાઈ પણ ચુકવવી જોશે.” હાકલ પડતાં જ કાઠીઆણીઓ પોતાની કાયા માથેથી એકેએક દાગીના ઉતારી ઢગલો કરવા મંડી. અને ચાંપરાજ વાળો આઘેરો જઈ ઉભો રહ્યો. ત્યાં એક બાઈએ ચાંપરાજ વાળાના અસવારને કહ્યું. “ભાઈ, કડલાં સજ્જડ ભીડાઈ ગયાં છે, નીકળતાં નથી.” “તો કાપવો પડશે પગ!” ત્યાં તો ગઢની પછીત પાછળથી “હેં........! પગ કાપવો છે!” એવી ત્રાડ સંભળાણી. અને ઉઘાડી તલવારે એક પડછંદ આદમી છલાંગ મારીને દોડતો આવ્યો. “કોણ સામત!” ચાંપરાજ વાળે ચકિત થઈને પૂછ્યું. “હા બાપ, હું સામત! મને તેં એાળખ્યો ભેરૂ? ના ના, સાચી ઓળખ નો'તી પડી!” “અરે સામત! તું હજી અાંહી?” એમ કહી ચાંપરાજ વાળો આડો ફર્યો. “હું અાંહી ન હોત તો મારે કપાળે કાળી ટીલી ચોંટત. પણ હું વખતસર ચેત્યો, ચાંપરાજ! લે, હવે ઝટ તલવાર લે.” “સામત! સામત!” પણ સામત વાળો ન માન્યો. તલવાર લઈને હનુમાન જેવો છલાંગ દેતો આવ્યો. ત્યાં તો ચાંપરાજનું આખું કટક એને વીંટાઈ વળ્યું. ફડાફડ ઝાટકા પડ્યા. “અરે હાં! હાં! રેવા દ્યો!” એમ ચાંપરાજ બોલતો રહ્યો, ત્યાં તો સામત વાળાના રામ રમી ગયા. “કોપ કર્યો. સામતને મારવો પડ્યો!” એમ બોલતાં બોલતાં ચાંપરાજ વાળાના અંતરમાં બહુ વસમું લાગ્યું. પણ ત્યાં તો ટાણુ સારી રીતે થઈ ગયું. એટલે આખું કટક અમરેલીની ફોજની બીકે ચાલી નીકળ્યું. ત્યાંથી જ પરબારો ચાંપરાજ વાળો બારવટે નીકળી ગયો.
ઘોડાના પગમાં ઘૂઘરા, સાવ સોનેરી સાજ લાલ કસુંબલ લુગડાં, ચરખાનો, ચાંપરાજ ગિરમાં ડેડાણ અને ખાંભાની પડખે, ડુંગરીયાળ પ્રદેશમાં એક નાનો પણ વંકો ડુંગર છે, જેનું નામ છે ભાણીઆનો ડુંગર. એ ડુંગરની એક બાજુ કેડો છે, અને ત્રણ બાજુ ગટાટોપ ઝાંખરાં ઝાડવાં જામી પડ્યાં છે. ભાગતાં ભાગતાં ચાંપરાજ વાળાએ આ ભાણીઆના ડુંગર માથે ઓથ લીધી. એક પોતે, અને નવ પોતાના પગારદાર મકરાણીઃ એટલા જણે ડુંગર માથે ચડીને મોરચા ગોઠવ્યા. થોડી વારમાં તો – ધારી અમરેલીની ગાયકવાડી ગીસ્તે આવીને ડુંગરને ઘેરી લીધો. મકરાણીનો જમાદાર બોલ્યો “બાપુ, આ ઘાંસીઓ પાથરી દઉ છું તેના પર તમે તારે બેસી રહો, અને અમને બંધુકું ભરી ભરીને દેતા જાવ. ભડાકા તો અમે જ કરશું.” દસે બંદૂકો એક પછી એક ભરી ભરીને ચાંપરાજ વાળો આપતો જાય છે અને મકરાણીનો જમાદાર “બાપુ બીવારૂ છું. હો” એમ કહીને, ડુંગર ઉપર ચડવા આવનારાઓને ફુંકતો જાય છે, એમ થાતાં થાતાં તો બે જુવાન મરણીયા અંગ્રેજ અમલદારોને હાથમાં બંદૂક લઈને ડુંગર ઉપર ચડતા જોયા. “બાપુ!” જમાદાર બોલ્યો. “હાથના અાંકડા ભીડીને બે ગોરા ચડ્યા આવે છે. ઉડાડું?” “ના ભાઈ, ગોરાને માથે ઘા રે'વા દેજે.” “પણ બાપુ, ઈ તો અા પોગ્યા. અને હમણાં આપણને ધ્રબી નાખશે.” “ઠીક ત્યારે ઉડાડ, થાવી હોય તે થાશે!” મકરાણીની બંદૂક વછૂટી. અને એની ગોળી બેમાંથી એક અંગ્રેજના માથાની કાછલી તોડતી ગઈ. વીકે સરવૈયા વાઢીઆ, રણગેલા ૨જપૂત ભાણીઆને ડુંગ૨ ભૂત, સાહેબને સરજ્યો, ચાંપરાજ [વીકાએ તો સરવૈયા રજપૂતોને વાઢ્યા. પણ હે ચાંપરાજ! તેં તો ભાણીયાના ડુંગર ઉપર સાહેબને અવગતિએ મારીને ભૂત સર જાવી દીધો. ] ડેરે બોકાસાં દીયે, કંડી મઢ્યમું કોય જગભલસા'બ જ કોય, ચૂંથી નાખ્યો ચાંપરાજ [સાહેબની મડમો એના ડેરા તંબુઓમાં વિલાપ કરે છે. કેમકે તેં તો જે કોઈ સાહેબને દીઠો તેને ચુંથી નાખ્યો છે.] તેં દીધી ફકરા તણા એવી ભાલાની આણ મધ ગરમાં મેલાણ, સાહેબ ન કરે ચાંપરાજ [ફકીરા વાળાના પુત્ર! તેં તો ગિરની અંદર તારા ભાલાની એવી હાક બેસારી દીધી છે કે કોઈ ગોરો સાહેબ મધ્ય ગિરમાં મુકામ કરી શકે તેવું નથી.] ગોરાનું લોહી છાંટતાં તો હાહકાર વાગી ગયા. અને ડુંગર ફરતી સાતથરી ચોકીઓ મુકાઈ ગઈ. ચાંપરાજ વાળો સમજ્યો કે “આમાં જો ઝલાઉં, તો કૂતરાને મોતે મરવું પડે.” ભૂખ્યા ને તરસ્યા બહારવટીયા ભાણીયાને ડુંગર ભરાઈ રહ્યા. એમાં એક દિવસ ડેડાણના કોટીલા કાઠીઓએ રાતમાં આવી, પછવાડે ગીચ ઝાડીમાંથી છાનો માર્ગ કરી, ચાંપરાજ વાળાને એના નવ મકરાણી સાથે ઉતારી લીધો. પછી કહ્યું કે “હવે મંડો ભાગવા, દેશ મેલી દ્યો.” “અરે બા! એમ ભાગવા તે કેમ માંડશું? સહુને સૂરજ ધણીએ બબે હાથ દીધા છે.” એટલું બોલીને ચાંપરાજે મકરાણીઓને લઈ ગાયકવાડનાં ગામડાં ઉપર ત્રાસ વર્તાવવાનું આદરી દીધું. ગામડાંની અંદર લોટા ઝોંટા કરી ગાયકવાડનાં હાંડા જેવાં રૂડાં ગામડાને ધમરોળી નાંખ્યાં. વાંસે વડોદરાની ફોજો અાંટા દેવા લાગી. પણ ચાંપરાજને કોઈ ઝાલી શકયા નહિ. ચાંપરાજ વાળાએ પણ ગામડાને ખંખેર્યા પછી એક દિવસ પોતાના સાથીઓને વાત કરી “ભાઈ હવે તો ઘેંસનાં હાંડલાં ફોડી ફોડીને કાઈ ગયા છીએ. હવે તો દૂધ ગેોરસ માથે મન ધ્રોડે છે.” “એટલે શું ચાંપરાજ વાળા? અમરેલી ધારીને માથે મીટ મંડાય એવું નથી હો! પલ્ટનું ઉતરી પડી છે વડોદરેથી.” સંચોડી ગાયકવાડી જ અાંહી ઉતરી આવે તોય કાંઈ ઈ મોજ જાવા દેવાય છે? માટે હાલો અમરેલી. દેવમુનિ જેવાં ઘોડાં રાંગમાં છે એટલે રમવાનું ઠેપ પડશે બા?” કોઈ પણ રીતે ચાંપરાજ ન માન્યો. અને અમરેલીની વડી ને ઠેબી બબ્બે નદીઓનાં પાણીમાં ઘોડીઓને ઘેરવી, સમી સાંજના સૂરજને સમરી માળા ફેરવવી, ને દીવે વાટ્યું ચડતી વેળાએ ગામના કાળા કાળમીંઢ પત્થરના ગઢકિલ્લાનાં બારણાં તોડવાં, એવો મનસૂબો કર્યો. અમરેલી આવજી અભંગ ભડ ૨મવા ભાલે (તે દિ') મરેઠીયુ રંગમોલે ચાંપાને જોવા ચડે. [એ શુરવીર ચાંપરાજ! તું ભાલાની રમત રમવા અમરેલી ગામની બજારોમાં દાખલ થાય છે, ત્યારે તને નિરખવા માટે, ઉંચી મ્હેલાતોમાંથી મરાઠા અધિકારીઓની સ્ત્રીઓ ડોકાં કાઢી રહી છે.] ધોળે દિવસે પણ અમરેલીની બજારો ઉજ્જડ થવા લાગી. ચાંપરાજને ભાલે ભલભલા જવાનો વીંધાવા માંડ્યા. અને લૂંટનો અઢળક માલ ચરખા ભેળો થવા લાગ્યો. દખણી ગોવિંદરાવ ડરે, રંગમોલમાંય રાડ્ય કાઠી નત્યો કમાડ, ચોડે બરછા ચાંપડો. [ગોવિંદરામ નામનો સૂબો (અથવા તો મહારાજ ગોવિંદરાવ ગાયક વાડ) ચાંપરાજના ભયથી મુંઝાવા લાગ્યો. રાજમહેલમાં બુમો પડે છે. કેમકે ચાંપરાજ વાળો છેક કમાડ ઉપર બરછી મારીને ચાલ્યો જાય છે.] [૧]ચાંપા ફકરા સિંહરા, રંગ થોભા પ્રજરાણ બડોદરે ભડ બંકડા, પાડ્યો ધવે પઠાણ [સિંહ સરખા કાઠી ફકીરા વાળાના પુત્ર ચાંપરાજ વાળા! કાઠીની ત્રણે પરજો (ખાચર, ખુમાણ, વાળા)ના રાણા! રંગ છે તારા થોભાને! કેમકે તેં તો હે બંકા મરદ! વડોદરાની બજારમાં જઈ ગાયકવાડના પઠાણ કોમના લશ્કરી અમલદારને ધબ્બો મારીને ધૂળ ચાટતો કરી દીધો.]
કલ૫ દીધેલ જાંબુવરણા ઘાટા થોભાવાળો એક આદમી એકલ ઘોડે એક ઉંડા વોંકળાની ભેખડની ઓથે બેઠો છે. બાજુમાં ઘોડી હમચી ખુ઼ંદી રહી છે. અને 'ધીરી બાપા! ધીરી રેશમ!' એવે સ્વરે ઉતાવળી થાતી ઘોડીને ટાઢી પાડતો પાડતો અશવાર, પોતાના ખડીયામાંથી ખરલ કાઢીને કસુંબો ઘુંટે છે. ભમ્મર ભાલો, ભેખડને થડ ટેકવેલ છે, તે તરવાર તો પૂજાના પુષ્પ જેવી સન્મુખ જ પડેલ છે. સુરજ મહારાજ સોનાવરણા થઈને આભમાં એનો સાત ઘોડાનો રથ ઉતાવળે હાંકવા માંડ્યા છે.
- આ દુહો એમ બતાવે છે કે ચાંપરાજ વાળો વડોદરાની લુંટ કરવા પણ ગયો હશે.
“રંગ હો! રંગ હો! રંગ હો સૂરજ રાણ!” એમ ત્રણ વાર કસુંબો ઉગમણી દિશામાં છાંટીને જેમ અસવારે ત્રણ રંગ દીધા, તેમ વોંકળાની ભેખડ ઉપરથી ગીસ્ત ઉતરી : મોખરે મોટા દાઢીમૂછાળા આગેવાનો : પચીસ પચીસ ઘોડેસવારો અને સો એક પગપાળા બરકંદાજો! “એ આવો બા આવો! કસુંબો પીવા ઉતરો!” એમ ભેખડને થડ બેઠેલા એકલ આદમીએ આગ્રહ કર્યો. “ઉતરાય એમ તો નથી ભાઈ! મરવાનું યે વેળું નથી.” એમ ગીસ્તના મોવડીએ જવાબ દીધો. “કાં એવડું બધું શું છે?” “આ ચાંપરાજ વાળો અમરેલી ભાંગીને જાય છે, એને અધરાતના ગોતીએ છીએ.” “અરે ભાઈ! મારૂં ગામ પણ ચાંપરાજે આજ રાતમાં જ ભાંગ્યું છે. હું ય અમરેલી જાહેર કરવા જાતો'તો. ચાંપરાજે તો અરેરાટ વર્તાવ્યો છે. પણ શું કરીએ? કસુંબો પીધા વન્યા કાંઈ છૂટકો છે? ઉતરો ઉતરો બા! આથમ્યા પછી અસૂર નહિ!” ગીસ્તને તો એટલું જ જોતું હતું. ઉતર્યા. ઘાસીયા પથરાયા. મ્હોં ધોઈને કોગળા કર્યા. કસુંબો પીધો. પછી એકલ આદમીએ વાત છેડી : “હેં બા! આમાં તમને ક્યાંઈક ચાંપરાજ ભેટ્યો હોય તો શું કરો?” ગીસ્તના માણસો અડખેપડખે જોવા લાગ્યા. “સાચું કહું દરબાર?” મુખ્ય માણસ બોલ્યો. “હા, કહો!” “પ્રભાતનો પહોર છે. મ્હોંમાં પારકો કસુંબો છે. સાચું કહું છું કે અમે એને ફક્ત રામ રામ કરીને તરી જાઈએ." “કાં? સરકાર રોટલા પૂરે છે ઈ શેના?” “એ ભાઈ! ચાંપરાજ વાળો બારવટે નીકળ્યો છે એટલે જ સરકાર આટલી મોટી ફોજને રોટલા આપે છે. કાલ્ય જો ચાંપરાજ વાળો સોંપાઈ જાય, તો આ તમામ બચરવાળ માણસોને નોકરીમાંથી રજા મળે. માટે સારા પ્રતાપ ચાંપરાજ વાળાના બારવટાના!” એકલ આદમીએ આ જવાબ સાંભળીને મ્હોં મલકાવ્યું. ખડીયામાંથી ડાબલો કાઢ્યો. ડાબલામાં સોના મહોરો ભરી હતી. ગીસ્તના અગ્રેસરના ખોળામાં ડાબલો મૂકી દીધો. “આ શું? જમાદાર ચમક્યો. “આ તમારી જીભ ગળી કરવા માટે.” “કાં?” “તમે દુવા દીધી માટે.” “કોણ ચાંપરાજ વાળો તો નહિ?” “હા, એ પોતે જ. લ્યો હવે રામરામ છે.” એટલું કહી ચાંપરાજે છલાંગ દીધી. પલકમાં ઘોડી ઉપર પહોંચ્યો. માણસો જોતા રહ્યા, અને ચાંપરાજે સામી ભેખડ પર ઘોડી ઠેકાવી.
હવે?” ચાંપરાજ વાળાએ મકરાણી જમાદારને કહ્યું “હવે શું કરવું? માથે ગોરાનું ખુન ગડગડે છે. ધરતી આપણને ક્યાંય સંઘરતી નથી.” “તો બાપુ, હાલો મારા મલકમાં – મકરાણમાં.” “ત્યાં શું કરશું?” “ત્યાં તું મારો ઠાકર ને હું તારો ચાકર.” “પણ ત્યાં જઈને મારૂં નામ શું રાખવું?” “નામ તો સુલેમાન અસમાન!” “તો મારે બે બાપના નથી થાવું. તું તારે તારાં માણસો લઈને ચાલ્યો જા ભાઈ! મારે વળી સુરજ ધણીનું ધાર્યું થશે.” નવે જણા ભીમોને ભોજ ખાચરની ડેલીએ ગયા અને ચાપરાંજ વાળો એક બે કાઠીઓને લઈ જેપુરમાળવાને માથે ઉતરી ગયો.
એક દિવસ કચારીની અંદર જેપુર મહારાજની નજર આઘે આઘેના ખુણામાં બેઠલા એક આદમી માથે મંડાઈ ગઈ છે. માથેથી ગોથું ખાઈને પાછા વળેલા દાઢીના કાળા કાતરા: ઉજળો, કંકુવરણી ઝાંય પાડતો મ્હોંનો વાન: ભેટમાં કટારી: ડોકમાં માળા : એવો ચોક્ખો ચારણનો દિદાર હોવા છતાં મહારાજે એના મોરામાં કંઈક નોખા જ અક્ષરો વાંચ્યા. મહારાજે હુકમ કર્યો કે “ઓલ્યા આદમીને આંહી લાવો તો!” એ આદમીએ મહારાજની ગાદી સામે આવીને નીચા ઝુકી સલામ કરી. કેવા છો? મહારાજે પૂછ્યું. “ચારણુ છું.” “ક્યાં રે'વાં?” “કાઠીઆવાડમાં.” વિચાર કરીને મહારાજ ઉભા થયા. “ગઢવા આંહી આવજો તો! એમ કહી, એ આદમીને તેડી પાસેના ઓરડામાં ગયા. જઈને એકાંતે પૂછ્યું. “તમે ગઢવા નથી. ચારણ કોઈ દિ' સલામ ન કરે. પણ એાવારણાં લ્યે. માટે તમે વેશ ધારી છો. બોલો કોણ છો?” “કાઠી છું.” “નામ?” “ચાંપરાજ વાળો.” “ચાંપરાજ વાળા, તમારે માથે ગોરાનાં ખૂન છે. અને અટાણે સરકારની બેસતી બાદશાહી છે. તમે આંહી રહો તો જેપુરની ગાદીને જોખમ છે. માટે નીકળી જાઓ. નાણું જોવે તેટલું ખુશીથી લઈ જાજો.”
ત્યાંથી ચાંપરાજ વાળાનાં અંજળ ઉપડ્યાં.નીકળીને એ માળવામાં આવ્યો : જ્યાં અજર મે'ઝર્યા કરે છે, અને જે 'રાંકનો માળવો' કહેવાય છે, એવા એ રસાળ મુલકમાં ચાંપરાજ વાળો ચારણ વેશે હાવા ગામના એક પટેલને ઘેરે સંતાઈ રહ્યો. પોતાની વ્હાલપભરી ખાતર બરદાસ્ત કરનારા પટેલને ચાંપરાજ વાળાએ કાયમ કોઈ ઉંડી ચિંતામાં રહેતો દીઠો. તેથી એક દિવસ પૂછ્યું કે “પટેલ, પેટમાં આવડું બધું દુઃખ શું ભર્યું છે?” “ગઢવી, તમને કહીને શો સાર કાઢું? જીભ કચરીને મરવા જેવો મામલો ઉભો થયો છે. કહેવાની વાત નથી રહી.” “પણ શું છે? મ્હોંમાંથી ફાટી મરને!” “આ ગામના દરબારનો સાળો મારા દીકરાની વહુને રાખીને બેઠો છે. રોજ આંહી મારા ઘરમાં આવે છે, ને ધરાર એક પહોર રાત રહે છે.” “ઠીક, આજ આવે ત્યારે મને ચેતવજો.” એ જ રાતે એ ફાટેલા સાંઢ જેવા કામીને ચાંપરાજ વાળે ઠા૨ માર્યો. અને ત્યાંથી પણ ચાલી નીકળ્યા. માર્ગે એક બીજું ગામ આવ્યું. ચાંપરાજ વાળાની શોધ તો ચોમેર ચાલતી જ હતી અને ગામેગામ એના શરીરની એંધાણીઓ પણ પહોંચી ગઈ હતી. એ એંધાણીએ આ ગામના ઠાકોરે પોતાના પાદર ઉભેલો ચાંપરાજ વાળાને દીઠો. દેખતાં જ એને વહેમ આવ્યો. ક્યાં રહેવું? ક્યાંથી આવે છે? એમ પૂછપરછ કરતા કરતા ઠાકોર ચાંપરાજ વાળાની થડમાં ગયા. ઘોડીની લગામ ઝાલીને આગ્રહ કરવા માંડ્યા કે “એ બા! ઉતરો, ઉતરો, રોટલા ખાઈને પછી ચાલજો.” બન્નેની રકઝક ચાલવા માંડી. ચાંપરાજ વાળાને તો આવી રીતની પરોણા ચાકરી ઠેકઠેકાણે મળતી હોવાથી કાંઈ કાવત્રુ હોવાનો વહેમ જ ન આવ્યો. પણ પડખે એક ચારણ ઉભેલો હતો. તેણે એક કાગડા સામે કાંકરો ફેંકીને કહ્યું કે “ઉડી જાજે કાગડા!” એ વેણ કાને પડતાં જ, ચાંપરાજ વાળો સમસ્યા સમજી ગયો, ઘોડીને દાબી, ઝોંટ મારીને ઠાકોરના હાથમાંથી લગામ છોડાવીને ભાગ્યો. પણ પગલે પગલે એણે પોતાના મોતના પડછાયા ભાળ્યા.
ગુજરાતમાં ભમતાં ભમતાં એક ચારણને મુખેથી ચાંપરાજે સમાચાર સાંભળ્યા કે “ચાંપરાજ વાળા, તમે તો રઝળો છો, પણ મૂળુભાઈ ઉપર સરકારે બહુ ભીંસ કરવા માંડી છે. એનો ગરાસ જાવાનો થયો છે. તમારી ખુટલાઈના ઢોલ આખી કાઠીઆવાડમાં વાગી રહ્યા છે.” સાંભળીને ચાંપરાજ વાળો ઝંખવાણો પડી ગયો. બહારવટે નીકળ્યા પહેલાં એની લૂંટફાટની બૂમ એટલી બધી વધી હતી કે સરકારે એની સારી ચાલચલગતના હામી માગ્યા હતાં. એ સમયે જેતપુર દરબાર મૂળુ વાળા હામી થયા હતા. ચાંપરાજ વાળાને સાટે એણે પોતાનાં તમામ ગામ ખાલસા થવાનો કરાર સરકારને કરી દીધો હતો. એટલે અત્યારે મૂળુ વાળા ઉપર સરકારનું આકરૂં દબાણ ચાલી રહ્યું હતું. “મારે પાપે જો મૂળુભાઈનો ગરાસ ખાલસા થશે તો તો ગઝબ થઈ જાશે. મારૂં મોત બગડશે. માટે હવે તો જઈને મૂળુભાઈને હાથે જ સરકારમાં સોંપાઈ જાઉં.” એવે વિચારે ચાંપરાજ વાળાએ કાઠીઆવાડ ભણી ઘોડાં હાંકી મેલ્યા, એક દિવસ ઝાલર ટાણે અંધારામાં ભાલના એક ગામડાંને પાદર તળાવને આરે ચાંપરાજ વાળો પોતાના બે અસવારો સાથે ઘોડાને પાણી પાવા ઉભો છે, ત્યાં બાજુમાં જ એક અસવાર પોતાના વેલર ઘોડાને પાણી પાવા આવ્યો. ચાંપરાજની પાછળ ફરનારી પલ્ટનનો જ એ અસવાર છે: એની નજર તારોડીયાને અજવાળે ચાંપરાજના ચહેરા ઉપર પડી. એને બરાબર બારવટીયાની અણસાર ગઈ. ઝબ! દઈને એણે ચાંપરાજ વાળાની ધોડીની લગામ ઝાલી. “કેમ ભાઈ! લગામ કેમ ઝાલછ?” “તુમ ચાંપરાજ વાલા!” “અરે રામ રામ કર, અમે તો ચારણ છીએ.” “નહિ, તુમ ચાંપરાજ વાલા!” “અરે મેલી દે ભાઈ, નીકર ઠાલો માર ખાઈશ.” “નહિ, તુમ ચાંપરાજ વાલા,” “આલે ત્યારે, ચાંપરાજને ઝાલવાનું ઈનામ.” એટલું બોલી તરવારનું ઝાવું કરીને એણે અસવારનો હાથ કાપી નાખ્યો. ધોડીની લગામે એ અરધો હાથ લટકતો રહ્યો અને ચાંપરાજે ઘોડી હાંકી. ત્યાં તો ચાંપરાજ વાળો! ચાંપરાજ વાળો! પકડો! પકડો! એવા રીડીયા થયા, પડખે જ છાવણી પડી હતી તેમાં બીંગલ ફુંકાણાં. મારો! મારો! મારો! કરતા વેલર ઘોડાના અસવાર છૂટ્યા. અને ચાંપરાજ વાળો મુંઝાયો. શામાટે મુંઝાયો? તળાવનો ઘેરાવો ઘણો મોટો છે : પાળે ચાલે તો પાછળ આવનારા અાંબી લઈ, ભુંડે મોતે મારે. અને પોતાને તો મૂળુ વાળાના હાથથી રજુ થાવું છે. હવે શું કરવું? "હાં! નાખો ઘોડાં પાણીમાં!” એમ ત્રણે જણાએ પલકવારમાં તો ઘોડાંના ઉગટા મેવડ, ચોકડાં ને આગેવાળ જેરબંધ ઉતારી લઈ, ધબોધબ તળાવમાં ઝંપલાવ્યું. મગરે તરે તેમ ઘોડીઓ વાંસજાળ પાણીમાં શેલારો દઈ વધવા માંડી. સડેડાટ અંધારામાં સામે કાંઠે ઉતર્યા એમાં પોતાના સંગાથીની ઘોડી થાકીને પાણીમાં ડૂબવા લાગી. અસવારે બૂમ પાડી. “એ ચાંપાભાઈ! હું રહી ગયો છું. હું બુડું છું. હવે રામ રામ છે!” “અરે રહી તે કેમ જાશે? રહેશું તો સહુ એક સામટા માર ઠેકડો! આવી જા મારી ઘોડીને માથે.” એમ કહી, ઘોડીને પાછી ફેરવી, એ ડુબતા કાઠીને કાંડે ઝાલી ચાંપરાજ વાળાએ એને પોતાની ઘોડી માથે બેલાડ્યે બેસારી દીધો, ને પછી એણે મૃત્યુલોકનાં વિમાનોને વ્હેતાં કર્યાં. અંધારી ઘોર રાતમાં છાવણીના અસવારો આસપાસ બધે ગોતી વળ્યા. પણ બહારવટીયો તો બંદુકની ગોળી જેવો! હાથમાંથી છૂટ્યા પછી હાથ આવ્યો નહિ. આખી રાત ઘોડીઓ બબ્બે અસવારને ઉપાડીને ચાલી નીકળી. પંચાળની ધરતી વીંધીને સોરઠમાં ઉતરી. અને પાછલી રાતનો એક પહોર બાકી હતો ત્યારે ગીરમાં જેઠસુર વાળાના બોરડી ગામમાં દાખલ થઈ ગઈ. “ઓહોહો, ચાંપરાજ ભાઈ આવ્યા! ચાંપરાજભાઈ આવ્યા!” એમ જેઠસૂર વાળાએ આદરમાન દઈ ચાંપરાજ વાળાને ઢોલીઆ પાથરી દીધા. અને ઘોડીએાને લીલાછમ બાજરાનું જોગાણ મેલાવ્યું. “બાપુ!” માણસે આવીને કહ્યું “ત્રણમાંથી એક ઘોડી જોગાણ ખાતી નથી. પંથ બહુ આકરો થયો લાગે છે.” “અરે મારી ઘોડી જોગાણ ન ખાય એમ બને ખરું! ભલે ને લંકાનો પંથ કર્યો હોય! કઈ ઘોડી તું કહે છે!” “ધોયેલા (ધોળા) પગ વાળી. “અરે, ધોયેલા પગ વાળી તો એકેય ઘોડી જ નથી.” એમ બોલતો ચાંપરાજ વાળો ઠાણમાં ગયો ત્યાં આઘેથી પોતાની જ ઘોડીનો પગ ગોઠણ સુધી ધોળો ફુલ જેવો દેખાયો. પાસે જઈને જોવે ત્યાં તો એના મ્હોંમાંથી અરેરાટી નીકળી ગઈ. એ પગ ન્હોતો, પણ પગના નળાનું હાડકું જ હતું. સંચોડો ડાબો જ ન મળે. અને પગના કાંડા સુધીની આખી ખોળ જ ઉતરડાઈને ઉપર ચડી ગયેલી!પાંચાળમાંથી રાતે નીકળતી વખતે પહાડના પત્થરની ચીરાડમાં ઘોડીનો પગ ચડી ગયો હતો અને પગ ઉપાડતાં જ, ટોપરાનો વાટકો નીકળે તેવી રીતે પગનો ડાબલો તૂટીને છૂટો થયેલ હતો. પણ ઘોડીએ કળાવા જ દીધેલું નહિ. “આ હા હા હા!” ચાંપરાજ વાળાને યાદ આવ્યું, “ડુંગરામાં રાતે એક વાર ઘોડીના પગનો કાંઈક અવાજ મને સંભળાણો તો ખરો અને તે પછી ઘોડીનો પગ આખી વાટ સ્હેજસાજ લચકાતો આવતો હતો. પણ આમ સંચોડો ડાબો જ નીકળી ગયો હોવાનું ઓસાણ તો મને આવે જ શેનું?” પગ વગરની જે ઘોડીએ, ત્રણ પગે ચાલીને બે અસવારને ચાલીસ પચાસ ગાઉ પહોંચાડી દીધા, તેને આજ ગુડી નાખવાનો સમય આવતાં જ ચાંપરાજ વાળાની છાતી ભેદાઈ ગઈ. ગામની બહાર લઈ જઈને ઘોડીને ઉભી રાખી. એક જ ઘાયે ફેસલો થઈ જાય તે માટે ચાંપરાજ વાળાએ જોર કરીને ઘોડીને ગળે ઝાટકો ચોંટાડ્યો. પણ ડોકું પૂરેપૂરૂં ન કપાયું. વેદનાની મારી ઘોડી ભાગી નીકળી. અને ચાંપરાજ વાળાએ જાણ્યું કે “ભુંડી થઈ! પડખે જ માણેકવાડાની એજન્સીની છાવણી પડી છે. ત્યાં પહોંચ્યા ભેગી જ ઘોડી એાળખાઈ આવશે, આપણા સગડ લેવાશે અને વચમાં નાહક આ બાપડો જેઠસૂર કૂટાઈ જશે!” “બાપ રેશમ! બેટા રેશમ!” એમ ચાંપરાજ વાળાએ સાદ દીધા. અને પીડાથી પાગલ બનેલી ઘોડી ધણીનો બોલ સાંભળીને દોડતી પાછી આવી. આવીને માથું નમાવી ઉભી રહી, એટલે બીજ ઝાટકે ચાંપરાજે એની ગરદન ઉડાવી દીધી.
વન ગઈ પાલવ વિન જનની કે'તાં જે દોરીને ચાંપો દેતે માન્યું સાચુ મૂળવા! [હે મૂળુ વાળા! કાઠીઆણી જ્યારે ચોરીમાં પરણવા બેસે ત્યારે કાપડું પહેરતી નથી, એ વાત આજે, તેં જ્યારે ચાંપરાજને દોરીને સરકારમાં સોંપી દીધો ત્યારે જ મેં સાચી વાત માની : એટલે કે એવી નિર્લજ્જ માતાના પુત્ર તારા સરખા મિત્રદ્રોહી જ થાય એમાં નવાઈ નથી.] (આ લગ્ન-પ્રથા સંબંધે એવી કથા કાઠીઓમાં પ્રવતે છે કે, “મુસલમાન રાજ્યના કોઈક સમયમાં, દરેક ક્ષત્રિય રાજાની પરણેતર કોઈ બાદશાહ, પ્રથમની રાતે પોતાના શયનગૃહમાં મોકલવાનો હુકમ કરતો. પછી એ પ્રથા ત્યજીને પાદશાહે એવો હુકમ કરેલો કે પ્રત્યેક ક્ષત્રિય કન્યાને પરણતી વેળા જે કાંચળી પહેરાવામાં આવે, તેના સ્તન–ભાગ પર પાદશાહી પંજાની છાપ હોવી જોઈએ. આ આજ્ઞાને તાબે બીજા બધા થયા પણ કાઠીઓએ તો તે કલંકમાંથી મુક્ત રહેવા ખાતર લગ્ન વિધિમાંથી કાપડું જ કાઢી નાખ્યું.” આ વાતમાં કશું વજૂદ જણાતું જ નથી.] જાશે જળ જમી, પોરહ ને પતીઆળ ચાંપા ભેળાં ચાર, માતમ ખોયું મૂળવા [હે મૂળુ વાળા! ચાંપરાજ જાય છે. તેની સાથે જળ, જમીન, પૌરૂષ અને પ્રતિષ્ઠા, એ ચારે ચીજો ચાલી જાય છે. એને સોંપી દઈને તેં તારૂં માહાત્મ્ય ગુમાવ્યું.] (કાં તો) જેતાણું જાનારૂં થયું, મૂળુ ઈદલ મોત ખાધી મોટી ખોટ, દોરીને ચાંપો દીયે. [કાં તો જેતપૂર જનારૂં થયું, કાં તારૂં મોત આવ્યું. હે મૂળુ વાળા! તે ચાંપરાજને સોંપી દેવામાં માટી ખોટ ખાધી છે.] આવા ઠપકાના દુહા ચારણો ઠેર ઠેર સંભળાવવા લાગ્યા. મૂળુ વાળાને માથે ચાંપરાજને રાજકોટ જઈ સોંપી દેવાનું આળ મૂક્યું. પણ બીજી બાજુ કૈંક લોકો કહે છે કે મૂળુ વાળાનો વાંક નહોતો. મૂળુ વાળાએ તે બહુ બહુ વિનવ્યું હતું કે “ચાંપા, ભલો થઈને ભાગી જા. ભલે મારો ગરાસ જપ્ત થાય.” પણ ચાંપરાજ માન્યો નહિ. સોંપાયો. એના ઉપર મુકર્દમો ચાલ્યો. અને એને જન્મકેદની સજા થઈ. યેરોડાની જેલમાં એને મોકલી દેવામાં આવ્યો. ઈ. સ. ૧૮૩૭.
હમણાં જેલર સા'બ કેમ નથી દેખાતા?” “એની મઢ્યમને પેટપીડા ઉપડી છે.” “શા કારણથી?" “બાપડીને છોરૂ આવ્યાનો સમો થીયો છે. પણ આડું આવેલ હોવાથી છૂટકો થાતો નથી. મોટામેટા ગોરા સરજનોએય હાથ ધોઈ નાખ્યા છે, અને મઢ્યમ તો હવે ઘડી બે ઘડીમાં મરવાની થઈ છે. જેલના દરોગાને મોઢે આ વાત સાંભળીને ચાંપરાજ વાળાને વિચાર ઉપડ્યો. એણે કહ્યું કે “અરે ભાઈ, એમાં ગોરા સરજનનો ઉપા' કાર નહિ કરે. ઘણું ય મારી આગળ દવા છે, પણ ઈ દવા કોણ કરે? જેલર સાબને કાને મારી વાતે ય કોણ પોગાડે” દરોગાએ જઈને સાહેબને બંગલે વાત પહોંચાડી કે કાઠીઆવાડનો એક કેદી આડાં ભાંગવાની દવા જાણે છે. અંગ્રેજને અજાયબી તો બહુ થઈ. માન્યામાં તો આવ્યું નહિ. પણ ડુબતો માણસ તરણાને યે ઝાલે એ રીતે એણે ચાંપરાજ વાળાને દવા કરવાનું કહ્યું. ચાંપરાજે માગ્યું કે - “એક તરવાર : એક ઘીનો દીવો : ધુપ: અને એક માળા: ચાર વાનાં લઈને મને નદી કે નવાણને કાંઠે જવા દ્યો.” માગી તેટલી સામગ્રી આપીને ચાંપરાજને જળાશય કાંઠે તેડી ગયા. નહાઈ ધોઈ, ધોતીયું પહેરી, ઘીનો દીવો ને ધુપ કરી હાથમાં માળા લઈને પ્રભાતને પ્હોર ચાંપરાજે સુરજ સામે હાથ જોડ્યા: “હે સૂરજ! મારી પાસે કાંઈ દવા નથી. પણ આજસુધી મેં પરનારી ઉપર મીટ પણ ન માંડી હોવાનો જો તું સાક્ષી હો મનમાં પરનારીનો સંકલ્પ પણ જો મેં કોઈ દિ' ન કર્યો હોય, તો તે મઢમ બેનનું આડું ભાંગીને તારા છોરૂની લાજ રાખજે બાપ! નીકર આ તરવાર પેટમાં પરોવીને હું સુઈ જઈશ.” આટલું બોલી, પોતાની નાડી ધોઈ, ધોણનું પાણી પોતે દરોગાના હાથમાં દીધું. “લે ભાઈ, મઢમ બેનને પીવરાવી દે, ને પછી મને આંહી ખબ૨ આ૫ કે છૂટકો થાય છે કે નહિ.” પાણી લઈને દરોગો દોડ્યો, અને ચાંપરાજે ઉઘાડી તરવાર તૈયાર રાખી સુરજના જાપ આદર્યા. કાં તો જેલમાંથી છૂટું છું ને કાં આંહી જ પ્રાણ કાઢું છું. એવો નિશ્વય કર્યો, એક, બે, ને ત્રણ માળા ફેરવ્યા ભેળાં તો માણસ દોડતાં આવ્યાં, “ચાંપરાજ ભાઈ, મઢ્યમને છૂટકારો થઈ ગયો! પેટપીડ મટી ગઈ! રંગ છે તમારી દવાને” મઢમે ચાંપરાજ વાળાને પોતાનો ભાઈ કહ્યો અને પોતાના ધણી સાથે જીકર માંડી કે “મારા ભાઈને છોડાવો.” “અરે ગાંડી! જન્મ-ટીપનો હુકમ એમ ન ફરે” “ગમે તેમ કરીને વિલાયત જઈને ફેરવાવો. નીકર તમારે ને મારે રામરામ છે!” મઢમનાં રીસામણાંએ સાહેબનાં ઘરને સ્મશાન બનાવી મૂક્યું. સાહેબે સરકારમાં લખાણ ચલાવીને મોટી લાગવગ વાપરી ચાંપરાજ વાળાની સજા રદ કરાવી દીધી અને દશ બાર વરસ સુધીની એની મજુરીના જે બસો ત્રણસો રૂપીઆ એના નામ પર જમા થયેલા તે આપીને, ચાંપરાજ વાળાને રજા દીધી. મઢમ બહેનની વિદાય લેતી વેળા બહારવટીયાની ખુની આંખોમાંથી પણ ખળળ! ખળળ! આંસુડાં વહેવા લાગ્યાં. મઢમનું હૈયું પણ ભરાઈ આવ્યું. પડખેના બંદરેથી વ્હાણમાં બેસીને ચાંપરાજ વાળો ભાવનગર ઉતર્યો. પહાંચ્યો મહારાજ વજેસંગજીની પાસે. કચારીમાં જઈને પગે હાથ નાખ્યા. “મારો કનૈયાલાલ! મારો વજો મહારાજ! બાપો મારો! મને કારાગૃહમાંથી ઉગાર્યો!” એવી બૂમાબુમ કરીને એ નટખટ કાઠીએ કચારી ગજાવી મૂકી. “ઓહોહોહો! ચાંપરાજ વાળા, તમે ક્યાંથી?” “મહારાજે મને છોડાવ્યો.” ચાંપરાજે લુચ્ચાઈ આદરી. “હેં! સાચેસાચ મેં તમને છોડાવ્યા! શી રીતે?” “અરે વજા મહારાજ! તારી તે શી વાત કરૂં? જાણ્યે એમ થયું છે એક દિ' રાતમાં કનૈયાલાલનું રૂપ ધરીને આપ મારી જેલની ઓરડીમાં પધાર્યા, અને મારી બેડીઓ તોડી, મને દરવાજા ફટાક ઉઘાડા કરી દીધા. અને હું નીકળી આવ્યો. મહારાજ કનૈયાનો અવતાર છે, એમ સહુનું કહેવું મારે તો સાચું પડ્યું.” એમ કહીને, પોતાની જેલની મજુરીના જે રૂપીઆ બાકી રહ્યા હતા, તે મહારાજને માથેથી ઘોળ કરીને મહારાજના પગમાં ધરી દીધા. “અરે રંગ! રંગ કાઠીભાઈની કરામતને!” એમ રંગ દઈને ડાહ્યા રાજા વજેસંગજીએ ચાંપરાજની પીઠ થાબડી. ચાંપરાજ વાળાને મહામૂલના સરપાવની પહેરામણી કરીને પોતાના અસવારો સાથે ચરખા પહોંચતો કર્યો. અને ત્યાર પછી ચાંપરાજ વાળો, ઘર અાગળ પથારીમાં જ મરણ પામ્યો *[૧]
- કેપ્ટન બેલ, પોતાના “ધ હીસ્ટરી એાફ કાઠીઆવાડ” નામના પુસ્તકમાં ફકત એટલો જ ઉલ્લેખ કરે છે કે,
“ચાંપરાજ વાળો, કે જેણે ૫ંદ૨ નંબરના બોમ્બે ઈન્ફન્ટ્રીના એક અધિકારીને ગોળીથી ઠાર કર્યો હતો, તે ઈ. સ. ૧૮૩૭માં પકડાયો અને પોતાના દુષ્ટ કૃત્યોના બદલામાં જન્મ-ટીપ પામ્યો હતો. ચાંપરાજ વાળો નામીચો અફીણી હતો. જેલમાં પણ એને દવાના મોટા મોટા રગડા પાઈને જીવતો રાખવો પડ્યો હતો. દવાની અકકેક માત્રા છેવટે સીતર ગ્રેઈન સુધી પહોંચી ગઈ હતી. જ્યારે એ છૂટો હતો ત્યારે એને દરેક ટંકે કબુતરના અકકેક મોટા ઈંડા જેટલું અફીણ લેવું પડતું હતું.