સોરઠી બહારવટીયા/વાલો નામોરી

વાલો નામોરી

તારા જે નામોરી તણા, ઠુંઠા ઘા થીયા ઈ પાછા પોઢે ના વિનતા ભેળા વાલીયા [હે નામોરીના પુત્ર વાલા! તારા ઠુંઠા હાથની ગોળીઓના ધા જેના ઉપર થાય, એ લોકો ફરી વાર પોતાની સ્ત્રીઓ સાથે પોઢવાનું સુખ પામી શકતા નથી, મતલબ કે તારા ભડાકા અફર જ હોય છે.] કચ્છ દેશના દેપલા ગામને ચોરે અસલ થળના ઉંટીઆની કતાર ઉભી છે. ઘઉંલા વાનનો, મધ્યમ કદનો અને એક હાથે ઠુંઠો બહારવટીયો બીજા હાથમાં સળગતી જામગ્રીએ બંદૂક હીલોળતો ચોકમાં ટેલી રહ્યો છે. પંખીડું પણ જાણે કે ઝાડવાં ઉપરથી ઉડતું નથી. એ ઠુંઠો આદમી પોતે જ બહારવટીયો વાલો નામોરી, સાવઝ જેવું ગળું ગજાવીને બહારટીયાએ હાક દીધી. “બેલીડાઓ : લૂંટવાની વાત તો પછી, પ્રથમ પહેલો એ કમજાત સંધીને હાજર કરો, કે જે આપણા દોસ્તની ઓરતને ભગાડી લાવ્યો છે.” બહારવટીયાઓ નાકે નાકે ઓડા બાંધીને ઉભા રહી ગયા છે. ગામમાંથી કૂતરૂં પણ બહાર જઈ શકે તેમ નથી. જે લંપટ સંધીને સજા દેવા વાલો આવ્યો હતો તે ગામમાં જ હાજર છે. જેની એારતને એ સંધી ઉઠાવી લાવ્યો હતો તે ભાઈબંધ પણ વાલા નામોરીની સાથે પોતાનું વેર લેવા આવ્યો છે. થોડી વારમાં તો એ ચોરને બાવડે બાંધીને બંદૂકદાર બહારવટીયાઓએ હાજર કર્યો. પારકી બાયડીના ચોરને જોતાં જ વાલાએ બંદુકનો ઘોડો ચડાવ્યો. ત્યાં તો સંધી આવીને”એ વાલા! બાપ વાલા! તારી ગા'છું!” એમ બોલતો વાલાના પગમાં ઢળી પડ્યો. તુર્ત જ વાલાએ બંદૂકનો ઘોડો ઉતારી નાખ્યો. “વાલા ભા! એ નાપાકને માથે તને રહેમ આવી ગઈ?” એમ બોલતો એ એારતનો ધણી તલવાર ખેંચીને પોતાના વેરીનું ગળું વાઢવા ધસ્યો. આડા હાથ દઈને વાલો બોલ્યો “બેલી, હવે કાંઈ એને મરાય? ગા'ની ગરદન કપાય કદિ? રે'વા દે.” એમ કહીને વાલાએ સંધીને પૂછ્યું “એલા સંધીડા, તું ગા' થાછ કે?” “સાત વાર તારી ગા'.” “તો ભાં કર.” “ભાં! ભાં! ભાં!” એમ ત્રણ વખત સંધીએ ગાયની માફક ભાંભરડા દીધા. એટલે વાલો બોલ્યો, “જો ભાઈ, બચાડો ગા' બનીને ભાંભરડા દીયે છે. હવે તારી તરવાર હાલશે?” “બસ હવે મારૂં વેર વળી ગયું” સંધીને છૂટો કર્યો. “વાલા ભા!” એના બંદૂકદાર સાથીઓએ ગામમાંથી આવીને જાહેર કર્યું. “ઘરેઘર ફરી વળ્યા.” “પછી?” “ઝાઝો માલ તો ન જડ્યો.” “એમ કેમ?” “આજ મોળાકતનો તહેવાર છે. વસ્તીની બાઈયું ઘરમાં જેટલાં હોય એટલાં લુગડાં ઘરેણાં અંગ ઉપર ઠાંસીને રમવા નીકળી ગઈ છે.” “ઠીક, હાલો બેલી!” એવો ટુંકો ન સમજાય તેવો જવાબ આપીને બહારવટીયો બંદુકને ખંભે તોળી મોખરે ચાલ્યો. પાછળ બધા સાથીએાએ પગલાં માંડ્યાં. ઝાંપા બહાર નીકળતાં જ વડલા નીચેથી બસો સ્ત્રીઓનાં ઝાંઝરના રૂમઝુમાટ તાળીઓના અવાજ અને સૂર સંભળાણા કે– મણીઆરડા રે હો ગોરલના સાયબા રે, મીઠુડી-બોલીવાળો મણીઆર નીમાણાં નેણાં વાળો મણીઆર ભમરીયા ભાલાવાળો મણીઆર. સહુની આંખો એ દિશામાં મંડાઈ, પણ મુખી બહારવટીયો તો જાણે ઉજ્જડ વગડામાં ચાલ્યો જતો હોય એવી બેપરવાઈથી ડગલાં ભર્યે જાય છે. “વાલા ભા! આ બાજુએ.” સાથીએ સાદ કર્યો. “શું છે બેલી?” વાલાએ ગરવે મ્હોંયે પૂછ્યું. “આંહી બાઈયું રાસડા રમે છે. હાલો આકડે મધ તૈયા૨ છે. ટપકાવી લઈએ." “બેલી જૂમલા!” વાલે રાતી આંખ કરીને કહ્યું, “ઓરતુંનાં ડીલ માથે આપણો હાથ પડે તો બહારવટાનો વાવટો સળગી જાય.” “પણ ત્યારે કાઠીયાવાડથી ઠેઠ કચ્છ સુધીનો આંટો! અફળ જાય?” “સાત સાત વખત અફળ. વાલો બેઈમાન ન્હોય, જૂમલા.” વાલાના પ્રતાપમાં અંજાયેલાં માણસો મુંગે મ્હોંયે એની પાછળ, મનમાં ને મનમાં એની તારીફ કરતાં કરતાં, ચાલતાં થયાં. વસ્તીમાંથી નીકળીને જેમ સાંઢીઆ રણની રેતીમાં વેગ કરવા લાગ્યા, તેમ તો બંદુકની ગોળીઓ સમી અસલ થળની સાંઢ્યો ઉપર ભુજની ફોજને સૂસવાટા કરતી આવતી ભાળી. ભગાય એવું તો રહ્યું નથી. ઓથ લેવાનું એક પણ ઝાડવું નથી. રેતી ધખધખે છે. ચારે બાજુ ઝાંઝવાં બળી રહ્યાં છે. સાથીઓએ અકળાઈને બુમ પાડી, “વાલા! હવે શું ઈલાજ કરશું? ગોળીએાના મે' વરસતા આવે છે.” “ઉંટ ઝુકાવો અને ચોફરતા ઉંટ બેસાડી, ઉંટના પગ બાંધી દઈ, વચ્ચે બેસી જાઓ, બેલીડા! જીવતાં જાનવરનો ગઢ કરી નાખો.” સબોસબ સાંઢીયા કુંડાળે ઝોકારવામાં આવ્યા, અને વચ્ચે બહારવટીયાનું જૂથ સાંઢીઆના શરીરોની ઓથે લપાઈ બંદુકોમાં દારૂગોળી ધરબવા મંડ્યું. “મને ભરી ભરીને દેતા જાવ ભાઈઓ!” એમ કહીને વાલે અક્કેક બંદુક ઉપાડી ઉપાડી, પોતાના ઠુંઠા હાથ ઉપર બંદુકની નાળ ટેકવી, ઝીણી આંખે નિશાન લઈ જુદ્ધ આદર્યું. આંહીથી ગોળી છુટે તો સામી ફોજનાં માણસોમાંથી આ અક્કેકને ઠાર કરતી જાય છે અને સામેથી આવતી ગોળીઓ સાંઢીયાના શરીરમાં જ રોકાઈ રહે છે. એવી સનસનાટી અને ગોળીએાની વૃષ્ટિ સાંજ સુધી ચાલુ રહી. દિવસ આથમ્યો અને અંધારૂં ઉતર્યું એટલે બહારવટીયા ઉંટને રણમાં મેલીને નાસી છૂટ્યા.

હરિપર અને ગોલાબાના અગરની વચ્ચે એક જગ્યા છે. બે બાજુ એ પાણી ચાલ્યાં જાય છે, ને વચ્ચે એક ખાડો છે. ​દેપલા ભાંગીને બહારવટીયા આ ખાડામાં આવી આરામ લે છે. પ્રભાતને પહોરે દાયરો ભરીને વાલો બેઠો છે; તેવે એક સાથીએ ગરૂડના જેવી તીણી નજર લંબાવીને કહ્યું “કોઈક આદમી ઘોડે ચડીને આવે છે ભા!” “આવવા દીયો.” અસવાર નજીક આવ્યો એટલે એાળખાયો. “અરે વાલા ભા! આ તો તારા બનેવી કેસર જામની એારતને ઘરમાં બેસાડનારો નાપાક ડુંગર મોવર!” “હેં! સાચેસાચ ડુંગર મોવર?” એટલું બોલીને કટ! કટ! કટ! સહુએ બંદૂકોના ઘોડા ચડાવ્યા, ધડ! ધડ! ધડ! એક, બે, ત્રણ, એમ સાત ગોળીએ છુટી. પણ સાતમાંથી એક પણ ગાળી શત્રુને ન આંટી શકી. એટલે વાલાએ ઉંચો હાથ કરીને બૂમ પાડીઃ– “બસ કરો ભાઈ, હવે આઠમો ભડાકો ન હોય. એની બાજરી હજી બાકી છે.” તૂર્ત વાલો ઉઠ્યો. શત્રુની સામે જઈને હાથ મિલાવ્યા. હાથ ઝાલીને ઘોડા પરથી નીચે ઉતાર્યો. પીઠ થાબડીને કહ્યું કે “આવ ડાડા! આવ. તારી બાજરી હજી બાકી રહી છે. ખુદાની ઉપરવટ અમારે નથી થાવું.” એમ બોલીને ડુંગરને દાયરામાં બેસાર્યો. સાત બંદૂકોના ભડાકા સવારને ટાઢે પહોરે રણમાંથી માળીયા ગામમાં સંભળાયા. અને તૂર્ત જ માળીયેથી વાર ચડી. વાર ચાલી જાય છે, તે વખતે માર્ગને કાંઠે ખેતરમાં ઉકરડા નામનો એક બુઢો મીંયાણો અને તેનો આઠ દસ વરસનો દીકરો દેસળ સાંતી હાંકે છે. વારના મુખીએ પૂછ્યું, “એલા કેની કાર ભડાકા થયા?” નાનો છોકરો દેસળ દિશા બતાવી દેવાની તૈયારીમાં હતો. ત્યાં એના બુઢ્ઢા બાપે જવાબ દઈ દીધો કે “ડાડા અમે ભડાકા ​તો સાંભળ્યા, પણ આ સાંતીનો અવાજ થાય છે તેમાં દૃશ્યનું ધ્યાન નથી રહ્યું.” તેજ વખતે ખંભે દૂધની કાવડ લઈને એક ભરવાડ હાલ્યો આવે છે. વારે પૂછ્યું કે “એલા ગોકળી, બંદૂકના અવાજ કઈ દૃશ્યે થયા?” “બાપુ આ દશ્યે” એમ કહીને ગોવાળે આંગળી ચીંધી. વારને તો એટલું જ જોતું હતું. તૂર્ત બંદૂકના કંદા ઉગામી સિપાહીઓએ હાકલ કરી કે, “ચાલ્ય સાળા સાથે. મોઢા આગળ થઈ જા. દૃશ્ય બતાવ.” ગોવાળે ફીણાળાં દૂધની-તાંબડીવાળી કાવડ નીચે મેલીને પેલા ખેડુ બાપ દીકરાને કહ્યું “લ્યો ભાઈ આ દૂધ શીરાવજો. તમારા તકદીરનું છે!” બહારવટીયા તો પ્રભાતને પહોરે કંઈ ધાસ્તી વગર ખાડામાં બેઠા છે, ત્યાં તો માળીયાની વાર અચાનક કાંઠે જઈને ઉભી રહી. બંદૂકદાર પોલિસનો ગટાટોપ બંધાઈ ગયેલો ભાળતાં જ વાલે બંદૂકનો ઘોડો ચડાવી ગીસ્તના સરદારની છાતી સામે જ નાળ્ય નોંધી. નોંધતાંની વાર તો જમાદાર હાથ જોડીને પોકારી ઉઠ્યો “એ વાલા! તેરેકુ બડા પીરકા સોગંદ!” “ખબરદાર ભાઈઓ! હવે ઘા ન થાય.” એમ કહીને વાલાએ બંદૂક હેઠી મેલી. વારવાળાને સંદેશો દીધો કે “ભાઈઓ, માળીયામાં અમારા દુશ્મન હોય એને તરવાર બાંધીને આવવાનું કહેજો. અને હેતુ મિત્રુ હોય તેને કહેજો કે અમને દફનાવવા આવે. અમારે આજ આંહી જ મરવું છે.” વાલાની માફી પામીને વાર પાછી આવી. થાણદારને વાત જાહેર થઈ. થાણદાર જાતનો ભાટી હતો. ભેટમાં છુરી બાંધતો. મીયાણા જેવાં હથીઆર રાખતો, મીયાણાનો પોશાક પહેરતો, અને પોતાના અડદલી સિપાઈ મેઘા કદીયાને રોજ મૂછોના ​આંકડા ચડાવીને પૂછતો કે “જો મેઘા, હું મીયાણા જેવો લાગું છું કે નહિ?” મેઘો બિચારો નોકર હોવાથી ડોકું ધુણાવતો કે “હા સાહેબ, સાચી વાત. અસલ મીયાણા લાગો છો હો! તમારા સામી કોઈ નજર ન માંડી શકે!” દરરોજ મીયાણાનો વેશ કાઢનાર આ થાણદાર તે દિવસ સવારે માળીયાના મીયાણાની હાજરી લઈ રહ્યો છે, ખોંખારા ખાઈને ધમકીઓ આપી રહ્યો છે, તે વખતે આમર મૂરૂ નામના મીયાણાએ વાત કાઢી કે “સાહેબ, અમને તો પાસ પરવાના આપી આપીને દિવસ રાત હાજરી લઈ હેરાન કરો છો, પણ ઓલો વાલીયો ઠુંઠો તો પાસ વગરનો જ રણમાં બેઠો છે, એને એક વાર પાસમાં નોંધાવો ને! એને સજા કરો ને! હાલો દેખાડું. આ બેઠા ભાળીયાના થડમાં જ.” “બોલ મા, તારૂ સારૂં થાય! આમરીયા બોલ મા, મને બિમારી છે.” વાલીયાનું નામ સાંભળતાં જ એ મીયાણા વેશધારી સાહેબને બિમારી થઈ આવી હતી.

જામનગરનો પોલિસ ઉપરી ઓકોનર સાહેબ કરીને એક ગોરો હતો. ઓકોનર પોતાની ટુકડી લઈને વાલાની ગંધે ગંધે ભમે છે. એક દિવસ એની છાવણી આમરણની નજીકમાં પડી છે. દિવસનું ટાણું છે. એવે એક ભરવાડ હાથમાં પગરખાં લઈને શ્વાસભર્યો દોડ્યો આવ્યો અને સાહેબને જાહેર કર્યું કે “સાહેબ, ચાલો બહારવટીવા બતાવું.” “જાવ સાલા! નહિ આવેગા” “અરે સાહેબ, પણ બહારવટીયા સપડાઈ ગયા છે. તમારે જરાય જોખમ નથી.” “કયા હે?” “સાહેબ, આમરણ બેલાના મોહારમાં સૂકી જગ્યા જાણીને બારવટીયા ચાલ્યા ગયા, અને વાંસેથી ભરતીનું પાણી ખાડીમાં ફરી વળ્યું, એટલે અટાણે બારવટીયા એક ટેકરી માથે ઉભા થઈ રહ્યા છે, ને ચારે દૃશ્યે જળબંબાકાર છે. ભાગવાની બારી નથી રહી. પાંચ ભડાકે બધા પરોવાઈ જાય તેવું છે. માટે ચાલો.” “જાવ, હમ નહિ આવેગા.” “અરે ફટ્ય છે તારી ગોરી ચામડીને, માળા કોઢીયા!” એટલું કહીને ભરવાડ ઉપડ્યો, આવ્યા આમરણ દરબારની પાસે. આમરણ દરબાર તૂર્ત જ વારે ચડ્યા. લપાતા લપાતા બરાબર બહારવટીયાની પાછળ જઈને બે જુવાન પઠાણોએ વાલાને માથે ગોળી છોડી. બેહોશ થઈને વાલો પડી ગયો. વાલાના સાથી વાગડ વાળા જુમા ગંડે જાણ્યું કે વાલો મરી ગયો. “વાઢી લ્યો વાલાનું માથું.” જુમે હુકમ કર્યો. “ના, એ નહિ બને, કદાચ મારો ભાઈ હજુ જીવતો હોય.” એમ બોલીને વાલાનો ભાઈ પરબત મોવર આડો પડ્યો. ત્યાં તો બેશુદ્ધિમાંથી વાલો બેઠો થયો. પોતાના ઉપર ગોળી છોડનાર બે જુવાન પઠાણોને પોતે ખોપરી ઉપર ગાળી લગાવીને માથાં ફાડી નાખ્યાં. સાંજ સુધી ધીંગાણું કરીને વાર વહી ગઈ. એટલે પછી વાલાએ જુમા ગંડને કહ્યું, “જુમલા, તારે મારૂં માથું વાઢવું'તું, ખરૂં ને? હવે. તારે ને મારે અંજળ ખુટી ગયાં, માટે ચાલ્યો જા બેલી.” જુમો ગંડ ત્યાંથી જુદો પડ્યો. એ ધીંગાણામાં વાલાને પણ ખભા ઉપર પઠાણની ગોળી વાગી, અને બહારવટીયા નાસી છૂટ્યા. પોતાના આશરાના સ્થાનમાં જઈને વાલાએ સાથીને કહ્યું. “બેલી, કોઈ છુરી લાવજો તો.” છુરી લઈને વાલાએ પોતાને જ હાથે, પોતાની ગોળી વાગી હતી તે જગ્યાની અંદરના માંસમાંથી ભાંગેલાં હાડકાની કરચો કરચ બહાર કાઢી નાખી. માણસો જોઈ રહ્યાં કે માંસની અંદ૨ પડેલા છિદ્રમાં અરધી છુરી ચાલી જાય છે, છતાં વાલો નથી ચુંકારો કરતો, કે નથી એ પોતાનો હાથ પાછા ચોરતો. એક મહિના સુધી વાલો પડદે રહ્યો.

વૈશાખ મહિનાને એક દિવસે બાર હથીઆરબંધ સિપાઈની ચોકી સાથે ત્રણ ચાર ગાડાં ચાલ્યાં જાતાં હતાં. અને ગાડાંની અંદર દફતરો ભર્યા હતાં. સાથે એક સીરેસ્તદાર બેઠો હતો. જામનગરને ગામડે ગામડેથી રસ્તામાં સિપાઈની ટુકડી ગોવાળોના ઘેટાં, કણબીઓનાં દૂધ અને લૂવાણાઓની દુકાનનાં લોટ, દાળ, ધી બંદૂકના કંદા મારી મારીને ઉધરાવતી જતી હતી. ત્યાં તો જામનગરની જ સરહદમાં બહારવટીયાનો ભેટો થયો. વાલાએ પડકારો કર્યો કે, “ખબરદાર, ગાડાં થોભાવો.” સિપાઈઓ બંદુક ઉપાડવા જાય ત્યાં તો બહારવટીયાની નાળ્યો એકએક સિપાઈની છાતીને અડી ચૂકી. સિપાઈઓ હેબત ખાઈ ગયા. વાલે હાકલ કરી, “જો જરીકે હલ્યા ચલ્યા છો ને, તો હમણાં બાઈડી- છોકરાંને રઝળાવી દઈશ. બોલો ગાડાંમાં શું ભર્યું છે?” “સાહેબનું દફતર.” “ક્યો સાહેબ?” “નગરના પોલિસ ઉપરી ઓકોનર સાહેબ.” “એાહ! ઓકોનર સાહેબ? અમને ભેટવા સારૂ ભાયડો થઈને પડકારા કરે છે એ જ ઓકોનર કે? અમારી બાતમી ​લેવા ગરીબોને સતાવે છે એ કે? બેલીડાઓ! ઓકોનરનાં દફતરને દીવાસળી મેલીને સળગાવી દીઓ.” થોડી વારમાં તો કાગળીયાંનો મોટો ભડકો થયો. દફતર બળીને ખાખ થઈ ગયાં. “કયાં છે તમારો ઓકોનર સાહેબ?” “બાલાચડી.” “બાલાચડીમાં હવા ખાતો હશે! કહેજે એને કે તમને વાલે રામ રામ કહેવરાવ્યા છે અને એક વાર મળવાની ઉમેદ છે. અને આ સીરેસ્તદારનું નાક કાપી લ્યો ભાઈ,” “એ ભાઈસાબ! હું બ્રાહ્મણ છું. તમારી ગૌ છું. મારો જન્મારો બગાડશો મા.” બચવા માટે સીરેસ્તદાર ખોટો ખોટો બ્રાહ્મણ બની ગયો. “ઠીક બેલી, છોડી મેલો એને.”

મચ્છુ નદી ખળળળ ખળળળ ચાલી જાય છે. એને કાંઠે બે પડછંદ જુવાનો બેઠા છે. બન્નેની આંખમાં ખુન્નસ, શરમ અને નિરાશા તરવરે છે. “સાચેસાચ શું ફીટઝરાલ્ડ સાહેબ, અલાણા!” એક જણાએ અંતરની વેદના સાથે પૂછ્યું. “હા ભાઈ મામદ જામ, ફીટઝરાલ્ડ સાહેબની સાથે જ તારી ઓરતને મહોબ્બત છે.” “ગોરો ઉઠીને, કાઠીઆવાડનો પોલીટીકાલ ઉઠીને મીયાણાની ઓરત માથે નજર કરે? ભોરીંગને માથેથી પારસમણિ ઉપાડે?” “તું નામર્દ છો. તારાથી શું થાવાનું હતું?” “અલાણા! કલેજુ ઉકળે છે - તેલની કડા જેવું. અરરર! ઓ૨ત બદલી પછી ક્યાં જઈ માથું નાખવું?” “અને બીજી કોરથી આ નવી મા સોઢી: આપણને જીવાઈ ન દીયે, ને આપણને ભૂખે મરવું!” કાળભર્યો મામદ જામ પોતાને ઘેર ગયો. પા શેર અફીણ ઘુંટ્યું. તાંસળી ભરીને પોતાની એારત સામે ધરી દીધું. “અરે મીયાડા!” બાઈ મ્હોં મલકાવતી બોલી, “ઠેકડી કાં કર?” “ઓરત! આ જનમે તો હવે તું સાહેબની મહોબ્બતનું સુખ ભોગવી રહી. ખુદા પાસે જઈને મઢમનો અવતાર માગજે. લે ઝટ કર.” “અરે ખાવંદ! તું આ શું બોલે છે? ચંદણને માથે કુવાડો ન્હોય.” એટલું બોલી સ્ત્રી સોળ કળાની હતી તે એક કળાની થઈ ગઈ. “લે વગદ્યાં મ કર. પી જા.” “ઠીક ત્યારે અલ્લાબેલી!” એટલું બોલીને જુવાન બાઈ અફીણની તાંસળી ગટગટાવી ગઈ, ઉપર એક શેર મીઠું તેલ પીધું. સોડ્ય તાણીને સુઈ ગઈ. મામદ જામ ઉઠીને બહાર ગયો. અલાણો બેઠો હતો તેની સાથે વાતો કરવા લાગ્યો. “શું કરવું અલાણા? બેય કાળી નાગણીયું, પણ બેય ઓરતો. એને માથે ઘા હોય?” “મામદ જામ! હણનારને તો હણીએ જ. આ નીકળી સોઢી મા. દેને એના ડેબામાં.” મામદ જામે નવી મા સોઢીને નીકળતી ભાળી. પણ એનો હાથ થથર્યો, એટલે તૂર્ત જ મામદ જામની ભરેલી બંદૂક તૈયાર પડી હતી તે ઉપાડીને અલાણાએ જામગ્રી દાગી. ગોળી છૂટી. સોઢી મીયાણી ચાલી જાતી હતી તેની છાતીની આરપાર નીકળી ગઈ, મરતાં મરતાં સોઢીએ જુબાની આપી કે મને મામદ જામે મારી છે. બંદૂક પણ મામદ જામની ઠરી. બન્નેને કેદ પકડ્યા. અલાણો સાક્ષી આપે છે કે “સાહેબ, સોઢીને મેં મારી છે. મામદ જામ નિર્દોષ છે.” મામદ જામ તકરાર કરે છે કે “ના મહેરબાન મેં મારી છે. જુઓને આ બંદૂક પણ મારી છે. અલાણો ખોટો છે.” કચેરીમાં મુન્સફને તાજ્જુબી થઈ ગઈ કે આ બેય જુવાનો એક બીજાનાં ખુન પોતાને માથે એાઢી લેવાની કેવી છાતી બતાવે છે! મામદ જામ ઉપર બીજુ તહોમત એારતના ખુનનું મૂકાયું. અલાણાને સાત વર્ષની સજા મળી, અને મામદ જામને કાળા પાણીનો ફેંસલો મળ્યો.

અમદાવાદથી ઉપડેલી રાતની ગાડી, અધરાત ગળતી હતી તે વખતે, સુસવાટા મારતી અને વગડામાં પાવા વગાડતી પૂરા વેગમાં ચાલી જાય છે. એના એક ડબામાં ત્રીસ હથીઆરધારી સિપાહીઓ અને એક જમાદારની ચોકી નીચે સાત કાળા પાણીની સજાવાળા બહારવટીયાઓ એક બીજાનાં મ્હોં સામે જોઈને બેઠા છે. એક જોરાવર મામદ જામ છે, અને છ ધનાળાના મીયાણા છે. મહીસાગરના પૂલ માથે આવીને ગાડી ધીરી પડી. ચોકીદાર સિપાહીઓમાંથી થોડા જણ જરા ઝોલે ગયા. બહારવટીયાએ એક બીજા સામે આંખોની ઈશારત કરી. હાથમાં બેડી, પગમાં બેડી, હલવું ચાલવું સહેલું નથી, છતાં સહુ એક સામટા કુદ્યા. હાથની બેડીઓ ચોકીવાળાની ખોપરીમાં ઝીંકી, હથીઆર ઝુંટવી, બે ત્રણને ઠાર કરી, મહીસાગરમાં પરબારી છલંગો મારી. પોલિસો હાંફળા ફાંફળા બની કાંઈ જોઈ શકયા નહિ કે આ શું થયું. ​રીડીયા પાડવાની પણ હામ ન રહી. ત્યાં તો ગાડીએ ઘણો પંથ કાપી નાખ્યો. હાથમાં પોલિસોના હથીઆર સોતા, અને પગમાં બેડીઓ છે છતાં, બહારવટીયા મહીસાગરનાં વાંસજાળ પાણીને અંધારામાં વીંધવા લાગ્યા. ચુપચાપ માછલાંની માફક તરતા તરતા સામે કિનારે પહોંચ્યા. છ જણાએ પોતાના પગ પત્થર પર રાખી, હાથ વડે પત્થર મારીને પોતાની બેડીઓ તોડી નાંખી. પણ મામદ જામનો પગ સોઝી ગયો હતો. એની બેડીઓ ચપોચપ થઈ જવાથી ન તૂટી. તેમજ બેડી તૂટ્યા સિવાય એનાથી ચલાય તેવું પણ ન રહ્યું. એણે છયે સાથીઓને કહ્યું, “બેલીઓ, તમે ભાગવા માંડો. હમણાં વારૂં છુટી જાણજો.” “તમને છોડીને તો અમે નહિ જાયીં, મામદ જામ.” “તમે હુજ્જત કરો મા ભાઈ! હું જીવીશ તો નક્કી આવીશ. પણ તમે બધા નાહકના શીદ ભીંત હેઠળ કચરાઈ મરો છો?” છયે જણા રોઈ પડ્યા. નહોતા જતા. મામદ જામે આકરા કસમ આપી રવાના કર્યા અને પોતે પાછો મહીસાગરમાં પડ્યો. ઉભે કાંઠે તરતો તરતો, કાંઠાને ઝાલી ઝાલી ત્રણ ચાર ગાઉ આઘે નીકળી ગયો. બહાર આવીને એક પત્થર લીધો. પોતાની પાસે પોલિસ જમાદારની ઝુંટાવેલી કીરીચ હતી તેના બે કટકા કર્યા. એક કટકાથી બીજા કટકાની ધાર ઉપર કરવત જેવા આંકા કર્યા. એવી રીતના કરવત વતી પોતાની બેડી ઘસી ઘસીને કાપી. હવે એના પગ મોકળા થયા. ભાગ્યો. એક જ દિવસમાં સાઠ ગાઉની મઝલ કરી! મારવાડની સીમમાં ભાગ્યો જાય છે. વેશ તો કેદીનો જ છે. મારવાડના જાટ લોકો ઢોર ચારે છે. એણે આ ભાગતા જવાનને ભાળ્યો. “એલા કો'ક કેદી ભાગે!” મામદ જામને પકડી લઈ મુખીને સોંપ્યો. મુખીએ દયા બતાવી. ખરચી માટે રૂપીઆ દીધા. કહ્યું કે “માંડ ભાગવા.” વડોદરાના થડમાં નવું પરૂં ગામ છે: ત્યાં મામદ જામ આવ્યો. અમદાવાદની જેલમાં ઉમરખાન નામનો નાયક પોતાનો ભાઈબંધ હતો, એની બહેનને ઘેર ગયો. રોટલો ખાય છે ત્યાં ઉમરખાનનો બનેવી આવી પહોંચ્યો. એાળખ્યો. ઘોડાની સરકથી મામદ જામને ઝકડ્યો, લઈને હાલ્યો વડોદરે સોંપવા. માર્ગે ઉમરખાં મળ્યો. સાળો બનેવી લડ્યા. ઉમરખાંએ બનેવીને ઠાર માર્યો. “મામદ જામ! આલે આ તમંચો, આ ઘોડો ને આ રૂપીઆ પાંચ. ભાગી છૂટ. તારા તકદીરમાં હોય તે ખરૂં. પણ અટાણે તો તને અલ્લાએ ઉગાર્યો છે.” “ઉમરખાં? થોડીક ભાઈબંધી સાટુ થઈને સગી બ્હેનનો ચૂડો ભાંગ્યો! ધન્ય છે તને ભાઈ!” એટલું કહીને મામદ જામ ચાલ્યો. ઘોડો વડોદરાની ગુજરીમાં વેચ્યો. ગાડીમાં બેસીને વઢવાણ ઉતર્યો. અમરસંગ દરબારના વાવડી ગામે આવ્યો. ને હવે તો પોતે સાંઈને વેશે છે. દરબાર ઘેરે નહિ. ડેલીએ સિપાઈ બેસે છે એણે એાળખ્યો. સિપાઈએ ગઢની ગોલીને રાખેલી. તેના કાનમાં જઈને કહ્યું, “ઉના રોટલા અને શાક કર. પણ ધીરે ધીરે હો. ઉતાવળ કરીશમાં.” “કાં?” “કાં શું? જેના માથા સાટે રૂ. ત્રણ હજારનું ઈનામ નીકળ્યું છે, એ હાથમાં આવ્યો છે. આજ આપણ બેયનું દાળદર ભુકકા!" “ઠીક, ફીકર નહિ.” “સાંઈ મૌલા! બેસજો હો, રોટલા થાય છે.” એટલું કહીને સિપાઈ થાણામાં ગયો. અને પાછળથી એની રખાત ગોલી ડેલીએ આવી. હોઠ ફફડાવીને બોલી, “સાંઈ મૌલા! ભાગવા માંડજો હો. તમે એાળખાઈ ગયા છો. અને પીટ્યો મારો યાર ફોજદાર પાસે પહોંચી પણ ગયો છે. તમારા માથાનું મૂલ શું છે જાણો છો?” “ના” “રૂા. ત્રણ હજાર.” “છતાં તું મને ભગાડછ? તુ કેવી છો?” “હું ગોલી છું.” “ગોલી!!” “હા ગોલી! પણ હવે વધુ બોલવાની વેળા નથી હો!” બહારવટીયો ભાગ્યો. વાધરવા ગામે આવ્યો. વાલા નામોરીના વાવડ મેળવ્યા. એનું ઠામ ઠેકાણું જાણી લીધું. “લાવો મારાં હથીઆર.” બહારવટીયાને આશરો આપનાર પેથે પગીએ એને હથીઆર દીધાં. નીકળી પડ્યો. નગર ગયો. વાલો નામોરી અને પોતે બને જણા મોવર સંધવાણી[૧] જમાદારને ઘેરે ચાર મહિના મેડા ઉપર રહ્યા. અંતે પછી થાકીને પૂછ્યું. “મોવર સંધવાણી! કંઈ થઈ શકશે અમને માફી અપાવવાનું?” “ભાઈ, અટાણે મોકો નથી.” “ઠીક ત્યારે, અલ્લાબેલી.” નીકળ્યા. રાજકોટની સડકે સીધેસીધા વહેતા થયા. ત્યાંથી જુનાગઢની સડકે. પીઠડીયા ગામની સીમમાં એક દરબારી ભાવર જોટાળી બંદૂક ખંભે નાખીને ફરે છે, મામદ જામે ઝબ જઈને પોતાની બંદૂકની નાળ્ય લાંબી કરી : “મેલી દે જોટાળી. નીકર હમણાં ફુંકી દઉ છું.”

  • આ મોવર સંધવાણી પણ મૂળે બારવટે ચડ્યો હતો. એનું વૃત્તાંત આગળ આવશે.

​“હાં! હાં! હાં! મામદ જામ. બિચારાની નોકરી તૂટશે.” એ રીતે વાલાએ બહુ વાર્યો, પણ ફાટેલ મીયાણો મામદ જામ ન માન્યો. ભાવરનો જોટો ઝુંટવી લઈને ઉપડ્યા. ત્યાંથી વડાળ થઈને ગિરનારના ડુંગરામાં ત્યાંથી આખી ગિર પગ નીચે કાઢી. ચરખાની સીમમાં પડ્યા : ફકીરોનાં ઘોડાં આંચકી લીધાં. ટોડા દૂધાળામાં ઝરખડી નદીની અંદર રોટલા ખાવા બેઠા : બીડનો પસાયતો ગાળો દેતો આવે છે : વાલાએ બંદૂક લાંબી કરીને કહ્યું કે “તારી માની તો અદબ રાખ.” પસાયતે ભાગીને પટેલને જાણ કરી. પીપરીઆ ને બાબરા વચાળે ટોડાળી વાવ છે: ત્યાં બહારવટીયાનો પડાવ છે. લાઠીની ગીસ્તો ત્યાં આવી, આડાં રૂનાં ધાકડાં મેલી ધીંગાણું આદર્યું. બહારવટીયાઓએ વાવની ચોપાસ સાંઢીયાનો ગઢ કર્યો. ફોજવાળાં ધોકડાં રેડવતાં જાય, સામેથી બહારવટીયાની ગોળીઓ ચોંટતી જાય, રૂમાં આગ લાગતી જાય અને ગીસ્તનાં માણસો પાણી નાખી આગ ઠારતા જાય. પણ ધોકડાંની એાથ બહાર ડોકું કાઢ્યા ભેળું તો ડોકું ઉડી જ પડવાનું છે, એ વાત ગીસ્તના માણસો જાણતા હતા. ઠુંઠા હાથવાળા વાલીયાની બંદૂક ખાલી તો કદિ જાતી નહોતી. બહારવટીયાને ભાગી નીકળવું હતું. વડલાની ડાળે એક બંદૂક ટાંગીને વાંસેથી છાનામાના સરકી ગયા. ગીસ્ત સમજે છે કે બંદૂક પડી છે, એટલે બહારવટીયા ગયા નથી, એમ ભ્રમણામાં ને ભ્રમણામાં જ સાંજ પડી. સાંજે બહારવટીયાની મશ્કરી સમજાઈ. બેવકૂફ બનીને ગીસ્ત પાછી વળી. મૂળી તાબાનું જસાપર ગામ ભાંગ્યું : બંદૂકો ઉઠાવી : વઢવાણ કાંપમાં ફીટઝરાલ્ડ સાહેબને મકલા કોળીની સાથે કહેવરાવ્યું કે “અમે- વાલે મોવરે અને મામદ જામે જ ગામ ભાંગ્યું ​છે. અને અમારી બીજે ક્યાંય ગોત કરશો મા. અમે અનલગઢમાં જ બેઠા છીએ.” ફીટઝરાલ્ડે તાર છોડ્યા. રાણી સરકારની ભાલાવાળી લાન્યસર ટુકડી મગાવી: વાંકાનેર, રાજકોટ વગેરે રજવાડાની ફોજ પણ ઝગારા મારતી આવીઃ બધા મળી બે હજાર લડવૈયાનું દળ બંધાયું : મોખરે ગોરો પોલિસ ઉપરી મકાઈ સાહેબ સેનાપતિ બની ચાલ્યો. આસમાન ધુંધળો બનવા લાગ્યો અને ઘોડાના ડાબાને દિશાઓ પડધા દેવા માંડી. અનલગઢ ભાંગીને માંડવના ડુંગર ઉપર બહારવટીયા વાલાએ પાંચસો રૂપીઆની કિમ્મતનો સાચા લીલા કીનખાપનો વાવટો ચડાવી દીધો છે. શત્રુઓને લડાઈનાં નોતરાં દેતો વાવટો ગગનમાં ફડાકા મારી રહ્યો છે, અને બીજા બહારવટીયા મોટા પીરને લોબાનનો ધૂપ કરે છે. ડુંગરામાં સુગંધી ધુમાડાનો પવિત્ર મધમધાટ પથરાઈ ગયા છે. આઠ જણની એ નાનકડી ફોજને પીરના ધૂપની સુવાસ આવતાં તો રૂંવાડે રૂંવાડે મરવા મારવાની ધણેણાટી વછૂટવા લાગી છે. આ બાજુથી બહારવટીયાનો નેજો ભાળતાં જ સેનાપતિએ પરબારો *ચાંચ!'[૧]નો હુકમ પોકાર્યો. “ચાંચ!” થાતાંની વાર જ ભાલાં ને કીરીચો ઉગામી અસવારોએ ઘોડાંને વહેતાં મેલી દીધાં. બે હજાર માણસોનો હલ્લો થાતાં તો એવું દેખાયું કે જાણે હમણાં ડુંગરો ખળભળી હાલશે. ત્યાં તો સામેથી ધડ! ધડ! ધડ! બંદૂકોની ધાણી છુટી. સાઠ સાઠ બંદૂકો ભરીને બહારવટીયાએ તૈયાર રાખેલી છે. છ જણા ઉપાડી ઉપાડીને ભડાકા કરે છે, બાકીના છ જણા ખાલી પડેલી બંદૂકોને નવેસર ભરતા જાય છે. દારૂગોળાની ઠારમઠોર લાગી પડી છે. સીસાની ગલોલીઓનો સાચુકલો મે' વરસવા માંડયો છે. એક, બે, ત્રણ, ચાર, એમ દસ ભાલાવાળા સવારો ટપોટપ ગોળી ખાઈને જખમી થયા. એટલે ભાલાવાળાoના ગોરા સેનાપતિએ “રીટાયર”નું બીંગલ વગાડ્યું. “રીટાયર”નું બીંગલ સાંભળતાં તો મકાઈ સાહેબ લાલચોળ થઈ ગયો. ઘોડા માથે ટોપી પછાડવા મંડ્યો. ડોળા ફાડીને ભાલાવાળી ટુકડીના ગોરા સરદારને ધમકી દેવા લાગ્યા “ડેમ! ફુલ!” “બસ કરો! અમારૂં કામ બહારવટીયા પકડવાનું નથી મુલક જીતવાનું છે.” એમ બોલીને ભાલાવાળાએ પોતાની ફોજને અલાયદી તારવી લીધી. ત્યાં તો વાલા મોવરે ઝીંકીયાળીમાંથી જે નવ વેંત લાંબી ઝંઝાળ હાથ કરી હતી, તેમાં તોપ જેવી મોટી ગલોલી ઠાંસીને પત્થર સાથે બાંધીને જામગ્રી ચાંપી. દાગતાં તો ઘોર અવાજ કરતી ગલોલી વછૂટી. સામી ફોજ પડી હતી ત્યાંથી અરધો માઈલ આગળ જઈને ગલોલીએ ગાડું એક ધૂળ ઉડાડી. ફોજ સમજી કે ડુંગરમાં દારૂગોળો મોટા જથ્થામાં છે, ને જણ પણ ઝાઝા લાગે છે સાંજ સુધી ધીંગાણું ચાલ્યું. સાંજે સૂરજ આથમવા ટાણે ફોજ પાછી વળી, અને ડુંગરમાંથી અવાજ ગાજ્યો કે “વાલીયા ઠુંઠાની જે!” “અને સરકારની.....”એમ કહી એક બહારવટીઓ બોલવા ગયો. “ખબરદાર! નીકર જબાન કાપી નાખીશ.” વાલાએ સાવઝના જેવી ડણક દીધી. બોલનારાને ધરતીમાં સમાવા જેવું થઈ પડ્યું. “જુવાનો! નાડી અને જબાન, બે ચીજો સંભાળજો હો, નીકર વાવટો ખાક થઈ ગયો જાણજો. ખુદાએ નાપાકનાં બારવટાં કદિ નભાવ્યાં નથી.” એવી રીતે વાલાએ સાથીઓને શીખામણ દીધી. વારે વારે વાલો એવાં વચનો કહેતો અને નવરો પડે ત્યારે તસબી ફેરવતો. ​બહુ ઝાઝું બોલતો પણ નહિ. ભેરુઓનાં ગાન ગુલ્તાનમાં કદિ ભળતો નહિ.

કાતરોડીનો એક કોળી હતો. એનું નામ મકો એક દિવસે મકો વાલીયાના પગમાં પડીને પોતાનું દુઃખ રોવા મંડ્યો. “શું છે ભાઈ?” “મને મકાઈ સાહેબ મારી નાખે છે!” “શા સારૂ?” “તારી બાતમી લઈ આવવા સારૂ.” “તે એમાં મુંઝાછ શીદને ભાઈ? જા, બેધડક કહેજે કે વાલીયો અનલગઢમાં બેઠો છે. સાહેબની માએ સવાશેર સુંઠ ખાધી હોય તો આવે મળવા.” “પણ વાલા, તને આંગળી ચીંધાડીને હું મરાવું તો તો કયે ભવ છૂટું?" “ભાઈ, મરવા મારવાની તો આ રમત જ છે ને! અને વાલો તો સંધાય વેરીઓને સામેથી જ વાવડ દઈ મોકલે છે. વાલાની તે કાંઈ ગોત્યું હોય? જા તું તારે લઈ આવ સાહેબને.” અનલગઢની ધાર ઉપર વાલો બેઠો છે. મકાઈ સાહેબ ઘોડે ચડીને ચાલ્યો આવે છે. મોખરે મકો કોળી દોડ્યો આવે છે. સાહેબને દેખીને વાલે ઠુંઠા હાથ ઉપર બંદૂક ટેકવી. બરાબર સાહેબના ઘોડાના ડાબલાનું નિશાન લઈ ભડાકો કર્યો. પલકમાં તો ઘોડાના પગમાંથી ડાબો નોખો જઈ પડ્યો. ચમકીને મકાઈ સાહેબે ઉંચે જોયું. બંદૂકની નાળ્ય તાકીને કાળને ઉભેલો ભાળ્યો. ધાર માથેથી વાલીયે અવાજ દીધો કે “એ ય ઉલ્લુ સાહેબ, આજ મારતો નથી. ફક્ત ચેતવું છું. ​હવેથી મકાને કનડીશ મા. નીકર ઘોડાનો ડાબો ઉપડ્યો છે, એમ તરબુચ જેવું માથુ સોત ઉપાડી લઈશ.”

વાલાની ઓરત મરી ગઈ છે. પોતાને જુવાનીનાં પૂર ચાલ્યાં જાય છે. બીજા સહુ સાથીડા પોત પોતાની પરણેતરોને મળવા વારે વારે જાય આવે છે. પણ વાલાને તો ઘેર જઈને બેસવાનું ઠેકાણું રહ્યું નથી. છતાં વાલાની આંખ કોઈ ઓરત સામે ઉંચી થાતી નથી. જોગી જેવો વાલો કાં લડતો ને કાં તસ્બી ફેરવતો. એમાં એક દિવસ સાથીઓએ વાત છેડી. માયા મોવરે શરૂ કર્યું : “વાલા, હવે તો તારા નીકા કરીએ.” “કોની સંગાથે બેલી?” વાલાએ પૂછ્યું. “કારજડાના વીરમ મીયાણાની ડીકરી વાછઈ સંગાથે. એ પણ ઘરભંગ થઈ છે,” “તમે એ બાઈની સાથે વાત કરી છે?” “ના.” “મ બોલો! અરરર, બેલી, તો પછી મ બોલો. કહીને વાલે જીભ કચરી." “કાં?" “તો પછી કેમ આવું બોલીને પાપમાં પડો છો ને મને ય પાપમાં પાડો છો?” “પણ એમાં પાપ તે વળી શેનું?” “અરે ભા, ઈ બાઈના મનમાં જો કદિ એમ હશે કે વાલો તો મારો ભાઈ થાય, તો? તો હું ખુદાનો ગુન્હેગાર થાઉં કે નહિ? હવે પછી આવી નાપાક વાત કરશો મા, ભાઈ!” ​

સોરઠમાં બળધોઈ નામે ગામ છે, બળધોઈ ગામ હાથીયાવાળા નામે કાઠી તાલુકદારનું છે. એ ગામમાં રામબાઈ નામની રજપૂતાણી, અને એ રજપૂતાણીની સાથે મામદ જામને આડો વહેવાર બધાયો છે.[૧] અને વાલાને એ વાતની જાણ થઈ છે. વાલાએ મામદ જામને માણસો સાથે કહેવરાવ્યું કે “મામદ જામ! અલ્લા નહિ સાંખે હો, રહેવા દે. બહારવટીઓ, નાપાક ન્હોય.” “વાલા મોવરને કહેજો કે મારી વાતમાં વચ્ચે ન આવે. હું બહારવટામાં કયાંય ગેરવ્યાજબી વર્તતો હોઉં, તો ભલે મને બધુંકે દ્યે. બાકી મારા ખાનગી વહેવારમાં તો હું ચાય તે કરૂં!” એવો મામદ જામે જવાબ દીધો. વાલાનો જીવ કળીયે કળીયે કપાવા લાગ્યો. પણ મામદ જામ જેવા જોરાવર સાથીને જાકારો દેવાની, કે એની સામે વેર ઉભું કરવાની વાલાની છાતી ચાલી નહિ. એમ થાતાં થાતાં એક દિવસ દડવા ગામના કુવાડીયા આયરની સાથે રામબાઈ રજપૂતાણીના ધણીનો સંદેશો મામદ જામ ઉપર આવ્યો કે “પરમ દિવસ આવજે. હાથીયાવાળાના. ગઢમાં રૂપીઆ ત્રણ હજારની કોથળી તૈયાર ટપ્પે પડી છે.” સંદેશો સાંભળીને મામદ જામ વરલાડલા જેવા પોષાકમાં સાબદો થયો. અને કહ્યું “હાલ વાલા, આકડે મધનું પોડું ટીંગાય છે.” “મામદ જામ! જાવા જેવું નથી હો! અને તારાં પાપ, ત્યાં આપણી પહેલાં પહોંચીને બેસી ગયાં હશે હો! જ્યાંની જમીનને તેં નાપાક બનાવી છે, ત્યાં આપણો ભાર ધરતી ઝીલશે નહિ.”

  • મીયાણાઓ આ વાતનો ઉગ્ર ઈન્કાર કરે છે. તેઓ કહે છે કે મામદ જામ ઘણો જ પવિત્ર આદમી હતો.

​પણ મામદ જામ ન માન્યો. વાલાને સાથે લઈ સાંજ ટાણે બળધોઈને માથે વાર વ્હેતી કરી. ખળાવાડમાં અનાજના ગંજ ઉભા છે. ખેડુતો રાત પડ્યે ચાંદરડાને અજવાળે પાવા વગાડે છે. હવાલદાર અને પગી પસાયતા તાપણું, કરીને બેઠા છે. બહારવટીયાઓ પ્રથમ ત્યાં જઈને ત્રાટક્યા. માણસોને બાંધીને કેદ કરી લીધા, અને ગામને ઝાંપે જઈ ફક્ત બેજ ભડાકા કર્યા ત્યાં તો, દરબારગઢમાં હાથીયોવાળો કંપવા લાગ્યા. બેબાકળા બનીને દરબાર પોતાનાં ઘરવાળાંને પૂછવા માંડ્યા કે”હવે શું કરૂં?” સામે કાઠીઆણી ઉભાં હતાં તેણે કહ્યું”શું કરૂં કેમ? આ મારાં એક જોડ્ય લૂગડાં પહેરીને બેસી જાવ. બહારવટીયાને કહેશું કે દરબારને બે ઘર છે!” “અરરર!” બોલીને દરબાર ઝાંખા પડી ગયા. “ત્યારે પૂછતાં શરમાતા નથી દરબાર? અટાણે પૂછવાનો સમો છે? કે લેખે ચડી જવાનો?” દોડીને પોતાનાં ત્રીસ બંદૂકદારો સાથે હાથીયાવાળો મેડીએ ચડ્યા. અને બહારવટીયાએ બજાર કબ્જે કરી લીધી. ગઢની મેડીએથી દરબારી માણસોએ ભડાકા કર્યા. ગામ ધુમાડે ઢંકાઈ ગયું, અને બહારવટીયા દરબારગઢની દિવાલો ઠેકીને અંદર ઉતર્યા. જુવે તો એારડે એારડે તાળાં. મેડીએ ચડીને બહારવટીયાએ હાથીયાવાળાને હાકલ દીધી કે “એય કાઠીડા, લાવ ચાવીયું, નીકર હમણાં તારો જાન કાઢી નાંખશું.” નામર્દ હાથીયાવાળાનાં હાજાં ગગડી ગયાં. એણે ચાવી ફગાવી દીધી. વાલો તો બજાર સાચવીને ઉભો છે એટલે મામદ જામે ઓરડા ઉઘાડવા માંડ્યા. પહેલો ઓરડો ઉઘાડે ત્યાં અંદર દરબારગઢની ને ગામની ​બાઈઓ લપાયેલી દીઠી. તૂર્ત પાછું ઓરડે તાળું લગાવી મામદ જામ પાછો ફર્યો. બીજો એારડો ઉધાડ્યો. અંદર પટારા દીઠા. ઘંટીનાં પડ મારી મારીને બહારવટીયા પટારા તોડવા લાગ્યા. પડકારા કરતો કરતો મામદ જામ ફળીમાં ઘુમી રહ્યો છે, ત્યાં તો, સાંઢીયાના કાઠાની ઓથે કરણપરી નામનો એક બાવો છૂપાઈ બેઠેલો, તેને રૂંવાડે રૂંવાડે શૂરાતન વ્યાપી ગયું. પોતાની પાસે જ, કાઠી રજપૂતો જેના ઉપર થાળી રાખીને જમે છે તે “પડધી” નામની પીતળની નાની બેઠક પડેલી–તે કરણપરીએ ઉપાડી. “જે ગરનારી!” કહીને બાવાએ પીતળની પડધીનો કારમો ઘા કર્યો. એ ઘા બરાબર મામદ જામના માથામાં પડ્યો. ફડાક! દેતો અવાજ થયો. મામદ જામના માથાની ખોપરી ફાટી ગઈ. જમણી આંખનું રતન પણ પડધીએ ફોડી નાખ્યું. “અરે તારી જાતનો–” કહી મામદ જામ પાછો ફર્યો. બાવાના શરીર ઉપર બંદૂક ચલાવી. એાગણીસ ઓગણીસ છરા બાવાના શરીરને વીંધી, ન્હાઈ ધોઈ, ધ્રોપટ નીકળી ગયા, તો ય બાવાએ દોડી મામદ જામની જ તરવાર ખેંચી લઈ મામદ જામના જમણા ખંભા ઉપર “જે ગરનારી!” કહીને ઝીંકી. પણ ઝીંકતા તો તરવાર ઠેઠ સાજ સુધી ઉતરી ગઈ. શત્રુને મારીને પછી બાવો પડ્યો. મરતી વેળા ભારી રૂડો લાગ્યો. લોટની ત્રાંબડી ફેરવનાર આ માગણ જાતના માનવીને એ ટાણે કોણ જાણે કોણે આટલું કૌવત અને આટલી હિમ્મત આપ્યાં! આગળ કદિ એણે તરવાર બાંધી ન્હોતી. ધીંગાણુ, તો કદિ દીઠું નહોતું. નક્કી શુરવીરને છાબડે હરિ આવે છે! મામદ જામના પડખામાંથી આંતરડાંનો ઢગલો બહાર નીકળી પડ્યો. પાછાં આંતરડાં પેટમાં ઘાલીને મામદ જામે જખમ ઉપર પોતાના ફેંટાની કસકસતી ભેટ બાંધી લીધી, અને ​દોડીને, મરણના દમ ખેંચનાર બાવાની પીઠ થાબડી કહ્યું “શાબાશ જવાન! તારા જેવા શુરવીરને હાથે મારૂં મોત સુધરી ગયું. રંગ છે તને, ભાઈ!” એટલું વચન સાંભળીને બાવાએ છેલ્લી આંખ મીંચી. મામદ જામે પાછા ફરીને પોતાના સાથીડાઓને હાકલ કરી કે “બેલીડાઓ, પાછા વળો. હાલો ઝટ. લૂંટનો માલ મેલીને હાલી નીકળો.” પોતે આગળ, ને દસ જણા પાછળ : બધા બહારવટીયા ગઢમાંથી બહાર નીકળી ગયા. બજારે વાલો ટેલે છે. તેણે પૂછ્યું, “કેમ ખાલી હાથે?” “વાલા! મારાં પાપ આંબી ગયાં. હવે હું ઘડી બે ઘડીનો મેમાન છું. મને ઝટ મારી કબર ભેળો કર.” મામદ જામને ઘોડે બેસારી બહારવટીયા ચાલી નીકળ્યા. બળધોઈથી અરધા ગાઉ ઉપર, વીંછીયાના વોંકળામાં અધરાતને ગળતે પહોરે બહારવટીયા પહોંચ્યા, એટલે મામદ જામે કહ્યું “બેલીઓ, બસ આંહી રોકાઓ. આંહી મારૂં દિલ ઠરે છે. આ વેળુમાં મારી કબર ખોદો.” કબર ખોદાઈ. “હવે બેલી, ખાડાની ઉંડાઈ માપી જુવો.” કબરને માપી. મામદ જામની કાનની બુટ સુધી ઉંડો ખાડો થઈ ગયો હતો. “હવે એને વાળીને સાફ કરી નાખો.” કબર સાફ થઈ ગઈ. પોતે પોતાના મેળે અંદર ઉતરી ગયો. ઉભા રહીને, કબરને કાંઠે ઉભેલા પોતાના ભેરુઓને કહ્યું. “બેલીઓ, મારા કાળા કામા મને આંબી ગયા. સારૂં થાય છે કે હું તમારામાંથી બાદ થઈ જાઉ છું. અને હવે તમે ​વાલાની આમન્યામાં વર્તજો. વાલો નીતિવાન છે. લ્યો ભાઈ, હવે રામ રામ છે. સહુ સજણોને સો સો સલામું છે.” એમ બોલીને પોતે બે હાથ માથે અડાડી દસે દિશામાં ફર્યો. અને પછી યા અલ્લા! કહીને પેટ ઉપરથી પાઘડીના બંધ છોડી નાખ્યા. છોડતાંની વાર જ આંતરડાં નીકળી પડ્યાં. મામદ જામ કબરમાં ઢગલે થઈ ગયો. એને દફન કરીને બહારવટીયા ચાલ્યા ગયા.

૧૦

કકલ બોદલા! કમબખ્ત! અબળાને જીવતે મુવેલી કરી? આ લે ઈનામ!” એટલું બોલીને વાલાએ પોતાની સામે બેઠેલા કકલ બોદલા નામના સંગાથી પર બંદૂક તાકી. ગોળી છોડી. પણ પાસે બેઠેલા બીજા સાથીએ ઝડપથી હાથ ઉંચો કરી બંદૂકની નળીને ઠેલો માર્યો. કકલના માથા ઉપર થઈ હવામાં સનેનાટી બોલાવતી ગોળી ચાલી ગઈ. “ખેર!” કહી વાલાએ બંદૂક નીચે નાખી દીધી. “તારી યે બાજરી હજી બાકી હશે. ખુદા તારાં લેખાં લેશે!” પોતાના સાથીઓ તરફ ફરીને એ બોલ્યો : “આપણે બારવટું થઈ રહ્યું ભાઈઓ, આજથી બરાબર અઢી દિવસે આપણને હડકવા હાલશે.” ડુંગરની ગાળીમાં સૂરજ આથમવા ટાણે ગમગીન ચહેરો લઈને બેઠેલા વાલાએ પોતાના સાથીઓને કળકળતી આંતરડીનાં આવાં વેણ સંભળાવ્યાં, અને લમણે હાથ દઈને સહુ સાથીડા એ આગમ-વાણી સાંભળી રહ્યા. કોઈના મ્હોંમાંથી સામો શબ્દ નીકળે તેવું નહોતું રહ્યું, તો યે થરથરી ઉઠીને સાથીઓ બોલ્યા “હાં! હાં! વાલા! એવડું બધું વેણ–” ​“બેલીઓ! એ વેણ વિધાતાનું સમજજો, આપણે ખાટસવાદીઆઓને ભેળા કર્યા, એણે તો આપણને ખોટ ન ખવરાવી, પણ આ કકલ બોદલે ખોટ ખાધી. અરેરે! ઓરતની આબરૂ લુંટી! કુંજડીની જેમ ઓરત કળેળતી હતી, એની કાયા ચુંથી! એના નિસાપા આપણી મોર્ય થઈ મોતની સજાયું પાથરી રહ્યા હશે, એ નક્કી જાણજો ભાઈ!” મોરબીના ગામ ઝીંકીઆળીની સીમમાં કકલ બોદલે[૧] પટેલની દીકરીની આબરૂ લીધી, તે વાત પરથી વાલાએ પોતાનું ભવિષ્ય ભાખી લીધું. × × × વાધરવાની સીમમાં માથોડું માથોડું તલ ઉભા છે. એમાં લપાઈને બપોરને ટાણે બહારવટીયા બેઠા છે. અને પેથો નામનો પગી એ બધાને લાડવા જમાડે છે. વાલે પૂછ્યું, “પેથા આજ તો બહુ દાખડો કર્યો?” “બાપુ! તમે મારાં ઘર ભરો છો ને હું કો'ક કો'ક વાર. તમને ગળી દાઢ પણ ન કરાવું?” “ભારી મીઠા લાડવા હો!” “પેથો તો આપણો બાપ છે ભા? ન કેમ ખવરાવે?” એમ વખાણ થાતાં જાય છે ને લાડવા પેટમાં પડતા જાય છે. એવે ટાણે કોળી પેથાએ પોતાના છોકરાને ઝાડવા માથે. ચાડિકા તરિકે બેસારી બહારવટીયાનું ધ્યાન ચૂકાવી ચુપચાપ રસ્તો લીધો. બહારવટીયાએ સગા બાપની માફક જે પેથાને રાખ્યો હતો ને લૂંટના માલથી ખૂબ ધરવ્યો હતો, તે જ પેથાએ એજન્સી પોલિસના ગોરા ઉપરી ગોર્ડન સાહેબની સાથે મળી જઈ બહારવટીયાને ઝેર દેવાનો મનસૂબો કર્યો, ખાખરેચી ગામથી સાહેબે[૨] ઝેરવાળા લાડવા વળાવીને પેથાને મોકલ્યા અને એ

  • આગાઉની આવૃત્તિએામા “પરવત મોવર” લખેલ છે તે બરાબર નથી.
  • કહેવાય છે કે એ જીવલેણ ઝેર નહોતું, પણ મૂર્છા આવે તેવો કેફી પદાર્થ હતો.

​લાડવા આજ મીયાણાઓને પિરસી દીધા. ઝેર ખવરાવીને પોતે ગોર્ડનને ખબર દેવા પહોંચ્યો. વાલાને તો ખભામાં જખ્મ હતો, એટલે એ કરી પાળતો. એણે આ મીઠા ભોજનમાં ભાગ લીધો નથી. બીજા તમામ સંગાથીઓએ પેટ ભરીને લાડવા ખાઈ, ખૂબાખૂબ કુંપળાસર તળાવનું પાણી પીધું. થોડી વાર વિસામો લેવા બેઠા. પા અરધો કલાક થયો, ત્યાં એક પછી એક સહુની જીભો ઝલાવા લાગી. તૂર્ત વાલાનો ભાઈ પરબત ઉભો થઈને બોલ્યો, “વાલા! આપણને નક્કી ઝેર ખવરાવ્યું! અને આપણે ભીંત હેઠળ ભીંસાઈ મુઆ.” “ઝેર! નક્કી ઝેર છે, કમજાત પેથો!” બીજો બોલ્યો. “બસ બેલી! હવે મોતની સજાઈ વખતે બુરૂં વેણ ન હોય. હવે માંડો ભાગવા. અને બોદલા! તારાં કાળાં કામોનાં ખુદાઈ હિસાબ ચૂકવાય છે!” એમ બોલીને વાલો આગળ થયો. બધા ભાગવા લાગ્યા. પણ બીજા તમામને ઝેર ચડવા માંડ્યું. આંખે લીલાં પીળાં આવવા લાગ્યાં. “યા અલ્લા!” કરીને કચ્છવાળો દાદલો ડાભી જમીન પર પટકાઈ ગયો. વાલાએ કહ્યું કે “બેલી, આંહી આની લાશને કૂતરાં ચૂંથશે. એને પડતો મેલીને ચાલ્યા જાશું તો દુનિયા આપણી દોસ્તીને ફિટકાર દેશે. માટે એને તો ઉપાડી લેવા સિવાય આંહીથી ખસવાનું જ નથી.” દાદલાની લોથને ઉપાડીને બહારવટીયા લથડતે પગે ચાલતા થયા. પહોંચ્યા કરાડીયાની પાણાખાણમાં. ફરીવાર વાલાએ હુકમ કર્યો કે “હવે આપણો નેજો આંહી મેલી દ્યો બેલી.” ત્યાં જ વાવટો મેલીને ઉગમણે પડખે રણમાં મોરચો કરી લડવા બેઠા. ​બળબળતે બપોરે એજન્સીની ટુકડી લઈ ગોર્ડન ગોરો, આવી પહોંચ્યો, અને સામેથી વાલાએ હાકોટો દીધો કે “હે દગલબાજો! ઝેર ખવરાવીને માટી થવા આવ્યા! પણ હવે તો ચૂડીયું પહેરી હોય તો જ આઘા ઉભા રે'જો. ને જો દાઢીમૂછના ધણી હો તો સામે પગલે હાલ્યા આવજો!” ઘોડા ઉપર ધોમઝાળ થઈ રહેલા ગોર્ડને ટુકડીના માણસોને કહ્યું. “જેને પોતાનાં બાયડી છોકરાં વ્હાલાં હોય એ ઘર તરફ વળી જાજો ભાઈ! જેને જાન દેવો હોય એજ ઉભા રહેજો!” સાહેબનું વચન સાંભળતા સાંભળતા તમામ સિપાહીઓ છાતી કાઢીને ચુપચાપ ઉભા રહ્યા. નીમકહલાલી અને નોકની સાંકળો સહુના પગમાં પડી ગઈ. સરકાર પાળે યા ન પાળે, આપણાં બાળબચ્ચાંને પાળનારો પરવરદિગાર તો બેઠો જ છે ને! એવું વિચારીને સિપાહીઓ નીમકના ખેલ ખેલવા ઉભા રહ્યા. એક પણ માણસ ન તર્યો. તૂર્ત સામેથી તાશેરો થયો. “ઓ વાલા! હમકું મારો! હમકું ગોલી મારો.” એવી હાકલ કરતાં કરતાં ગોર્ડન સાહેબે પોતાના ઘોડાને બહારવટીયા સામે દોટાવી મૂક્યો. પોતે ઘોડાની પીઠ પર લાંબા થઈને સૂઈ ગયા, પણ એટલામાં તો ઘોડો ચમકીને જરીક આડો થઈ ગયો અને સામેથી વાલાના ઠુંઠા હાથ પરની બંદૂક વછૂટી. નાળ્યમાંથી સુસવાટા કરતી ગોળી ઘોડાની કેશવાળીમાં થઈને બરાબર સાહેબના કાંધમાં ચોંટી અને સાહેબ પટકાયો. જખ્મી થયેલો બહાદૂર અને ટેકીલો સાહેબ પાછો ઉભો થઈને કીરીચ ખેંચી પગપાળો સામો દોડ્યો. પણ છેક પાણાખાણ સુધી પહોંચે તે પહેલાં તે ધડ! ધડ! બીજી બે ગોળી ચોંટી ને સાહેબ પડ્યો. તેટલામાં તો બહારવટીયાઓને હાડોહાડ ઝેર પ્રસરી ગયું હતું અને વગર માર્યા જ તે બધાના પ્રાણ છૂટી ગયા હતા. ​એજન્સી તરફથી ગોર્ડન સાહેબ, હાજી સાજણ અને મામદ ઈસાક, એ ત્રણ જણા એ બહારવટામાં વાલાની ગોળી વાગતાં કામ આવ્યા. વાલો પણ ગોળીએ વીંધાઈ ગયો છે, છતાં પડ્યો નથી. હાથમાં બંદૂક હતી, તેનો કંદો ખભાને ટેકો દઈ રહ્યો છે. અને નાળ્ય નીચે ધરતી સાથે ટેકો લઈ ગઈ છે, એ રીતે વાલાનું નિષ્પ્રાણ શરીર બંદુકનો આધાર મળવાથી જાણે જીવતું જાગતું હોય એવું દેખાય છે. એ વખતના એના મ્હોરાની તારીફ કરતી કરતી, ત્રણે રાજ્યોની ફોજોએ આવીને એને ઘેરી લીધો. મોવર સંધવાણી પણ જામનગરની ગીસ્ત સાથે આવેલો, તેની આંખમાં પોતાના જૂના અને પાક ભેરૂનું આવું ઉજળું મોત દેખીને હેતનાં આંસુ આવી ગયાં. “સા...લા કમબખ્ત! લેતો જા!” કહીને એક પાલિસે વાલાની છાતીમાં બંદુકનો કંદો માર્યો. મેવરની આંખ એ મિત્રના મોતનું અપમાન દેખીને ફાટી ગઈ. એણે કંદો મારનારા પોલિસની સામે ડોળા કાઢીને કહ્યું “હવે મરી ગયા પછી તારા બાપને શું મ્હોં લઈને મારી રહ્યો છે? જીવતાં ભેટો કરવો તો ને?” પોલિસે પોતાની ભરેલી બંદૂક મોવર સામે તાકી. પલકમાં જ ઘોડો ચંપાતાં મોવર વીંધાઈ જાત, પણ મોવરે અરધી પલમાં તો એ ઉગામેલી બંદુકની નાળને હાથને ઝટકો મારી જરાક ઉંચી કરી દીધી, અને એની વછૂટતી ગોળી મોવરના માથા ઉપર થઈને ગાજતી ગાજતી ચાલી ગઈ. “કોઈ મીયાણાના પેટનો આંહી હાજર છે કે નથી? જોઈ શું રહ્યા છો હજુ?” એટલી હાકલ મોવરના મ્હોંમાંથી પડતાં તો પહાડ જેવા મીયાણા ધસી આવ્યા. ધીંગાણું જામી પડ્યું હોત. પણ બીજા શાણા માણસોએ મોવરને ફોસલાવી પંપાળી, ટાઢો પાડ્યો.” ​વાલાના ડચકાં ખાતા મોંમાં પાણી મેલીને મોવરે કહ્યું કે “વાલા! તારા જીવને ગત કરજે, તું મફતનો નથી મર્યો; પણ એક ગોરાને અને બે બીજા અમલદારોને મારીને મર્યો છે.” તારી ટપાલું તણા, વિલાતે કાગળ વંચાય (ત્યાં તો) મઢમું બંગલામાંય, વાળે મોઢાં વાલીયા! [હે વાલા! વિલાયતમાં આંહીની ટપાલ વ્હેંચાય છે, ત્યારે કૈંક મઢમો. પોતાના ધણીનું તારે હાથે મૃત્યુ થયું જાણી મ્હોં ઢાંકી રૂદન કરે છે.] × × × × × વાલાના મોતની ખબર જુમલા ગંડને પહોંચી. જુમલાએ રાજકોટ સરકારને જાસો મોકલ્યો કે “વાલાને દગાથી માર્યો છે, પણ હવે તમે ચેતતા રહેજો.” ધ્રાંગધ્રા તાબે મેથાણ પાસેના વોંકળામાં જુમલો છુપાણો છે. સાહેબ ગીસ્ત ત્યાં આવવાની હોવાના એને સમાચાર મળ્યા છે. જુમો તો ગાંઠ વાળીને બેઠો છે કે પહેલે જ ભડાકે સાહેબનું માથુ ઉતારી લેવું. ગીસ્ત લઈને ધ્રાંગ્રધ્રા પોલિસનો ઉપરી સુટર સાહેબ ચાલ્યો આવે છે. એ કાબેલ ગોરો સમજી ગયો છે કે જુમાની બંદૂક ટોપીવાળાને જ ગોતી લેશે. એટલે એણે કરામત કરી. પોતાની સાથેના એક પઠાણને સારી પેઠે દારૂ પીવાડી, ચકચૂર બનાવી, પોતાનો પોષાક પહેરાવ્યો. અને પોતે પઠાણનો વેશ પહેર્યો. સાહેબને વેશે બેભાન પઠાણ બહારવટીયાઓની સામે ચાલ્યો. તૂર્ત જુમાની ગોળીએ એના ચુંથા ઉરાડી મૂકયા. ત્યાં તો એકલા જુમલા ઉપર પચાસ ગોળીઓની પ્રાછટ બોલી, જુમો રૂંવાડે રૂંવાડે વીંધાઈ ગયો, જરાક જીવ રહ્યો હતો, છતાં જુમો પડ્યો નહિ, એની બંદૂકની નળી ધરતી સાથે ટેકો લઈ ગઈ, અને કંદો છાતીએ ગોઠવાઈ ગયો. એ રીતને ટેકે જુમો મરતો મરતો પણ જીવતા જવાંમર્દની માફક બેઠો રહ્યો. “શાબાશ જુમા! શાબાશ જુમા! તુમ હમકુ માર દીયા! તુમ હમકુ માર દીયા“એવી શાબાસી દેતો દેતો સુટર સાહેબ! જુમાને થાબડવા લાગ્યો, ત્યારે જુમાએ તો છેલ્લે ડચકારે પણ ડોકું ધુણાવ્યું : સમશ્યા કરીને સાહેબને સમજાવ્યો કે “તને હું નથી મારી શક્યો, ભૂલથી મેં પઠાણને માર્યો, મારી મનની મનમાં રહી ગઈ, મને સાબાશી મ દે.” જૂમાના નાશ વિષે બીજી વાત એમ ચાલે છે કેઃ “એની ભુખે મરતી ટોળી મેથાણના વોંકળામાં બેઠી છે. તે વખતે એક જાન ત્યાંથી નીકળી. ભેળો જે વાળાવીએા હતો, તેનું નામ સૂજોજી જત. એ ધરમઠ ગામનો રહીશ હતો અને જૂમાને રોટલા પહોંચાડતો. એણે કહ્યું કે “જૂમા! મારી મરજાદ રાખ. જાનને મ લુંટ!” પણ જૂમાએ ન માન્યુ. સૂજાજીએ ગુપચુપ એક જાસૂસને આસપાસ ખબર દેવા દોટાવ્યો ને આંહી જાનનાં ઘરાણાંનો ઢગલો કરી બહારવટીયા પાસે મૂક્યો. પોતે લુંટારાની અને જાનની વચ્ચે સમજાવટ કરાવવા લાગ્યો. ત્યાં તો સૂજોજી પોતાને મારવાની પેરવી કરે છે એવો શક પડતાં જૂમાએ એને ઠાર કર્યો. આ સમાચાર સુજાજીની ઓરતને પહોંચ્યા. બહાદૂર સ્ત્રી ગાડું જોડાવી, અંદર પાણીનું માટલું મૂકાવી પોતાના ધણીનું શબ લેવા લૂંટારાઓની પાસે આવી. માર્યા પછી પસ્તાતો જૂમો સૂજાજીના શરીર પાસે બેઠો છે, બાઈએ આવીને ફિટકાર દીધો. અને કહ્યું કે “હવે જો સાચી મીયાણીના પેટના હો તો આનું વેર વાળનારો કોઈ પહોંચે ત્યાં સુધી ખસશો મા!" “અરે માડી!” જૂમાએ જવાબ દીધો, “અમારો કાળ આવી રહ્યો છે. નીકર અમને આવું ન સૂઝે. હવે તો ક્યાં યે નાસ્યા વગર અમારે આંહી જ મરવું છે. પણ બેન, અમે તરસ્યા છીએ. પાણી પાઈશ?” એારત પોતાના ધણીના મારનારાઓને માટલામાંથી ઠંડું પાણી પીવાડ્યું. દરમ્યાન તો સેડલા નામના ગામે થોભણજી નામના ૧૮-૨૦ વર્ષના જૂવાન જતને પાતાના કાકા સૂજાજીના મોતની ખબર પડી. એક તલવાર લઈને એ નીકળ્યો. કાકાની ડેલીએ જઈ, ફાતીયો પડી, એ એકલો મેથાણને વોંકળે આવ્યો. આવીને જુવે તો ધ્રાંગધ્રાના પોલિસ ઉપરી ​સૂટ૨ની તથા બજાણા પાલિસની ટુકડીઓને દૂર રહી રહી વોંકળામાં છુપાયેલા બહારવટીયા પર ફોગટના ગોળીબ્હાર કરતી દીઠી. એ સંખ્યાબંધ હથીઆરધારીઓમાંથી કોઈની છાતી લૂંટારાઓની ઉપર જઈ પહોંચવામાં નથી ચાલી. એક તલવાર ભેર થોભણજી એકલો દોડ્યો. લુંટારાઓની ઉ૫ર ત્રાટક્યો. પાપથી ઢીલા બની ગયેલા સાતે જણા એ જુવાનની એકલી તલવારે પતી ગયા. પતાવીને થોભણજી બહાર નીકળવા જાય છે, એણે પણ મીંયાણાએા બાંધે છે તેવી “ગંધી” કમર પર બાંધેલી હતી. દૂરથી સૂટર ભરમાયો એ બહારવટીયો છે. સૂટરની ગોળી છૂટી. થોભણજી ઢળી પડ્યો. આજુબાજુથી એકઠા થઈ ગયેલા જતો આ નિર્દોષના મૃત્યુથી ઝનૂન પર આવી ચડ્યા. (તેએાને વ્હેમ પડયો કે બહારવટીયાઓને મારવાનો જશ ખાટવા માટે જાણી બુઝીને સૂટરે એને માર્યો.) પણ બજાણાના પોલિસ ઉપરીએ સહુને શાંત કરી લીધા.

[રાવણહથ્થા વાળા નાથાબાવાઓ જુમલા ગંડનો એક રાસડો નીચે મુજબ ગાય છે.]
ગંઢ કાંથડના જૂમલા રે વાગડને રે'વા દે
ચાર ભાઈઓનું જોડલું જૂમા
પાંચમો ભાવદ પીર—કાંથડના૦

પડાણ માથે ગંઢડા નીકળ્યા
લીધી વાગડની વાટ—કાંથડના૦

ઘોડલે ચડતા ખાનને માર્યો
હમીરીઓ નાવ્યો હાથ—કાંથડના૦

પ્રાગવડ ભાંગી પટેલને માર્યો
ચોરે ખોડ્યાં નિશાણ—કાંથડના૦

ઝંડીયો ડુંગર ઘોડલે ઘેર્યો
ઘણાનો કાઢ્યો ઘાણ—કાંથડના૦

અંજા૨ની સડકે સાધુ જમાડ્યા
બોલો જૂમાની જે—કાંથડના૦

પગમાં તોડો હાથમાં નેજો
ભાવદી ભેળો થાય—કાંથડના૦
​મીયાણા વાલા મોવરનું બારવટું કોઈ રાજ તરફનાં અન્યાયમાંથી
ઉભું ન્હોતુ થયું, પણ ઓરતોની લંપટતામાંથી જ પરિણમ્યું હતું. વાલો ચોરીઓ કરતો, અને ચોરીના સાહસમાં જ એનો એક હાથ ઠુંઠો થયો હતો એ વાત પણ ચોકસ છે.