સોરઠી બહારવટીયા - 2/૧ર.

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧ર.

બેટ અને દ્વારકા ખાલી કરીને જોધો પોતાની ફોજ સાથે ભાગી છૂટ્યો છે. સાંઢીયા ઉપર નાનાં બચ્ચાંને ખડક્યા છે. અને ઓરતો પોતાનાં ધાવણાં છોકરાંનાં ખોયાં માથા ઉપર લટકાવીને મરદોની સાથે રાતોરાત ઉપડતે પગલે નાસી છૂટી છે. થોડેક જાય ત્યાં સામા વાવડ આવે છે કે “ભાઈ, પાછા વળો. એ રસ્તે સોજીરોની ચોકી લાગી ગઈ છે.” એ માર્ગ મેલીને બીજે માર્ગે જાય, તો ત્યાંથી પણ નાકાબંધી થઈ ગયાના સમાચાર મળે છે. એમ થાતાં થાતાં આખી રાતના રઝળપાટને અંતે પ્રભાતે વાઘેરોનું દળ પોશીત્રાની સીમમાં નીકળ્યું છે. પાછળ સરકારી વારના પણ ડાબા બોલતા આવે છે. જોધા માણેકે સાદ દીધો કે “ભાઈ, સામે ડાભાળા ખડામાં દાખલ થઈ જાયેં તો જ ઉગારો છે. માટે હડી કાઢો.” ડાભાળો ખડો નામની ગીચ ઝાડી છે, અને ત્યાં દરિયામાંથી એક સરણું વહ્યું આવે છે, તેમાં ધુણા માતાની સ્થાપના છે. એ ઝાડીમાં પહોંંચતાં તો બહારવટીયા પ્રભુને ખોળે બેસી જાય એવી વંકી એ જગ્યા હતી. ડાભાળો ખડો એક ખેતરવા રહ્યો એટલે સાથે માતાને ભુવો હતો તે બોલ્યો કે “જોધા બાપુ! હવે ભો' નથી. માતાજી ફોજને ખમ્મા વાંછે છે.” “કેમ કરીને જાણ્યું ભાઈ?” “આ જુવો, માતાજીની ધજા સામે પવને ઉડે છે. હવે વારના ભાર નથી કે આપણને અાંબે. માતાજીએ વગડામાં અાંધળાં ભીંત કરી મેલ્યાં હશે.” ડાભાળા ખડામાં જઈને બહારવટીયાઓએ પડાવ નાખી દીધો. ચોફરતી ચોકીઓ ગોઠવાઈ ગઈ. ભેળી ઘંટીઓ લીધેલી તે માંડીને વાધેર ગરાસણીઓ દાણા દળવા બેસી ગઈ, જોધા માણેકનો દાયરો પણ રાજાની કચેરી જેવો દિવસ બધો ભરાયલો જ રહેવા લાગ્યા. સહુ આગેવાનો આ ઓચીંતી ઉથલ પાથલને યાદ કરી કરી, શું થઈ ગયું તેના વિચારમાં ડુબી ગયા, જાણે સ્વપનું આવીને ઉડી ગયું. જોધાજીએ માણસોને પૂછ્યું, “દ્વારકાના કાંઈ વાવડ?” “વાવડ તો બહુ વસમા છે બાપુ! સોજીરોએ દેરાં માથે અકેકાર ગુજારવા માંડ્યા છે.” “શું થયું ભાઈ?” “દખણામૂરતીની પ્રતિમાજીના જમણા હાથની આંગળીયું અને નાસકા ખંડિત કરી. બીજી મૂર્તિયું ને પણ ભાંગફોડ કરી” “હા! હા!” કહી જોધાએ અાંખ મીંચી. “બીજું બેટમાં તો આપણે કિલ્લો ખાલી કર્યાની રાતે જ સોજીરો દાખલ થઈ ગયા, વળતે દિ' સવારમાં ડોનવેલ સાબે સોજીરૂંને લૂંટ કરવાને હુકમ દીધો.” “લૂંટ કરવાનો હુકમ?” “હા બાપુ, લૂંટ કરવાનો હુકમ દીધો, એટલે પેલા પરથમ તો કરાંચીના વહાણોમાં દારૂ સંઘરેલો હતો ઈ હાથ લાગ્યો એટલે સોજીરો પી પીને ચકચૂર થયા. પછી ઉઘાડી તરવારે કૂતરાંની, મીંદડાંની, ઢોર ઢાંખર જે મળ્યું તેની અને રૈયતનાં નિર્દોષ માણસુંની વિના કારણ કતલ કરવા લાગ્યા.” “હં!” કહીને જોધા માણેકે નિસાસો મેલ્યો. બીજા બેઠેલા, તેઓના પંજા પટોપટ પોતાની તરવાર માથે ગયા. આ જોઈને જોધાજી બોલ્યા “ધીરા થાવ ભાઈ! હજી વાત અધુરી છે, પછી કેમ થયું ભાઈ?” “મંદિરની દિવાલ તૂટી હતી તેમાંથી એક સોનાની પાટ જડી, ગોરાને લાગ્યું કે દિવાલોમાં રોગી પાટો જ ભરી હશે! એટલે વળતે દિ' સોજીરોની પલટન કિલ્લાને સુરંગ દઈને ફુંકી નાખવા માટે આવી. વસ્તીએ કાલાવાલા કર્યા કે આમાં અમારાં દેરાં છે, ને દેરાંમાં મૂર્તિયું છે. માટે જાળવી જાઓ. પલટનનો સાહેબ બોલ્યો કે “બે કલાકમાં તમારી મૂર્તિ ઉઠાવી જાઓ, નહિ તો ટુકડો ય નહિ રહે.” મૂર્તિઓ ઉપાડીને રાધાજીની ગાશાળામાં પધરાવી, અને ચાર પડખેથી સુરંગ ભરીને ફોજવાળાઓએ આખો કિલ્લો અને ભેળા તમામ દેરાંને ફુંકી દીધાં. અટાણે તો ત્યાં દિવસે ય ખંડેરો ખાવા ધાય છે, રાતે તો ઉભા રહેવાતું નથી.” “અને હવે?” “હવે તે હાંઉ, લૂંટ આદરી છે. દેરાંમાંથી નાણાં મળતા જાય છે તેમ તેમ લૂંટારાઓને ઉમંગ ચડતો જાય છે. ભગવાનને પહેરાવવાના અઢળક દાગીના, રોકડ...." “અને વસ્તીએ પોતાનાં ઘરાણાં નાણાં દેરામાં સાચવવા મેલ્યાં છે તે?” “તે પણ ભેળાં જ જાશે બાપુ? કોણ ભાવ પૂછશે?” “રણછોડરાય! રણછોડરાય! અમારાં પાપ અાંબી ગયાં! સૂકાં ભેળાં લીલાં ય બળી જાશે. સત્યાનાશ વ્હોર્યું', મુરૂભા!” એમ બોલતો બુઢ્ઢો ચોધાર આંસુડે રોવા લાગ્યો. આમ વાત થાય છે ત્યાં ખેભર્યો, સાંઢીયો ઝાડીમાં દોડ્યો આવે છે, અને માર્ગે બેઠેલ અસવાર, સાંઢીયો ઝૂક્યો ન ઝૂક્યો ત્યાં તો ઉપરથી કુદકો મારીને દાયરામાં શ્વાસ લીધા વિના વાવડ આપે છે : “આપણી ગોતમાં ફોજું દસે દૃશ્યે પાટકે છે. એક પલટન વશી ગઈ'તી, ત્યાં કોઈ બારવટીયો તો હાથ લાગ્યો નહિ, એટલે ફોજવાળાએ ગામને આગ લગાડી અને ધરમશાળાને સુરંગ નાખી ફુંકી દીધી.” “વશી બાળી નાખ્યું? માંહીની વસ્તીનું શું થયું?” “કો'ક ભાગી નીકળ્યાં, ને કો'ક સળગી મર્યાં. ઢોર ઢાંખર તો ખીલે બાંધેલાં જ સસડી મુવાં હશે.” “પછી ફોજ કેણી કોર ઉતરી?” “સગડ લીયે છે. પોશીતરા, સામળાસર અને રાજપરા સુધી પગેરૂં ગયું છે, ને હમણાં અહીં આવ્યા સમજો બાપુ!" “હવે આપણને કોણ સંઘરશે? દોઢ હજાર માણસોને સંતાવા જેવી વંકી જગ્યા હવે ફક્ત એક જ રહી છે, હાલો. ભાઈ, આભપરો આપણને આશરો દેશે.” પોરબંદર અને નગર રાજ્યના સીમાડા ઉપર પંદરેક ગાઉમાં બરડો ડુંગર પથરાયો છે, અને એના જામનગર તાબાના ઉચેરા ભાગને 'આભપરો' નામે ઓળખવામાં આવે છે. આભપરો આભની સાથે જ વાતો કરી રહ્યો છે. જેઠવા રાજાઓને કાજે ભૂતના હાથે બાંધેલ હલામણ જેઠવાનું ઘુમલી નગર, કે જ્યાં હલામણની વિજોગણ સુંદરી સોનનાં અાંસુડાં ટપક્યાં હતાં; જ્યાં રાખાયત નામનો ફુટતી મૂછોવાળો બાબરીયો જુવાન ગાયોનાં ધણ દુશ્મનોના હાથમાંથી વાળવા જતાં મીંઢોળ સોતો મોતની સેજમાં સૂતો હતો અને એની વાંસે વિલાપ કરતી વિજોગણ સોન કંસારીએ જેઠવા રાજાની કૂડી નજરમાંથી ઉગરવા બરડાઈ બ્રાહ્મણોનો ઓથ લઈ, રાજાની કતલમાં સવા શેર જનોઈ ઉતરે તેટલા અટંકી બ્રાહ્મણોને વઢાવ્યા હતા; જ્યાં વેણુ નદીને કાંઠે રાણા મેહ જેઠવાએ, ઉજળાવરણી ને ઉજળાંલક્ષણી ઉજળી નામની ચારણ-કન્યાની પ્રીતિના કાલાવાલા નકારી, એના શાપથી ગળત કોઢમાં ગળવાનું કબુલી લીધુ હતું. એવા આભપરા ડુંગર ઉપર રાજા શૈલકુમાર જેઠવાએ ભૂતને હાથે બંધાવેલાં કાળુભા, કચોળીયું ને સાફુંદો નામનાં ત્રણ પૂરાતની તળાવ છે. એ તળાવની પાળે ઝાડવાંમાં ને પોલા પાણાઓની બખોલોમાં વાઘેરોના કબીલાએ ઘંટીઓ માંડીને ગામ વસાવ્યું. નીચેના બરડા મુલકમાંથી અને નગરનાં પરગણાંમાંથી ખેડુતોની ખળાવાડોમાંથી ખોરાકી પૂરતા દાણા પાડા ઉપર લાદી લાદીને લાવવા લાગ્યા. અને જોધાની મુખમુદ્રા ઉપર મરણીયાપણાના રંગ તરવરી ઉઠ્યા : જોધો પોતાના ખરા રૂપમાં આવ્યો. એણે અંગ્રેજોની સાથે મહા વેર જગાડ્યું : એનું દિલ પ્રભુની સાથે લાગી ગયું :

મનડો મોલાસેં લગાયો
જોધો માણેક રૂપમેં આયો!
કમરૂં કસીને માણેકે બંધીયું અલા!
ગાયકવાડકે નમાયો — જોધો૦
કેસર કપડાં અલાલા! માણેકે રંગીયાં ને
તરવારેસેં રમાયો — જોધો૦
જોધા માણેકજી ચડી અસવારી અલા!
સતીયેંકે સીસ નમાયો — જોધા૦
ઉંચુ ટેકરો આભપરેજો અલ્લા!
તે પર દંગો રચાયો — જોધો ૦
શેખ ઈસાક ચયે સૂણે મુંજા સાજન!
દાતાર મદતેમેં આયો — જોધો૦

[જોધો માણેક સાચા રૂપમાં આવ્યો. એણે પાતાનું દિલ પ્રભુ સાથે લગાવી દીધું. માણેકે કસી કસીને કમર બાંધી દુનિયામાં ડંકો બજાવ્યો, કેસરીયાં કપડાં રંગીને માણેક તરવારે રમ્યા. જોધા માણેકની અસવારી ચડી. પાદરમાં સતીઓના પાળીઆ હતા તેને જોધાજીએ માથું નમાવી પ્રણામ કર્યા. આભપરાના ઉંચા ટેકરા ઉપર ધીંગાણું મચાવ્યું. કવિ શેખ ઈસાક કહે છે કે ઓ મારા સ્વજનો! સાંભળો! એની મદદમાં દાતાર આવ્યો.]