સોરઠી બહારવટીયા - 2/૧૩.
દ્વારકાના અંગ્રેજ હાકેમના બંગલામાં મડમ મેરી પોતાના સ્વામી બારટન સાહેબની સાથે જીકર લઈ બેઠી છે : સાહેબ ઓરતને સમજાવે છે: “મેરી, તું હઠીલી થા નહિ આજ આપણે અાંહી સરકારી હાકેમ બનીને આવેલ છીએ. અાંહી વાધેરોનું બહારવટું સળગે છે. આપણે સેલગાહે નથી આવ્યા!” “ના ના. ચાહે તેમ કરો, મારે જોધા માણેકને જોવો છે. એની બહાદુરીની વાતો સાંભળ્યા પછી મારી ધીરજ રહેતી નથી.” “પણ એ બહારવટીયો છે, બંડખોર છે. એના શિર પર અંગ્રેજોની કતલનો આરોપ ઉભો છે. એને છુપા મળાય જ નહિ. એને તો જોતાં જ ઝાલી લેવો જોઈએ.” “એક જ વાત સ્વામી! મારે એ શુરવીરને નિરખવો છે.” સાહેબનો ઈલાજ ન રહ્યો. એણે જોધા માણેકને આભપરેથી ઉતારી લાવવા માટે દ્વારકાવાળા રામજી શેઠને આજ્ઞા કરી. રામજી શેઠ અકળાયો. “સાહેબ, એકવચની રહેશો! દગો નહિ થાય કે?” “રામજી શેઠ, મારી ખાનદાની પર ભરોસો રાખીને બોલાવો.” રામજીએ અાભપરાની ટોચે છુપા સમાચાર પહોંચાડ્યા કે “જોધાભા આવી જજો. સમાધાની થાય તેવું છે.” જોધો ઉતર્યો. ઓખાનું માણેક ઉતર્યું. રૂપની તો સોરઠમાં જોડી નહોતી. આજાનબાહુ : મસ્ત પહોળી છાતી : બાજઠ જેવા ખંભા: વાંકડી મૂછો : જાડેજી દાઢી: મોટી મોટી અાંખોમાં મીઠપ ભરેલી : ને પંડ પર પૂરાં હથીઆર : આજ પણ ભલભલાઓ પોતાના વડીલોને મ્હોંયેથી સાંભળેલી એ વાઘેર રાજાનાં અનોધાં રૂપની વાતો કરે છે. ગામ બહારની ગીચ ઝાડીમાં આવીને જોધાએ પડાવ નાખ્યો. રામજીભાને સમાચાર મોકલ્યા. રામજી શેઠ મડમ પાસે દોડ્યો. સવારથી મડમનું હૈયું હરણના બચ્ચાની માફક કૂદકા મારતું હતું. આજ કાઠીઆવાડી જવાંમર્દીનો નમૂનો જોવાના એના કોડ પૂરા થવાના છે. અંગ્રેજની દીકરીને બહાદૂર નર નિરખવાના ઉછરંગ છે. “મડમ સાબ! જોધો માણેક હાજર છે.” “ઓ! ઓ! એને અાંહી ન લાવજો! અાંહી ન લાવજો! કદાચ સાહેબ ક્યાંઈક દગો કરે! અાંહી કચેરીમાં નહિ, પણ બહાર જંગલમાં જ મળવાનું રાખજો!” મેરીના અંતરમાં ફિકરનો ફફડાટ હતો. પોતાના ધણી ઉપર પણ એને પૂરો વિશ્વાસ નહોતો બેસતો. સાહેબે ખુશીથી બહાર જઈને મળવાનું કબુલ કર્યું. રામજી શેઠ પોતાના રાજાને ખબર દેવા ગયા. એ બુઢ્ઢા ભેરૂને દેખતાંની વાર જ જોધો સામે દોડ્યો. ભાટીઆને બથમાં ઘાલીને મળ્યો અને ઉભરાતે હૈયે બોલ્યો “રામજી ભા! જીરે જીરે મલ્યાસીં પાણ! પાંકે તો ભરોંસો ન વો!” [રામજીભાઈ! જીવતાં જીવત આપણે મળ્યા ખરા! મને તો ભરોસો નહોતો.] રામજી શેઠની છાતી પણ ભરાઈ આવી. ભેળો પોતાના દીકરાનો દીકરો રતનશી, દસ વરસનો હતો, તે આ ભાઈબંધીનાં હેત જોઈ રહ્યો. [રતનશી આજે બેટમાં હયાત છે.] સાહેબ આવ્યા. મડમ આવ્યાં. બન્નેએ જોધાની સાથે હાથ મિલાવ્યા. ગોરાં વરવહુ એ ઘઉંવરણા અને અભણ બળવાખોરની ખાનદાન મુખમુદ્રા સામે પ્રેમભીની મીટ માંડી જોધાની રેખા યે રેખાને જાણે પીવા લાગ્યાં. સાહેબ મડમ સામે જુવે, ને મડમ સાહેબ સામે જુવે. બેયની આંખો જાણે જોધાને માટે કાંઈક વાતો કરી રહી છે. મડમનું અબોલ મ્હોં જાણે કરૂણાભરી ભાષામાં કહી રહ્યું છે કે “ઓખા મંડળનો સાચો માલીક તો અા આપણે તો ફકત બથાવી પડ્યાં. આનાં બાળ બચ્ચાંનું શું? એની ઓરત કયાં જઈ જન્મારો કાઢશે? કાંઈ વિચાર થાય છે?” મડમની અાંખો પલળતી દેખાણી. બાર્ટને કહ્યું “જોધા માણેક! તમે અાંહી મારી પાસે નજરકેદ રહેશો? હું તમારૂં બહારવટું પાર પડાવું. તમારો ગુન્હો નથી. ગુન્હો તો તમને ઉશ્કેરનારનો છે. અાંહી રહો. હું તમારે માટે વિષ્ઠિ ચલાવું.” જોધાએ રામજીભા સામે જોયું. રામજી તો વટનો કટકો હતો. તેણે કહ્યું “ના સાહેબ, જોધોભા તો ઓખાનો રાજા છે. એને નજરકેદ ન હોય, એ તો છુટો જ ફરશે. બાકી હું એનો હામી થઈને રહેવા તૈયાર છું.” “રામજી શેઠ! હું દિલગીર છું, કાયદાએ મારા હાથ બાંધી લીધા છે. એને હામી ઉપર ન છોડાય. તમે એને અાંહી રહેવા દ્યો. હું એને રાજાની રીતે રાખીશ.” “ના! ના! ના!” બુઢ્ઢા રામજીએ ડોકું ધુણાવ્યું: “મારે ભરોસે આવેલા મારા રાજાને માથે ક્યાંઈક દગો થાય, તો મારી સાત પેઢી બોળાય! હું ન માનું, જોધાભા! પાછા વળી જાવ.” સાહેબે અફસોસ બતાવ્યો. મડમ તો બહારવટીયાની મુખમુદ્રા ઉપર ઉઠતા રંગોને જ નિરખે છે. આખરે જોધો ઉઠ્યો. સાહેબ મડમે ફરી હાથ મિલાવ્યા, કાળી મોટી અાંખોમાંથી મીઠપ નીતારતો બહારવટીયો રણછોડરાયના મંદિર તરફ ઉભો રહ્યો, હાથ જોડ્યા. આભપરા દીમનો વળી નીકળ્યો. એનાં નેત્રો બોલતાં હતાં કે “ઓખાને છેલ્લા રામરામ છે!” ઝાડીમાં એનાં પગલાંના ધબકારા સાંભળતી મડમ કાન દઈને ઉભી રહી.