સોરઠી બહારવટીયા - 2/૧૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૪

પણ જો હવે નહિ ઉઘાડ ને, તો હમણાં કમાડ ખેડવીને માલીપા આવશું, અને શામજીની મૂર્તિને માથે એક વાલની વાળી યે નહિ રે'વા દઇએ. અબધડી લુંટીને હાલી નીકળશું તો તારૂં મોઢું ખોઈ જેવું થઈ રહેશે. ઉધાડ ગેલા! શામજીના આશરા તો ચોર શાહુકાર સહુને માટે સરખા કે'વાય.” એ ન ભૂલાય તેવો નાદ સાંભળતાં જ દરવાનનો હાથ આપોઆપ અંધારામાં કમાડની સાંકળ ઉપર પડ્યો. અને 'કી ચૂ...ડ' અવાજે બેય કમાડ ઉઘાડાં ફટાક મેલાયાં. ચાલીસે ઘોડીઓ અંદર દાખલ થઈ ગઈ. x x x “શામજી દાદા!” પ્રભાતે જોગીદાસ પાઘડી ઉતારીને ઝુલતે ચોટલે પ્રભુની શ્યામ પ્રતિમા સામે ઠપકા સંભળાવી રહ્યો છે; “શામજી દાદા! મારો ગરાસ લુંટાય ને મારાં બાયડી છોકરાં શત્રુને ઉંબરે બેસીને બટકું રોટલો ખાય ઈ તો ઠીક; ભુજામાં બળ હશે તો મારી ઝૂડીને ગરાસ પાછો મેળવશું; પણ દાદા! તારા કોઠારમાં યે શું કણ ખૂટી ગયું કે મારા ચાળીસ અસવારોને આઠ દિ'ની લાંઘણોનું પારણું ઘોડીયુંના એઠા બાજરાના ટેઠવા ખાઈને કરવું પડે! આવડો બધો અન્નનો દુકાળ તારા દેશમાં! એવો તારો શીયો અપરાધ થઈ ગયો દાદા! હું શું પાપી માયલો યે પાપીયો લેખાણો?” જોરાવર છાતીના બહારવટીયાને પણ તે વખતે નેત્રોમાં જળજળીયાં આવી ગયાં. પણ એકજ ઘડીમાં એ ચમકી ઉઠ્યો. એના કાનમાં જાણે કોઈ પડઘા બોલ્યા કે “ધડુસ! ધડુસ! ધડુસ!” “સાચું! સાચું! દાદા, સાચું! મારૂં પાપ મને સાંભરી ગયું. હવે તારો વાંક નહિ કાઢું.” તાળી પાણીના દેવતાઈ કુંડમાં જઈ જોગીદાસે સ્નાન કર્યું . માથાનો લાંબો ચોટલો કોઈની નજરે ન પડી જાય તે માટે અંધારામાં સહુથી પહેલો પોતે નાહી આવ્યો. અને ડુંગરાના હૈયામાં 'જય શ્યામ! જય શ્યામ! જય શ્યામ!' એવી ધૂનના પડછંદા ગુંજવા લાગ્યા. જગ્યાના મહંતે રસોઈની તૈયારી તો ઝડપથી માંડી દીધી હતી. પણ ચાલીસે કાઠીઓ ભૂખ્યા ડાંસ જેવા બનીને ધીરજ હારી બેઠા હતા. પેટમાં આગ થઈ હતી. રોટલા થાય છે થાયછે ત્યાં તો વારે વારે દોડી દોડી “ભણેં જોગીદાસ ખુમાણ! ઝટ હાલો! ઝટ હાલો!” એવી ઉતાવળ કરાવતા હતા. ઉપવાસી જોગીદાસ પણ કાંઈ જેવો તેવો ભૂખ્યો નહોતો. પરંતુ અન્નમાં ચિત્ત ન જાય અને કાઠીઓ તોફાન મચાવી ન મૂકે તે કારણથી પોતે માળા ફેરવવા બેસી ગયો. કાઠીઓ બોલવવા આવે તો શાંતિથી એમજ જવાબ આપતો ગયો કે “હજી બે માળા બાકી છે ભા! હજી એક જા૫ અધૂરો છે! હમણે પૂરો કરી લઉ છું!”