સોરઠી બહારવટીયા - 2/૧૫

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૫

ભાવેણાનો નાથ કાયર થઈ ગયો છે. વજેસંગજીનાં કળ ને બળ બેય હારી ગયાં છે. મોટી વિમાસણ થઈ પડી છે. “કોઈ જો જોગીદાસને પકડી મને સોંપે તો મારા ભાવનગર રાજમાંથી એક ચોવીસીનું મ્હોંમાગ્યું ચોસલ્યું કાઢી આપું.” “છે કોઈ મરદ મૂછાળો!” એવી હાકલ કરીને બીડદાર કચારીમાં બીડું ફેરવવા માંડ્યો. જસદણ દરબાર શેલા ખાચર ભાવનગરને ઘેર પરોણા છે, એનો હાથ મૂછોના કાતરા ઉપર ગયો. ચોવીસીનું ચોસલ્યું આપવાની વાત સાંભળીને એની દાઢ ગળકી. થાળીમાંથી બીડું ઉપાડીને એણે મોઢામાં મૂક્યું. “તમે પોતેજ, આપા શેલા?” વજેસંગજીએ પૂછ્યું. “હા ઠાકોર! છ મહિને ગળામાં ગાળા નાખીને બહારવટીયો હાજર કરૂં.” “અરે રંગ શેલા ખાચર!” એવા રંગ લઈને શેલો ખાચર જસદણ સીધાવ્યો. થોડા દિવસ થયા ત્યાં તો એના કાઠીઓ અધીરા થઈ ગયા. ચોવીસીના ચોસલ્યામાંથી પોતપોતાને બટકું બટકુ મળવાની લાલચે જોગીદાસને ઝાલી લાવવા ઉતાવળા થઈ ગયા. અને શેલા ખાચરને જઈ કહેવા લાગ્યા કે “ભણેં આપા શેલા! હવે તો બાંધી બાંધી ઘોડીયું પાછલા પગની પાટું મારી મારીને ઘોડહારનાં પાછલાં પડાળ તોડી નાખે છે. માટે હવે ઝટ કરો!” “હા બા, હવે ચડીએં.” તે અરસામાં જ એક માણસ જસદણની ડેલીએ આવ્યો. આવીને કહ્યું કે “દરબાર! તમારા ચોર દેખાડું.” “તું કાણુ છો?" “હું જોગીદાસનો જોશ જોવાવાળો.” “આંહી ક્યાંથી?” “તકરાર થઈ, મને કાઢી મેલ્યો. હાલો દેખાડું.” “ક્યાં પડ્યા છે?" “નાંદીવેલે : ભાણગાળામાં” “કેટલા જણ છે?" “દસ જ જણા.” “વાહ વા! કાઠીયું! ઝટ ઘોડાં પલાણો. અને ગાંગા બારોટ, તમારે પણ અમારી હારે આવવાનું છે.” “બાપુ! મને તેડી જવો રહેવા દ્યો." ગાંગો રાવળ હાથ જોડીને બોલ્યો. “ના, તમારે તે આવવું જ પડશે. અને જેવું જુવો એવું અમારૂં પરાક્રમ ગાવું પડશે.” એક સો ને વીસ અસવારે શેલો ખાચર ચડ્યા. લીલા પીળા નેજા ફટકતા આવે છે. આભ ધુંધળો થાય છે. જોગીદાસને દસ માણસે ઝાલી લેવો એ આપા શેલાને મન આજ રમત વાત છે. સાથે પોતાના આશ્રિત ગાંગા રાવળને લીધો છે. પોતાના જશ ગવરાવવાનો એને કોડ છે. ભાણ ગાળાની ભેખો ઉપર એક સો વીસ માણસોની ધકમક ભાળતાં જ જોગીદાસ ઘોડે પલાણી દસે માણસો સાથે ચડી નીકળ્યો. નાનેરા ભાઈ ભાણે હાકલ કરી કે “આપા! આમ ભુંડાઈએ ભાગશું? મલકમાં ભારે થઈને હવે હળવા થવું છે?” “બાપ ભાણ! બારવટીયા તો બચાય ત્યાં સુધી બચે બારવટામાં ભાગ્યાની ખોટ્ય નહિ.” “પણ આપા! આમ તો જુઓ આ શેલો : કાગડો કાગડાની માટી ખાવા આવ્યો છે. અને એની મોઢા આગળ ભાણ જોગીદાસ ભાગશે? એથી તો કટકા થઈ જવું ભલું. આપા! * [૧]દેવળવાળાનું દેવસું! પાછા ફરે." દસ અસવારે જોગીદાસ પાછો ફર્યો, ક્યારે ફર્યો, એ ખબર ન પડી. ઓચીંતો પવન જેમ દિશા પલટાવે એમ બહારવટીએ વાટ પલટાવી. સૂસવાટા મારતો જાણે વંટોળ આવ્યો. એને આવતો ભાળતાં જ શેલાના કટકમાંથી રામ ગયા. કટક ભાગ્યું. શેલાએ સાદ દીધો : “અરે ભણેં, કાઠીઓ! ભાગો મા! ભાગો મા!” ભાગતા કાઠીઓએ જવાબ દીધો “ભણે આપા શેલા! કાઠી કાઠીનો દીકરો એમ સાંકડ્યમાં આવુને ને મરે. ૫ડ તો દીમો જોસે બા!” [દુશ્મનને મેદાન તો દેવું જોઈએ.] જાણે કાઠીઓ દુશ્મનોને પડ દેવા માટે ભાગતા હતા! ત્યાં તો 'માટી થાજો જસદણીઆવ!' એવી રણહાક કરતા ભાણ જોગીદાસે દસે ઘોડે ભેળાં કર્યા. “ભાગો! ભણે ભાગો! પડ દ્યો! ભણે પડ દ્યો!” એવી કીકીઅારી કરતા એક સો વીસ કાઠીએ ઉપડ્યા. શેલો સાદ કરે છે “એલા કાઠીઓ! આ તો કાંકરા કરાવ્યા!” ભાગતા કાઠીઓ કહે છે: “આપા શેલા! કાંકરા ભલા! બાકી આંહી ગરમાં જો પાળીઆ થાશે ને, તો કોઈ સીંદોર ચડાવવા ય નહિ આવે!”

દેવળવાળાનું દેવસું : સૂરજદેવળ તીર્થના સૂર્ય ભગવાનનીદુહાઇ. ('સુરજ દેવળ' પાંચાળમાં આવેલું કાઠીઓનું તીર્થ છે.)

“સાચુ ભણ્યું બા!” કહીને શેલો પણ ભાગ્યો. ગાંગો રાવળ બૂમો પાડતો રહ્યો કે “એ આપા શેલા! ગઝબ થાય છે. ભાગ્ય મા, ભાગ્ય મા!” “ગાંગા! તું હવે હળવે હળવે આવી પોગજે!” એટલું કહીને શેલો ખાચર કટક સાથે પલાયન થયો. અને આંંહી જોગીદાસને જોતાં જ ગાંગાની છાતી ફાટવા લાગી. “વઘન્યાં! મારા વિસામાનાં વઘન્યાં બાપ!” એમ બબ્બે હાથે વારણાં લઈને ગાંગાએ બહારવટીયાને બુલંદ આજે બિરદાવ્યા. શરમીંદો બનીને બહારવટીઓ બોલ્યો કે “ગાંગા બારોટ! આ બિરદાવળીનાં મૂલ મૂલવવાની વેળા આજ મારે નથી રહી. શું કરૂં?” “બાપ જોગીદાસ! હું આજ મોજ લેવા નથી આવ્યો. હું તો તારા ગણની ગંગામાં નાઈ રહ્યો છું. તું તો અમારૂં તીરથ ઠર્યો.” ગજા મુજબ શીખ કરીને ગાંગાને વિદાય કર્યો. આંહી શેલા ખાચરે થોડાંક હથીઆર પડીઆર અને થોડાંક ઘોડાં ભાવનગર મોકલી દઈને ઠાકોરને કહેવરાવ્યું કે “બારવટીયા તો વાંદર્યાં જીમાં! દિ' રાત ગરની ઝાડીયુંમાં રે'વા વાળા! સર સામાન મેલુ, ઝાડવાંના વેલા પકડુ પકડુને ઝાડવાં માથે ચડુ ગીયા. ચડુને ડુંગરામાં તડહકાવુ ગીયા! અને યાનો આ અસબાબ અમે આંચકી લીધો તે દઉ મેલીએ છીએ.” ઠાકોર સમજી ગયા. આ ટારડાં ઘોડાં ને આ સર સામાન જોગીદાસનાં હોય! શેલો ખાચર છોકરાં ફોસલાવે છે! ઘૂમતો ઘૂમતો ગાંગો રાવળ ચાર મહિને જસદણમાં આવ્યો છે. શેલા ખાચરનો દાયરો ભરાયો છે, એવે સમયે કાઠીઓએ ગાંગાને છંછેડ્યો “ગાંગા બારોટ! ભણેં હવે બાપુનો ગીત ભણ્ય! ભાણગાળાના ધીંગાણામાં બાપુ શેલો ખાચર કેવા રૂડા દેખાણા, ઈ વાતનો ગીત ભણ્ય!” ગાંગા રાવળે મ્હેાં મલકાવ્યું: “ગીત તો કેમ કરીને ભણું બા! યાં તો તમને વાંસામાં બારવટીયાનાં ભાલાં વાગતાં'તાં!” “પણ તાળી જીભે કાંઈ ભાલાં વાગતાં સે? ગીત ભણવામાં તારા બાપનો કાણું જાતો સે? ચાર વીઘા પળત ખાછ. હોળી દીવાળીએ દાત્ય લેછ, બાપુની મેાજું લેછ, ઈ કાંઈ મફતીયો માલ છે?” “એટલે! ખેાટેખોટાં વખાણ ગાવા સાટુ મને બાપુ પળત ખવરાવે છે?” “હા! હા! વખાણ તો કરવાં જોશે. કવિ કેવાનો થીયો છે?” “ઠીક ત્યારે, સાંભળી લ્યો. પણ એક કરાર: શીંગાથી પીંછા સુધી એક વાર સાંભળી લેવું: વચ્ચે મને રોકવો કે ટોંકવો નહિ. આ ગીતમાં તો વડછડ છે; એટલે ઘડીક આપણું સારૂં આવશે, ઘડીક ભાણ જોગીદાસનું સારૂં આવશે, અને છેવટે બાપુનો ડંકો વાગશે. માટે મને વચ્ચે રોકો તો તમને સૂરજના સમ!” “ભલે!” ગાંગાએ ગીત રચી રાખેલું, તે ઉપાડ્યું :