સોરઠી બહારવટીયા - 2/૫

From Ekatra Wiki
Jump to navigation Jump to search

મીતીઆળાના કિલ્લામાં ત્રણે ભાઈઓ મસલત કરે છે: “ભાઈ ગેલા ખુમાણ!” જોગીદાસે મોટા ભાઈને પૂછ્યું. “હાં આપા." “આપણે ત્રણે જણા બારવટે ભાટકીએ છીએ, પણ બાપુ એકલા થઈ પડ્યા. પંચાણું વરસની આખી આવરદા ધીંગાણે ગઈ: એટલે એકલા રે'વું ગોઠે કેમ? એની ચાકરી કોણ કરે?” “ત્યારે શું કરવું આપા?” “બીજું શું? બાપુને પરણાવીએ.” “ઠેકાણું તપાસ્યું છે?” “હા, ધૂધરાળે જેબલીયા કાઠીની એક દીકરી છે.” “પણ નવી માને દીકરા થાશે તો?" “તો તેની ચિંતા શી? બાપના દીકરાથી વધુ રુડું શું?" “ભાગ નહિ પડે?” “પણ ભાઇયું આપણે પડખે મદદમાં યે ઉભા રહેશે ને? જાડા જણ હશું તો બારવટું જોરથી ખેડાશે.” પંચાણું વર્ષની ઉમ્મર છતાં હાદા ખુમાણની વજ્ર જેવી કાયા છે : બખ્તર, ટોપ, ભાલો, ઢાલ ને તલવાર, તમામ હથીઆર પડીયારના ભાર સોતા બાપુ ઠેકડો મારીને બાવળા ઘોડા ઉપર ચડી બેસે છે. સામું પાગડું ઝાલવાની જરૂર રહેતી નથી. એવા પોતાના બાપનું લગ્ન કરીને જોગીદાસે પિતાના સુખનો માર્ગ કાઢ્યો. સાત વર્ષ વીત્યાં. જેબલીયાણી માના ખોળામાં બે સાવઝ સરખા દીકરા રમે છે : એકનું નામ હીપો ને બીજાનું નામ જસો. પણ આ ગુલતાનમાં હાદા ખુમાણને હવે ચેન પડતું નથી. રોજેરોજ દીકરાઓની તગડાતગડ સાંભળીને બાપનું દિલ ઉકળે છે. અંતર ઘરમાંથી ઉઠી જાય છે. “દરબાર!” જુવાન જેબલીયાણી પોતાની જાત વિચારી જઈને ખરા ટાણાનાં વેણ બોલી કે “દરબાર! હવે બસ; હવે આ દુનિયાને કડવી કરી નાખો! ભાણ જોગીદાસ જેવા દીકરા બારવટે ભાટકી ગિરમાં પાણાનાં ઓશીકાં કરે છે, એ વેળાએ આપણને આંહી હીંડોળા ખાટે હીંચકવું ન ઘટે." “સાચી વાત, કાઠીઆણી! રંગ છે તને!” પોતાની જૂવાન સ્ત્રીને એવા ધન્યવાદ દઈને આપા હાદાએ હથીઆર લીધાં. ઘરનું સુખ છોડીને દસ વરસ સુધી બહારવટું ખેડ્યું. એ હિસાબે એની અવસ્થા એકસો ને બાર વરસની થઈ. પછી તો એને બુઢ્ઢાપો વરતાવા લાગ્યો. જોગીદાસે આગ્રહ કરીને વળી પણ બાપુને ધૂધરાળે વિસામો લેવા મોકલી દીધા.