સોરઠી બહારવટીયા - 2/૮.

રામજીના ભાઈ જેરામે બેટમાં પહોંચીને શું કર્યું? બહાદુરી કરીને કિલ્લો બચાવ્યો, ગાયકવાડી સિપાહીઓને શૌર્ય ચડાવ્યું કે 'દ્વારકાવાળા ખૂટી ગયા. પણ તમે ખૂટશો મા. કિલ્લો સોંપશો મા.” એણે સામો પક્ષ લીધો. સિપાહીઓ-પણ અમારે ખાવાનું શું કરવું? જેરામ-હું સગવડ કરી દઉં, મંદિરમાં વાંધો નથી. વાઘેરો ચડી આવ્યા. મંદિરનો કિલ્લો બંધ દીઠો. અને આખી રાત કિલ્લા ઉપર કપાસીઆ તેલના દીવા માંડી એક આદમીને “ખબરદાર! ખબરદાર!” એવી હાકલો સાથે ચોકી દેતો દીઠો. વાઘેરોએ અવાજ ઓળખ્યો. “એ અવાજ તો જેરામભાનો એ હશે ત્યાં સુધી કિલ્લો નહિ સોંપવા દે.” ગામ લૂંટ્યા વિના વાઘેરો પાછા દ્વારકા ગયા. જોધાને અને રામજીભાને તેડી લાવ્યા. જુવાન જેરામભા કિલ્લા ઉપર ઉભો છે. નીચે ઉભાં ઉભાં જોધાએ અને રામજીભાએ સમજાવટ આદરી : “ભાઈ જેરામભા! હેઠો ઉતરી જા!” જોધો બોલ્યો “ન ઉતરૂં, એમ કિલ્લો ન સોંપાય. તું તારે બે હજાર વાઘેરની ફોજ લઈને ચડી આવ. કિલ્લો જીતીને ખુશીથી લઈ લે. પણ ખુટલાઈ કરાવીને શું લેવા આવ્યો છે જોધાભા!” “જેરામભા! આજ તો હું તને શરમાવવા આવ્યો છું. અમારે રાજપાલટો આણવો છે, અને તું ઉઠીને શું ઓખાનો શત્રુ થઈશ? જેરામભા! દ્વારકા કોની? દ્વારકા પાંજી આય.” “દ્વારકા પાંજી આય!” એ વેણે જેરામનું હૈયું હલમલાવી નાખ્યું. તેમાં વળી રામજી શેઠનો સાદ પૂરાયો: “ભાઈ જેરામ! હવે હુજ્જત મ કર.” જેરામ – તો એટલી બાંહેધરી દે, કે આ કિલ્લાના કોઈ પણ આદમી ઉપર ઘા ન કરવા, સહુને હેમખેમ સલાયા ભેળા થાવા દેવા. જોધો - કબૂલ છે રણછોડરાયની સાખે! કિલ્લાના સિપાહીઓને ગાયકવાડી કે સરકારી કુમક આવી નહિ. બચાવ લાંબો વખત થાય તેમ નહોતું રહ્યું. જેરામભાના રક્ષણ નીચે સહુ નીકળીને સલાયા ગામ તરફ ચાલતા થયા. બરાબર શંખ તળાવ પાસે પહોંચે ત્યાં પાછળથી માંકડાં જેવા વાઘેરોનું એક ટોળું તેઓને આંબી ગયું અને ટોળાએ ચસ્કા કર્યા કે “મારો! મારો! મારો!” આડો ઉભો રહીને જેરામભા બોલ્યો “ખબરદાર જો આગળ વધ્યા છે તો. તમે જોધાભાનો કોલ ઉથાપો છો?" વાઘેરોએ હુજ્જત કરી : “જેરામભા! આ સિપાઈઓએ અમારા એક આદમીને માર્યો છે એટલે અમે એક ધીંગાણું કર્યા વગર તો પાછા જવાના જ નથી.” જેરામભાના હાથમાં લાકડી હતી. ધરતી ઉપર ધૂળમાં આડો લીટો કરીને કહ્યું કે “વાઘેર બચ્ચાઓ! જો આ લીટો વિળોટો તો તમને જોધા માણેકની આણ છે.” એટલી આણ બસ હતી. લાકડીની લીટી હતી તે દિવાલ જેવી થઈ પડી. વાઘેરો પાછા વળી ગયા.