સોરઠી બહારવટીયા - 2/3

From Ekatra Wiki
Jump to navigation Jump to search
3

ઠાકોર વજેસંગજી અફસોસ કરી રહ્યા છે : “ઓહોહો! ખુમાણોએ મારૂ ઢીમ ઢાળી દીધું : આણંદજી દિવાનને મારી પાડ્યા! આવો નાગર ફરી નહિ મળે.” “ફિકર નહિ બાપુ, આણંદજીની કાયા તો ભાવનગરની બાજરીને કણે કણે બંધાણી'તી ને? અને ટાણું આવ્યે તો લેખે ચડી જ જાવું જેવે?” “શી રીતે વાત બની?” “બાપુ, આણંદજી ભાઈ તો મહુવે એના બાપનું શ્રાદ્ધ સારવા બેઠા હતા. ઘેરે મહેમાનોનું જૂથ ક્યાંય માતું નો'તું, એમાં વાવડ સાંભળ્યા કે બહારવટીયા ભાણગાળામાં પડ્યા છે. શ્રાદ્ધ અધૂરું મેલીને ઉઠ્યા. ભાણગાળેથી બહારવટીયાને ભગાડીને આણંદજી ભાઈએ ઝપટમાં લીધા. ખેરાળીના ડુંગરાની અંદર હરખાવદરના ગાળામાં ભેટંભેટા થઈ ગયા. એક આણંદજી ભાઈ ને બીજો સૈયદ બાગ:. એક નાગર ને બીજો આરબઃ બેય જણા નીમકની રમત રમી જાણ્યા બાપુ! આણંદજી ભાઈને ઝાટકે ને સૈયદ બાગાને જમૈયે કાઠીનું ખળું કરી નાખ્યું. અંતે જોગીદાસને ભત્રીજે ચાંપે ખુમાણે આણંદજી ભાઈને બરછીએ પરોવી લીધા, સૈયદ બાગાને ડીલે પણ પૂરા બત્રીસ ઘા પડ્યા. ખુમાણો તો એ બેને જ ઢાળીને ભાગી છૂટ્યા.” “ઠીક, જેવી મા ખોડીયારની મરજી! રાજ તરફથી આણંદજી દિવાનના માથા સાટે એના કુટુંબને ત્રણ ગામ આજથી “જાવચ્ચંદર દીવાકરૌ” માંડી આપુ છું : વીસળીયું, વડલી, ને લુવારા.” આખી કચારીના એકેએક માણસને ઠાકોર વજેસંગના માથા ઉપરથી ઓળધોળ થઈ જવાના ઉમળકા આવ્યા. “અને સૈયદ બાગાનું શું થયું?" ઠાકોરે સવાલ કર્યો. “સૈયદ બાગો તો અટાણે પડદે પડ્યા છે બાપુ! સૈયદ બાગાના જખ્મોને જ્યારે અમે હીરના ટેભા લઈ સીવવા માંડયા ત્યારે એણે હીરના ટેભાની ના પાડી. એણે તો બાપુ હઠ જ લીધી કે મને ચામડાની વાધરીના મજબુત ટેભા લીયો. આખું અંગ વેતરાઈ ગયું'તું તો પણ એક ચુંકારો કર્યા વગર આરબે વાધરીના ટેભા લેવરાવ્યા. મોઢા આગળ આણંદજી દિવાનની લાશ પડી'તી. “રંગ છે આરબની જનેતાને.એનો ધાવેલો તો જરૂર પડ્યે ઉભા ને ઉભા કરવતે પણ વેરાઈ જાય ને!” કચારીમાં આરબ અમીર ઉમરાવો ને લશ્કરી અમલદારો બેઠા હતા એનાં ગુલાબી મોઢાં ઉપર બેય ગાલે ચાર ચાર ચુમકીઓ ઉપડી આવી. નીમકહલાલીનાં નિર્મળાં રાતાં લોહી સહુના શરીરની અંદરથી ઉછાળા મારતાં હમણાં જાણે કે ચામડી ફાડીને બહાર ધસી આવશે એવી જોરાવર લાગણી પથરાઈ ગઈ. ત્યાં તો ચોપદારે જાહેર કર્યું કે “બાપુ! જીભાઈ રાઘવજી દિવાન પધારેલ છે.” તૂર્ત જ નાગર જોદ્ધો જીભાઈ રાધવજી દેખાયો. કમર પર કસકસતી સોનેરી ભેટમાં જમૈયા ધબેલા છેઃ ગળે ઢાલ, કાખમાં શિરોહીની તલવાર ને હાથમાં ભાલો લીધો છે. પોતાના અમીરી દેખાવની રૂડપથી કચારીને નવા રંગે રંગતો જીભાઈ હાજર થયો. મહારાજ વજેસંગજી હેતભર્યા મળ્યા. “જીભાઈ! આવી પોગ્યા? બંદોબસ્ત બરાબર કર્યો છે ને?” “મહારાજને પ્રતાપે આ વખતે તો આખા ખુમાણ પંથકને માથે મગીયા–જાળ પાથરીને હાલ્યો આવું છું. મગ જેવડું યે માછલું-ખુમાણનું નાનકડું છોકરૂં પણ ક્યાંય આઘું પાછું ન થઈ શકે એવાં સંધી બરકંદાજોનાં થાણાં કુંડલા, રાજુલા, ડુંગર, આંબરડી, મીતીઆળા વગેરે તમામ જગ્યાએ થાપી દીધાં છે, પાકેપાકી મગીયાજાળ પાથરી દીધી છે બાપા!” “રંગ તમને, જીભાઈ! બાકી તો બહારવટીઆએ આણંદજીને માર્યા ત્યારથી મારૂં રૂંવાડું હેઠું બેસતું નથી. જોગીદાસના ક્યાંય વાવડ?” “જ્યાં હશે ત્યાંથી મારી મગીયાજાળમાં ઝલાઈ જાશે. હવે ફિકર નથી. જોગીદાસ બાપડા હવે કેટલા દિ'?” “હાજ તો! ભાવનગરનો ચોર તો ભાગી ભાગીને કેટલેક જાશે?” એક બીજા અમીરે ટાપસી પૂરી. ત્યાં તો મહારાજને દુ:ખ ભૂલવવા, હિમ્મત દેવા ને રૂડું મનાવવા બીજા બધા પણ બોલવા લાગ્યા કે “હવે બચાડી ચંદરમાની ભાગી શિયાળ તે કેટલે જઈને રે'શે?” “ક્યાં જઈને રે'શે? દેખ બચ્ચા! આંહી રે'શે” કચારીના ખુણામાંથી એવી એક ત્રાડ સંભળાણી. ચમકીને મહારાજે એ ત્રાડ પાડનાર તરફ જોયું. કચારીના તમામ માણસો એ અવાજ કરનારની ખુમારી દેખી સ્તબ્ધ થઈ ગયા. અને ફરીવાર એ ધોળા, વાકડીયા, ખંભે ઢળકતા વાળ વાળા, સુફેદ દાઢી મૂછના ભરાવાવાળા, ધોળી પાંપણો ને નેણો નીચે તબકતી ઝીણી આંખોવાળા, લીલા અંચળાવાળા ને ગળામાં પીળા પારાની માળાવાળા ફકીરે ત્રાડ દીધી કે “ઈસ્મે રે'ગા! યે મેરા ખપ્પરકે નીચુમેં રે'ગા!” એટલું કહેવાની સાથે જ એ ફકીરે પોતાનું કાળું ખપ્પર કચારીમાં ઉંધું વાળ્યું. “નખ્ખોદ વળ્યું!” ઠાકોરના મ્હોંમાંથી ઉદ્ગાર નીકળ્યો, "મુરાદશા ઓલીયાએ ખુમાણને આશરો દીધો!" તૂર્ત જ ચતૂર રાજાએ બાજી પલટી નાખી. મુંજાવર મુરાદશાનો કો૫ હેઠો બેસારવા મીઠાશથી બોલવા માંડ્યું કે “અરે હાં! હાં! હાં! સાંઈ મૌલા! ગુસ્સો શમાવી દો બાવા! દઃખ ધોખો ન લગાડો. હોય. એ તો થયા કરે.” “મહારાજ!” મુરાદશાએ બોખા મ્હોંમાંથી દુઃખનો અવાજ કાઢ્યો, “મને દુ:ખ કેમ ન લાગે? જોગીદાસ જેવા લાખ રૂપીઆના કાઠીને ચોર લુંટારો બનાવી મૂક્યો એ તો ઠીક, પણ ઉપર જાતાં એને નામે આ કચારી ફાવે તેમ બકે? તારી કચારીની કીર્તિ ધૂળ મળે છે, રાજા સા'બ? એમાં જોગીદાસને કાંઈ નાનપ નથી ચોટતી.” “સાંઈ મૌલા! તમારી વાત સાચી છે. છીછરા પેટનાં મારાં માણસોએ મારૂં સારૂં દેખાડવા માટે જોગીદાસને નાન૫ દેવામાં ભૂલ કરી છે. મારા દિલમાં એવું કાંઈ જ નથી. મારા મનથી તો જોગીદાસ માઈનો પૂત છે. અને એના ગરાસ સાટુ એ અમને સંતાપે એમાં કાંઈ પણ ખોટું નથી સાંઈ! આપનો ગુસ્સો શમાવો.*[૧]” ભાવનગરમાં ગંગાજળીયા તળાવને આથમણે કાંઠે વડવાની જમીનના ખુણા પર આજ પણ જે જગ્યા 'પીર મુરાદશાના તકીઆ' તરીકે ઓળખાય છે, ત્યાં વારંવાર અસૂરી વેળાએ આવીને બહારવટીયો ઉતરતો, દિવસોના દિવસ સુધી રહેતો, ને છતાં કોઈને એની બાતમી નહોતી મળતી.