સોરઠી સંતવાણી/અબળા એમ ભણે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અબળા એમ ભણે

પછી લાખો કોઢિયો બની પશ્ચાત્તાપથી શરણું પોકારે છે, ત્યારે લોયણ કહેવરાવે છે :
જી રે લાખા! અબળા લોયણ તમને એમ ભણે રે જી
કુંચીયું છે માલમ ગુરુજીને હાથ : લા…ખા!
ગુરુજી આવે તો તાળાં ઊઘડે રે જી.
જી રે લાખા! અમર આંબો જ્યારે રોપિયો રે જી.
એનાં પાડ તો પૂગ્યાં છે પિયાળ : લા…ખા!
સાખું…સરઘાપુર પૂગિયું ને
વેડનારો છે હુશિયાર : લાખા…!
અબળા લોયણ તમને એમ ભણે રે જી.
જી રે લાખા! ખૂંદી ખમે માતા પ્રથમી ને
વાઢી રે ખમે વનરાઈ : લા…ખા!
કઠણ વચન ઓલ્યાં સાધુડાં ખમે ને
નીર તો સાયરમાં રે સમાય : લા…ખા! — અબળા.
જી રે લાખા! સૂરજ સમો નહીં ચાંદલો ને
ધરણી સમો નહીં આભ : લા…ખા!
ગુરુ રે સમો નહીં ચેલકો રે
જેણે મૂળગો ગુમાવ્યો છે લાવ : લા…ખા! — અબળા.
જી રે લાખા! દૂધેં ભરી તળાવડી રે
જેની મોતીડે બાંધેલી છે પાળ :
સુગરાં હશે રે ઈ તો ભરી ભરી પીશે ને
નુગરા પિયાસા જાય : લા…ખા! — અબળા.
જી રે લાખા! કાશી રે નગરના ઘાટમાં રે
લખ રે આવે ને લખ જાય : લા…ખા!
સાધુ રે જનનો સંદેશડો
ખુલાસે કહ્યો નવ જાય : લા…ખા! — અબળા.
જી રે લાખા! લાખુંની ઓરગત લાખો વોરતો,
કરતો હીરાહુંદાં મૂલ : લા…ખા!
કરિયા ચૂક્યો ને થિયો કોઢિયો,
લાખો થિયો છે કોડીને મૂલ : લા…ખા! — અબળા.
જી રે લાખા! બાર બાર વરસે ગુરુ આવિયા રે
લેવા રે લાખાની સંભાળ : લા…ખા!
હાથ તે અડવા ને કાયા સોનાની રે
લાખો થિયો છે કંચનને રે તોલ : લાખા — અબળા.
જી રે લાખા! સોનું જાણીને રે તને સેવિયો રે
કરમે નીવડ્યું છે કથીર : લા…ખા!
શેલરશીની ચેલી લોયણ બોલિયાં
સાધુનાં ચરણુંમાં દેજો વાસ : લાખા! — અબળા.

[લોયણ]

અર્થ : હે લાખા! અબળા લોયણ તમને એમ કહે છે કે આત્મવિદ્યાનાં નિગૂઢ તાળાંની ચાવી તો સાચા જાણણહાર ગુરુની કને છે. એ તો તાળાં ગુરુજીને આવ્યે જ ઊઘડી શકે. અમરત્વનો આંબો — એનાં મૂળ (પાડ) પાતાળે (પિયાળ) અને એની શાખો સ્વર્ગે પહોંચી છે. એ ફળો ઉતારનાર માનવી તો ચતુર હોવો જોઈએ. ખૂંદી નાખીએ તોપણ એક માતા પૃથ્વી ખમી રહે, વાઢી નાખો તો વનરાઈ ખમી રહે, અને કટુ વચન તો સાધુજન જ ખમી રહે. પૃથ્વી પર વરસતાં આટલાં બધાં પાણીને વા સાગર જ સમાવી શકે. ચાંદો જેમ સૂરજને તોલે ન આવે, તેમ આકાશ પૃથ્વીની તોલે ન આવે. ચેલો ચાહે તેવો વિદ્વાન પણ ગુરુ સમો ન હોય. દૂધેભરી તળાવડી સમાન આ ભક્તિ : એને પીશે તો માત્ર ગુરુગમવાળાં. ગુરુગમ વિનાનાં તો એને તીરેથી પણ તરસ્યાં જશે. કાશીનગરના ઘાટ પર — ગુરુજીની પાસે — લાખો આવે છે ને લાખો જાય છે. પણ હે લાખા! તને મોકલવાનો રહસ્યમય સંદેશો ગમે તે લોકો જોડે ખુલાસાવાર કેમ કહાવી શકાય? તું તો લાખો મોઢે નાણાંની ધીરધાર કરતો, હીરાનો વેપારી હતો. પણ ક્રિયા ચૂક્યો, કોઢિયો બન્યો, કોડીની કીમતનો બન્યો. પછી બાર વર્ષે ગુરુ આવ્યા. તેને સ્પર્શે તારું શરીર સોનાસમું બન્યું. મેં તને સોનું જાણીને સંગ કર્યો, પણ તું તો કથીર-શો કનિષ્ટ નીવડ્યો.