સોરઠી સંતવાણી/કીધાં અમને લોહને કડે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કીધાં અમને લોહને કડે

સદ્ગુરુએ મને લોઢાને કડે બાંધી લીધો, હવે મારે દુર્બુદ્ધિના ઘોડા પર ચડવાનું હોય નહીં.
સતગુરુએ કીધાં અમને લોહને કડે,
રે આ દુબધ્યાને ઘોડે મારે કોણ ચડે?
વાદળાની છાયા, હંસા પલ ઘડી રે’શે રે,
મનડું બાંધ્યું રે તારું મુવલ મડે;
— રે આ દુબધ્યાને ઘોડે મારે કોણ ચડે?
નરૂના ભરેલા નર હીંડે છે ભટકતા રે,
સાચાં રે મોતીડાં એને કિયાંથી રે મળે;
— રે આ દુબધ્યાને ઘોડે.
સકરની વરાંસે મેં તો ઓરી રે ચિરોડી,
વરતી વટાળેં એ તો કે’દી’ ન ગળે રે;
— રે આ દુબધ્યાને ઘોડે.
કે’ત કબીરસાબ, સૂનો મેરે સાધુ રે!
સતગુરુ મળે તો સાચી ખબરું પડે રે;
— રે આ દુબધ્યાને ઘોડે.

[કબીર]