સોરઠી સંતવાણી/ગજવાનો લાડવો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગજવાનો લાડવો

ઝીલવો હોય તો રસ ઝીલી લેજો, પાનબાઈ,
પછી પસ્તાવો થાશે;
અગમ અગોચર રસનું નામ છે
એ તો પૂરણ અધિકારીને ઠેરાશે. — ઝીલવો.
ભાઈ! માન રે મેલ્યા પછી રસ તમને મળશે, પાનબાઈ,
જુઓને વિચારી તમે મનમાં;
દૃષ્ટ પદારથ નથી રે’વાનું, પાનબાઈ,
સુણોને ચિત્ત દઈને વચનમાં. — ઝીલવો.
ભાઈ રે! આ તો ગુંજાનો લાડવો, પાનબાઈ,
અહંભાવ ગયા વિના નો ખવાય;
કોટિ રે જનમની મટાડો કલ્પના ત્યારે
જાતિ રે પણું વયું જાય. — ઝીલવો.
ભાઈ રે! દૃષ્ટિ રાખો, ગુપત રસ ચાખો, પાનબાઈ,
તો તો સેજે આનંદ વરતાય,
ગંગા રે સતી એમ બોલિયાં રે
આપમાં આપ મળી જાય. — ઝીલવો