સોરઠી સંતવાણી/જેસલ, કરી લે વિચાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જેસલ, કરી લે વિચાર

તોળલ નામનાં સ્ત્રી-સંતે, લૂંટારા જેસલ જાડેજાની સાથે જઈ તેનો મદ ગાળી નાખી, તેને માનવ-જીવનનું રહસ્ય સમજાવ્યું છે.
જેસલ, કરી લે વિચાર
માથે જમ કેરો માર
સપના જેવો છે સંસાર
તોળી રાણી કરે છે પોકાર
આવો જેસલરાય!

આપણ પ્રેમ થકી મળીએં જી
પૂરા સંત હોય ત્યાં જઈ ભળીએ જી!
આવ્યો અમુલખ અવતાર
માથે સતગુરુ ધાર
જાવું ધણીને દુવાર
કાયા બેડી ઉતારે ભવપાર
આવોને જેસલરાય. — આપણ.

ગુરુના ગુણનો નહીં પાર
ભગતી છે ખાંડાની ધાર
નુગરા ક્યા જાણે સંસાર
એનો એળે જાય અવતાર
આવોને જેસલરાય. — આપણ.

જીવની ગતિ જીવની પાસ
જેવી કસ્તૂરીમાં વાસ
ધણી તારા નામનો વિશ્વાસ
સેવકોની પૂરો હવે આશ
આવોને જેસલરાય. — આપણ.

છીપું સમુદરમાં થાય
તેનીયું સફળ કમાઈ
સ્વાતના મેહુલા વરસાય
ત્યારે સાચાં મોતીડાં બંધાય
આવોને જેસલરાય. — આપણ.

મોતીડાં એરણમાં ઓરાય
માથે ઘણ કેરા ઘાય
ફૂટે તે ફટકિયાં કે’વાય
ખરાની ખળે ખબરું થાય
આવોને જેસલરાય. — આપણ.

ચાંદો સૂરજ વસે છે આકાશ
નવલખ તારા તેની પાસ
પવન પાણી ને પરકાશ
સૌ લોક કરે તેની આશ
આવોને જેસલરાય. — આપણ.

નવ લાખ કોથળિયું બંધાય
તે તો ગાંધીડો કે’વાય
હીરામાણેક હાટોડે વેચાય
તે દી એનાં મૂલ મોંઘાં થાય
આવો ને જેસલરાય. — આપણ.

નત્ય નત્ય ઊઠી નાવા જાય
કોયલા ઊજળા ન થાય
ગુણિકાને બેટડો જો થાય
બાપ કેને કે’વાને જાય
આવોને જેસલરાય. — આપણ.

પ્રેમના પાટ પ્રેમના થાટ
ઝળહળ જ્યોતુંના ઝળળાટ
આગળ નમણ્યું જ્યાં થાય
આવોને જેસલરાય. — આપણ.

મનની માંડવીયું રોપાય
તન કેરા પડદા બંધાય
જતિસતી મળી ભેળાં થાય
સતીયુંના પંજા જ્યાં મેળાય
આવોને જેસલરાય. — આપણ.

દેખાદેખી કરો તે મત ભાઈ!
હાથમાં દીવડિયો દરશાય
અંતરે અંજવાળા થાય
ચાર જુગની વાણી તોરલ ગાય
આવોને જેસલરાય. — આપણ.

[તોરલ]

અર્થ : હે જેસલ! તું વિચાર કર. માનવીને શિરે જમદૂતના માર પડવાના છે. સંસાર સ્વપ્ન જેવો છે. તોળલ પોકાર કરીને કહે છે કે હે જેસલરાય, આવો, આપણે પ્રેમથી મળીએ અને પૂર્ણ સંત પુરુષોની મંડળીમાં જઈ ભળીએ. આવો અમૂલ્ય માનવદેહ મળ્યો. તારે માથે કોઈ સદ્ગુરુ સ્વીકારી લે. આપણે પ્રભુને દ્વારે જવું છે. ત્યાં જવા માટે એ ગુરુ આપણી કાયા નાવડીને ભવપાર ઉતારશે. નુગરા (ગુરુ વિનાના) લોકો સંસારને શું ઓળખી શકે? જે રીતે કસ્તૂરી મૃગની પોતાની જ પાસે છે (છતાં મૃગને તેની જાણ નથી) તેમ જીવની ગતિ પણ જીવની પોતાની જ પાસે છે. સમુદ્રમાં તરતી છીપ જો સ્વાતિ નક્ષત્રમાં વરસાદનાં ટીપાં ઝીલે તો જ એનામાં મોતી નીપજે. એ જ રીતે માનવ-આત્મા સાચો ગુરુબોધ પામે તો જ એની મુક્તિ થાય. મોતીમાં પણ સાચાખોટાની પરખ હથોડાના ઘા વડે થઈ શકે છે. એ ઘા પડતાં ન ફૂટે તે સાચાં, ને ફૂટી જાય તે ફટકિયાં એટલે કે ખોટાં. એવી જ રીતે માનવીના ખરાખોટાની પણ ‘ખળે ખબર’ થાય છે, અર્થાત્ માનસિક સંગ્રામમાં પરીક્ષા થાય છે. જેમ એકાદ સૂંઠને ગાંઠિયે નહીં પણ લાખો કોથળીઓ ભરીને માલ રાખવાથી જ માણસ ગાંધી કહેવાય છે, અને મોતી પણ બજારમાં જો વેચાય તો જ એનાં મૂલ્ય થાય છે, તે જ રીતે માનવીની મૂલ્યવત્તા પણ જગતના વ્યવહાર વચ્ચે અંકાય છે. કોયલા જેમ રોજ નહાય તોપણ સફેદ બને નહીં, ને વેશ્યાનો પુત્ર કોઈને બાપ કહી શકે નહીં, તેમ માનવ-જીવ પણ વિકૃત હોય તો ઉદ્ધરી શકે નહીં. સંતો ભક્તો જે સ્થૂલ પાટ-સમારંભ કરી ક્રિયાકાંડ કરે છે તે કંઈ અર્થનો નથી. સાચા પાટ તો પ્રેમના, એમાં આત્માની ઝળહળ જ્યોત આગળ નમન થાય, ત્યાં જે માંડવી (પૂજાસ્થાન) રોપાય તે મનની હોવી જોઈએ, ત્યાં જે ગુપ્ત ક્રિયાના પડદા બંધાય તે કપડાંના નહીં પણ શરીરના હોવા જોઈએ, ત્યાં જતિઓ ને સતીઓ એકત્ર થાય ને પરસ્પર પંજા મિલાવે. હે ભાઈઓ! જે સ્થૂળ સ્વરૂપો છે, તેની દેખાદેખી ન કરો; સાચો પ્રકાશ તો આત્મિક હોવો જોઈએ. બાહ્ય જ્યોતનો, પરદા બાંધવાનો કે પંજા-મિલાપનો કંઈ અર્થ નથી.