સોરઠી સંતવાણી/દેવાયત પંડિત અને દેવલદે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


દેવાયત પંડિત અને દેવલદે
[ભજન]


પે’લા પે’લા પવન ફરુકશે
નદીએ નહિ વહે નીર;
ઓતર થકી રે સાયબો આવશે
ભેળો હનુમંત વીર.
દેવાયત પંડિત દા’ડા દાખવે.
સુણ દેવલદે નાર
આપડે ગરૂવે સત રે ભાખિયાં
જૂઠડાં નહીં રે લગાર
લખ્યા રે ભાખ્યા ઓ દિન આવશે!
પોરો આવ્યો રે સંતો! પાપનો
ધરતી માગે છે ભોગ;
કેટલાક ખડગે કપાઈ જશે,
કેટલાક મરી જાશે રોગ. — દેવાયત.
પોથી ને પુસ્તક ખોટાં પડશે
ખોટાં કાજીના કુરાન
અસલ જાદી રે ચૂડો પે’રશે
એવા કળજગનાં એંધાણ. — દેવાયત.

જતી સતી ને સાબરમતી
ત્યાં હોશે રણ સંગરામ;
કાયમ કાળીંગાને મારશે
નકળંગ ધરશે નામ. — દેવાયત.
ધરતી માથે હેમર હાલશે
સૂના નગર મોઝાર
લખમી લૂંટાશે લોકું તણી
નહીં એની બૂમ ને વાર. — દેવાયત.
કાંકરીએ તળાવ તંબુ તાણશે
સો સો ગામુંની સીમ
પછમ દિશાથી સાયબો આવશે
ભેળા બે અરજણ ને ભીમ. — દેવાયત.

ગુજરાત–કાઠિયાવાડનાં ભજનપ્રેમી લોકોમાં અત્યંત પ્રિય બનીને ગવાતું આ પ્રાણવાન આગમ-ભજન છે. એના રચનાર ભક્ત ગુજરાતમાં દેવાયત પંડિત નામથી ઓળખાય છે. એ ક્યાં અને ક્યારે થઈ ગયા, તે વિશે વિધવિધ વાતો ચાલે છે. જાહેર ચર્ચા થઈને કાંઈક ચોક્કસ નિર્ણય બાંધી શકાય. એ સંતનાં બીજાં ભજનોનો પણ સંગ્રહ હોય તો તેનો પત્તો જડે, એવી ધારણાથી આ સંતની જીવનકથા વિશે આ તરફ ચાલતી હકીકતો સંક્ષેપમાં લખી છે. અર્ધ-ઐતિહાસિક ને અર્ધ-પૌરાણિક લાગતી એ કથા છે. જેસલ–તોરલના સમયની એટલે કે સંવત તેરમાની આ કથા કહેવાય છે. જેસલ તોરલ બન્નેને પોતાના પંથના કોઈ સંતને ઘેર પાટના ઉત્સવમાં આવવાનાં વાયક (નોતરાં) મળ્યાં હતાં. બન્ને જણાં ચાલી નીકળ્યાં છે. માર્ગમાં સૌરાષ્ટ્રને ઉગમણે કાંઠે આવતાં તોરલને યાદ આવ્યું —

વાયક આવ્યાં રે સંતો દો જણાં રે
ત્રીજું કેમ સમાય!
પંથ ઘણો જાવું એકલા રે
પાળા કેમ ચલાય!

‘ગત ગંગા’માં જવાનું તો બે જ જણાંને નોતરું મળ્યું છે અને આપણે તો ત્રણ માનવી છીએ, ત્રીજું માનવી તે મારા નવ માસના ગર્ભનું બાળક. એને, એ દીક્ષા વિનાનાને વાયકે હું શી રીતે લઈ જાઉં? ગર્ભ ઊપડશે કેમ કરીને? એવું વિચારીને —

સોના કટારી સતીએ કર ધરી
પાળી માંડી છે પેટ
કૂખ ખોદીને કુંવર કાઢિયો
જનમ્યો માઝમ રાત
શબદોના બાંધ્યા સંતો શું કરે
પૂરા સાધ હોય ત્યાં જઈ મળો

પેટ ચીરી બાળકને બહાર કાઢી જંગલમાં ઝાડની ડાળીએ પારણું બાંધી પોઢાડ્યો.
હીરની દોરીનો બાંધ્યો હીંચકો
બાંધ્યો આંબા કેરી ડાળ
પવન હિંચોળો હરિ તને મોકલે
આલમ તારા રે ઓધાર.
પાડોશમાં કોઈ બાઈ હતી તેને પુત્ર ભળાવ્યો :

બાઈ રે પાડોશણ, મારી બેનડી
રોતાં રાખો નાનાં બાળ,
અમારે જાવું રે ધણીને માંડવે
કે’શું તારા જાળને જુવાર.

જેસલ–તોરલ ચાલ્યાં ગયા. માર્ગે સતીએ ઝાડ પર વાંદરાં જોયાં. નાનાં બચ્ચાંને છાતીએ વળગાડી વાંદરીને ઝાડ ઉપર ઠેકતી જોઈ સતીના અંતરમાં માનું હેત ઉલટ્યું. એ વાંદરીને કહ્યું કે ‘બાઈ! જાળવજે. તારું બચ્ચું ક્યાંઈક પડી જશે’ : તે વખતે વાંદરીએ મેણું માર્યું :

મારાં બચડાં રે મારા ઉરમાં
તોરલ, તારાને સંભાળ,
કોળિયા અન્નને કારણે
પુતર મેલ્યો આંબાડાળ.

હે તોરલ! તું મને શો બોધ દઈ રહી છે! તેં તો પાટ-ઉત્સવની પ્રસાદીના થોડો કોળિયાને ખાતર પોતાના બાળકને આંબાડાળે મેલી દીધો!
સાંભળતાં જ તોરલને વાત્સલ્યની વેદના ઊપડી :

પુત્ર સંભારી પાનો ચડ્યો
અંગડે લાગી છે ઝાળ.
થાન હતાં તે સતીનાં થરહર્યાં,
પડતાં છાંડેલા પ્રાણ.

સ્તનોમાં દૂધ ઊભરાયું. વેદના વધી. સતીએ પ્રાણ છોડ્યા. ચોધાર આંસુડે રોતો જેસલ સતીના શબની ગાંસડી બાંધી, શિર પર ઉપાડી ચાલી નીકળ્યો. જંગલમાં આંબાડાળે અંગૂઠાનાં અમૃત ચૂસીને જીવતો બાળક પવનને હિલોળે હિલોળે હીંચકામાં સાંજ સુધી હીંચતો રહ્યો અને એક રબારીના હાથમાં આવતાં વાંઝિયો રબારી એ દેવે દીધેલ દીકરાને ઘેર લઈ ગયો. રબારણે બાળકને છાતીએ ધાવવા વળગાડ્યો. ખાલી સ્તનો અમૃતે ઊભરાયાં અને મહા તેજસ્વી દીકરો મોટો થઈ જુવાનીમાં આવ્યો. એનું નામ પાડ્યું દેવાયત. કહે છે કે ગોહિલવાડમાં ઘોઘા તરફના દરિયાકાંઠે આવેલ મલકીયા ગામનો એ ભરવાડ હતો. કોઈ એને મંઝેવડા તરફનો માને છે. જુવાન દેવાયત સીમમાં જઈ માલને ચારે છે, અને પ્રભુભક્તિમાં જ તલ્લીન છે. આજે પેરંભ બેટની સામે જ્યાં નકળંકનું જાત્રાસ્થળ છે, તે જ કાંઠા ઉપર દેવાયત ધેનુઓ ચરાવતો હતો તેવે એને એક જોગી ભેટ્યા. જોગીને આ પ્રભાવંત છોકરા ઉપર પ્રીતિ વછૂટી. કથા ચાલે છે, કે નકળંકના દરિયામાં ત્રણ અપ્સરાઓ નાહવા આવતી : ઇન્દ્રની સભામાં ત્રણેય નાટારંભ કરતી હતી. એક હીંડોળ રાગ ગાય એટલે આખી સભા હીંડોળાની માફક ઝૂલવા લાગે : બીજી દીપક ગાય એટલે દીવા પ્રગટે, ત્રીજી મલ્લાર ગાય તેથી મેહુલા વરસે. પરંતુ ત્રણેયને કાંઈક ભૂલથી શાપ થયેલો. ત્રણેય નાહવા આવનારીઓમાંથી અવધૂતે એકનો હાથ ઝાલવાનું દેવાયતને કહ્યું. દેવાયતે મોટી અપ્સરા દેવલનું કાંડું ઝાલ્યું. કાંડે સ્પર્શ થતાં જ દેવલ સો વર્ષની ડોસી થઈ ગઈ. ધોળા વાળ, કરચલિયાળું મોં ને કાયાની લબડી પડેલી ચામડી એવું રૂપ બન્યું : અરે બેટા દેવાતિયા, બીજીનું કાંડું ઝાલી લે : ના મહારાજ, મારે ભાગ્યે જે આવી તે જ મારે ઠીક છે. દેવલે દેવાયત સાથે સંસાર માંડ્યો. પણ કરાર એવો હતો કે ધણીએ સ્ત્રી પર કદી વહેમ આણવો નહીં. દેવાયત મહાજ્ઞાની સંત બન્યા, પંડિત કહેવાયા, સાડીસાત વીસું શિષ્યોએ તો એની કંઠી બાંધી. દેવાયત પંડિતનાં ભજનો સોરઠ ધરામાં રેલવા લાગ્યાં. [ભાવનગર પંથકમાં] દરિયાકાંઠે હાથબ ગામમાં થાનક થાપીને એ રહેતા હતા. (આજ પણ ત્યાં એની સમાધિ છે.) એવે એક વાર પંડિતને કોઈએ સંશયમાં નાખ્યા : ‘દેવાયત પંડિત! તમે ભક્તિ કરો છો, પાછળ ઘરમાં પંડિતાણીનાં પગલાં હીણાં પડે છે.’ દેવાયત ઘેરે ગયો. ખડકીમાંથી કાન દઈ સાંભળ્યું તો અંદર વાતચીત સંભળાઈ, ઠેકીને ઘરમાં ગયા, દેવલદે એકલી જ હતી. પ્રભુભક્તિમાં તલ્લીન હતી. “બસ, ભગત! મારી એબ જોઈ લીધી! લ્યો રામ રામ!” એટલું બોલીને દેવલદે અલોપ થયાં અને પંડિતને પસ્તાવાની ઝાળો ઊપડી, ગાડું જોડીને સતીને ગોતવા ચાલી નીકળ્યા. માર્ગે કૂડા નામના ગામને સીમાડે ગાડાનાં પૈડાંની ધરી તૂટીને બે કટકા થઈ ગઈ. ભગતે સાંભળ્યું કે ગામમાં દેવ તણખી નામનો લુહાર કારીગર છે, એની કોડ્ય ઉપર ભગત ધરીના કટકા લઈને ગયા. ધમણ ધમધમી રહી છે, ભઠ્ઠીમાં સળગતા અંગારા ધોળો રંગ પકડી ગયા છે. દેવલોકના કોઈ નિવાસી જેવો લુહાર દેવ તણખી માળી ફૂલડે રમે એમ અંગારા સાથે કામ કરી રહ્યો છે. પંડિતે જઈને પૂછ્યું : “ભગત! આ ધરી સાંધી દેશો?” “લાવો, બાપ!” ભઠ્ઠીમાં ધગીને બેય કટકા લાલચોળ થયા. એરણ ઉપર જોડાજોડ બે કટકા મૂકીને કહ્યું, “બાપ! તા આવી ગયો છે, પણ મારી પાસે ઘણ મારનાર કોઈ નથી. તમે મારશો?” “ઘણી ખુશીથી.” દેવાયત પંડિતે ઘણ ઉપાડ્યો. એક જ ઘા પડતાં તો એરણ પાતાળે ગઈ, દેવ તણખી લુવાર જોઈ રહ્યો. કોઈ સમર્થ પુરુષના દેદાર દીઠા. પણ દેવાયત પંડિત મુંઝાઈ ગયા. એને મોડું થતું હતું. ધરીના કટકા ઠરી જાય છે, ને એરણ તો પૃથ્વીમાં ગઈ. દેવલદે સતીના વિયોગે દેવાયત પંડિતને અક્કેક ઘડી જુગ જુગ જેવડી જણાઇ. નેત્રોમાંથી નીર નીતરવા લાગ્યાં. “ભગત, કોચવાઓ મા. ઘણ ઉપાડો!” એટલું બોલીને દેવ તણખી લુહારે પોતાનો એક પગ લાંબો કરી બરાબર ઘૂંટી ઉપર એ ધગાવેલા કટકા ગોઠવ્યા. અને કહ્યું કે “હાં, કરો ઘા!” દેવાયત પંડિત ચોંકી ઊઠ્યા. આ તે લુહાર? કે કોઈ દેવતા? ઘૂંટી ઉપર ધગધગતાં લોઢાં મૂકી ઘણ ઝીલશે? “કરો ઘા — નીકર તા જાય છે!” દેવાયત ઘણ ચલાવવા લાગ્યા. ને આંહીં ઘૂંટી ઉપર ધરીનો સાંધો મળવા લાગ્યો. ધરી તૈયાર થઈ ગઈ. “લ્યો, ભગત! આ તમારી ધરી. રુવો છો શું? દેવલદે સતીના વાવડ તો મારી છ મહિનાની, ઘોડિયે સૂતેલી છોકરી લીળલબાઈ દેશે.” દેવાયત ઘોડિયા પાસે ગયા. છ માસની કન્યા ખડખડ હસી પડી. “રામરામ, ભગત! મારી દેવલમાને ગોતો છો? જેના ઉપર તમે આળ ઓઢાડ્યા! જાવ, આ સામે પેરંભ ભેટમાં દેવલ સતી બેઠાં છે. પણ જાશો કેમ કરીને? આડા તો અંગારા બળે છે.” દરિયાનું પાણી ઊતરી જાય છે ત્યારે આજે પણ આ કાંઠાથી પેરંભ બેટ સુધી ગાડાનો ચીલો દેખાય છે. દેવાયત પંડિતે એ આખે માર્ગે દેવતા પથરાયેલો દીઠો. અગ્નિની ખાઈ : એને સામે જ કાંઠે દેવલદે બેઠાં હશે! પરંતુ આજ તો બન્નેની વચ્ચે કરોડો ગાઉનું છેટું થઈ પડ્યું છે! દેશમાં સાડી સાત વીસું શિષ્યોને કાગળિયાં લખી મોકલ્યાં : “ઓ ભાઈઓ! તમારા ગુરુને ભીડ પડી છે. આવી પહોંચજો!” સાડી સાત વીસુંમાં એક ઓછો રહ્યો. બાકીના તમામ આવી પહોંચ્યા. ગુરુએ અગ્નિની વાટ દેખાડીને કહ્યું, “મારી બધી સિદ્ધિ–શક્તિ રિસાઈને સામા બેટમાં બેઠી છે. મને ત્યાં કોણ લઈ જાય?” અંગારાની ખાઈ દેખીને શિષ્યોએ ગુરુને હાથ જોડ્યા. સાડી સાત વીસુંમાં એક ઓછી એટલી કંઠીનો ઢગલો કરીને શિષ્યો સિધાવી ગયા. છેલ્લા એક શિષ્યની વાટ જોવાય છે. આહિર જાતનો એ જુવાન પરણવા ગયો છે, ચોરીમાં એને સમાચાર પહોંચ્યા. ઊભા થઈને એણે કન્યાની ડોકમાં વરમાળા નાખી દઈ જીવ્યા–મુવાના જુહાર કર્યા. કન્યા આડી ફરીને ઊભી રહી. “અરે આયર! ક્યાં ચાલ્યો!” “મારા ગુરુને માથે વપત પડી છે.” “પણ મને રઝળાવીને જઈશ?” “હું તો મરવા જાઉં છું. તારો ભવ શીદ બગાડું?” “મારો ભવ તો હવે બગડી ચૂક્યો. હવે તો જ્યાં તું ત્યાં હું.” “પણ અસ્ત્રી! ત્યાં તો માથાં દેવાં છે.” “તો પહેલું માથું મારું આપીશ.” બેય ચાલી નીકળ્યાં. ગુરુ વાટ જોવે છે. અગ્નિના માર્ગ ઉપર પ્રથમ સ્ત્રીએ, પછી પુરુષે એક પછી એક અંગ પાથરવા માંડ્યાં. દેવાયત પંડિત ઉપર થઈને ચાલવા લાગ્યા. સતને જોરે બન્ને જણાનાં સડતાં ખોળિયાં ઊઠી ઊઠીને આગળ પથરાવા લાગ્યાં ને એ સેતુ ઉપર ચાલીને દેવાયત પંડિત પેરંભના ટાપુ માથે પહોંચ્યા. સામે સતી દેવલ બેઠાં છે. ખોળામાં આહિર–આહિરાણીનાં મીઢળબંધાં જોડલાં, જાણે તાજાં પરણી ઊતરીને જ બેઠેલાં છે. ત્રણેય જણાંનાં મોં મલકે છે. પંડિત પોતાની સ્ત્રીને ચરણે નમ્યા. “હે જોગમાયા! તારે પાયે પડું છું.” સ્ત્રી હતી તે જોગમાયા ઠરી. માતા બની. સોરઠના સર્વ સાચા સંતોએ સ્ત્રીને માતા સ્વરૂપે દીઠા પછી જ અલખનાં દર્શન મેળવેલાં છે. “હે સતી! સોરઠ ધરાનાં માનવી જીભનાં બહુ મીઠાં, પણ અંતરનાં કૂડાં દેખાય છે. સાડી સાત વસુમાં ફક્ત એક જ સાચો નીવડ્યો. માટે ચાલો, આંહીં નથી રહેવું.” ગુજરાત તરફ ચાલ્યાં ગયાં. મોડાસર ગામમાં એનો દેહ છૂટ્યો, ત્યાં એની જગ્યા હોવાનું કહેવાય છે. એનું બીજું ભજન આ પ્રમાણે બોલાય છે :

સમરું શારદાજી માત
એ… વારી! વારી! વારી,
અખંડ ગુરુને ઓળખો જી… હોજી.

એ જી ગરુ તારો પાર ન પાયો…
એ… પાર ન પાયો
પૃથવીના માલેક તારો જી… હોજી.

ગગન-મંડળમાં બે બાળક ખેલે જી… હોજી.
એ જી બાળકનાં રૂપ તો સવાયાં
એ… વારી! વારી! વારી! અખંડ ગુરુને.
જમીન આસમાન એ તો મૂળ વિણ માલેજી… હોજી.

એ જી એ તો થંભ રે વિનાનાં ઠેરાણાં
એ… વારી! વારી! વારી! અખંડ ગરુને.
ગરુને પ્રતાપે દેવાયત પંડિત બોલ્યા જી હો… જી.

એ જી મારે તો ગુરુનાં દરશન તો સવાયાં
એ… વારી! વારી! વારી! અખંડ ગરુને.

[દેવલબાઈનું ભજન]
જેના રદામાં રામ વસે
નેણે નીંદરા પણ નો હોય
નીંદરા તજું તો ગરુ મારો જ્ઞાન બતાવે
દલમાં ચેતો મારા ભાઈ રે.
દાદા મ દેજો દેશમાં
રે’શું અવલ કુંવારા
દેજો સાધુડાનાં ચરણમાં
પગ ધોઇ પાવળ લીજે. — જેના.
ઊંચી ચડું ને નીચી ઊતરું
જોઉં મારા સતગરુની વાટ
સાંકડી શેરીમાં સંત મળ્યા
કરી મેં દલડાની વાત. — જેના.
કેળ્યે કાંટાનો સંગ કર્યો
કાંટો કેળાને ખાય
નુગરાં માણસને પરબોધતાં
પત પોતાની જાય. — જેના.
નદી કિનારે રૂખડા
ઊભાં ત્રાંસકને તોલ
જમહુંદાં પૂર જ્યારે આવશે
લેશે મૂળ સમૂળ. — જેના.
જળ જળ કમળ ન નીપજે
વન વન ચંદન ન હોય
બોલિયાં દેવલદે મહા સતી
ભાખ્યાં જૂઠડાં ન હોય. — જેનાં.
[‘શારદા’, મે 1928]