સોરઠી સંતવાણી/ધ્રુપતી-પ્રબોધ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ધ્રુપતી-પ્રબોધ

ધ્રુપતી કે’ છે રે તમે સાંભળો ને ધરમરાય!
સાંભળો યુધિષ્ઠિરરાય!
બીજ ધરમ મહા કઠિન છે હાં
એવો સતીયુંનો ધરમ સોહામણો. — હાં રે હાં.
જેણે તેણે જીરવ્યો ન જાય
અજર પિયાલો હળાહળ ભર્યો. — હાં રે હાં.
મણિ રેવે સરપ ઝેરની પાસ
વિષ તો લેશ તે લોપે નહીં;
છીપ રે’વે સાયર મોજાર,
સમુદ્રનાં જળ તેને ભેદે નહીં. — હાં રે હાં.
છીપને છે સુવાંત-બુંદ સેં કામ
સુવાતુંનાં જળ વિના સેવે નહીં;
હંસને છે હીરલાનો આ’ર
બગલાની સંગે બેસે નહીં. — ધ્રુપતી.

કમોદની રે’વે જળની માંય
પુષપ જળમાં ડૂબે નહીં;
એમ જતિ રે’વે સતીયુંની સાથ
વિષયની વાસના વ્યાપે નહીં હાં રે હાં.
નહીં ત્યાં કામી કુટિલનાં કામ,
જતિ રે પુરુષ અજરા જીરવે હાં. — ધ્રુપતી.

કામ ક્રોધ મોહ જે કહેવાય,
ઇરષા તણાં ઝેર છે હાં રે હાં
જતિ રેવે સતીયુંની સાથ.
પણ મનની વ્રતી ડોલે નહીં.

ઈ તો મહાજિત કહેવાય
કાળ ને કરાળ તેને શું કરે
તે તો છે મરજીવાનું કામ હાં રે.
વાસનાઉં તો મરી ગઈ.
તે તો જીવનમુક્તિ કે’વાય,
ઇ તો કાળ કરાળને ગળી ગયા.
દેવતા દરશને જાય. — હાં રે હાં

એવા પુરુષની પાંસળે રે
કરે જો કૃપા એવા સાધ,
અમર અવિચળ પદ આલી શકે,
જેને ભાવ્યો બ્રહ્મ આહાર,
તો અવર વસ્તુ કેમ નજરે ચડે,
પોતે છે શિવનું સ્વરૂપ. — ધ્રુપતી.

અર્થ : દ્રૌપદી યુધિષ્ઠિરને કહે છે : આ બીજ ધર્મ (ભક્તિનો મહાપંથ) કઠિન છે. એ તો સતીઓનો સોહામણો ધર્મ છે. એ જેવા તેવાથી જીરવાય નહીં. એ તો હળાહળ ઝેરથી ભરેલો, અનધિકારીને હજમ ન થાય તેવો પ્યાલો છે. જેવી રીતે મણિ સર્પના ઝેરની પાસે રહે છે છતાં વિષ એને નડતું નથી. છીપ જેમ સમુદ્રની અંદર રહે છે, છતાં સમુદ્રનાં પાણી એને ભાંગી શકતાં નથી — તેવી રીતે આ ધર્મનું ઉપાસક માનવી સંસારની વચ્ચે રહ્યો રહ્યો અલિપ્ત છે. છીપને તો સ્વાતિના બિન્દુનું જ કામ છે. એ વગર બીજું જળ છીપ સેવે નહીં. હંસને મોતીનો આહાર છે, એ કાંઈ બગલા સાથે બેસે નહીં. કમોદણી (કુમુદિની)નું ફૂલ જળમાં રહ્યા છતાં જળમાં ડૂબતું નથી, એ રીતે જતિ સતી સંગાથે રહે છતાં વિષયની વાસના એને વ્યાપતી નથી. એ કાંઈ કામી કુટિલ પુરુષોનાં કામ નથી. સાચો યતિ પુરુષ જ એ સ્ત્રીસંગને જીરવી જાણે છે. એવા મહાજતિ પુરુષોને કરાળ કાળ પણ શું કરે? એ તો કાળનો જ કોળિયો કરી જાય. એનાં દર્શને તો દેવો પણ જાય છે. જેને બ્રહ્મનો આહાર છે, તેને બીજી વસ્તુ નજરે પણ ન પડે.