સોરઠી સંતવાણી/ભીતર સદગુરુ મળિયા
બેની! મુંને ભીતર સતગરુ મળિયા રે.
વરતાણી આનંદલીલા : મારી બાયું રે.
બેની! મુંને ભીતર સતગરુ મળિયા રે.
કોટિક ભાણ ઊગિયા દિલ ભીતર
ભોમ સઘળી ભાળી;
સૂન-મંડળમાં મારો શ્યામ બિરાજે,
ત્રિકોટીમેં લાગી મુંને તાળી : મારી બાયું રે.
— બેની મુંને.
ઘડી ઘડીનાં ઘડિયાળાં વાગે
છત્રીશે રાગ શીની,
ઝળકત મો’લને ઝરૂખે જાળિયાં
ઝાલરી વાગી ઝીણી ઝીણી : મારી બાયું રે.
— બેની મુંને.
બાવન બજારું ચોરાશી ચોવટા,
કંચનના મોલ કીના,
ઈ મોલમાં મારો સતગુરુ બિરાજે,
દોય કર આસન દીના : મારી બાયું રે.
— બેની મુંને.
સત નામનો સંતાર લીધો,
અને ગુણ તખત પર ગાયો;
કરમણ ચરણે લખીરામ બોલ્યા,
ગુરુજીએ ગુપત પિયાલો અમને પાયો : મારી બાયું રે.
— બેની મુંને.
અર્થ : હે બહેન, મને મારા સદ્ગુરુ હૃદયના ભીતરમાં મળ્યા. આનંદ વર્તી ગયો. જાણે કોટિ કોટિ સૂર્ય ઊગ્યો અને દિલની તમામ ભૂમિ મેં એના પ્રકાશમાં ભાળી. શૂન્યમંડળમાં (એક કપાળમાં એકત્ર થતી નાડીઓ ઈડા, પિંગલા, સુષુમ્ણાના સંગમસ્થાનમાં) તાળી લાગી ગઈ એટલે કે ચિત્ત એકાગ્ર અને એકતાલ બની ગયું. ગુરુના આ આંતરમિલનથી, હે ભાઈઓ (હે માનવીઓ)! આત્મામાં પલેપલ ડંકા પડે છે, છત્રીસેય રાગણીઓનું સંગીત બજે છે. મનના મહેલ ઝરૂખા ને જાળિયાં જાણે ઝગમગી રહે છે. ઝીણી ઝીણી ઝાલર બજે છે. પ્રેમની પૂતળી હૃદયના સિંહાસને શોભી રહી છે. મારાં અંગનાં ઓશીકાં અને પ્રેમનાં બિછાનાં મેં ગુરુ માટે બિછાવી દીધાં છે. આ કાયારૂપી બાવન હજારો અને ચોરાશી ચૌટા વચ્ચે આત્મારૂપી સુવર્ણમહેલમાં સદ્ગુરુ બિરાજે છે. ત્યાં મેં એને બેઉ હાથે સત્કારીને આસન દીધું છે. સત (પ્રભુ) નામનો સતાર લઈને હું સામે બેસી બજાવું છું. ને એનાં હું ગુણગાન કરું છું. ભક્ત કરમણ ગુરુ લખીરામને ચરણે એમ કહે છે કે ગુરુજીએ અમને જ્ઞાનરસનો પ્યાલો પાઈ ભક્તિમાં ચકચૂર બનાવ્યાં છે.