સોરઠી સંતવાણી/મન જ્યારે મરી જાય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મન જ્યારે મરી જાય

સતગુરુના વચનનાં થાવ અધિકારી
મેલી દ્યો અંતરનું માન,
આળસ મેલીને આવો મેદાનમાં,
સમજો સતગુરુજીની સાન — સતગુરુના.
ભાઈ રે! અંતર ભાંગ્યા વિના ઊભરો નૈ આવે, પાનબાઈ!
પછી તો હરિ દેખાય સાક્ષાત. — સતગુરુના.
ભાઈ રે! સતસંગ રસ એ તો અગમ અપાર છે,
તે તો પીવે કોઈ પીવનહાર
તનમનની શુદ્ધિ જ્યારે ભૂલશો, પાનબાઈ!
ત્યારે અરસપરસ મળશે એકતાર. — સતગુરુના.
ભાઈ રે! ધડ રે ઉપર શીશ જેને નવ મળે પાનબાઈ!
એવો ખેલ છે ખાંડા કેરી ધાર
એમ તમે તમારું શીશ ઉતારો, પાનબાઈ
તો તો રમાડું બાવન બાર. — સતગુરુના.
ભાઈ રે! હું અને મારું ઇ તો મનનું છે કારણ, પાનબાઈ!
ઈ મન જ્યારે મરી જોને જાય
ગંગાસતી એમ બોલિયાં,
ત્યારે પછી હતું તેમ દરશાય. — સતગુરુના.

[ગંગાસતી]