સોરઠી સંતવાણી/મરજીવા કોણ કહેવાય?

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મરજીવા કોણ કહેવાય?

જ્યાં લગી લાગ્યા ભાગ્યાની ભે રહે મનમાં,
ત્યાં લગી ભગતી નૈ થાય;
શરીર પડે વાકો ધડ લડે, પાનબાઈ!
સોઈ મરજીવા કે’વાય. — જ્યાં લગી.
ભાઈ રે! પોતાનું શરીર માને નહીં મનમાં,
શરીરનાં ધણી મટી જાય,
સતગુરુ ચરણમાં શીશ નમાવે,
ત્યારે પૂરણ નિજારી કે’વાય. — જ્યાં લગી.
ભાઈ રે! નવધા ભગતીમાં નિરમળા રે’વું
મેલી દેવી મનની તાણાવાણ,
પક્ષાપક્ષી નહીં હરિના દેશમાં
એનું નામ પદની ઓળખાણ. — જ્યાં લગી.
ભાઈ રે! અટપટો ખેલ ઝટપટ સમજાય નૈ
એ તો જાણવા જેવી છે જાણ;
ગંગા રે સતી એમ બોલિયાં,
ત્યારે મટી જાય ચારે ખાણ. — જ્યાં લગી.

[ગંગાસતી]