સોરઠી સંતવાણી/મહિમા
આ ભક્તિના મહાપંથને ‘નિજિયા અગર નિજાર’ ધર્મને નામે ઓળખવામાં આવે છે. એ છે જ્યોતસ્વરૂપ પ્રભુને ભજવાનો ધર્મ. એ પુરાતનથી યે પુરાણો છે, અને સર્વ દેવો, સર્વ મહાસત્ત્વો એને ઉપાસે છે.
જી રે સંતો! નિજિયા ધરમનો મહિમા છે મોટો જી,
જેને શેષ પાર ન પાવે હાં.
જી રે સંતો! નિત નિત જેને વેદ નિરૂપે જી,
જેને શારદાજી નિત નિત ગાવે હાં,
જી રે સંતો! બ્રહ્મા ને વિષ્ણુ મહેશ જેવા જી,
ક્રોડ તેત્રીશ નિજિયા ઉપાસી હાં,
જી રે સંતો! જ્યોતસ્વરૂપી ધરમ ચલાવ્યો જી.
એવા આદ્ય પુરુષ અવિનાશી હાં.
જી રે સંતો! નિરંજન પુરુષની નિજિયા શક્તિ જી,
એની ભગતિ ભાવેથી કરીએ હાં,
જી રે સંતો! માતા ને પુત્રને મુગતિ પમાડે જી,
આપણે પૂતર થઈને પરવરિયેં હાં.
જી રે સંતો! સતીયું તે તો રૂપ શક્તિનું જાણો જી,
એનો મનમાં મોહ ન ધરીએ હાં,
જી રે સંતો! અજર વસ્તુને તેને જરણાં કરીને જીરવીએ જી
આપણે નિજારી થૈને કેમ ન રહીએ હાં.
જી રે સંતો! આ રે ધરમ છે આદ્ય ને અનાદિ જી
જેને ચરણે અનેક નર ઓધરિયાં હાં.
જી રે સંતો! પાંચ ક્રોડ લૈને પ્રેહલાદ સીધ્યાજી,
ઈ તો અમર પુરુષને વરિયા હાં.
જી રે સંતો! ઇંદરાસણથી ઇંદર ભાગ્યો જી,
એવો ભગતિનો તાપ ન જીરવાણો હાં;
જી રે સંતો! પાંચ પાંચ પાંડવ ને ધ્રુપદી કુનતા જી
જેને નિજિયાના નખતા ગમિયા હાં.
જી રે સંતો! અલખ પુરુષ જેણે આપે ઓળખ્યા જી
એની સંગે સામી રાજા રમિયા હાં.
જી રે સંતો! બળરાજા મહાનિજિયા ઉપાસી જી
જેણે નિજારી પુરુષને જાણ્યા હાં.
જી રે સંતો! અભિયાગત થૈને અવિનાશી આવ્યા જી
જેણે નિજાર ધરમ સુખ માણ્યા હાં.
જી રે સંતો! શેષ નારાયણ નિજિયા ધરમથી જી
એવી ધરણી રિયા છે ધારી હાં.
જી રે સંતો! સામી રાજાએ ચોવીશ રૂપ લીધાં જી
એવા નિજારી પુરુષને ઉગારી હાં.
જી રે સંતો! ચોરાશી સિદ્ધ ને ચોસઠ જોગણી જી
બાવન વીર બહુ બળિયા હાં.
જી રે સંતો! અઠાશી હજારને નીમ નિજિયાનાં જી
એને નિજારનાં મહાતમ ફળિયાં હાં.
જી રે સંતો! અઠ કુળ પરવત ને નવ કુળ નાગ જી
સાત સાહેર, વન ભાર અઢારા હાં.
જી રે સંતો! થાવર જંગમ નિજિયા ઓથે જી
એવો મહાધરમ છે અપારા હાં.
જી રે સંતો! અગનિ પાણી પવન ને આકાશા જી.
એવાં ધરણી ધરમને વરિયાં હાં.
જી રે સંતો! મોડ પરતાપે રવિદાસ બોલ્યા જી
ચંદ્ર સૂરજ નિજિયાની કરે કિરિયા હાં.