સોરઠ, તારાં વહેતાં પાણી/૧૪. વેઠિયાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૪. વેઠિયાં

બાઈની એક બગલમાં બેઠુંબેઠું — નહિ, લબડતું — દસેક મહિનાનું એક છોકરું, બાઈના સુકાઈ-ચીમળાઈ ગયેલા, કોઈ બિલાડાએ ચૂંથી નાખેલ હોલા પક્ષી જેવા, સ્તન ઉપર ધાવતું હતું. બીજા હાથે બાઈએ ટ્રંકનો બોજો પોતાના માથા પરની ઈંઢોણીની બેઠકે ટેકવ્યો હતો. બાઈનું બીજું સ્તન પણ જાણે કે શરીર જોડેના કશા જ કુદરતી સંબંધ વિના કેવળ ગુંદરથી જ ચોડેલી મેલી કોથળી જેવું, બીજી બાજુ લબડતું હતું. ભેખડગઢ થાણાની થાણદાર કચેરીની ચૂનો ઊખડેલી અને ઉંદરોએ ગાભા-ગાભા કરી નાખેલી છત જેવું બાઈનું કાપડું હતું. એના ગાભા જાણે કે જીભ કાઢીકાઢીને કહેતા હતા કે એક દિવસ અમેય, ભાઈ, રાતી અટલસના સૂરતી કારીગરોએ ઠાંસીઠાંસી વણેલા ત્રાગડા હતા, એ તો આજે અમારો આવો દિનમાન બની ગયો છે. બાઈનો ઘાઘરો, ઘૂંટણ ઉપરવટ ખોસેલો, બાઈના ઝટપટ ઊપડતા પગના ઠોંસા ખાતો હતો. ને માથે ઓઢવાનું બાઈને હતું કે નહિ તે તો ખાસ યાદ કરવા બેસવું પડે. એ ઘાઘરાને અઢાર હાથનો ઘેર હતો, ને એ ઘેર નાગનાથના મેળામાં રાસડાની સાગર-લહેરો લેતો, તે કોઈ પ્રાચીન ભૂતકાળની વાતો — લોકભાષામાં ‘વે’લાની વાતું’ — કહીને યાદ કરી શકાય, ને પ્રખર પુરાતત્ત્વનો વિજ્ઞાની પણ કદી એમ કહેવાની હામ ન ભીડી શકે કે એક વખત નાગનાથને મેળે,

દેતા જાજો રે તમે દેતા જાજો!
મારી સગી નણંદના વીરા!
રૂમાલ મારો દેતા જાજો!

— એ રાસડો ગવરાવીને પુરાનપુરના આધેડ કારભારીની પથારીમાં સ્થિતિ પામવા જેટલી આકર્ષક આ વેઠિયાણી કદાપિ હોઈ શકે. પિનાકીએ જોયું તો પસાયતો પણ બદલાયો હતો. આ નવા પસાયતાએ પોતાની તલવાર ચામડાના પટા વડે ખભા પર નહોતી લટકાવી, પણ પછેડી લપેટીને બગલમાં દબાવી હતી. એનો અવાજ સ્પષ્ટ હતો: “તમારાં ઢેઢુંના તો બરડા જ ફાડી નાખવા જોવે. ઢેઢાં ફાટ્યાં: કોઈ નહિ ને ઢેઢાં ફાટ્યાં!” “ફાટ્યાં છે — અમારાં લૂગડાં ને અમારાં કાળજાં! હવે એક આ ચામડાં બાકી રહ્યાં છે, તે ફાડી નાખો, દાદા!” પગના વેગને લીધે હાંફતાં હાંફતાં ટેકા લેતો લેતો એ બાઈનો જવાબ સીમના કલેજામાં કોઈ સજેલી કટાર જેવો ખૂંતતો હતો. “ચામડાંય ફાટશે — જો એક હાક ભેળાં હવે વાસમાંથી બહાર નહિ નીકળો તો.” પસાયતો પણ ખાસડાં ઘસડતો ઘસડતો એવા જ ઘસડાતા અવાજે બોલતો હતો. “શું કરીએ, બાપા? બીજો કોઈ હોત તો નોખી વાત હતી; પણ તમે તો ગામના ગરાશિયા રીયા.” “બીજાને જવાબ આપો એવાં તમે ઢેઢાં નથી, એટલે જ સરકાર અમને ગામેતીઓને પસાયતું આપે છે ને!” “તમે તો, આપા આલેક, બધુંય જાણો છો.” બાઈ પોતાનો વિરોધ છોડીને કરુણા ઉત્પન્ન કરવા લાગી: “મેં તો આ મારી છોડીને પેટમાં આઠમો મહિનો હતો તોય મારો વારો ખેંચ્યે રાખ્યો’તો. હું કાંઈ ગોમતી જેવી દગડી ન’તી. એણે તો ચારમે મહિનેથી જ હાડકાં હરામનાં કર્યાં’તાં. એક વાર એક ફુલેસ બદલીએ જાય: એનું બચકું વહેવાનો વારો આવ્યો. ગોમતીએ એની દસ વરસની છોકરીને કાઢી. હવે છોડી તો છે રાંડ ખડમાંકડી જેવી: બે ગાઉ કાંઈ બોજ ખેંચી શકે? રસ્તામાં મારે પીટ્યે ફુલેસે પણ કાંઈનાં કાંઈ વાનાં કર્યાં. છોડી આજ લગણ કરગઠિયા વીણવા જેવીય નથી થઈ.” “તમે તો, ઢેઢાં, ફુલેસ પાસે જ પાંસરાં દોર: બંદૂકનો કંદો દેખ્યો કે સીધાં સોટા જેવાં!” પછી એણે અવાજ ધીરો પાડીને, પિનાકી ન સાંભળે તેમ ઉમેર્યું: “અમારી ભલમનસાઈને તમે ન માનો...” “હવે જાવ, જાવ: ગધેડિયું તગડો — ગધેડિયું, આપા!” બાઈ હસી પડી. આ બધી વાતચીત પિનાકીના ગળા ફરતી કોઈ રસીના ગાળિયા જેવી બનતી હતી. એ રસીને બીજે છેડે આ ગામડાનું લોકજીવન બાંધેલું હતું. પિનાકી પોતાને પ્રત્યેક ડગલે આ રસી ખેંચતો હતો, ને લોકજીવન એની પાછળ પાછળ ઘસડાયે આવતું હતું. અજબ જેવી વાત: આ ચોપડીઓના ને કપડાંના ને પાંચ શેર પેંડાના બોજાને ખેંચતું હાડપિંજર હસતું હતું: ઠેકડી પણ કરી શકતું હતું. બાળકને ધવરાવી રહ્યું હતું. ગામના કાઠી પસાયતાને પોતાના નર્યા હાડચામની લાલચમાં પણ લપેટી રહ્યું હતું. બીજા ગામના ઢેઢવાડાને ઊંચે ટિંબે ટ્રંક ઉતારીને એ બાઈ બાળક સહિત પાછી વળી નીકળી. અંદરથી કોઈકે સાદ કરી જોયો: “નંદુ, રોટલા ખાતી જા!” “ના, મામી, આ તો રોજનું થિયું.” કહેતી એ નંદુ ઢેઢડીએ પોતાના ગામને માર્ગે ઝપટ કરી કેમકે એને આપા આલેકની જોડે પાછા વળવાની બીક હતી. એ ગામના પાદરમાં પિનાકીએ ઘોડી થંભાવી. ગામનો પસાયતો એક ખેડુને અને બે બળદોને લઈ ત્યાં ઊભો હતો. “રામ રામ, આપા આલેક.” “રામ.” બેઉ મળ્યા. “કેમ આંહીં બેઠા છો?” “ભાઈ, આ ત્રણેય ઢાંઢાની ચોકી કરું છું.” ગામના પસાયતાએ ખેડુ તથા બળદો બતાવ્યા. “કાં?” “થાણદાર સા’બ નીકળવાના છે, તે આંહીં એના ગાડાની જોડ બદલવાનો હુકમ છે.” “ક્યારે નીકળશે?” “ભગવાન જાણે. કોઈક વાર તો સાંજરે જાતા નીકળે છે.” “હા, ભાઈ, હા; એ તો એની સગવડે નીકળે!” “પણ આ ભૂત કાંઈ અમલદારુની બાબસ્તા થોડો સમજે છે! હજી તો ભળકડે એને આંહીં ઢાંઢા લઈ ઊભો રાખ્યો છે, તે આટલી વારમાં થાકી ગયો!” ખેડુએ કહ્યું: “હવે નૂરભાઈ, થાકબાક વળી શીનો? મારે વાડીમાં રજકો સુકાય છે.” “તો પછી, બાપા, મોટા સાંગા રાણા, વેઠ્ય કરવા નોખી બળદ જોડ વસાવીએ! ને કાં તો પછી સરકારમાં લખાણ કરીને વેઠમાંથી કાયમી ફારગતી કરાવી લઈએ!” “હા, પછેં બીજું તો શું થાય?” આપા આલેકે પાઘડીમાંથી બીડી શોધવા માંડી. “ક્યાં મરી ગઈ? ગધાડીની એક હતી ને!” એમ કહી બીડીને પણ એણે સજીવારોપણ કર્યું. ત્યાં તો માલિયો ઢેઢ ટ્રંક ઉપાડીને ઢેઢવાડેથી આવતો દેખાયો. ગામ-પસાયતાએ કહ્યું: “કાંઈ નહીં, દાખડો કરો મા, આ માલિયા પાસે હશે. એલા, એક બીડી હેઠ ફગાવજે તો. લ્યો, હું છાંટી લઉં.” સામે અવેડો હતો. છાપવું અંજલિ ભરીને પસાયતો પાણી લઈ આવ્યો. છાંટીને બીડી લઈ લીધી. બે-ચાર ઘૂંટ તાણી લીધા પછી આપા આલેક પાછા વળ્યા; ને પિનાકી માટે નવા પસાયતાની શોધ ચાલી.