સોરઠ, તારાં વહેતાં પાણી/૧૭. સાહેબના મનોરથો
ખૂબખૂબ ભાવરની પીઠ થાબડીને મહીપતરામે તેને ડુંગરા બહાર વળાવ્યો, ને પછી પોતે પણ સાહેબની જોડે ઘોડેસવાર બન્યા. સૂરજે પોતાના ઘોડલાની રાશ ગગનમાં ઢીલી મૂકી હતી. અધ્ધર આભના શૂન્યમાં ફરતાં એનાં રથ-પૈડાંની ને ઘોડાના ડાબલાની અબોલ ગતિ ચાલતી હતી. રેવતાચળના ગળા ફરતા વાદળીઓના વણેલા ખેસ વીંટળાતા હતા. ગરવો ગિરિ સોરઠની ધરા ઉપર ગાદીએ બેઠેલા મોટા મહાજન જેવો — નગરશેઠ જેવો — દેખાતો હતો. “મહીપટરામ!” સાહેબે પોતાની પાછળ પાછળ ઘોડો હાંક્યે આવતા અધિકારીને દમામભેર હાક દીધી. મહીપતરામે ઘોડો નજીક લઈને પૂછ્યું: “સાહેબ બહાદુર!” “હું વિચાર કરું છું.” સાહેબે હિન્દીમાં વાર્તાલાપ કરવા માંડ્યો. “ફરમાવો.” “અજબ જેવી છે આ કાઠિયાવાડી કોમો. હું એ ભાવર જુવાનનો વિચાર કરું છું. હું ફાંસી પર લટકેલ સુમારિયાનો ને રૂખડનો વિચાર કરું છું. સચ ફાઈન ટાઈપ્સ ઓફ શિવલ્રી ફાસ્ટ ડિકેઈંગ: હાં?” સાહેબ વીસરી ગયા કે મહીપતરામને અંગ્રેજીનું જ્ઞાન સાહેબની સિગારેટના ગોટામાંથી પેટમાં ખેંચવા પડતા ધુમાડાના જેટલું પણ નહોતું. “કેમ બોલતો નથી તું?” સાહેબે રોષ કરીને મહીપતરામ તરફ જોયું. મહીપતરામ કહેવા લાગ્યા: “સાહેબ બહાદુર, આઈ ડોન્ટ નો ઈંગ્લિશ [હું અંગ્રેજી નથી જાણતો].” “ઓહો!” સાહેબ હસી પડ્યા. “હમ ભૂલ ગયા, બાબા! બેગ યોર પાર્ડન [દરગુજર ચાહું છું]!” પછી સાહેબે પોતાના કથનનું ભાષાન્તર કરી સંભળાવ્યું: “અફસોસ! આ નેકબહાદુર લોકનો નાશ થતો જાય છે, મહીપતરામ! હું હિંદી સૈન્યમાં મોટો અફસર હોઉં, તો એક સોરઠી રેજિમેન્ટ બનાવવાનો સવાલ ઉઠાવું: કોઈ એક કોમની નહિ, પણ તમામ સોરઠની રેજિમેન્ટ.” “સાહેબ બહાદુર જરૂર મોટા લશ્કરી હોદ્દા પર જવાના.” “ઐસા?” સાહેબનું મોં ફળફળતા ભાતની તપેલી જેવું હરખાયું. “જી હા, મારા બાપ જૂના જ્યોતિષી છે. એમણે મને કહ્યું છે કે સાહેબ બહાદુર આંહીંથી ઘણા મોટા હોદ્દા પર જવાના.” જ્યોતિષની આગાહી જાણીને ગોરો સાહેબ ટટાર થઈ ગયો. લોખંડી અણીવાળા, ઘૂંટણ સુધીના બૂટ ઘોડાનાં પેગડાંમાં ચાંપીને પોતે જીન પર ખડો થયો. ઘોડાએ દોટ દીધી. પછવાડે મહીપતરામની ઘોડી, કોઈ ગરાશિયાની માગેલી, વારકુ ચાલ્યમાં નટવીની માફક નાચતી ચાલી. સાહેબે પોતાનો મુકામ એજન્સી-થાણાના એક ગામની વાડીમાં વડલાને છાંયે કર્યો હતો. એક નાનો તંબુ ને નાની રાવટી — સાહેબનો મુકામ — તે દિવસોમાં નાનાંમોટાં લોકોનું મન હરનાર બની ગયાં હતાં. રાવટી પર આવી ઘોડેથી ઊતરતાં જ સાહેબે થોડે દૂર લોકોનાં ટોળાં જોયાં. અરજદારોને બોલાવવામાં આવ્યાં. એક તો ‘ધૂપ પીપળા’ની જગ્યાનો બાવો હતો. તેણે અરજ ગુજારી: “અમારા થાનકની જગ્યા ફરતા પાંચ-પાંચ ગાઉમાં કોઈ શિકાર નથી થાતો. માટે સાહેબ બહાદુરને વિનંતી કરવાની કે કાલ હરણકું માર્યું તેનું પ્રાછત કરે, એટલે સાહેબનાં બાળબચ્ચાંને ગુરુદત્ત અખંડ આયખું બક્ષશે.” બીજા ગામના વાણિયા હતા. તેમણે હાથ જોડીને વિનંતી ગુજારી: “કૂતરાંને ઝેરનાં પડીકાં ખવરાવીને આજ ગામના થાણાના પોલીસે અમારી લાજઆબરૂ લીધી છે.” “ઓ! કુત્તા-કુત્તા કો મારેંગા; હમ હુકમ દેકર મારેંગા. ક્યું નહિ મારેંગા! રૅબિડ [હડકાયા] હો જાતા તબ કુત્તા સબકો કાટતા. તબ તુમ માજન લોગ ક્યા કરતા! ગાય કો કાટતા, બેલ કો કાટતા, ઓરત કો કાટતા, બચ્ચા કો કાટતા: હંય? તબ તુમ ક્યા કરતા: હંય?” “ઈ ઠીક! સાહેબ બહાદુરનું કહેવું સોળ વાલ ને એક રતી છે.” મહાજનના આગેવાન દસેય આંગળીએ વેઢ પહેરેલા પંજા પહોળા કરતા કરતા બોલતા હતા. “પણ આ તો ધરમની વાત છે, સાહેબ.” “નહિ નહિ, ઢરમ નહિ.” સાહેબે ટોપો પછાડ્યો, એટલે વણિકો બે ડગલાં પછવાડે હટી ગયા, ને સાહેબે કહ્યું: “જાઓ.’ સાહેબે બાવાને કહ્યું: “ઓલ રાઈટ! હમ અફસોસ કરતા હે. માલૂમ નહિ થા. અબ શિકાર નહિ કરેંગે, યોર હોલીનેસ!” ધૂપ પીપળાના બાવાએ ‘અહા...લેક... તેરે બાલબચ્ચે કો ગુરુદત્ત આબાદ રખે! તેરા રાજ અમર તપે!’ વગેરે શબ્દોના મંત્ર-રટણની સાથોસાથ પોતાની પાસેના ઝગતા ધૂપિયા ઉપર ધૂપની ભૂકી ભભરાવી સાહેબના મોં સુધી ધૂપિયું ફેરવ્યું. બે હાથ વતી ધૂપ લેવાની વિધિથી સાહેબ બિનમાહિતગાર હોઈ આ ક્રિયા જોઈ ડર પામ્યા. ત્યાં તો મહીપતરામે સાહેબની આગળ આવી ધૂપ લઈ બાવાજીને વિદાય કર્યા. ‘જે હો! ગોરે કા રાજ કા જે હો!’ એવી બાંગો દેતો દેતો, કમ્મરે બાંધેલ દોરડામાંથી લટકતા પાંચેક ટોકરાના ઘમકાર કરતો ચાલ્યો જતો બાવો છેક ગામઝાંપા સુધી સંભળાયો. એ બધાંને પતાવી લીધા પછી સાહેબે છેટે એક કાળા પોશાકવાળી ઓરતને દેખી. ઓરતના મોં પર એક બાજુ લાજનો ઘૂમટો હતો. એની પાસે એક પંદર વર્ષનો છોકરો ઊભો હતો. “કોણ છે? શું છે? ઈધર લાવ.” સાહેબે સાદ કર્યો. ને મહીપતરામે નજીક આવતા તેને ઓળખ્યો. એ તો પિનાકી હતો. મહીપતરામે ધીરેથી કહ્યું: “તું આંહીં ક્યાંથી? શું છે આ કાગળમાં?” પિનાકીએ એ ઘૂમટાવાળી બાઈના હાથમાંથી કાગળ લઈને શિરસ્તેદારને આપ્યો. શિરસ્તેદારે કાગળ ફોડી વાંચ્યો. ભાંગીતૂટી શિખાઉ અંગ્રેજીમાં લખેલી એ અરજી હતી. નીચે અંગૂઠાની છાપ હતી. છાપ નીચે અંગ્રેજીમાં લખ્યું હતું કે ‘ફાંસીએ ચડનાર શેઠ રૂખડની વિધવા ઓરત ફાતમાબાઈ’