સોરઠ, તારાં વહેતાં પાણી/૨૬. જતિ-સતીને પંથે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૬. જતિ-સતીને પંથે

છોકરાઓ ધીરેધીરે, આથમતા તારાઓની જેમ, વીખરાતા ગયા. એકલો પડેલો પિનાકી સાઈકલ પર ન ચડી શક્યો. એને આરામ લેવા રસ્તા પર બેસવાની પણ શરમ લાગી. એણે લડથડતે પગલે સડક પર ચાલ્યા કર્યું. રસ્તામાં એક બેઠા ઘાટના બંગલાના ચોગાનમાં હોજ હતો. સંધ્યાનાં કેસૂડાં એ હોજના પાણીમાં ઝબકોળાઈ કેસરી રંગની ટશરો મેલતાં હતાં. બે-ત્રણ જુવાન છોકરીઓ કાંઠે બેઠી બેઠી પગ ઝબોળતી હતી. પિનાકી એમને પિછાનતો હતો. પોલીસ-ખાતાના ‘ડીપોટી સાહેબ’ની એ કન્યાઓ હતી. પણ આજે પિનાકીએ તે તરફ ન નિહાળ્યું. કોઈ કોઈ નળ પાસેના ઓટા ઉપર દૂધ વેચનાર ગવલીઓ નવકૂંકરીની રમત રમતા હતા, અને રમનારાઓની વચ્ચે વાર્તાલાપ થતો હતો: “આ એક ભરત ભર્યું ને તારો જરમન ઉપાડ્યો.” “આ એક ભરત ભર્યું ને તારો અંગ્રેજ ખાધો.” પિનાકીના કાનેથી એ શબ્દો પાછા ન વળી ગયા. એણે જોયું કે યુરોપની લડાઈને ઝડપથી લોકોએ પોતાની કરી લીધી છે. સોગઠીઓનાં પણ તેમણે લડાયક નામ પાડ્યાં છે. એ બજાર તરફ વળ્યો. બજારમાં રોનક જામી પડ્યું હતું. વેપારીઓનાં મોઢાં પર દીવડા પેટાયા હતા. ખૂણે ને ખાંચરે બબ્બે દળ વહેંચાઈ ગયા હતાં. એક દળમાંથી અવાજ ઊઠતો હતો: “જુઓ તો ખરા, જર્મન કૈસર અંગ્રેજના ભુક્કા કાઢી નાખશે ભુક્કા છ મહિનામાં.” “અરે અમારો તુર્કીનો સુલતાન તો જોજો, અંગ્રેજને જેર કરી નાખશે.” “કૈસરની તો મૂછો જ બોડી નખાવશું અમે.” સાઈકલ ઘેર મૂકીને પિનાકીએ ઘર છોડ્યું. મોટાબાપુજીના ઉશ્કેરાટનો એને ગભરાટ લાગ્યો. માનભંગ થયેલા હેડ માસ્તર મોટાબાપુજીને કોણ જાણે કેવાય સ્વરૂપમાં વાત રજૂ કરશે! દેવુબા સામેના મારા વર્તાવમાં મોટાબાપુજીને મારી હલકટ મનોવૃત્તિની ગંધ આવશે તો! એવી ગંધ મોટાબાપુજીને વધુમાં વધુ ભયાનક બનાવનારી છે. મારા પર એ મારની ઝડી વરસાવશે. હું જવાબ નહિ આપું તો ઝનૂનમાં ને ઝનૂનમાં એ બંદૂક ઉપાડશે. એવા ડરનો માર્યો પિનાકી સ્ટેશનને પંથે વળ્યો. ટિકિટ કઢાવવા ગયો. “ક્યાંની ટિકિટ?” પિનાકી પાસે જવાબ નહોતો. “ત્યારે, મિસ્તર, પ્રથમથી વિચાર કરીને કાં નથી આવતા?” એમ કહી ટિકિટ-માસ્તરે એને ખસી જવા કહ્યું. સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલનું ધ્યાન ચૂકવવા માટે પિનાકીએ જે નામ મોંએ ચડી ગયું તે નામના સ્ટેશનની ટિકિટ માગી. પસાર થતું પ્રત્યેક સ્ટેશન એને કોઈક રોમાંચક અદ્ભુતતા તરફ ધકેલતું હતું. ઘર છોડવાનો સંતાપ હજુ એણે અનુભવ્યો નહોતો. રાતની ગાડીમાં ઉતારુઓ વચ્ચે અનેક જાતની વાતો થતી હતી. જેતપુરના બે મેમણો પાડા ઘાસ વાગોળે તેમ પાનનાં બીડાંને બત્રીસે ખુલ્લા દાંતો વચ્ચે કચડતા તુર્કીના પાટનગર કોન્સ્ટાન્ટીનોપલ અને આડ્રીઆનોપલ વિષે સમજણ કરતા હતા. એકે પૂછ્યું: “હી લડાઈ મેં પાંજી તુરકી જો કીં મામલો આય, હેં ભા? છાપામેં ન્યારેલ આય?” “તડેં? ન્યાર્યા વગર તો કાફર હોય ઈ રીયે.” “તડેં ઘાલ કી આય!” “ઘાલ હી આય કે પાંજી તુરકી જા બો પુલ: હકડો કનસ્ટી જો પુલ; ને બ્યો આદ્રીઆજો પુલ. હણે રૂશિયા ચ્યે કે, હકડો પુલ પાંજે ખપે, ને અંગ્રેજ ચ્યે કે બોય પુલ અસાંજે ખપે. પાંજી તુરકીએ જવાબ ડનો કે...” તે પછી તો બેઉ મેમણ ભાઈઓએ પોતાની એવી સ્વાભાવિક બોલી ફેંકવા માંડી કે એ બોલીનું કલાત્મક ઉચ્ચારણ પુસ્તકો લખવાની બનાવટી ભાષામાં કોઈ વિરલા જ કરાવી શકે. પિનાકી તો એક જ વાત નીરખી રહ્યો હતો, કે હિંદુસ્તાનના એક અંધારા ખૂણામાં પડેલા મેમણો દૂરદૂરની દુનિયામાં પડેલ તુર્કીને ‘પાંજી [આપણી] તુર્કી’ કહી રહ્યા હતા ને એની વહાર કરવા માટે અત્યારથી જ ઉઘરાણાંની ધૂને ચડ્યા હતા. જેતલસર સ્ટેશને પિનાકીની ટિકિટ ખતમ થતી હતી. એ ઊતર્યો. ‘ક્યાં જવું? પાછા જ જવું બહેતર નહોતું? મોટાબાપુજી અને મોટીબા કેટલા ફફડ્યાં હશે આખી રાત? રૂબરૂ હોત તો કદાચ રોષ કરત; પણ અત્યારે મારી કેવી કેવી દુર્ગતિ કલ્પીને મોટાબાપુજી કોમલ બન્યા હશે! બહુ અકળાતા હશે. પાછો જ જાઉં.’ પરોઢિયાના પહોરમાં પ્લૅટ્ફોર્મ ઓળંગવા જતા જ સ્ટેશનની હોટેલમાંથી કોઈકનો લલકાર કાને પડ્યો: અંગ્રેજ ને જરમર આફળે: બળિયા જોદ્ધા બે; એવું ત્રીજું લખમણ તેં ગરમાં રણ ગગડાવિયું. કોઈક મીર પોતાના સતારની ઝણઝણાટીને તાલેતાલે દુહા ગાઈ રહ્યો હતો. પિનાકી સ્ટેશનની સીડી ઉપર થંભ્યો. એણે વધુ દુહા સાંભળ્યા: થાણદાર થથરી ગયા, લલના-વેશે લપાય; રાજીનામાં જાય, લાખું મોઢે, લખમણા! અને વળી — લખમણિયા ભેળી ભળી ભગની ભગવે વેશ: પીરાણીના પગ લગી, (જેના) ઝૂલે જોગણ કેશ. પિનાકીના કાન ખડા થયા. ‘પીરાણી,’ ‘જોગણ,’ અને ‘ભગિની’ વગેરે શબ્દો સજીવન બન્યા. એને ‘મામી’ યાદ આવ્યાં. ‘મામી’ બહારવટિયામાં જઈ ભળ્યાં હતાં એની પિનાકીને ખબર હતી. દુહાએ ‘મામી’ની સુંદરતા કંડારી નાખી. ઊગતા પ્રભાતમાંથી ‘મામી’ જાણે કે સપ્તાશ્વ સૂર્યની જોડાજોડ પીરાણી પર સવાર બની ચાલ્યાં આવતાં હતાં. ઊંચા રેલવે-પુલ પરથી ધોરાજીની ધાર પાછળનો સૂરજભાણ દેખાતો હતો. સીમાડે જ જાણે એના સાત અને મામીની એક — એમ આઠ ઘોડલાંની હમચી ખૂંદાતી હતી. મીરે ત્રીજો દુહો બેસાડ્યો: તું બીજો લખમણ જતિ; ભડ! રમજે ભારાથ; જતિ-સતીના સાથ સરગાપર શોભાવજો! “વાહ, દુલા મીર, વાહ!” સાંભળનારાઓના હાથમાં ઝગતી બીડીઓ થંભી ગઈ. “આ દુહા લઈને જો એક વાર ગરના ગાળામાં જઈ પહોંચ ને, તો તારું પાકી જાય, બૂઢા!” “અરે, મારા બાપ!” બૂઢો મીર ડોકું ડગમગાવતો હતો. ગરના ગાળામાં તો હવે જઈ રિયા ને લખમણભાઈની મોજ તો લઈ રિયા. આ તો દિલડામાં અક્કેક દુહો, વેળુમાં મગરમચ્છ લોચે ને, તેમ લોચતો હતો, તે આજ તમ જેવા પાસે ઠાલવી દઉં છું.” પિનાકી પાસે આવ્યો. એણે મીરના ખોળા પર એક આઠ-આની મૂકી. બૂઢા મીરે આંખો પર નેજવું કરીને નજર માંડી. “કોણ છો, ભાઈ?” “વિદ્યાર્થી છું.” મીર ન સમજ્યો. બીજાઓએ સમજ પાડી: “નિશાળિયો છે નિશાળિયો, મોતી મીર!” “ભણો છો?” મોતી મીરની અરધી જીભ ઓચિંતા વિસ્મય અને આનંદને લીધે બહાર લબડવા લાગી. “હા જી...” મીરને કોઈકે આજે જીવનમાં પહેલી વાર ‘જી’કાર કહ્યો. એની જીભ વધુ લાંબી થઈ. જીભમાંથી સુખાનુભવની લાળો પણ ઝરી. “કવિરાજ!” પિનાકીએ પૂછ્યું: “જતિ ને સતી ક્યાં છે? મને કહેશો?” “એક જ ઠેકાણાની ખબર છે.” “કયું?” “મારા અંતરમાં રહે છે.” એમ કહીને મીર એટલું બધું હસ્યો કે એને ખાંસી ઊપડી ગઈ. બીજા એક જણે કહ્યું: “ભાઈ, તું બાતમી લેવા તો નથી આવ્યો ને?” પિનાકીને હજુ આ આક્ષેપ સમજાતો નહોતો. બહારવટિયા સરકારના ઘોર ગુનેગારો છે તે વાતનો ખ્યાલ જ એ ચૂકી ગયો હતો. એ તો જાણે કોઈ જૂના યુગનો ઈતિહાસ ભણી રહ્યો હતો. એટલે એ જવાબ ન આપતાં મૂંગો રહ્યો. એના મૌને મિજલસમાં વિશેષ શંકા ઉપજાવી. કોઈકે કહ્યું: “ભાઈ, જાળવજો હો, અમારાં હાંડલાં ક્યાંક અભડાવી દેતા નહિ. અમે તો, મારા બાપા, મોટી માલણ તરફના માલધારિયું છીએં. બે ઘડી સુગલ કરીએં છીએં.” બધા પિનાકીને હાથ જોડવા લાગ્યા. પિનાકી શરમિંદો બન્યો. આ કોડા જેવડી મોટી આંખો: આંખોમાં ગાંજાની ખુમારીનું અંજન: બાજઠ જેવી આ છાતીઓ: બંદૂકો જેવી આ બબે ભુજાઓ: ધિંગી આ દાઢીઓ: ને થાંભલા જેવા આ પગ: એ જ આ લોકો, આ સિંહોને તગડનારાઓ, આટલા બધા ગભરુ! આટલા બધા રાંકડા! પિનાકી ખસી ગયો. ભયભીત માલધારીઓ એક પછી એક સરકી ગયા. બેસી રહ્યો ફક્ત એક મોતી મીર. એણે સતાર ચાલુ રાખી. નવો દુહો મનમાં બેસાર્યો.: અંગ્રેજ! તુંને અકલ નહિ; ડાયા તણો દકાળ; (નકર) તેડાવત તતકાળ, લાજ રખાવણ લખમણો. કેમકે, અરે અંગ્રેજ! તમે માંજરાં મરકટાં: એ રઘુપતનો વીર; જરમર૩ વાંદરડાં નમત, એને બની અધીર. પિનાકી નજીક આવ્યો; પૂછ્યું: “કવિરાજ, તમે તો બીતા નથી ને!” “બીઉં કોનાથી? બીવા જેવું કાંઈ રિયું જ નથી ને દુનિયામાં!” “તો મને સમાચાર દેશો?” “કોના?” “લખમણ બહારવટિયાના અને ભગિની જોગણના.” “શું કરીશ?” “ત્યાં જઈશ.” “મારા આ દુહા એને હાથોહાથ દઈશ?” “જરૂર.” ૩ જર્મન.