સોરઠ, તારાં વહેતાં પાણી/૨૯. નવી ખુમારી
યુરોપનું મહાયુદ્ધ આગળ વધતું હતું. લોકોની અક્કલ પણ આગળ વધતી હતી. નાનાં ગામોની ને મોટાં શહેરોની ટપાલ-ઓફિસોના ઓટા ‘વિન્ડો ડિલિવરિ’ના કાગળો મેળવવા માટે આવનારાં લોકોથી ઠાંસોઠાંસ રહેતા. ચબૂતરાની પરસાળો અને દેવ-મંદિરોની ફરસબંધીઓ પર છાપાનાં પાનાં પથરાતાં. અમદાવાદ પણ ન જોયું હોય તેવાં લોકો યુરોપની જાદવાસ્થળીના યુદ્ધક્ષેત્ર પર પથરાયેલી લડાયક સડકોને નાનેથી ત્યાં રમ્યાં હોય તેવાં પિછાનદાર બની પકડતાં. યુદ્ધના મોરચામાં ક્યાં ક્યાં ભૂલો થઈ રહી છે તેનું જ્ઞાન કાઠિયાવાડના નવરા પેન્શનરો પાસે સરકારના સેનાપતિઓ કરતાં વધુ હતું! લીજ, નામુર અને વર્ડુનના કિલ્લામાં કેમ જાણે પોતે ઈજનેરી કામ કર્યું હોય, તેટલી બધી વાકેફગારી આ વાતોડિયાઓ દાખવતા હતા. પણ એજન્સી સરકાર એ સોરઠી યુદ્ધ-જ્ઞાનની અદેખાઈ કરવા લાગી. પ્રાંતપ્રાંતના ડેપ્યુટી પોલિટિકલ એજન્ટો ગામેગામ ભમવા લાગ્યા. જાહેર સભાઓમાં તેઓએ નકશા લટકાવ્યા. સોટીની અણી વડે તેઓએ આ નકશા પર લડાઈની મોરચાબંધી આલેખી બતાવી. ‘મિત્ર રાજ્યો’ના અને અંગ્રેજી લશ્કરોના દિગ્વિજયો શ્રોતાઓનાં ભેજાંમાં ઠસાવવા તેઓએ સોટીના ધોકા બની શકે તેટલા જોરશોરથી માર્યા. અને સભાએ સભાએ તેઓએ પ્રજાજનોને દર્દભરી બાનીમાં હાકલ કરી કે ‘લડાઈના મોરચા પર ગયેલા આપણા હિન્દી સૈનિકોને ખાવા માટે લવિંગ, એલચી ને સોપારી નથી, પીવા માટે બીડીઓ નથી, ચા નથી. આપણો ધર્મ છે કે તેમને માટે ફાળો ઉઘરાવી આ મુખવાસો મોકલીએ’. પછી લવિંગનાં, એલચીનાં ને સોપારીનાં ઉઘરાણાં શરૂ થયાં. અરસપરસ આંખના મિચકારા કરતા વેપારીઓ અરધા રતલથી માંડી મણ-મણ તજ-એલચીની ભેટ નોંધાવવા લાગ્યા. ગોરા પ્રાંત-સાહેબની હાજરીમાં આ હિન્દી સૈનિકો પરની વણિક-પ્રીતિ બેપૂર ઊછળી પડી. છતાં અંદરખાનેથી લોકો રાજપલટો ચાહતા હતા. ‘પૃથ્વીરાજ રાસો’ વગેરે જૂનાં પોથાંમાંથી ચારણ-ભાટો આગમના બોલ ટાંકી બતાવવા લાગ્યાકે
તા પીછ ટોપી આવસી
બહુ અલમ કલમ ચલાવસી...
વગેરે વગેરે વિગતો સાચી પડતી આવે છે, માટે નવો રાજપલટો થયા વિના રહેવાનો નથી. પૃથુરાજ રાસામાં એમ લખ્યું છે! એવી લોકધારણાએ વાતાવરણને ઘેર્યું હતું ત્યારે સુરેન્દ્રદેવજીના બેડીગામ ખાતેના બંગલામાં સુંદરપુરના ઠાકોર એક છૂપી મસલત કરી રહ્યા હતા. બરકંદાજીમાં જેની રાણીઓ, બહેનો ને પુત્રીઓ પણ બાહોશી ધરાવતી હતી, બહારવટિયાને છુપાવવાનો સંદેહ-ડોળો જેના પર એજન્સી સરકાર ઠેરવી રહી હતી, તે આ ઠાકોર હતા. તેમણે વાતનો પ્રારંભ કર્યો: “રાજપલટો તો આ આવ્યો સમજો, સુરેન્દ્રદેવજી!” “હા! મુંબઈને કિનારે ઊતર્યો કે શું?” “મશ્કરીની વાત નથી. મશ્કરીનો વખત પણ નથી.” “આપણને ઠાકોરોને મશ્કરી સિવાયનો બીજો વખત કેવો!” “હું કહું તે એક વાર સાંભળી લેશો? પછી હસી કાઢજો.” “સંભળાવો.” “મારા ભત્રીજા કિશોરસિંહજી લડાઈમાં ગયા છે, ત્યાંથી છૂપો કાગળ છે: મિત્ર રાજ્યોના છૂંદા થવાને હવે વાર નથી.” “તેથી શું? આપણે તો જે આવશે તેનો દરબાર ભરી રાજાવેશ ભજવીશું, ને આજ સુધી સિંહ-ઘોડાનાં અંગ્રેજી મોરાવાળા ચાંદ-ચગદાં પહેરતા તે હવે પછી ગરુડ-મોરાનાં જર્મન ચગદાં છાતીએ લગાવીશું ને જર્મન પોલિટિકલ એજન્ટને ગમશે તેવા શણગાર સજીશું.” “એ ઠીક વાત છે. એ વિના તો છૂટકો નથી. પણ જર્મનો આવે ત્યારે એની સત્તા આપણને કેવી સ્થિતિમાં માન્ય રાખશે?” “કેવી?” “આપણે જેવી સ્થિતિ તૈયાર રાખી હશે તેવી.” “એટલે?” “એટલે એમ કે તમારા કડીબેડીના તાલુકામાં આજે બાજુનાં પચીસ ગામડાં દબાવી દઈને તમે બેસી જાઓ, તો નવી રાજસત્તા તમારો એ કબજો કબૂલ રાખશે. કજિયા સાંભળવા નહિ બેસે.” “તમે તે આ શું ધાર્યું છે, ઠાકોર સાહેબ?” “હું મારી વેતરણમાં જ છું. આપણે બંને પંજા મિલાવી શકશું?” “વધુ સાચવવાની મારી તો ત્રેવડ જ નથી. જેટલું વધુ તેટલી ગુલામી વિશેષ.” “મોકો ચૂકો છો. હું તો કહું છું કે છેલ્લો કડાકો થાય કે તત્કાળ એજન્સીનું વેજળ પરગણું દબાવી બેસો.” “માફ કરો તો એક વાત કહું...” “કહો.” “પચીસ વર્ષ પછી કોઈ લેખક જો આપનાં સ્વપ્ન વિશેની સાચી વાત લખશે, તો એ દીવાનામાં ખપશે.” “એની મતલબ તો એ ને કે મને આપ દીવાનો માનો છો?” “કારણ કે આપ કોઈ પ્રકારનો નશો તો કરતા નથી એ વાત હું જાણું છું.” સુરેન્દ્રદેવ બહુ મીઠાશથી ગાળો આપી શકતા હતા. “તમને તો, સુરેન્દ્રદેવજી,” ઠાકોરે ખેદ બતાવ્યો: “રાજાઓ જોડે કદી બંધુભાવ થયો જ નહિ.” “બંધુભાવની વાત રાજાઓની સંસ્થાને શોભશે નહિ. સગા ભાઈઓને ઝેર દેવાનો તો આપણો પ્રાચીન સંસ્કાર છે.” “આપ કોની વાત કરો છો?” ઠાકોર સાહેબ ભડક્યા. “હું તો પાંડવ-કૌરવોથી માંડી આજ સુધીના આપણા ઈતિહાસની વાત કરું છું.” “તો પછી જીવવું શી રીતે?” “આપણા જીવવા પૂરતી જ જો ખેવના હોત તો તો આપણે આખા હિંદ પર પીળું પોતું ફેરવી શકત. પણ આપણે તો આપણા મૂવા પછી પેઢાનપેઢી આપણી ઓલાદને કપાળે ગુલામીનો ભોજનથાળ ચોકસ ચોડી જવો છે. આપણે આપણાં પોતાનાં ભૂત થઈને પણ પૃથ્વી પર ભમવું છે.” ઠાકોર સાહેબને આ બધી વાતમાં અક્ષાત્રવટ લાગી. એમણે તો સુરેન્દ્રદેવને મોંએ જ ચોડી દીધું: “દેવ! તમે તમારું તો ટાળશો, પણ છોકરાનીય રાબનું રામપાતર ફોડતા જશો.” “હું તો પેલા પુરબિયાની મનોદશા કેળવી રહ્યો છું: સબ સબકી સમાલનાં, મૈં મેરી ફોડતા હૂં. મારું સ્થાન તો હિન્દની પ્રજા સાથે છે. હું તો રાજા સાહેબોની સૃષ્ટિમાં વિધાતાની કોઈ સરતચૂકથી મુકાઈ ગયો છું.” “અધીરાઈ શી આવી ગઈ છે?” “શૂળીની અણીને માથે ધીરજ રાખે તેની બલિહારી છે.” “ઠીક, આપણી વચ્ચે તો વિચારોનું અંતર જમીન-આસમાન જેટલું થઈ ગયું.” “એ અંતર પર સમય પોતે જ પાજ બાંધી રહ્યો છે.” “ગમે તેમ, આપણે તો કોલેજ-કાળના ગોઠિયા.” “એ મૈત્રી તો કાયમી છે.” દરબારગઢની ઘડિયાળમાં રાતના નવના ડંકા પડ્યા, ને સુરેન્દ્રદેવજી ઊઠ્યા. ઠાકોર સાહેબને એણે કહ્યું: “ચાલો ત્યારે, વાળુ કરી લઈએ હવે.” “ઓલો વાંદરો હજુ આવે ત્યારે ને?” “કોણ, પ્રાંત-સાહેબ? હવે એ તો આવીને સૂઈ રહેશે.” “એનું ખાવાપીવાનું?” “મારે ત્યાં તો ટાઈમ બહાર કોઈને ન મળે. મને પોતાને પણ નહિ.” “ભૂખ્યો સુવાડવો છે એને?” “ખાશે: એને ઉતારે પાઉં-બિસ્કિટ તો મુકાવ્યાં છે ને!” સુરેન્દ્રદેવજીના પેટનું પાણી પણ હલતું નહોતું. “હવે દીવાના બનવાનો તમારો વારો આવ્યો કે, દેવ!” ઠાકોર સાહેબે મશ્કરી કરતાં કરતાં પણ દહેશત અનુભવી. “નહિ, નહિ; મારી અહીંની રસમ નહિ તૂટે.” સુરેન્દ્રદેવજીએ પોતાની કડકાઈ ન છુપાવી. બેઉ ઊઠ્યા. એક જ કલાક પછી ગામનાં કૂતરાં ભસ્યાં. પાંચ ઘોડેસવારો સાથે પ્રાંત-સાહેબ ઝાંપે દાખલ થયા. ભસતાં કૂતરાંને એણે અંગ્રેજીમાં બે ગાળો દીધી. કૂતરાં એ ગાળોને સમજ્યાં હોવા જોઈએ, કેમકે તેઓ દૂર જઈને વધુ ભસવા લાગ્યા. ઉતારા સુધી પ્રાંત-સાહેબ જોતા ગયા. એણે આશા રાખી હતી કે ક્યાંઈક ને ક્યાંઈક રસ્તે સુરેન્દ્રદેવજી સામા લેવા ઊભા હશે, એને બદલે તેણે તો ઉતારામાં પણ સૂનકાર જોયો. પૂછતાં જવાબદાર અમલદારે કહ્યું: “દરબાર સાહેબ તો રોજના નિયમ મુજબ સૂઈ ગયા છે, સવારે મળશે.” “હમેરા ખાના!” સાહેબે હુકમ કર્યો. જવાબમાં સૂકી અને ઠંડી પડેલી ચીજો હાજર થઈ. સાહેબને આ તમામ મામલો પોતાની જ નહિ પણ સમગ્ર બ્રિટિશ સામ્રાજ્યની બેઅદબીથી ભરેલો ભાસ્યો. પણ એણે ગમ ખાધી. સોડા અને દારૂનું મિશ્રણ પીને એ સૂઈ રહ્યો. સવાર પડ્યું. સુરેન્દ્રદેવજી આવ્યા નહિ. સાહેબ પોતે તેમને બંગલે જવા તૈયાર થયા. માણસ જવાબ લઈને આવ્યો કે “દરબાર રોજિંદી પ્રભુ-પ્રાર્થનામાં બેઠા છે. નવ વાગ્યે બહાર આવીને સાહેબને મળશે.” એજન્સીની સ્થાપના પછી અંગ્રેજ અમલદારોનાં કૂતરાં પણ આજ સુધી કદી આવી સરભરા નહોતાં પામ્યાં. તુમાખી અને તોછડાઈની હદ વટાઈ ગઈ હતી. ગોરાને સ્થાને કોઈ પણ દેશી અમલદાર હોત તો રમખાણ મચાવીને ગામ છોડત. પણ ગોરો હાકેમ અપમાનનો ઘૂંટડો પી ગયો — આનંદ રાખીને પી ગયો; કારણ કે એ પીવાનો હતો સામ્રાજ્યની રક્ષાને કારણે. સામ્રાજ્યની ભાવનાએ ગોરાના કલેજામાં પાષાણ અને મીણ બન્ને મેળવીને મૂક્યાં હતાં. સુરેન્દ્રદેવજીને મળ્યો ત્યારે ગોરો હાકેમ જરીકે દોર ચૂક્યો નહિ, માનપાનની લાગણીને તો એણે હૃદયના પાતાળમાં ઉતારી હતી. દરબારશ્રીના ઓરડાની દીવાલ પર એક ટીડડું બેઠું હતું તે જોઈને પણ એ બોલી ઊઠ્યો: “ઓહ, વ્હોટ એ લવ્લી લિટલ ફેઈરી યૂ હેવ મેઈડ યોર પેટ! [ઓહ! કેવી રમ્ય પરીને તમે પાળી છે!]” પછી એણે લડાઈની લોન વિશે તેમ જ થોડા રંગરૂટો (યુદ્ધ માટે ફોજમાં ભરતી થનારાઓ) વિશે માગણી કરી. સુરેન્દ્રદેવજીએ બેઉ વાતોની ઘસીને ના કહી. છતાંય ગોરો હસ્યો. માણસના મનમાં અગ્નિરસના ઓઘ ચાલી રહ્યા હોય છતાં એ હોઠ પર સ્મિત રમાડતો રહે, ત્યારે એની પાસે એવું યોગીપણું સધાવનાર જે કોઈ ભાવના હોય તે આપણાં માથાંને નમાવે છે — ભલે એ ભાવના સામ્રાજ્યવાદીની હોય. “કંઈ નહિ, દરબાર સાહેબ, હું તમારી સ્થિતિ સમજું છું. હું ‘એ.જી.’ને યોગ્ય રિપોર્ટ કરી નાખીશ. તમે ચિંતા ન કરશો.” એટલું કહીને એણે ઘોડાં હંકાર્યાં.
એ વખતે ગિરના એક નાકા ઉપર શિકારનો એક કૅમ્પ નખાતો હતો અને એ કૅમ્પમાં રમખાણ બોલી રહ્યું હતું: “નહિ મિલેગા: બકરા હમેરી તરફસેં નહિ મિલેગા તુમકો.” એ અવાજ રાવસાહેબ મહીપતરામનો હતો. એ જવાબ સાંભળનારો સાહેબ લોકોનો બબરચી હતો. બબરચી ધૂંઆંપૂંઆં થઈ રહ્યો હતો. કેમકે પ્રાંત-સાહેબના બબરચીના બબરચીને આજે પોતાની કારકિર્દીમાં પહેલી જ વાર સાંભળવું પડ્યું કે ‘બકરો નહિ મળે’. “અચ્છા! તબ હમ સા’બકા ખાના નહિ પકાયગા!” એમ કહીને બબરચી રિસામણે બેઠો. રાવસાહેબ મહીપતરામનું નવું પોલીસ-થાણું બે ગાઉ છેટે હતું, એમની તો નિમણૂંક બહારવટિયાના હંગામને કાબૂમાં લેવા માટે થઈ હતી. ને હજુ તો ગઈ કાલે જ તાબાનું મોજણી ગામ ભાંગ્યું હતું. છતાં, સાહેબ લોકોનો શિકારનો કૅમ્પ ગોઠવવાની ફરજ બીજી સર્વ ફરજોથી અગ્રપદે ગણાતી હોવાથી, એમને અહીં આવવું પડ્યું હતું. એક તાબેદાર અમલદાર તરીકે એમની તો ફરજ હતી કે સાહેબના બબરચીની પૂરેપૂરી તહેનાત એમણે ઉઠાવવી. પરંતુ સાવસાહેબની અંદર રહી ગયેલા ‘બ્રાહ્મણિયા’ સંસ્કાર રાવસાહેબને ભારે પડ્યા. પ્રમોશનો મેળવવાની સીડીનાં પગથિયાં સાહેબ લોકોની તે કાળની સૃષ્ટિમાં બે હતાં: એક પગથિયું સાહેબનો બબરચી; બીજું પગથિયું સાહેબનાં ‘મેમ સા’બ’. બેઉમાં બબરચીનું ચલણ સવિશેષ હતું. એવા મહત્ત્વના માણસને રાવસાહેબ મહીપતરામ ન સાચવી શક્યા. એમણે પોતાના તરફથી બકરા-કૂકડાનો બંદોબસ્ત ન કરી આપ્યો. બબરચીએ તો કંઈકંઈ આશાઓ રાખી હતી, ને મહીપતરામ તો પહેલેથી જ પાણીમાં બેસી ગયા. બબરચીએ મહીપતરામને ધોળા દિવસે તારા દેખાડવાનો નિશ્ચય કર્યો. બપોર ધખ્યો ને સાહેબોના ઘોડાની પડઘી વાગી. બબરચીને શૂરાતન ચડ્યું.