સોરઠ, તારાં વહેતાં પાણી/૨. થાણાને રસ્તે
“પણ તમને કોણે કહ્યું કે ઉપાડો!” એવા ઉગ્ર પણ ચૂપ અવાજે, કચકચતા દાંતે બોલીને અમલદારે પોતાના વૃદ્ધ પિતાના હાથમાંથી ટ્રંક નીચે પછાડી નાખીને ડોળા ફાડીને કહ્યું: “મારી ફજેતી કાં કરી?” ડોસા સડક થઈ ગયા. અમલદારનાં દૂબળાં પત્નીથી ન રહેવાયું. થોડી લાજ કાઢીને પણ એણે કહ્યું: “આકળા કેમ થઈ જાવ છો? બાપુને...” “તમે બધાંય મારાં દુશ્મનો છો.” એટલું કહી અમલદારે પીઠ ફેરવી સામાન ઉપડાવ્યો. એક ગાડું સામાનનું ભરાવ્યું. બીજામાં કુટુંબ બેઠું. અમલદારે પૂછ્યું: “એલા, દરબારી સિગરામ કેમ નથી લાવ્યો?” “સિગરામ હાલે એવો મારગ નથી, મે’રબાન.” “ભેખડગઢ કેટલું થાય અહીંથી?” “વીસ ગાઉ પાકા.” “કાળું પાણી! ખરેખર કાળું પાણી!... રસ્તે રાત ક્યાં રહેવાનું છે?” “દેવકીગામ.” “તૈયારી રખાવી છે?” “બે ઠેકાણે.” “ક્યાં-ક્યાં?” “દરબાર અમરો પટગર કહે કે જમાદાર સા’બ મારા મે’માન થાશે: સામી પાટીમાંથી રૂખડ શેઠે હઠ કરી છે કે મારે ત્યાં જ ઉતારીશ.” “રૂખડ શેઠ કોણ છે?” “વાણિયા છે. પણ કાઠીયુંનો પીર છે: હા, મે’રબાન!” “એણે દીપડો ચીરી નાખ્યો’તો એ વાત સાચી?” “સાચી.” ધારોડ ધરતી ઉપર અધ્ધર ચડીચડી નીચે પછડાયે જતા એ ગાડામાં બીજાં સર્વ ચૂપચાપ ધાકમાં બેઠાં હતાં. દીકરીનું નાનું બાળ બફાતું હતું. ગાડામાં છાંયાના લાકડે માએ એક ખોયું બાંધી આપ્યું તેમાં બાળક ફંગોળાતું-ફંગોળાતું પણ ઊંઘવા લાગ્યું. ડોસા—ડોસી બેઉ સંકોડાઈને ખૂણા તરફ લપાઈ ગયાં હતાં. કાચી સુવાવડે ઉઠાડવી પડેલી દીકરીને આરામ આપવા મથતી અમલદારની પત્ની કંઈક ને કંઈક હેરફેર કર્યા કરતી હતી. તેમાં કોઈને ખબર ન પડે તેવી અદબથી લપાઈ બેઠેલા દીકરીના મોટા પુત્ર ‘ભાણા’ના કાન ચમક્યા. એણે પોતાના અમલદાર પિતામહથી ફાળ ખાતેખાતે પણ હામ ભીડી પૂછ્યું: “શું દાદા! દીપડો — શું કરી નાખ્યો?” પસાયતાએ ગાડાની નજીક આવીને કહ્યું: “હા, ભાઈ, દીપડો એટલે વાઘ. તેને — સૅ ને — તે એક માણસે બાથંબાથા કુસ્તી કરીને — સૅ ને, વગર હથિયારે હેઠો પસાડ્યો, ને દીપડાના માથે સડી બેઠો. દીપડાને ગૂંદ્યો, ગૂંદ્યો, મરણતોલ ગૂંદ્યો, ને પસૅ બે હાથે દીપડાનાં બે ઝડબાં ઝાલી, આ તમે જેમ દાતણની સીર ફાડી નાખો ને — એમ એણે દીપડાને આખો ઠેઠ પૂંસડા લગણ સીરી નાખ્યો.” બાળકનું મોં ફાટી રહ્યું. એના વિચારો ભમવા માંડ્યા. બન્ને બાજુએ ડુંગરાની ખોપો પણ હેબત પામીને પાષાણ બની ગયેલા પ્રેક્ષકો જેવી ઊભી હતી. બાળકે પૂછ્યું: “કોણે ફાડી નાખ્યો?’ “જેણે ફાડી નાખેલ છે તેને આપણે રાતે મળશું, હો ભાણાભાઈ!” અમલદાર પણ ઝોલાં ખાવા લાગ્યા, ગાડાખેડુને પસાયતાએ ભૂંગળી ભરવા સૂચવ્યું. જવાબમાં પેલાએ સાફ કોથળી બતાવી દીધી. ખેલ કરી રહેલા સાપને મદારી જેમ કરંડિયામાં પૂરે તેમ અંધકાર દિવસને રાત્રિના ટોપલામાં પૂરવા લાગ્યો. બેઉ પસાયતા બીડી ચેતાવીને જરા પાછળ રહ્યા. વાત શરૂ થઈ. જુવાને પૂછ્યું: “જમાદાર જાતે કેવા છે?” “બામણ લાગે છે. નામ મૈપતરામ છે — ખરું ને?” “આમની પહેલાં કોણ હતો?” “વાણિયો.” અંધારું ખરલમાં ઘૂંટાતા સુરમાની પેઠે ઘાટું બની રહ્યું હતું. “વાણિયાબામણ કેટલાક?” “અરે, હું તો પચીસ વરસથી જોતો આવું છું: એક રજપૂત ને એક મિયાણા સિવાય તમામ વાણિયાબામણ જ આપણા જમાદારો બનીને આવી ગયા.” “ફટ્ય!” “કેમ, સુરગ, ફટકાર કોને આપ્યો?” “આપણી જાતને જ.” “શા માટે?” “મને વિચાર આવે છે, કે આ વાણિયાં-બામણાં શી તાકાતને જોરે ઠેઠ આ ગરકાંઠો ખેડે છે? લેખણને જ જોરે?” “છાતીને જોરે, સુરગ, કલેજાને જોરે. લેખણ એકલી હોય તો આ કાઠી જેવા અને જત જેવા કાંટિયા મુલકમાં એ ઢૂંકે કે? આવી અઘોર એકાંતમાં ફાટી ન પડે?” “મારા મનમાં પાપ ઊપડે છે.” “શું છે?” “આની પાસે પાંચસો-હજાર તો હશે જ ને?” “છાનો મર, સુરગ, વા ગાડાઢાળો છે.” “આ ડુંગરાઓમાં હાથતાળી દઈને જાતાં શી વાર!” “કેમ બહુ તલપાપડ થયો છો, લાડા?” “ન થાઉં?” “કાં?” “મારે મામે ચાંપે કોટીલું ચોખ્ખું કે’વરાવ્યું છે...” “—કે?” “—કે કાઠીનો દીકરો એકાદ લોટોઝોટો ન કરી આવે ત્યાં લગી કાઠીની કન્યા ફેરો કોની હારે ફરે? — બકાલની હારે?” “હા; ઈ વાત સાચી, સુરગ. હવે તું મનસૂબા કરછ એ સમજાણું.” “તમે હારે છો એટલે શું કરું?” મોટો પસાયતો મૂંગો રહ્યો. અંધારું પણ એની સાથે જાણે કશોક સંતલસ કરતું હતું. “સાંભળો છો, આપા મામૈયા! કે ઝોલે આવ્યા?” જુવાને બૂઢાને પૂછ્યું: “આમ પગઢરડા ક્યાં લગી કરવા છે? સરકારી ટપાલના બીડા ખેંચ્યે અવતાર નહિ નીકળે.” “કરને ઝપટ...” “સાચેસાચ? જરીક પાછળ પડી જાશો? આ બામણું થોભિયા વધારીને બેઠું છે, પણ હમણાં એક હાક ભેગું એનું પેડું ઝીક નહિ ઝીલે.” “ઠેકડી કરછ કે સાચું કે’છ, સુરગ?” “ઠેકડી તો મારી તમે કરો છો, આપા!” “કેટલો ભાગ?” “અરધોઅરધ.” “અજમાવ ત્યારે.” “તમે હાકોટા કરશો? આપણે જાડા જણ છીએ એમ દેખાડીએ.” “ભલે. પણ મારા હાથ-પગ મારા ફેંટાથી બાંધતો જા.” સુરગ પસાયતાએ મોટેરાના શરીરને જકડી લીધું. પછી પોતાના હાથમાંની કાળી લાંબી ડાંગને એક સળગતી દોરી બાંધી બંદૂકનો દેખાવ કર્યો, ને પોતે તલવાર ખેંચીને ઊપડ્યો — મામાની દીકરીને પરણવાની લાયકાત પ્રાપ્ત કરવા!