સોરઠ, તારાં વહેતાં પાણી/૫૧. ખેડૂતની ખુમારી
એ જ રાતથી પિનાકીનું યુનિવર્સિટીનું શિક્ષણ શરૂ થઈ ગયું. લઠ્ઠ અને લોહીભરપૂર એનું બદન આ મરદ ખેતીકારના હૃદયમાં વસી ગયું. રાત્રીએ એણે પિનાકીને પોતાની સાથે રાતભરને રખોપે ચડાવ્યો. પહેલો પાઠ પિનાકીને પહેલી જ રાતે મળ્યો. પોતાના માલિકનો બોજ કમતી કરવાના ઈરાદાથી એ ખીંતી પરથી માલિકની બંદૂક ઉતારવા હાથ પહોંચે તે પૂર્વે તો માલિકે બંદૂકને હાથ કરી લીધી. ઠપકાનો એક શબ્દ પણ કહ્યા વગર જ શેઠ ચાલ્યા, ને પિનાકીને કહ્યું: “ચાલો!” પિનાકીએ જોઈ લીધું. મુર્શદની મુર્શદી મૌનમાં રહી હતી. બીજે દિવસે પિનાકીનાં અંગો પર બીજું શેર લોહી ચડ્યું. બપોર વેળાએ રાજવાડા ગામની પછવાડે ગોટંગોટ ધુમાડા ઊઠ્યા, ને ઠાંગા ડુંગરની હાલારી ધાર પર ઘાસની એક ગાઉ ફરતી વીડી સળગી ઊઠી. “એલા, કોની વીડીને દા લાગ્યો?” શેઠે રીડિયા સાંભળીને જાગી જઈ પૂછ્યું. “આપણી નથી.” માણસોએ આવીને કહ્યું. “આપણી નથી. પણ કોની છે? કયા ગામની?” “રણખળાના કોળીની, ઈજારાની વીડી.” “આપણી નહિ, આપણા પાડોશીની તો ખરી ને?” એમ કહીને શેઠે ખભે બંદૂક નાખી પિનાકીને જોડે લીધો. રસ્તામાં માણસો, ઘોડેસવારો, પગપાળા પોલીસો, ખાખી પોશાકવાળા શિકારીઓ વગેરેની તડબડાટી સાંભળી. એ બધાના રીડિયા અને ચસકા પહાડી ભોમના કોઈ અકાળ ગર્ભપાતની કલ્પના કરાવતા હતા. એક બાઈ અને બે છોકરાં દોડ્યાં આવતાં હતાં. ત્રણેય જણાંનાં ગળામાંથી કાળી ચીસો ઊઠતી હતી. “શું છે, એલાં?” શેઠે પૂછ્યું. “અમારી વીડી સળગાવી મૂકી.” “કોણે?” “બાપુએ પોતે જ.” “આપણા બાપુએ? રાવલજી બાપુએ?” “હા.” “શા માટે?” “એના શિકારનો સૂવરડો વીડીમાં જઈ ભરાણો એટલા માટે.” “એમ છે?” થોડી વાર તો બંદૂકધારીએ ગમ ખાધી. પાછા ફરી જવા એના પગ લલચાઈ રહ્યા. થોડી વાર પછી પોતાના ફરતા પગને એણે સ્થિર કરીને આગળ ચલાવ્યા. ને એની કસોટીનો કાળ આઘો ન રહ્યો. નવલખા નગરથી શિકારે ચડેલ રાજા રાવલજીની મોટર એને રસ્તામાં જ સામી મળી. શેઠે રાજાને રામરામ કર્યા. ગુલતાનમાં આવી ગયેલ રાવલજી પોતાના વિશિષ્ટ આશ્રિત ખેતીકારને શોભીતો જોઈ મલકાતા ઊભા. “શિકાર — શિકાર તો આપે બહુ ભારી કર્યો, હો બાપુ!” ખેતીકારની જબાન બીજી કોઈ પણ જાતની વિધિ કરવાનું વીસરી બેઠી. “હા, ખૂબ મુશ્કેલી—” આવું બોલવા જતા રાવલજીની જીભ થોથરાઈ ગઈ; કેમકે પોતાના ખેતીકારની મુખમુદ્રા પર એણે પેલા શબ્દોનો ઉજાસી ભાવ ભાળ્યો નહિ. ને રાવલજીના થોથરાતાંની વાર જ ખેતીકારે હિંમત કરી કહ્યું: “નવલખા ધણીને શોભે તેવો શિકાર કર્યો, બાપુ!” “કેમ? તમે આ કોની—” “હું જાણું છું કે હું કોની સામે બોલું છું. હું રાવલજીનો જ આશ્રિત ખેડુ, ગાદીના ધણીની જ સામે, ઓગણીસસો ને વીસની સાલમાં આ બોલી રહ્યો છું.” “તમારે શું કહેવું છે?” “એટલું જ, કે બાપુ! તમે આજ એક જાનવર ઉપરાંત ત્રણ માણસોનાય શિકાર ખેલ્યા છો.” રાવલજીના મોં પર રુધિરનો ધમધમાટ થઈ રહ્યો, એટલે વાણિયો ખેડુ વધુ ગરમ બન્યો: “તમે જેની વીડી સળગાવી મૂકી એ ત્રણ જણાં આ ચાલ્યાં જાય ધા દેતાં. જરા ગાડીને વેગથી ઉપાડો, તો બતાવું.” રાવલજીનું મોઢું પડી ગયું. એ ગાડીમાંથી નીચે ઊતર્યા. એણે નરમ બનીને કહ્યું: “આખી વીડી સળગી ગઈ?” “પાંચાળનું લાંપડું સળગતાં શી વાર?” રાવલજીએ ધુમાડાના થાંભલા ગગને અડતા જોયા. વીડીના ઘાસમાંથી નીકળતા ભડકા દિક્પાળના વછૂટેલા દીપડાઓ જેવા દીસ્યા. “કેટલી નુકશાની થઈ હશે?” રાવલજીએ પસ્તાવાભર્યા સ્વરે પૂછ્યું. “એ મને ખબર નથી, બાપુ.” “અત્યારે આટલું કરશો તમે, શેઠ? નુકશાની નક્કી કરજો. તમારી જીભે જે આંકડો પડશે, તે ચૂકવી અપાશે.” પછી કોઈ કશું બોલી ન શક્યું. સ્મશાનયાત્રા જેવી રાજસવારી શેઠની વાડીએ ગઈ. ત્યાં રાવલજી એકાદ કલાક રહ્યા. આખો વખત એના મોં ઉપર અપરાધીપણું તરવર્યા કરતું હતું. એ અનુભવે પિનાકીને પુસ્તકોનાં પુસ્તકો પઢાવ્યાં. એને લાગ્યું કે ફાંસીએ લટકેલ રૂખડ મામો નવા યુગના નવસંસ્કાર પામીને આંહીં ઊતરી આવ્યો છે. રાતે જે આંગળીઓ મોત વરસાવતી, તેમાંથી દિવસે જીવન ઝરતું. ચીકુડીના રોપ, દ્રાક્ષના માંડવા, અને સીધા સોટા સમા છોડવા ઉપર ખિસકોલી-શા પગ ભરાવીને ઊંચેઊંચે ચડતી નાગરવેલડીઓ શિકારી શેઠનાં ટેરવાંમાંથી અમૃતનું પાન કરતી. અને શેઠના પ્રત્યેક વેણમાં પણ પિનાકીએ કદી ન સાંભળેલી એવી નવી ભાષા સાંભળી. સાથીઓ જોડે વાતો કરતા શેઠ જીવનભરી જ વાણી વાપરતા: “કુંકણી કેળનાં બચળાં રમવા નીકળ્યાં કે? માંડમાંડ વિયાણી છે બિચારી!” — “ચીકુડીને આ જમીન ભાવતી નથી, સીમમાંથી હાડકાં ભેળાં કરાવો, ખાંડીને એનું ખાતર નીરશું.” — “આ બદામડીની ડોક કેમ ખડી ગઈ છે?” — “જમાદારિયા આંબાની કલમને ને સિંદૂરિયાને પરણાવ્યાં તો ખરાં, પણ એનો સંસાર હાલશે ખરો? લાગતું નથી, વાંધો શેનો પડે છે? ગોતી તો કાઢવું પડશે ને ભાઈ, કોઈનું ઘર કાંઈ ભાંગતું જોવાશે?” આ ભાષાએ પિનાકીના મનમાં વનસ્પતિની દુનિયા જીવતી કરી. સચરાચરનાં ગેબી દ્વાર ઊઘડી ગયાં. ખપેડી, ખડમાંકડી અને જીવાતને ખાઈ જનારી ચીબરી-ચકલીથી લઈ વાઘ-દીપડા સુધીની પ્રાણીસૃષ્ટિના એણે કડીબંધ સંબંધો જોયા. એ બધા સંબંધોની ચાવીઓ પોતે નિહાળતો ગયો તેમ તેમ સારુંય સચેતન જગત એને માનવીનું મુક્તિ-રાજ્ય દેખાયું. માનવી એને મરદ દેખાયો. મરદાઈની બંકી સૂરત એની સામે વિચરતી હતી. શિયાળાનાં કરવતો આ માનવીનાં લોહી-માંસ પર ફરતાં હતાં, પણ કટકીય કાપી શકતાં નહોતાં. ઉનાળાની આગ એને શેકી, રાંધી ખાઈ જવા માગતી હતી, પણ ઊલટો આ માનવીનો દેહ તાતું ત્રાંબું બની ગયો હતો. રોજ પ્રભાતે, વહી જતી રાતને ડારો દેતો માનવી ઊભો હતો — પાણીબંધની ઊંચી પાળ ઉપર: અણભાંગ્યો ને અણભેદાયો. હવે પિનાકીને એનું ભણતર રગદોળી નાખનાર હેડ માસ્તરની ગરદન ચૂસી જવાની મનેચ્છા રહી નહિ. છ મહિના ગયા છતાં એણે એકેય વાર રાજકોટ જવાનું નામ પણ નથી લીધું, એ વાત શેઠની નજરમાં જ હતી. પોતે પણ પિનાકીને કદી ઘેર જવાનું યાદ ન કરાવ્યું. એમાં એક દિવસ મોટીબાનું પત્તું આવ્યું. ઢળતો સૂરજ જંગલનાં જડ-ચેતનને લાંબે પડછાયે ડરાવતો હતો ત્યારે પિનાકીએ શેઠની રજા માગી. “ટ્રામ તો વહેલી ઊપડી ગઈ હશે. કાલે જાજો.” “અત્યારે જ ઊપડું તો?” “શી રીતે?” “પગપાળો.” “હિંમત છે? પાકા સાત ગાઉનો પંથ છે.” “મારાં મોટીબાને કોણ જાણે શું-શું થયું હશે. હું જાઉં જ.” પિનાકીએ પોતાની આંખોને બીજી બાજુ ફેરવી લીધી ને ગળું ખોંખારી સાફ કર્યું. “ઊપડો ત્યારે. લાકડી લેતા જજો.” પિનાકીને શેઠના સ્વરમાં લાગણી જ ન લાગી. પાસે આટલાં માણસો છે, ગાડાં ને બળદો છે, ઘોડી ને ઊંટ પણ છે. એક પણ વાહનની દયા કરવાનું દિલ કેમ આજે એની પાસે નથી રહ્યું? ખાખી નીકર અને કાબરા ડગલાભેર એ બહાર નીકળ્યો. “ત્રીજે દિવસે પાછા આવી પહોંચજો.” શેઠના સૂકા ગળામાંથી બોલ પડ્યા. પિનાકીના ગયા પછી શેઠે પોતાની ઘોડી પર પલાણ મંડાવ્યું. “તમાચી,” એણે બૂઢા મિયાણા ચોકીદારને બોલાવીને કહ્યું: “તમે ચડી જાઓ. આપણો જુવાન હમણાં ગયો ને, એનાથી ખેતરવા — બે ખેતરવા પછવાડે હાંક્યે જજો. ઠેઠ એના ઘરમાં દાખલ થઈ જાય ત્યાં સુધી સાચવતા રહેજો. એને ખબર ન પડવા દેજો. ને જુઓ: ભેળાં પચાસ કટકા આપણી બિયારણની શેરડીના, થોડુંથોડું શાક અને ચીકુ એક ફાંટમાં બાંધી લ્યો. ઘોડીને માથે નાખતા જાવ. સવારે જઈને એની ડોશીમાને દેજો. છાનામાના કહી આવજો કે ખાસ કહેવરાવેલ છે મેં, કે તમારા ભાણાની ચિંતા ન કરજો.” “ને જો!” શેઠને કંઈક સાંભર્યું: “રસ્તે એકાદ વાર એનું પાણી પણ માપી લેજો ને!” ધણીનું એ છેલ્લું ફરમાન બૂઢા તમાચીને બહુ મીઠું લાગ્યું. એ ચડી ગયો. “વજાભાઈ,” શેઠે સાંજે વાળુ કરીને હોકો પીતેપીતે પોતાના વહીવટકર્તાને ભલામણ કરી: “નવા ઘઉંનું ખળું થાય, તેમાંથી એક ગાડી નોખી ભરાવજો. એક ડબો ઘીનો જુદો કઢાવજો, ને એક માટલું ગોળનું. આપણે રાજકોટ મોકલવું છે.” “ક્યાં?” “હું ઠેકાણું પછીથી કહીશ. પણ કોઈને ખબર ન પડવી જોઈએ.” રાતે શેઠ રખોપું કરવા ચાલ્યા ત્યારે એને પહેલી જ વાર એક પ્રકારની એકલતા ખટકી. એને ઉચાટ પણ થયો: ‘મેં ભૂલ કરી. મિયાણો ક્યાંઈક છોકરાને હેબતાવી ન બેસે. બૂઢો કાંઈ કમ નથી! મેં પણ કાંઈ ઓછાં નંગ એકઠાં કર્યાં છે! ચોરી-ડાકાયટીમાં ભાગ લીધેલ ભારાડીઓનો હું આશરો બન્યો છું. પણ હું હુંકાર શેનો કરું છું? આશરો તો સહુને આ ધરતીનો છે. એક દિવસ ધરતીનો ખોળો મૂકીને ભાગી નીકળેલા આ બધા થાકીને એ ખોળે પાછા વળ્યા છે. ઠરીને ઠામ થઈ ગયા બચાડા. શા માટે ન થાય? આંહીં એની તમામ ઉમેદો સંતોષાય છે. તમાચીનો જીવ શિકારનો ભૂખ્યો હતો. એના ગામની સીમમાં એણે કાળિયાર માર્યો, એટલે જીવદયાળુ મા’જનનો એ પોતે જ શિકાર થઈ પડ્યો. મારપીટ કરીને કેદમાં ગયો. આંહીં તો એને કોણ ના પાડે છે! માર ને, બચ્ચા, ખેડુનાં ખેતરો સચવાય છે! ‘એક-એક બંદૂક!’ રાતનો સીમ-રક્ષક પોતાની બંદૂકને હાથમાં લઈને બોલ્યો: ‘હરએક ખેડૂતના પંજામાં આવી બે-જોટાળી એકેક બંદૂક હું જે દી ઝલાવી શકીશ તે દી હું ધરાઈને ધાન ખાઈશ. આજ તો હું એકલો મરદ બનીને આ માયકાંગલાઓની વચ્ચે જીવતો સળગી મરું છું.’