સોરઠ, તારાં વહેતાં પાણી/૫૫. ધરતીને ખોળે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૫૫. ધરતીને ખોળે

“હું ઊંઘતો’તો ત્યારે આ મોટરો નીકળી હતી?” ગાડામાં જાગીને પિનાકીએ પુષ્પાને પૂછ્યું. અબોલ પુષ્પાએ માથું હલાવ્યું. પિનાકી આખી વાતનો ભેદ પામી ગયો. થોડી વાર એ મૂંગો રહ્યો. પછી એણે પુષ્પાને પૂછ્યું: “કદાચ આંહીંથી જાકારો મળશે તો?” પુષ્પા મૂંગીમૂંગી હસી. “તો ક્યાં જશું?” પિનાકીએ પૂછ્યું. પુષ્પાએ ફરી વાર મોં મલકાવ્યું. “કેમ હસે છે? જવાબ કેમ નથી આપતી?” “મને કેમ પૂછો છો? મારે ક્યાં ક્યાંય જવાની ચિંતા છે?” “એટલે?” “એટલે કે હું તો તમારી પાસે ગયેલી જ છું. હવે મારે બીજે ક્યાં જવાનું છે? તમે પણ શા સારુ ચિંતા કરો છો અત્યારથી?” “અત્યારથી! આ સામે ગામ છે. પેલા લોકો પાકું કરીને જ પાછા વળ્યા લાગે છે.” “તમને મેં ફસામણમાં નાખ્યા ત્યારે તો.” પુષ્પા થંભીને ચારે દિશે જોવા લાગી. “હું આંહીં ઊભી રહું? તમે જઈને પૂછી જુઓ. એ હા પાડે તો જ હું આવીશ.” “નહિતર?” એ પ્રશ્નનો જવાબ પુષ્પા દસેય દિશાઓના સૂનકારમાંથી શોધતી હતી. પિનાકીને ભોંઠામણ આવ્યું: આ છોકરીને હું અટવાવું છું શા માટે? એ મારે શરણે આવી છે એટલા માટે? એને શું કોઈ મુસલમાન નહિ મળી રહે? હું એક જ શું એનો તારણહાર છું? અમને શેઠ નહિ સંઘરે તો પણ મારું ને પુષ્પાનું અંજળ હવે ન છૂટી શકે. “પુષ્પા, આ ખેડુ-સંસાર તારાથી સહેવાશે?” એણે બીજો સવાલ કર્યો. “અત્યારે સહેવું પડ્યું છે તે કરતાં તો ખેડુ-સંસાર વસમો નથી ને?” “વખત જતાં કંટાળી તો?” “તે બધી વાતોની જંજાળ અત્યારથી કાં કરો? તમે આવડી બધી આફતને ઉપાડી લીધા પછી ‘શું થશે શું થશે?’ કરી કેમ ડરો છો?” “પુષ્પા, તું તો કઠણ બની ગઈ! મનેય ખૂબ હિંમત આપે છે તું તો.” “તો બસ.” બેઉ જણાં આવળની લંબાયેલી ડાળીઓને હીંચોળતાં ચાલતાં હતાં. ઓચિંતી બાવળની નમેલી ડાળીઓ બેઉના ગાલને ઉઝરડા કરતી જતી હતી. હાલારી નદીનું વહેણ જરીક દૂર સંતાઈ પાછું તેમની જોડાજોડ થઈને ચાલ્યું આવતું હતું. ને થોડે છેટે સામા બંદૂકધારી શેઠ ચાલ્યા આવતા હતા. પિનાકીના કાળજામાં કબૂતરો ફફડવા લાગ્યાં. પુષ્પા પછવાડે પછવાડે ચાલવા લાગી. પડી ગયેલું મોં લઈને પિનાકી ઊભો થઈ રહ્યો. શેઠે આવીને પહેલો સવાલ એ પૂછ્યો: “ઓલ્યા મોટરવાળાઓએ રસ્તામાં કાંઈ ઉત્પાત તો નહોતો કર્યો ને?” એટલું કહેતાં કહેતાં તેણે પિનાકીની ગરદન પરથી બાવળની એક શૂળ ચૂંટીને ફગાવી દીધી. પિનાકીએ ફક્ત ડોકું હલાવ્યું. “મને તો એટલી જ બીક હતી.” આથી વિશેષ એક બોલ પણ ઉમેર્યા વિના શેઠે કહ્યું: “ચાલો ત્યારે.” બંદૂકને ખભે ચડાવી શેઠ આગળ ચાલ્યા ત્યારે આકાશમાં ત્રીજનો ચંદ્ર લલાટની કંકુ-ટીલડી જેવો તબકી રહ્યો. હરણાંના ટોળાને લઈ એક ઉચ્ચશીંગો કાળિયાર બંકી—ટેડી મુખ-છટા કરીને ગરદન મરોડતો નદીને સામે તીરે ચાલ્યો ગયો. થાકીને લોથ થયેલ કોઈ નાસેલ કેદી જેવું અંધારું ધરતીને ખોળે ઢળતું હતું.