સોરઠ, તારાં વહેતાં પાણી/૫. લક્ષ્મણભાઈ
ગામપાદર નજીકનો રસ્તો બે ઊંચાં ખેતરોની વચ્ચે થઈને જતો હતો. ઊંટ ચાલે તો માથું જ ફક્ત દેખાય એટલી ઊંચી હાથિયા થોરની વાડ બેઉ ખેતરને ઢાંકતી હતી; એટલે રસ્તો બંદૂકની નળી જેવો સાંકડો બની ગયો હતો. હાથિયા થોરના હજારો પંજા સાંજના ઘેરાતા અંધારામાં મૂંગો કોઈ માનવ-સમુદાય ત્યાં લપાઈને બેસી ગયો હોય તેવી યાદ દેતા હતા. “હો-હો-હો,” એવા નેળની અધવચ્ચેથી હાકલા સંભળાયા. સામે કોઈક ગાડાં આવતાં હતાં. આ નેળમાં સામસામાં ગાડાંને તારવવાનું અશક્ય હતું. ગાડાં થંભાવીને એક ગાડાવાળો સામે દોડ્યો. થોડીવારે એણે પાછા આવીને કહ્યું કે “રૂનાં ધોકડાંનાં ભરતિયાંની પચીસ ગાડાંની લાંબી હેડ્ય છે. એ આખી હેડ્યને પાછી સામે છેડે કાઢવા માટે બળદો છોડી નાખવા પડે, ને ગાડાં ધકેલી લઈ જવાં જોવે.” “આપણાં ગાડાં પાછાં લઈએ તો કેમ, સા’બ?” ગાડાખેડુએ પૂછ્યું. “નહિ બને. કહી દે ધોકડાંવાળાને કે અમલદારનાં ગાડાં છે.” “અમલદારનાં ગાડાં શું ટીલાં લાવ્યાં છે!” સામી બાજુથી ગોધાના ગળા જેવું કોઈક ગળું ગાંગર્યું. “કોણ બોલે છે એ?” અમલદારે પોતાના કણબીને પૂછ્યું. “ગીરના મકરાણી છે, સા’બ. એનો માલ ઠેસણે જાય છે.” મકરાણી નામ સાંભળીને મહીપતરામ ધીમા પડ્યા. તેટલામાં પછવાડેથી કશીક ધમાચકડી સંભળાઈ, ને કોઈક મરદનો સ્વર — ઠાકરદ્વારની ઝાલર જેવો મીઠો, ગંભીર સ્વર — સંભળાયો: “નળ્યમાં ગાડાં કાં થોભાવ્યાં, ભાઈ? માતાજીયુંને રસ્તો આપો. ઘેર વાછરું રોતાં હશે.” “કોણ — લક્ષ્મણભાઈ!” ગાડાખેડુએ અવાજ પારખ્યો. “હા, કરસન, કેમ રોક્યાં છે ગાડાં?” કહેતો એક પુરુષ આગળ આવ્યો. એના માથા પર પાઘડી નહોતી; નાનું ફાળિયું લપેટેલું હતું. એના શરીરનો કમર પરનો ભાગ ખુલ્લો હતો. એની છાતી પર કાળું, પહોળું એક કૂંડાળું હતું. ગાડાની નજીક એ આવ્યો ત્યારે નાનો ભાણો નિહાળી શક્યો કે એ તો છાતીના ઘાટા વાળનો જથ્થો છે. કમર પર એણે ટૂંકી પછેડીનું ધોતિયું પહેર્યું હતું. પાતળી હાંઠીના એ દેહનો ઘાટ દેરાસરની પ્રતિમાઓના ઘાટને મળતો આવતો હતો. મોં પર થોડીથોડી દાઢી-મૂછ હતી, હાથમાં એક ફરસી હતી ને ખભે દોરડું તથા ચામડાની બોખ (ડોલ) લટકતી હતી. ગળામાં તુલસીના પારાની એક માળા ઝૂલતી હતી. ગાડાખેડુએ કહ્યું: “ભેખડગઢના અમલદારનું કુટુંબ છે, ને સામે મકરાણીનાં પચીસ ગાડાંની હેડ્ય છે.” “ત્યારે તો આપણે જ પાછાં લઈ જવાં પડશે.” “પણ ભાઈ,” અંદરથી ડોસા બોલ્યા: “આંહીં અમારી દીકરી મડું થઈને પડી છે.” ‘મડું’ શબ્દ ભાણાના કાન પર સીસાના રસ જેવો રેડાયો. “એમ છે?” લક્ષ્મણભાઈ નામે પેલો જુવાન બોલ્યો: “ખમો, હું આવું છું” કહેતો એ સામાં ગાડાં પાસે ગયો. થોડી વારે સામેથી પેલા સાંઢ જેવા કંઠમાંથી ઉદ્ગાર સંભળાયો કે “મૈયત છે? તો તો અમારી ફરજ છે. અમે ચાહે તેટલી તકલીફ વેઠીને પણ અમારાં ગાડાં તારવશું.” “ઊભા રો’,” એમ કહીને એ જુવાને પોતાના ખભા પરથી બોખ-સીંચણિયું નીચે મૂક્યાં, ને ડાબી ગમના ખેતર પર ચડી પોતાની ફરસી ઉઠાવી. ફરસીના ઘા માનવીના શ્વાસોચ્છ્વાસની માફક ઉપરાઉપરી અખંડ ધારે થોરની વાડ પર વરસવા લાગ્યા, થોડી વારે એક ગાડું પેસી શકે તેટલા અવકાશમાં કદાવર હાથિયા થોર ઢળી પડ્યા. “લ્યો, તારવો હવે,” કહીને એ જુવાને હેડ્યના પહેલા ગાડાનાં પૈડાં પાછળ પોતાના ભુજ-બળનું જોશ મૂક્યું. પચીસેય ગાડાં એક પછી એક ગયાં. ને જુવાને અવાજ કર્યો કે “સામી બાજુ ઓતરાદું છીંડું છે, હો જમાદાર!” “એ હો ભાઈ, અહેસાન!” સામે જવાબ મળ્યો. અમલદારનાં ગાડાં નેળની બહાર નીકળ્યાં ને તેની પછવાડે સાઠેક ગાયોનું ધણ દોરતો આ જુવાન નીકળ્યો. ગાયો એ જુવાનના ખભા ઉપર ગળાંબાથો લેવા માટે પરસ્પર જાણે કે સરસાઈ કરતી હતી. “તમે કોણ છો, ભાઈ?” મહીપતરામે પૂછ્યું. “ગોવાળ છું.” જુવાને ટૂંકોટચ જવાબ દઈ કહ્યું: “લ્યો રામરામ!” ને ગાયોને જમણી બાજુ દોરી. “ગોવાળ ન લાગ્યો,” મહીપતરામના ડોસાએ કહ્યું. “ગોવાળ પણ હોય.” “આ ગાડાખેડુને ખબર હશે.” “એલા પલીત, કેમ બોલતો નથી?” જમાદારે ગાડાખેડુને તડકાવ્યો. “પૂછ્યા વગર મોટા માણસની વાતુંમાં શીદ પડીએ, સા’બ?” “જાણી તારી વિવેક-શક્તિ. કહે તો ખરો, કોણ છે એ?” “અમરા પટગરના દીકરા લખમણભાઈ છે. અડવાણે પગે ગાયો ચારવાના નીમધારી છે. સાઠેય ગાયોને પોતાને હાથે જ કૂવા સીંચીને પાણી પાય છે. શિવના ઉપાસક છે. બાપુ હારે બનતું નથી. ક્યાંથી બને? એકને મલક બધાનો ચોરાઉ માલ સંતાડવો, માળવા લગી પારકાં ઢોર તગડવાં, ખૂનો... દબવવાં, ને...” ગાડાવાળાને ઓચિંતું જાણે ભાન આવી ગયું કે પોતે વધુ પડતું બકી ગયો છે. એટલે પછી નવાં વાક્યોને, સાપ ઉંદરડાં ગળે તેવી રીતે ગળી જઈ, એણે બળદો ડચકાર્યા. ગામની ભાગોળ આવી. ચોખંડા કાચે જડ્યા એક કાળા ફાનસની અંદર ધુમાડાની રેખાઓ આંકતો એક દીવો પાદરમાં દેખાયો. એ ફાનસની પાસે એક નાનું ટોળું ઊભું હતું. મુખ્ય માણસના હાથમાં બળતો હોકો હતો. હોકાની નાળીનો રૂપે મઢ્યો છેડો એ પુરુષના બે હોઠમાં તીરછું પોલાણ પાડતો હતો. એના માથા પર ચોય ફરતી આંટીઓ પાડીને બાંધેલું માથાથી પાંચગણું મોટું પાઘડું હતું. એની મૂછો પરથી કાળો જાંબુડિયો કલપ થોડોથોડો ઊખડી જઈને ધોળા વાળને વધુ ખરાબ રીતે ખુલ્લા પાડતો હતો. એની આંખો આગગાડીના એન્જિનમાં અંધારે દેખાતા ભડકા જેવી સળગતી હતી. “એ પધારો!” કહીને એણે અમલદારને પહેલા જ બોલ વડે પરિચિત બનાવી લીધા. મહીપતરામ નીચે ઊતર્યા. હોકાવાળાએ સામે ધસી જઈને જમણો ખાલી હાથ જમાદારના ખભા પર મૂક્યો, ને જાણે કોઈ વહાલા વાલેશરીને ઘણે દહાડે દીઠા હોય તેવી લાડભરી બોલી કરીને કહ્યું: “પધારો, પધારો મારા બાપ! બાપ! ખુશી મજામાં? માર્ગે કાંઈ વસમાણ તો નથી પડી ને? એલા, જાવ દોડો, મકન ગામોટને કહીએ કે ઉતારે પાણીબાણી ભરી સીધુંસામાન લઈ આવી હવે ઝટ રસોઈનો આદર કરે, ને લાડવા કરી નાખે, હો કે!” મહીપતરામ જમાદારે જાણી લીધું કે હજુ ઉતારે પાણીપાગરણ પણ પહોંચ્યાં નથી. “ના, દરબાર, એ બધું પછી. પ્રથમ તો અમારી દીકરી અંતકાળ છે, તેની સારવાર કરી જોવી છે. રસોઈને માટે માફ રાખો.”