સૌના ગાંધી શ્રેણી - ૧ પુસ્તક - ૧૧ — ગાંધી: એક કુશળ વ્યૂહરચનાકાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘સૌના ગાંધી’ શ્રેણી

સૌના ગાંધી શ્રેણી - ૧
પુસ્તક - ૧૧



Sauna Gandhi title 11.jpg


ગાંધી: એક કુશળ વ્યૂહરચનાકાર

નારાયણ દેસાઈ


Gujarat Vidyapith (emblem).png



પ્રકાશન વિગત


ગાંધીજીએ જીવનમાં સત્તાનું સ્થાન ભોગવ્યું નહોતું. જે દેશમાં તેમણે કામ કર્યું તે અને જે પક્ષનું તેમણે નેતૃત્વ કીધું હતું તે નિ:શસ્ત્ર હતાં. અને છતાં એમના જમાનામાં જે દુનિયાનું સૌથી મોટું સામ્રાજ્ય હતું, જેને વિષે કહેવાતું કે એ સામ્રાજ્ય પરથી સૂરજ કદી આથમતો નથી, તેવા સામ્રાજ્યને ગાંધીજીએ લગભગ એકલે હાથે હચમચાવી દીધું. ગાંધીજીએ શરૂ કરેલા આંદોલનને લીધે ઇતિહાસમાં એક એવો તબક્કો આવ્યો હતો કે જેથી એક પછી એક ઘણાં સામ્રાજ્યો અસ્ત પામ્યાં. આવડી મોટી અને દુન્યવી દૃષ્ટિએ આવી અસમાન લડાઈમાં આટલી મોટી કામયાબી મેળવનાર માણસે એવી તે કઈ ને કેવી વ્યૂહરચના કરી હશે ? એને અંગે થોડો વિગતવાર વિચાર કરીએ. તે જમાનાના સૌથી ચાણાક્ષ મુત્સદ્દીઓ સાથે ગાંધીજીને પનારું પડ્યું હતું. પોતાની મુત્સદ્દીગીરીને ગાંધીજીએ એક જ શબ્દમાં સ્પષ્ટ કરી હતી. તેમણે કહ્યું હતું કે સત્ય એ જ એમની મુત્સદ્દીગીરી હતી. ત્યારના મુત્સદ્દીઓ સામેના પક્ષ વિષે સતત શંકાની નજરે જોતા. પોતાની વાટાઘાટોનો પાયો મિથ્યા, અર્ધસત્ય કે બેવડા અર્થવાળા વાક્યો પર રચતા. જ્યારે ગાંધી શરૂથી આખર સુધી સત્ય અને નકરું સત્ય જ વાપરતા. ગાંધીજીની મુત્સદ્દીગીરી જો સત્ય હતી, તો તેમની વ્યૂહરચના અહિંસા હતી. એ અહિંસાનો પાયો પ્રેમ હતો. માણસજાતની સારપ પરની શ્રદ્ધા ઉપર એ રચાયો હતો. એની પાછળ બળ હતું છેવટે આ દુનિયા મંગળમય દિશા તરફ ગતિ કરી રહી છે, તેવી આસ્થાનું અને લગભગ અર્ધી સદીના અનુભવનું. હિંસક સેનાપતિની વ્યૂહરચના અને અહિંસક સેનાપતિની વ્યૂહરચનામાં કેટલુંક સામ્ય હોય છે અને કેટલુંક વેગળાપણું. બંનેને પોતાની અને પ્રતિપક્ષીની શક્તિઓ અને કમજોરીઓનો અંદાજ હોય છે, એ એમનું સામ્ય. બંને પોતપોતાના અનુકૂળ રણમેદાનમાં વ્યૂહ ગોઠવવા માગે છે, એ એમની વચ્ચેનું બીજું સામ્ય. બંનેની લડાઈ કરવાની રીત જુદી જુદી હોય છે; બંનેની શક્તિનાં મૂળ સ્રોતો જુદાં જુદાં હોય છે; બંને યુદ્ધને અંતે જે પરિણામ લાવવા માગે છે એ પણ જુદા જુદા પ્રકારનું હોય છે, એ એમનું જુદાપણું. ગાંધીજીનો અનુભવ વિવિધ પ્રકારનો હતો. દક્ષિણ આફ્રિકામાં મૂળ ભારતના લોકો પર થતા અન્યાયને જોઈને તેમણે ત્યાંના સ્થાનિક છાપાંઓમાં વારંવાર પત્રો લખીને એ અન્યાય કયાં રહેલો છે તે સમજાવવા સારી પેઠે પ્રયત્ન કરેલો. આમ કરવાથી ત્યાંના ભારતીય મૂળના લોકોને અન્યાય ક્યાં રહેલો છે તે સમજાતું. ત્યાંના ગોરા લોકો પૈકી કેટલાક લોકો પણ ગાંધીજીના પત્રોને લીધે એ વાત સમજતા કે સત્ય તેમને ગોરી સરકાર કે માલિકો દ્વારા જે ઠસાવવામાં આવે છે, તે જ નથી. એને બીજું પણ પાસું છે. ગાંધીજીના લખાણની ભાષા એટલી વિવેકવાળી અને સામા પક્ષને બને એટલું વધારે સમજવાની કોશિશ કરનારી હતી, કે એ પક્ષના પણ ઘણા લોકો ગાંધીજીની વાતને પડકારતાં ખચકાતાં. વળી ગાંધીજીના વિધાનો પાછળ એટલી ભરપૂર માહિતી રહેતી કે તેમાં રહેલ સત્યનો પણ સામેના લોકો ઇન્કાર કરવાનું ટાળીને ગોળ ગોળ વાતો કરી કે વિષયાંતર કરીને ચૂપ રહેતા. પરંતુ એમની પાસે સત્તા હતી, સંપત્તિ હતી અને ઘણાખરા છાપાંઓ એમની માલિકીનાં હતાં. તેથી છેવટે ગાંધીજીની વાતની અવગણના કરી કે એને અંગે આંખ આડા કાન કરીને તેઓ અન્યાય ચાલુ રાખતા. માત્ર છાપાંઓને પત્ર લખવાથી કામ નથી સરતું એ જોઈ ગાંધીજીએ જાહેર નિવેદનો કરી એની નકલો લાગતા વળગતાઓને મોકલવા માંડી. એ બંને માધ્યમો ઓછાં પડે છે એ જોઈ ગાંધીજીએ પોતાનું છાપું કાઢ્યું. પોતાની વાત અને વિચાર સમજાવવા માટે આ માધ્યમ વધારે અનુકૂળ હતું. ભારતીય લોકોની માફક સરકારના લોકો પણ ‘ઇંડિયન ઓપિનિયન’ને ધ્યાનપૂર્વક વાંચતા. આ મૂળપત્ર ગાંધીજીને પોતાના વિચારો પાછળના સિદ્ધાંતો સમજાવવામાં પણ ઉપયોગી થઈ પડ્યું. પરંતુ ગાંધીજીએ એ પણ જોયું કે આવી પત્રિકાની પણ અમુક મર્યાદિત ઉપયોગિતા જ હતી. તેનો વાચક વર્ગ મર્યાદિત હતો, અને તે વાંચીને પ્રત્યક્ષ કાંઈ કરવા પ્રેરાય એવા લોકો તો ખૂબ ઓછાં હતાં. જ્યારે બધી બાજુથી રસ્તા બંધ થઈ જતા જોયા ત્યારે ગાંધીજીએ સીધાં પગલાંનો આશરો લીધો. અલબત્ત પ્રત્યક્ષ ચળવળ સાથે પણ સામાન્ય છાપાંઓને લખવાનું અને પોતાના મૂળપત્રમાં વિસ્તારથી તેમ જ વિગતવાર અને ઊંડાણથી સમજાવવાનું ચાલુ જ હતું. પણ સીધાં પગલાંથી લોકશિક્ષણ સાથે કૃતિ જોડાઈ. એનાથી તેઓ હિંદીઓને વધુ મોટી સંખ્યામાં સક્રિય કરી શક્યા અને સામેના પક્ષને પણ કાંઈક ને કાંઈક કર્યા વિના છૂટકો ન રહે એવી પરિસ્થિતિમાં એમણે મૂક્યા. સામા પક્ષને કાંઈક ને કાંઈક કરવા મજબૂર કરે, એ તો હિંસક પગલાં ભરનાર પણ ઇચ્છતા હોય છે. પણ અહિંસક પગલાં ભરનાર અહીં તેમનાથી જુદા પડતા હતા. તેઓ અન્યાયી વ્યવસ્થાનો વિરોધ કરતા હતા. પણ જે લોકો એ વ્યવસ્થામાં સંડોવાયેલા હતા તેમને પજવવા, મુશ્કેલીમાં મૂકવા, થકવવા કે ભોંય ભેગા કરવા એ અહિંસક પગલાં ભરનારની રીત હોતી નથી. ગાંધીજીની અહિંસક ચળવળની એ અવનવી રીતની અસર સામેના પક્ષ પર વરતાઈ તેથી છેવટે આફ્રિકામાં વસતા હિંદીઓ જે કાયદા ખતમ કરવા માગતા હતા તેવા બે કાયદાઓ ખતમ થયા અને છતાં બંને પક્ષો વચ્ચે કડવાશ ન પેદા થઈ. ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકાથી કાયમ માટે ભારત આવતા હતા ત્યારે તેમને વિદાય આપનારાઓમાં એક વારના એમના કટ્ટર વિરોધીઓ પણ હાજર હતા. સત્યાગ્રહના આટલા અનુભવને લઈને ગાંધીજી ભારત આવ્યા. દક્ષિણ આફ્રિકા કરતા સેંકડોગણા વિશાળ ક્ષેત્રમાં તેમને સત્યાગ્રહનો રસ્તો અજમાવી જોવાનો હતો. ભારતમાં તેમણે સૌ પ્રથમ તો પરિસ્થિતિનું આખા દેશમાં ફરીને અધ્યયન કર્યું. પછી તેમણે બને એટલા વિશાળ સમુદાયને અન્યાય બાબત સભાન કરવાના પ્રયાસો કર્યા. દેશના એક રાજનૈતિક સંગઠનનો એમને માત્ર ટેકો જ મળ્યો એટલું નહીં, આ સંગઠન (હિંદી રાષ્ટ્રીય મહાસભા, અર્થાત્ (કૉંગ્રેસ)ને તેમણે પોતાના ધ્યેય સુધી પહોંચવા સારુ એક નક્કર કાર્યક્રમ આપ્યો અને એ કાર્યક્રમ પાર પાડવા તેમણે પોતાની પણ બધી શક્તિ લગાડી દીધી. ભારતમાં આવ્યા ત્યારે ગાંધીજી પાસે અહિંસક કાર્યપદ્ધતિનો વર્ષોનો અનુભવ હતો. અહિંસા અંગે એમનું ચિંતન પણ ત્યાં સુધીમાં ઘણું આગળ વધી ચૂક્યું હતું. અહીં પડકાર દક્ષિણ આફ્રિકા કરતાં ઘણો મોટો હતો, પણ અહીં અનુભવ, ચિંતન અને સંગઠન બાબતમાં તેઓ વધારે મજબૂત હતા, પણ અહિંસા કે સત્યાગ્રહ એ માત્ર શાસ્ત્ર નહોતાં. સત્યાગ્રહ એક ગતિશીલ વિચાર હતો, જેને વાપરવામાં વિશેષ કળા પણ વાપરવાની હતી. અહિંસક યુદ્ધમાં આ કળા જ વ્યૂહરચનામાં કામ લાગે છે. ભારત આવતાંની સાથે ગાંધીજીએ અહિંસાની વ્યૂહરચનાની દૃષ્ટિએ નીચેની તૈયારીઓ કરી. તેમણે પ્રથમ પરિસ્થિતિનું અધ્યયન અને લોકશિક્ષણ કર્યું. તથા એક મોટા સંગઠનનું નેતૃત્વ સંભાળી લીધું એ આપણે આગળ જોઈ ગયા. તેમણે પોતાના કામમાં મદદ કરી શકે એવા સમર્થ સાથીઓ પણ મેળવી લીધા. નવા સત્યાગ્રહીઓને અહિંસાનું તત્ત્વજ્ઞાન અને એની કાર્યપદ્ધતિનું પ્રશિક્ષણ આપવાનું કામ ગાંધીજીના કોચરબ અને સાબરમતી આશ્રમોએ કર્યું. પોતાનાં મુખપત્રો તરીકે તેમણે ‘નવજીવન’ અને ‘યંગ ઇંડિયા’ને વિકસાવ્યાં. ખિલાફત અને અસહકાર આંદોલનોએ અહિંસક આંદોલનને જબરજસ્ત જુવાળ આપ્યો. આ આંદોલનો ૧૯૧૯થી ૧૯૨૨ સુધી પૂર બહારમાં હતાં. પણ તે પહેલાં ગાંધીજીની વ્યૂહરચનાએ આ મોટાં આંદોલનો સારુ ભૂમિકા બનાવી દીધી હતી. ભારત આવ્યા પછી થોડા કાળમાં જ ચંપારણ, અમદાવાદના મજૂર-માલિક વિવાદ અને ખેડા સત્યાગ્રહમાં ભારે સફળતા મેળવીને ગાંધીજીએ પોતાની વ્યૂહરચનાનું પહેલું પગલું યશસ્વી બનાવ્યું હતું. મોટાં આંદોલનો જનતાના વ્યાપક સમર્થન વિના થતાં નથી. મોટાં આંદોલનોને સફળ બનાવવામાં જનતાનો આત્મવિશ્વાસ એ ખૂબ જરૂરી તત્ત્વ હોય છે. ૧૯૧૭-૧૮માં ગાંધીજીએ ત્રણ પ્રમાણમાં નાનાં, આંદોલનોમાં સફળતા મેળવી હતી. કાર્યક્રમો નાના, પણ સિદ્ધ થઈ શકે એવા હતા. લોકો સામે ઉદ્દેશો હોય તો તેનાથી તેમનામાં આત્મવિશ્વાસ પેદા થાય છે. આ ઉદ્દેશો જો પાર પડે તો એ આત્મવિશ્વાસ દૃઢ બને છે. અને દૃઢ બનેલો આત્મવિશ્વાસ લોકોને આંદોલનમાં ઝંપલાવવાની હિંમત આપે છે. ગાંધીજીએ ભારત આવ્યા પછી તરત મેળવેલી આ જીતોથી લોકોને એ ભરોસો બેઠો હતો કે આ નેતા એવો છે, કે જે કહે છે તે કરે છે અને જેમાં હાથ નાખે છે તેને પાર પાડે છે. ભારતના તે વખતના રાજકારણમાં આ નવાઈની વાત હતી. નાનાં આંદોલનોની સફળતાએ ઘણા લોકોને મોટા આંદોલનમાં ઝંપલાવવાનું મનોબળ પૂરું પાડ્યું. આગળ ઉપર ૧૯૩૦-૩૨ના સવિનયભંગ આંદોલન પહેલાં પણ દેશે અનેક નાના નાના સત્યાગ્રહોમાં જીત મેળવી હતી. ઝંડા સત્યાગ્રહ, બોરસદ સત્યાગ્રહ, વાયકોમ સત્યાગ્રહ અને છેવટે એ બધામાં શિરમોર એવો બારડોલી સત્યાગ્રહ. ગુજરાતમાં જેમણે ’૩૦-૩૨’ના અને બારડોલીના એમ બંને સત્યાગ્રહો જોયા હશે એ આ વાતને સહેલાઈથી સમજી શકશે કે ’૩૦-૩૨’ના વિશાળ સવિનયભંગ આંદોલનમાં જનતા જે અપૂર્વ ઉત્સાહ સાથે ભળી એનું એક મહત્ત્વપૂર્ણ કારણ બારડોલી સત્યાગ્રહની જીત હતું. નાનામોટા લગભગ દરેક સત્યાગ્રહ જોડે ગાંધીજી રચનાત્મક પ્રવૃત્તિને જોડી દેતા. એમની કુશળ વ્યૂહરચનાનું આ પણ એક એવું પાસું હતું કે જેની નોંધ જેટલી લેવાવી જોઈએ એટલી લેવાઈ નથી. ચંપારણયના કિસાનોની ફરિયાદની નોંધણી પછી તરત ગાંધીજીએ એમના કેટલાક ચુનંદા સાથીઓને ત્યાંના ગામડાંઓમાં રચનાત્મક કામ સારુ બેસાડી દીધા હતા. ગ્રામસફાઈ, આરોગ્ય પ્રવૃત્તિઓ અને બાળશિક્ષણ દ્વારા ગાંધીજીના આ સાથીઓએ ચંપારણના કિસાનોનાં દિલ જીતી લીધાં હતાં, અને તેમને રાષ્ટ્રીય પરિસ્થિતિ વિશે સચેત પણ કર્યા હતા. અમદાવાદના આંદોલનમાં મજૂર મહાજન સંઘ સ્થપાયો હતો, જે આજ સુધી અમદાવાદના કામદારોમાં અનેક પ્રકારનાં રચનાત્મક કામો કરે છે. વાયકોમ સત્યાગ્રહ વખતે ટુકડી જ્યારે મંદિરના માર્ગ પર ઊભા કરેલા અવરોધોની સામે ભજનો ગાતાં સત્યાગ્રહ કરવા જતી, ત્યારે બીજી ટુકડી છાવણીમાં બેસીને કાંતણ, પિંજણ અને છાવણીની વ્યવસ્થા સંભાળવાનું કામ કરતી હતી. બારડોલીમાં પહેલી વારના સવિનયભંગના કાર્યક્રમની પૂરી તૈયારી થઈ રહી છે કે નહીં એની કસોટી તરીકે જ ગામેગામ ખાદી પ્રવૃત્તિ, અસ્પૃશ્યતા નિવારણના પહેલા પગલા તરીકે ગામના કૂવાઓ અસ્પૃશ્યો માટે ખુલ્લા મૂકવા અને સરકારી શાળાઓનો બહિષ્કાર કરી રાષ્ટ્રીય શાળાઓ ચાલુ કરવાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. ૧૯૨૧-૨૨થી શરૂ થયેલા બારડોલીનાં રચનાત્મક કેન્દ્રોએ ૧૯૨૮ના બારડોલી સત્યાગ્રહને સફળ કરવામાં ઘણો મોટો ફાળો આપ્યો હતો. આખા અહિંસક આંદોલનના ત્રણ દાયકાના વચલા ગાળાઓમાં રચનાત્મક પ્રવૃત્તિને ચલાવવા સારુ અનેક રાષ્ટ્રવ્યાપી સંસ્થાઓ સ્થાપવામાં આવી હતી. અને દેશભરમાં વેરાયેલા આશ્રમો, ખાદી ઉત્પત્તિ કેન્દ્રો વગેરેએ નવા નવા આંદોલનમાં નવું નવું જોમ પૂરવામાં સારો એવો ફાળો આપ્યો હતો. સીધાં પગલાં સાથે તે પહેલાં, તે દરમિયાન કે તે પછી રચનાત્મક પ્રવૃત્તિઓને જોડી દેવી એ ગાંધીજીની કુશળ વ્યૂહરચનાનું એક અનોખી સૂઝવાળું અંગ ગણાશે. દુનિયાના બહુ ઓછા નેતાઓએ આંદોલનને આટઆટલાં વર્ષો સુધી જીવતું રાખ્યું છે. આંદોલનને જીવતું રાખવામાં રચનાત્મક પ્રવૃત્તિઓનો આગવો ફાળો હતો. જો અહિંસક રાષ્ટ્રીય આંદોલન દરમિયાન દેશના વિવિધ ભાગોમાં એને મળેલ જનતાના સાથ સહકાર અને આંદોલનમાં જેલમાં ગયેલા લોકોની સંખ્યા બતાવવા નકશાઓ દોરવામાં આવે તો તરત દેખાઈ આવશે કે જે કોઈ સ્થળે રચનાત્મક કેન્દ્રો વિશેષ પ્રમાણમાં હતાં ત્યાં ત્યાં જ સત્યાગ્રહનું આંદોલન વધુ ઉમંગભેર ચાલ્યું છે. જેમ રચનાત્મક કામોનાં કેન્દ્રોથી સત્યાગ્રહને ચાલના મળી હતી, તેમ સત્યાગ્રહ જ્યારે થોડો મંદ પડી જાય ત્યારે એમાં પ્રાણ પૂરવાનું કામ પણ કેટલીક વાર આ રચનાત્મક કાર્યનાં કેન્દ્રોએ કર્યું હતું. આમ ગાંધીજીની વ્યૂહરચનામાં રચનાકાર્યો એક રીતે જોતાં અનિવાર્ય બની રહ્યાં. આંદોલનની ભેગાભેગું નિર્માણ કાર્ય એ ગાંધીજીની ઘણી મૌલિક સૂઝમાંનું એક ઠર્યું. અત્યાર સુધી આપણે ગાંધીજીની વ્યૂહરચનાનો વિચાર ઇતિહાસના ફલક પર કર્યો. હવે થોડો વિચાર એક અહિંસક આંદોલનના હાર્દને સમજવા સારુ કરીએ. સાચું પૂછો તો ગાંધીજી જે રીતે અહિંસક લડતનું સંચાલન કરતા હતા તેમાં એમને કદાચ આ ‘વ્યૂહરચના’ શબ્દ જ ખાસ પસંદ ન આવત! તેઓ પોતે એ વાત સ્વીકારતા જ નહીં કે સ્વરાજ આંદોલનનો વ્યૂહ આમ યોજનાપૂર્વક ગોઠવાયો હતો. તેઓ તો કદાચ એમ જ કહેત કે ‘એનો વ્યૂહ ગોઠવનાર હું વળી કોણ ? આપણે તો ભગવાનના દોર્યા દોરાયા છીએ.’ પરંતુ ભારતના અહિંસક આંદોલનમાં તો કેટલાક એવા લોકો પણ પૂરી લગનથી પડ્યા હતા કે જેઓ ભગવાનને માનતા જ નહોતા. આવા આંદોલનમાં પડનાર માટે પહેલી શરત કદાચ ઇશ્વરમાં શ્રદ્ધા હોવી એમ ગાંધીજી કહેતા અને છતાં ઈશ્વરના નામથી પણ છેટે રહેનારાઓનેય તેઓ પોતાની સાથે રાખી શકતા હતા અને તેવાઓની વફાદારી પણ મેળવી શકતા હતા. આવા આસ્તિક-નાસ્તિકનો કોઈ એક ઠેકાણે મેળ ખાય એવું કોઈ બિંદુ હશે ને ? ઉપર ઉપરથી જોતાં તો આ બિંદુ એ હતું કે સૌને દેશ આઝાદ થાય તેમાં રસ હતો. અને ગાંધીજી દેશને આઝાદ કરવાનો કોઈ એવો રસ્તો દેખાડતા હતા કે જે પહેલા બીજા કોઈએ દેખાડ્યો નહોતો અને જે સફળ થતો હોય એમ પણ લાગતું હતું. જેમણે ગાંધીજીની લડત લડવાની એક ટેક્નિક-એક તંત્ર-જ માની હતી તેમને સારુ ઉપરનો જવાબ પૂરતો હતો. પણ ગાંધીજી તો સત્યાગ્રહની પાછળ જીવન દર્શન છે અને તેથી સત્યાગ્રહ એ જીવન જીવવાની રીત છે એમ માનતા હતા. ઈશ્વરમાં ભલે ન માનતા હોય, પણ ગાંધીજીના જીવન દર્શનને જે સ્વીકારતા હોય તેમને સારુ ગાંધીજીની લડાઈ કરવાની અનોખી રીતને વધુ ઊંડા ઊતરીને સમજવાની જરૂર છે. અહિંસા દ્વારા અન્યાયનો પ્રતિકાર કરવાની રીત પાછળ એક એવી શ્રદ્ધા છે કે જે કદાચ પોતાની જાતને નાસ્તિક કહેવડાવનાર માણસ પણ માને. માણસ માત્રમાં કાંઈક ને કાંઈક સારપ હોય છે એટલી વાત તો અહિંસામાં માનવાનો દાવો કરનાર નાસ્તિકને પણ સ્વીકાર્યે જ છૂટકો. દુષ્ટતાને ખતમ કરવી છે, પણ દુષ્ટોને દુષ્ટકર્મમાંથી બચાવવા છે, એ સત્યાગ્રહનો મૂળ સંકલ્પ છે. અહિંસાને જેણે સ્વીકારી તેણે આટલો સિદ્ધાંત સ્વીકાર્યો અને જેણે એ સિદ્ધાંત સ્વીકાર્યો તે ગાંધીજી સાથે એક ભૂમિ પર પગ મૂકી શકે છે. પછી એમને સત્યાગ્રહી તરીકે સ્વીકારવામાં ગાંધીજીને કાંઈ વાંધો ન આવે અને ગાંધીજીના ઇશ્વરને કિનારે રાખીને પણ આ બહેન કે ભાઈને ગાંધીના સત્યાગ્રહના માર્ગે જવામાં વાંધો ન આવે. સત્યાગ્રહી મનુષ્ય માત્રમાં કાંઈક ને કાંઈક સારપ હોય છે, એવી શ્રદ્ધા ધરાવે છે અને તે પોતાને દુશ્મન માનનાર માણસમાં પણ કાંઈક સદ્ અંશ છે, એમ માનીને એની સાથે વર્તે છે. પ્રતિપક્ષમાં પણ સારપ શોધવા પ્રયાસ કરવો એ ગાંધીજીની આંતરિક વ્યૂહરચનાનું પહેલું પગથિયું છે. જો તે એના હૃદયમાં રહેલા સદ્ અંશને જગાડી શકશે તો સત્યાગ્રહીને પક્ષે રહેલો ન્યાય એ જરૂર સમજશે અને તે પોતે જે વ્યવસ્થાને ટેકો આપી રહ્યો છે, તેમાં ક્યાં અન્યાયનો અંશ રહેલો છે, એ તે જોઈ શકશે. ગાંધીજીની વ્યૂહરચનાનું બીજું પગલું એ હતું કે જ્યાં સુધી એ સાવ ખોટું પુરવાર ન થાય ત્યાં સુધી એ સામાની વાત વિશે શંકા નહોતા કરતા. બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજી જ્યારે ઈંગ્લેન્ડ ગયા, ત્યારે પોતાના અંતરંગ સાથીઓને તેઓ એ વાત વારંવાર સમજાવવા માગતા હતા કે અંગ્રેજ મુત્સદ્દીઓ આપણને ભલે છેતરતા હોય એમ લાગે, પણ તેઓ ખરેખર એમ માને છે, તેથી જ આપણી જોડે આમ વર્તે છે. દાખલા તરીકે “તે લોકો એમ કહે છે કે ‘તમે સ્વરાજ ભોગવવાને લાયક નથી. તમે આપસમાં લડો છો. તમારામાં એકતા નથી તો તમે સ્વરાજને લાયક શી રીતે કહેવાઓ? પહેલાં એક થાઓ, પછી સ્વતંત્રતા માગજો.’ કોઈ પણ ભારતીય આ સાંભળી એમ જ કહેવાનો કે અંગ્રેજોેને સ્વરાજ નથી આપવું માટે આવાં બહાનાં કાઢે છે. પણ હું તમને એ કહેવા માંગું છું કે અંગ્રેજો ખરેખર એમ માને છે, માટે જ આમ કહે છે. એમની હિન્દુસ્તાન વિષે આ માન્યતા અંગ્રેજ સરકારના જે પ્રતિનિધિઓ અને નોકરો ભારતમાં બેઠા છે, તેમણે અંગ્રેજોના મનમાં ઠસાવી છે. એટલે ખરું મોટું કામ તો ભારતમાં બેઠેલા અંગ્રેજ સરકારના પ્રતિનિધિઓ અને નોકરો આપણે વિષે આવી ધારણા પેદા ન કરી શકે એવું વાતાવરણ પેદા કરવાનું છે.” પરંતુ પ્રતિપક્ષીના આશય વિશે શંકા ન લાવવી એમ કહેનાર ગાંધીજી એમ કહેવા નહોતા માંગતા કે પ્રતિપક્ષીની વાતમાં જે અસત્ય હોય તેને સ્વીકારી લેવું કે એને અંગે ચૂપ રહેવું. સત્ય તો તેઓ પ્રગટ કરી જ દેતા. પણ તેમ કરતાં પ્રતિપક્ષી વિષે કડવાશ કે ક્રોધની લાગણી રાખતા નહીં. તેથી વિરોધીઓને પણ ગાંધીજીની વાત વિચારવા જેવી લાગતી હતી. કટુ સત્ય તેઓ પ્રતિપક્ષીને પણ એટલા માટે સ્પષ્ટપણે કહી શકતા હતા કે તેમના સત્યમાં કડવાશનો છાંટોયે ભળતો નહોતો. ગાંધીજીના વિરોધમાં પણ એમનું પ્રેમતત્ત્વ ભળતું. સામેનો પક્ષ સત્યને સમજશે, તેને સ્વીકારશે અને તેથી પોતાના વ્યવહારમાં સુધારો કરશે એવી આશા તેઓ પ્રત્યક્ષ સંઘર્ષ થયા પછી પણ ઘણા વખત સુધી રાખતા. એટલે ચંપારણમાં તેઓ કિસાનોની પરિસ્થિતિથી વાકેફ થવા ગયા, ત્યારે પણ પહેલા ગળીના કારખાનાંઓના ગોરા માલિકોના સંઘના મંત્રી પાસે જઈને, એમની વાત સમજવા તેમણે પ્રયત્ન કર્યો હતો. અને જ્યારે ખેડૂતોની ફરિયાદોના હજારો દાખલા તેમની પાસે ભેગા થયા હતા ત્યારે પણ તે નીવલરો સાથે તપાસ પંચમાં બેસવા રાજી થઈ ગયા હતા. એ પંચ સરકારનું નીમેલું હતું. એના પ્રમુખ ગોરા હતા. તેમાં કિસાનોના પ્રતિનિધિ તરીકે તો ગાંધીજી એકલા જ હતા. પણ છેવટે સમિતિની બહુમતી આગળ પુરવાર કરી શક્યા હતા કે ન્યાય કિસાનોને પક્ષે જ છે. એ તપાસ પંચનો સર્વસમ્મત નિર્ણય અન્યાયી ‘તીનકઠિયા’ વ્યવસ્થા નાબૂદ કરવાના પક્ષમાં આવ્યો હતો. પ્રતિપક્ષને સંઘર્ષ ચાલુ હોય તે દરમિયાન પણ એ મૂંઝવણમાં મુકાઈ જાય એવું કશું ન કરવું એ ગાંધીજીનો ‘નૉન એમ્બેરેસમેન્ટ’નો સિદ્ધાંત તો ભલભલા લોકોની સમજમાં આવતો નહોતો. દુશ્મન મુશ્કેલીમાં હોય ત્યારે એની પર વાર કરવો એ હિંસક લડાઈની વ્યૂહરચનાનો સિદ્ધાંત હતો. તેમને દુશ્મન માનનાર મુશ્કેલીમાં હોય તો એની મુશ્કેલીને વધારી ન આપવી એ અહિંસક લડાઈની વ્યૂહરચનાનો સિદ્ધાંત હતો. એ વિચાર પાછળ મૂળ સિદ્ધાંત એ હતો કે તમારી લડાઈ તો અન્યાયી વ્યવસ્થા, પરંપરા કે તંત્ર સામે છે, કાંઈ વ્યક્તિ સામે નથી. સામેની વ્યક્તિ અંગે તો ગાંધીજી ભારોભાર પ્રેમથી જ વર્તતા. વિદેશી સેના જો આપણા દેશ પર આક્રમણ કરે તો દેશની પ્રજા આક્રમણ કરનાર સાથે સંપૂર્ણ બહિષ્કાર કરી શકે એમ છે કે નહીં, તેની તપાસ કરવા ગાંધીજીએ બીજા મહાયુદ્ધ વખતે જ્યારે જાપાની લશ્કરો આપણા દેશની સીમા સુધી આવી પહોંચ્યાં ત્યારે મીરાબહેનને દેશના પૂર્વ કાંઠા પર મોકલ્યાં હતાં. મીરાબહેને એ ક્ષેત્રમાં પહોંચ્યા પછી પણ પત્ર દ્વારા અહિંસક પ્રતિકાર પદ્ધતિને સમજવાનો પોતાનો પ્રયત્ન ચાલુ રાખેલો. તેમને ગાંધીજીએ સલાહ આપેલી કે દુશ્મન જોડે બધી બાબતોનો બહિષ્કાર થતો હોય ત્યારે પણ દુશ્મનનો કોઈ સૈનિક ઘાયલ કે ભૂખ્યો તરસ્યો જોવામાં આવે તો એની શુશ્રૂષા કરવી. વળી અહિંસક વ્યૂહરચનાકાર હંમેશા પોતાનું મન ખુલ્લું રાખે છે. સત્યનો એક અંશ પણ એને સામે પક્ષે દેખાય તો તેટલું સત્ય સ્વીકારવામાં એ નાનમ નહીં અનુભવે. પોતાના અભિમાનને એ એની સત્યની નિરંતર શોધની આડે નહીં આવવા દે. જે સેનાપતિ પોતાની નબળાઈને લીધે નહીં, પણ પોતાના ખુલ્લા મનને લીધે સામાની દલીલમાંથી સત્યાંશને સ્વીકારવા તૈયાર થાય છે, તે પોતાના પક્ષને એટલે અંશે વધુ મજબૂત કરે છે. અમદાવાદના મિલમાલિકો-મજૂરોના વિવાદ વખતે ગાંધીજી રોજેરોજ માલિકોના પ્રતિનિધિ જોડે વાટાઘાટો કરતા અને તેમની દલીલમાંથી જે કંઈ સત્યાંશ લાગે તેટલી તેઓ સ્વીકારી લેતા. એને પરિણામે આખી લડાઈનું પરિણામ બંને પક્ષે મધુર આવ્યું હતું. સામેના પક્ષના સત્યાંશને સ્વીકારવામાંથી જ છેવટની વાતચીત વખતે બાંધછોડ કરવાની વાત આવતી. આ બાંધછોડ બાબત ગાંધીજીનો સિદ્ધાંત એ હતો કે જે મુદ્દાને તેઓ પોતાને પક્ષે મૂળ તત્ત્વ માનતા એને વળગી રહેતા, પણ વિગતો બાબતમાં ઘણી બાંધછોડ કરવા તૈયાર થતા. આવો વિવેક ગાંધીજી નૈતિક મૂલ્યોને આધારે કરતા, રાજકારણને આધારે નહીં, તેને લીધે કોઈ કોઈ વાર એમના સાથીઓ અકળાઈ પણ ઊઠતા. ગાંધી અરવિન વાટાઘાટો વખતે આમ એકથી વધારે વાર થયેલું. મીઠાનો કાયદો તોડીને સત્યાગ્રહ ચાલતો હતો. એ બાબત સમાધાન થઈ જાય તો કાયદાભંગનો એ કાર્યક્રમ પડતો મૂકવા તેઓ તૈયાર થઈ જાય, પણ દારૂના પીઠાની સામે ચોકી કરવી એ તો સંઘર્ષ ન ચાલતો હોય ત્યારે પણ કરવા જેવું નૈતિક કામ હતું, તેથી સત્યાગ્રહના કાર્યક્રમના એ કામને છોડવા તેઓ તૈયાર નહોતા. કૉંગ્રેસ કારોબારીના કેટલાક સાથીઓને આ ગાંધીજીની ઘેલછા લાગતી. તેથી ગાંધીજીને કેટલીક વાર વાઈસરૉય સાથે દલીલ કરવામાં જેટલી શક્તિ વાપરવી પડતી હતી એટલી જ શક્તિ કારોબારીના સભ્યોને સમજાવવામાં વાપરવી પડતી હતી! પણ છેવટે કારોબારી સાથેની અર્ધી રાતની એ બેઠકોને પણ ગાંધીજી અહિંસાની તાલીમનો એક મોકો સમજતા, તેથી તે કામ તેઓ ખૂબ ખંતથી કરતા! અહિંસક લડત આખરે તો શત્રુને હરાવવા માટે કે કચડી નાખવા માટે નહીં, પણ એને મિત્ર બનાવવા સારુ થતી. ઘણા સંઘર્ષમાં વ્યક્તિકગત રીતે ગાંધીજીએ પોતાને કટ્ટર ગણતા દુશ્મનોને મિત્ર બનાવેલા. દરેક પ્રસંગે તેઓ એમ કરવામાં સફળ જ થતા, એવો દાવો અલબત્ત ન કરી શકાય, પણ અહિંસક વ્યૂરચનામાં ઝોક કઈ તરફનો હોય તે સમજવા આ જાણવું જરૂરી છે. પોતાની લડાઈ સારુ ગાંધીજીએ જે સાધનો વાપર્યાં તે પણ વ્યૂહરચનાની દૃષ્ટિએ અગત્યની બાબત હતી. સાધનની અસર સિદ્ધિ ઉપર થતી જ હોય છે. ગાંધીજીનું એક સાધન હતું માતૃભાષા. ગાંધીજી એ બાબત બરાબર જાણતા હતા કે એમની સેનાની છેવટની તાકાત લોકશક્તિ છે. લોકોના વ્યાપક સમર્થન વિના હિંસક લડાઈઓ પણ ન ટકી શકે, તો અહિંસક લડાઈઓમાં એના વિના કેમ ચાલે? લોકો પાસે પહોંચવાનો રાજમાર્ગ લોકોની માતૃભાષામાં વહેવાર કરવો એ છે. ગાંધીજી પહેલાના નેતાઓ અંગ્રેજીમાં બોલતા કે લખતા હતા. સામેના પક્ષ સુધી પોતાની વાત પહોંચાડવાને માટે એ ઉપયોગી સાધન હતું. પણ પોતાના પક્ષને મજબૂત કરવો હોય તો વિશાળ સમુદાય સુધી પહોંચવું અત્યંત જરૂરી હતું. ૧૯૧૭માં ગાંધીજી જ્યારે ગોધરામાં પહેલી રાજકીય પરિષદના અધ્યક્ષ હતા ત્યારે તેમણે મહમદઅલી ઝીણા પાસે ગુજરાતીમાં ભાષણ કરાવેલું. માતૃભાષાના જ આગ્રહને લીધે એ સભામાં તેમણે લોકમાન્ય તિલકને અંગ્રેજીમાં બોલવાને બદલે મરાઠીમાં બોલવા મનાવેલા અને એ ભાષણનું ગુજરાતીમાં ભાષાંતર થયેલું. ગાંધીજી સત્યાગ્રહ સારુ મુદ્દાઓ લોકોની માગણીને આધારે જ નક્કી કરતા. સ્થાનિક બધા સત્યાગ્રહો આમ લોકોની માગણીમાંથી જ ઊભા થયેલા. એથી સત્યાગ્રહને લોકોનો ટેકો સહજ રીતે મળી રહેતો. ગાંધીજીની ભાષા લોકોની બોલીમાંથી બનેલી હતી. વિદ્વાન લોકોને કોઈક વાર એમાં મુશ્કેલી પડતી, પણ લોકો ગાંધીજીની વાત સહેલાઈથી સમજી લેતા. દાખલા તરીકે તેઓ ‘રામરાજ્ય’ શબ્દ વાપરતા. એનો અર્થ દશરથના પુત્ર રામનું રાજ્ય નહીં, પણ ન્યાયનું, સમત્વનું સત્યનિષ્ઠ રાજ્ય થાય છે એ ગાંધીજી વિદ્વાનોને સમજાવતા. પણ ગામડાના લોકો એ સમજાવ્યા વગર પણ સમજી જતા. ગાંધીજી પ્રતીકાત્મક ચિહ્નો પસંદ કરવામાં પ્રવીણ હતા. એનો એક ઉત્તમ દાખલો મીઠું છે. આખા દેશના સવિનયકાનૂનભંગ સારુ તેમણે મીઠાના કાયદાનો ભંગ કરવાનો વિચાર કર્યો. ભણેલા ગણેલા લોકોને એથી નવાઈ લાગેલી. કેટલાકને તો આવડા મોટા રાષ્ટ્રીય આંદોલન સારુ મીઠા જેવો વિષય પસંદ કરવામાં ગાંધીજી ભૂલ કરે છે, એમ પણ લાગેલું. પણ દેશે અનુભવે જોયું કે મીઠું એ આબાલવૃદ્ધ સ્ત્રીપુરુષ દરેકને સ્પર્શ કરનાર વિષય હતો, એના કાયદાનો ભંગ આખા દેશના દરિયાકાંઠે રહેનારા લોકો સહેલાઈથી કરી શકે એમ હતા અને જે દરિયાકાંઠાથી દૂર રહેતા હતા તે પણ ઘરમાં સગડી પર મીઠાના પાણીને ઉકાળીને તેની જાણ સરકારને કરીને સવિનય કાયદાભંગ કરી શકતા હતા. ગાંધીજીનો પોશાક, એમનો રેંટિયો, એમની લાકડી ને ચંપલ પણ સાંકેતિક બની રહેતાં. ઈંગ્લેન્ડમાં તેઓ રાજા રાણીને મળવા ગયા તે પણ આપણે એમના ફોટાઓમાં જોઈએ છીએ તે જ વેશમાં. જે ગરીબ દેશનું એઓ પ્રતિનિધિત્વ કરતા હતા તેને શોભે એવો આ વેશ હતો. આ અને આવા સાંકેતિક ચિહ્નો એમના જીવનમાં અને એમની પ્રવૃત્તિઓમાં પ્રગટ થતાં તેથી તેઓ પોતાની જનતાને અનાયાસ જ મુગ્ધ કરી દેતા અને પ્રતિપક્ષીને વિસ્મયમાં મૂકી દેતા. અહિંસક વ્યૂહરચનામાં સાથીઓની ભક્તિ અને પ્રતિપક્ષીઓનો વિસ્મય એ બંને તત્ત્વો અનાયાસ જ ઉપયોગી થઈ પડતાં. જેમના હિતાર્થે કે જેમની સેવા સારુ કામ કરવાનું હોય તેમના જીવન સાથે પોતાના જીવનનો તાલ મેળવવો એ ગાંધીજીનો સ્વભાવ જ બની ગયો હતો. અહિંસક વ્યૂહરચનાનો એક અત્યંત મહત્ત્વનો ભાગ એ હતો કે એનો સેનાપતિ રણક્ષેત્ર પોતાને અનુકૂળ આવે તેવું પસંદ કરતો. પ્રતિપક્ષીના પસંદ કરેલા ક્ષેત્રમાં એને જવું નહોતું પડતું. સાબરમતીથી દાંડીની કૂચ એણે પોતાની પસંદગીથી નક્કી કરેલું યુદ્ધક્ષેત્ર હતું. સવિનય કાનૂનભંગ કરવા એ દિલ્હી કે પ્રાંતની રાજધાની મુંબઈ નહોતા ગયા. આ જ વ્યૂહરચનાનો એક બીજો અગત્યનો મુદ્દો એ હતો કે લડતની પહેલ કરવાનો, એને વધારવા કે મર્યાદિત કરવાનો, અથવા એને મુલત્વી રાખવાનો અધિકાર અહિંસક સેનાપતિના હાથમાં રહેતો. એક વાર જેલમાં ગયા પછી ગાંધીજી જરૂર એમની દૃષ્ટિએ આદર્શ કેદીની રીતે વર્તતા. પણ જ્યાં સુધી તેઓ જેલની બહાર હોય ત્યાં સુધી તેઓ યુદ્ધક્ષેત્રના કેન્દ્રમાં રહેતા. અને એક બે વાર લડાઈ મોકૂફ રાખવાનો પ્રસંગ આવ્યો ત્યારે પણ એ નિર્ણય તેમણે જાતે જ કર્યો હતો. એ નિર્ણય અંગ્રેજ સરકાર એમની પાસે કરાવી શકી નહોતી. કૉંગ્રેસના કાર્યક્રમ તરીકે જ્યારે આંદોલન ચાલતું હોય ત્યારે પણ તેઓ કૉંગ્રેસના ઠરાવ દ્વારા આંદોલન અંગે તમામ પ્રકારના નિર્ણયો કરવાનો અધિકાર પોતાના હાથમાં રાખતા. વ્યૂહરચનાની દૃષ્ટિએ અહિંસક સેનાપતિને આનાથી ખૂબ અનુકૂળતા રહેતી. અહિંસક સેનાપતિ તરીકે ગાંધીજીએ એક બીજા અર્થમાં પણ કુશળ વ્યૂહરચનાકારની આવડત સિદ્ધ કરી હતી. આઝાદીની લડાઈ તો લાંબી ચાલી હતી. તેમાં આરોહ અવરોહ આવે એ સ્વાભાવિક હતું. દેખીતી રીતે જ્યારે આંદોલન મંદ પડ્યું હોય ત્યારે તે પરિસ્થિતિમાંથી નીકળીને આખી લડતમાં નવા પ્રાણ પૂરવાનું કામ પણ ગાંધીજીએ એક કરતાં વધારે વાર કરી દેખાડ્યું હતું. કમજોર કે નબળી અવસ્થામાંથી આખી ચળવળને ફરી પાછી તાકાત અપાવવા પાછળ ગાંધીજીના પોતાના ગુણો, આખી લડતને સમજવાની એમની પૃથક્કરણકારી શક્તિ અને દૂરદર્શિતા હતા. ગાંધીજી જે આંદોલનનું નેતૃત્વ કરતા હતા તેને વિષે તેમના મનમાં એવો અહંકાર નહોતો કે આ આંદોલન પોતે જ ચલાવે છે. તેઓ દૃઢતાથી એમ માનતા કે તેઓ પોતે તો એક નિમિત્ત માત્ર છે, અને કર્તાકારવતા તો ઈશ્વર જ છે. ઈશ્વરની ઈચ્છા હશે તેથી આંદોલન નરમ પડ્યું હશે, તેની ઈચ્છા હશે ત્યારે એ બળવાન બનશે. આપણે પક્ષે જો સત્ય હશે તો સત્યની તો છેવટે જીત જ થવાની છે. ઈશ્વર વિષેની આ અખૂટ શ્રદ્ધા ગાંધીજીને ગમે તેવી કટોકટીને પ્રસંગે પણ વિચલિત કરતી નહીં. કટોકટીમાં માણસ જો મનથી નબળો પડી જાય તો એક પછી એક વધારે ને વધારે મુશ્કેલીમાં જ મુકાતો જાય છે, પણ જો તે અક્ષુબ્ધ રહે, ધીરજ ન ખૂવે તો તેને આ પરિસ્થિતિમાંથી નીકળવાનો ઉપાય પણ સૂઝી રહે છે. મતિની આ સ્થિરતાથી તેઓ આખી લડતની પરિસ્થિતિનું વિશ્લેષણ પણ સારી રીતે કરી શકતા. પોતાના પક્ષની નબળાઈ ક્યાં છે એ જોઈ શકતા. અને એને દૂર કરવાના ઉપાય પણ સુઝાડી શકતા. દક્ષિણ આફ્રિકામાં બે વાર તેમણે હિંદીઓની લડતને આમ બેઠી કરી હતી. ભારતમાં ચૌરીચૌરા કાંડ પછી અને ગાંધીજીની ગિરફતારી પછીથી અસહકાર આંદોલન મંદ પડી ગયું હતું. ૧૯૩૪માં ચાર ચાર વર્ષના આંદોલન પછી આંદોલનને થાક લાગ્યો હતો. ૧૯૪૩-૪૪માં ‘ભારત છોડો’ આંદોલન નબળું પડી ગયું હતું. આ દરેક પ્રસંગે તેમણે ઈશ્વર પર શ્રદ્ધા રાખી હતી કે એ નિશ્ચિત રીતે સત્યનો જય કરાવશે. પછી બીજું કામ એમણે આ ત્રણે પ્રસંગોએ એ કર્યું કે કાર્યકર્તાઓનું ધ્યાન રચનાત્મક કામ તરફ વાળ્યું. આ એવું કામ હતું કે જ્યારે માત્ર ખાદી ગ્રામોદ્યોગ, અસ્પૃશ્યતા નિવારણ કે દારૂબંધી જેવાં કામો ચાલતાં હોય ત્યારે સરકાર એની ઉપર સીધી તરાપ મારી શકતી નહીં, કાર્યકર્તાઓમાંથી જેમનામાં ટકી રહેવાની શક્તિ હતી તેમાંથી ઘણાખરા કોઈ ને કોઈ રચનાત્મક પ્રવૃત્તિમાં ભળી જતા, અને ઇતિહાસ ફરી પાછો સંઘર્ષનો મોકો આપે ત્યારે એમાં ઝંપલાવતા. આંદોલનના શિથિલ પડવાથી સામાન્ય રીતે જે વિફળતાનો ભાવ-‘આપણે તો ભાઈ નિષ્ફળ ગયા’ એવો ભાવ પેદા થાય છે તે ભાવે આ કાર્યકર્તાઓને હતાશ ન કરી મૂક્યા. જ્યારે જ્યારે આંદોલન શિથિલ થયેલું જણાય અને ગાંધીજીને પોતાના સંગઠનમાં મતભેદ કે મનભેદ ઊભા થતા દેખાય ત્યારે તેમણે એ મતભેદો દૂર કરવામાં પોતાની શક્તિ લગાડી દીધી હતી. કૉંગ્રેસમાં ફેરવાદીઓ અને નાફેરવાદીઓનાં જૂથ પડેલાં તેમણે જ્યારે જોયાં ત્યારે, તેમની સહાનુભૂતિ નાફેરવાદીઓ જોડે હતી તે છતાં, ફેરવાદીઓને બને એટલી વધુ છૂટ આપી આંદોલનથી છૂટા પડવા ન દીધા. ત્યાર પછી દસ-બાર વર્ષે જ્યારે તેમણે ધારાસભામાં જવું કે ન જવું એવા મતભેદો જોયા ત્યારે તેમણે ધારાસભામાં જવું જોઈએ એવા વિચારને ટેકો આપ્યો હતો. આમ કરીને બબ્બે વાર તેમણે કૉંગ્રેસમાં ઊભી તિરાડ પડતી ટાળી દીધી હતી. સેનાપતિ તરીકે એક બીજું પણ અગત્યનું કામ ગાંધીજીએ કર્યું હતું. આંદોલનને જ્યારે જ્યારે પણ ચાતરી જતું જોયું ત્યારે તેને સીધે માર્ગે ચડાવવા સારુ સ્પષ્ટ શબ્દોમાં માર્ગદર્શન આપ્યું હતું. દાખલા તરીકે ‘ભારત છોડો’ આંદોલન પછી તેમણે ભાંગફોડનો કાર્યક્રમ ‘એ આપણો કાર્યક્રમ નથી’ કહીને ભૂગર્ભમાં ગયેલા કાર્યકર્તાઓને જાહેરમાં આવીને જેલવાસ ભોગવી લેવાની સલાહ પણ આપેલી. પણ તેમણે કોઈ પણ કાર્યકર્તાને આ અમારા કાર્યકર નથી એમ કહીને નાકબૂલ નહોતા કર્યા. દેવલી જેલમાંથી જયપ્રકાશજીએ ગુપ્ત રીતે સેરવી દેવા સારુ લખેલાં કાગળિયાં જ્યારે પકડાયાં અને એમાં સ્પષ્ટપણે હિંસાનું જ સમર્થન કરવામાં આવ્યું હતું ત્યારે પણ ગાંધીજીએ જયપ્રકાશજીને ગદ્દાર નહોતા કહ્યા. બલ્કે એમણે એક જબરજસ્ત લેખમાં એમ કહ્યું હતું કે હિંસાનો માર્ગ અલબત્ત કૉંગ્રેસનો માર્ગ નથી. પણ એ શીખવનારાને હલકા દેખાડવાનો અંગ્રેજ સરકારને શો હક છે? એમના દેશમાં કોઈએ દેશની સ્વતંત્રતા સારુ આવો કોઈ કાર્યક્રમ આપ્યો હોત તો તેઓ એમને વીર તરીકે પૂજત. આ લેખથી પોતાની નીતિ સ્પષ્ટપણે અહિંસાની સાથે જ રાખી હતી, તે છતાંય દેશ ખાતર હિંસક ક્રાંતિ કરવા ઇચ્છનારા સેંકડો જુવાનિયાઓને પોતાની પાંખ તળે સાચવી લીધા હતા. વ્યૂહરચના સાથે આમ તો જેનો સીધો સંબંધ ન જણાય, પણ છતાં અહિંસક લડત પર એક મુદ્દાની એટલી ભારે અસર પડતી હતી કે તે અહિંસક વ્યૂહરચનાનો એક ભાગ જ બની જતો. તે હતો ગાંધીજીનો સાધન શુદ્ધિનો આગ્રહ. આ આગ્રહ એક તરફ સત્યાગ્રહીઓના જીવન પર પણ અસર કરતો તો બીજી તરફ આખા આંદોલનની ઢાલ પણ બની રહેતો. સાધન શુદ્ધિની એક પરખ એ હતી કે એમાં કશી વસ્તુ છુપાવવાની ન હોય. આ પારદર્શકતાની સૌથી પહેલી અસર તો એ થતી કે આંદોલન અવારનવાર શુદ્ધ થતું રહેતું. જેને કાંઈક ને કાંઈક છુપાવવું હોય તે અહિંસક આંદોલનમાં ઝાઝો વખત ટકી જ ન શકે. ઘઉંમાંથી કાંકરાની જેમ એ વીણાઈ જ જાય. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહમાં સૌથી પહેલી જેને જેલની સજા થઈ હતી તેને આમ જ થયું હતું. જેલ જનાર પ્રથમ સત્યાગ્રહી તરીકે આમ તો એને ખૂબ માનપાન મળ્યું હતું. ગાંધીજીએ એને વિષે ઈંડિયન ઓપિનિયનમાં ખાસ લખ્યું પણ હતું. જેલમાં પણ એની રહેવા ખાવાની સગવડ ઠીક સચવાઈ રહી હતી. પણ એને કેટલાક એવાં વ્યસનો હતાં કે જે એને છુપાવવા પડતાં. આને લીધે બીજી વાર એ કોર્ટમાં હાજર જ ન થયો અને પછી આસ્તે રહીને એ દેશ જ છોડી ગયો હતો. શુદ્ધ સાધન વાપરવાની એક અસર સામા પક્ષ પર પણ પડતી. એને વિષે એ પક્ષે વિશ્વાસનું વાતાવરણ બની જતું. ‘આ લોકો જૂઠું ન બોલે.’ ‘આ લોકો નાસી જવાનો પ્રયત્ન ન કરે.’ ‘આ લોકો મારામારી ન કરે’ વગેરે છાપ સત્યાગ્રહીઓ વિષે પડેલી હોય. તેને લીધે એમને વિષે જેલ અધિકારીઓ પણ કૂણા પડે. ગાંધીજીની ઈમાનદારી તો સર્વમાન્ય હતી. તેથી જ્યારે ગાંધીજી કોઈ વિષે કાંઈ બાંહેધરી આપે તો સરકાર સામાન્ય રીતે એને અંગે દુર્લક્ષ નહોતી કરતી. હિંસાના આરોપવાળા લાંબી લાંબી સજા ભોગવનારા ૧૧૦૦ જેટલા કેદીઓને ગાંધીજી જેલમાંથી છોડાવી શકવામાં મદદરૂપ બનેલા તેમાં ગાંધીજીની બાંહેધરીએ જરૂર કામ કર્યું હશે. અંતમાં ગાંધીજીએ કરેલા સત્યાગ્રહોમાંથી એકનો દાખલો જરા ઊંડાણમાં જઈને વિગતે તપાસીએ. એનાથી આપણને સત્યાગ્રહીની વ્યૂહરચનાનાં ઘણાં પાસાં સમજવામાં મદદ મળશે. દાખલો લઈએ છીએ દક્ષિણ આફ્રિકાના ત્રીજા અને છેવટના સત્યાગ્રહનો. ઘણા વર્ષોથી કેપ કોલીમાં રહેતા હસન ઇસપ નામના એક સજ્જને ૧૯૧૨માં હિંદ જવાની પરવાનગી મેળવી. ત્યાં તેણે મરિયમ નામની એક સ્ત્રી સાથે નિકાહ કર્યા. બંને જણ દક્ષિણ આફ્રિકા પાછા આવતાં હતાં ત્યારે મરિયમબાનુને એમ કહીને દક્ષિણ આફ્રિકામાં પ્રવેશ કરવાની પરવાનગી ન આપવામાં આવી કે કાયદેસર રીતે તે હસન ઈસપની પત્ની નહોતી. આમ કરવા પાછળ કારણ એ હતું કે ન્યાયમૂર્તિ સર્લ નામના એક ન્યાયાધીશે એવો ચુકાદો આપ્યો હતો કે દક્ષિણ આફ્રિકાના કાયદા મુજબ કોરટમાં રજિસ્ટર કરાવેલ હોય તે અથવા તો ખ્રિસ્તી દેવળમાં ખ્રિસ્તી વિધિ મુજબ લગ્ન થયાં હોય તે જ કાયદેસરનાં લગ્ન કહેવાય. આવો ચુકાદો આપવા પાછળ એક દલીલ એ પણ કરવામાં આવી કે આ લગ્નોમાં માત્ર દેશની પરંપરા અને વિધિનો જ ફરક નહોતો, પણ લગ્નનો જે મૂળ હેતુ છે તેનો જ કેટલીક પરંપરામાં ભંગ થાય છે. ન્યાયાધીશનો આશય મુસ્લિમોની બહુવિવાહની છૂટ અંગે ઇશારો કરવાનો હતો. આ ચુકાદાનો અર્થ તો એ થયો કે દક્ષિણ આફ્રિકામાં વરસોથી વસવાટ કરતા મોટાભાગના મુસ્લિમો, હિંદુઓ અને પારસીઓનાં લગ્ન ગેરકાયદેસર ગણાતાં હતાં તેથી એવાં લગ્નથી ઉત્પન્ન થયેલ સંતાન પણ ગેરકાયદેસર ગણાય અને તેઓ પિતાના મરણ પછી એની સંપત્તિના વારસદાર ન ગણાય. કાયદાના આવા અર્થઘટન સાથે દક્ષિણ આફ્રિકાના હિંદી મૂળના સૌ વાસીઓમાં હાહાકાર મચી ગયો. સત્યાગ્રહ મંડળની તાત્કાલિક બેઠકે એમ ઠરાવ્યું કે આની સામે સુપ્રીમ કોર્ટમાં જવું નકામું છે, આવા કાયદા સામે તો લડી જ લેવું જોઈએ. કોમે લડી લેવાનો ઠરાવ કર્યો. દરેક હિંદી પર નખાતો ત્રણ પાઉંડનો કર જવો જોઈએ એ સત્યાગ્રહીઓની બીજી માગ હતી. સત્યાગ્રહની પહેલી માંગને દક્ષિણ આફ્રિકામાં વેપારી અને વાણોતર પ્રજાનો ભારે ટેકો હતો. ત્રણ પાઉંડના કરની કનડગત દેશના સૌથી ગરીબ વર્ગ એટલે કે ગિરમીટિયાઓને થતી હતી. અહિંસક સત્યાગ્રહને આમ આખી કોમના બંને મુખ્ય વર્ગોનો ટેકો મળી ગયો. તે વખતે કેટલા લોકો આ લડતમાં ભળશે એનો કોઈને અંદાજ નહોતો. ગોખલેજીએ ગાંધીજીને પોતાનો અંદાજ લખી જણાવવા કહ્યું હતું. ગાંધીજીએ લખ્યું હતું કે અત્યારે તો ઓછામાં ઓછા સોળ ને વધુમાં વધુ પાંસઠ જણ સત્યાગ્રહમાં ભળશે. પણ આ અન્યાય એવો છે કે એની સામે લડનાર પોતે એકલા જ હોય તો પણ તેઓ લડાઈમાં ઊતરશે. સત્યાગ્રહી જોખમ વહોરવાનું કામ સર્વ પ્રથમ પોતાને માથે લે છે. ફિનિક્સ આશ્રમની સોળ સત્યાગ્રહીઓની ટોળી તૈયારી થતી હતી. લગ્ન અને ત્રણ પાઉંડના કર બંને મુદ્દા એવા હતા કે સ્ત્રી અને પુરુષ બંનેને લાગુ પડતા હતા. ગાંધીજીએ ઘરથી શરૂઆત કરી. સોળની યાદીમાં સૌથી પ્રથમ નામ કસ્તુરબાનું હતું. આટલાં વર્ષોમાં પહેલી વાર સત્યાગ્રહમાં સ્ત્રીઓ ભળતી હતી. આ સત્યાગ્રહમાં ગાંધીજી ઉપરાંત તેમના ત્રણ દીકરાઓ પણ ભળ્યા હતા. સવિનય ભંગ કરવા સારુ કાયદો પસંદ કરવામાં આવ્યો દક્ષિણ આફ્રિકાના એક દેશથી બીજા દેશની સીમામાં પ્રવેશ કરતા પહેલાં પરવાનગી લેવાનો. કસ્તુરબા સહિત સોળે જણને નાતાલની સીમા વટાવી ટ્રાન્સવાલમાં પ્રવેશતાં ગિરફતાર કરવામાં આવ્યાં અને સૌને ત્રણ ત્રણ માસની સજા ફટકારવામાં આવી. જેલમાં અપાતો ખોરાક ને પહેરવેશ બંને સત્યાગ્રહીઓને અનુકૂળ નહોતાં. કસ્તુરબા સહિત બધાંએ એ સગવડો મેળવવા ઉપવાસ કર્યા. પાંચ દિવસના એમના ઉપવાસથી ત્યાર સુધી અક્કડ રહેતી જેલ વોર્ડનો પણ પીગળી. સરકારે પણ પીગળીને ફળાહારની છૂટ આપી હતી. પેલી બાજુ જોહાનિસબર્ગથી કેટલીક મધ્યમ વર્ગની તામિલ અને તેલુગુ બોલતી બહેનોએ ન્યૂકેસલ જઈને ત્યાંની કોલસાની ખાણમાં કામ કરનાર હિંદી ગિરમીટિયાઓને ત્રણ પાઉંડના કર વિષે સમજૂતી આપી હતી. કામ કરનાર મજૂર સ્ત્રીપુરુષો પાસે પહેલી વાર કોઈ બહેનોએ આવી સમજૂતી આપી. તે પણ એમની પોતાની ભાષામાં. ખાણના મજૂરોએ હડતાળ પાડી તો માલિકોએ તેમનાં વીજળી-પાણી બંધ કર્યા, ને તેમની ઘરવખરી એમની ખોલીની બહાર ફેંકી દેવરાવી. આ લોકોએ પહેલાં કદી ગાંધીજીને જોયા નહોતા. પણ તેઓ પોતાને ખાતર કષ્ટ વેઠી રહ્યા છે અને એમના ઘરવાળાં અને છોકરાઓ પણ જેલ ગયા છે, એ જાણી મજૂરો મક્કમ રહ્યા. ગાંધીજીએ એમની આફતની પરિસ્થિતિને અવસરમાં ફેરવી નાખી. તેમણે મજૂરોને હિજરત કરી જવાની સલાહ આપી. સત્યાગ્રહ અંગે વ્યૂહ ગોઠવવા ગાંધીજી ન્યૂકેસલ ગયા હતા ત્યાં ઘણા હડતાળ પાડનાર મજૂરો લેઝેરેથ નામના એક માજી ગિરમીટિયા, મધ્યમવર્ગના પરિવારને ત્યાં ઊતર્યા હતા. ગાંધીજીએ પણ એમની જોડે રહેવાની લેઝેરેથ પરિવાર પાસે પરવાનગી માગી, એ લોકોએ ગાંધીજીને વધાવી લીધા. હિજરતી હડતાલિયાઓનાં ટોળેટોળાંથી લેઝેરેથનું ઘર, ઓસરીઓ અને આંગણાં ઊભરાઈ ગયાં, લડાઈમાં ભળનારાઓની સંખ્યા તો કૂદકે ને ભૂસકે વધતી જ જતી હતી. આટલી મોટી વસ્તીને એક જગ્યાએ રાખવાથી સફાઈ વગેરેના પ્રશ્નો ઊભા થશે, એમ ગાંધીજીએ જોયું. થોડા દિવસ તો જાતે જાજરૂ સફાઈ કરી. પણ પછી એમને એક એવો કીમિયો સૂઝ્યો કે જે પાછળથી આંદોલનનું એક મોટું સાધન બની ગયો. ગાંધીજીએ ભેગી થયેલી આખી વસ્તીને સાથે લઈને નાતાલની સરહદ તરફ કૂચ આરંભી. ગિરમીટિયાઓમાંથી વિકલાંગોને બાદ કરતાં નાના મોટાં સ્ત્રી પુરુષ સૌ ચાલી નીકળ્યાં. ગાંધીજી પણ એમની સાથે ચાલ્યા. રાત પડી ત્યાં સૂતા. રસ્તે ચાલતાં બીજા કોઈને કશીયે મુશ્કેલી ન પડે એની કાળજી રાખવામાં આવી. સામે આવીને કોઈ ગાળાગાળી કરે કે હાથ ઉપાડે તોય ચાલતા રહેવાનું કહ્યું, શરદી લાગવાથી એક માનું બચ્ચું મર્યું, પણ માતાએ કૂચ ન અટકાવી, બીજી માનું છોકરું વોંકળો ઠેકતાં કેડમાંથી સરકી પડીને તણાઈ મર્યું. ‘મર્યો તે પાછો ઓછો આવવાનો છે? કૂચ નહીં એટકે’ કહી એ બાઈ પણ ચાલતી રહી. ગાંધીજી અને બીજા આગેવાનો ગિરફતાર થયા. ગાંધીજીને એક કોર્ટમાં નવ માસની અને બીજી એક કોર્ટમાં ત્રણ માસની સજાઓ થઈ. આગેવાન વિનાની, ગરીબ, અભણ લોકોની કૂચ પૂરી શિસ્તબદ્ધ રીતે ચાલતી રહી. ખાણોમાં હડતાળો પડી. ગોરાઓને ત્યાં ઘરકામ કરનાર હિંદીઓએ હડતાળ પાડી. ગાડીઓમાં ભરી ભરીને હડતાળિયાઓને ખાણોના ક્ષેત્રમાં લઈ જઈને બળજબરીથી એમને કામે લગાડવાના પ્રયત્નો થયા. એમને ફટકા માર્યા, લાઠીઓ મારી, એમની ઉપર ગોળીબાર કરી ચારેક જણને વીંધી નાખવામાં આવ્યા. હડતાળિયાઓની શાંતિ અને મક્કમતા જોઈ સ્થાનિક ગોરાઓ પણ આશ્ચર્યચક્તિ થઈ ગયા. કેટલાંક છાપાંઓએ ને કેટલીક જાણીતી તટસ્થ વ્યક્તિઓએ સરકાર પર વાટાઘાટો સારુ દબાણ કરવા માંડ્યું. જનરલ સ્મટ્સે ગાંધીજીને વાટાઘાટો કરવા રાજધાની કેપટાઉન બોલાવ્યા. એ જ અરસામાં ત્યાંની રેલવેના કર્મચારીઓ હડતાળ પાડવા માગતા હતા. તેમણે કહેવડાવ્યું કે તમે તમારું આંદોલન જોરદાર કરો, અમે અમારું કરીએ છીએ. ભેગા મળીને સરકારને ઝુકાવીએ. અહિંસક વ્યૂહરચનાકારને વિરોધી ને ઝુકાવવામાં રસ નહોતો, સત્ય ગળે ઉતરાવવામાં રસ હતો. વળી શત્રુ જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે તે વાર કરવામાં પણ નહોતો માનતો. છેવટે જ્યારે રેલકર્મચારીઓની હડતાળ પડી ત્યારે સત્યાગ્રહીઓએ પોતાનું આંદોલન સ્થગિત રાખ્યું. જનરલ સ્મટ્સે આગળ ઉપર બબ્બેવાર સમાધાન કરીને ગાંધીજીને છેતરેલા. પણ ગાંધીજી બે વાર છેતરાયા છતાં ત્રીજી વાર વિશ્વાસ મૂકવા તૈયાર હતા. દક્ષિણ આફ્રિકામાં રોજેરોજ થતી ઘટનાઓનો અહેવાલ ગોખલેજીને ભારત મોકલવામાં આવતો. એમણે ત્યાંની પ્રજા આગળ દક્ષિણ આફ્રિકાના આંદોલનના સમાચારો ભાષણો દ્વારા પહોંચાડ્યા અને વાઇસરૉય સહિત બીજા અંગ્રેજ અમલદારોને પણ વાતો કરી. વાત ઇંગ્લેન્ડ પણ પહોંચી. બધી બાજુથી સત્યાગ્રહીઓને સહાનુભૂતિ મળવા લાગી. ‘ઈંડિયન ઓપિનિયન’ના અંગ્રેજી સંસ્કરણના તંત્રી મિ. વેસ્ટને ગિરફતાર કરવામાં આવ્યા એવા સમાચાર આવ્યા ત્યારે ગોખલેજીએ આગ્રહ કરીને ભારતથી રેવરંડ એન્ડ્રૂઝ અને પીઅર્સન નામના બે ધર્મનિષ્ઠ પાદરીઓને આફ્રિકા મોકલ્યા. વાઈસરૉય લૉર્ડ હાર્ડિંગે મદ્રાસમાં દક્ષિણ આફ્રિકાની ઘટનાઓ બાબત ખૂબ કડક ભાષણ આપ્યું. એ ભાષણથી તેઓ હિંદમાં તો રાતોરાત લોકપ્રિય વાઈસરૉય બની ગયા. અલબત્ત જનરલ સ્મટ્સ ગિન્નાઈ ગયા. એમણે વાઈસરૉયને ઈંગ્લેન્ડ પાછા બોલાવવા સારુ પ્રયત્નો કરવા માંડ્યા. પણ લોકપ્રિય વાઈસરૉયને અધવચથી પાછા બોલાવવા એ અંગ્રેજ સરકાર માટે અશક્ય હતું. પણ વાઈસરૉયના એ જ ભાષણમાં એક સૂચન હતું કે આખા પ્રશ્નનો વિચાર કરવા એક તટસ્થ સમિતિ નીમો. એ સૂચનનો આશરો લઈને આખરે જનરલ સ્મટ્સે એક સમિતિ સ્થાપી. સમિતિના પ્રમુખની ઈમાનદારી વિશે કોઈને શંકા નહોતી. પણ તેના બીજા બે સભ્યો જાણીતા ભારતદ્વેષી હતા. સત્યાગ્રહીઓએ આ સમિતિને સહકાર ન આપવાનું ઠરાવ્યું. ગોખલેજીએ તેમ ન કરવા ગાંધીજીને ખૂબ સમજાવ્યા. પણ ગાંધીજીને આ નામોથી જ સમિતિ થાય તો તેમાં દેશના સ્વમાનનો ભંગ થાય છે એમ લાગતું હતું. તેથી તેમણે ગોખલેજીની એ સલાહ ન માની, પણ જો બીજા કોઈ તેમને સહકાર આપતા હશે તો તેને અટકાવશે નહીં એટલું કબૂલ્યું. પેલી બાજુ સ્મટ્સે તપાસ પંચનાં નામોમાં ફેરફાર ન કર્યો, પણ તપાસ ઉદારતાથી કરવાની સલાહ આપી હોય એમ જણાય છે. તપાસ પંચના અહેવાલને અનુસરીને દક્ષિણ આફ્રિકામાંથી હિંદીઓએ વર્ષે ત્રણ પાઉંડનો કર ભરવાનો કાયદો નાબૂદ થયો અને ખ્રિસ્તી ઉપરાંત બીજા ધર્મોની વિધિ મુજબ જે લગ્નો થયાં હોય તેને કાયદેસર ગણવાનું સ્વીકારાયું. આ સત્યાગ્રહથી દક્ષિણ આફ્રિકાના હિંદીઓના બધા પ્રશ્નોનો ઉકેલ તો નહોતો આવ્યો, પણ ત્રીજી વખતના સત્યાગ્રહના બંને મુખ્ય મુદ્દાઓ ત્યાંની સરકારે સ્વીકાર્યા. તે વખતે તો ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા ગયા તેનાથી જનરલ સ્મટ્સને હાશ થઈ હશે. પણ ગાંધીજીની લડતની રીતે જનરલ સ્મટ્સને ગાંધીજીના પ્રશંસક બનાવી દીધા. પાછળના વર્ષોમાં તેમણે ગોળમેજી પરિષદ વખતે ગાંધીજીની માગણીને ટેકો આપ્યો હતો. ગાંધીજીએ જેલમાં હતા ત્યારે તેમણે જાતે સીવીને જનરલ સ્મટ્સને ચંપલની એક જોડ ભેટ મોકલાવેલી. જનરલ સ્મટ્સે પોતાના પરિવારને મળેલ અમૂલ્ય ભેટ તરીકે વરસો સુધી ચંપલની એ જોડ સાચવી હતી, પણ ગાંધીજીના મરણ પછી તેમણે કહ્યું કે આ સંપત્તિ મારા એકલાની નથી આખી માનવજાતની છે એમ કહી તેમણે ચંપલની એ જોડ જોહાનિસબર્ગના રાષ્ટ્રીય સંગ્રહાલયને ભેટ આપી હતી. સત્યાગ્રહીએ અન્યાયી વ્યવસ્થાને ખતમ કરી હતી. પણ એ વ્યવસ્થા ચલાવનાર મુખ્ય માણસને જિંદગીભરનો પ્રશંસક મિત્ર બનાવી દીધો હતો. ગાંધીજીની મુત્સદ્દીગીરી જો સત્યની મુત્સદ્દીગીરી હતી તો તેમની સમગ્ર વ્યૂહરચના ઇશ્વર ઉપર ભરોસો રાખીને ઊભી થનારી હતી. ૧૯૩૦માં કૉંગ્રેસે ગાંધીજીને સવિનય કાનૂનભંગ અંગેની આખી વ્યૂહરચના ઘડવાનું અને આંદોલનનું નેતૃત્વ કરવાનું કામ ઠરાવ કરીને સોંપ્યું હતું. હજી કયા કાયદાનો ભંગ કરીને કાયદો તોડવો એ પણ નહોતું નક્કી થયું ત્યારે કવિ રવીન્દ્રનાથ સાબરમતી આશ્રમ આવ્યા હતા. તેમણે સહજ ગાંધીજીને તેમની વ્યૂહરચના વિષે પૂછ્યું હતું. ગાંધીજીએ તેમને જવાબ આપ્યો હતો: “હજી મારા મનમાં સ્પષ્ટ યોજના નથી. પણ હું તેને સારુ પૂરા દિલથી સતત પ્રાર્થના કરું છું. મને લાગે છે કે મને તરત રસ્તો જડી જશે. અને એકવાર તે સૂઝશે પછી તરત હું દુનિયા આગળ રજૂ કરીશ.” ત્યાર બાદ થોડા દિવસોમાં જ તેમને મીઠાનો કાયદો તોડવા સાબરમતીથી દરિયા કાંઠા સુધી કૂચ કરી જવાની કલ્પના સૂઝી ગઈ હતી. એ યોજનામાં ગાંધીજીને ઇશ્વરનો ઇશારો દેખાતો હતો. દુનિયાને માટે એ રીતે એ કલ્પના વિસ્મયકારક, અને અંગ્રેજ સરકાર સારુ એ મૂંઝવનારી નીવડી હતી. અહિંસક વ્યૂહરચનાકારની બહુ મોટી મૂડી એની ઇશ્વર પ્રત્યેની શ્રદ્ધા છે. એવી જ શ્રદ્ધા એને પોતાના કામ કરવાના અહિંસક રસ્તા ઉપર અને પોતાના સાથીઓ ઉપર હોય છે. પોતાના સાધન વિષેની શ્રદ્ધા તેને આત્મવિશ્વાસ અપાવતી હોય છે અને સાથીઓ ઉપરની શ્રદ્ધા તેમને પોતાની સેના પ્રત્યે વિશ્વાસ આપે છે. આ ત્રણે મુદ્દાઓ અહિંસક વ્યૂહરચનાકારને સારુ મોટી મૂડી થઈ રહે છે.

***
વાંચો: સૌના ગાંધી શ્રેણી - ૧ પુસ્તક - ૧૨ — ગાંધીજી વિષે કેટલીક ગેરસમજૂતીઓ