સૌના ગાંધી શ્રેણી - ૧ પુસ્તક - ૭ — કોમી એખલાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘સૌના ગાંધી’ શ્રેણી

સૌના ગાંધી શ્રેણી - ૧
પુસ્તક - ૭


Sauna Gandhi title 07.jpg


કોમી એખલાસ

નારાયણ દેસાઈ


Gujarat Vidyapith (emblem).png



પ્રકાશન વિગત


ગાંધીજીએ હિંદના રાજકારણમાં દેશની સ્વતંત્રતા સાથે કોઈ પ્રશ્નમાં વધુમાં વધુ રસ લીધો હોય તો તે કોમી એખલાસના પ્રશ્નમાં. તેઓ બરાબર જાણતા હતા કે કોમી એખલાસ વિના દેશ મજબૂત ન બને. સંપ વિના, એકતા વિના મજબૂતી શક્ય નથી. અને જ્યાં સુધી દેશ મજબૂત ન હોય ત્યાં સુધી એ આઝાદી શી રીતે મેળવી શકે ? દેખીતી રીતે આ દેશમાં ગાંધીજી ઇચ્છતા હતા તેવી એકતા સ્થપાઈ નહોતી. એટલે તેઓ એ બાબત નિષ્ફળ ગયા હતા, એમ પણ કહી શકાય. એમ તો દેશને સ્વતંત્રતા પણ ગાંધીજીને જેવી મેળવવી હતી તેવી ક્યાં મળી હતી? ગાંધીજી ઇચ્છતા હતા કે દેશ આઝાદ બને ત્યારે એ અખંડિત હોય. પણ તેમ બન્યું નહોતું. દેશના ભાગલા પડ્યા એનું એક મુખ્ય કારણ એ જ હતું કે આઝાદી મળી ત્યારે દેશમાં કોમી એખલાસનું વાતાવરણ નહોતું સર્જાયું. દેશમાં બંને ભાગોને સ્વતંત્રતા મળી તે પછી સાડા પાંચ મહિને ગાંધીજીની હત્યા થઈ. એ હત્યાનું કારણ બન્યો હતો આ દેશનો કટ્ટરવાદ. જે ગાંધીજીની કોમી એખલાસની વિચારસરણીનો, કટ્ટર વિરોધી હતો. તેથી એમ પણ કહી શકાય કે કોમી એખલાસ ખાતર જ ગાંધીજીએ પોતાના પ્રાણ પાથર્યા હતા. કોમી એખલાસમાં આમ તો બધી કોમો વચ્ચે સંપ કે એકતા આવી જાય પણ આ પુસ્તિકાની કદમર્યાદા જોઈ આપણે અહીં માત્ર હિંદુ-મુસ્લિમ એકતા પૂરતો જ વિચાર કરીશું. સાવ નાનપણથી ગાંધીજી પર સર્વધર્મો પ્રત્યે આદરભાવના સંસ્કાર પડ્યા હતા. એમનાં માતા પૂતળીબાઈ અત્યંત ધાર્મિક વૃત્તિનાં હતાં. પિયેરમાં તેઓ પ્રણામી સંપ્રદાયનાં હતાં. એ સંપ્રદાયના સિદ્ધાંતો પર હિંદુધર્મ અને ઇસ્લામ બંનેની અસર હતી. પ્રણામી સંપ્રદાયના પ્રવર્તક પ્રાણનાથ અરબસ્તાન જઈ આવ્યા હતા. એમનાં ઘણાં લખાણો વ્રજ ભાષામાં અને ઘણાં અરબીમાં હતાં. એમનાં મંદિરમાં કોઈ મૂર્તિ નહોતી રખાતી. ગાંધીજીના પિતા કરમચંદ ઊર્ફે કબા ગાંધીને જુદા જુદા ધર્મના ઉપદેશકોને પોતાને ત્યાં બોલાવીને એમનો ધર્મોપદેશ સાંભળવાનો શોખ હતો. તેઓ ધર્મ અંગે ચૂંથણાં ચૂંથવામાં નહોતા માનતા, પણ ધાર્મિક કથાઓ સાંભળવી તેમને ગમતી. નાનો મોહન માતા પાસે ધર્મમય જીવન જીવવાના સંસ્કાર મેળવતો અને પિતા પાસે વિવિધ પ્રકારના ધર્મોપદેશ સાંભળવામાં ખૂબ રસ લેતો. પરંતુ ગાંધીજીના મનમાં ધર્મ વિષે પહેલવહેલી જિજ્ઞાસા જાગી, તેઓ જ્યારે બેરિસ્ટરનું ભણવા સારુ ઇંગ્લેન્ડ ગયા ત્યારે. થિયોસોફીમાં શ્રદ્ધા ધરાવનાર બે અંગ્રેજ મિત્રોએ ગાંધીજી સાથે બેસીને ગીતાનો અભ્યાસ કરવાની માગણી કરી, અને ૧૯-૨૦ વરસના આ તરુણ વિદ્યાર્થીએ તે સ્વીકારી. પોતે ત્યાં સુધીમાં ગીતાનો અભ્યાસ તો શાનો કર્યો હોય? એમનું સંસ્કૃતનું જ્ઞાન પણ મેટ્રિકના સંસ્કૃતના પેપર પૂરતું મર્યાદિત હતું. પણ પેલા મિત્રો સાથે બેસીને મૂળ સંસ્કૃત સાથે અંગ્રેજી અનુવાદને સરખાવતાં તેમણે ગીતાનો થોડો વધુ અભ્યાસ કર્યો. ગીતાના બીજા અધ્યાયના સ્થિતપ્રજ્ઞનાં લક્ષણોથી તેઓ ખૂબ પ્રભાવિત થયા. તે જ અરસામાં ગાંધીજીએ બાઈબલ પણ વાંચ્યું. એનો જૂનો કરાર તો તેમણે જેમ તેમ કરીને પૂરો કર્યો. પણ નવા કરારમાં તેમને રસ પડ્યો. એમાંથી ખાસ તો ગિરિપ્રવચનમાં - કોઈ એક ગાલ પર તમાચો મારે તો એની આગળ બીજો ગાલ ધરવાની વાત લખી હતી. આ વાંચીને તેમને બાળપણમાં વાંચેલો શામળનો છપ્પો યાદ આવ્યો હતો. જેમાં કહ્યું હતું કે ‘અવગુણ કેડે જે ગુણ કરે, તે જગમાં જીત્યો સહી.’ આ જ અરસામાં તેમણે કાર્લાઇલ દ્વારા લખેલ એક પુસ્તકમાં હજરત મહમદ વિષે એક પ્રકરણ હતું તે વાંચ્યું હતું. તેઓ દક્ષિણ આફ્રિકામાં વકીલાત કરવા ગયા ત્યારે કેટલાક ખ્રિસ્તી ઉત્સાહીઓએ એમને ખ્રિસ્તી બનાવવાની હોંશમાં એમની ઉપર ખ્રિસ્તી ધર્મગ્રંથોનો જાણે કે મારો જ કર્યો. પહેલે જ વર્ષે ગાંધીજીએ એંશી જેટલા ખ્રિસ્તી ધર્મગ્રંથો વાંચી નાખ્યા. તેમણે આ કાળમાં ધર્મ વિષે મનને સદા ખુલ્લું રાખવા છતાં તેમણે ધર્મપરિવર્તન ન કર્યું. ધર્મ અંગે ઉત્પન્ન થયેલી જિજ્ઞાસાને સંતોષવા તેમણે મુંબઈ વસતા એક આદરણીય જૈન સાધક શ્રીમદ્ રાજચંદ્રજી સાથે લાંબો પત્રવ્યવહાર કર્યો. રાજચંદ્રજી ગાંધીજીને આ બાબત નિર્ણય તો જાતે જ કરવાની સલાહ આપી. પણ કોઈ પણ પ્રકારનો નિર્ણય કરતાં પહેલાં હિંદુર્ધગ્રંથોનો સારો અભ્યાસ કરી લેવાનું તેમણે સૂચન કર્યું. જે ગાંધીજીને ગમી ગયું. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીને ઘણા ધર્મોનાં લોકો સાથે કામ કરવાનો મોકો મળ્યો. એમના સાથીઓમાં હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી, યહુદી અને પારસીઓ હતા. સત્યાગ્રહના આંદોલન અંગે તેઓ ચીના લોકોના સંપર્કમાં પણ આવ્યા હતા. વકીલાતના કાળ દરમિયાન એમના મોટા ભાગના અસીલો મુસ્લિમો હતા. પોતાના ધંધા અંગે વધુ સજ્જ થવાના હેતુથી તેમણે મુસ્લિમ કાયદાનો પણ સારો અભ્યાસ કર્યો હતો. અંગ્રેજી ભાષાંતરની મદદથી તેમણે કુરાને શરીફનો પણ અભ્યાસ કર્યો હતો. કુરાનનો વધુ ઊંડો અભ્યાસ તેમણે યરવડા જેલમાં કર્યો હતો. દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહો વખતે ગાંધીજીને ત્યાંના હિંદીઓ વચ્ચે કોમી ખટરાગનો ઝાઝો અનુભવ નહોતો થયો. પરંતુ ‘ઇન્ડિયન ઑપિનિયન’ નામની પત્રિકાના સંચાલન અંગે અને એક જાગૃત નાગરિક તરીકે તેમજ ત્યાં વસતી હિંદી કોમના એક આગેવાન તરીકે ગાંધીજી હિંદમાં ચાલી રહેલ પ્રવૃત્તિઓ અંગે સદા ભાળ રાખતા. તેઓ કાયમને માટે ભારતમાં રહેવા આવ્યા ત્યાર પહેલાં જ તેમને હિંદના કોમી પ્રશ્નની ગંભીરતાનો ઠીક ઠીક ખ્યાલ આવી ગયો હતો. ૧૯૧૪માં તેમણે કાયમને માટે દક્ષિણ આફ્રિકા છોડ્યું ત્યારે તેમની સાથે આશ્રમમાં રહેવા આવનારાઓમાં ઇમામ સાહેબ અબ્દુલ કાદર બાવાઝીરનું આખું કુટુંબ હતું. ઈમામ સાહેબ સાબરમતી આશ્રમના ઉપપ્રમુખ હતા. નાજુક તબિયતને લીધે તેઓ દાંડી કૂચમાં નહોતા જોડાયા, પણ પાછળથી ધારાસણાની સત્યાગ્રહીઓની એક ટુકડીનું તેમણે નેતૃત્વ કરેલું. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીને કોમી પ્રશ્નને એક પ્રશ્ન તરીકે કદી હાથ ધરવો પડ્યો નહોતો. પરંતુ તેઓ હિંદ આવ્યા ત્યાર સુધીમાં આ પ્રશ્ન સારી પેઠે ગૂંચવાઈ ચૂક્યો હતો. ભારતમાં જુદી જુદી કોમના અનેક આગેવાનો હતા. અને આખા પ્રશ્ન પાછળ એક લાંબો ઇતિહાસ પણ હતો. દેશનું રાજકારણ પણ આ પ્રશ્ન સાથે ગૂંચવાઈ ચૂકેલું હતું. દુનિયાના મોટા ધર્મોમાં હિંદુધર્મ સૌથી પ્રાચીન અને ઇસ્લામ સૌથી અર્વાચીન છે. આ બંને ધર્મો માનનારા લોકો હિંદુસ્તાનમાં આશરે બારસો તેરસો વર્ષોથી સાથે રહેતાં આવ્યાં છે. હિંદની ભૂમિ પર હજારો વર્ષો સુધી વિભિન્ન ધર્મો પાળનારા અને જુદી જુદી સંસ્કૃતિનો વારસો સાથે લાવનારા લોકો આવતા રહ્યા છે. એમાંના જે અહીં આવીને વસી ગયા, તે સૌનું અહીં સ્વાગત થયું છે. રવીન્દ્રનાથ ટાગોરે એનું વર્ણન એમ કર્યું છે કે અહીંના માનવમહાસાગરમાં અનેક ધર્મો અને સંસ્કૃતિઓની નદીઓ આવીને મળી ગઈ છે. તેથી જ અહીં અનેક પ્રકારની વિવિધતાઓ વચ્ચે એકતા પાંગરી છે. આ દેશના લોકોએ મુસલમાનોને પોતાની રીતે ઉપાસના કરવાની સગવડ કરી આપી. ઇસ્લામની એકેશ્વરવાદની ફિલસૂફી અને સૌને સમાન દરજ્જે જોવાની આચારપ્રણાલીથી ભારતમાંયે ઘણાં લોકો આકર્ષાયા. હિંદુઓના જાતિવાદ, ઊંચનીચના ભેદભાવ અને આભડછેટના રિવાજોને લીધે ત્રાસેલા લોકોને તો ઇસ્લામે વધારે આકર્ષ્યાં. હિંદની સ્થાનિક વસ્તીમાંથી ઘણાં લોકો ઇસ્લામનો સ્વીકાર કરતા ગયા. મુસ્લિમોના રાજ્યકાળ દરમિયાન ઘણા લોકોએ ઇસ્લામ અંગીકાર કરીને રાજ્યની હૂંફ પણ મેળવી. આજે હિંદમાં વસનારા મુસ્લિમોમાંથી મોટાભાગના લોકો મૂળ હિંદુ હતા. એ સાવ સાચું છે કે આ દેશ પર કેટલાક એવા લોકોએ પણ ચડાઈઓ કરી હતી, જે ઇસ્લામ ધર્મ પાળતા. ચડાઈ કરનારાઓમાંથી ઘણાને ધર્મના પ્રચાર કરતાં હિંદુસ્તાનની સંપત્તિ લૂંટવામાં વધુ રસ હતો. તેથી તેમણે બેફામ લૂંટો ચલાવી. હિંદનાં મંદિરોમાંથી કેટલાંકમાં અઢળક સંપત્તિ હતી. લૂંટારાઓની નજર એના ઉપર પડી. એમણે માત્ર હિંદુ મંદિરો જ લૂંટ્યાં એવું નહીં. કોઈ મસ્જિદમાં સંપત્તિ ભાળી તો એને પણ લૂંટી. વળી લૂંટનારાઓ બધા મુસલમાન જ હતા એવું યે નહીં. લૂંટારુ રાજા મુસલમાન હોય, પણ એમના સેનાપતિ અને સિપાઈઓમાં ઘણાયે હિંદુ હોય એમ પણ બન્યું છે. બધાનો એક જ ધર્મ લૂંટફાટ કરવાનો. પાછળથી આવેલા લૂંટારુઓની અથડામણ આગળ આવેલા લૂંટારુઓ સાથે થઈ હોય ને બંને મુસલમાનો હોય એમ પણ બન્યું છે. બંને પક્ષે બંને કોમના લોકો પણ હોય. પરંતુ આવી અથડામણોની વચ્ચેય આ દેશમાં સમન્વયની પ્રક્રિયા ચાલતી રહી. મધ્યયુગીન સંતો અને સૂફી ફકીરોએ સમન્વયની ભાવનાને ખૂબ દૃઢ કરી. આપણી સંસ્કૃતિના પાયામાં સમન્યવ છે. આપણાં સંગીત, કળા, સ્થાપત્ય, ઉત્સવ તહેવારો વગેરે ક્ષેત્રોમાં આ સમન્વય ચોખ્ખો દેખાઈ આવે છે. ઉત્તર ભારતનું શાસ્ત્રીય સંગીત, કુતુબ મિનાર ને તાજમહાલથી માંડીને અડાલજની વાવ અને સીદી સૈયદની જાળી સુધીનું સ્થાપત્ય એ સમન્વયની શાખ પૂરે છે. આપણા પહેરવેશ અને આપણી રસોઈની વાનગીઓમાં પણ એ સમન્વય દેખાઈ આવે છે. સમન્વયની આ ધારાને જબરજસ્ત આંચકો લાગ્યો અંગ્રેજોના આગમનને લીધે. સમન્વયની પ્રક્રિયા રામકૃષ્ણ પરમહંસ સુધી વિકસતી રહી. રામકૃષ્ણ - વિવેકાનંદ પછી એ પ્રક્રિયા ઓછી થતી ગઈ. ઇતિહાસમાં ત્યાર બાદ આવ્યા પશ્ચિમના લોકો. પશ્ચિમના આક્રમકોમાંથી કોઈએ કાયમને માટે આ દેશને પોતાનો દેશ ન બનાવ્યો. અહીં રાજ કરીને આ લોકોએ અહીંની સંપત્તિને યુરોપ ભેગી કીધી. તેમાં સૌથી છેલ્લે આવ્યા અંગ્રેજો. તેમણે સામ, દામ, દંડ અને ભેદથી દેશના મોટા ભાગ પર કબજો જમાવ્યો. અંગ્રેજો સામેની છેવટની મોટી લડાઈમાં આ દેશના હિંદુ અને મુસલમાન રાજાઓ અને સેનાપતિઓ, તથા સૈનિકો ખભેખભા મેળવીને લડ્યા. જો કે અંગ્રેજોની સેનામાં પણ ઘણા ભારતીયો હતા. ૧૮૫૭ની ક્રાંતિમાં હિંદુ-મુસ્લિમો એક નેજા હેઠળ લડ્યા હતા. આ એકતા જોઈને અંગ્રેજો ચોંક્યા. ભારત પરના પોતાના રાજને લાંબુ ટકાવવા સારુ એમણે એ બે કોમો વચ્ચે ભંગાણ પડાવવાની નીતિ અપનાવી. ઇસ્ટ ઇંડિયા કંપનીના રાજ પછી બ્રિટિશ સરકારે કારભાર પોતાના હાથમાં લીધો, ત્યાર પછી ઘણા મોટા પ્રમાણમાં તેમણે ભેદનીતિ ચાલુ કરી, શરુઆતમાં પચીસેક વર્ષ તેમણે મુસલમાનોને અવગણ્યા અને હિંદુઓને પંપાળ્યા. હિંદુઓ ભણવામાં આગળ થઈ ગયા. તેમણે રાજનૈતિક સંગઠનો ઊભાં કરવા માંડ્યાં. ૧૮૮૫માં હિંદી રાષ્ટ્રીય મહાસભા (કૉંગ્રેસ)ની સ્થાપના થઈ અને એના મંચ પરથી સ્વતંત્રતાની માગણીનો થોડો થોડો અણસાર આવવા માંડ્યો ત્યારથી અંગ્રેજ સરકારે મુસ્લિમોને હિંદુઓ સામે ઊભા કરવા માંડ્યા. મુસ્લિમોનો હાથ ઝાલી તેઓ હિંદુઓ અંગે ચેતીને ચાલવા લાગ્યા. અંગ્રેજ હાકેમોએ જ મુસલમાન આગેવાનોના મનમાં અલગ મતદાર મંડળનાં વિચાર બી વાવ્યાં. કેળવણીનાં ક્ષેત્રે તેમણે હિંદુ અને મુસ્લિમો સારુ ઇતિહાસની રજૂઆત અલગ અલગ રીતે કરી. એક બાજુ એમણે ઔરંગઝેબને રોજે રોજ હિંદુઓમાં માથાં ઉડાવતો ચીતર્યો, બીજી બાજુ શિવાજીને ડુંગરનો ઉંદર કહ્યો. ઔરંગઝેબે હિંદુ મંદિરો સારુ જમીનો આપી હતી અને શિવાજીની સેનામાં મુસ્લિમ અધિકારીઓ હતા તે વાત છુપાવી. અલીગઢમાં મુસ્લિમ યુનિવર્સિટીને મુસ્લિમ સંપ્રદાયવાદનું એક થાણું બનાવી દીધો. અંગ્રેજ શિક્ષણશાસ્ત્રીઓની જ પ્રેરણા અને સિમલામાં બિરાજમાન વાઇસરૉયના આશીર્વાદથી ૧૯૦૬માં ઢાકામાં અખિલ ભારત મુસ્લિમ લીગની સ્થાપના થઈ. વર્ષો બાદ આ ઇતિહાસને ઉઘાડો પાડતા મૌલાના શૌક્તઅલીએ લીગની સ્થાપનાને ‘કમાંડ પરફોર્મન્સ’ એટલે કે અંગ્રેજોના આદેશ મુજબ થયેલી ભજવણી તરીકે વર્ણવી હતી. તે વખતે લીગ માત્ર મોટા મોટા નવાબો અને જમીનદારોનું પ્રતિનિધિત્વ કરતી હતી. આ બધાને અંગ્રેજ સરકાર ‘માય-બાપ’-ની ઓથ હતી. ૧૮૫૮ પછી દેશના કોમી વિસંવાદના નાટકમાં અંગ્રેજ શાસકોની ખલનાયક જેવી ભૂમિકા ખૂબ મહત્ત્વપૂર્ણ બની રહી. ત્યાર પછીના દાયકાઓમાં વારંવાર હિંદુ અને મુસલમાનોએ એકતાના પ્રયાસો કર્યા. પણ દુર્ભાગ્યે એ પ્રયાસો હૃદયના ઊંડાણને બદલે રાજનૈતિક તખ્તા પરની સોદાબાજી જેવા વધારે રહ્યા. આ સોદાબાજીમાં અંગ્રેજોએ બે બિલાડીઓની લડાઈમાં વચલા વાંદરાનું જ પાત્ર ભજવ્યું. વચ્ચે વચ્ચે હિંદુ અને મુસ્લિમોમાં રાષ્ટ્રીય ભાવના ધરાવનારાઓએ બંને કોમોને પાસે લાવવાનો પ્રયાસો કર્યા. વાટાઘાટો થઈ. કૉંગ્રેસ ને મુસ્લિમ લીગનાં વાર્ષિક અધિવેશનો એક જ નગરમાં અને લગભગ પાસે પાસેના દિવસોમાં ભરાતાં. બંને સંસ્થાઓના આગેવાનો એક બીજાના મંચ પરથી ભાષણો કરતા. પણ જ્યાં કંઈક નક્કર સમાધાનની વાત આવે ત્યાં અંગ્રેજ સરકાર મુસ્લિમ નેતાઓની માગણી કરતા બટકુંક વધારે આપવાની લાલચ આપી તેમને હજી વધારે માગણી કરતાં કરી દેતા. આ આખી રમત દરમિયાન સામાન્ય પ્રજામાં મુસ્લિમ લીગનો પ્રવેશ ઝાઝો નહોતો. કૉંગ્રેસ પણ સર્વધર્મોના મધ્યમ વર્ગની જ પ્રતિનિધિ હતી. મુસ્લિમ જનતા તો સામાન્યપણે રાજકારણથી બહુ ઓછી પ્રભાવિત રહેતી. એમની ઉપર મુખ્ય પ્રભાવ મૌલાના-મૌલવીઓના હતો. અલબત્ત મુસ્લિમ નેતાગીરીમાં અનેક રાષ્ટ્રવાદી મુસ્લિમો પણ હતા. તેમાંના ઘણા તો કૉંગ્રેસ અને મુસ્લિમ લીગ બંને સંસ્થાઓના વર્ષો સુધી એક સાથે સભ્ય રહ્યા હતા. પરંતુ રાષ્ટ્રવાદી મુસલમાનોની અસર મુસ્લિમ જનતા ઉપર પ્રમાણમાં ઓછી હતી. કૉંગ્રેસના આગેવાનોમાં પણ થોડા કટ્ટરપંથી હિંદુઓ હતા. પણ તેઓ બહુ નાની લઘુમતીમાં હતા. હિંદુ જનતા પર તો સામાન્યપણે રાષ્ટ્રવાદી નેતાઓનો જ પ્રભાવ હતો. ગાંધીજીએ હિંદુસ્તાનના રાજકારણમાં પ્રવેશ કર્યો ત્યારે દેશની સ્થિતિ ઉપર વર્ણવી તેવી હતી. મુસ્લિમ સારુ અલગ મતદાર મંડળો વર્ષો પહેલાં જ સ્વીકારાઈ ચૂક્યાં હતાં. મુસ્લિમ લીગનું નેતૃત્વ એક નાના સમુદાય પૂરતું સીમિત હતું. તેમાંયે રાષ્ટ્રવાદી અને કોમવાદી વિચાર ધરાવનારા લોકોનું ચિંતન અલગ અલગ હતું. કૉંગ્રેસનું નેતૃત્વ મુખ્યત્વે ગરમદળ અને નરમદળમાં વહેંચાયેલું હતું. ૧૯૦૭ થી ૧૯૧૫ સુધી નરમદળનો પ્રભાવ વધારે હતો.પણ સર ફિરોજશાહ મહેતા તથા ગોખલેજીના અવસાન પછી નરમદળના પ્રભાવમાં ઓટ આવી હતી. કૉંગ્રેસ ત્યાર સુધી આમ જનતાની સંસ્થા નહોતી બની. ગાંધીજીએ દેશમાં આવ્યા પછી સદીઓથી વિકસતી આવેલી સમન્વયની પ્રક્રિયાને ફરી એકવાર વેગવંતી કરી. ગાંધીજીએ પોતાના શીલ અને ચારિત્ર્ય તેમજ સત્યાગ્રહના કાર્યક્રમોને લીધે કૉંગ્રેસમાં બહુ ઝડપથી માનભર્યું સ્થાન મેળવી લીધું હતું. કૉંગ્રેસનું બંધારણ સુધારવાનું કામ લોકમાન્ય તિલકના આગ્રહથી તેમને સોંપવામાં આવ્યું હતું. ગાંધીજીએ કૉંગ્રેસના બંધારણમાં ઘટતા સુધારાઓ કર્યા, તેમજ સત્યાગ્રહ આંદોલનમાં પણ ઘણા મોટા વર્ગના લોકોને ભાગીદાર બનાવ્યા. તેમણે કૉંગ્રેસને એક વિશિષ્ઠ વર્ગની સંસ્થાને બદલે સામાન્ય જનતાની સંસ્થા બનાવી દીધી. એના તરફથી શરૂ થયેલી વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓથી સમાજના ગરીબ લોકોને રોજીરોટી મળ્યાં. ગરીબ મુસલમાનોએ પણ આનો લાભ સારા પ્રમાણમાં લીધો. લગભગ આ જ ગાળામાં દેશના મુસ્લિમોનાં મન ખિલાફતના પ્રશ્નને લીધે ખૂબ ઉચાટમાં હતાં. બ્રિટિશ સરકારે પહેલા વિશ્વયુદ્ધ વખતે તુર્કી એની સામેના પક્ષે હતું છતાંય ત્યાં વસતા ખલીફને યુદ્ધને અંગે કોઈ આંચ નહીં આવે એવું વિધાન હિંદના મુસ્લિમોને યુદ્ધ-પ્રયાસોમાં સામેલ કરવા સારુ કરેલું. પણ લગભગ એ જ અરસામાં તેમણે સાથી રાજ્યો સાથે એવો સોદો કર્યો હતો કે જીત પછી તુર્કી દેશનું વિભાજન કરી આપવામાં આવશે! આમ ભારતના મુસ્લિમોને તો એમણે ધોખો જ દીધો હતો. અંગ્રેજોના વચનભંગથી મુસલમાનોનાં મન વ્યથિત અને ઉત્તેજિત હતાં. પરંતુ દેશના બિન-મુસ્લિમ નાગરિકોનું આ તરફ ખાસ લક્ષ નહોતું. ગાંધીજીનું ધ્યાન તરત એ તરફ ગયું. એમણે કહ્યું કે મુસ્લિમભાઈઓને આ દુ:ખને સમયે હિંદુઓએ જરૂર સાથ આપવો જોઈએ. ખિલાફત આંદોલનના આગેવાનો સાથે ગાંધીજીએ વાટાઘાટો કરી. આંદોલન અહિંસક રહેવાનું હોય ત્યાં સુધી એમાં પૂરો સાથ આપવાનું સ્વીકાર્યું. પરંતુ ખિલાફત કમિટીમાં તેમણે કોઈ હોદ્દો નહોતો સ્વીકાર્યો. ખિલાફત કમિટીના નેતાઓએ ગાંધીજીની બંને શરતો સ્વીકારી હતી. પણ તેમણે એ પણ ચોખવટ કહી હતી કે અહિંસાને તેઓ માત્ર નીતિ તરીકે સ્વીકારતા હતા, નિષ્ઠા તરીકે નહીં. ખિલાફત બાબત પણ હિંદના મુસલમાનો જ વિરોધ કરે તો એની અસર ઓછી પડે અને તેમાં જો હિંદુઓ પણ ભળે તો એમનું આંદોલન અસરકારક થાય એ વાત આ નેતાઓ સમજતા હતા. જ્યારે એક ભાઈ કષ્ટ અનુભવતો હોય ત્યારે બીજા ભાઈએ એને મદદ કરવી જોઈએ એ ગાંધીજી સમજતા હતા. ખિલાફત અંગેની એક સભામાં જ ગાંધીજીએ પહેલીવાર અહિંસક અસહકારનો કાર્યક્રમ સુઝાડ્યો હતો. એકાદ વર્ષમાં આખા દેશમાં આ કાર્યક્રમ માન્ય થઈ ગયો હતો. વરસેક દિવસના પ્રયત્નને અંતે કૉંગ્રેસે પણ અસહકાર અને ખિલાફત આંદોલનને પોતાના કાર્યક્રમમાં સામેલ કર્યાં હતાં. ખિલાફત આંદોલન નિમિત્તે એ બે લોકપ્રિય નેતાઓ મૌલાના શૌકતઅલી અને મહમ્મદઅલી જોડે ગાંધીજી આખા દેશમાં ફરી વળ્યા હતા. તે વખતે દેશમાં જેટલી કોમી એકતા સધાયેલી જણાતી હતી તેટલી તે પહેલાં કે પછી ક્યારેય સધાઈ નહોતી. પરંતુ ૧૯૨૨માં એક કમનસીબ ઘટના ઘટી ગઈ. સંયુક્ત પ્રાંતના ગોરખપુર જિલ્લામાં ચૌરીચૌરા નામના એક ગામમાં લોકોના શાંત ટોળા પર પોલીસના હુમલાથી ટોળું વીફર્યું. પોલીસે ગોળીબાર કર્યો. પણ એમની પાસે કારતૂસો ખતમ થઈ એટલે પોલીસ ભાગીને થાણામાં ભરાઈ ગઈ ને એણે અંદરથી આગળા મારી દીધા. ઉશ્કેરાયેલા ટોળાએ થાણાને આગ ચાંપી અને ત્યાં ને ત્યાં જ ૨૧ પોલીસ અને એક અમલદાર ભડથું થઈ ગયા. ગાંધીજીએ જ્યારે આ સમાચાર છાપામાં વાંચ્યા ત્યારે તેમણે તરત જ અસહકાર આંદોલન મોકુફ રાખ્યું અને પાંચ દિવસના ઉપવાસ કર્યા. પુરજોશમાં ચાલતું આંદોલન આમ સ્થગિત રખાયું તેથી નાનામોટા ઘણા કાર્યકર્તાઓ નાસીપાસ થયા. દેશમાં ફેલાયેલી આ નિરાશાનું વાતાવરણ જોઈ લાગ જોઈ, સરકારે ગાંધીજીને ગિરફતાર કર્યા. તેણે ગાંધીજીના જૂના ત્રણ લેખોને આધારે તેમની ઉપર દેશદ્રોહનો આરોપ મૂક્યો. ગાંધીજીએ કોર્ટમાં આ આરોપોનો સ્વીકાર કરી સરકારની પ્રજાદ્રોહી નીતિની ઝાટકણી કાઢી. તેમણે કહ્યું કે તેમણે આ ઉપરાંત આવા જ બીજા લેખો લખ્યા હતા. અને સરકારની નીતિ જો આવી જ ચાલુ રહેશે તો ભવિષ્યમાં પણ તેઓ આવા જ લેખો લખતા રહેશે. ન્યાયાધીશને સંબોધીને ગાંધીજીએ એમ પણ કહ્યું કે ‘તેમની પાસે બે જ વિકલ્પો રહી જાય છે. કાં મારી વાતમાં તથ્ય લાગતું હોય તો ન્યાયાધીશ તરીકે રાજીનામું આપે, કાં મને આકરામાં આકરી સજા કરે.’ ન્યાયાધીશ મિ. બ્રૂમફિલ્ડે ગાંધીજીને ૬ વર્ષની સજા ફટકારી હતી, પણ સાથે સાથે એમ પણ કહ્યું હતું કે સંજોગો બદલાતાં જો સરકાર તમને વહેલા છોડી દેશે તો મારાથી વધુ ખુશી બીજા કોઈને નહીં થાય! આ બાજુ મહાયુદ્ધ પછી તુર્કીમાં કમાલ આતાતુર્ક નામના એક ભલા સરમુખત્યાર સત્તા પર આવ્યા હતા. તેમણે ત્યાંના ખલીફની સત્તાને જ નહીંવત્ કરી નાખી હતી. એટલે ભારતના મુસલમાનોને અંગ્રેજ સરકાર સામે વિરોધ દર્શાવવાનું ખાસ પ્રાયોજન રહ્યું નહીં. આમ ખિલાફત આંદોલન મંદ પડી ગયું. જ્યારે જ્યારે પણ સરકાર સામેનાં આંદોલનો મંદ પડતાં ત્યારે ત્યારે કોમવાદી તત્ત્વો માથાં ઊંચકતાં. વળી હુલ્લડો વધી જતાં. સરકાર પણ એનો સીધો કે આડકતરો લાભ લઈ એમ સાબિત કરવા પ્રયાસ કરતી કે જે દેશમાં એકતા ન હોય તે સ્વરાજ સારુ શી રીતે અધિકારી ગણાય? આ દેશમાં ગયાં બારસો તેરસો વર્ષોમાં અનેકવાર હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે અથડામણો થઈ છે. પણ ધ્યાનમાં આપવા લાયક વાત એ છે કે પહેલાં કદી પણ આ અથડામણોએ આજના અર્થમાં કોમી સ્વરૂપ ધારણ નહોતું કર્યું. બે કોમો માત્ર ધાર્મિક કારણોસર નહોતી અથડાઈ અથવા કોઈ કોમના એક માણસ કે જૂથનો બદલો બીજે જ ઠેકાણે કે બીજા સમયે આખી કોમ પર, અથવા એ કોમના બીજા જ સભ્યો પર નહોતો લેવાતો. અથડામણો રાજનૈતિક કે આર્થિક કારણોસર થતી. તેમાં બંને કોમના લોકો હોય ખરા, ઘણીવાર લડનારા બંને પક્ષોમાં બંને કોમોના લોકો ભળતા. કોમી સ્વરૂપનાં હુલ્લડો એ તો આપણા દેશને અંગ્રેજ સરકારનો ખાસ વારસો છે. અંગ્રેજોએ કોમી ભેદભાવો ફેલાવવામાં આપણી સામાજિક કે આર્થિક નબળાઈઓ કે મન:સ્થિતિનો ખૂબ લાભ લીધો. હિંદુઓના જાતિવાદ અને આભડછેટને કારણે ધર્માંતર કરી ગયેલા લોકોના મનમાં સ્વાભાવિક ગુસ્સો કે ઝનૂન રહેતાં. વીસમી સદીના પૂર્વાર્ધમાં થયેલાં કોમી હુલ્લડોમાં ઘણી મોટી સંખ્યામાં ગોહત્યા કે મસ્જિદ સામે નગારાં વાગવાં એ કારણ બની રહેતાં. કોઈએ કોઈ ખોટું કામ કર્યું હોય ત્યારે એને બદલે એના ધર્મના કોઈ બીજા જ માણસ પર વેર વાળવું એ કોમી હુલ્લડનું નિમિત્ત થઈ જાય છે. આવું એક હુલ્લડ વાયવ્ય સરહદ પ્રાંતના કોહાટ શહેરમાં થયું. કૉંગ્રેસે એની તપાસ કરવા ગાંધીજી અને મૌલાના શૌક્તઅલીની બનેલી સમિતિ નીમી. અંગ્રેજ સરકારે આ સમિતિને કોહાટ જવાની મનાઈ ફરમાવી. તેથી કોહાટના હુલ્લડના શિકાર બનેલા લોકોને રાવલપિંડી બોલાવીને એમની જોડે વાત કરી આ સમિતિએ સત્ય શોધી કાઢવાનો પ્રયાસ કર્યો. ગાંધીજીએ એક એક સાક્ષીની ખૂબ બારીકીથી ઉલટ તપાસ કરી. આ તપાસ ચાલતી હતી તે દરમિયાન જ તેમણે જોયું કે મૌલાના સાહેબ મુસ્લિમોના દોષોને છાવરવાનો પ્રયત્ન કરતા હતા. તપાસ સમિતિના બંને સભ્યોના નિષ્કર્ષો એકબીજાથી સાવ અલગ અલગ આવ્યા. બંનેના જુદા જુદા અહેવાલ બહાર પાડવા પડ્યા. આમાંથી મતભેદ વધતો ગયો તે પછી કદી પૂરો શમ્યો જ નહીં. એ પહેલાં ૧૯૨૪માં કોમી એખલાસ સારુ ગાંધીજીએ દિલ્હીમાં મૌલાના મહમ્મદઅલીના ઘરમાં જ રહીને ૨૧ દિવસના ઉપવાસ કરેલા. ઉપવાસ દરમિયાન દિલ્હીમાં દેશનેતાઓની એક પરિષદ મળી હતી. તેમાં કોમી હુલ્લડોને થતાં અટકાવવા અને કોમી પરિસ્થિતિને સુધારવા સર્વસમ્મતિથી કેટલીક આચારસંહિતા વિચારાયેલી. પરંતુ દુર્ભાગ્યે એના અમલ ઝાઝો વખત થઈ શક્યો નહોતો. મહમ્મદ અલી ઝીણા રાષ્ટ્રીય વિચારના મુસ્લિમ આગેવાન હતા. તેમને સંસદીય પદ્ધતિ પર એવી શ્રદ્ધા હતી કે કોઈપણ પ્રકારનું બિન-સંસદીય પદ્ધતિવાળું પગલું ભરવા તેઓ તૈયાર નહોતા. તેઓ અસહકારને બિન-સંસદીય માર્ગ માનતા હતા. સન્ ૧૯૧૯માં જ્યારે કૉંગ્રેસે અસહકારને પોતાનો કાર્યક્રમ બનાવ્યો ત્યારે એનો શ્રી ઝીણાએ આખર સુધી વિરોધ કરેલો. ઉંમરમાં ઝીણા ગાંધીજી કરતાં નાના હતા, પણ ભારતના રાજકારણમાં એમણે ગાંધીજી કરતાં વહેલો પ્રવેશ કર્યો હતો. કેટલાક લોકોનો એવો અભિપ્રાય હતો કે ગાંધીજીના કૉંગ્રેસ પ્રવેશ અને અસહકારના આંદોલનને મળેલા જબરદસ્ત ટેકાને લીધે ઝીણાની કૉંગ્રેસની આગેવાની છીનવાઈ ગઈ હતી. તે વખતે ઝીણા કૉંગ્રેસ અને મુસ્લિમ લીગ બંનેના સભ્ય હતા. પણ લીગના સભ્ય બનતાં પહેલાં એમણે એટલી ચોખવટ કરી લીધી હતી કે તેથી દેશની સ્વતંત્રતા માટેની તેમની વફાદારીમાં જરાય અડચણ આવશે નહીં. કૉંગ્રેસે અસહકારનો માર્ગ સ્વીકાર કર્યો ત્યારબાદ, અને કૉંગ્રેસમાં એમનો પ્રભાવ ઘટ્યો ત્યારે પછી ઝીણા પોતાની રીતે કૉંગ્રેસનો સીધો વિરોધ કર્યા વિના મુસ્લિમોને ભારતના રાજકારણમાં વધુ અધિકારો મળે તેવા પ્રયાસ કરતા હતા. એમણે મુસ્લિમો સારુ ૧૪ મુદ્દાની માગણીઓ તૈયાર કરી હતી. પણ તેને કૉંગ્રેસ કે બીજા પક્ષોને ગળે ઊતારવામાં તેઓ સફળ થયા નહોતા. ત્યારબાદ તેઓ ઇંગ્લેન્ડ ચાલ્યા ગયા હતા. ત્યાં તેમણે બેરિસ્ટર તરીકે પોતાના વ્યવસાયમાં મન પરોવ્યું હતું અને તેમાં ઠીક ઠીક કમાણી કરી હતી. બીજી ગોળમેજી પરિષદમાં ઝીણાએ હાજરી આપી હતી, પણ તેમની હાજરીની ત્યાં ખાસ નોંધ લેવાઈ હોય એમ જણાતું નથી. અંગ્રેજો પાસે કૉંગ્રેસનો સામનો કરવા બીજા મુસ્લિમ પ્રતિનિધિઓ હતા અને એક નવો જ સમર્થ વિરોધ સૂર કાઢનાર ડૉ. આંબેડકર તેમને મળી ગયા હતા. ત્યારબાદ એકાદ વર્ષ પછી હિંદુસ્તાનથી યુરોપ સહેલગાહ કરવા ગયેલ લિયાકત અલી ખાન નામના એક અમીર ખાનદાનના નબીરા ઇંગ્લૅન્ડમાં ઝીણાને મળ્યા હતા. લિયાકત અલી ખાન ઝીણાને સમજાવવામાં સફળ થયા હતા કે આખા ભારતના રાજકારણમાં ઝીણાના નેતૃત્વનું સ્વાગત ભલે ન થયું હોય, પણ દેશના મુસ્લિમ રાજકારણમાં તેમનું ખૂબ ઉમળકાભર્યું સ્વાગત થશે, પ્રતિષ્ઠામાં ઝીણાને આંટે એવા અલી બંધુઓ હવે રહ્યા નહોતા, અને બીજા રાષ્ટ્રીય મુસલમાનોની મુસલમાનોમાં બહુ પ્રતિષ્ઠા નહોતી. ઝીણા જ હિંદુસ્તાનની ચોથાભાગની જનતાને ખરી દોરવણી આપવા સારુ બધી રીતે યોગ્ય હતા. ઝીણાએ લિયાકત અલી ખાનને દેશ પાછા જઈ આખી પરિસ્થિતિનો ક્યાસ કાઢ્યા પછી તેમને જણાવવા કહ્યું. લિયાકત અલીએ ભારત જઈને ઝીણાને ખાતરી આપતો સંદેશો પાઠવ્યો હતો. ઝીણાને પાકી ખાતરી થઈ ગઈ ત્યારે તેઓ ઇંગ્લેન્ડનું મકાન વેચીને મુંબઈ આવ્યા. ત્યારબાદ થોડા સમયમાં જ મુસ્લિમ લીગે ઝીણાને પોતાના કાયમી પ્રમુખ તરીકે ચૂંટી કાઢ્યા. ત્યારબાદ પણ એક દોઢ વર્ષ સુધી ઝીણાએ કૉંગ્રેસનો સીધો સામનો કરવો પડે એવી કોઈ કાર્યવાહી હાથ ધરી નહોતી. ૧૯૩૭ની ચૂંટણી વખતે મુસ્લિમ લીગને કોઈ પણ પ્રાંતમાં બહુમતી નહોતી મળી. મુસ્લિમ બહુલ પ્રદેશોમાં લીગને ઝાઝી સફળતા નહોતી મળી, પણ જ્યાં મુસ્લિમો લઘુમતીમાં હતા તેવા પ્રાંતોની મુસ્લિમ બેઠકોમાંથી લીગે સારી એવી બેઠકો કબજે કરી હતી. ચૂંટણી અંગેના લીગ અને કોંગ્રેસના ઢંઢેરામાં ઘણું સામ્ય હતું. સંયુક્ત પ્રાંતોમાં તો જ્યાં એક પાર્ટીનો ઉમેદવાર ખડો ન હોય ત્યાં તેમણે બીજી પાર્ટીના ઉમેદવારને ખુલ્લો ટેકો આપ્યો હોય, એવું પણ બન્યું હતું. ત્યાં એક એવી અપેક્ષા ઊભી થઈ હતી કે કૉંગ્રેસ જો સરકાર બનાવશે તો તેમાં લીગી ધારાસભ્યોને પણ સ્થાન આપશે. કૉંગ્રેસને સંયુક્ત પ્રાંતોમાં ચોખ્ખી બહુમતી મળી ગઈ એટલે એણે બીજાઓને સાથે લેવાનો વિચાર પાછળથી ઝાઝો કર્યો નહીં, એણે બે મંત્રીને લેવાની વાત કરી હતી, પણ છેવટે એક જ લેવાની તૈયારી દેખાડી. તેથી સંયુક્ત પ્રાંતની મુસ્લિમ લીગ, જે કૉંગ્રેસની બહુ નજીક આવી રહી હતી તે કૉંગ્રેસવિમુખ થઈ ગઈ. મુંબઈમાં કૉંગ્રેસને ચોખ્ખી બહુમતી નહોતી મળી. ત્યાં લીગને કહેવામાં આવ્યું કે મિનિસ્ટ્રીમાં આવવું હોય તો કૉંગ્રેસની પ્રતિજ્ઞા પર સહી કરીને આવો. પ્રધાનમંડળની રચનાથી કૉંગ્રેસ અને મુસ્લિ લીગ વચ્ચે ખુલ્લી તડ પડી. દિવસે દિવસે તે તડ મોટી થઈ ગઈ. એમાં બંને પક્ષોની વાટાઘાટોમાં વ્યક્ત થતો અહંકાર ને તિરસ્કાર, તથા નેતાઓની મહત્વાકાંક્ષા પણ ભળતી, વળી પગલે પગલે અંગ્રેજ સરકારની અળવીતરાઈ તો ખરી જ. આ બધાના પરિણામે ઝીણાના મનમાં એ ગ્રંથિ બંધાઈ ગઈ કે કૉંગ્રેસ પોતાની બહુમતીને જોેરે લીગને કદી સત્તા પર બેસવા નહીં દે. એના રાજ્યમાં મુસ્લિમો કદી સુરક્ષિત નહીં રહે. ત્યારથી ઝીણાએ કૉંગ્રેસ સાથે શિંગડા માંડ્યાં. અંગ્રેજ સરકારને આઝાદીની માગણી કરનાર અને મોટી બહુમતીનો ટેકો ધરાવનાર પક્ષની સામે ધરી શકાય એવુંં કોઈ સાધન જોઈતું જ હતું. મુસ્લિમ લીગરૂપે તે તેમને મળી ગયું. આ વર્ષો દરમિયાન કટ્ટર હિંદુવાદીઓની દાળ ભારતના રાજકારણમાં બહુ ગળતી નહોતી. ઝીણા વાટાઘાટોમાં પોતાને પક્ષે વધુને વધુ મેળવતા જાય એવા નેતા હતા. એમની સાથે શરૂઆતમાં પં. જવાહરલાલ અને બાબુ રાજેન્દ્રપ્રસાદે વાટાઘાટો કરી હતી. અને ત્યાર બાદ વર્ષો પછી ૧૯૪૪માં વ્યક્તિગત હેસિયતથી રાજાજી અને ગાંધીજીએ લાંબી મંત્રણાઓ કરી હતી. પણ તેમાં કોઈને પણ વાંછિત સફળતા મળી નહોતી. ૧૯૩૯ સુધી ઝીણાનો દાવો એવો હતો કે મુસ્લિમ લીગ જ ભારતના મુસલમાનોનું પ્રતિનિધિત્વ કરી શકે એવી એક માત્ર સંસ્થા છે. ૧૯૪૦ પછી તેમનો દાવો ઓર વધ્યો. તેમણે કહ્યું કે આ દેશમાં હિંદુ અને મુસલમાન બે અલગ અલગ રાષ્ટ્રો છે. એટલે મુસલમાનોને પોતાનો અલગ દેશ મળવો જોઈએ. ઝીણા એક યુક્તિ વાપરતા કે પોતાના કલ્પેલા દેશ ‘પાકિસ્તાન’ વિષે તેઓ કદી સ્પષ્ટ ચિત્ર નહોતા આપતા. સામેનો પક્ષ જો એ અંગે કાંઈ બાંધછોડ કરવા તૈયાર થાય, તો એમની માગણી એનાથી એક ડગલું આગળ વધતી અને જેટલું સામા પક્ષે સ્વીકાર્યું હોય તેટલું તેઓ અંકે કરી લેતા. તેઓ મુલાકાતો હમેશા પોતાને અનુકૂળ સ્થાન અને તારીખે રાખતા અને જો કોઈ બાબતમાં ગૂંચવાય તો તરત કહેતા કે મારે મારી કાઉન્સિલનો આદેશ લેવો પડશે. એ વાત સર્વવિદિત હતી કે ઝીણા જ મુસ્લિમલીગના સર્વેસર્વા હતા. કારોબારી કે કાઉન્સિલનો આદેશ લેવાને બહાને તેઓ માત્ર વધારાનો સમય મેળવી લેતા. હિંદુ અને મુસ્લિમોના બે અલગ અલગ રાષ્ટ્રો છે એ ‘દ્વિરાષ્ટ્ર સિદ્ધાંત’ને છેવટે ઝીણા અને મુસ્લિમ લીગે દેશના ભાગલાનો આધાર બનાવ્યો. પરંતુ દેશમાં બે અલગ અલગ રાષ્ટ્રો છે એ વાત લીગે પોતાના લાહોર ઠરાવમાં પહેલીવાર ૧૯૪૦માં કહી. એનાથી વર્ષો પહેલાં કટ્ટરપંથી હિંદુત્વવાદીઓએ તો દ્વિરાષ્ટ્ર સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું હતું. ૧૯૨૩માં પોતાના ગ્રંથ હિન્દુત્વમાં શ્રી વિ.દા. સાવરકરે આ જ સિદ્ધાંત રજૂ કર્યો હતો અને પછી ૧૯૩૭માં હિંદુમહાસભાના એક અધ્યક્ષીય ભાષણમાં એ વાત તેમણે ફરીથી ભારપૂર્વક કહી હતી. ગાંધીજીએ દ્વિરાષ્ટ્ર સિદ્ધાંતનો છેવટ સુધી વિરોધ કર્યો હતો. તેઓ કહેતા કે હિંદના મોટાભાગના મુસલમાનોના વડવાઓ તો આ દેશમાં જ જન્મ્યા હતા. ધર્મ બદલવાથી કોઈનું રાષ્ટ્ર શી રીતે બદલાઈ જાય? અને કૉંગ્રેસે જો કે પરિસ્થિતિને વશ થઈને ભાગલા સ્વીકાર્યા હતા પણ સ્વતંત્ર ભારતે પોતાનું બંધારણ કોઈ એક ધર્મ પર આધારિત રાષ્ટ્ર તરીકેનું નહીં, પણ સંપ્રદાય નિરપેક્ષ જ ઘડ્યું હતું. જે બેઠકમાં મુસ્લિમ લીગે બ્રિટિશ પ્રધાનમંડળની બંને દરખાસ્તો (હિંદની એક બંધારણ સભા અને વચગાળાની સરકાર)ને ફગાવી દીધી હતી, તે જે બેઠકમાં લીગે ‘સીધાં પગલાં દિન’ પાળવાનો સંકલ્પ જાહેર કર્યો હતો. એને અંગે ઝીણાએ પોતાની કાઉન્સિલ આગળ દાવો કર્યો હતો કે બ્રિટિશ સરકાર પાસે પોતાનું લાવલશ્કર છે ને કૉંગ્રેસ પાસે પોતાનું સવિનયભંગનું શસ્ત્ર છે, તેમ આપણી પાસે પણ આપણી પિસ્તોલ છે. અને તે વાપરવાનો હવે સમય પાકી ગયો છે. લીગ કાઉન્સિલના બીજા સભ્યોએ તો ઉઘાડી ભાષામાં હિંસા આચરવાની ધમકી આપી હતી. ૧૬મી ઑગસ્ટ ૧૯૪૬ના દિનને લીગે ‘સીધાં પગલાં દિન’ તરીકે પાળ્યો હતો. લીગના આદેશ મુજબ કલકત્તામાં એ વખતે જબરજસ્ત રમખાણો ફાટી નીકળ્યાં, જેને દેશે ધ ગ્રેટ કલકત્તા કિલિંગ્સ - કલકત્તાનો મહાસંહાર - તરીકે જાણ્યાં. ત્યારથી શરૂ થયો હિંસાનો એ દાવાનળ જેણે આખા ઉત્તર ભારતને હિંસાના અગ્નિમાં હોમી દીધુ. કલકત્તા, નોઆખલી, બિહાર, દિલ્હી, પંજાબ, વાયવ્ય સરહદ પ્રાંત એમ દરેક જગ્યાએ ભયાનક કોમી હુલ્લડો થયાં, જે છેવટે આઝાદી પહેલાં અને પછીની કત્લેઆમમાં ફેરવાઈ ગયાં. ગાંધીજીએ કોહાટનાં રમખાણો બાદ કોમી એખલાસ અંગેની વાતની ઝાઝી અસર ન થતી જોઈ. તેમણે એ વિષે જાહેરમાં બોલવાનું કે લખવાનું છોડી દીધું હતું. ગોળમેજી પરિષદ વખતે તેમણે દેશની લઘુમતીઓ સાથે સમાધાન કરવાના બનતા બધા પ્રયાસો કર્યા હતા. પણ અંગ્રેજોએ વીણી વીણીને એ પરિષદમાં એવા લોકોને નોતર્યા હતા કે જેમની જોડે સમાધાન થઈ જ ન શકે. છેલ્લી જેલમાંથી છૂટ્યા પછી ગાંધીજીએ જાતે માગણી કરીને ઝીણા સાથે મુલાકાત ગોઠવી હતી. પરંતુ સોળ સોળ દિવસના પ્રયાસ છતાં તેમને તેમાં કશી કામયાબી મળી નહોતી. ઝીણા દેશના ભાગલા કરી અલગ પાકિસ્તાન કરવાથી કશું ઓછું લેવા તૈયાર નહોતા અને ગાંધીજી એ સ્વીકારવા તૈયાર નહોતા. સ્વરાજ આવ્યું તેનાથી ૧૦ વર્ષ પહેલાં પ્રાંતિક સ્વરાજ વખતથી જ અંગ્રેજ સરકારની નીતિ કૉંગ્રેસ અને લીગને સરખે સરખું વજન આપવાની હતી. જો કે શરૂઆતમાં તો આઠ આઠ પ્રાંતોમાં કૉંગ્રેસનું પ્રધાનમંડળ હતું અને લીગનું એકેય પ્રાંતમાં નહોતું. અંગ્રેજ સરકારની નોકરશાહીમાં ઘણા એવા હતા કે જેમને કાળનો અણસાર સમજાયો નહોતો. તેથી તેઓ હિંદની સ્વતંત્રાને બને એટલી પાછળ ધકેલવા તનતોડ પ્રયત્ન કરતા રહેતા. આમ કરવા સારુ દેશમાં હિંદુ-મુસ્લિમ એકતા ન સ્થપાય એ જ એમને ફાવે તેમ હતું. છેવટે જ્યારે છેલ્લા વાઇસરૉય માઉન્ટબેટન આગળ ગાંધીજીએ પોતાનું એ સૂચન મૂક્યું કે ઝીણાને વડાપ્રધાન બનાવો, તેઓ જ પોતાનું મનગમતું પ્રધાનમંડળ રચે અને દેશનાં હિતની વિરુદ્ધ ન હોય એવાં ઝીણાનાં તમામ પગલાંને કૉંગ્રેસ ટેકો આપશે. ત્યારે એ સૂચન આગળ ન વધે એને સારુ બ્રિટિશ નોકરશાહીએ પોતાની બધી ચતુરાઈ વાપરેલી. આ સૂચનનો એક ભાગ એવો હતો કે દેશ હિતમાં શું છે અને શું નહીં એ અંગે જો મતભેદ પડે તો એ અંગે છેવટનો નિર્ણય અંગ્રેજ સરકારના પ્રતિનિધિ તરીકે નહીં, પણ એક વ્યક્તિ તરીકે માઉન્ટબેટન આપે. આખું સૂચન જો ઝીણા ન સ્વીકારે તો એ ઑફર કૉંગ્રેસ આગળ મૂકવી એવું પણ ગાંધીજીએ સુઝાડેલું. પણ આ દરખાસ્ત સૂર્યપ્રકાશ જ જોવા ન પામે એની કાળજી બ્રિટિશ નોકરશાહીએ રાખી. મહત્ત્વાકાંક્ષી માઉન્ટબેટનને પોતાને ‘લવાદ’ અથવા નિર્ણાયક બનાવવામાં આવે એવી દરખાસ્ત ‘આકર્ષક’ પણ લાગેલી. પણ એમના મનોરથ અંગ્રેજ સરકાર આગળ હિંદનો કોયડો ઉકેલનાર તરીકે જશ ખાટી જવાના હતા. તેઓ પોતાની વાઈસરૉય તરીકેની ગાદી પર બેસતાં પહેલાં જ જરૂર પડે તો દેશના ભાગલા પડાવવાનો નિર્ણય જાતે કરી અને બ્રિટિશ પ્રધાનમંડળ પાસે એની સમ્મતિ લઈને ભારત આવ્યા હતા. આ નિર્ણય ધાર્યા કરતાં પણ વહેલો પાર પાડી પોતાની કાર્યકુશળતાની છાપ તેઓ બ્રિટન અને દુનિયા આગળ પાડવા માગતા હતા. બીજા વિશ્વયુદ્ધ પછી હિંદનો ભારેખમ વહીવટ સંભાળવો એ બ્રિટન સારુ લાભપ્રદ નહોતું રહ્યું. તેથી બ્રિટિશ સરકાર બને એટલી વહેલી એ બોજમાંથી મુક્ત થઈ, બ્રિટિશ રાષ્ટ્ર મંડળ પર ભારત અને પાકિસ્તાનને રાખી લશ્કરી દૃષ્ટિએ દક્ષિણપૂર્વ એશિયામાં પોતાનો પ્રભાવ જાળવી રાખવા માગતી હતી. માઉન્ટબેટને ભારત આવી જોયું કે મુસ્લિમ લીગ તો દેશમાં આંતરવિગ્રહ ફાટી નીકળે એ જોખમે પણ અલગ દેશ ચાહતી હતી. કૉંગ્રેસ ભાગલા નહોતી ચાહતી પણ એના વિકલ્પે જો દેશમાં આંતર્વિગ્રહ ફાટી નીકળતો હોય તો જોખમ ખેડવાને બદલે તે ભાગલા સ્વીકારવા તૈયાર થઈ ગઈ હતી. પણ તે પંજાબ અને બંગાળના ભાગલા સાથે. કોઈપણ પ્રકારના ભાગલાનો સમૂળગો વિરોધ કરનાર તો એકલા ગાંધીજી જ હતા. અને તેઓ ખડક જેવા અડગ હતા. એટલે માઉન્ટબેટને તેમને એક કોરે રાખીને પં. જવાહરલાલ અને સરદાર પટેલને પોતાના પ્રભાવ હેઠળ લીધા. અને છેવટે ભાગલાનાં કાગળિયાં પર સહીસિક્કા થઈ ગયા ત્યારબાદ જ ગાંધીજીને એની જાણ કરવામાં આવી હતી. ભાગલાને પરિણામે લાખોના જાન ગયા. કરોડો લોકોને પોતાનાં ઘરબાર છોડવાં પડ્યાં અને અબજો રૂપિયાની સંપત્તિ બરબાદ થઈ. આ આખી કરુણાંતિકાના દોઢ બે વરસ ગાંધીજી લગભગ એકલે હાથે કોમી એખલાસ અને માનવીય મૂલ્યોના બચાવ સારુ ઝૂઝતા રહ્યા. નોઆખલીમાં તેમણે ગામડે ગામડે અને ઝૂંપડે ઝૂંપડે જઈને હિંદુઓને હિંમત આપી. બિહારમાં એ જ રીતે ગામેગામ જઈને તેમણે મુસ્લિમોને પોતાના મૂળ સ્થાને પાછા લાવવા પ્રયાસ કર્યો. કલકત્તા અને દિલ્હીમાં આમરણ અનશન કરીને આ બે નગરીઓને કોમી આગમાં ભસ્મ થતી બચાવી. કટ્ટર હિંદુત્વવાદીઓને ગાંધીજીના આ પ્રયાસોમાં મુસલમાનોનું તુષ્ટિકરણ અને હિંદુઓનો દ્રોહ દેખાતો હતો. તેઓ કોહાટ અને નોઆખલીમાં ગાંધીજીએ જે કર્યું હતું તે વિષે આંખ આડા કાન કરતા હતા, પણ બિહાર અને દિલ્હીને આગળ ધરતા હતા. ખરું જોતાં ગાંધીજીના શાંતિના પ્રયાસો એમના મૂળ હિંદુત્વ વર્ચસ્વવાળા દ્વિરાષ્ટ્ર સિદ્ધાંતના વિરુદ્ધ જતા લાગતા હશે. વળી ગાંધીજીનો ભારતની જનતા પર આટલો બધો પ્રભાવ જોઈને અને એ પ્રભાવ હિંદુ-મુસ્લિમ એકતાના પક્ષમાં જોઈને તેઓ અકળાઈ ઊઠતા હતા. એમને જે દિશામાં ગતિ કરવી હતી તેમાં ગાંધીજીનો પુણ્ય-પ્રભાવ જ આડે આવતો દેખાતો હતો. તેમાંના કેટલાક તો વર્ષોથી ગાંધીજીની હત્યા કરવાનો પ્રયાસ કરી જ રહ્યા હતા. છેવટે પાંચમાં કે છટ્ઠા પ્રયાસે તેઓ એક ૭૯ વર્ષના નિ:શસ્ત્ર, ભગવદ્ભક્ત ડોસાને મારવામાં સફળ થયા હતા. એ હત્યાને પણ તેમણે તો ‘વધ’ની જ સંજ્ઞા આપી. જાણે કે રામ કૃષ્ણની ભૂમિકા ભજવીને રાવણ કે કંસ-શિશુપાલનો વધ કરતા ન હોય! દેશના ઇતિહાસની દૃષ્ટિએ ગાંધીજીએ કોમી એખલાસ સારુ કેવા પ્રયાસો કર્યા, તેમાં શી બાધાઓ આવી તેનો વિચાર આપણે અહીં સુધી કર્યો. સર્વધર્મસમભાવ એ ગાંધીજી સારુ પોતાના વ્યક્તિગત અને આશ્રમના જીવનની આચારસંહિતા હતો. વ્યક્તિગત રીતે અને પોતાના આસપાસના વાતાવરણમાં સાંપ્રદાયિક એકરાગિતા કેળવવાનો કોઈ પ્રયાસ તેમણે જતો નહોતો કર્યો. આ પ્રયાસોને લીધે જ તેમનું જીવન એવું તપોમય બન્યું હતું કે જેના પ્રભાવે જ ભડકે બળતી કલકત્તા અને દિલ્હી મહાનગરીઓની આગ શમી ગઈ હતી. નાનપણથી જ ગાંધીજીના માનસમાં હિંદુ-મુસ્લિમો વચ્ચે ભેદભાવ નહતો. તેઓ જ્યારે ઉચ્ચ શિક્ષણ સારુ વિલાયત જવા નીકળ્યા ત્યારે તેમને વળાવવા આવેલા આઠદશ મિત્રોમાં ત્રણ તો મુસલમાનો હતા. આફ્રિકામાં તેમણે ખ્રિસ્તીધર્મ ગ્રંથો અને ઇસ્લામનો આદરપૂર્વક અભ્યાસ કર્યો હતો અને તે અભ્યાસને પરિણામે તેઓ એ જ નિષ્કર્ષ પર પહોંચ્યા હતા કે જે નિષ્કર્ષ પર સ્વામી રામકૃષ્ણ પરમહંસ પોતાના જાત અનુભવને આધારે પહોંચ્યા હતા. આ નિષ્કર્ષોનો સાર એ હતો કે સર્વ ધર્મો એક જ ઈશ્વરની ઉપાસના જુદી જુદી રીતે કરે છે. આ ધર્મતત્ત્વ આખરે તો માણસની મારફત પ્રગટ થતુ હતું. અને માણસ માત્ર સીમિત શક્તિવાળો હોય છે તેથી દરેક ધર્મમાં ઓછેવત્તે અંશે થોડું અધૂરાપણું પણ રહેવાનું જ. તેથી જ તેઓ ધર્મપરિવર્તનને અનાવશ્યક અને બળજબરીથી કે લાલચ આપીને કરાવેલ ધર્મપલટાને અધાર્મિક માનતા હતા. દક્ષિણ આફ્રિકામાં એમના આશ્રમોમાં કોમી એખલાસનું એવું સરસ વાતાવરણ હતું કે ત્યાં વૈષ્ણવજન ભજન કોઈવાર મુસ્લિમજન તો, કોઈક વાર ખ્રિસ્તીજન ને કોઈવાર જરથોસ્ટ્રી તો તેને કહીએ એમ કરી ગવાતું અને બધા આશ્રમવાસીઓ એ ઉત્સાહભેર ઝીલતા. ત્યાંના સત્યાગ્રહમાં પોતાની સંપત્તિને હસતે મોઢે ખુવાર થવા દેનાર મહમદ કાછલિયા જેવા સાથીઓ તેમને મળ્યા હતા. ઇમામ સાહેબની બેટીના નિકાહની પત્રિકા ગાંધીજીને નામે છપાઈ હતી અને તેમાં તેમણે ઇમામ સાહેબ વિષે ‘મારા સહોદર’ જેવા શબ્દો વાપર્યા હતા. ભારત આવ્યા પછી ગાંધીજીએ પહેલીવાર મુંબઈમાં ખ્રિસ્તીઓ, એંગ્લો ઇંડિયનો અને પારસીઓ સાથે બીજી કોમના લોકોની અથડામણ જોઈ હતી. તે વખતે ઉમર સોબાની અને શંકરલાલ બેંકર જેવાએ જાનને જોખમે હુલ્લડને શાંત પાડવા કામ કરેલું, છેવટે ગાંધીજીના ઉપવાસથી શહેરમાં શાંતિ સ્થપાઈ હતી. ૧૯૨૪માં ગાંધીજીએ જ્યારે દિલ્હીમાં મૌલાના મહંમદ અલીના ઘરે રહીને ૨૧ દિવસના ઉપવાસ કર્યા તે વખતે અલીબંધુઓ, તેમનાં મા ઉપરાંત ડૉ. અન્સારી અને હકીમ અજમલખાન જેવા લોકો દીનબંધુ એન્ડ્રૂઝ અને પંડિત મદનમોહન માલવિયાજીની માફક જ સતત ખડે પગે ઊભા રહીને તેમની સેવા બરદાસ્ત કરતા હતા. ત્યારથી સર્વધર્મ પ્રાર્થના સભાઓ વધુ પ્રચલિત થઈ હતી. ગાંધીજીના આશ્રમોમાં એવું વાતાવરણ હતું કે આ લેખકને પોતે ખાસ્સો મોટો થયો ત્યાં સુધી એ વસ્તુનું ભાન જ નહોતું કે એના મિત્રોમાં કોણ હિંદુ, કોણ મુસલમાન, કોણ સવર્ણ, કોણ અવર્ણ હતું. ગોળમેજી પરિષદમાં જ્યારે ગાંધીજીએ એવું વિધાન કર્યું કે આ પરિષદમાં આવેલા લોકો તો સરકારે વીણી વીણીને નિમંત્ર્યા છે, એ કોઈનું પ્રતિનિધિત્વ નથી કરતા, ત્યારે કોઈકે એમને પૂછ્યું હતું કે કૉંગ્રેસ કેટલા મુસલમાનોનું પ્રતિનિધિત્વ કરે છે? ગાંધીજીએ કહ્યું હતું કે એનો ઉત્તર જાણવો હોય તો ભારતની જેલોમાં જઈને આઝાદીના આંદલોન સારુ જેલમાં ગયેલા લોકોની સૂચિઓ જોઈ લો. ગાંધીજીનાં ઉપાડેલાં રચનાત્મક કાર્યક્રમો ભાગ્યે જ કોઈ એવા હતાં કે જે આખા સમાજને સ્પર્શતાં ન હોય. ખાદી, ગ્રામોદ્યોગ, મજૂર પ્રવૃત્તિ, ગ્રામ આરોગ્ય રાષ્ટ્રભાષા ને સ્વચ્છતા વગેરે ઘણા કાર્યક્રમો એવા હતા કે જે કોઈપણ જાતના ભેદભાવ વિના આખા સમાજની સેવામાં સમર્પિત હતા. પરિણામે ગાંધીજીનો સમાજના દરેક વર્ણ કે વર્ગ જોડે આત્મીય સંબંધ બંધાઈ જતો. પરંતુ ગાંધીજીની સેવા કરવાની એક રીત દરેક વર્ણ કે વર્ગને પોતાની કમી કે ત્રુટી તરફ આંગળી ચીંધી આપવાની પણ હતી. તેઓ જેમ તે વખતના સમાજમાં ભયભીત હિંદુઓને એમના મનની અંદર રહેલી કાયરતાને કાઢવાનું કહી શકતા. તેમ મવાલીઓની ગુંડાગીરીની પણ ઝાટકણી કાઢી શકતા. અસ્પૃશ્યોને તેઓ મુડદાલ માંસ ખાવાની ટેવ છોડવા પણ કહી શકતા તો સવર્ણોને એ પણ કહી શકતા હતા કે અસ્પૃશ્યતા એ હિંદુધર્મને લાગેલું કલંક છે. તેમનો એવો અનુભવ હતો કે માણસ મનમાં કડવાશ રાખ્યા વિના અપ્રિય સત્ય પણ કહી શકે છે. હિંદુ અને મુસલમાન બંને કોમોમાં કટ્ટરપંથીઓ ગાંધીજીથી નારાજ હતા. એનું એક કારણ એ હતું કે જો તેઓ તેમનામાંથી ઘણાના સ્થાપિત હિતો પર જ પ્રહાર કરતા હતા, તો બીજું કારણ એ પણ હોઈ શકે કે બંને પક્ષે એવાય ઘણા હશે કે જે ગાંધીજીનું અપ્રિય સત્ય જીરવી શક્યા નહીં હોય. કેટલાક ઉજ્જવળ અપવાદોને બાદ કરતાં ઘણા કૉંગ્રેસ કાર્યકરો એમની સાથે મતભેદ ધરાવનારા પક્ષો સાથે સામાન્ય રાજકારણીની માફક જ વર્તતા. તેથી એમના કથન અને વહેવારમાં જે અપ્રિય સત્ય પ્રગટ થતું તે મનમાં જરાય કડવાશ વિનાનું જ હશે એમ ન કહેવાય. ગાંધીજીને સ્વરાજપ્રાપ્તિના પોતાના લક્ષ સારુ કૉંગ્રેસનો એક ઉપકરણ તરીકે ઉપયોગ કરવો પડ્યો હતો. તેથી કૉંગ્રેસનો વાંક ઘણીવાર ગાંધીજી પર ઢોળાતો. ગાંધીજી પોતે આમ તો આખા દેશના દોષને પોતાનો જ દોષ લેખતા, તેથી તેમણે કૉંગ્રેસના નેતાઓની લીગ કે ઝીણા સાથે કરેલા અહંકાર મિશ્રિત વ્યવહારોનો દોષ પોતાની ઉપર મઢાય ત્યારે સ્વીકારી લીધો હતો. ૧૯૪૪માં ઝીણા સાથેની અસફળ વાટાઘાટો પછી ગાંધીજીએ કોમી પ્રશ્નને લઈને જે કામો કર્યાં તે બધાં વ્યક્તિગત હેસિયતથી જ કર્યાં હતાં. તેમણે આ કાર્યો મોટા રાજનૈતિક નેતા તરીકે, બે કોમો વચ્ચે સમાધાન કરાવનાર તરીકે નહીં પણ એક શાંતિસૈનિક તરીકે જ કર્યાં હતાં, એમ કહી શકાય. જો કે ગાંધીજીની આ બંને ભૂમિકા અલગ અલગ હતી એમ પણ ન કહેવાય. ‘સીધા પગલાં’ પછી ગાંધીજી કલકત્તા, નોઆખલી, બિહાર, દિલ્હી, ફરી કલકત્તા અને ફરી દિલ્હી ગયા. નોઆખલી પહોંચ્યા ત્યારે ત્યાં તોફાનો થઈ ચૂક્યાં હતાં. પણ કલકત્તા અને દિલ્હીમાં તેઓ હતા ત્યારે તોફાનો ચાલુ હતાં. માટે નોઆખલી અને બિહારમાં એમને ભાગે હુલ્લડોના શિકાર બનેલા હજારો પરિવારોનાં આંસુ લૂછવાનું, આખા ક્ષેત્રમાં નિર્ભયતાનું વાતાવરણ બનાવવાનું હુલ્લડ કરનારાઓનાં મનમાં પશ્ચાત્તાપની લાગણી પેદા કરવાનું તથા ઘરબાર છોડી નાસી છૂટેલામાંથી કેટલાકને પાછા આવવાને પ્રેરવાનું કામ તેમણે કર્યું હતું. કલકત્તા (બીજીવાર) અને દિલ્હીમાં તેમણે આમરણ અનશન કરી, પોતાના પ્રાણને હોડમાં મૂકીને મહાનગરોની અશાંતિ મટાડી હતી. તેમના ઉપવાસથી પ્રેરિત થઈ અનેક સેવકો શહેરની ગલીએ ગલીએ ઘૂમી વળ્યા હતા. કલકત્તા અને દિલ્હીમાં ગાંધીજીએ અશાંતિની સામે પોતાના જીવનની જ બાજી ખેલી હતી. તેમણે શહેરમાં શાંતિ ન થાય ત્યાં સુધી અનશન કરવાનું જાહેર કર્યું હતું. એમણે એની જાહેરાત પહેલાં જ ખોરાક લેવાનો છોડી દીધો હતો. અશાંતિને કારણે ગાંધીજી પ્રાણ આપવા તૈયાર થઈ ગયા છે એ જોઈને સૌ કોઈ સ્તંભિત થઈ ગયા હતા. અનશનની વાત આખા શહેરમાં ફેલાઈ ગઈ હતી. લોકો વિચાર કરતા થઈ ગયા હતા. ગાંધીજી અનશન કરે છે આપણાથી શું થાય? કલકત્તામાં તો જેમણે ગુંડાગીરી કરી હતી તેમની ઘરવાળીઓએ જ અન્ન છોડ્યું. ગાંધીજી અનશન કરે છે, આપણે ગળે કોળિયો કેમ ઉતરે? હુલ્લડ કરનારાઓ આ જોઈ પસ્તાયા. તેમણે પોતે વાપરવા કે એકઠાં કરેલાં હથિયારો લાવી લાવીને ગાંધીજીના ચરણોમાં ધર્યાં. દિલ્હીમાં હોટેલવાળાઓ અને રેસ્ટોરાંવાળાઓએ રાંધવાનું બંધ રાખ્યું. બધા પક્ષના નેતાઓ ગલીએ ગલીએ ફરી વળ્યા. લાખો લોકોએ શાંતિ પ્રતિજ્ઞા પર સહી કરી. જે નિરાશ્રિતોના ક્રોધને લીધે અશાંતિ ફાટી નીકળી હતી તેમનામાંથી હજારોએ ગાંધીજી જોડે ચૂપચાપ ઉપવાસ શરૂ કર્યા. બંને મહાનગરના રાજકારણી નેતોઓએ શહેરમાં ફરી અશાંતિ નહીં થવા પામે એવી બાંહેધરી આપી પછી જ ગાંધીજીએ પારણા કર્યાં. કલકત્તામાં સ્થાપાયેલી શાંતિ જોઈને ગવર્નર જનરલ માઉન્ટબેટને ગાંધીજીને એક પત્રમાં લખ્યું. ‘પંજાબમાં અમારી પાસે પંચાવન હજાર સૈનિકો છે અને વિશાળ પાયા પર ત્યાં રમખાણો ચાલી રહ્યાં છે. બંગાળમાં અમારું દળ એક આદમીનું બનેલું છે અને ત્યાં બિલકુલ રમખાણો નથી. એક લશ્કરી અમલદાર તરીકે તેમ જ એક વહીવટકર્તા તરીકે એક આદમીના સીમાદળને મારા તરફથી મુબારકવાદી આપવા દો!’ આમ ગાંધીજીના કોમી એખલાસ માટેના પ્રયાસો દેશના વિભાજનને અટકાવવામાં નિષ્ફળ ગયા હતા. તેમાં એક કરતાં વધારે કારણો હતાં. પરંતુ એક વ્યક્તિ તરીકે અને એક શાંતિસૈનિક તરીકે ગાંધીજીએ એટલી સફળતા મેળવી હતી કે જેનો જોટો ઇતિહાસમાં ભાગ્યે જ મળી શકે.

***
વાંચો: સૌના ગાંધી શ્રેણી - ૧ પુસ્તક - ૮ — નારી