સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/કાદુની ગોતણ
Jump to navigation
Jump to search
કાદુની ગોતણ
જિંદગી એ શું માનવીનાં નિરધારેલ કાર્યોની સિદ્ધિઓનો સરવાળો છે? કે અધૂરી રઝળેલી ઉમેદોના ઑરતાનો સંગ્રહ છે? ભાગ્યવંતોને ભાગે પહેલી જાતનું જીવન આવતું હશે. સેંકડે નવ્વાણુના તકદીરમાં તો ઑરતા જ લખ્યા છે. પૂરી ગીર જોવી રહી ગઈ છે. ગીરને એક છેડેથી ઊપડી અધગાળે હાથ દઈ પાછો વળ્યો હતો. બીજો છેડો વેરાવળ બાજુ તાલાળા અને સાસણથી શરૂ થાય. એક દિવસ ત્યાં ઊતર્યો હતો. પણ એકલ સવારીએ. ભેળો દુલાભાઈનો કે ગગુભાઈનો સાથ નહોતો. તાલાળા જવું થયું હતું બહારવટિયા કાદુની ગોતણ કરવા. ડરશો નહીં — કાદુની ગોતણ કરવા એટલે કે કાદુના બહારવટાની કહાણીઓ ઢૂંઢવા. ત્યાં એક જીવતો સાહેદ બેઠો હતો.