સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/પ્રેમાલય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રેમાલય

સાણામાંથી એક દિવસ ધર્મ વિદાય લઈ ગયો. અને તે પછી જાણે કોઈ લડાયક જાતિઓએ ત્યાં કિલ્લેબંદી કરી હોય તેવી ગઢ-રચનાની એંધાણીઓ પડી છે. ત્યાગ અને સમત્વના એ દેવાલય ઉપર એક દિવસ તલવાર-બંદૂકોએ હિંસાનાં લોહી રેલાવ્યાં હશે. એ બંને ભૂમિકાઓ વટાવી આપણું પ્રવાસી હૃદય આ સાણા ઉપર એક ત્રીજા જ સંસ્કાર ઊતરતા કલ્પે છે. આખો ડુંગરો જાણે પેલા વિરહી રબારી પ્રેમિક રાણાના નિઃશ્વાસમાં એક દિવસ સળગતો હશે. પોતાની બાળપણની સખી કોટાળી કુંવર, કેવળ જ્ઞાતિ-ભેદના કારણે જ પોતાના ભાગ્યમાંથી ભુંસાઈ ગઈ, બીજે પરણી ગઈ, રાણો એના સમાચાર લેતો લેતો પોતાની ભેંસો ઘોળીને સાણે આવી પહોંચ્યો, અને એ જીવતા જીવતા પહાડને પૂછ્યું કે :

કાગા જમત હે આંગણે, ખન ખન પથારા,
સાણા! સાજણ ક્યાં ગયાં, મેલીને ઉતારા!

નદીને પૂછ્યું :

ચોસર જેનો ચોટલો, નાક ભાતીલાં નેણ,
રાણો પૂછે રૂપેણને, કોઈ દીઠાં મુંજાં સેણ.

સામે પાંચ ગાઉ ઉપર નાંદીવેલામાં ‘કુંવર્ય’ વસે છે, પણ રાણાથી કેમ જવાય? સાણે બેસીને એનું ધ્યાન ધરવું જ રહ્યું. પરંતુ જીવ ન જંપ્યો :

સાણે મન સૂતું નહિ, ધુંવાસને ધડે,
આવ્યું આંટો લે, રોતું મન રાણા તણું.

ભેંસો લઈને ભટક્યો. ધુંવાસના ડુંગરમાં ગયો. પાછો સાણામાં ને સાણામાં સમાયો.