સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/બહારવટાંના જતિધર્મ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


બહારવટાંના જતિધર્મ

પણ આ જોગીદાસની ઘટનાનું તો આડું ફણસવું ફાટ્યું. અમે તો રાવલ નદીમાં એક બીજા જ બહારવટિયાની મુલાકાતે આવેલા : અમે આવેલા વેજલ કોઠો જોવા : વેજલ કોઠો એટલે અમદાવાદના પાદશાહ મહમ્મદશાહ સામે બહારવટે નીકળેલા સરવૈયા બે ભાઈ જેસાજી-વેજાજીનું ગુપ્ત રહેઠાણ. આ બહારવટિયાઓની રોમાંચકારી વાતો મેં સાંભળી હતી. પાંચમી ‘રસધાર’માં ‘ભૂત રુવે ભેંકાર’વાળી કથાને અંતે જે બે ભાઈઓ માંગડા ભૂતના મહેમાન બની માયાવી પ્રેત-કિલ્લામાં રાત રહે છે, ને માંગડાને સદ્ગતિએ પહોંચાડે છે, તે જ આ જેસાજી-વેજાજી : એણે બહુ બહુ દુઃખો સહન કર્યાં હતાં : બહારવટાંમાં એણે યતિ જેવા આચાર પાળ્યા હતા : પંચકેશ વધાર્યા હતા : પોતાના અંગ પરની ઝીણી એક જૂ પણ નાખી ન દેતાં ડગલામાં રાખી હતી : કહે છે કે એ જેને બાન પકડી જતાં, તેને તોબાહ પોકારાવવા માટે ફક્ત આ ડગલા જ પહેરાવી દેતા! બંદીવાન એ ટોલાઓના દંશથી ત્રાહિ પોકારી જતો; જ્યારે બહારવટિયા તે નિરંતર પહેરી રાખતા. એથી વધુ વિસ્મયકારી દેહદમન અને આત્મભોગનું દૃષ્ટાંત તો જેસા-વેજાના કાકા ગંગદાસજી બહારવટિયાનું : એની પીઠ પર એક પાઠું પડી ગયેલું. પાઠામાં જીવડાં પડ્યાં : પણ જીવડાંને કાઢીને નાખી તો દેવાય નહિ : તેમજ પોતાનો દેહ પણ જીવડાં ખાઈ જાય એ બને નહિ : તેથી રોજ એ પાઠામાં ઘઉંના લોટના પીંડા ભરે : જીવડાંને એ લોટ ખવરાવી નભાવે : ને પોતે શરીર બચાવી બહારવટાં ખેડે : આખરે એ રઝળપાટમાં એક સમયે લોટ ન મળ્યો. જીવડાંની વેદનાનો પાર ન રહ્યો. પાછળ પાદશાહી ફોજ ગાજતી આવે છે : નાસી છૂટવા લાઇલાજ બનેલા ગંગદાસ કાકાએ પોતાનું માથું શત્રુને હાથ ન જાય તે નોકને ખાતર બેટા વેજાજીને હાથે પોતાનો શિરચ્છેદ કરાવ્યો, વગેરે બધું વૃત્તાંત તો સવિસ્તર ‘સોરઠી બહારવટિયા’ના બીજા ભાગમાં આપીશ.